Friday 15 July 2016

[amdavadis4ever] ઈસ્લામનો અર્થ સમજા વવા મુસ્લિ મો આગળ આવે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈસ્લામનો અર્થ સમજાવવા મુસ્લિમો આગળ આવે

રાજીવ પંડિત

 

પહેલાં બંશલાદેશના ઢાકામાં અને પછી સાઉદી અરેબિયાના મદીનામાં થયેલા આતંકવાદી હુમલાના કારણે ફરી વાર જેહાદના નામે ચાલતો આતંકવાદ ચર્ચામાં આવી ગયો છે. આ આતંકવાદી હુમલાના કારણે મુસ્લિમો પોતે સ્તબ્ધ છે, કેમ કે મુસ્લિમો માટે પવિત્ર મનાતા રમઝાન મહિનામાં જ આ કત્લેઆમ થઈ. આ હુમલાની આખી દુનિયામાં ટીકા થઈ. ભારતમાં પણ કેટલાક મુસ્લિમો ખુલ્લેઆમ આ હુમલાની વિરુદ્ધ બોલ્યા પણ તેમાં સૌથી વધારે ચર્ચા ફિલ્મ અભિનેતા ઈરફાનને જે કહ્યું તેની થઈ રહી છે. 

ઈરફાને ટ્વિટર પર આ હુમલાની ઝાટકણી કાઢતાં જે લખ્યું તે અક્ષરશ: વાંચવા જેવું છે: 

બચપન મેં મઝહબ કે બારે મેં કહા ગયા થા કિ આપ કા પડોશી ભૂખા હો તો આપ કો ઉસ કો શામિલ કિયે બિના અકેલે ખાના નહીં ખાના ચાહિયે. બાંગ્લાદેશ કી ખબર સુનકર અંદર અજબ વહશત કા સન્નાટા હૈ....

કુરાન કી આયતેં ના જાનને કી વજહ સે રમઝાન કે મહિને મેં લોગોં કો કત્લ કર દીયા ગયા. હાદસા એક જગહ હોતા હૈ, બદનામ ઈસ્લામ ઔર પૂરી દુનિયા કે મુસલમાન હોતે હૈં. વો ઈસ્લામ જીસ કી બુનિયાદ હી અમન, રહેમ ઔર દુસરોં કા દર્દ મહેસૂસ કરના હૈ. ઐસે મેં ક્યા મુસલમાન ચૂપ બેઠા રહે ઔર મઝહબ કો બદનામ હોને દે ? યા વો ખુદ ઈસ્લામ કે સહી માયને કો સમઝે ઔર દૂસરોં કો બતાયે કિ ઝુલ્મ ઔર કત્લોંઘરત કરના ઈસ્લામ નહીં હૈ. 

યેહ એક સવાલ હૈ. 

ઈરફાનની ટ્વિટ પછી સ્ક્રીપ્ટ રાઈટર અને સુપરસ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ બંગલાદેશના હુમલાની ટીકા કરી ને બહુ આક્રોશ સાથે કહેલું કે, ઢાકામાં હુમલો કરનારા પોતાને મુસલમાન ગણાવતા હોય તો હું મુસલમાન નથી. કુરાનમાં કહેવાયું છે કે એક નિર્દોષની હત્યા એ સમગ્ર માનવતાની હત્યા છે અને એક મુસ્લિમ તરીકે મારી ફરજ છે કે હું એવા લોકોની ટીકા કરું કે જે લોકો મારા મઝહબને બદનામ કરે છે અને સાથે સાથે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન ના મળે એ પણ જોઉં. 

ઈરફાન અને સલીમ ખાને જે કંઈ કહ્યું એ સો ટકા સાચું છે ને તેના કારણે એવી ચર્ચા પણ શરૂ થઈ કે ઈરફાન કે સલીમ ખાન જેવા લોકો કહે છે તેમ ઈસ્લામનો સાચો અર્થ સમજાવાય તો ઢાકા જેવી ઘટનાઓ ના બને. કમ સે કમ આપણે ત્યાં તો ના જ બને. 

આ વાત સૈદ્ધાંતિક રીતે સાવ સાચી છે ને આ આશાવાદ ખોટો નથી પણ વાસ્તવિકતાથી બહુ દૂર છે. તેનું કારણ એ છે કે આ દેશમાં સલીમ ખાન, જાવેદ અખ્તર કે ઈરફાન ખાન જેવા સાચા અર્થમાં ઈસ્લામને સમજનારા મુસ્લિમો છે તો સામે અસદુદ્દીન-અકબરુદ્દીન ઓવૈસી, ઝાકિર નાઈક, ઈમામ બુખારી કે આઝમ ખાન જેવા નમૂના પણ છે કે જે ઈસ્લામના નામે મુસ્લિમોને અવળા માર્ગે ચડાવવાનો ધંધો માંડીને બેઠા છે. આ દેશનો બહુમતી મુસ્લિમ સમાજ તેમની પકડમાં છે ને તેમની આંખે જ બધું જુએ છે તેથી ઈસ્લામના નામે જાત જાતનાં ધૂપ્પલ ચાલ્યા જ કરે છે પણ કોઈ તેને રોકતું નથી. આ એકદમ નક્કર ને કડવી વાસ્તવિકતા છે ને એ દરેકે સ્વીકારવી પડે, કેમ કે આ વાત ખોટી છે એવું સાબિત કરવા મુસ્લિમો આગળ આવ્યા હોય એવું અત્યાર લગી તો બન્યું નથી. 

કદાચ એવું પણ હોઈ શકે કે મુસ્લિમોમાં જે વર્ગ ઈસ્લામના સિદ્ધાંતોને સમજે છે તે વર્ગ મોટો હોઈ શકે પણ આ વર્ગ બોલકો નથી. તેના કારણે આ દેશમાં ઈસ્લામના નામે ગમે તે આલિયો, માલિયો કે જમાલિયો કંઈ પણ બકવાસ કરી જાય, મુસ્લિમો બોલતા જ નથી. ચાર ચોપડી પણ ના ભણ્યો હોય પણ કોઈ મસ્જિદ કે મદરેસામાં જઈને બેસી ગયો એમાં મૌલવી બની ગયેલો કોઈ લલ્લુપંજુ ઈસ્લામના નામે ગમે તેવી ઝીંકાઝીંક કરે કે ફતવો બહાર પાડી દે છતાં મુસ્લિમો ચૂપ બેસી રહે છે. બધા મૌલવીઓ આ કેટેગરીમાં ના આવે ને કેટલાક ખરેખર ઈસ્લામના જાણકાર હશે પણ એવા મૌલવીઓ આવો ધંધો કરતા નથી. બહુમતી મુસ્લિમો એવા હશે કે જે ફતવો બહાર પાડનારા પેલા અણઘડ મૌલવી કરતાં ઈસ્લામના વધારે જાણકાર હશે ને વધારે પાક મુસલમાન હશે. એ લોકો સમજતા પણ હશે કે ઈસ્લામમાં આવી કોઈ વાત જ નથી પણ છતાં તેનો વિરોધ કરવા કોઈ આગળ આવતું નથી. મુસ્લિમો ખોંખારીને એવું બોલવા તૈયાર થતા નથી કે, ઈસ્લામના નામે આ ઝીંકાઝીંક ના કર ને તારી લૂલીને વશમાં રાખ, કેમ કે તારા કારણે મઝહબની તૌહિન થાય છે. ઈરફાને ડંકે કી ચોટ પર જે વાત કરી એ વાત કહેતાં પણ મુસ્લિમો કતરાય છે. માત્ર ધર્મના ઠેકેદારો સામે જ મુસ્લિમો ચૂપ રહે છે એવું નથી. રાજકીય પક્ષોની દલાલી કરી ખાનારા અલેલટપ્પુ રાજકારણીઓ કે પછી મુસ્લિમોના નામે પોતાના તંબૂ તાણીને બેસી ગયેલા નેતા ગમે તે લવારા કરે તો પણ મુસ્લિમો તેનો પ્રતિકાર કરતા નથી, તેને પડકારવા સામે આવતા નથી. 

એક જાવેદ અખ્તર રાજ્યસભામાં ખોંખારીને એમ બોલી શકે કે, ભારત માતા કી જય બોલવી એ મારી ફરજ નહીં પણ અધિકાર છે ત્યારે એક ભારતીય તરીકે ચોક્કસ આપણી છાતી ફૂલે ને જાવેદ અખ્તર પર ગર્વ થાય. સાથે સવાલ પણ થાય કે આ દેશમાંથી એક સાથે કેમ પાંચ કરોડ મુસ્લિમો જાવેદ અખ્તરની વાતને ટેકો આપવા ઊભા થતા નથી? અસદુદ્દીન ઓવૈસી એવો લવારો કરે કે મારા ગળા પર કોઈ છરો મૂકશે તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું કેમ કે ઈસ્લામમાં તેની છૂટ નથી. ઓવૈસીના આ લવારા સામે એકલદોકલ અવાજો ઊઠે પણ મુસ્લિમ સમાજમાંથી એવો પ્રચંડ ઘોષ કેમ નથી ઊઠતો કે ઓવૈસી ખોટો છે ને ઈસ્લામમાં આવી કોઈ વાત જ નથી? પાંચ કરોડ મુસ્લિમોના ભારત માતા કી જયના ઘોષમાં ઓવૈસીનો અવાજ દબાઈ જાય એવું કેમ નથી બનતું ? જે મુસ્લિમો સલમાન રશદીની સેતાનિક વર્સીસ સામે વિરોધ કરવા હજારોની સંખ્યામાં ઊમટી પડે છે એ જ મુસલમાનો ઢાકાના હુમલા સામે વિરોધ કરવા કેમ બહાર આવતા નથી? બીજું બધું તો ઠીક પણ મદીનામાં પયગંબર સાહેબની મસ્જિદ બહાર આતંકવાદી હુમલો થયો ને છતાં મુસ્લિમો ચૂપ કઈ રીતે બેસી શકે છે? ઓવૈસી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના પીઠ્ઠુઓને મદદ કરવાનું એલાન કરે છે ને મુસ્લિમ સમાજમાંથી એવો અવાજ કેમ નથી ઊઠતો કે ઈસ્લામને આતંકવાદ સાથે ના જોડો? 

આ સ્થિતિ કેમ છે એ પણ સમજવા જેવું છે. આ દેશમાં સેક્યુલારિઝમના નામે મુસ્લિમ મતબૅંકનું ગંદું રાજકારણ ભરપૂર ચાલ્યું ને હજુ ચાલે છે. તેના કારણે મુસ્લિમ સમાજમાં દલાલોનો એક આખો વર્ગ પેદા થયો. આ દલાલોને મુસ્લિમોનું ભલું થાય તેમાં જરાય રસ નથી કે ઈસ્લામની તૌહિન થાય તેનાથી પણ તેમને ફરક પડતો નથી. તેમને પોતાનો દલાલીનો ધંધો બરાબર ચાલે ને માલમલિદા ખાવા મળે તેમાં જ રસ છે ને તેને વાસ્તે એ લોકો મુસ્લિમોને આડીઅવળી પટ્ટીઓ પઢાવ્યા કરે છે. આ દલાલો રાજકીય આશ્રય પામી પામીને એ હદે માતેલા બન્યા છે કે તેમની સામે પડવાની કોઈ હિંમત જ ના કરે. તેમની સામે બોલનારને એ લોકો રીતસર કચડી જ નાખે. જાવેદ અખ્તર, સલીમ ખાન કે ઈરફાન જેવા લોકો તેમની પહોંચની બહાર છે તેથી તેમનું તો કશું ના તોડી શકાય પણ સામાન્ય મુસ્લિમ આ બધી વાતો કરવા બેસે તો તેનું જીવવું હરામ કરી દેવાય. આ સંજોગોમાં ક્યો મુસ્લિમ સામે આવે ? આ બધાં કારણોસર મુસ્લિમો ચૂપ રહે છે. તેના કારણે મુસ્લિમો વિશે નકારાત્મક અભિપ્રાય બંધાયો છે એ વાસ્તવિકતા છે. મુસ્લિમોમાં તો અસદુદ્દીન ઓવૈસી ને ઝાકીર નાઈક જેવા નમૂના જ ભર્યા પડ્યા છે એવી માન્યતા દૃઢ બની છે. 

ખરી જરૂર આ માન્યતા બદલવાની છે ને એ માન્યતા ત્યારે જ બદલાય કે જ્યારે મુસ્લિમો સલીમ ખાન, જાવેદ અખ્તર કે ઈરફાન ખાનની જેમ ઈસ્લામના નામે જે ખોટું ચાલી રહ્યું છે તેની સામે ખોંખારીને બોલવા ઊભા થાય. ઈસ્લામ વિશે સાચી સમજ તેમનામાં હશે જ પણ ઈરફાન કે સલીમ ખાનની જેમ એ સમજ વ્યવહારમાં પણ પ્રગટ થાય એવું થવું જોઈએ. એ માટે મુસ્લિમ સમાજમાં નવી નેતાગીરી ઊભી કરવી પડે. પોતાના સ્વાર્થને ખાતર મુસ્લિમોને અવળા માર્ગે ચડાવનારા દલાલોને હટાવીને તેમની જગાએ એવા મુસ્લિમોએ આગળ આવવું પડે કે જે સાચા અર્થમાં ઈસ્લામને સમજતા હોય. તેમનો પ્રભાવ સમાજ પર વધશે તો આપોઆપ જ બીજા મુસ્લિમો પણ ઈસ્લામના નામે જે ધૂપ્પલ ચાલતાં હશે તેની સામે અવાજ ઉઠાવશે. 

મુસ્લિમો માટે અત્યારે ઈસ્લામ વિશે જે ગેરમાન્યતાઓ છે તે દૂર કરવાનો શ્રેષ્ઠ સમય છે. મુસ્લિમોની એ ફરજ પણ છે કેમ કે ઈસ્લામના નામે જે કંઈ ચાલી રહ્યું છે તેના કારણે ઈરફાને કહ્યું તેમ ઈસ્લામ અને મુસલમાનો જ બદનામ થાય છે. નવ્વાણું ટકા મુસલમાનો જેમાં સામેલ નથી તેવાં અપકૃત્યોની કાળી ટીલી તેમના માથે લાગે છે. 

અત્યારે સેક્યુલારિઝમનું તૂત ચલાવીને મતબૅંકના દલાલોને પોષનારા રાજકારણીઓ અત્યારે સત્તાથી દૂર છે. તેના કારણે ઈરફાન કે સલીમ ખાન જેવા મુસ્લિમો હવે વધારે હિંમતથી બોલતા થયા છે પણ બે-ચાર મુસ્લિમોના બોલવાથી કશું નહીં વળે. તેમના અવાજમાં બીજા મુસ્લિમોએ પણ સૂર પુરાવવો પડશે. બીજા મુસ્લિમો પણ તેમને અનુસરે તો આખો દેશ તેમની સાથે હશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment