Saturday 16 July 2016

[amdavadis4ever] અન્ન એવો ઓડકાર, વાચક એવાં અખબાર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રવિશંકર વિ. મહેતાએ 'વર્તમાનપત્ર કેવી રીતે તૈયાર થાય છે' નામની પરિચય પુસ્તિકામાં લખ્યું છે: 'મીઠાઈ રસથી ખાવી હોય તો તે કેવી રીતે બને છે તે ન જોવું એવો શાણા જાણકારોનો મત છે. એવી જ રીતે વર્તમાનપત્ર રસપૂર્વક વાંચવું હોય તો તે કેવી રીતે તૈયાર થાય છે તે ન જોવું સારું એમ મહદ્ અંશે કહી શકાય. અખબારી લખાણોમાં નેતાઓ, સંસ્થાઓ વગેરે પ્રત્યે જે આદર, સમભાવ વગેરે વ્યક્ત થયેલાં દેખાય છે તેનાં જરાયે દર્શન તમને અખબારની કચેરીમાં થશે નહિ. સંભવ છે કે તેથી વિપરીત જ અનુભવ થશે.'

રવિભાઈએ જરા વધુ પડતી નિખાલસતાથી કડવી પણ સાચી વાત વાચકો સાથે શેર કરી દીધી છે!

પછી તેઓ ઉમેરે છે: 'આનું એક કારણ તો પત્ર તૈયાર કરવા અંગેની વ્યગ્રતા છે; પણ એક બીજુંય કારણ છે. વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઘટનાઓ વિશે છાપાંમાં તો અમુક જ લખાણ પ્રગટ થતું હોય છે; પણ પત્રકારો તેમને વિશે ઘણું વધારે જાણતા હોય છે અને મોટેભાગે તે ન છાપવા યોગ્ય હોય છે. અખબારોમાં ન છપાતી ઘણી બાબતો અખબારી કચેરીઓમાં છૂટથી ચર્ચાતી હોય છે અને એ જ્ઞાનથી પ્રેરાતી ભાષા પણ વપરાતી હોય છે (!)'

રવિભાઈ સલાહ આપે છે કે, 'વર્તમાનપત્ર કઈ રીતે તૈયાર થાય છે એ જાણવાની ઈચ્છા સંતોષવાનો સારો અને સરળ ઉપાય તો એ છે કે કામનો આરંભ થાય ત્યારથી વર્તમાનપત્રની કચેરીમાં જઈને બેસી જવું અને વર્તમાનપત્ર છપાઈને બહાર પડે ત્યાં સુધીની ક્રિયાઓ નજરે નિહાળવી.'

રવિભાઈએ પીટીઆઈ અને યુપીઆઈ (તે વખતે યુનાઈટેડ પ્રેસ ઓફ ઈન્ડિયા હતી)ની કામગીરી થોડાંક પાનાંમાં વર્ણવી છે. પરિચય ટ્રસ્ટે પાછળથી 'સમાચાર સંસ્થા' નામની એક સ્વતંત્ર પુસ્તિકા ન્યુઝ એજન્સી વિશે પ્રગટ કરી હતી. એનાથી પ્રેરાઈને અત્યારની ન્યુઝ એજન્સીઝ કેવી રીતે કામ કરે છે એ વિશેની કવર સ્ટોરી મેં ૧૯૮૧માં 'નિખાલસ' નામના સાપ્તાહિક માટે બે અંગ્રેજી પત્રકારો પાસે લખાવી હતી જેનો મુકત અનુવાદ હસમુખ ગાંધી પાસે કરાવ્યો હતો. ગાંધીભાઈએ એ લેખમાં ન્યુઝ એજન્સીઓને 'સમાચારોના જથ્થાબંધ વેપારી' ગણાવી હતી અને અમે લેખનું મથાળું એ જ બાંધ્યું હતું.

ન્યુઝ એજન્સીઝ ઉપરાંત વર્તમાનપત્રના બહારગામના ખબરપત્રીઓ તથા સ્થાનિક રિપોર્ટરો દ્વારા સમાચારોનો ઢગલો થતો હોય છે. એને તારવવાનું કામ ન્યુઝ એડિટર કરે છે. કયા પાને કયા સમાચાર છપાશે અને દરેક ન્યુઝનું મહત્ત્વ કેટલું હશે એ નક્કી કરવાની જવાબદારી પણ મહદ્ અંશે આ સમાચાર સંપાદકની હોવાની.

ગુજરાતી કે ભાષાકીય છાપાં માટે અંગ્રેજીમાં આવતા સમાચારોનું ભાષાંતર કરવા માટેની ફોજ રાખવી પડે. ઉપતંત્રીઓ આ અનુવાદકાર્ય કરે અને સિનિયર ઉપતંત્રીઓ આ અનુવાદ ચકાસીને એને યોગ્ય રીતે મઠારીને મથાળાં બાંધી ન્યુઝ એડિટરને પાસ કરે.

રવિભાઈએ પુસ્તિકામાં નોંધ્યું છે એમ ભાષાકીય અખબારોની કચેરીમાં અનુવાદકાર્યમાં એટલો બધો સમય જતો હોય છે અને એ જવાબદારી નિભાવવા ઘણી મોટી સંખ્યામાં પત્રકારો રોકાયેલા રહેતા હોય છે કે મૌલિક લખવાનું કે સ્વતંત્ર રિપોર્ટિંગનું કામ અંગ્રેજી ભાષાનાં અખબારોની સરખામણીએ આપણે ત્યાં ઓછું થતું હોય છે.

રવિભાઈએ ૧૯૫૦ના દાયકાની છાપકામની યંત્રણા વિશે વાત કરી છે. તે જમાનામાં પ્રિન્ટિંગ મશીનની સ્પીડ વધીને કલાકની ૪૦,૦૦૦ કૉપી પર પહોંચી હતી. આજે તો કલાકની ૧,૦૦,૦૦૦ કરતાં વધુ નકલ છાપતાં યંત્રો પ્રચલિત છે અને તે પણ આઠ કે સોળ પાનાં નહીં, ૩૨ કે તેથી વધુ પાનાં એકસામટાં છપાય, ગડી થાય અને ન્યુઝ પેપર એજન્ટોએ આપેલા ઓર્ડર મુજબની સંખ્યામાં પેક થઈને બહાર નીકળે.

રવિભાઈનો જમાનો જુદો હતો, એ જમાનાનું પત્રકારત્વ જુદું હતું. કોઈ એક જમાનામાં ભારતીય પત્રકારત્વમાં મિશનરી ઝીલનું તૂત ચાલતું. માત્ર સેવા માટે જ આ લાઈનમાં આવવું, પૈસા કમાવા માટે કે રોજીરોટી મેળવવા નહીં એવો ભ્રમ ઘણાને હતો. દેશની આઝાદી પછી કોઈ મેઈનસ્ટ્રીમ છાપું કે મેગેઝિન પ્યોર મિશનરી ઝીલથી ચાલ્યું નથી, ચાલે પણ નહીં. આ આખી ટર્મ બોગસ છે. નવા પત્રકારો પાસે અડધે પૈસે ડબલ મજૂરી કરાવવા જે બે શબ્દોનો સહારો લેવાતો તે હતા: મિશનરી ઝીલ.

આ ઝીલની ગહેરાઈમાં કેટલાય અચ્છા અચ્છા પત્રકારો ડૂબીને મરી ગયા. મિશનરી ઝીલના વળગણથી પીડાતી પત્રકારોની એક આખી પેઢી કરપ્ટ બની ગઈ. કારણ? આટલા ઓછા પૈસામાં પૂરું ન થાય. એટલે સાઈડ ઈન્કમ તો ઊભી કરવી જ પડે ને ભૈ! આ કરપ્શન માત્ર આર્થિક બાબત પૂરતું મર્યાદિત રહ્યું નહીં. રાજકીય અને સામાજિક મૈત્રીઓ નિભાવવાનાં અને દુશ્મનીઓનો બદલો લેવાનાં કાવતરાં થતાં રહ્યાં. એવા કેટલાય પત્રકારો આ ક્ષેત્રમાં ઘૂસી ગયા જેમના બે પગ પકડીને એમને ઊંચે માધે લટકાવો તો એમના ખમીસના ખિસ્સામાંથી પ્રોફેશનલ મૂડી પેટે સૂંઠના એક ગાંગડા સિવાય કશું નીકળે નહીં. પણ દરેકનો રૂઆબ જોયો હોય તો! જાણે એપીએમસીમાં ત્રણ ગાળાની દુકાન. પત્રકાર પાસે વિચારોની મૌલિકતા, અભિવ્યક્તિની તાજગી, માહિતીની ચોક્સાઈ, ફર્સ્ટહૅન્ડ ઈન્ફર્મેશન અને પાક્કું રેફરન્સ વર્ક હોવાં જોઈએ એવો વટહુકમ જો મોદી સરકાર બહાર પાડે તો મોટા ભાગના પત્રકારોએ ખાસ કરીને ન્યુઝ ચેનલોના છોટા મોટા જર્નલિસ્ટોએ ડૉ. ઝાકિર નાઈકની જેમ રાતોરાત હજ કરવા મક્કા-મદીના ઊપડી જવું પડે.

આઝાદી પછી પત્રકારત્વમાં પાંચ પેઢી આવી. આમાંની પ્રથમ બે પેઢીના કોઈ પત્રકાર હયાત નથી અથવા પ્રવૃત્ત નથી. ત્રીજી પેઢીના ગણ્યાગાંઠ્યા પત્રકારો પ્રવૃત્ત છે. બાકીના પ્રભુને પ્યારા થઈ ગયા છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. પત્રકારોની ચોથી પેઢીનો અત્યારે મધ્યાહ્ન ચાલી રહ્યો છે. કામ, નામ, દામ બધું જ છે એની પાસે. પંદર, વીસ કે પચીસ વર્ષ પછી ભગવાન એમના આત્માને શાંતિ આપવામાં બિઝી થઈ જશે.

એમના પછી આવી છે પત્રકારોની પાંચમી પેઢી. આકાશવાણી પર સવારની સભા શરૂ થતાં પહેલાં વાગતી વાંસળીની સિગ્નેચર ટ્યુનની સાથે થતા સૂર્યોદયો જેમના પિતાઓએ જોયા છે અને જેમની પોતાની રાતો લૅપટૉપ પર ડાઉનલોડ કરેલી 'ગૅમ ઑફ થ્રોન્સ'ની લેટેસ્ટ સિરીઝ જોતાં જોતાં પડે છે એ પત્રકારો આ પાંચમી પેઢીના છે. એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરનારા પત્રકારો હજુ ઘોડિયામાં ઝૂલે છે.

પ્રિન્ટ મિડિયાના પત્રકારત્વને ખરા અર્થમાં પ્રોફેશનલ (કમર્શ્યલ નહીં) બનાવીને એક નવો મોડ આપવાનું કામ આ પાંચમી પેઢીએ કરવાનું છે. તેઓ જો નિષ્ફળ જશે તો આપણાં છાપાં-સામયિકો કરતાં ટીવી અને ઈલેક્ટ્રોનિક મિડિયા આગળ નીકળી ગયાં એવી ફરિયાદ કરવાનો હક્ક એમને નહીં રહે. નવી પેઢીના આ પત્રકારો હજુ જિંદગીના ત્રીજા-ચોથા દાયકામાં છે.

સે ૨૫થી ૩૫ વર્ષ. નવી પેઢીના પત્રકારો કરતાં વધુ અગત્યના છે નવી પેઢીના વાચકો. વાચકોની નવી પેઢીની તીવ્ર અસર અને છાપ પત્રકારોની નવી પેઢી પર પડવાની. વાચકો જો સુસ્ત રહેશે તો એમને માથે એ જ ગુણવત્તાનાં છાપાં-સામયિકો પટકાવાનાં. એમનામાં જો પત્રકારો સામે પડકાર ફેંકવાની તાકાત, હિંમત અને એથી વધુ અગત્યની વાત - યોગ્યતા, હશે તો અખબારી આલમે અર્થાત્ પ્રિન્ટ મિડિયાએ સુધર્યા વિના ચાલવાનું નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment