Saturday, 26 September 2015

[amdavadis4ever] મેં નાહી નાખ્યું: સુરેખા સ ાથે જોઇ અ નુગાની આંખો ચાર થ ઇ -Raghavji Madhad

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




મેં નાહી નાખ્યું..!
 
જન્માષ્ટમીની રાત્રીએ ગામના ચોકમાં રમાઇ રહેલા રાસમાં કરણ ને સુરેખા સાથે જોઇ અનુગાની આંખો ચાર થઇ ગઇ હતી.કરણ અહીં, આમ સુરેખા સાથે ક્યાંથી!? તે બાજુના ગામનો છે. પણ નાતીલા સાથે અહીં રાસ રમવા આવ્યો હશે, માની લીધું પણ સુરેખાને ક્યાંથી ઓળખે? તેની સાથે શું લાગેવળગે!?
 
એક જ સવાલ સતાવતો હતો: 'પ્રેમ એવો તે કેવો છે જે કહી શકાતો નથી ને ખમી પણ શકાતો નથી.' અનુગાએ આ પીડાથી અકળાઇ બમણા જોરથી ધોણનાં લૂગડાં પર ધોકો પછાડ્યો. સામે કપડાં ધોતી સુરેખાને છાંટા ઊડ્યા. રંગમાં જાણે ભંગ પડ્યો. તેના ગળામાં ગુંજતું ગીત 'હે, કાન તારી મોરલીએ મોહીને મેં તો મા ને મોસાળ મેલ્યાં..' પણ અટકી ગયું. ગીતના લયમાં ગુંજતા મનગમતાં માણસ સાથેનો જાણે સંવાદ તૂટી ને છૂટી ગયો. અનુગાને ગુસ્સો આવ્યો. આંખો તાણી, નેણ નચાવી, મોં મચકોડી સુરેખા સામે રિસાળ નજરે જોયું. નજરમાં આગના તણખા ઝર્યા. છતાંય કંઈ બન્યું ન હોય એમ હસીને પાછી કપડાં ધોવા લાગી.


ગામના પાદર વહેતી શેત્રુંજી નદીએ બંને બહેનપણીઓ ધોણ કાઢવા આવી છે. પણ કપડાંની ગાંસડીઓ સાથે હૈયાની વણકથી વાતોની ગાંસડીઓ પણ બાંધીને આવી છે. બંને સમજે છે પણ ખુલ્લા મને કોઈને કહી શકતી નથી. નદીની ઉપરવાસ આવેલા ધોબીઘાટ પર યુવાનો પાણીમાં ધુબાકા મારે છે. તે બાજુ જોઈ સુરેખા ફરી લૂગડાં છબછબાવવાં લાગી. અનુગા સળગી ઊઠી. સુરેખાને ધક્કો કે ધોકો મારી નદીમાં હડસેલી દેવાનું મન થઇ આવ્યું. પણ અનુગા શાંત રહી.

અનુગાએ સીધું જ સુરેખાને પૂછ્યું: 'કયા કાનની મોરલીમાં મોહી છો!?' સુરેખા ડોક ટટ્ટાર કરી અનુગા સામે ફાટી આંખે જોઈ રહી. અનુગાના સ્વરમાં આગ ભભૂકતી હતી. તેણે કહી જ દીધું: 'કોની, કરણની મોરલીમાં ગાંડી થઇ છો!?' સુરેખાનું મોં લાલ થઇ ગયું. સહેજ શરમ સાથે તે ઊંધું ઘાલી ગઈ પણ અનુગાનાં અંગેઅંગમાં આગ લાગી ગઇ. સુરેખા ને અનુગા ધોરણ બાર સુધી સાથે ભણી છે. સુરેખાને અમુક કારણોસર આગળ ભણવાનું છોડાવી દીધું. અનુગા આગળના અભ્યાસ અર્થે અમરેલી જાય છે. જ્યાં કરણ પણ અભ્યાસ કરે છે. બસમાં ભીડ હોય ત્યારે કરણ, અનુગાની જગ્યા રાખે. સાથે બેસે, વાતો કરે...ફ્રેન્ડ હોવું ફરજિયાત જેવું હતું તેથી અન્ય કોઈને હરકત સરીખું નહોતું. પણ જન્માષ્ટમીની રાત્રીએ ગામના ચોકમાં રમાઇ રહેલા રાસમાં કરણ ને સુરેખા સાથે જોઇ અનુગાની આંખો ચાર થઇ ગઇ હતી. વિશ્વાસ આવતો નહોતો. કરણ અહીં, આમ સુરેખા સાથે ક્યાંથી!? તે બાજુના ગામનો છે. પણ નાતીલા સાથે અહીં રાસ રમવા આવ્યો હશે, માની લીધું પણ સુરેખાને ક્યાંથી ઓળખે? તેની સાથે શું લાગેવળગે!? સવાલોના સાચા જવાબો અનુગાને જડતા કે મળતા નહોતા.

રાસમાં કરણ ને સુરેખા રીતસરનાં રમમાણ થઇ ગયાં હતાં. રાસનું આખું દૃશ્ય અનુગાની આંખોમાં કણાની જેમ ખટકવા લાગ્યું હતું. વરસો જૂની પરંપરા મુજબ ગામના ચોકમાં રાસ રમાઇ રહ્યો હતો. તેમાં નાત-જાતના ભેદ વગર અઢારેય વરણની બેન-દીકરીઓ રમે. સાથે કોઇ જુવાનિયા પણ હોય. વચ્ચે ઢોલી ઢોલ વગાડતો હોય ને ફરતા કુંડાળામાં રાસ લેવાતો હોય. સમી સાંજે શરૂ થયેલો રાસ છેક કૃષ્ણજન્મ વખતે બંધ થાય. ગામના ચોરા પર મુખીના વંશજ પોતાની લાઇસન્સવાળી બંદૂક ફોડે, ભડાકો કરે. આખા ગામને ખબર પડે કે, કૃષ્ણજન્મ થઇ ગયો છે. પછી શરૂ થાય આરતી: 'નંદ ઘેર આનંદભયો, જય કનૈયાલાલ કી...' આ સમયગાળામાં રાસ સતત ચાલુ રહે પણ રાસ લેનારની આવન-જાવન થતી રહે. સુરેખાએ અનુગાને આવવા કહ્યું હતું. અનુગા સુખ-સંપન્ન પરિવારની પુત્રી છે.
 
ઘરમાં બધી સગવડ છે. ટીવી પર કૃષ્ણજન્મોત્સવનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. પણ સુરેખાના લીધે અનુગા રાસ લેવા નહીં, જોવા આવી હતી. ત્યાં આ દૃશ્ય નજરે પડ્યું હતું. સુરેખા સીધી રીતે કહેવાના બદલે નજર સામે જ બતાવવા માગતી હશે એટલે જોવા બોલાવી હશે. પણ પોતાને કરણ ગમે છે એવું સુરેખાને ક્યારેય કહ્યું જ નથી પછી સુરેખા આમ શું કરવા કરે?અનુગા અટવાઇ. પણ સુરેખા ને કરણ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ છે તે અનુગાએ સગી આંખે જોયું છે. 'ના, કરણ મારો છે...' અનુગા જિદ્દી છે. ઈચ્છે તે વસ્તુ મેળવીને રહે છે. પણ કરણ વસ્તુ નથી કે પૈસાથી ખરીદી શકાય! શું કરવું? સાફ કરો, માફ કરો અથવા હાફ હાફ કરો...આ સોદો તો સુરેખા સાથે જ કરવો પડે. તેથી સુરેખાને ફોસલાવી આમ ધોણ કાઢવા, નદીએ આવવા તૈયાર કરી હતી.

અનુગાએ પૂછ્યું: 'કરણને તું ક્યાંથી ઓળખે!?' સુરેખાએ સહજ કહ્યું: 'અમારા ખેતરના શેઢા એક છે!' સામે અનુગા કોતરાવેલા નેણ નચાવતી બોલી: 'ઓહ..તો તો બાળપણની પ્રીત!' અનુગાની વક્રબોલી સુરેખાની સમજમાં આવતી નથી. રાજી થવાના બદલે આમ ઝેર કેમ ઓકે છે! 'ત્યાં ખેતરમાં રાસ રમી લેવા હતાને અહીં શું કરવા બોલાવ્યો?' અનુગાને શું કહેવું તે સુરેખા નક્કી કરી શકી નહીં. સુરેખાએ કપડાં ધોવાં પડતાં મૂકી સીધું જ પૂછી લીધું: 'તને પેટમાં શું દુઃખે છે એ કે'ને!?' સ્ત્રી ત્યાગ ને સમર્પણની સાક્ષાત્ મૂર્તિ હોય પણ પ્રિયપાત્ર માટે જીવસટોસટ લડી અથવા છાનાખૂણે રડી લેતી હોય છે. સુરેખા ઉગ્ર થવામાં હતી. આ ઝઘડો ઘર સુધી તો ઠીક, પણ જાહેર થઇ છેક જાત સુધી જઈને ઊભો રહે એમ હતો. 'અલી મૂઈ મેં તો ખાલી પુછ્યું એમાં તું તો ગરમ થઇ ગઇ!'
 
અનુગાએ મન મારીને પણ પોતાનો સ્વર બદલી નાખ્યો. હવે સ્વર સાથે મનથી માનેલો વર પણ બદલી નાખવો પડે એમ હતો. સામે સુરેખા સથરી થતી બોલી: 'તારી હારે કોલેજ કરે છે ઇ કેમ કે'તી નથી!' અનુગા અનુત્તર રહી. તેણે પાછું વાળીને જોયું. ધોબીઘાટ પર ધુબાકા મારવામાં કરણ પણ હતો. થયું કે મોબાઇલમાં મેસેજ નાખું: 'હું અહીં છું...' પણ શું કરવા? એક ક્ષણે મોબાઈલને પાણીમાં પધરાવી દેવાનું મન થયું. મોડી રાતે કોઈકે વોટ્સએપ પર રાસના ફોટા રમતા મૂક્યા હતા. કરણને ફોટામાં સુરેખા સાથે જોઈ નીંદર વેરણ થઇ હતી. જોકે કરણ દિલમાં વસી શકે પણ જીવનમાં વસી શકે કે કેમ? મોટો સવાલ હતો. ચૂંટણીના લીધે ગામમાં જ્ઞાતિના વેરઝેર વીફર્યાં હતાં. તેથી રાસ રમવા કોઇ ભેગું થતું નહીં. રાસ પરંપરા બંધ થઇ ગઇ હતી. પણ છેલ્લે સમરસતાના લીધે આ પરંપરા સજીવન થઇ હતી. તેમાં કેસેટ, ડિસ્કો...એવું કશું નહીં પણ દેશી-પરંપરાગત રાસ જ રમવાનો.

અનુગાને શું સુઝ્યું તે વાતનો વિષય બદલીને પૂછ્યું: 'તારેય ખેતર ધોવાઈ ગયું છે ને!?' સુરેખા કહે: 'કરણને અમારે ખેતરના શેઢા ધોવાઈને એક થઇ ગયા છે!' અનુગા રક્તના ખાબોચિયા જેવું હૃદય ફાટી જાય એવો લોહીઝાણ નિસાસો નાખીને બોલી: 'તમારી તો નાત પણ એકને!' હા, કહી સુરેખા બોલવાના બદલે શરમાળું હસવા લાગી. 'મને આવી શું ખબર...' આમ કહી અનુગા કપડાં ભેગાં કરતી બોલી: 'નહિતર કરણને રાખડી બાંધત!' અનુગાનું આમ કહેવું સુરેખાને સમજાયું નહીં. તે સ્વસ્થતાથી બોલી: 'હાલ્યને હવે નદીમાં ના'વા જાંયી...' ત્યાં અનુગા જ કહે: 'મેં તો હવે કરણના નામનું નાહી નાખ્યું, હાલ્ય ઘેર...!'


સુરેખાને સત્ય સમજાતાં થોડી વાર લાગી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment