Saturday, 26 September 2015

[amdavadis4ever] આર્થિક નબળાને સહાય અને સગવડતા -સુવિધાનું પેક ેજ -તંત્રીલેખ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુજરાતમાં ઉપલા વર્ગના લોકો જેમને અનામત વ્યવસ્થાનો લાભ મળતો નથી તેમના માટે આકર્ષક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ કેટલી રકમનું છે તે કરતાં એક શરૂઆત થઈ છે તેમ સમજવાનું છે. માત્ર પછાત અને આદિવાસીને જ લાભ મળતા હતા તેને બદલે હવે ઉપલા વર્ગના આર્થિક પછાતને પણ શિક્ષણ-નોકરીમાં લાભ મળશે.

અનામત પ્રથામાં સામાજિક બાબતને બદલે માત્ર આર્થિક પછાત હોય તે જ માપદંડ અપનાવવો જોઈએ. આ દિશામાં હજુ વિચારણા અને ચર્ચાને અવકાશ છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં અનામત પ્રથાને બહેકાવવામાં ઘણું નુકસાન થયું છે. લઘુમતીવાદ-સમાજવાદ-અનામત પ્રથા આવી બાબતોએ ભારતને દાયકાઓ સુધી પાછળ જ ધકેલવાનું કાર્ય કર્યું છે.

અનામત આંદોલન ખોટી દિશા પકડે છે. નેતૃત્વ લેવા અનેક આગળ આવે છે તે તમામને પોતાનો સ્વાર્થ હોય છે. એક પણ આંદોલન સમાજના લાભાર્થે થતું નથી, પરંતુ પોતાના સ્વાર્થને પોષવા માટે થઈ રહ્યું છે. હવે આર્થિક રીતે પાછળ રહી ગયેલાઓને પણ શિક્ષણ-નોકરીમાં (વય છુટછાટથી) લાભ મળશે તે એક રીતે સારી બાબત છે.

કોઈને અન્યાય થાય નહિ તે જોવાની રાજ્યની ફરજ છે. અનામત પ્રથામાં કેટલીક માનવીય અવ્યવસ્થા ઊભી થવાથી તેનો હેતુ જળવાતો નથી. શિક્ષણ ખર્ચાળ બની રહ્યું છે તેમ જ શિક્ષણ રાજ્યાશ્રિત રહ્યું નથી. હવે ખાનગી સંસ્થાઓ શિક્ષણક્ષેત્રે પ્રવેશી હોવાથી ઊંચી ફી બાબતે વારંવાર ફરિયાદ થઈ રહી છે, પરંતુ તેનો ઉપાય કોઈને દેખાતો નથી.

શિક્ષણ લીધા બાદ દરેકને આરામની નોકરી જોઈએ છે. આ બાબતની માનસિકતા બદલવાની જરૂર છે. વેપાર-વ્યવસાય-ઉદ્યોગ ચલાવે તેવા સાહસિકો મોટી સંખ્યામાં હોવા જોઈએ. તેને બદલે માત્ર નોકરી માગનારા વધે છે તે યોગ્ય નથી. આ ક્રમ ઉલટાવવા સમાજમાં ભૂમિકા તૈયાર થવી જોઈએ તેમ જ સમાજના દરેક વર્ગનું તેમાં યોગદાન હોવું જોઈએ.

ગુજરાતમાં ભૂતકાળમાં અનામત વિરોધી આંદોલન થયાં હતાં. તેમાં તે વખતે કોઈ જ પરિણામ આવ્યું નહોતું. તેની તુલનામાં આ વેળાએ આંદોલન થયા બાદ પણ પરિણામલક્ષી જાહેરાત થઈ છે તે દૃષ્ટિથી મૂલવણી કરવાની જરૂર છે. દરેક બાબતને વિધેયાત્મક દૃષ્ટિથી સ્વીકારીને આગળ વધવું જોઈએ. આવી બાબતો રાજકારણ નથી, પરંતુ વ્યવહારની છે.

ગુજરાતમાં વાર્ષિક રૂ. સાડા ચાર લાખ સુધીની આવક ધરાવનારાને શિક્ષણની કેટલીક વધારાની રાહત મળવાની છે. આર્થિક રીતે પછાત એ એક જ માપદંડ હોવો જોઈએ, પરંતુ ૧૯૫૦માં બંધારણ અમલી બન્યું તે વખતે જુદા ધોરણ અને પરિસ્થિતિ હતા - તેમાંનું ૧૦ ટકા પણ આજે પ્રવર્તમાન નથી. આ વાતની નોંધ લઈને હવે ભૂમિકા તૈયાર થવી જોઈએ.

કચ્છ-સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સમાજ વ્યવસ્થા હજુ જ્ઞાતિ આધારિત છે. ભલે જ્ઞાતિ પ્રથાને ધીમો ઘસારો લાગી રહ્યો છે, પરંતુ ઘણી જ્ઞાતિ આર્થિક રીતે મજબૂતાઈ ધરાવે છે. તેમના પોતાના સામાજિક પ્રવૃત્તિ કરવા માટેના મકાન-બોર્ડિંગ અને લગ્ન માટેની વાડી પણ છે તેમ જ સારી એવી રકમનું ફંડ પણ ધરાવે છે.

આવી જ્ઞાતિ શિક્ષણ-ઉચ્ચ અભ્યાસ-વિદેશમાં અભ્યાસ-તબીબી સારવાર માટે ફંડ આપે છે. આ પ્રકારના ફંડની રકમ વધે અને દરેકને ખૂબ જ મોકળાશ સાથે નાણાકીય સહાય મળી રહે તે માટેની વ્યવસ્થા પણ જરૂરી છે. અલબત્ત ઘણાં સંગઠનો તેવું કરે છે, પરંતુ અહીં તેની મજબૂતાઈ વધે તેમ કરવા સૂચન છે.

અમેરિકા-બ્રિટન ભણવા જવું હોય તો કરકસરથી પણ રૂ. ૫૦ લાખ ખર્ચ થાય છે. આટલી મોટી રકમ કેટલીક વખત શક્ય બનતી નથી, પરંતુ સમાજ દ્વારા જો થોડી મદદ થાય તો એક તેજસ્વી વ્યક્તિ આગળ જઈને ખુદ તેમના જ સમાજને વધુ ઉપયોગી બની શકે છે. આવો ભાવનાત્મક વિચાર કરીને આગળ જવાની જરૂર છે. આ બાબત દરેક જ્ઞાતિ સંગઠનને લાગુ પડે છે.

જ્ઞાતિ સંગઠનો જો વધુ સક્રિય બને તો એક ઢાલ તરીકે સમગ્ર સમાજની રક્ષા કરે છે. જ્ઞાતિ પ્રથા આર્થિક-શૈક્ષણિક અને સામાજિક બાબતોમાં એક ઉદ્દીપકની ભૂમિકા ભજવી શકે છે તેમાં કોઈ નકારાત્મક બાબત નથી. એક સમાજ-જ્ઞાતિ કે જે ૨૦૦-૫૦૦-૭૦૦ કુટુંબનો સમૂહ હોય તે પોતાની બાબતોને કેન્દ્રમાં રાખીને આગળ વધે તો કોઈને નુકસાન થાય તેવું નથી. દરેક વિસ્તાર અને સમૂહ અનુસાર અગ્રતાક્રમ નક્કી કરીને આગળ વધવાની જરૂર છે. રોજગારીને કેન્દ્રમાં રાખીને દરેક નિર્ણય થાય અને તેમાં સાહસિકતા સૌના માટે માર્ગદર્શક પરિબળ હોય તે ઇચ્છનીય બાબત બની રહેશે. આંદોલનમાં ઘણી શક્તિ અને સમય વેડફાયા છે તેવે વખતે સૌ સાથે મળીને ચાલે તેમાં જ દરેકનું શ્રેય છે.

ગુજરાતમાં અનામતને બદલે સગવડતા-સુવિધા-સહાય જેવી બાબતને કેન્દ્રમાં રાખીને જે પેકેજ જાહેર થયું છે તેનાથી અન્ય વર્ગ જે ઉપેક્ષા અનુભવી રહ્યો હતો તેમને ધરપત મળે તેવું બનવાનું છે. યુવાન વર્ગ સમાજમાં પોતાનું ગૌરવ અને આત્મસન્માન, તેમના કૌશલ્ય-આવડત અને કુનેહ થકી મેળવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment