Wednesday, 13 July 2016

[amdavadis4ever] ગાયનની ચોપડીથી ગ ાંધીજીની લડત સુધી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પીરોજશા મહેરજી ચીન ગયા ત્યારે, ૧૮૫૭ની સાલમાં 'મુંબઈ સમાચાર'નું અધિપતિપદ એદલજી ફરામજી ધોંડીએ એક પણ પાઈની હાંસલ વગર તેમણે ચલાવ્યું હતું. એ પછી ફરી ૧૮૬૩માં એદલજીએ આ પત્ર સાથે સંબંધ જોડ્યો તે ૨૧ વરસ સુધી ચાલુ રાખી ૧૮૮૩માં છોડ્યો.

પીરોજશાએ ૧૮૬૫માં 'શેરસટ્ટાના વમળમાં સપડાઈને' ૧૮૬૬માં 'મુંબઈ સમાચાર' માણેકજી બરજોરજી મીનોચેરહોમજીને વેચી દીધું અને માણેકજીના ૩૨ વર્ષના કાર્યકાળ દરમિયાન આ પત્રનો ફેલાવો ૨૦૦ નકલથી વધીને ૩૨૦૦ નકલ સુધી પહોંચ્યો એમાં એદલજી ફરામજી ધોંડીનો પણ ઘણો મોટો ફાળો હોવો જોઈએ. હાલાકિ માલિક - તંત્રી તરીકે માણેકજીનું જ નામ છપાતું હતું.

એક વધુ હાઈલાઈટ. માણેકજી 'મુંબઈ સમાચાર'ના માલિક થયા પછી એમણે નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના 'યુનિયન પ્રેસ'ને એની સાથે જોડી નાખી બંને ગૃહસ્થોએ 'મુંબઈ સમાચાર'ની માલિકી લીધી. માણેકજી માલિક ઉપરાંત તંત્રી પણ બન્યા.

આ નાનાભાઈ રૂસ્તમજી રાણીના એ જ જેમના 'યુનિયન પ્રેસ'માં કરસનદાસ મૂળજીનું 'સત્યપ્રકાશ' છપાતું. જદુનાથ મહારાજે જે ૫૦,૦૦૦ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો તેમાં આ બંનેના નામ સામેવાળા તરીકે હતાં. બેઉ ગાઢ મિત્રો હતા.

માણેકજી અને નાનાભાઈએ ૧૮૬૮થી 'લોકમિત્ર' નામનું અઠવાડિક પત્ર એ જ છાપખાનામાંથી શરૂ કર્યું જેનો હેતુ 'મુંબઈ સમાચાર'માં પ્રગટ થયેલા આર્ટિકલો, સમાચારો વગેરેનો સાર સસ્તામાં દેશી પ્રજા સમક્ષ રજૂ કરવાનો હતો. એ સામયિક માણેકજીએ પોતાના મૃત્યુ સુધી, ૧૮૯૮ સુધી, ચાલુ રાખ્યું. એ એટલું લોકપ્રિય થયું કે ૧૮૮૬થી તે અઠવાડિયામાં બેવાર પ્રગટ થતું - ભ્રેસપતવાર (બૃહસ્પતિ, બુધવાર) અને રવિવાર. આ ઉપરાંત માણેકજી - નાનાભાઈની જોડીએ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ (અથવા તો વન ઑફ ધ સૌપ્રથમ) બિઝનેસ ડેઈલી શરૂ કર્યું. ઈ.સ. ૧૮૬૯થી પ્રેસના નામ પરથી જ 'યુનિયન પ્રેસ' નામનું વેપારવણજની ખબરઅંતરો આપનારું એક રોજિંદું ગુજરાતી પત્ર પ્રગટ કરવા માંડ્યું જે છ માસ ચાલુ રહ્યું હતું. બંને વચ્ચેની ભાગીદારી ૧ નવેમ્બર, ૧૮૭૧થી છૂટી થઈ. તે પછી માણેકજી એકલા જ 'મુંબઈ સમાચાર'ના માલિક રહ્યા. પાર્ટનરશિપમાંથી છૂટા થયા પછી માણેકજીએ 'દાંતરડું' નામનું એક રમૂજી અઠવાડિક દર બુધવારે પ્રગટ કરવા માંડ્યું જેણે ગુજરાતી વાંચનારાઓનું સારું ધ્યાન ખેંચ્યું. 'દાંતરડું' છ વરસ ચાલ્યું. માણેકજીને દેશી ગાયનનો અચ્છો શોખ હતો જે શોખ ખીલવવાને એમણે મોટો ખર્ચ કર્યો હતો અને આ શોખ પૂરો કરવા એમણે દેશી ગઝલો વગેરે જાળવી રાખવા 'ગઝલસ્તાન' નામનું માસિક પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું જેના ઘણા અંકો પ્રગટ થયા. 'મુંબઈ સમાચાર' વતી એમણે એક 'ગાયનની ચોપડી' પણ પ્રગટ કરી હતી (જેની પીડીએફ ફોર્મેટની ઈબુક સીડીસ્વરૂપે મારી પાસે છે, ફાર્બસ ગુજરાતી સભામાં પણ તમને એ મળશે. ફાર્બસની વિગતો ગુગલ સર્ચ કરવાથી મળશે). માણેકજીને પણ જસ્ટિસ ઑફ પીસ બનાવવામાં આવ્યા હતા. તેઓ જાહેરમાં કદી પણ દેખાવ દેતા નહોતા પણ પોતાના ધંધાના મરતબા માટે મોટી કાળજી ધરાવતા હતા. 'મુંબઈ સમાચાર'ને ભારતનું આગેવાન વર્તમાનપત્ર બનાવવાનો યશ ફરદુનજી મર્ઝબાનજી પછી માણેકજી બરજોરજીને ફાળે જાય છે એ વાતની લંબાણપૂર્વકની નોંધ 'કલકત્તા રિવ્યુ'એ અંગ્રેજીમાં પ્રગટ કરી હતી.

૧૮૯૮માં માણેકજીના અવસાન પછી એમના પુત્ર કેખશરૂ માણેકજી મીનોચેરહોમજીએ આ પત્રની માલિકી સંભાળી. તે વખતે આ પત્ર ફોર્ટમાં ફ્રીઅર રોડ પર નવા મોદીખાને આઈસના કારખાના સામે આવેલા 'મુંબઈ સમાચાર'ના છાપખાનામાં છપાતું.

ઈ.સ. ૧૯૨૧માં કેખશરૂ માણેકજીએ આ પત્ર નવરોજી હોરમઝજી બેલગામવાળાને વેચી દીધું. પિતાપુત્રના આ દીર્ઘ કાર્યકાળ દરમિયાન (૧૮૬૬ થી ૧૯૨૧) એમને મહેરજીભાઈ પાલનજી માદન નામના પત્રકારનો ઘણો મોટો સધિયારો રહ્યો. આ ગાળામાં પેપરનું સર્ક્યુલેશન વધારવામાં આ આજીવન પત્રકાર અને બાહોશ સંપાદકનો પણ ઘણો મોટો ફાળો રહ્યો.

૧૮૬૦માં જન્મેલા મહેરજીભાઈ માદન જમશેદજી જીજીભાઈની નિશાળ અને મુલ્લા ફિરોઝ મદરેસામાં તાલીમ લઈને ૧૫ વરસની કુમળી વયે કુટુંબની આર્થિક તંગીને કારણે 'મુંબઈ સમાચાર'માં માસિક ૧૨ રૂપિયાના પગારથી પ્રૂફ રીડર તરીકે જોડાયા હતા. પ્રૂફ રીડરમાંથી રિપોર્ટર, પછી સબ-એડિટર, આસિસ્ટન્ટ એડિટર, એડિટર એમ ચાર દાયકા (૧૮૭૫ થી ૧૯૧૫) સુધી ઉત્તરોત્તર કામગીરી બજાવીને દરેક જવાબદારી દીપાવી. ૧૯૨૪ની ૭મી નવેમ્બરે અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં મળેલી પહેલી ગુજરાતી પત્રકાર પરિષદના તેઓ પ્રમુખ હતા, એ પરથી પત્રકારત્વની દુનિયામાં એમનું સ્થાન કેવું મોખરાનું હતું એ જણાઈ આવે છે.

પ્રમુખસ્થાનેથી આપેલા પ્રવચનમાં મહેરજીભાઈ માદને કહ્યું:

'હું કાંઈ અહીં બિરાજેલા ઘણા ભાઈઓના જેવી કૉલેજ કે યુનિવર્સિટીની પદવી કે કેળવણી ધરાવતો નથી અને વધારે જાણવાનું એ છે કે પત્રકારની જિંદગી શરૂ કરી તે પહેલાં કોઈ પણ વર્તમાનપત્ર વાંચવાની સગવડ હું ધરાવતો નહિ. પણ મને ઊલટ અને ખંત હતી અને મને પ્રથમ નોકરી રાખનાર મરહૂમ શેઠ માણેકજી બરજોરજીએ મારું ભવિષ્ય ઊંચું માની લઈને મારી એ ઊલટ અને ખંતને પૂરતી ગતિ મળે એવી સગવડ મને કરી આપી હતી...'

એક રિપોર્ટર તરીકે મહેરજીભાઈ માદનના અહેવાલો એટલા બધા ચોક્કસ રહેતા કે સર ફિરોજશાહ મહેતા જેવા અગ્રણીએ નોંધ્યું છે કે જ્યાં શંકા જેવું લાગે ત્યાં પોતે મહેરજીભાઈએ રજૂ કરેલા અહેવાલને પ્રામાણિક ગણીને તેનો આધાર લેતા અને પોતાના અભિપ્રાય ઘડતા.

પોતાના કાર્યકાળ દરમિયાન મહેરજીભાઈ માદન પ્રભાસ પાટણમાં થયેલા કોમી રમખાણની જાતતપાસ કરવા જૂનાગઢ ગયા હતા. એ વખતે ચોક્કસ મહત્ત્વના અને આધારભૂત દસ્તાવેજો પ્રગટ ન કરવા માટે તેમને પ્રલોભલો અને ધાકધમકી અપાયાં છતાં તેઓ એને વશ થયા નહીં અને તેમણે એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો ત્યારે મોટો ઊહાપોહ મચી ગયો હતો.

વેપારવણજ વિશેનો મહેરજીભાઈનો અભ્યાસ તલસ્પર્શી હતો. 'મુંબઈ સમાચાર' વેપારીવર્ગનું માનીતું પત્ર હતું. એ વર્ગની જરૂરિયાતો હંમેશાં ધ્યાનમાં લેવાતી. મહેરજીભાઈના લખાણો અને અભિપ્રાયો ખાસ માર્ગદર્શક નીવડતાં અને સરકાર પણ એના પર ધ્યાન આપતી એવા ઉલ્લેખો મળે છે. મુંબઈના 'ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર'ની મૂળ સ્થાપના મહેરજીભાઈનાં લખાણો અને લડતને આભારી છે. એમની સેવાની કદરરૂપે ચેમ્બરે તેની કાર્યવાહી સમિતિમાં બિરાજવાના માનથી એમને નવાજ્યા હતા. આ ઉપરાંત એમણે પરદેશોની અને ખાસ કરીને યુરોપની રાજકીય પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પહેલા વિશ્ર્વયુદ્ધ દરમિયાન (૧૯૧૪-૧૯૧૮) એમણે લખેલા અગ્રલેખોએ વાચકોમાં સારો રસ જગાડ્યો હતો. મહેરજીભાઈ ૭૦ વર્ષની ઉંમરે ૧૯૩૧માં ગુજરી ગયા.

૧૯૨૧માં માલિક કેખશરૂ માણેકજી નબળી તબિયત અને બીજાં કારણોને લઈને એમણે 'મુંબઈ સમાચાર' પત્ર અને છાપખાનું નવરોજી હોરમઝઝી બેલગામવાળાને વેચી નાખ્યાં. તે વખતે પત્રનો ફેલાવો ૪,૦૦૦ નકલની આસપાસ હતો. પહેલા વિશ્ર્વયુદ્ધને કારણે વેપારધંધામાં તેજીમંદીની મોટી ઊથલપાથલો થતી રહી એટલે વેપારી આલમમાં લડાઈના અને આંતરરાષ્ટ્રીય બજારો વગેરેના સમાચાર જાણવાની સવાર પડે ને તાલાવેલી થવા લાગતી. આને લીધે અખબારનું મહત્ત્વ સ્વીકારાતું થયું અને ફેલાવો વધવા લાગ્યો.

નવા માલિક નવરોજી બેલગામવાળા વેપારીસૂઝના આદમી હતા સાથોસાથ કૉન્ગ્રેસતરફી વલણના હતા, ગાંધીજીના ટેકેદાર હતા. ગાંધીજી સહિતના દેશનેતાઓનો એમને ટેકો હતો અને રાજકીય ક્ષેત્રે આગળ આવવાની એમને ઊલટ હતી.

દક્ષિણ આફ્રિકાની વ્યવસ્થિત લડતના અનુભવ પરથી, પ્રચારના સાધન તરીકે લોકજીવનમાં અને લોકમાનસમાં અખબારનું સ્થાન કેટલું છે એ વાત ગાંધીજી બરાબર સમજતા હતા.

ગુજરાતી ભાષામાં સવારના લોકપ્રિય દૈનિક તરીકે બહોળો ફેલાવો ધરાવતા 'મુંબઈ સમાચાર'નું સ્થાન મોખરાનું હતું. લોકમાનસમાં એના અવાજનો જોરદાર પડઘો પડતો હતો.

પણ પત્રની આર્થિક સ્થિતિ જોઈએ એવી સધ્ધર નહોતી. બ્રિટિશ સરકારની સામે માથું ઊંચકીને ગાંધીજીની ચળવળનો પક્ષ લેવો એ કામ એ વખતે કોઈપણ વર્તમાનપત્ર માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું.

દેશનેતાઓ તથા ગાંધીજી પોતે અત્યંત આતુર હતા કે 'મુંબઈ સમાચાર' જેવું આગેવાન અખબાર પૈસા સંબંધી મૂંઝવણોથી અકળાયા વિના રાષ્ટ્રીય ચળવળને ટેકો આપે અને બ્રિટિશ સરકારની તરફેણ કરતાં છાપાંઓનો સામનો પણ કરે. રાજકીય આગેવાનોની સલાહને અનુસરીને નવરોજી બેલગામવાળાએ ઈ.સ. ૧૯૨૧માં કેખશરૂ ખરશેદજી મીનોચેરહોમજી પાસેથી 'મુંબઈ સમાચાર' પત્ર અને છાપખાનું ખરીદીને એના તંત્રીપદે વીસેક વર્ષનો અખબારી અનુભવ લઈ ચૂકેલા પીઢ પત્રકાર સોરાબજી પાલનજી કાપડિયાની નિમણૂક કરી જેમણે પોતાની જિંદગીના અંત સુધી એટલે કે ૭ એપ્રિલ, ૧૯૬૧ સુધી (પૂરા ૪૦ વર્ષ) આ પત્રના તંત્રી તરીકેની કામગીરી બજાવી. સોરાબજી કાપડિયાની દૃષ્ટિ ગાંધીજીની અસહકારની લડતને અનુકૂળ હતી. યુગબળ અને દેશકાળ સાથે કદમ મિલાવી શકે અને રાષ્ટ્રીય ચળવળને વેગ આપી શકે એવા માલિક અને તંત્રી ગાંધીજીની અસહકારની લડત વખતે મુંબઈના વાચકોને મળી ગયા. એ વખતથી 'મુંબઈ સમાચાર'ની નીતિરીતિ અને વલણમાં લોકમાનસને ઘડે એવા ઠીકઠીક ફેરફારો થયા.

'મુંબઈ સમાચાર' દ્વારા પ્રગટ થયેલા ૧૫૦ વર્ષના ઈતિહાસ વિશેના ઑફિશ્યલ પુસ્તકમાં એના સંપાદક તથા લોકપ્રિય લેખક રસિક ઝવેરી આગળ લખે છે:

'પોતાના અખબાર પર જ બધું ધ્યાન કેન્દ્રિત કરવાની ધગશનો નવરોજી બેલગામવાળામાં મહદ્અંશે અભાવ હતો. દેશવ્યાપી અસહકારની ચળવળમાં આગેવાનીભર્યો ભાગ લેવામાં અને એ રીતે લોકોની નજરમાં માનપ્રતિષ્ઠા હાંસિલ કરવામાં એમનું ધ્યાન કંઈક વધુ પડતું રોકાયેલું હતું. વર્તમાનપત્રના શેઠ બનવું એ એક વાત છે અને એના શિરછત્ર તથા કુશળ સંચાલક બનીને પૂરી ગણતરીથી દરેક ખાતાને કાબૂમાં રાખીને કુશળતા અને દૂરંદેશી સાથે એનું સફળ સંચાલન કરવું એ બીજી વાત છે. નવરોજી બેલગામવાળા માટે 'મુંબઈ સમાચાર' જીવનકાર્યને બદલે એક પ્રચારસાધન વિશેષ બની ગયું, જેને લઈને એના આંતરિક વહીવટમાં બેપરવાઈ વધતી ગઈ. ઈ.સ. ૧૯૨૧થી ૧૯૩૨ સુધીનો કાળ જે 'મુંબઈ સમાચાર' માટે સુવર્ણકાળ બની રહેવો જોઈતો હતો એ જ સમયગાળો 'ધણી વિનાનાં ઢોર સૂનાં' એ કહેવત પ્રમાણે માલિકની અંગત દેખરેખને અભાવે આર્થિક વિટંબણાનો કાળ બની રહ્યો. સમૃદ્ધિનાં સોપાન ચડવાને બદલે છાપું કરજના ખાડામાં ઊતરતું ગયું. છેવટે ઈ.સ. ૧૯૩૩માં તો પરિસ્થિતિ એટલી હદે કથળી ગઈ કે પોતાની લાખો રૂપિયાની ઉઘરાણીના બદલામાં 'મુંબઈ સમાચાર'નો ભાંગ્યોતૂટ્યો વેરવિખેર વહીવટ મંચેરજી નવસરવાનજી કામાએ પોતાના હાથમાં લઈ લેવો પડ્યો.

૧૯૩૩ થી અત્યાર સુધી કામા પરિવાર 'મુંબઈ સમાચાર'ના માલિક છે.

આગળ વધતાં પહેલાં નવરોજી બેલગામવાળા વિશેની બે વાત જાણી લઈએ. ૧૯૪૯માં એમનું મૃત્યુ થયું ત્યારે 'મુંબઈ સમાચાર'માં પ્રગટ થયેલ શ્રદ્ધાંજલિના લેખમાં લખાયું:

'...તેઓએ ૧૯૨૧માં 'મહાસભા'નો પ્રચાર કરવાના હેતુથી 'મુંબઈ સમાચાર' પત્ર ખરીદ્યું હતું અને જ્યારે 'બૉમ્બે ક્રોનિકલ' પત્રની આર્થિક સ્થિતિ નબળી પડી હતી ત્યારે ૧૯૨૮માં 'બૉમ્બે ક્રોનિકલ'નો વહેવાર પણ સંભાળી લીધો હતો. શેઠ નવરોજી બેલગામવાળા રાષ્ટ્રીય પત્રોને બચાવવા બહાર પડ્યા હતા અને એ પત્રોમાં પોતાનું નાણું રોકીને ભારે જોખમ ખેડ્યું હતું. તેઓ રૂના વેપારી હતા અને રૂના વેપારમાંથી તેમને વર્તમાનપત્રોનો રંગ લાગતાં સ્વર્ગસ્થ શેઠ લક્ષ્મીદાસ રવજી તેરસી અને શ્રી શંકરલાલ બેન્કર વગેરેની સહાયથી તેમણે 'બૉમ્બે ક્રોનિકલ' ખરીદ્યું હતું. તેમણે 'વોઈસ ઓફ ઈન્ડિયા' નામનું પત્ર પણ કાઢ્યું હતું... શેઠ બેલગામવાળા 'બૉમ્બે ક્રોનિકલ' અને 'મુંબઈ સમાચાર'માંથી નિવૃત્ત થયા પછી પાછા રૂના વેપારમાં પડ્યા હતા.'

૨૨-૬-૧૯૪૯ના રોજ ૬૩ વર્ષની વયના નવરોજી બેલગામવાળા મરીન ડ્રાઈવ પર રહેતા એમના મિત્ર શેઠ સોહરાબ ડી. ભેદવાર સાથે સાંજે તાજમહાલ હૉટેલ સામે આવેલી વિખ્યાત રેડિયો ક્લબ ગયા હતા. ક્લબમાં કોઈ રમૂજી વાત પર મોટેથી હસતાં હસતાં, સેન્ડવિચ ખાતાં ખાતાં, એમને હાર્ટ ઍટેક આવી ગયો. અનેક આફતોનો જીવનકાળ દરમિયાન હસતે મોંએ, હિંમતથી સામનો કરનારે ખુશમિજાજમાં જ આ દુનિયાની વિદાય લીધી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment