Friday 15 July 2016

[amdavadis4ever] ‘સુલતાન’ અને સલ માન ખાન: ફરી એક વાર પછડાટ, પીછ ેહઠ અને પુનરાગમન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક જમાનો હતો જ્યારે સ્ટાર્સને રૂબરૂમાં તો શું એમના ફોટા જોવા પણ નહોતા મળતા. પચાસ વર્ષ પહેલાં ફિલ્મી મૅગેઝિનો કેટલાં હતાં? એમાં વળી રંગીન મુદ્રણવાળા કેટલાં? ટીવી નહોતું કે ન્યૂઝપેપરમાં રંગીન પૂર્તિઓ નહોતી. સ્ટાર્સનાં 'દર્શન' કરવાં હોય તો એમની ફિલ્મો જોવી પડે અને એના માટે થિયેટરમાં જ જવું પડે. ડીવીડી કે વિડિયો તો હતાં નહીં. વળી તમે જે ગામમાં-શહેરમાં રહેતા હો ત્યાંનાં થિયેટરોમાં એ સ્ટારની ફિલ્મ કદાચ ચાલતી હોય, ન પણ ચાલતી હોય. એ જમાનામાં સ્ટાર્સનો ચહેરો જોવા મળે, ફિલ્મમાં કે મૅગેઝિનમાં, તો એના ચાહકો ધન્યધન્ય થઈ જતા.

આજે તો તમે ધારો તો ઈન્ટરનેટ પરથી વગર ખર્ચે ડાઉનલોડ કરેલી ફિલ્મને તમારા મોબાઈલમાં જોઈને ચોવીસે કલાક તમારા મનગમતા સ્ટારની કંપની માણી શકો છો. આમ છતાં સાઉથના રજનીકાંત સહિત હિંદી ફિલ્મના કેટલાક સ્ટાર્સ એવા છે જેમના ચાહકો, પચાસ વર્ષ પહેલાંના જમાનાની જેમ, એમની આરતી ઉતારે છે. હા, રીતસરની આરતી ઉતારે છે.

'સુલતાન' બુધવારે રિલીઝ થયું અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવા માટે મલ્ટિપ્લેક્સને બદલે સિંગલ સ્ક્રીન થિયેટર પસંદ કર્યું. એવા જૂનાં થિયેટરોમાં સલમાન ખાનની ફિલ્મો જોવા આવનારા ક્રેઝી ઑડિયન્સનો પરિચય 'બજરંગી ભાઈજાન' વખતે થઈ ચૂક્યો હતો. 'સુલતાન'માં ફરીવાર થયો. અમે પહોંચ્યા ત્યારે થિયેટરની બહાર લાગેલા 'સુલતાન'ના વિશાળ હોર્ડિંગને ગલગોટાનો લાંબો હાર ચડાવવા અડધોપોણો ડઝન લોકો મથામણ કરી રહ્યા હતા. છેક ઉપર ચડવાનું હતું અને ફૂલોના વજનને લીધે હારની દોરી વારંવાર તૂટી જતી હતી. છેવટે હાર પહેરાવાયો. મને મનમાં થયું કે આ લોકોને હું પૈસા આપીને દૂધ લઈ આવવાનું કહું અને રજનીકાંતના પચાસ ફીટ લાંબા કટઆઉટ પર જેમ દૂધનો અભિષેક કરતા હોય એવું કંઈક અહીં પણ કરે! મારા આનંદ અને આશ્ર્ચર્ય વચ્ચે એક કાર્ટનમાંથી એ લોકોએ દૂધનાં પાઉચ કાઢ્યાં અને મોંથી કિનારી કાપીને હોર્ડિંગ પર પિચકારી મારીને પહેલવાન સલમાનને દૂધથી 'નવડાવ્યો' પછી ફટાકડા.

ટિકિટો તો ઍડવાન્સમાં બુક કરાવી હતી પણ બ્લૅકવાળાઓને ભાવ પૂછીને જાણી લીધું કે શું રેટ ચાલે છે. થિયેટરમાં બેઉ પ્રકારનું ક્રાઉડ. એક ટિપિકલ સિંગલ સ્ક્રીન થિયેટરમાં જોવા મળે એવી પિટ ક્લાસ પ્રજા અને બીજા એવા લોકો જેઓ મલ્ટિપ્લેક્સ સિવાય બીજે ક્યાંય પિક્ચર જોવા જતા ન હોય. (ત્રીજા થોડાક અમારા જેવા જે ક્યાંય પણ, કોઈ પણ પિક્ચર જોવા જાય) ટાઈટલ્સ પડ્યા. સલમાનની એન્ટ્રી માટેનું બૅકગ્રાઉન્ડ બનતું જતું હતું. ક્રાઉડમાં સળવળાટ વધતો જતો હતો. જેવી સલમાનની એન્ટ્રી થઈ કે તરત નૉનસ્ટૉપ વ્હિસલિંગ, તાળીઓ, ચિચિયારીઓ અને આવું થ્રુઆઉટ પોણા ત્રણ કલાક સુધી ચાલુ. ગીતો આવે ત્યારે લોકો સીટ પરથી ઊભા થઈને ગૅન્ગ વેમાં આવી જાય, નીચેવાળા સ્ક્રીન પાસે ધસી જાય, સલમાનના સ્ટેપ્સ સાથે પોતાના સ્ટેપ્સ મેળવીને ફારહા ખાન કે વૈભવી મર્ચન્ટ ખુશ થઈ જાય એવી રીતે ડાન્સ કરે. સિક્યુરિટીવાળા દોડાદોડ કરી મૂકે.

સલમાન ખાનનાં પિક્ચરો જોવાની આ જ રીત છે. એના પાગલ જેવા ચાહકો સાથે બેસીને મૂવી જોવાનું. અઢી-ત્રણ કલાક ક્યાં પસાર થઈ જાય, ખબર પણ ના પડે. પિક્ચરમાં સલમાન ખાન સિવાયનું બીજું જે કંઈ પણ હોય તે તેલ લેવા જાય. કોઈ પણ ઍન્ગલથી પહેલવાન ન લાગતી સ્ટેટ લેવલની કુસ્તી ચૅમ્પિયનને રોલ કરતી અનુષ્કા શર્મા હોય કે પછી મનહૂસ જેવા રોલમાં મનહૂસ જેવી ઍક્ટિંગ કરતો રણદીપ હૂડા હોય. તમને કોઈ જ ફરક પડતો નથી. 'અસલી પહેલવાન કી પહેચાન અખાડે મેં નહીં, ઝિંદગી મેં હોવે હૈ' કે 'કોઈ તુમ્હેં તબ તક નહીં હરા સકતા જબ તક તુમ ખુદ સે ના હાર જાઓ' જેવા બી ગ્રેડ ગુજરાતી કૉલમનિસ્ટની સી ગ્રેડ ફિલસૂફી જેવા સંવાદોને ઑડિયન્સમાંના ટપોરીઓ તાળીઓથી વધાવી લે ત્યારે તમને ચિક્કાર હર્ષ થાય. આને કહેવાય સ્ટાર પાવર. તમે ફિલ્મમાં કંઈ પણ કરો, છીંક ખાઓ કે બગાસું ખાઓ, તમારા કરોડો ચાહકો તમારા પર વારી જાય.

સલમાન ખાનની જિંદગીનો કદાચ સર્વશ્રેષ્ઠ અભિનય 'સુલતાન'માં છે. છેલ્લે જ્યારે એ જીતી જાય છે (હિંદી ફિલ્મનો હીરો જીતી જાય એવું જાહેર કરવાને સ્પોઈલર કહેવાય? ન કહેવાય?) ત્યારે રેફરી એનો જમણો હાથ ઊંચો કરીને એને વિજેતા ઘોષિત કરે છે તે વખતે તૂટેલી પાંસળી પર હળવેથી મુકાતો ડાબો હાથ અને એના ચહેરા પરના એક્સ્પ્રેશન્સ - આટલું જોવામાં જ ટિકિટના પૈસા વસૂલ, બાકીનું બધું બોનસમાં.

એક સ્ટાર જ્યારે આટલી લોકપ્રિયતા મેળવે છે ત્યારે એ જિંદગીના - કરિયરના કેટકેટલા તબક્કામાંથી પસાર થયો હોય છે! ફિલ્મ સ્ટાર જ નહીં - ક્રિકેટમાં તેંડુલકર, રાજકારણમાં મોદી કે જાહેરજીવનમાં રામદેવ અને એમની કક્ષાના બીજા કેટલાય ગાયકો, કલાકારો વગેરે સૌ કોઈ જ્યારે લાખો - કરોડોના પ્રેમ-આદરને પાત્ર બને છે ત્યારે એની પાછળ એમણે પોતે કેવી કડી મહેનત કરી હશે, શું શું ભોગવ્યું હશે - એ વિચારવાની ફુરસદ આપણને ભાગ્યે જ હોય છે. આપણને મન તો આ બધા માત્ર નસીબના બળિયાઓ હોવાના. બસ, લક ચાલ્યું, કિસ્મતે સાથ આપ્યો એટલે બની ગયા પૉપ્યુલર માણસ.

કોઈ પણ સફળ વ્યક્તિની સફળતા કેટલી નક્કર છે એનો આધાર એણે કેટલી નિષ્ફળતાઓ પચાવી છે તેના પર છે. આ દરેક સ્ટાર્સની જિંદગીમાં એમણે ધાર્યું શું હોય અને એનો અંજામ શું આવ્યો હોય એવા અગણિત બનાવો બની ગયા હોય છે. તેજીમાં સડસડાટ ચાલતો કાફલો મંદીની આંધીમાં વેરવિખેર થઈ જાય ત્યારે શાણો માણસ આગળ વધવાને બદલે બે ડગલાં પાછળ જતા રહેવામાં શાણપણ સમજે છે. ભાવિ વિશેની ગણતરી ખોટી પડી રહી છે એવું લાગે ત્યારે આખેઆખો દાખલો ખોટો પડે ત્યાં સુધી રાહ ન જોવાય. પૂરેપૂરાં દસ પગથિયાં ગણી લીધા પછી ખોટો જવાબ મળે અને નવેસરથી ગણવાની શરૂઆત કરીએ એના કરતાં બહેતર છે કે બીજા, ત્રીજા કે સાતમા પગથિયે જ જો ભૂલનો અહેસાસ થઈ જાય તો આગળ વધવાનું અટકાવીને, ફરી પાછા જઈને, નવેસરથી દાખલો માંડીએ. આગળ વધવાના વધુ રસ્તાઓ ખૂલે એ માટે ક્યારેક પીછેહઠ કરવી જરૂરી છે.

પછડાટ અને પીછેહઠ પછી જે તબક્કો આવે છે તે છે પુનરાગમનનો, ફરી પાછા આવવાનો. જે ભૂલોને કારણે, કે જે કમજોરીઓને કારણે પછડાટ ખાવી પડી તે ફરીથી નહીં કરવાની સમજણશક્તિનો, સંકલ્પશક્તિનો.

ફરીથી પ્રયત્ન કર્યા પછી ફરીથી નિષ્ફળ જઈશું તો જે ઘા સહન કરવા પડશે તે માટેની સહનશક્તિ માણસ કદાચ કેળવી શકે તો પણ એ ઘા પર નવેસરથી મીઠું ભભરાવનારાઓ સાથે કેવી રીતે કામ પાડી શકાશે એનો ભય એને વધારે કોરી ખાય.

આ ભય એના પુનરાગમનને રોકે છે. નિર્ભય બન્યા પછી જ પુનરાગમન શક્ય બને અને પુનરાગમન થાય તો જ પછડાટ પછીની પીછેહઠ કામ લાગે. સલમાન ખાન પહેલવાન બનીને કુસ્તી લડતાં લડતાં 'સુલતાન'માં આ જ તો તમને શીખવાડે છે.

તાજા કલમ! પિક્ચરમાં સલમાનને બીજા પહેલવાનોના હાથે પછડાતાં કે બીજા પહેલવાનોને પછાડતા સલમાનને જુઓ ત્યારે સલમાને જે સાહજિક રીતે રેપવાળી ઉપમા ઉચ્ચારી તે શતપ્રતિશત તમને સાચી લાગે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment