Sunday, 27 September 2015

[amdavadis4ever] ક્રાઇમ શૉ ગુ નો કેમ કરવો એ શીખવે છે? -Kana Baantva

 


ક્રાઇમ શૉ ગુનો કેમ કરવો એ શીખવે છે?
અમરેલીમાં એક કિશોરીએ પ્રેમમાં આડખીલીરૂપ બનનાર સગા ભાઇને આંધળોપાટો રમવાના બહાને આંખે પાટા બાંધ્યા પછી છરાના ઘા મારીને મારી નાખ્યો. ઘટના ધ્રુજાવી દે તેવી છે, રૂંવાડાં ઊભાં થઇ જાય તેવી છે. ગુનો જેટલો ભયંકર છે તેનાથી વધુ ચિંતાજનક બાબત એ છેકે છોકરીને આ કૃત્ય કરવાની પ્રેરણા ટીવી પરનો એક ક્રાઇમ શૉ જોઇને મળી હતી. આંખે પાટા બાંધ્યા પછી ખુરશી સાથે ભાઇને બાંધી દેવો અને પછી નિર્મમ થઇને છરાના ઘા મારવાનો આઇડિયા તેને ક્રાઇમ શૉમાંથી મળ્યો હતો. ગુનો કર્યા પછી શું કરવું, કઇ રીતે લોહીના ડાઘ સાફ કરવા અને પછી પડોશીઓને બોલાવીને કોઇએ હત્યા કરી હોવાનું કહેવું વગેરે રીઢા ગુનેગાર જેવું વર્તન કરતાં પણ ટીવી શૉ શીખવી શકે એવો આ પ્રથમ બનાવ નથી.
 દેશમાં છાશવારે એવા ગુના બનતા રહે છે. જેમાં આરોપી ટીવી પરના ક્રાઇમ શૉથી ઇન્સ્પાયર્ડ થયા હોય. ગોવાની એક મહિલાએ ક્રાઇમ શૉ પરથી પ્રેરણા લઇને સાસુ તથા નણંદની હત્યાનો ફુલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો.પ્રશ્ન એ થાય છે કે ટીવી પરના સનસનાટીસભર્યા ક્રાઇમ શૉ દર્શકોને અપરાધ પ્રત્યે સાવધાન થતાં શીખવે છે કે અપરાધ કરતાં શીખવે છે? ગુનો કરવા માટેનાં કારણો કદાચ અલગ હોઇ શકે, ગુનાના પ્લાનિંગમાં તો ટીવી શૉનો મોટો હાથ હોય છે આવી ઘટનાઓમાં. ટીવી પરના ક્રાઇમ શૉ અત્યંત લોકપ્રિય છે. તેમાં મોટાભાગના રિયલ લાઇફ ક્રાઇમનું ડ્રામેટાઇઝેશન હોય છે, મેલોડ્રામેટાઇઝેશન હોય છે. ગુનો કઇ રીતે આચરવામાં આવ્યો તેની ઝીણામાં ઝીણી વિગતો આપવામાં આવી હોય છે અને ઘણીવાર બઢાવી ચઢાવીને પણ રજૂ કરાઇ હોય છે. 

ગુનેગારે કઇ કડીઓ છોડી તે પણ દર્શાવાયું હોય છે. આ બધું જોયા પછી જેનું અપરાધી માનસ છે એવા દર્શકો અથવા જેને અપરાધ આચરવાની ઇચ્છા થઇ છે તેવા દર્શકોને આઇડિયા મળી જાય છે. ક્રાઇમ શૉ  નિહાળતી વખતે ઘણા કદાચ એવું પણ વિચારતા હશે કે પોતે હોય તો ગુનો કર્યા પછી આટલી ભૂલો ન કરે. પણ કોઇ ગુનોનો પ્લાન ક્યારેય સંપૂર્ણપણે ફુલપ્રૂફ હોતો નથી. અપરાધી હંમેશાં થોડી ભૂલો તો કરે જ છે, અને પકડાઇ જાય છે. રિયાલિટી ક્રાઇમ શૉને લોકો આટલા પસંદ કેમ કરે છે? શું બધા લોકો ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે? ના. નથી જ હોતા. રિયાલિટી ક્રાઇમ શૉ ભારતમાં આટલી હદે સફળ થવા પાછળ ઘણાં કારણ છે અને મોટાભાગનાં સાઇકોલોજિકલ કારણો છે. આવા શૉ દર્શકોના મનમાં ભય પેદા કરે છે કદાચ આવા કોઇ ગુનાનો ભોગ પોતે તો નહીં બને ને? રિયાલિટી ક્રાઇમ શૉના એન્કર પણ સતત આ ભય દેખાડતા રહે છે, 'ચૈન સે સોના હૈ તો જાગ જાઓ….' વગેરે કહીને. દર્શકોને ઘણીવાર એવું લાગે છેકે આવા શૉ જોઇને પોતે સંભવિત જોખમોને ઓળખી શકવા સમર્થ બની શકે, તેમને લાગે છે કે પોતે ગુના સામે સજ્જ બની શકે છે, ગુના કઇ રીતે અને કોના દ્વારા કરવામાં આવે છેતે જાણ્યા પછી. 
પરંતુ ક્રાઇમ શૉમાં વાસ્તવિકતા ક્યાં પૂરી થાય છે અને નાટ્યાત્મક રૂપાંતર ક્યાં શરૂ થાય છે તે દર્શકને માલુમ પડતું નથી. રિયાલિટી અને મેલોડ્રામેટાઇઝેશન વચ્ચેની ભેદરેખા બહુ જ સિફતપૂર્વક ભૂંસી નાખવામાં આવી હોય છે. તેઓ અપરાધને ગ્લોરિફાય નથી કરતા પણ ગુનાને મેગ્નિફાય કરે છે. રિયાલિટી ક્રાઇમ શૉ વાસ્તવિક ઘટનાઓનું જ મીઠું મરચું ભભરાવેલું ચિત્રણ હોય છે એટલે લોકોને તે જાણે પોતાના પડોશી કે પોતાના જેવા જ માણસના ઘરમાં બનેલી ઘટના લાગે છે. એટલે તેઓ તે ગુના સાથે પોતાને જાણે જોડાયેલા માનવા માંડે છે. મોટાભાગના દર્શકોને ક્રાઇમ શૉનું વ્યસન થઇ જાય છે. તેમાંનું ગોસિપનું તત્ત્વ પણ દર્શકોને જકડી રાખવામાં મદદરૂપ થાય છે. આમ પણ વિશ્વભરમાં ક્રાઇમ સૌથી વધુ લોકપ્રિય સબ્જેક્ટ સદાય રહ્યો છે. અગાથા ક્રિસ્ટીની ક્રાઇમ થ્રિલર હોય કે જેમ્સ હેડલી ચેઇજની સિરિઝ વિશ્વભરમાં ક્રાઇમ બેસ્ટ સેલર રહ્યું છે. ક્રાઇમનું નિરૂપણ થ્રિલ આપે છે.

ક્રાઇમ શૉ જોઇને ગુનાઓ આચરવાનું વલણ પણ આખી દુનિયામાં સમાન છે. છતાં, આવા રિયાલિટી ક્રાઇમ શૉની લોકપ્રિયતા જોતાં બંધ થાય તેવી આશા રાખવી નકામી છે. અને એમ પણ, હાથ પર ગૂમડું થયું હોય તો ગૂમડાંનો ઇલાજ કરવો જોઇએ, હાથ ન કાપી નખાય. તો શું કરવું?  દરેક સમસ્યાનો ઉપાય હોય જ છે. આ સમસ્યાના પણ ઉપાય છે અને તે પણ મીડિયાના હાથમાં જ છે. છેલ્લા થોડા મહિનાથી 'દૈનિક ભાસ્કર- દિવ્ય ભાસ્કર' જૂથે 'નો નેગેટિવ મન્ડે'નો કન્સેપ્ટ આપ્યો છે. સોમવારે નેગેટિવ ન્યૂઝ ન આપવા અને જો કોઇ નેગેટિવ ન્યૂઝ વાચકોને જાણવા જરૂરી જ હોય તો તેને અલગથી આપવા. આ કન્સેપ્ટને માની ન શકાય એવો જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો છે. જે રીતે 'દિવ્ય ભાસ્કરે' મર્યાદા નક્કી કરી તે રીતે રિયાલિટી ક્રાઇમ શૉ દર્શાવનાર ટીવી ચેનલ્સ પણ મર્યાદા નક્કી કરે તો પરિસ્થિતિ બદલાઇ શકે. 
ક્રાઇમ શૉનું નિરૂપણ એ રીતે ન થાય કે કોઇને પ્રેરણા મળે, ઘટનાઓનું એટલું મેલોડ્રામેટિઝમ ન થાય કે ગુનો આચરવાનું ટ્યૂશન મળી જાય. દર્શકોને સજેસ્ટિવ લાગે તેવું નિરૂપણ ટાળી શકાય. રજૂઆતને સનસનાટીભરી બનાવવાને બદલે વાસ્તવિક બનાવવાથી પણ તેનું અનુકરણ ટાળી શકાય. સૌથી મહત્ત્વનો મુદ્દો રિયાલિટી ક્રાઇમ શૉમાં ચૂકી જવામાં આવે છે અથવા જાણી જોઇને પડતો મૂકવામાં આવે છે તે ગુનો આચર્યા પછી ગુનેગાર, તેના સગાં-સંબંધી, ભોગ બનનાર તથા તેના પરિવાર પર કેવી અસર થઇ, તેમણે કેવી પીડા ભોગવી, તેમને કેટલી પરેશાની થઇ વગેરે છે. ગુનાને ગ્લોરિફાઇ કરવાને બદલે તેનાં પરિણામોની ગંભીરતા દર્શાવવાથી પણ દર્શકો ગુનો કરતાં અટકે એવું બને. 

ઉપાય તો ઘણા છે પણ, એ ઉપાય અજમાવવા જતાં ટીવી ચેનલ્સને લોકપ્રિયતા ગુમાવવાનું જોખમ લાગે. જે ફોર્મ્યુલા સફળ થઇ હોય તેને બદલવાની હિંમત ચેનલ્સ કરી શકે તેમ નથી. ભારતના ઇલેક્ટ્રોનિક મીડિયા પર થોડા સમય પહેલાં ભૂત-પ્રેત, છૂપા ખજાના, દેવતાઓના શાપ વગેરેની કાલ્પનિક વાતો પર બનેલા કાર્યક્રમો દર્શાવવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. અત્યારે ઇન્દ્રાણીની અમર કહાનીનો ટ્રેન્ડ છે. બધા સમાચારો ભૂલીને મીડિયા ઇન્દ્રાણીની લીલાઓ દર્શાવવામાં જ પડ્યું છે. શીના મર્ડર કેસમાં ક્રાઇમ, સેલિબ્રિટી, સસ્પેન્સ, પ્રેમ પ્રકરણ, અનૈતિક સંબંધો, એકથી વધુ લગ્નો, સંપત્તિ, નાણાં, સફળતા, હાઇ સોસાયટીની ગોસિપ બધું જ છે અને તેનાથી બનેલી કોકટેલ દર્શકોને એવી નશીલી લાગી રહી છે કે જવલ્લે જ ન્યૂઝ ચેનલ્સ જોનાર પણ સમાચાર જોતા થઇ ગયા છે. દેશના પ્રાણપ્રશ્નો અત્યારે ભુલાઇ ગયા છે. ઇન્દ્રાણીનો નશો નહીં ઊતરે ત્યાં સુધી ઇલેક્ટ્રોનિક મીડિયાને આ પ્રશ્નો નહીં દેખાય. આપણી જિંદગી પર દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોની કેટલી મોટી અસર છે? અને તેમાં વ્હોટ્સએપ જેવાં સોશિયલ મીડિયા ઉમેરાયાં છે. તમારા મનનો કબજો કોણે લઇ લીધો છે વાચક રાજ્જા? 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment