Sunday 10 July 2016

[amdavadis4ever] મનની સુંદરતા કેળવનાર માન વી કોઈની શેહ માં તણાતા નથી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હોલમાં હાજર તમામ મહેમાનોની યુવાનો અને યુવતીઓની નજર બારણામાંથી દાખલ થતી નવયૌવના તરફ વળી. સુંદરતાની અજબ મૂર્તિ હતી. એની બેદાગ શ્ર્વેત ત્વચાની શ્નિગ્ધતા, એના ચહેરાનો કટ, એની આછા લીલારંગની મોટી આંખો પર કમાનદાર ભવાં, એના લિપસ્ટિક વગરના ગુલાબી હોઠ તેમ જ એના સુંદર પણ તનને ચોટતા લિબાસમાંથી બહાર નીકળી જવા તરસતા એના અંગના કમાનદાર વળાંકો જોતા જ એના પરથી આંખો હટાવી લેવાનું મન થાય નહિ. બાહ્ય રૂપના અંબાર સમાન યુવતી પર નજર જતાં જ અનેકના અચેતન માનવને ગલગલિયાં થવા લાગ્યાં. આ યૌવના કોણ છે, ક્યાંથી આવી એ જાણવા કેટલાક સાહસી યુવાનો આગળ વધી ગયા, એની નજર બાર તરફ જતાં જ એકીસાથે ત્રણ-ચાર યુવાનો એના પીણાં અંગે જાણવા પૃચ્છા કરી.

પાંચ-સાત મિનિટમાં એને ઘેરી વળેલા યુવાનો સમજી ગયા કે એની સાથે વાતચીત કરી શકાય તેમ નથી. દરેક સવાલના જવાબમાં એ માત્ર સ્મિતથી જ જવાબ આપવા લાગી. એના મોહક લટકા માત્ર યુવાનોને પ્રભાવિત-મોહિત કરવા માટે નથી પણ એની પાસે વાત કરવા માટેની બુદ્ધિનો અભાવ એના જવાબો ટાળવાનું મુખ્ય કારણ હતું.

આની સામે બીજા ખૂણામાં વીસેક યુવાનો ટોળામાં વળીને ખડખડાટ હસીના ધોધ ઉડાડી રહ્યા હતા. તેમના આકર્ષણનું કેન્દ્ર એક યુવાન તેમની વચ્ચે ઊભો હતો. માંડ પાંચ ફીટની ઊંચાઈ - બાંધામાં ભારે, વજનદાર, શ્યામના વર્ણનો યુવાન પોતાની અદ્ભુત વાક્છટાથી રસપ્રદ વાતો સંભળાવી રહ્યો હતો. રમૂજી વાતો રજૂ કરવાની એની છટા અદ્ભુત હતી. એનો અવાજ ભારે હતો જાણે રેડિયો પર રમૂજી કાર્યક્રમ રજૂ કરતો સંયોજક. એના સ્વરના ચઢાવ ઉતાર મૂડ બનાવવા પૂરતા હતા. ખડખડાટ હાસ્યની છોળોના કારણે યુવતીને આવકારવા ગયેલા યુવાનો પણ તેના સાંનિધ્યમાંથી ખસીને એ તરફ આવી ગયા.

એક મિત્રના જન્મદિનની ઉજવણીમાં યુવાનોને પ્રથમ વાર સુંદર તન અને સુંદર મન વચ્ચેના ભેદનો-તફાવતનો પરિચય મળી ગયો. નવયૌવનાની સુંદરતા કુદરતી બતાવવા એણે સારા પ્રમાણમાં મહેનત કરી હશે એ નજીક જતા જણાઈ આવ્યું. દેહ અને બાંધાના ઘડતર આપતી વખતે કુદરત મહેરબાન બને તો માનવ શરીર તમામ અંગ અને ઉપાંગ સુડોળ બની જાય. નિષ્ણાતોની મદદ મળતા, એમને વધારે સુડોળ અને દર્શનીય બનાવી શકાય, પણ એની પણ સીમા રેખા છે. એની જાળવણીની પણ સમયમર્યાદા છે. ઉંમર વધતી જાય તેમ તેમ અંગો અને ઉપાંગોમાં પરિવર્તન આવી જવાના. એમના પર ચરબીનો નહિ તો પણ સમયનો મેદ ચડી જવાનો. વધુમાં વધુ ખૂબ કાળજીપૂર્વકના જતનના કારણે યુવાનીની મોહકતા બે દાયકા જાળવી શકાય, પણ તેમાં પણ વીસ વરસની નાની નવયૌવના આવી જાય તો તેની હરીફાઈમાં જીતની શક્યતા ઓછી જ રહેવાની.

આની સામે મનને સુંદર બનાવવામાં અને એની સુંદરતાના જતનમાં કોઈ સમયમર્યાદા નડતી નથી. તનની સુંદરતાને આકાર આપવાની મહેનત ૧૪મા વરસથી કરવી પડે. બીજાં અઠ્ઠાવીસ વરસ એને જાળવી શકાય, પણ એક જ ફોર્મમાં નહિ. એને ઢળતા સમય પણ અટકાવી શકે નહિ. સમય પોતાના જ નિયમ પ્રમાણે ખેલ કરવાનો.

પણ મનની સુંદરતા બનાવવાની શરૂઆત જીવનમાં ક્યારે પણ કરી શકાય. એની જાળવણીની કોઈ સમયમર્યાદા નથી. માનવીના અચેતન માનસ પાસે સ્મૃતિ સંઘરી રાખવા માટે અખૂટ ભંડાર છે. માનવીના પાંચ જ્ઞાનેન્દ્રિય હર સેકંડે અગિયાર લાખ સંદેશા અચેતન માનસને આપવાના. એમનો યોગ્ય ઉપયોગ કરવાની અચેતને માનસને ટેવ પાડવામાં માનવીની પ્રજ્ઞા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકાના મનોવૈજ્ઞાનિક હાઈ ડે ગાર્ડનરના કથન અનુસાર માનવી બુદ્ધિમત્તા નવ પ્રકારની હોય છે. એના રસના વિષયોમાં એ એના અચેતન માનસ દ્વારા આવતા સંદેશાઓનાં આંદલનોનો ઉપયોગ એના મનની સુંદરતા બનાવવા માનવી કરવાનો, કરી શકે. પણ કોઈપણ ક્ષેત્રમાં રસ નહિ ધરાવતા માનવો મનની સુંદરતા કેળવી શકતા નથી. સમાજમાં રહેતા હોવા છતાં તેઓ નાનકડા સરોવરમાં દેડકા સમાન બની જાય છે. તેમની દુનિયા ખૂબ જ સંકુચિત બની જવાની. પણ એકથી વધુ ક્ષેત્રમાં રસ ધરાવતા અથવા અથાગ જ્ઞાનના શ્રદ્ધાળુઓની દુનિયાના ક્ષિતિજો દેખાવાના નહિ એટલું વિશાળ તેમનું વિશ્ર્વ બની જવાનું. એમાં તનની અસુંદરતા આડે આવતી નથી.

મનની સુંદરતા વડે માનવોના મન અને ચાહના જીતવા ખાતર કોઈને પણ જ્હોની વૉકર અથવા કપિલ શર્માની કોમેડિયન બનવું પડતું નથી. તેમની પ્રતિક્રિયા જ તેમના મનની સુંદરતાના દર્શન કરાવી જાય. તેઓ ખૂબ જ આસાની સાથે અન્યના વિચારો સાથે પોતાની સહમતી બતાવી શકે છે તે પણ અન્યના ચાહકારો અથવા ચમચા બનવા વગર. પહેલી જ આસાનીથી અસહમતી પણ વ્યક્ત કરી શકે છે. અન્યના મન દુભાવ્યા વગર. તેઓ અન્યથી અલગ પ્રકારના મન-અભિપ્રાય વ્યક્ત કરતા પણ તમામને આનંદિત બનાવી શકે છે. આ કૌશલપૂર્ણ-કસબીમાં મન કરી શકે. મન કસબો કેળવી શકે. શરૂઆત ગમે તે વયે કરી શકાય. એક વાર કસબ કેળવી લીધા બાદ બાકીના જીવનમાં એમાં વધારો જ થતો રહે છે.

ચોથી લોકસભામાં ચૂંટાઈ આવેલા ગોધરાના સંસદ સભ્ય બસુ મોદી તેમના રમૂજી સ્વભાવના કારણે ખૂબ લોકપ્રિય બની ગયા. નાનપણથી ગંભીરમાં ગંભીર વાતની રજૂઆત રમૂજી રૂપમાં રજૂ કરવાની તેમની ખાસિયત અજબની અને આકર્ષક હતી કે લોકસભામાં તેઓ ક્યારે પ્રવચન કરવાના એની જાણ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અચૂક રાખતાં. તેમના પ્રવચનનો આનંદ ઉઠાવી પ્રવચન બાદ કાપલી પર લખીને પોતાની પ્રતિક્રિયા મોકલતા. માજી વડા પ્રધાન ચન્દ્રશેખર તેમના હિન્દી ભાષાના પ્રવચન માટે પણ તમામ સભ્યો માટે આકર્ષણ બનતા. હિન્દી નહિ જાણતા તામિલનાડુના આર. વેક્ધટરામને પણ અનેક વાર સામેથી જઈને ચન્દ્રશેખરના અભિવાદન કરી આવ્યા હતા. તેમના પ્રવચન સાંભળી થતી લાગણીઓની અનુભૂતિ થતી પણ અભિવ્યક્તિ શક્ય બનતી નહિ. રાષ્ટ્રપતિ ઝૈલસિંહ ચન્દ્રશેખરના ખાસ પ્રશંસક બની ગયા હતા.

આવી જ રીતે મનની સુંદરતાના પુરાવા અનેક શાયરો પણ આપી ગયા. સાહિર લુધિયાનવી, હસરત જયપુરી, શૈલેન્દ્ર, કૈફી આઝમી, નિદા ફાઝલી અથવા સરદાર અંજુમ, કબિર અને સંત રહિમ અથવા સંત તુકારામ અને નરસિંહ મહેતાને પણ આ વર્ગમાં મૂકી શકાય. ફિલ્મના માધ્યમ દ્વારા પોતાના મનની સંવેદના, વ્યથાને ખૂબ જ પ્રભાવશાલી રીતે રજૂઆત કરવામાં ગુરુ દત્તની તોલે કોઈને મૂકી શકાય નહિ. ગોવિન્દ નિહલાનીએ પણ સમાજની વ્યથા અંગેની તેમની સંવેદના દાખવી પણ તેમના મનની સુંદરતાના દર્શન તેમણે કોઈ પણ માધ્યમ દ્વારા કરાવ્યા નહિ, પણ તેમના શિષ્યો સમાન તેમના સાથીઓ તેમના મનની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

અણુ વિજ્ઞાનમાં ભારતને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં લઈ જનારા ડૉ. હોમી ભાભા નાનપણમાં ચાર કલાક પણ ઉંઘ પામતા નહિ કારણ તેમના મનમાં વિચારોની હારમાળા તેમને વિશ્રામ કરવા દેતી નહિ. અવકાશ વિજ્ઞાનમાં ભારતને નવા શિખરો પર લઈ જનારા ડૉ. વિક્રમ સારાભાઈના મનની સુંદરતાના વખાણ થાય તેમના સહકાર્યકરો જ નહિ પણ તેમના સંપર્કમાં આવનારા અન્ય મહાનુભાવો પણ કરતા રહ્યા.

મનની સુંદરતા કેળવી શકનારા અને કેળવતા માનવીઓની એક ખાસિયત છે. તેઓ કોઈની શેહમાં તણાતા નથી, કોઈથી ડરતા નથી તેમ જ પોતાની વાત પોતાની સંવેદના દાખવવામાં કદી પાછા પડતા નથી. ચંદ્રશેખર અથવા પીલુ મોદી ભારતની લોકશાહીના બચાવમાં પોતાના મનની વાત કહેતા રહ્યા તે માટે તેમને લાંબા સમય સુધી કારાવાસમાં રહેવું પડ્યું. સાહિર લુધિયાનવી અને સરદાર અંજુમને પણ સીતમો સહેવા પડ્યા પણ તેઓ પોતાના મનની સુંદરતાને છોડવા તૈયાર બન્યા નહિ.

પરિવારોમાં પણ બાળકોને મનની સુંદરતા કેળવવાની તાલીમ આપવી જરૂરી છે. આગળ જતાં મનની સુંદરતાવાળા તમામ યુવાનો અને યુવતીઓ તેમના અપનાવેલા કાર્યક્ષેત્રમાં સફળ બની જવાના એમાં શંકાને સ્થાન નથી. મનની સુંદરતાવાળા માનવ કદાપિ સ્વાર્થી અથવા મતલબી બનતા નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment