Saturday 9 July 2016

[amdavadis4ever] અધૂરુ આકાશ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નારી તું નારાયણી, એ ઉક્તિ હિન્દુસ્તાનમાં ખૂબ જાણીતી છે. પરંતુ કથની અને કરણીમાં ભારે ભેદ વરતાતા હોય એમ ભારતમાં મહિલા અધિકાર સંપન્નતા જેવી અને જેટલી હોવી જોઈએ એવી બળુકી નથી. મહિલાને દેવી માનવી તો દૂર પૈર કી જુત્તી, ગુલામડી, દીકરી તો સાપનો ભારો વગેરે રૂઢિપ્રયોગો અને ઉપાલંભ દ્વારા હીણી ચીતરવામાં આવે છે. 

તાજેતરમાં ત્રણ જાંબાઝ ભારતીય વીરાંગનાને ભારતીય હવાઈ દળ (આઈએએફ)માં યુદ્ધ વિમાનોમાં સમાવેશ કરાયા બાદ આપણે ભારતીયો ખુશખુશાલ હોઈએ તેમાં ના નહીં પણ ૨૧મી સદીમાં મહિલા શક્તિ પ્રદર્શન ક્ષેત્રે ભારતે ઘણી લાંબી મજલ કાપવાની હજી બાકી છે. જે દેશમાં આર્ષદૃષ્ટા મેધાવી સંશોધક આર્યભટે શૂન્ય (૦)ની શોધ કરીને વિશ્ર્વને ઝીરોનો ઉપહાર આપ્યો તે દેશમાં આભ આંબતી સિદ્ધીઓ સર કરનારી વિરાંગનાઓ અને વિદુષીઓ જૂજ છે. અબળાઓની આકાંક્ષા અને અધિકાર સંપન્નાતાના અભરખા અધૂરા રહ્યા છે. 

ત્યારે એક સવાલ ઝબકી જાય કે એક અબજની જનસંખ્યા ધરાવતા ભારતવર્ષમાં અનેરી ઉપલબ્ધિઓ હાંસલ કરનારી વીરાંગનાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી કેમ? આપણે મહિલા અધિકાર સંપન્નતા અને સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની વાતો ઢોલનગારા વગાડીને કરીએ છીએ પણ વિશ્ર્વ કક્ષાએ ભારત પાછળ કેમ? તેનાં પરિબળો ઘણાં છે. વિશ્ર્વના અન્ય દેશોમાં ભારત કરતાં પૂર્વે મહિલાઓ જાજરમાન સ્થાને બિરાજમાન હતી, તેના કેટલાક દાખલા પર દૃષ્ટિપાત:

સભાઓ ગજવતી અને રાષ્ટ્રહિતની મસમોટી જવાબદારી ગુપચુપ સુપેરે પાર પાડતી લોખંડી મહિલા લેખાતાં બ્રિટનના માર્ગારેટ થેચર વર્ષ ૧૯૭૯થી ૧૯૯૦ સુધી બ્રિટનના વડા પ્રધાન પદે બિરાજમાન હતાં. તેમનો મોભો, મુત્સદ્દિગીરી તેમ જ માનમરતબો કોઈ સમ્રાજ્ઞીથી ઓછો ન હતો. જ્યારે ભારતમાં મહિલા અનામત ખરડો હજી અધ્ધરતાલ છે. લોકશાહી દેશ ભારતમાં રાજકીય ક્ષેત્ર સહિત ઘણા ક્ષેત્રોમાં વંશવાદ ફૂલ્યોફાલ્યો છે તે ભારતમાં મહિલા વડા પ્રધાન તરીકે એક માત્ર ઈન્દિરા ગાંધીએ શાસનધૂરા સંભાળી હતી. બ્રિટિશ રાજની ચુંગાલમાંથી ભારત આઝાદ થયા બાદ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના પુત્રી ઈન્દિરાએ ૧૯૬૬થી ૧૯૭૭ સુધી વડા પ્રધાન હતા. બાદમાં ૧૯૮૦થી ૧૯૮૪ની ૩૦મી ઓક્ટોબર સુધી વડા પ્રધાન હતાં. ૩૦મી ઓક્ટોબરે તેઓ પોતાના જ અંગરક્ષકના હાથે વીંધાઈને મોતને ભેટ્યાં હતાં. 

તેઓ વડા પ્રધાનપદે બિરાજતા હતા ત્યારે પાકિસ્તાનનું પડખું ચીરીને બંગલાદેશને કંડારવામાં ભારતીય વીરોને યશ મળ્યો હતો. હાલમાં લઘુમતીઓ પર જુલમ અને ખૂનામરકી હિંસાચાર માટે જાણીતા ઈસ્લામિક કટ્ટરવાદીઓનું પ્રભુત્વ ધરાવતા બંગલાદેશમાં માજી વડાપ્રધાન ખાલીદા ઝીયા તથા વિદ્યમાન વડા પ્રધાન શેખ હસીના વાજેદ અગાઉ પણ ૧૯૯૬થી ૨૦૦૧માં વડા પ્રધાન હતા.

જ્યારે પ્રતિભા દેવીસિંહ પાટીલ ૨૦૦૭થી ૨૦૧૨ ભારતના ૧૨મા રાષ્ટ્રાધ્યક્ષા હતાં. વિજ્ઞાન, તંત્રજ્ઞાન તેમ જ મહિલા સીઈઓ આપવામાં જગમશહૂર લોકતંત્ર અમેરિકામાં પ્રમુખપદશાહી છે પણ હજી સુધી એકપણ મહિલા પ્રમુખ ન આવ્યા હોવાને લીધે બહુધા નારીવાદીઓની ચાહના છે કે આ નવેમ્બરની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન પ્રમુખ બનીને ઈતિહાસ રચે. 

આ ઉપરાંત રાજકીય ક્ષેત્રને નિહાળીએ તો ભારતના ટચૂકડા પડોશી શ્રીલંકામાં સીરિમાવો ભંડારનાયકે નામક સિંહાલી મહિલાએ ૧૯૬૦થી ૬૫, ૧૯૭૦થી ૭૭ તેમ જ ૧૯૯૪થી ૨૦૦૦ સુધી ત્રણ વાર વડાપ્રધાનની ભૂમિકા સુપેરે નિભાવીને દીપાવી હતી તે વાસ્તવમાં મહિલા સશક્તિકરણનું દેદિપ્યમાન ઉદાહરણ છે. ૧૯૯૪થી ૨૦૦૫ સુધી ચંદ્રીકા કુમારતુંગા પાંચમા પ્રમુખ તરીકે સરાહનીય કામગીરી બજાવી હતી. 

પડોશી ડ્રેગનનો દેશ ચીનમાં મહિલાઓ ખેલકૂદ અને તંત્રજ્ઞાન ક્ષેત્રે બળુકી છે જ્યારે રાજકીય સ્તરે પ્રમાણમાં પાછળ છે. કાંડાનું કૌવત દર્શાવતા ખેલકૂદની વાત કરીએ તો મૂળે ભારતમાં રાજામહારાજાઓના શતરંજના ખેલ ચેસમાં પદ્મશ્રી તથા અર્જુન એવોર્ડ વિજેતા કોનેરુ હમ્પીએ જબરદસ્ત કાઠું કાઢ્યું છે. પણ હંગેરી તથા રશિયાના કાબેલ ખેલાડીઓ તેની પૂર્વે મેદાન મારી ગયા છે, તે રમતગમતની તારીખ અને તવારીખ બોલે છે. ભારતનો રાષ્ટ્રીય ખેલ હોકી છે પરંતુ પ્રતિષ્ઠિત અઝનાનશાહ હોકી પ્રતિયોગિતામાં મોઢા સુધી આવેલો પ્યાલો છીનવાઈ ગયો હતો, એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી. 

પ્રતિષ્ઠિત ભારતીય હવાઈ દળ (આઈએએફ)ની દેશપ્રેમી તથા શૌર્યવાન વીરાંગના ફ્લાઈંગ ઓફિસર મોહના સિંહ, ભાવના કાંત તેમ જ અવની ચતુર્વેદીનો મહિલા પાઈલટ યોદ્ધા તરીકે સમાવેશ કરતાં સમરાંગણમાં કાંડાનું કૌવત દર્શાવનારી પ્રથમ ભારતીય માનુની તરીકે ૨૦૧૬ના જૂનમાં સુવર્ણ અક્ષરે નામ નોંધાવી લીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ તેમને વધામણાં આપતાં કહ્યું કે, તમારે લીધે વધુ મહિલાઓને પડકારજનક ક્ષેત્ર અપનાવવાની પ્રેરણા મળશે. 

આ અગાઉ ૧૯૩૭માં તુર્કીની સબીહા ગોક્સેને વિદ્ધોહીઓ સામેની લશ્કરી કામગીરીમાં હોંશે હોંશે ભાગ લઈને વિશ્ર્વની સૌપ્રથમ મહિલા કોમ્બેટ પાઈલટ બનીને નામના મેળવી હતી. વર્ષ ૨૦૧૫ના જૂનમાં ઉત્તર કોરિયાની જો કૂમ હ્યાન્ગ તથા રીમ સોલનો મહિલા લડાકુ જેટ પાઈલટ તરીકે સમાવેશ થયો હતો. ભારત કરતાં આર્થિક રીતે પછાત પાકિસ્તાનમાં આયેશા ફારુક વર્ષ ૨૦૧૩માં મહિલા ફાઈટર પાઈલટની ફાઈનલ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ હતી. જર્મનીના ઊલ્રીક ફ્લેન્ડર ૨૦૦૬માં સૌપ્રથમ મહિલા પાઈલટ બન્યા હતા. અમેરિકાના કર્નલ જેની લેવીટ્ટ ૧૯૯૩માં, એફ-૧૬ યુદ્ધ વિમાનો હંકારવામાં નિપુણ યુએઈની મેજર મરીયમ અલ-મન્સૌરી ૨૦૦૭માં ફાઈટર જેટ પાઈલટ પરીક્ષા પાસ કરીને ઈતિહાસ રચ્યો હતો. 

જોકે દરદીઓની સેવા-સુશ્રૂષા કરતા નર્સિંગ ક્ષેત્રમાં તથા વિવિધ પ્રકારનાં શાસ્ત્રીય નૃત્યો અને સંગીતમાં બેશક ભારતીયોએ વિદેશી ભોમકા પર પણ ડંકો વગાડ્યો છે. સ્પેસ શટલ કોલંબીયામાં વિદેશી અવકાશયાત્રીઓ સાથે સંશોધન માટે જનાર ભારતના હરિયાણા પ્રાંતના કલ્પના ચાવલા ઈતિહાસમાં અમર થઈ ગયા છે. કીંતુ વિજ્ઞાન કે ખગોળવિદ્યા અંગે મામૂલી ખર્ચો કરીને પ્રોજેક્ટ કે પ્રદર્શનમાં ભાગ લેવા થનગનતી વિદ્યાર્થીનીઓને તૈયારી કરવા વાલીઓ ઝટ દઈને પૈસા દેતા નથી. પછી ભારતીય બાળાઓ કેવી રીતે આગવી ઓળખ પ્રાપ્ત કરી શકે? 

અનેરી ઓળખ અને અબળા અધિકાર સંપન્નતામાં અમેરિકાની ફેડરલ બેન્કની ચેરપર્સન જેનેટ યેલેન ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે તેમ જ સશક્ત હોદ્દા પર પ્રભાવશાળી માનુનીએ હીર બતાવ્યું છે. જ્યારે ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના ચેરપર્સન પદે વિદ્યમાન અરુંધતી ભટ્ટાચાર્યને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)નું ગવર્નર પદ મળવાની જોરદાર ચર્ચા વ્યાપાર-વાણિજ્યના માંધાતાઓ સહિત જગબત્રીસીએ ચડી છે. 

સાહિત્ય, સંગીત, કલાવિહીન માનવીને તે પશુ, એમ કહેવાય છે. અંગ્રેજી બાળસાહિત્ય ક્ષેત્રે જગમશહૂર લેખિકા જે. કે. રોલિંગની હેરી પોટર શ્રેણીનાં પુસ્તકોનો વિશ્ર્વની ડઝનબંધ ભાષામાં તરજૂમો થયો છે. વિવાદાસ્પદ લેખાતાં બંગલાદેશનાં ક્રાંતિકારી લેખિકા તસલીમા નસરીન અને બુકર પારિતોષિક વિજેતા અરુંધતી રોયની ભોમકા ભારતમાં સરસ્વતીને ખોળે બેસી કારકિર્દી ઘડવા ઈચ્છુક વિદ્યાર્થિનીઓની લેખનકળા પાંગરે તે માટે ખાસ વર્કશોપ ખોલવાની આવશ્યકતા છે. 

સ્ટેટસ સિમ્બોલ તથા આગવી ઓળખ ધરાવતા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઈઓ)ના હોદ્દા પર ભારતની ચંદા કોચર તથા શિખા શર્માનું નામ ભારતીયો ગર્વભેર લે છે પણ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં એક દાયકા કરતાં વધુ સમયથી બિરાજતાં પેપ્સીનાં ભારતીય મૂળનાં ઈન્દ્રા નૂઈ સહિતની કોર્પોેરેટ ક્ષેત્રે બાહોશ મહિલાનાં નામ કેમ વિસરી શકાય?

એક અબજ ઉપરની જનસંખ્યા, ભાતીગળ સંસ્કૃતિ, ભવ્ય ભૂતકાળ, મહાસાગર જેટલી અફાટ તકો, મહિલાઓ માટે અને શૈક્ષણિક કૌશલ્ય સંબંધિત કેટલાય ખાતાંઓ, કાયદાઓ તેમ જ ધાર્મિક ઉપદેશો હોવા છતાં પણ આપણે વિશ્ર્વના અન્ય દેશોની તુલનામાં નારી સમાનતામાં કાઠું કાઢ્યું નથી તેનાં કારણોમાં સૌપ્રથમ સામાજિક કારણ છે.

સામાજિક બેડીઓ

સામાજિક ઢાંચો અને બંધનોને લીધે મહિલાઓ શમણાં સાકાર કરી શકતી નથી. ચીલો ચાતરનારું કામ કરે તો સારું પાત્ર નહીં મળે, ભાયડાછાપ ઈમેજ બંધાશે કે ઘરની ચાર દીવાલની બહાર જાય તો આબરુ જાય વગેરે બહાનાં આગળ કરીને ઘણી ક્ધયાઓને મનપસંદ અભ્યાસ કરવા દેવામાં આવતો નથી કે પસંદગીના ક્ષેત્રે ડગ ધરવાની મંજૂરી મળતી નથી. કારણ કે ગમે તેટલું ભણે પણ આખરે તો રોટલા જ ટીપવાના છે ને! આવું બોલીને કોઈની ધગશ પર ડ્રમ ભરીને પાણી રેડી દે છે. ખોરડાંની આબરુનું બહાનું આગળ ધરીને ક્ધયાઓને મર્દાના ક્ષેત્રોમાં પગદંડો જમાવતી રોકે છે. શિક્ષક, કોચ, કાઉન્સેલર, સગાંસંબંધીઓના અભિપ્રાયથી બાળકીમાં ધરબાયેલી સુષુપ્ત શક્તિઓ કે શોખનો ખયાલ આવી શકે છે. ભારતમાં ખડગ-ખપ્પરધારી મા મહાકાળી, દુર્ગાની અર્ચના કરાય છે, પરંતુ બહેન-દીકરીને હાથમાં અસ્ત્રશસ્ત્ર હોય તેવા ક્ષેત્રે ડગ માંડવાની મંજૂરી આપતા ખચકાતા લોકોનો તોટો નથી. સ્વાધીનતા સંગ્રામમાં હથિયાર ઊઠાવનાર વીરાંગના રાણી લક્ષ્મીબાઈ, બહાદુર જોધાબાઈ અને શૌર્યવાન મસ્તાનીનાં યુદ્ધ કૌશલ્યની ગાથા યંગિસ્તાન વીસરી ગયું કે? 

આર્થિક સંકડામણ

ગમે તેટલી પ્રતિભા હોય પણ જ્યાં પૈસા ખર્ચવાની આવે ત્યાં ઘણા માતાપિતા અને સ્વજનો મુખ્યત્વે દીકરી માટે ખર્ચ કરતાં ઓઝપાય અને અચકાય છે. કારણ કે કોઈ કોચિંગ, કોર્સ કે તાલીમ માટે જ્યારે કલદાર ધીરવાની વાત આવે ત્યારે ઘણા ટપારે કે, આવા શોખ અને તાગડધિન્ના માટે પૈસાનો અપવ્યય કરવાને બદલે છોકરીના લગ્ન અને કરિયાવર માટે પૈસા બચાવોને! હવે બોલો આવા પરિવેશમાં મહિલા પુરુષ સમકક્ષ ક્યારે થશે? નર સંતાનને વધુ મહત્ત્વ આપી મોજશોખ પૂરા કરવા દેવાની વૃત્તિ બહુધા પ્રવર્તે છે. વ્હાય શૂડ બોય્ઝ હેવ ઓલ ધ ફન?

ઈર્ષ્યા અને કપટ

જગમશહૂર નાટ્યવિદ વિલિયમ શેક્સપિયરનું જેલસી ધાય નેમ ઈઝ વીમેન, સૂત્ર હિંમતવાન અને પડકારજનક કામગીરી દીપાવી ઊઠતી મહિલાઓની રાહમાં રોડાં નાખનારાઓ માટે જ છે. પ્રતિભાવંત અને હીર બતાવી શકવા સમર્થ મહિલાઓની ઈર્ષ્યા કરવી, તેજોવધ દ્વારા હતોત્સાહ કરવા, કપટ અને ષડયંત્ર કરીને આગળ વધવા જ ન દેવાની પેંતરાબાજોની યુક્તિપ્રયુક્તિઓ બેશક પ્રતિભાવંત તથા બહાદુરોની કનડગત કરતા હોય છે.

સ્વને સમજે અબળા

ક્ધયાની હિંમત, પ્રતિભા, હોશિયારી કે સૂઝસમજના વખાણ થાય ત્યારે પારિવારિક કારણ, કુટુંબમાં ભાઈ કે પુત્રને વધુ મહત્ત્વ દેવું,ભાઈ-ભાંડુઓની ચિંંતા વગેરેને લીધે વિદ્યાર્થિની ક્ધયા મોટી થઈને માતા, પુત્રવધૂ વગેરે બીબાંઢાળ ભૂમિકા ભજવવા ઈચ્છે છે. વિવિધ કારણોસર તેના હોઠ પર મનની વાત આવી શકતી નથી. મેરી બાત રહી મેરે મનમેં, કુછ કહેના શકી ઉલ્ઝનમેં... પોતાના શોખને વાચા આપી શકતી નથી કારણ કે મહિલાઓ એટલે સેવા, ત્યાગ, ક્ષમા, કુરબાની... સદીયોં સે હૈ યહીં કહાની ...

બેવડાં ધોરણો

લગ્નની બજારમાં ભણતરની માગ હોય એટલે પ્રભુતામાં પગલાં પાડવા પૂરતું બહેન-દીકરીને શિક્ષણ અને કેળવણી આપે, પરંતુ ચીલો ચાતરીને સશસ્ત્ર દળો જેવા પુરુષોનું આધિપત્ય ધરાવતા ક્ષેત્રમાં ડંકો વગાડવા થનગનતી પ્રતિભા સંપન્ન તરુણીને પાશ્ર્ચાત્ય વસ્ત્રો પહેરાવશે અને કેશસજ્જા કરાવશે કીંતુ વેસ્ટર્ન દેશોની જેમ હિંમતવાન માનુની નહીં બનાવે. 

કનડગત

માનસિક, જાતીય કે વિવિધ સ્તરે રંજાડથી તોબા પોકારીને કેટલીક સ્ત્રીઓ પડકારજનક ભૂમિકા ભજવતી નથી અથવા સ્વજનોનો સાથ ન મળવાથી નાસીપાસ થઈને અંતરની ઈચ્છા હોવા છતાં મન મારીને રહે છે. પુરુષો જેવી હાઈ-પોસ્ટ પર કામગીરી બજાવવા હાથે કરીને પ્રમોશન-બઢતી સ્વીકારતી નથી. કેટલીક કંપનીઓ અને વ્યક્તિઓની દલીલ છે કે નારીઓને ભથ્થા અને વિશેષાધિકારોમાં સમાનતા જોઈએ છે પણ પ્રતિકૂળ કામગીરી કે ડ્યૂટીના કલાકો નથી જોઈતા. આથી જાતજાતના હકો માગતી લલનાઓએ જાતજાતની ફરજ પણ બજાવવી જોઈએ.

સરકારી સાથ-સંગાથ

ભારતમાતાના યશસ્વી પુત્ર નરેન્દ્ર મોદીએ જેમ પઢે બેટી, બઢે બેટીનું સૂત્ર આપીને ક્ધયા કેળવણીનું બીડું ઝડપ્યું છે તેમ જ કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળ કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ઘડી છે. તેવી રીતે રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે તથા શાળાના સ્તરથી જ બાળકીમાં રહેલી પ્રતિભા પીછાણીને કાચા હીરાને પોલિશ કરીને ઝળહળે તેવી વ્યવસ્થા ઊભી કરવાની આવશ્યકતા છે.

સમાનતા અને મહિલાઓ સંબંધિત કાનૂનની અમલબજાવણી પણ બરાબર થવી જોઈએ. વિદ્યાર્થિનીઓ કે મહિલાઓને અન્યાય થાય કે તેમની પ્રગતિ રૂંધી હેરાન કરવાની સામે કાનૂની જોગવાઈઓ છે પણ તેને અમલમાં મૂકવી આવશ્યક છે. બાકી વિવિધ ક્ષેત્રે ભારતીય સહિતની મહિલાઓના પ્રદાનને બિરદાવવું, તુલનાત્મક અભ્યાસ કરીને નિચોડ રજૂ કરવો તે ગાગરમાં મહાસાગર સમાવિષ્ટ કરવાનું દુષ્કર કાર્ય છે. 

૬૪ કળા, કૌશલ્ય, કારીગરી, ખેલકૂદ, અન્વેષણ, સશસ્ત્રદળો, વિજ્ઞાન, તંત્રજ્ઞાન, અંતરીક્ષયાત્રા વગેરે વણખેડેલાં ક્ષેત્રોમાં ચીલો ચાતરીને ડગ તો ભારતીય માનુની જ માંડશે પણ તેમના જીવનમાં પુરુષપાત્રોની નૈતિક હિંમત અને સાથસંગાથ હશે તો જ મહિલાઓ ન માત્ર સંબંધિત પ્રાંત, જ્ઞાતિ, શાળા કે સમુદાયનું પણ સમસ્ત ભારતવર્ષનું નામ સુવર્ણ અક્ષરે કોતરવા શક્તિમાન બનશે. તેમની સુષુપ્ત પ્રતિભા પાંગરીને હીર બતાવી શકે તેવું પ્લેટફોર્મ પૂરું પાડવાની આવશ્યકતા છે.

બાકી મહિલા અધિકાર સંપન્નતાના સૌપ્રથમ પ્રહરી હતાં મહાસતી યાજ્ઞસેની દ્રૌપદી: જૂગટું રમવામાં પરાજિત યુધિષ્ઠીર મને દાવમાં કેમ મૂકી શકે? એવો વેધક સવાલ કરવાની હિંમત પાંચાલનરેશની દીકરી દ્રૌપદીમાં ઠાંસીઠાંસીને ભરી હતી. વીરાંગના લક્ષ્મીબાઈ, સતી સીતા તથા જીવન જંગમાં ઝઝૂમીને નામ રોશન કરનાર બોક્સર મેરી કોમના ત્રણ સમંદર વચ્ચે સ્થિત દેશ ભારતમાં માનુનીઓનાં સશક્તિરણ માટે તકોનો અફાટ મહાસાગર ઊભો કરવો જોઈએ. સ્વજનોની હૂંફ અને સાથ હોય, હૈયે હામ હોય, વિઘ્નસંતોષી વચેટિયાઓની બાદબાકી થઈ જાય, સરકારી નીતિઓ અસરકારક રીતે અમલી બને તેમ જ નસીબનું પાંદડુ લીલું હોય તો જ ભારતીય માનુનીઓ ભલભલાને ભૂ પીવડાવી દે તેવી ઉપલબ્ધિઓ બેશક હાંસલ કરી શકે એમ છે જ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment