Tuesday 12 July 2016

[amdavadis4ever] ‘મુંબઈ સમાચા ર’ના તંત્રી સુપ્રીમ કોર્ ટના જજ બન્યા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફરદુનજી મર્ઝબાનજીએ ૧૩ ઑગસ્ટ ૧૮૩૨ના રોજ પોતાના પ્યારા પત્રની માલિકી અને એનું સુકાન તથા અધિપતિપદ એમના શાગીર્દ તહેમુલજી રૂસ્તમજી મીરઝાંને સોંપતી વખતે 'મુંબઈ સમાચાર'માં લાંબી નોંધ છાપીને કહ્યું: 'કોઈ કધુંબી માઠું બોલે અથવા બોલાવે તો તેહને નથી બોલેલો શરખું જ જાંણી પોતાનાં કામોમાં ગુતેલા રેહવું...'

બીજે દિવસે, ૧૪ ઑગસ્ટ, ૧૮૩૨ના અંકમાં તહેમુલજીએ 'મુંબઈ સમાચાર' પોતાના હાથમાં લેતી વખતે નોંધ્યું: 'જે કંઈ હમારા મુરબીએ હમુને ઓહદો શોંપો છે તે ઓહોદાને તેહોની લખેલી ચાણાંક આગેનેઆ પરમાંણે ચાલવાને હમો આંખોથી હાજર છેઈએ...'

તહેમુલજીએ પત્રકારત્વની તાલીમ ફરદુનજીના હાથ નીચે લીધેલી. કમનસીબે, તેઓ ૨૬ વર્ષની ઉંમરે જ ગુજરી ગયા.

ફરદુનજીએ સાપ્તાહિક રૂપે શરૂ કરેલું 'મુંબઈ સમાચાર' સાડા નવ વરસ પછી, ૩ જાન્યુઆરી, ૧૮૩૨ના મંગળવારથી દૈનિકરૂપે પ્રગટ કરવા માંડ્યું હતું. ૧૮૩૩માં દૈનિક પત્ર પ્રગટ કરવું મુશ્કેલ બનતાં અઠવાડિયામાં બે વાર રવિવાર અને બુધવાર એમ દિવસોએ બહાર પાડવા માંડ્યું. ઈ. સ. ૧૮૫૫થી 'મુંબઈ સમાચાર' ફરીથી દૈનિક સ્વરૂપે નીકળવા માંડ્યું. 'મુંબઈ સમાચાર'ના નામ પરથી ફરદુનજીનું છાપખાનું પણ એ જ નામે ઓળખાવા માંડ્યું. એ વેળા છાપખાનું ફોર્ટ માર્કેટ જવાના નાકા પર કિંગ્સ બૅરેક્સની પાસે હતું. જોગાનુજોગ પછી તે જ જગ્યાએ પર જુદાં જુદાં છાપખાનાં ચાલ્યાં હતાં. 'મુંબઈ સમાચાર'નું છાપખાનું ફરતે ફરતે ૧૯૩૫ની સાલમાં હોર્નિમન સર્કલની બાજુમાં આવેલા વિશાળ અને ભવ્ય 'રેડ હાઉસ'માં આવ્યું. આજે ૭૦ કરતાં વધુ વર્ષથી અહીંથી જ આ વર્તમાનપત્રનું સંપાદન, સંચાલન તથા પ્રકાશન થાય છે.

૧૮૩૩માં તહેમુલજીની હયાતિ દરમ્યાન જ, ફરદુનજીની લેણદેણ અંગેના કોઈ અટપટા અને કપરા સંજોગોમાં 'મુંબઈ સમાચાર'ના છાપખાનાનું લિલામ થયું હશે એવું પ્રખ્યાત પારસી લેખક રતનજી ફરામજી વાછાએ લખેલા 'મુંબઈનો બાહાર' નામના ઈ. સ. ૧૮૭૪માં પ્રસિદ્ધ થયેલા તવારીખી પુસ્તકની નોંધમાંથી મળે છે.

મારી પાસે એ પુસ્તક ઉપરાંત ફરદુનજીના પૌત્ર કેકોબાદ બેહેરામજી મર્ઝબાનજી લિખિત પુસ્તક 'ફરદુનજી મર્ઝબાનજી: ગુજરાતી છાપાના સ્થાપક, એક ફિલસૂફ, એક સુધારક, એક કવિ' (૧૮૯૮) સીડીમાં પીડીએફ ફૉર્મેટની ઈ-બુક સ્વરૂપે છે અને અફકોર્સ રસિક ઝવેરીવાળું 'મુંબઈ સમાચાર'નો ઑફિશ્યલ ઈતિહાસ. આલેખતા પુસ્તકની નકલ પણ છે. મુંબઈની સૌથી જૂની ગુજરાતી લાઈબ્રેરી તથા રિસર્ચ સેન્ટર 'ફાર્બસ ગુજરાતી સભા'માંથી તમને આ તેમ જ બીજાં અનેક દુર્લભ પુસ્તકોની સીડી મળી શકશે તેમ જ અસંખ્ય જૂનાં ગુજરાતી પુસ્તકો તેમ જ સામયિકોની કાળજીપૂર્વક સચવાયેલી બાઈન્ડ કરેલી ફાઈલો પણ વાંચવા મળશે.

તહેમુલજી ૮ જુલાઈ, ૧૮૩૪ના રોજ ઉદવાડામાં ગુજરી ગયા. ૧૭ જુલાઈ ૧૮૩૪ના દિવસે 'મુંબઈ સમાચાર'માં એમના મૃત્યુના સમાચાર સાથે છપાયેલી શ્રદ્ધાંજલિના લેખમાં લખવામાં આવ્યું: 'તા. ૮મી જુલાઈના દિને સવારના એરવદ તહેમુલ દા. રૂસ્તમજી મીરઝાંએ ત્રણ મહિનાના તંબોલિયા ક્ષયના રોગથી ૨૬ વર્ષની વયે આ વગર ભરોસાની જુઠ્ઠી માયાના સંસારની વસ્તીમાંથી નીકળી આકાશી સ્વર્ગવાસી લોકોમાં વસ્તી કીધી... એવણની ભલી માયાની યાદને છેલ્લા દહાડા સુધી મનથી મૂકશે નહિ... સહુ કોઈને નમીને ચાલવું, મીઠા શબ્દથી બોલવું, ગમે તે હોય તેને માન આપવું, કોઈ માઠું બોલે તો તે સાંભળી રહેવું, તેનો પાછો ઉત્તર વાળવો નહિ, અગત્ય જેટલું જ બોલવું, કોઈનું કામ પોતાથી બને તેમાં આશરો આપવો, એવી જ ભલમનસાઈ અને ખૂબીથી આ છેલ્લાં બે વરસ વેર મુખત્યારીથી 'મુંબઈ સમાચાર'ના અધિપતિનું કામ ચલાવ્યું.'

ફરદુનજી પછીના બીજા માલિક તહેમુલજી પછી 'મુંબઈ સમાચાર'ની માલિકી ૧૮૩૪ થી ૧૮૬૬ દરમ્યાન મહેરજી હોરમઝજી મહેરજી, ખરશેદજી હોરમઝજી મહેરજી (તે મહેરજી હોરમઝજીના નાનાભાઈ) અને પીરોજશા મહેરજી (તે એમના ભત્રીજા)ના હાથમાં ફેરબદલી થતી રહી.

આ ગાળાની એક મોટી હાઈલાઈટ એ કે ૧૮૩૪માં તહેમુલજીના ગુજરી ગયા પછી નવા માલિકે કાવસજી હોરમઝજી મામાને તંત્રીપદ સોંપ્યું. સાત વર્ષ તંત્રીપદે રહીને કાવસજી ૩૨ વર્ષની યુવાન વયે ૧૮૪૧માં અવસાન પામ્યા એ પછીના 'મુંબઈ સમાચાર'ના બે તંત્રીઓ હિન્દુ હતા: જનાર્દન વાસુદેવ અને તેમના ભાઈ વિનાયક વાસુદેવ. બેઉ મરાઠી વિદ્વાનો હતા અને ગુજરાતી ભાષાના સારા અભ્યાસી હતા. બંને વારાફરતી થોડા-થોડા મહિનાઓ પૂરતી જ તંત્રી તરીકેની કામગીરી સંભાળી. જનાર્દન વાસુદેવ પાછળથી મુંબઈની સુપ્રીમ કોર્ટના ઍક્ટિંગ જજ બન્યા હતા. આવો ઊંચો હોદ્દો સંભાળનાર અને શોભાવનાર તેઓ પ્રથમ હિન્દી હતા. એમના ભાઈ વિનાયક વાસુદેવ 'ઓરિએન્ટલ ટ્રાન્સલેટર'ની ઊંચી સરકારી પદવી પર નિમાયા હતા. એમના પછી ફરી પારસીઓને તંત્રીની જવાબદારી સોંપવાનું શરૂ થયું.

વાસુદેવ બંધુઓ પછી માલિક ખરશેદજી હોરમઝજી મહેરજીએ પોતે જ અધિપતિ (તંત્રી)ની જવાબદારી સંભાળી. ૧૯૪૫માં એમના અવસાન પછી એમના ભત્રીજા માલિક બન્યા જેમણે નવરોજી દોરાબજી ગાયને તંત્રીપદ સોંપ્યું. નવરોજી ૧૮૪૭ સુધી 'મુંબઈ સમાચાર' સાથે રહ્યા અને ૧૮૪૯થી ૧૮૫૪ સુધી એમણે 'સમાચાર દર્પણ'નું અધિપતિપણું સંભાળ્યું.

૧૮૪૮માં નવરોજીની નિવૃત્તિ પછી કાવસજી એદલજી ખંભાતાને તંત્રીપદ સોંપવામાં આવ્યું. કાવસજીએ ૧૮૫૧થી ઘણાં વરસો સુધી 'રાસ્ત ગોફતાર' (જેના સ્થાપક દાદાભાઈ નવરોજી હતા) સહિત બીજા પત્રોમાં અંગ્રેજીમાં કોલમો લખી.

બીજી એક હાઈલાઈટ. કાવસજી ખંભાતા પછી મુંબઈના એ વખતના ખ્યાતનામ શહેરી, અગ્રગણ્ય સમાજસુધારક અને સ્ત્રી કેળવણીના પ્રખર હિમાયતી સોરાબજી શાપુરજી બંગાળીએ દસેક મહિનાના ટૂંકા ગાળા માટે 'મુંબઈ સમાચાર'નું અધિપતિપદ સંભાળ્યું હતું. જો કે, 'મુંબઈ સમાચાર'માં એ પહેલાં પણ તેઓ અવારનવાર લખતા રહ્યા હતા. અધિપતિ તરીકેની જવાબદારી સ્વીકાર્યા પછી, તેઓએ રાજીનામું આપ્યું હતું. એમની જાહેરજીવનની કારકિર્દી ઘણી ઝળકતી અને શાનદાર હતી. ઈ. સ. ૧૮૫૦થી તેમણે 'જગતમિત્ર', 'સ્ત્રીબોધ' વગેરે સામયિકો ચલાવ્યાં હતાં. આ ઉપરાંત 'રાસ્ત ગોફ્તાર' પત્રના માલિકોમાંના તેઓ એક હતા અને એ પત્રનું તંત્રીપદ પણ ઈ.સ. ૧૮૫૮-૫૯ દરમિયાન સંભાળ્યું હતું. ઈ. સ. ૧૮૬૩માં બ્રિટિશ સરકારે તેમને સુલેહના અમલદાર (જસ્ટિસ ઓફ પીસ)નો હોદ્દો બક્ષ્યો હતો. (આ જે.પી.નો હોદ્દો આઝાદી પછી, હજુ ૧૯૭૦-૮૦ના દાયકા સુધી, અપાતો આવ્યો હતો તે છેક હમણાં નાબૂદ થયો.) ઈ. સ. ૧૮૮૧માં તેઓ મુંબઈના શેરીફ નીમાયા હતા. કરસનદાસ મૂળજીના તેઓ ઘણા સારા મિત્ર હતા. 'સત્ય-પ્રકાશ' સામયિક શરૂ કરવામાં તેમ જ 'મહારાજ લાયબલ કેસ (૧૮૬૦)' લડવામાં સોરાબજી શાપુરજી બંગાળીએ કરસનદાસ મૂળજીને ભરખમ સાથ આપ્યો હતો. સોરાબજી ૬૩ વર્ષની વયે ૧૮૯૩માં ગુજરી ગયા.

સોરાબજી બંગાળી પછી પેસ્તનજી દાદાભાઈ ઉનવાલા 'મુંબઈ સમાચાર'ના અધિપતિ તરીકે આવે છે. ઈ.સ. ૧૮૫૧માં મુંબઈના હુલ્લડ વખતે તેઓ 'મુંબઈ સમાચાર'ના તંત્રી હતા અને હુલ્લડને લગતી સઘળી નોંધોનું અંગ્રેજીમાં એક ચોપાનિયું છપાવીને પ્રગટ કર્યું હતું. 'મુંબઈ સમાચાર'માંથી છૂટા થઈને એમણે 'સમાચાર દર્પણ'નું તંત્રીપદું સંભાળ્યું. તેમ જ એ પછી થોડા મહિના માટે 'જામે જમશેદ'નું તંત્રીપદ પણ શોભાવ્યું.

પેસ્તનજી ઉનવાલા પછી 'મુંબઈ સમાચાર'ના તંત્રી તરીકે બહેરામજી ખરશેદજી ગાંધીનું નામ આવે છે. 'કૈસરે હિંદ'માં છપાયેલી મૃત્યુનોંધ મુજબ: '...એમની ટૂંકી કારકિર્દીમાં મુસલમાન કોમના કેટલાક બેસમજ લોકોએ પોતાની લાગણી દુખાયેલી સમજીને પારસીઓ વિરુદ્ધ એક મોટું રમખાણ ઉઠાવ્યું હતું... તે જ અરસામાં 'મુંબઈ સમાચાર'ના આગલા માલિકે એ પત્રને રોજિંદું બનાવ્યું હતું જેની લગામ બહેરામજીને સોંપવામાં આવી હતી.

ઈ. સ. ૧૮૫૬માં જાન્યુઆરીથી 'મુંબઈ સમાચાર'ના અધિપતિ તરીકે પીરોજશા મહેરજીનું નામ જોવા મળે છે. જેઓ માલિક પણ છે. પીરોજશા મહેરજીના જીવન વિશેની નોંધ ૨૨ નવેબર, ૧૯૦૨ની તારીખ સાથે 'પારસી પ્રકાશ' દફતર ૪, ભાગ ૧, પાનું ૯૩-૯૪ પર સાંપડે છે:

'પીરોજશાહ મહેરજી. ઉંમર વરસ ૬૮. લાંબી બીમારીને લીધે એકાંત જિંદગી કાઢ્યાથી આ જમાનામાં એવણ ભુલાઈ ગયા હતા. પણ એક વખત એ ગૃહસ્થ 'મુંબઈ સમાચાર'ના એકલા માલિક તથા અધિપતિ તરીકે ઘણા મશહૂર અને અચ્છા લેખક હતા. એ પત્ર એમના બાપ અને કાકાની માલિકીમાંથી ઈ. સ. ૧૮૪૫માં એમના હસ્તક થયું હતું. આ વેળા એમની નાની વયને લીધે મેનેજરો હસ્તક તે ચલાવી ૧૮૫૬ના જાન્યુઆરીથી તેઓ પોતે અધિપતિ થયા હતા. ઈ. સ. ૧૮૫૮માં તેઓ ચીન ગયા હતા અને ત્યાંથી પાછા ફરી અધિપતિનો હોદ્દો પાછો પોતાને સ્વાધીન લીધો હતો. ઈ. સ. ૧૮૬૧ની ૧૦મી માર્ચથી તેમણે 'દોસ્તે હિંદ' નામનું રવિવારનું અઠવાડિક ગુજરાતીમાં કાઢવા માંડ્યું, જે બે-એક વરસ ચાલી બંધ પડ્યું હતું. એ જ વરસમાં એમણે 'સૃષ્ટિ જ્ઞાન નિબંધ યાને ખલકનો ખુલાસો' એવા નામનું એક ગુજરાતી પુસ્તક 'ખાલેસમંદ'ના તખલ્લુસથી બહાર પાડ્યું હતું. એ પુસ્તક એ વેળા દેશીઓમાં ઘણું જ વખણાયું હતું. ઈ. સ. ૧૮૬૪ના જાન્યુઆરી માસથી એમણે પોતાના છાપખાનામાંથી 'સૂર્યોદય' નામનું જાણીતું અઠવાડિક કાઢવા માંડ્યું. તે પત્ર પણ બે-ત્રણ વરસ ચાલી બંધ પડ્યું હતું. ઈ. સ. ૧૮૬૫માં શેર સટ્ટાના વમળમાં તેઓ પણ સપડાયા હતા. (કવિ નર્મદ તથા કરસનદાસ મૂળજીએ પણ એ મંદીનાં માઠાં પરિણામો ભોગવ્યા હતાં) અને ૨૭મી જૂન, ૧૮૬૬થી 'મુંબઈ સમાચાર' સાથેનો પોતાનો સંબંધ છૂટો કરી તે પત્ર તથા છાપખાનું શેઠ માણેકજી બરજોરજી મીનોચેરહોમજીને વેચાતું આપી પોતે રાજદ્વારી જિંદગીમાં પડ્યા અને ૧૮૬૮માં ગોંડલ રાજ્યના કારભારી નિમાયા. ત્યાં બે-એક વરસ રહી પાછા મુંબઈ આવ્યા અને બીમાર જિંદગી ગુજારી. એ એકાંત જિંદગીમાં પણ થોડોક વખત અત્રે ચાલતા 'કૈસરે હિંદ' પત્રમાં લખાણો કરવા માંડ્યાં જે ઘણાં વખણાયાં હતાં.'

'મુંબઈ સમાચાર'ના છઠ્ઠા માલિક માણેકજી બરજોરજી મીનોચેરહોમજીના હાથમાં ૩૨ વર્ષ સુધી આ પત્ર રહ્યું. એમના વહીવટ દરમિયાન આ દૈનિકનો ખરો ઉદય થયો. ઈ. સ. ૧૮૬૬ સુધી પાંચ માલિક અને ૧૪ તંત્રીઓ ફેરવાયા. અતિ પ્રતિષ્ઠા પામેલા આ પત્રનો છઠ્ઠા માલિકના કાર્યકાળ દરમિયાન અર્થાત્ ઓગણીસમી સદીના અંત સુધી ફેલાવો વધતાં વધતાં ૩,૨૦૦ નકલ સુધી પહોંચ્યો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment