Friday, 1 July 2016

[amdavadis4ever] કોચપદનો કકળાટ: શાસ્ત્રીને દુ :ખે છે પેટ અને કૂટે છે માથું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે અનિલ કુંબલેની વરણી થઈ તેનાથી ક્રિકેટ ચાહકો ખુશ છે ને ક્રિકેટ સાથે સંકળાયેલા બીજા લોકો પણ ખુશ છે પણ રવિ શાસ્ત્રીને આ વાત માફક આવી નથી તેથી તેણે કકળાટ આદર્યો છે. અનિલ કુંબલે સામે તો કશું બોલાય એમ નથી એટલે ખિસિયાણી બિલ્લી ખંભા નોંચે એ હિસાબે રવિ શાસ્ત્રીએ સૌરવ ગાંગુલીને નિશાન બનાવીને બળાપો કાઢવા માંડ્યો છે. એ રીતે રવિ શાસ્ત્રીની હાલત દુ:ખે છે પેટ અને કૂટે છે માથું જેવી છે. ગાંગુલીએ પોતાનું પત્તું કપાવી નાંખ્યું એવા આક્ષેપોનો મારો ચલાવીને શાસ્ત્રીએ ઉપરાછાપરી ઈન્ટરવ્યૂ આપવા માંડ્યા છે. સામે સૌરવ ગાંગુલીએ પણ એવી જ ભાષામાં જવાબ આપવા માંડ્યો છે. તેના કારણે મામલો ગરમ થઈ ગયો છે ને મીડિયાને મજા પડી ગઈ છે. મીડિયા એક દિવસ રવિ શાસ્ત્રીની વાત મૂકે છે ને પછી સૌરવ ગાંગુલી પાસે તેનો જવાબ માગવા પહોંચી જાય છે ને એ રીતે આગમાં પેટ્રોલ છાંટી છાંટીને આ હોળીને સળગતી રાખે છે. 

આ હોળીમાં બીજા લોકો પણ હાથ શેકીને મજા લઈ રહ્યા છે. અનિલ કુંબલેની પસંદગી સામે કોઈનાથી બોલી શકાય એમ છે જ નહીં એટલે જેમની બુદ્ધી સાઠ પહેલાં જ નાઠેલી એવા બિશનસિંહ બેદી જેવા એકાદ અક્કલના મઠ્ઠાને બાદ કરતાં રવિ શાસ્ત્રીની તરફેણમાં કોઈ ખુલ્લેઆમ બહાર નથી આવ્યું. સામે જેમને રવિ શાસ્ત્રી સામે ખાર છે એવા લોકો લાગ જોઈને તૂટી પડ્યા છે ને રવિ શાસ્ત્રીની મેથી મારવામાં યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે. તેના કારણે આ વિવાદ કોઈએ કલ્પના ના કરી હોય એવો ચગી ગયો છે. 

જો કે આ આખો વિવાદ જ વાહિયાત છે કેમ કે રવિ શાસ્ત્રીએ જે મુદ્દા ઉઠાવ્યા એ જ વાહિયાત છે. રવિ શાસ્ત્રીએ સૌથી મોટો વાંધો એ લીધો છે કે પોતાના ઈન્ટરવ્યૂ વખતે સૌરવ ગાંગુલી હાજર નહોતો ને બહાર ચાલ્યો ગયેલો. રવિ શાસ્ત્રીના કહેવા પ્રમાણે કોચપદ જેવી મહત્ત્વની જગા માટે ઈન્ટરવ્યૂ લેવાતા હોય ત્યારે આ રીતે સૌરવ બાપના બગીચામાં લટાર મારવા નિકળ્યો હોય એ રીતે બહાર ફરવા ચાલી જાય એ ના ચાલે. ટીમ ઈન્ડિયાના કોચપદ અંગે સૌરવનો અભિગમ વાહિયાત હતો એવું શાસ્ત્રીનું કહેવું છે. શાસ્ત્રીએ તો પોતે દોઢ વરસ લગી ટીમ ઈન્ડિયાના કોચ તરીકે મેળવેલી સિદ્ધિઓનાં પણ ભારે બણણાં ફૂંક્યાં છે. શાસ્ત્રીએ એવો ખરખરો કર્યો છે કે દોઢ વર્ષ લગી ટીમ પાછળ મહેનત કર્યા પછી બોર્ડે તેને ઘૂઘરો પકડાવીને રવાના કરી દીધો. સૌરવ કેમ ગેરહાજર હતો એ વિશે બોર્ડે ચોખવટ કરી દીધી છે તે જોતાં તેના વિશે વાત કરવાનો અર્થ નથી. એ સિવાય શાસ્ત્રીએ પોતે કોચ તરીકે કરેલી કામગીરી વિશે જે કહ્યું તેમાં પણ ઝાઝો દમ નથી. રવિ શાસ્ત્રીએ કોચ તરીકે પોતે જબરદસ્ત કામ કરેલું તેવી હવા જમાવવા કોશિશ કરી પણ તમે તેનો રેકોર્ડ તપાસો તો ખબર પડે કે તેની કામગીરી બહુ સામાન્ય હતી. 

શાસ્ત્રી ટીમનો કોચ નહોતો પણ ડિરેક્ટર હતો. જો કે તેનું કામ તો કોચ તરીકેનું જ હતું. એ કોચ હતો એ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ બે વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચેલી ને વન ડે રેન્કિંગમાં નંબર વન બનાવી એવા ફાંકા શાસ્ત્રીએ માર્યા છે. ૨૦૧૫ના વર્લ્ડકપમાં આપણી ટીમ સેમી ફાઈનલમાં પહોંચીને ઓસ્ટ્રેલિયા સામે ભૂંડી રીતે હારી ગયેલી. વર્લ્ડકપમાં સેમી ફાઈનલ પહેલાંની મોટા ભાગની મેચો આપણે નબળા દેશો સામે રમેલા તે જોતાં સેમી ફાઈનલમાં પહોંચ્યા તેમાં હરખાવા જેવું કંઈ નહોતું. અસલી જંગ સેમી ફાઈનલમાં હતો ને દશેરાએ જ આપણું ઘોડું નહોતું દોડ્યું. ટી-૨૦ વર્લ્ડકપમાં તો આપણે વધારે શરમજનક રીતે હારેલા. સેમી ફાઈનલમાં આપણી ટક્કર વેસ્ટ ઈન્ડિઝ સામે હતી ને ૧૯૪ રનનો સ્કોર ખડક્યા પછી વેસ્ટ ઈન્ડિઝે આપણને હરાવીને નાક વાઢી લીધેલું. આપણે ઘરઆંગણે રમતા હતા ને છતાં જીતી ના શક્યા તેનાથી શરમજનક વાત બીજી કોઈ ના કહેવાય. શાસ્ત્રીને એ બદલ શરમ આવવી જોઈએ પણ તેના બદલે એ બેશરમ બનીને તેને પોતાની સિદ્ધિઓમાં ખપાવીને બણગાં ફૂંકવા બેઠો છે. 

શાસ્ત્રી આ બે વર્લ્ડકપની પારાયણ માંડીને બેઠો છે પણ તે કોચ હતો ત્યારે ભારતના નામે જે કાળી ટીલીઓ લાગી તેની વાત કરતો નથી. શાસ્ત્રી કોચ હતો એ દરમિયાન ભારતીય ટીમ વિદેશની ધરતી પર એક પણ સીરિઝ નહોતું જીતી શક્યું. ભારત ઘરઆંગણે શેર છે ને આપણી ધરતી પર આપણને કોઈ ના હરાવી શકે પણ એ વખતે દક્ષિણ આફ્રિકાએ આપણને ઘરઆંગણે વન ડે સીરિઝમાં હરાવીને આપણું નાક વાઢી લીધેલું. જો કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત એ હતી કે બાંગ્લાદેશે આપણને વન ડે સીરિઝમાં હાર આપેલી. જે આજ લગી પહેલાં કદી નહોતું બન્યું એ શાસ્ત્રી કોચ હતો ત્યારે બનેલું. શાસ્ત્રી તેની વાત તો કરતો જ નથી. 

અનિલ કુંબલેએ આંતરરાષ્ટ્રીય સ્તરે કોચ તરીકે પહેલાં કામ કર્યું નથી તેથી તેની વાત ના કરી શકાય પણ એક ખેલાડી તરીકે કુંબલેનો રેકોર્ડ અને ખાસ તો તેનો ટેમ્પરામેન્ટ લાજવાબ હતો તેમાં શક નથી. એક ખેલાડી તરીકે તો કુંબલે અને શાસ્ત્રીની સરખામણી શક્ય જ નથી. કુંબલે ભારતીય ક્રિકેટે પેદા કરેલો સૌથી મહાન બોલર છે તેમાં શંકા નથી. કુંબલે ભારતીય ક્રિકેટમાં સૌથી મોટો મેચ વિનર પણ છે. ભારતીય ટીમને વિદેશની ધરતી પર જીતાડનારા પાંચ ક્રિકેટરોની યાદી બનાવીએ તો તેમાં કુંબલેને સૌથી ઉપર મૂકવો પડે. ભારતની સ્પિનરો માટેન પિચો પર તો કુંબલે સામે ભલભલા ખેલાડીઓ રીતસર ગરબા ગાતા. અભિગમની રીતે પણ કુંબલે શાસ્ત્રી કરતાં આગળ છે. શાસ્ત્રી રમતો ત્યારે ટીમના બદલે પોતાના વિશે જ વધારે વિચારતો ને તેના કારણે સાવ બુંદિયાળ સાબિત થયેલો. સામે કુમ્બલે હંમેશાં ટીમ માટે રમ્યો અને પૂરા ઝનૂનથી રમ્યો. કુંબલે પાસે જે ટેમ્પરામેન્ટ અને છેક લગી લડવાની લડાયકતા છે તેવી લડાયકતા બહુ ઓછા ખેલાડીઓ પાસે હોય. શાસ્ત્રી પાસે તો તેની એક ટકા લડાયકતા પણ નહોતી. શાસ્ત્રી આણિ મંડળી શારજાહમાં પાકિસ્તાન સામે સાવ શરણાગતિ સ્વીકારી લેતી એ તો ભારતીય ક્રિકેટના ઈતિહાસનું સૌથી કલંકિત પ્રકરણ છે. જરા પણ લડ્યા વિના પાકિસ્તાન સામે હારવાનો એ સિલસિલો લગભગ એક દાયકા લગી ચાલેલો ને તેમાં શાસ્ત્રીનું યોગદાન સૌથી વધારે હતું. તેની સામે કુંબલેની પેઢીના ક્રિકેટરોની એન્ટ્રી થઈ પછી આખો સીનેરિયો બદલાઈ ગયો ને આપણે દુનિયાના મોટા ભાગના દેશોને તેમની ધરતી પર જ ધૂળચાટતા કર્યા છે. ભારતીય ટીમને અત્યારે આ ટેમ્પરામેન્ટની જરૂર છે ને એ ટેમ્પરામેન્ટ કુંબલે પાસે છે. માનો કે કુંબલે કોચ તરીકે ના ચાલે તો પણ શાસ્ત્રી તો સારો વિકલ્પ નથી જ. 

રવિ શાસ્ત્રી આ લવરીએ કેમ ચડ્યો છે એ સમજવા જેવું છે. રવિ શાસ્ત્રી પોતે એમ જ માનતો હતો કે હેડ કોચ બનવા માટે પોતાનાથી વધારે લાયક કોઈ માણસ જ નથી ને બોર્ડની પસંદગી સમિતિના સભ્યોએ પોતાના સિવાય બીજા કોઈના વિશે વિચારવાની જરૂર જ નહીં પડે. વિરાટ કોહલી અત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં સુપરસ્ટાર છે ને કોહલીને શાસ્ત્રી સાથે સારાસારી છે. કોહલીએ આડકતરી રીતે ટીમના કોચપદે શાસ્ત્રી પસંદ થાય તો સારૂં એવો મમરો પણ મૂકેલો. હેડ કોચ માટેની સીલેક્શન કમિટીમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી ને વીવીએસ લક્ષ્મણની ત્રિપુટી હતી એટલે પોતાને વાંધો નહીં આવે એવું શાસ્ત્રી માની બેઠેલો પણ તેનાં કમનસીબે અને ભારતીય ક્રિકેટ ટીમના સદનસીબે અનિલ કુંબલે છેલ્લી ઘડીએ રેસમાં કૂદી પડ્યો તેમાં શાસ્ત્રીનો ખેલ બગડી ગયો. શાસ્ત્રી માટે હેડ કોચપદ ભારતીય ક્રિકેટમાં ટકી રહેવાનો છેલ્લો રસ્તો હતો. બોર્ડે તેને પોતાની કોમેન્ટરી ટીમમાંથી કાઢી મૂક્યો છે. બીજી ચેનલોમાં એ કોમેન્ટેટર બની શકે પણ તેમાં તેનું વર્ચસ્વ ના રહે એટલે એ હેડ કોચ બનીને થાળે પડવા માગતો હતો પણ તેમાં મેળ ના પડ્યો એટલે તેને સનેપાત થઈ ગયો છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment