Wednesday, 28 December 2016

[amdavadis4ever] એક જ સત્ય છે ‘ભ જિયાં ’ : બા કી બધ ું તો મિથ્યા!...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




કહેવાય છે કે સત્તરમી સદીમાં એક અંગ્રેજ ઓફિસરે પહેલીવાર જ્યારે ભજિયા હાથમાં લીધા ત્યારે એને સમજાયું નહોતું કે ચણાના લોટના પડમાં બાફેલું બટેટું અંદર ઘૂસ્યુ કઇ રીતે? ખૂબ વિચારમાં પડી ગયો અને હાથમાં ભજિયું ઠંડું થઇ ગયું પણ રહસ્ય ના તે ના જ સમજાયું અને એ રહસ્યને પામવા ભારતમાં અંગ્રેજો વસી ગયા. આખી દુનિયા પર રાજ કરનાર શાણી અંગ્રેજ પ્રજા આપણા ભવ્ય ભજિયા સામે હારી ગયેલી. ભજિયા એ ખરેખર રહસ્યમય વાનગી છે. જેમ પૃથ્વીની ઉત્પત્તિ કઇ રીતે થઇ એ વિશે કોઇ જ શ્યોર નથી એ જ રીતે ગરમાગરમ ભજિયાને મોઢામાં મૂકતા જ મોંમાથી 'હાય-હાય' એમ આહ નીકળે તોયે લોકો એને ધગધગતા ખાઇને આંખોને ગોળગોળ ફેરવીને કયો આનંદ મેળવે છે એ પણ હજુ કોઇને ય સમજાયું નથી...

ગાંઠિયા ભલે ગુજજુઓની તાકાત હોય પણ ભજિયા એ ભાવતી કમજોરી છે. એમાંયે જ્યારથી સુરતીલાલા કિશોરભાઈ ભજીયાવાલાના ઘરમાંથી કરોડો રૂપિયા કેશ મળ્યાના સમાચાર સાંભળ્યા છે ત્યારથી અમને બ્રહ્મજ્ઞાન લાધ્યું છે કે જે મજા નોકરી,ધંધા કે આવા લેખનમાં નથી એ ભજિયાની લારીમાં છે. હવેથી 'કિશોરભાઇ ભજિયાવાળા' જ આજન્મ મારા હીરો છે અને સદાયે રહેશે! માત્ર મામુલી ભજિયા તળીને અને એની કમાણીને વ્યાજે ફેરવીને કે બીજે રોકીને કોઇ વીરલો કરોડો રૂપિયા બનાવી શકે તો એ ફક્ત મારો જ નહીં પરંતુ દરેક ગુજજુઓનો આદર્શ પ્રજાપુરુષ કહેવાય! નવાઇની વાત એ છે કે જે મહાન સુરત નગરીમાં કિશોરભાઇ જેવા વીર ભજિયાવાળા પાક્યા છે એ જ સુરતમાં દોઢસો વરસ પહેલા એક કવિ-લેખક વીર નર્મદે કલમને ખોળે માથું મૂકેલું... અને અમે ભોળાં એ લેખક નર્મદને આદર્શ માનીને લેખક બનવા નીકળી પડેલા પણ કાશ અમને કિશોર વયે કિશોરભાઇ ભજિયાવાળા વિશે ખબર હોત તો કલમ છોડીને કડછીને ખોળે જ માથું મૂકી દીધું હોત! અને આજે ભજિયા તળી તળીને કરોડો રૂપિયા રળી લીધા હોત. આખી જીંદગી લખ-વા' થયો હોય એમ લખ લખ કર્યા પછી પણ જેટલું નથી કમાઇ કરી શક્યા એટલું તો કિશોરભાઈ એક અઠવાડિયામાં કે કદાચ એક દિવસમાં કમાઈ લેતા હોય તોયે નવાઇ નહીં! અરે,જે છાપામાં અમારા લેખ છપાયા હોય એ જ છાપાના કાગળોમાં ગરમા ગરમ ભજિયા તળેલા મરચાં સાથે પીરસાતા હોય ત્યારે એ જોઇને અમને કેવા મરચાં લાગતા હશે એનો વિચાર તો કરો! 

હવે તો અમારા જીવનના બધાં કજિયાનો અંત ભજિયામાં જ દેખાય છે. કબીરે "ઢાઇ અક્ષર પ્રેમ માટે જે લખેલું એ અમને ભજિયા માટે સૂઝે છે કે "પોથી પઢ પઢ જગ મુઆ, હુઆ ના પંડિત કોય.... ઠેલા ભજિયા કા કરો ગઝબ કમાઈ હોય. અર્થાત- હે પોથીપંડિતો, બુદ્ધિજીવીઓ, પ્રોફેસરો, વકીલો, વૈજ્ઞાનિકો, બિઝનેસમેનો કે લુખ્ખા લેખકો તમારી દુકાનો-ઓફિસો-કોમ્પ્યુટરો બંધ કરો, હરો ફરો ને ભજિયાની લારી કરો! હે ભણેલાઓ, ચર્ચા મૂકો ને મરચાં તળો. કવિઓ છંદ છોડીને કંદ તળો. પ્રોફેશનલો પ્રેક્ટિસ છોડો અને પપૈયા કાપો. ભજિયાકિંગની એવી તે તરબતર અસર થઇ છે કે આજ સુધી અમે અમારી જાતને બુદ્ધની આઠમી પેઢી સમજીને ફરતા હતા પણ હવે મહાપરીનિર્વાણની તૈયારીઓ કરીને ભજિયાની લારી લગાડવાનું લોકેશન શોધી રહ્યા છીએં. 

ઇન્ટરવલ:

સીને મેં જલન આંખોમેં તુફાન-સા ક્યું હૈ?

(ગરમ તીખાં ભજિયાં ખાતી વેળાએ સૂઝેલું)

જોકે સુરતનાં કિશોરભાઈ ભજિયાવાળા ભલે છાપે ચડ્યા પણ દેશમાં ગામેગામ નગર નગર આવા વીર-લારીવાળાઓની કમી નથી. અમારા મુંબઇના વડાપાંઉ વીથ લાલ લસણની ચટણી એ તો મહારાષ્ટ્રની ધગધગતી અસ્મિતા છે. સાંતાક્રુઝમાં એક હોસ્પિટલ બહાર વડાપાંઉ અને મગ-દાળના ભજિયાઓ વેંચી વેંચીને લારીવાળાએ જુહુ જેવા પોશ એરિયામાં કરોડોનાં આલીશાન ફ્લેટસ ખરીદ્યાં છે. બપોરે છેક ૩ વાગ્યા પછી જ દર્શન દેતાં એ ભજિયાબંધુઓ રાત્રે ૮ વાગ્યે તો લારી વધાવીને પોતાના મહેલમાં પ્રસ્થાન કરી શકવાની જાહોજલાલી માણે છે.એની સરખમણીએ લારીવાળા કરતાં ડબલ કલાકો ઢસરડા કરીને ટ્રેનમાં લટકીને રોટલો રળતાં લાખો મુંબઈગરાઓ ઢંગનો ઓટલો પણ નથી પામી શક્યા. ધૂળ પડી એવા ઢસરડામાં, શું પૈસા છે ભજિયા અને દાલવડામાં!

એ જ રીતે બાંદ્રા કે પાર્લા વેસ્ટમાં કોલજોની બહાર વડાપાંઉવાળાઓના પોતાના સંતાનો દેશની બહાર ફોરેન યુનિવર્સિટીઓમાં ભણે છે અને એ વડાપાંઉની લારી સામેની જ કોલેજમાં ૨૫-૩૦ વર્ષ સુધી લેકચરો ઠોકનારા પ્રોફેસરો પગાર કે પેન્શન ગણતા ગણતા ગુજરી જાય છે. મુંબઇના ભાઇદાસ નાટ્યગૃહમાં નાટકના ઇન્ટરવલમાં ગરમ બટાટાવડા ખાવા માટે સ્વાદપ્રેમી ગુજજુ પ્રેક્ષકો અડધેથી જ નાટક છોડીને એ રીતે જતાં રહે છે જેમ નળરાજા દમયંતિને છોડીને જતા રહેલાં. ક્યારેક તો નાટક જોવું એ બટાટાવડા ઝાપટવાનું બહાનું હોય એવું લાગે. ગુજરાતી રંગભૂમિમાં કોઇપણ કલાકાર કે નિર્માતા કરતાં એ બટાટાવડાવાળાએ વધુ કમાણી કરી હશે એમાં બેમત નથી. જોકે એ બટાટાવડાં, ઘણાખરાં નાટકો કરતાં વધું ફ્રેશ હોય છે એમાં યે બેમત નથી! ૭૦-૮૦ના દાયકામાં,મુંબઇના દાદર ઇલાકાની છબિલદાસ સ્કૂલના નાનકડા હોલમાં વરસો સુધી અમરીશ પુરી,ઓમ પુરી, અમોલ પાલેકર વગેરે કલાકારો મામૂલી ટિકિટે પ્રાયોગિક નાટકો કરતા. એ ચળવળે ભારતીય રંગમંચ પર ક્રાંતિ આણેલી. એ નાટ્ય-પ્રવૃત્તિ તો ક્યારનીયે બંધ થઇ ગઇ પણ એજ છબિલદાસ શાળા સામે જે બટેટાવડાવાળો છે ત્યાં હજીયે વરસોથી સેંકડો વડા-વાંચ્છું લોકોની લાઇનો લાગેલી હોય છે. બે લીલાં મરચાં અને બે બટેટાવડા લેવા માટે લોકોના ટોળેટોળાં આંખો ફાડીને તાજા ફાલ માટે એ રીતે રાહ જોતા હોય છે જેમ કરવા-ચૌથમાં ઉપવાસી ગૃહિણી ચાંદના પ્રગટ થવા માટે ટળવળતી હોય! અરે માત્ર બે જ કલાકમાં ૧૫૦૦ કચ્છી દાબેલી વેચીને બાકી આખા દિવસ પૈસા ગણનારા કચ્છી માડુએ કોઈ દિવસ મેનેજમેંટ થિયરી વિશે વિચાર્યું પણ હશે? હાય, દાબેલી વિશે વિચારીને અમારી દાબેલી દરિદ્રતા દિલ ફાડીને રડી ઊઠે છે! 

સુરતના ભજિયાવાળાભાઇ ભલે અત્યારે ન્યૂઝમાં છે પણ એ જ સુરતમાં લોચાવાળાને ત્યાં પણ તિરુપતિ કે વૈષ્ણોદેવી જેવી લાંબી લાઇનો લાગે છે. દેશની આર્થિક કટોકટીના કાળમાં સૌ કેશક્રંચની કાગારોળ મચાવી રહ્યા છે ત્યારે કોઈ ચાવાળો તમને રડતો દેખાણો? (અહિં ચાવાળાનો બીજો અર્થ કાઢવો નહીં) લોકો પૂછે છે કે બેંકોની લાઇનમાં કરોડપતિઓ કે નેતાઓ દેખાયાં? પણ અમે પૂછીએ છીએ કે કોઈ ભજિયાવાળો,વડાપાંઉવાળો,દાળવડા કે પકોડાવાળો દુકાન બંધ કરીને એટીએમની શોધમાં નીકળ્યો ખરો? અરે, શા માટે નીકળે? જેમ એક સુંદર સ્ત્રી સ્વયં જ એક કવિતા હોય છે એમ લારીવાળાઓ પણ સ્વયં જ સાક્ષાત એટીએમ હોય છે. સરકારો આવશે-જશે, કરન્સીઓ આવશે-બદલાશે પણ શાશ્ર્વત સત્ય છે ભજિયા, બાકી બધું મિથ્યા !

ઇનશોર્ટ, દેશની અસ્થિર ઇકોનોમીમાં અને અમારી અસ્થિર માનસિક હાલતમાં, કરોડો કમાઇને ખાલી ખિસ્સા ભરવાનો એક જ ઉપાય દેખાય છે: ભજિયાની લારી! ઘણાં હેલ્થ ચિંતિત લોકો ટીશ્યુ પેપરમાં ભજિયા દબાવીને તેલ કાઢી નાખે છે એમ અમારી અંદરથી પણ હવે બધી હોંશિયારી કે હેકડી નીકળી ગઇ છે. લખવાનું વિચારવાનું ચર્ચવાનું ફિલ્મો બનાવવાનું- એ બધા ભૂંડા ભણતરના ભૂત હવે ઉતરી ગયા છે. આ દેશમાં હવે તો ચૂપચાપ બસ ભજિયા ઉતારવા એજ સાચો ઉપાય છે..થાય છે કે - 'ભલું થયું ભાંગી ભણતરની જંજાળ, હવે સુખે વેચીશું ભજિયા કમાલ'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment