Tuesday, 6 December 2016

[amdavadis4ever] બાળકને મશીન બનતો અટકાવવાની મથામણ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૫૭ વર્ષીય જીનાન કેબીના શિક્ષણક્ષેત્રના વિચારો ઊંધા પ્રવાહે તરવા જેવા છે. આજે જ્યારે દરેક ક્ષેત્રે પ્રદૂષણ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે જીનાન જુદી જ જીવનપદ્ધતિની વાત કરે છે. તેમનું કહેવું છે કે આપણી શિક્ષણ પદ્ધતિ પશ્ર્ચિમના વિચારોને આધારિત છે જે કુદરતને નુકસાન કરે છે. ધરતી સાથે એકરૂપ નથી. શિક્ષણ ફક્ત પોથીના રિંગણા જેવું બની ગયું છે. પુસ્તકો અને પેપર આપણને નોલેજ(માહિતી) આપે છેે પણ ખરા જીવન સાથેનો નાતો કાપી નાખે છે. બાળકોને બીબાં ઢાળ બનાવીએ છીએ જેનો કુદરત સાથેનો કોઈ નાતો જ નથી હોતો. તેમની આ વાતને ધ્યાનથી સાંભળીએ તો આપણને ચોક્કસ જ તેમાં હામી ભરવાનું મન થાય, પરંતુ આપણે જ જ્યાં દુનિયાનો અનુભવ ન કર્યો હોય તો બાળકને કઈ રીતે અનુભવ લઈ શકે તેવું વાતાવરણ આપી શકીએ. તમારું જીવન કઈ રીતે જીવવું તે બીજા નક્કી કરે છે તમે નહીં તે કેવું શિક્ષણ? 

જીનાનનો જ્ન્મ અને ઉછેર કેરાલાના થિસુર ખાતે થયો. સૈનિક શાળામાં તેમનું ભણતર થયું ત્યારે તો તેમને લશ્કરમાં જવાની ઈચ્છા હતી પણ તેમનું સિલેકશન ન થતાં ભોપાલ એન્જિનયરિંગ કૉલેજમાં ભણવા ગયા. એન્જિનિયરિંગનું એક જ વરસ બાકી હતું ને તેમને વિચાર આવ્યો કે જીવનમાં ખરેખર જરૂરી છે તે શીખાતું નથી એટલે વરસનો ડ્રોપ લઈને ભોપાલમાં જ એક નાનકડી શાળામાં શીખવવાનું શરૂ કર્યું. તે જ સમય ખ્યાલ આવ્યો કે બાળકોને મૂળે શિક્ષણ જ ખોટી રીતે આપવામાં આવે છે. તેમણે નક્કી કર્યું કે પોતે ૯ થી ૫ની નોકરી તો નહીં જ કરે પણ એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએશન પૂરું કરી અમદાવાદમાં એનઆઈડીમાં પ્રોડકશન ડિઝાઈનિંગમાં પ્રવેશ લીધો. ત્યાં જઈને તેમને મોકળું આકાશ મળ્યું. સાથે એ પણ સમજાયું કે ડિઝાઈનિંગમાં પણ આપણે પશ્ર્ચિમની કોપી જ કરીએ છીએ. એટલે નક્કી કર્યું કે ડિઝાઈનર જોબ નથી લેવી. તેમણે બંગાળ, ઓરિસ્સા, કેરાલાનાં ગામડાંઓમાં કારીગરો સાથે રહીને તેમની પરંપરિત કારીગરીનો અભ્યાસ કર્યો. 

કેરાલામાં નિલામ્બુર પાસે આવેલા અરુવાકોડે નામના ગામમાં રહેતા પારંપારિક કુંભારો જે સ્પર્ધાત્મક ન બની શકતા તેમની કારીગરી નષ્ટ થઈ રહી હતી તેને જીનાને જીવંત કરવામાં મદદ કરી. તેમને આજના યુગમાં ચાલી શકે તેવી નવી ડિઝાઈન કરી આપી. કુંભમ નામની સંસ્થાની સ્થાપના દ્વારા તેમના કામને આજની દુનિયામાં ચાલી શકે તે રીતે ડિઝાઈનિંગ કરી તેની માગ વધારી કારીગરોને પગભર થવામાં મદદ કરી. 

ત્યારબાદ જીનાન કેબીએ શિક્ષણક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી. તેમણે સૌ પ્રથમ પૂના પાસે આવેલી સાધના સ્કૂલ ત્રણ વરસ ચલાવી.

એએસ નીલે ૧૯૨૭ની સાલમાં ઈંગ્લેંડમાં સમરહીલ નામે શાળા કરી હતી. નીલ પણ માનતા હતા કે બાળકોની સ્વતંત્રતા છીનવીને ભણાવવા ન જોઈએ. તેમને મુક્ત રાખીને ઉછેરવા જોઈએ. પણજીનાનનું કહેવું છે કે બાળકો તો સ્વતંત્ર વિચાર સાથે જ જન્મે છે. આપણે બાળકોને આપણા જેવા બનાવીએ છીએ. અર્થાત્ તેમને સહજ નથી રહેવા દેતા. ખોટું બોલવું તેમને ખબર નથી પણ તું ખોટું બોલે છે? કહીને સાચું-ખોટું શબ્દ આપીએ છીએ. તેમને ગોખણિયા પોપટ બનાવી દઈએ છીએ. બાળકના મનમાં એક ડર સતત ઘુસાડીએ છીએ. જીવનમાં વિશ્ર્વાસ, પ્રેમ-કાળજી આજે નથી રહ્યા. કેમ? બાળકના મનમાં સતત ડર અને તાણ ઘુસાડીએ છીએ. શું આજનો માનવી સતત તાણ અને ડરમાં નથી જીવતો? જો હા તો તેનું મૂળ આપણી શિક્ષણપ્રથામાં છે. આપણું ચેતાતંત્ર કામ નથી કરતું. આપણી જોવા, સાંભળવા, સૂંઘવા, સ્પર્શ વગેરેની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે કારણ કે જીવનને આજમાં જીવવાનું પણ આપણે ભૂલી ગયા છીએ. જો બાળક કુદરત સાથે રમતા ઉછરે તો આ બધી ઈન્દ્રિયો સતેજ થતાં ખરું શીખવાની શરૂઆત થાય છે. આજની ક્લાસરૂમ મેથડમાં બાળકના વિકાસને પણ કુંઠિત કરી દેવામાં આવે છે. શાળામાં બાળકને શું શીખવાડાય છે? સ્પર્ધાત્મક કઈ રીતે બનવું? બીજા કરતાં આપણે આગળ કઈ રીતે જવું? સ્વાર્થી બનતા પણ શીખે છે? શિક્ષણ બાળકને ઈન્ટેલિજન્ટ મશીન બનાવે છે પણ તેને ક્રિએટિવ બનાવી શકતી નથી. આજે બધા જ કોપીકેટ બની ગયા છે. નવું પોતાનું કોઈ કરી શકે તેવી સ્વતંત્રતા જ નથી આપવામાં આવતી. તેને માટે કુદરતમાં જવું પડે. કુદરતી જીવન જીવવું જોઈશે પણ એ જ તો આપણે નષ્ટ કરી રહ્યા છીએ. એટલે શિક્ષણ દ્વારા આપણે તેમને સેક્ધડ રેટ જીવન આપીએ છીએ. મૃત વ્યક્તિઓ આપણી આસપાસ ઊભા કરીએ છીએ. તેમાં જીવન ક્યાં રહ્યું? 

જીનાન કેબી બસ પોતાના આવા વિચારો લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે છે. તેઓ શિક્ષણને નવા સ્વરૂપે સમજાવવાનો પ્રયાસ કરે છે. એ માટે તેમને અવારનવાર લોકો-સંસ્થાઓ વર્કશોપ લેવા માટે બોલાવે છે. જો કે તેમને ઘણા લોકો પાગલ ગણીને માને છે કે આવું કઈ રીતે થઈ શકે કે બાળકને કશું શીખવાડવાનું નહીં? જીનાન હસતાં હસતાં કહે છે કે દરેક પ્રાણી પોતાની જાતે જ જીવતાં શીખે છે. બાળક જન્મ્યા બાદ ચાલતાં, ખાતા શીખે છે, તે જ રીતે તે આસપાસની સૃષ્ટિને જોતાં, અનુભવતાં ખરું જીવન જીવી શકે છે. આજે જે પ્રદૂષણ દરેક ક્ષેત્રે છે તે આપણી શૈક્ષણિક પ્રથાને કારણે જ છે. જીનાનની વાતો કદાચ આપણને સ્વીકાર્ય ન લાગે કારણ કે આપણી પાસેથી સ્પર્ધા, માહિતી બધું લઈ લેવામાં આવે તો શું કરવું તે સમજાય જ નહીં. જીનાનને સવાલ પૂછ્યો કે રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન શાળા શરૂ કરી હતી તે પણ તો આવા જ ઉદ્દેશ સાથે ને? જીનાન કહે છે કે, ' હા, પણ અત્યારે શાંતિનિકેતન મૃતપાય જેવી સ્થિતિમાં છે કારણ કે બધા રવીન્દ્રનાથને અનુસરવા માગે છે પણ રવીન્દ્રનાથ કોઈને બનવું નથી. ગાંધીજીને અનુસરનારા ગાંધીજી જેટલું તો નહીં પણ તેમના જેવું કામ પણ ન કરી શક્યા કારણ કે કોઈ ગાંધીજી ન બન્યું. બાળકને શિક્ષણ દ્વારા આજે કોઈને કોઈના ફોલોઅર બનવાનું શીખવાડાય છે. પણ તેને પોતાના માલિક બનવાનું નથી રહેવા દેતા. હું વર્કશોપમાં સાદો સવાલ પહેલાં પૂછું છું કે આકાશનો રંગ કેવો છે? બધા જ મોટાઓ એક જ ક્ષણમાં કહેશે બ્લ્યુ. જ્યારે બાળકોને પૂછું તો તેઓ આકાશ તરફ જોઈને ત્યારે જે આકાશ દેખાતું હશે તે રંગ કહેશે. બાળક આજમાં અત્યારની ક્ષણમાં જીવતું હોય છે તે સામે જે આવે તેનું નિરિક્ષણ કરીને તેની સાથે નવું રમતાં શીખશે. દરેક બાળક આગવું હોય છે તેને પોતાની રીતે પોતાનો વિકાસ કરવા દેવું જોઈએ, પણ આપણે આપણા બનાવેલા બીબાંમાં તેને ઢાળીએ છીએ. એટલે જ આપણે વિકાસ નથી કરી રહ્યા. આજે જેને વિકાસ માનીએ છીએ તે છેતરામણો વિકાસ છે તે ખરેખર વિકાસ હોતતો આજે જે સમસ્યાઓ છે દુનિયામાં તે ન હોત. 

જીનાનને લોકો એવા પણ પ્રશ્ર્નો કરે છે કે તો પછી બાળકને શું ભણાવવાનું? ત્યારે જીનાન હસીને કહે છે કે એ બાળકને નક્કી કરવા દો કે તેને શું શીખવું છે. અત્યારનું શિક્ષણ ફક્ત મનનું હોય છે તેમાં અનુભવને સ્થાન નથી. રોટલી બનાવતાં શીખો ત્યારે મનથી નથી શીખાતી તેમાં શરીર અને મન બન્ને જોઈએ છે. એ જ રીતે દરેક બાબત અનુભવ દ્વારા બાળક શીખે તે જ મહત્ત્વનું છે. આમ પહેલાં શીખવાની પરિભાષા જ બદલવાની વાત જીનાન કેબી કરી રહ્યા છે. જીનાન કોઈને કંઈ કરવાનું કહેવામાં નથી માનતા તેમનું કહેવું છે કે હું માત્ર ખરો વિચાર જણાવું છું તેના પર કઈ રીતે વર્તવું તે દરેકે પોતે જ નક્કી કરવાનું હોય છે. બીજું કે શિક્ષણ અહંકારી બનતા શીખવે છે. આપણે બીજાથી સુપિરીઅર છે તેવું શીખવાય છે. અહંકાર અને ગમા-અણગમા બાળક જન્મથી લઈને નથી આવતું. 

જીનાન કેબી કહે છે કે હું પ્રયત્ન કરું છું શીખવાની સાચી રીત જણાવવાની પછી કોઈ આગ્રહ નથી રાખતો. શિક્ષણ અને શીખવું એ બે બાબત પર જ આખી દુનિયા બને છે તેને જુદી રીતે વિચારવાની જરૂર મને લાગી. લોકો માને તો તેમની મરજી ન માને તો તેમની મરજી હું તો મારું જીવન એ જ રીતે જીવું છું આજમાં ન હું કોઈનો ગુલામ બન્યા,ે ન બનીશ. ખૂબ જ ઓછી જરૂરિયાતમાં મારું જીવન જીવાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment