Tuesday, 26 July 2016

[amdavadis4ever] ક કતલનો‘ક’ કે. .. ક કોમળતાનો ક

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"રાજકોટમાં સિરિયલ કિલર પકડાયો... ખબર છે? એક ગલીના નુક્કડ પર થોડાં લોકો ટોળે વળીને ઊભાં હતાં... સામાન્ય રીતે જે ચાલે એવી ગોસિપની સાથે સાથે અફવાઓની ભેળ-પૂરી ચટકારા લઈને ખાતા હતા.

"અરે યાર, રાઘવન જોઈ? એમાં પણ આવા જ સિરિયલ કિલરની સ્ટોરી છે.

"બોસ, તમે હિચકોકની ફિલ્મો નથી જોઈ. એમાં જોરદાર સિરિયલ કિલરની વાર્તા છે.

ચર્ચાના ચકડોળમાં બેઠેલા બધા ઘૂમરીઓ ખાવા લાગ્યા. અચાનક એક જણે સવાલ પૂછી નાખ્યો, "આ સિરિયલ કિલર પુરુષો જ હોય છે? એવું કેમ? સ્ત્રીઓ સિરિયલ કિલર નથી હોતી.

"એવું કંઈ નહીં હવે... એક જણે પોતાનું અજ્ઞાન છુપાવવાનો પ્રયત્ન કર્યો.

બીજાએ કહ્યું, "હોય છે ભઈ હોય છે, આપણા દેશમાં નથી હોતી. આપણા દેશની સ્ત્રીઓ પ્રમાણમાં દયાળુ હોય છે. આવું એકાદ ખૂન કરી નાખે, બાકી બહુ બધા લોકોને મારવાનું આપણાં બૈરાંનું કામ નહીં.

સવાલ સિરિયલ કિલરની માનસિક્તાનો નથી, સવાલ છે પુરુષની ક્રૂરતા અને સ્ત્રીની ક્રૂરતાનો!

શું ખરેખર સ્ત્રી કરતાં પુરુષ વધારે ક્રૂર હોય છે?

પોતાની નજર સામે પોતાનું લોહી દર મહિને વહેતું જોતી સ્ત્રી કદાચ લોહી જોવા વધારે સ્વાભાવિકતાથી ટેવાયેલી હોય છે. પુરુષ માટે દરેક વખતે વહેતું લોહી જોવું એટલું સરળ કે સ્વાભાવિક નથી હોતું. ઘણા બધા પુરુષો ઇન્જેક્શનથી પણ ડરતા હોય એવું આપણે જોયું છે, જ્યારે સ્ત્રી પોતાના જ શરીરમાંથી જાંઘ ફાડીને એક જીવને જન્મ આપવાની પીડા સાવ સહજપણે અને પ્રમાણમાં આનંદથી સહેતી જોવા મળે છે.

તો પછી પુરુષ ઝડપથી હાથ કેમ ઉપાડે છે? કેમ એવું થાય છે કે ડોમેસ્ટિક વાયોલેન્સનો કેસ પુરુષ સામે થાય છે? શું સ્ત્રીઓ ડોમેસ્ટિક વાયોલેન્સ કરતી નથી? તો પછી દહેજ માટે પુત્રવધૂને સળગાવી દેતી કે કૂખમાં દીકરો ન હોય તો ગર્ભપાત કરાવતી સાસુઓ વિશે આપણે શું કહીશું? શું ક્રૂરતાને જેન્ડર બાયસ નથી હોતો?

આમ જોવા જઈએ તો સાદો સવાલ એ છે કે દુનિયાનો કોઈ પણ માણસ - વ્યક્તિમાત્ર બીજી વ્યક્તિ પર હાથ કેવી રીતે ઉપાડી શકે? એને મારી કેવી રીતે શકે? કે પછી એને મારી નાખી કેવી રીતે શકે? જો આપણે મૃત્યુ પામેલી વ્યક્તિમાં પ્રાણ ફૂંકી નથી શક્તા તો એનો પ્રાણ લેવાની સત્તા પણ આપણી પાસે ક્યાં છે? તેમ છતાં જગતમાં ગુના થતા રહે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિના માનવ અધિકાર પર, જીવવાના અધિકાર પર, ખુશ રહેવાના અધિકાર પર, સ્વસ્થ રહેવાના અધિકાર પર તરાપ મારતી રહે છે ને બીજી વ્યક્તિ, જે નબળી છે તે આ અત્યાચારને સહેતી રહે છે. સામાન્ય રીતે સ્ત્રીને કોમળ હૃદયની માનવામાં આવે છે. કોઈનું પણ દુ:ખ સ્ત્રી જોઈ ન શકે એવો એક સર્વસામાન્ય અભિપ્રાય છે. આ વાત કદાચ થોડા દાયકાઓ પહેલાં સાચી હશે, પણ બદલાતા સમય સાથે સ્ત્રી એવી નથી રહી. છેલ્લી કેટલીયે સદીઓથી સ્ત્રીને એવો અહેસાસ થવા લાગ્યો કે એના પર અત્યાચાર થયો છે... ગઈ કાલ સુધી સ્ત્રી એના જીવનના પુરુષ પર આધારિત હતી, એ પુરુષ પિતા હોય, પતિ હોય, પ્રેમી હોય, પુત્ર હોય - કાકા, મામા, દાદા, પડોશી હોઈ શકે. ગેસનો બાટલો બદલવાનું કામ પણ સ્ત્રી જાતે કરી શક્તી નહોતી, એને બદલે હવે સ્ત્રી ટ્રક ચલાવે છે, વિમાન ઉડાડે છે. જે ગઈ કાલ સુધી 'ફૂડમેકર' હતી એ હવે 'ફૂડચેઇઝર' અથવા 'બ્રેડ વિનર' છે. જેમ એની ફરજો બદલાઈ છે, તેમ એના અધિકારો પણ બદલાયા છે. આત્મવિશ્ર્વાસની સાથે સાથે એની અપેક્ષાઓ પણ વધી છે. આવી પરિસ્થિતિમાં જ્યારે એક સ્ત્રી પર અત્યાચાર થાય છે - એ રેપ હોય, ડોમેસ્ટિક વાયોલેન્સ હોય કે બીજી કોઈ રીતે એને તકલીફ પહોંચાડવાનો પ્રયાસ હોય ત્યારે આજની સ્ત્રી ચૂપ બેસી શકે તેમ નથી. એના સ્વભાવમાં એ ધીરજ અને એ માફી આપવાની તૈયારી રહી નથી.

સમય બદલાયો છે અને બદલાતા સમયની સાથે માનસિક્તા પણ બદલાઈ છે. આમ જોવા જઈએ તો ગઈ કાલ સુધી - હજી એક દાયકા પહેલાંની ફિલ્મોમાં હીરોઇનનું સ્થાન ફક્ત હીરોને સપોર્ટ કરવા પૂરતું, ગીતો ગાવા પૂરતું કે હીરોને એકાદ પ્રેમિકા મળવી જોઈએ એટલા પૂરતું જ હતું. પણ હવે? 'કહાની', 'નીલ બટા સન્નાટા', 'લક્ષ્મી', 'ક્વીન' જેવી અનેક કમર્શિયલ અને પેરેલલ ફિલ્મોમાં સ્ત્રીનું પાત્ર બદલાયું છે. એ પાત્રની માનસિકતા અને મજબૂતીને હવે જુદી રીતે રજૂ કરવામાં આવે છે. હજી થોડાં જ વર્ષો પહેલાં સ્ત્રી પોતાના પર થયેલા અત્યાચાર માટે પોતાના પતિ કે પ્રેમીને બચાવની બૂમો પાડતી દર્શાવવામાં આવતી હતી, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં 'એનએચ-૧૦' જેવી કે 'જઝબા' જેવી કે 'પ્રોવોક્ડ' જેવી ફિલ્મો હવે સ્ત્રીના અવાજને બુલંદ કરવાની સાથે સાથે એનામાં રહેલી ક્રૂરતા અથવા એનામાં રહેલા જાનવર પરથી પડદો ઉપાડવાનું કામ કરે છે. એક વાત નક્કી છે, સ્ત્રી સામાન્ય રીતે બિનજરૂરી હિંસા કે ક્રૂરતા આચરતી નથી. ફક્ત શોખ ખાતર કે ફક્ત માનસિક વિકૃતિને કારણે હિંસા આચરતી સ્ત્રીઓની સંખ્યાનો રેશિયો પુરુષોની સંખ્યા કરતા બહુ ઓછો છે. એનું કારણ કદાચ એ હશે કે સ્ત્રીનો વિશ્ર્વાસ અથવા શ્રદ્ધા જીવન પ્રત્યે એક પુરુષ કરતાં ઘણા વધારે હોય છે. એક સ્ત્રીની અંદર સર્જનશક્તિનું પ્રમાણ એક પુરુષ કરતાં ઘણું વધારે હોય છે. રંગોળી કરવામાં, મહેંદી મૂકવામાં, કેશગૂંફન કરવામાં કે સાદી રસોઈ બનાવવામાં એક સ્ત્રી પોતાની સર્જનશક્તિને કામે લગાડે છે... થોડાક જ દાયકા પહેલાં આવાં કામો ફક્ત સ્ત્રીનાં હતાં. હવે પુરુષ મહેંદી મૂકે છે, કેશગૂંફન કરે છે, મેકઅપ કરે છે, રસોઈ બનાવે છે... અને આ પુરુષો કદાચ સ્ત્રીઓ કરતાં વધારે પ્રોફેશનલ પુરવાર થયા છે ત્યારે રોલચેન્જિંગ ફક્ત આટલા પૂરતો સીમિત નથી રહ્યો. લગભગ દરેક બાબતમાં ટેબલ ટર્ન થયા છે, લગભગ દરેક કામની સીટ બદલાઈ છે. એક સ્ત્રી જ્યારે પાઇલટ બને છે ત્યારે એ મા મટી નથી જતી, એવી જ રીતે એક પુરુષ જ્યારે ખૂન કરે છે ત્યારે એ પિતા મટી નથી જતો!

રિતેશ દેશમુખની એક ફિલ્મ, 'એક થા વિલન', જેમાં એ વિકૃત ખૂનીનો રોલ કરે છે... એ જ ખૂની જ્યારે ઘેર પાછો ફરે છે ત્યારે એની પત્નીથી ડરે છે! સામાન્ય રીતે લગભગ દરેક વ્યક્તિમાં બે પ્રકારની વ્યક્તિ હાજર હોય છે. બેમાંથી એક થોડી વિકૃત અને હિંસક, તો બીજી પોઝિટિવ, સારી, સમજદાર અને માણસાઈના ગુણો ધરાવતી વ્યક્તિ હોય છે. આ બંને વ્યક્તિઓ એક્સાથે શ્ર્વાસ લે છે, એક્સાથે જીવે છે. એક જ શરીરમાં, એક જ મનમાં વસે છે. આમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી. હવે મહત્ત્વનું એ છે કે એ વ્યક્તિના ઉછેરમાં એની ભીતરની કઈ વ્યક્તિને વધુ પોષણ, વધુ શિક્ષણ અને વધુ જગ્યા મળી છે! સારી અને ખરાબ બે વ્યક્તિઓમાંની જે વ્યક્તિને વધુ પંપાળવામાં આવે, વધુ પોષણ આપવામાં આવે, વધુ ઉશ્કેરવામાં કે વધુ તૈયાર કરવામાં આવે એ વ્યક્તિ માણસની ભીતર વધુ મજબૂત થતી જાય છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં પુરુષને બદલે કદાચ સ્ત્રીનો ઉછેર વધુ ફરિયાદો સાથે, વધુ ઉશ્કેરાટ સાથે, વધુ એજિટેશન અને વધુ એગ્રેસન સાથે કરવામાં આવ્યો... સદીઓથી ડીએનએમાં ઊતરતી આવેલી ફરિયાદોને અચાનક જ વાચા મળી ગઈ. અચાનક જ એવું બન્યું કે છેલ્લાં થોડાં વર્ષોમાં રિબાતી, પીડાતી, કચડાતી, શોષાતી સ્ત્રીને પોતાનું અસ્તિત્વ અને અસ્તિત્વનું મહત્ત્વ સમજાયું. ગઈ કાલે જે પેલી તરફના અંતિમ પર ઊભી હતી એ સ્ત્રી આજે આ તરફના અંતિમ પર ધસી આવી. જે ગઈ કાલે અત્યાચાર સહેતી હતી એ આજે અત્યાચાર કરવા તૈયાર થઈ ગઈ.

ક્રૂરતા અથવા હિંસા એક પાસિંગ પાર્સલ જેવી ચીજ છે. મ્યુઝિક અટકે ત્યારે જેના હાથમાં પાર્સલ હોય એણે પનિશમેન્ટ સ્વીકારવી પડે છે... આમાં જેન્ડરનો ભેદ નથી હોતો, ફક્ત ક્ષણનું સત્ય હોય છે આ હિંસા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment