Saturday 16 July 2016

[amdavadis4ever] કેટલી વાર્તા? કેટલી હકીકત? સાચનાં પારખાં સદૈવ પડકારરૂપ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડા દિવસ પહેલાં આગ્રામાં એક રશિયન પુત્રવધૂ તેની નાનકડી દીકરી અને પતિ સાથે ઘરની બહાર ત્રણ-ચાર દિવસથી ધરણા પર બેઠી છે તેની તસવીરો અને સમાચાર મીડિયામાં ગાજ્યા હતા. વિદેશી હોવાને નાતે તેણે કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ફરિયાદ કરી હતી અને સુષમાજીએ ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાનને તેની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરવાની વિનંતી કરી હતી. પાંચ વરસ પહેલાં વિક્રાંત ચાંડેલ નામના ઉત્તર-ભારતીયને પરણેલી ઓલ્ગા અત્યાર સુધી તો પતિ અને દીકરી સાથે ગોવામાં રહેતી હતી, પરંતુ ત્યાં પતિના બિઝનેસમાં ખોટ જતાં આગ્રા આવ્યા ત્યારે સાસુએ તેમને પોતાના ઘરમાં આવવાની મનાઈ કરી દીધી. ઓલ્ગાની ફરિયાદ હતી કે મારી સાસુ મારી પાસેથી દહેજની માગણી કરે છે. અને એ પૂરી નહીં થતા અમને ઘરમાં આવવા નથી દેતાં. આટલી વાત સાંભળતાં પહેલી નજરે તો ઓલ્ગાની દયા જ આવી જાય અને મનમાં થાય કે ભારતીય સાસુની દહેજપ્રીતિ રશિયન વહુને પણ છોડતી નથી! વળી સુષમાજીએ કહ્યું તેમ આમાં તો દેશની ઇમેજ ખરાબ થાય ને! બીજી બાજુથી તેની સાસુનું કહેવું છે કે મેં મારા દીકરાને અગિયાર લાખ રૂપિયા આપ્યા છે અને તે લોકો ગોવા રહેતા હતા. અહીં મેં મારી જગ્યા મારી દીકરીને આપી દીધી છે તો હું હવે આ લોકોને ક્યાં રાખું? એ બન્નેએ જુગાર અને નશામાં રૂપિયા ઉડાવી દીધા છે. અને મારું તો કંઇ જ ધ્યાન રાખતાં નથી. 

સાસુની વાત સાંભળતા વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ બાંધી શકાય છે, પરંતુ આવા કોઇ પણ કિસ્સામાં બન્ને પક્ષોના દાવાઓ એટલા તો કન્વિક્શન સાથે રજૂ થાય છે કે કેટલી હકીકત અને કેટલી વાર્તા એ સમજવાનું ખરેખર મુશ્કેલ બની જાય છે. 

એક મિત્રના ઘરના સભ્યોના વિચિત્ર સ્વભાવ છે. તેને કારણે એ મિત્રની લાઇફ મિઝરેબલ બની ગઈ છે. એક કોમન ફ્રેન્ડ સાથે એ અંગે વાત થતી હતી ત્યારે તે અંગે આપણે કશું કરવું જોઇએ તેમ સૂચવ્યું તો તેમણે કહ્યું કે તાલી બે હાથથી પડે એટલે ઘરના અન્ય સભ્યોની બાજુ જાણ્યા વિના આપણે માત્ર તેમની સાથે સિમ્પથાઇઝ કરી શકીએ બાકી કંઇ નિર્ણય પર ન આવી શકીએ. એક રીતે જોતાં તેમની વાત વ્યવહારુ હતી પણ કેટલીય વાર કોઇ આપણો હાથ પકડીને પરાણે તાલી દેતું હોય એવું પણ બનતું હોય છે. ખેર. સાચનાં પારખાં અઘરાં જ હોય છે. જ્યારે જ્યારે કોઇ કટ્ટરપંથીનું એન્કાઉન્ટર કે સામસામા ગોળીબારમાં પણ મૃત્યુ થાય છે ત્યારે તેના પરિવારજનો, તેની બિરાદરી કે તેના સમર્થકો દ્વારા જે દાવાઓ કરાય છે તે સાંભળતાં ભલભલાને એક વાર તો શંકા થઈ આવે કે પેલો કદાચ નિર્દોષ હશે! પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં અનેક નિર્દોષોની જિંદગી પર પૂર્ણવિરામ મૂકી દેતા ન અચકાયેલો એ શખસ રીઢો આતંક્વાદી જ નીકળે છે. અને ત્યારે આપણને તેના સગલાઓની ખોટી વાતોમાં ભરમાઈ ગયાનો કે છેતરાઈ ગયાનો અહેસાસ થાય છે.

એક ફ્રેન્ડે તાજો જ થયેલો અનુભવ શેર કર્યો. મુંબઈની લોકલમાં પ્રથમ વર્ગમાં પંદરેક મહિલાઓ પોતપોતાનાં મોબાઇલ્સ અને ગપસપમાં બિઝી હતી. કેટલીક યંગ છોકરીઓ પેસેજમાં ઊભી હતી. તેમાંની એક દરવાજા પાસે જ ઊભેલા એક ચૌદ-પંદર વરસના દૂબળાપાતળા છોકરા સાથે વાતો કરી રહી હતી. થોડી વારે એક પછી એક મહિલાઓનું ધ્યાન તેમના તરફ દોરાયું કેમ કે છોકરો રડતો હતો અને પેલી યુવતી એને કંઇક કહી રહી હતી પણ પેલો મોઢું ધુણાવીને ના-ના કહી રહ્યો હતો. પહેલાં તો લાગ્યું કે એ છોકરાએ કોઇનું પાકીટ માર્યું હશે, પણ યુવતીના વર્તનમાં કોઇ આક્રમકતા નહોતી! એટલે એ શંકા અસ્થાને હતી એમ સમજાયું. થોડી વારે પોતાને ઊતરવાનું સ્ટેશન આવતાં એ યુવતી ઊતરી ગઈ. જતાં જતાં એ પેલા છોકરાને કંઇક આપવાનો પ્રયાસ કરતી હતી પણ છોકરો ના-ના કરતો હતો. ત્યારે સમજાયું કે એ તેને રૂપિયા આપતી હતી. 

ત્યાર બાદ બે મહિલાઓ એ રડતા છોકરા પાસે ગઈ અને પ્રેમથી તેનું રડવાનું કારણ જાણ્યું. એ ટ્રેનમાં ફેરી કરતો હતો. માંડ અઠવાડિયાથી તેણે એ કામ શરૂ કર્યું હતું. અને પોલીસે તેને પકડેલો. માર મારેલો અને તેનો બધો માલ લઈ લીધો હતો. 

પોલીસે ૨૨૦૦ રૂપિયા ભરીને એ છોડાવી જવા કહેલું. પેટમાં માર લાગ્યો હતો એ જગ્યાએ હાથ દબાવીને એ રડતો હતો. તેની વાત સાંભળીને બધાંને દુ:ખ થયું અને દયા આવી. પેલી બે સ્ત્રીઓ પોતાની જગ્યા પર જઈને પર્સમાંથી પાંચસો-પાંચસો રૂપિયા લઈ આવી અને આસપાસની સ્ત્રીઓ તરફ જોયું. તરત જ બધાંના હાથ પર્સ તરફ ગયા. કોઇએ સો, બસ્સો પાંચસો કાઢીને આપ્યા. પૂરા ૨૫૦૦ રૂપિયા જમા થઈ ગયા. પેલી સ્ત્રીઓ તે રૂપિયા છોકરાને આપવા લાગી. છોકરો રડતાં-રડતાં ના-ના કહેતો હતો. તેને સીટ પર બેસાડ્યો. કોઇએ પાણી આપ્યું તો કોઇએ પોતાના ટિફિન માટે લીધેલું થેપલાંનું પેકેટ આપી દીધું. સમજાવીને રૂપિયા આપ્યા. બે યુવતીઓએ પોતાના સેલ નંબર આપ્યા અને કહ્યું કે તારો માલ મળી જાય એટલે આ નંબર પર ફોન કરી દેજે. અને પછીના સ્ટેશન પર તે ઊતરી ગયો. જતાં જતાં કહેતો હતો દીદી મેં દુપહર તક ફોન કર દૂંગા. પેલી બેે યુવતીઓમાંથી એક મારી ફ્રેન્ડ હતી. દિવસો વીતી ગયા પણ કોઇ ફોન આવ્યો નહીં! એ કહી રહી હતી: ' ઊલ્લુ બનાવી ગયો! સાચે જ આપણે સ્ત્રીઓ ઇમોશનલ ફૂલ્સ હોઇએ છીએ'! ખરેખર એ છોકરો સાચો હશે? કે નાટક કરવાની આવડત અને આદત હશે? ટ્રેનની એ બધી મહિલાઓના દિમાગમાં કદાચ આ વાત યાદ આવશે એટલી વાર છેતરાઈ ગયાનો ખ્યાલ જરૂર આવશે. 

છેલ્લે વધુ એક કિસ્સો : 'જેમ જેમ તમે 'લાઇફ મંત્રાસ'ની ઊર્જા આત્મસાત્ કરતા જશો તેમ તમે જોશો કે તમારી અંદર એક પરિવર્તન થઈ રહ્યું છે. સંતોષનો એક ભાવ જન્મી રહ્યો છે અને આત્મપ્રેરણા જાગૃત થઈ રહી છે. અંતે તમે એક સુખદ સત્ય સાથે સાક્ષાત્કાર કરશો કે જીવનની યાત્રા ખરેખર બહુ જ આનંદદાયી અને જ્ઞાનવર્ધક અનુભવ છે.' 

આ શબ્દો વાંચતા તમારા મનમાં કોઇ મહાન વિચારક કે સાધકની છબી ઊપસી હોય તો તમને અટકાવવા પડશે, કેમ કે આ શબ્દો એક ઉદ્યોગપતિના છે જે એમણે પોતાના કારાવાસ દરમિયાન લખ્યા છે. આટલું વાંચીને તમે જો એમ વિચારવું શરૂ કરી દીધું હોય કે સત્યાગ્રહની કે કટોકટીનો વિરોધ કરતી વખતે કારાવાસ વેઠનાર કોઇ સિદ્ધાંતનિષ્ઠ ઉદ્યોગપતિના હશે; તો પણ મારે તમને કહેવું પડશે વેઇટ. 

હા, આ શબ્દો એક અબજપતિ ઉદ્યોગપતિના છે જેમણે લોકોનાં તેમની પાસે લેણાં નીકળતા ચાલીસ હજાર કરોડ રૂપિયા ચૂકવવા કોર્ટે તાકીદ કરેલી અને તે નહીં ચૂકવતા જેલની સજા થયેલી. 

બે વરસના જેલવાસ દરમિયાન એ ઉદ્યોગપતિએ પોતાના અનુભવો અને મંથનને શબ્દબદ્ધ કરીને 'લાઇફ મંત્રાસ' નામનું હિન્દી પુસ્તક લખ્યું છે અને ઉપર ટાંક્યું છે તે એમાંનું એક જ્ઞાનમોતી છે! અત્યારે અમુક કરોડ રૂપિયા આપીને પેરોલ પર છૂટેલા આ ઉદ્યોગપતિને સર્વોચ્ચ અદાલતે તાકીદ કરી છે કે બાકીના ત્રણસો કરોડ રૂપિયા ત્રણ ઑગસ્ટ પહેલાં ચૂકવી દો નહીં તો પાછા જેલભેગા થવું પડશે!

આપણને સવાલ થઈ શકે કે એ સંતોષની અનુભૂતિ કરવા તેમને તિહાર જેલમાં જવા જેવું કામ કરવું જરૂરી હતું? અને એ મહાશયના ચીટ ફંટમાં પોતાની પરસેવાની કમાણીનાં નાણાં ગુમાવનાર રોકાણકારો આ જીવનમંત્રો વાંચીને કદાચ કહી શકે: અમારા નાણાં પાછા આપી દ્યો તો ય અમને આવા સંતોષની અનુભૂતિ થઈ જશે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment