Monday, 17 October 2016

[amdavadis4ever] ટૂંકી વાર્તા - વિ ભૂત શાહ.....લાંછન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હેમલ રોજ કરતાં આજે સવારે વહેલો ઊઠી ગયો. વહેલી પરોઢના આકાશના આછા કુમળા ઉજાસે એના બેડરૂમની બારી પાસે આવી જાણે એના કાનમાં મીઠો ટહુકો કર્યો,"આજે તો વસંત-પંચમી, વહેલા ઊઠી જાવ, મેરેજની ઍનિવર્સરી તો ઊજવો. એણે નમિતાના ચહેરા સામે જોયું. એ તો ઘસઘસાટ ઊંઘતી હતી. 

રોજ તો એના કરતાં વહેલી ઊઠી જતી હતી. ઊગતા સૂર્યની કૂણી કૂણી ટશરોથી રેલાતું રતૂંબડું અજવાળું-ઊજરડું એના ચહેરા પર જોવાની એને ઘણી મજા પડી. નિદ્રાધીન રૂપાળી પત્નીનો ચહેરો ને એના હોઠ પર મરકતું મધુર સ્મિત ફક્ત એ એકલો, એનો પ્રિયતમ પતિ જ જોઇ શકતો હતો એ ખ્યાલથી એ વધારે રોમાંચિત થયો. 

એ ચૂપચાપ બારી પાસે ગયો. સામે નાનાં-મોટાં બધાં વૃક્ષો એમનાં ફૂલોનો વૈભવ પ્રસારી, એમની ઘટા ફેલાવી પ્રસન્નતાથી લહેરાતાં હતાં ને જાણે આજે ખાસ બારી પાસે વધારે ઝૂકી આવ્યાં હતાં. 

કંપાઉન્ડના કોટને ફરતે ફરતે એણે નજર ફેરવી. હવે તો ચીકુ, દાડમ ને પપૈયા પાકવા આવ્યા હતાં. નમિતાને ચીકુ ને પપૈયા બહુ ભાવતા હતા ને એને દાડમ. આ સામે હવે તો કેરડો પણ પૂરેપૂરો પાંગર્યો હતો, મ્હોર્યો હતો ને એમાં તો પંખીઓનાં ઝૂમખે ઝૂમખાં ટોળે વળ્યાં હતાં ને એમનો કિલકિલાટ શરૂ કરી દીધો હતો. એમના માળી રામરતને એને કાલે જ કહ્યું હતું કે ચકલીઓ, કબૂતર અને એમનાં કંપાઉન્ડના બાગમાં હમણાં હમણાંથી નવા આવતા પંખી મુનિયાએ તો એમનાં બચ્ચાં ઉછેરવાનું શરૂ પણ કરી દીધું છે અને અબાબીલનાં બચ્ચાં તો માળો છોડીને ઊડી પણ ગયાં. 

એને યાદ આવ્યું. ગઇ વસંતપંચમીએ, એમની ચોથી લગ્નતિથિએ બંને એ બહાર ડિનર પર જતાં પહેલાં બાગનાં વૃક્ષો પાછળથી મહા સુદ પાંચમનો ઊગતો ચંદ્ર પણ જોયો હતો. 

- ત્યાં તો નમિતાએ આંખો ખોલી. હજુ ઊંઘમાં હતી. એનાં અર્ધ-ખૂલ્યાં કુમળાં પોપચાં પર જાણે નાજુક પતંગિયા આવીને બેસી ગયાં હતાં. એ ઉછાળ કૂદકો લગાવી જોશભેર એની પાસે ગયો ને ઉમળકાથી બોલી ઊઠ્યો, " ઊઠ ઉઠ, જલદી ઊઠ, આજે તો વસંતપંચમી ને એમાંય આપણી લગ્ન-તિથિનો, મૅરેજ-ઍનિવર્સરીનો તો પંચમ સૂર.

આમ કહી નમિતાને દૃઢ પ્રબળ આલિંગનમાં લઇ ગાલ પર વહાલથી ચૂંબન કરવા ગયો, ત્યાં તો આંખો પટપટાવી નમિતા ધીમેથી, લજ્જાથી બોલી,"આપણાં લગ્ન તો નમતી સાંજે થયાં હતાં એટલે મૅરેજ-ઍનિવર્સરી તો એ પછી રાતે જ ઉજવાય... ને હેમલ કશું કહે એ પહેલાં તો બ્રશ કરવા દોડી ગઇ. 

એ ડાઈનિંગ ટેબલ પાસે ગયો. આજે તો મમ્મી અને પપ્પા પણ બહુ ખુશ હતાં. બંનેએ હેપી મૅરેજ-ઍનિવર્સરી વિશ કરી. 

જલદી જલદી ચા-નાસ્તો પૂરો કરી હેમલે પોતે નાહી લીધું અને શેરવાની પહેરી તૈયાર પણ થઇ ગયો. પછી પળે પળે ક્ષણે ક્ષણે એ નમિતાની રાહ જોવા લાગ્યો. એ આવે ત્યાં સુધી એ મૅરેજના ફોટોગ્રાફ્સનું આલ્બમ લઇ રસપૂર્વક જોવા લાગ્યો-વારંવાર જોયા છતાંય જાણે પહેલી જ વાર જોતો હતો, ત્યાં તો નમિતા હળવા દબાતા પગલે આવી એની સામે ઊભી રહી. એનું સદ્ય-સ્નાતા-નેહ-નમણું રૂપ એ મુગ્ધ પ્રસન્ન દૃષ્ટિએ જોઇ જ રહ્યો. મૅરેજ-ઍનિવર્સરીના ખાસ સાજ-શણગાર અને સુંદર કંચન-રાતી રેશમી સાડીમાં એ અત્યારે ખૂબ જ કામણગારી અને જાજરમાન લાગતી હતી. ડ્રેસિંગ-ટેબલ પાસે એના આછા તેજમાં એનું ઝમકાળું રૂપ ચમક ચમક થતું હતું. 

એ કશું કહેવા જતો હતો ત્યાં તો નમિતા પાસે આવી એને પગે લાગવા નીચે નમી. હેમલે તરત જ એના બે હાથ પકડી લીધા અને બોલી ઊઠ્યો,"ના ના, મને નહિ, ચાલ પહેલાં પપ્પા-મમ્મીને પગે લાગીએ. આજે તો પપ્પા પણ બહુ ખુશ છે.

શ્રીપદરાય પણ એમની જ રાહ જોતા હતા. એ વહેલા વહેલા તૈયાર થઇ ડ્રોેઇંગ-રૂમમાં બેઠા હતા. વિશાખાબેન પણ તૈયાર થઇ આમતેમ આંટાફેરા કરતાં હતાં. નમિતા અને હેમલ પહેલાં શ્રીપદરાયને પગે લાગવા ગયાં ત્યાં તો એ પણ બોલી ઊઠ્યા, "ના ના, મને નહિ, ચાલો પહેલાં દિવાકરદાદાને પગે લાગો. સારો-શુભ દિવસ, મંગળ પ્રસંગ આવે એવા એમના આશીર્વાદ લો.

દિવાકરદાદાના મોટા કદના ઑઇલ-પોર્ટ્રેઇટ પાસે ઊભા રહી બંને આંખો મીંચી નતમસ્તક પ્રાંજલભાવે પગે લાગ્યાં. શ્રીપદરાય આર્દ્રભાવે બોલ્યા,"નમિતા, આપણી આ જે કંઇ દોર-દમામ સુખ-સાહ્યબી છે, આ બંગલો-ગાડી છે એમને લીધે છે. એમણે જ ભગીરથ પુરુષાર્થ કરી આપણી આ પેઢી, આપણી આ બધી કેમિકલ્સની અને ફાર્માસ્યુટિકલ્સની કંપનીઓ ઊભી કરી હતી. કશું હતું નહિ પણ એમણે સૌથી પહેલાં મિનરલ્સની કંપની શરૂ કરી આપણી આ જાહોજલાલીનો પાયો નાખ્યો હતો.

જમતી વખતે વિશાખાબેને નમિતાને પગે લાગ્યાનો સાત સેરોવાળો સોનાનો સેટ ભેટ આપ્યો અને પછી એનાં ઓવારણાં લઇ હરખાઇને બોલ્યા,"તું તો અમારા કુટુંબની કુળ-લક્ષ્મી છે. દાદાએ મને કહ્યું હતું કે વહુને પાંચમી લગ્ન-તિથિએ આપણા આ પરિવારની પરંપરાનો સેટ પહેરાવજે. તું હવે અમારા કુળની શોભા વધારજે.

ગ્રાન્ડ ડિનર-પાર્ટી પછી રાતે હેમલે પણી નમિતાને રૂબી અને પોખરાજનો કીમતી હાર ઉમંગ-ઉલ્લાસથી એના ગળામાં પહેરાવ્યો. નમિતા આર્દ્ર અને ભાવવિભોર થઇ એને વળગી પડી અને વહાલથી એના ગાલે ચુંબન કરી લાગણીથી ગદ્ગદ્ થઇ બોલી,"હું તો તને આ જ ભેટ આપી શકું એમ છું. એને પોતાના દૃઢ બાહુપાશમાં લઇ એના મૃદુ-માંસલ ઊભાર તરફ ઝૂકીને આછા કેફ અને તોરમાં એ બોલ્યો, "મારા માટે તો તારો આ ઋજુ ઋજુ ભીનો ભીનો ઉન્મત મદમાતો પ્રેમ જ બહુ છે. મારે બીજું કશું નથી જોઇતું. 

નમિતા કશું બોલ્યા વિના પ્રેમભરી અમી નજરે હેમલની આંખોમાં આંખો પરોવી એકીટશે જોઇ રહી, પછી અચાનક ઢીલા નરમ અવાજે બોલી, "હેમુ, તું મને આટલો બધો પ્રેમ કરે છે, આટલી બધી કીમતી ભેટ આપે છે પણ હું તને આપણા બંનેનાં હસીન સપના જેવું, પોચું પોચું કુમળું સુંદર ફૂલગુલાબી બાળક ભેટ નથી આપી શકતી એનું મને બહુ દુ:ખ છે, મારું મન સતત કોચવાયા કરે છે અને-ત્યાં તો એનાં મોં પર હાથ દબાવી એને કશું આગળ ન બોલવા દઇ હેમલે ધીમેથી એના કાનમાં લાગણીભર્યા અવાજે કહ્યું,"નિમુ, આજે આપણી મૅરેજ-એનિવર્સરીના દિવસે આવું મનને કલેશ અને સંતાપ થાય એવું ના બોલીશ. મને તો કંઇ એવો સંતાનનો મોહ નથી પણ પપ્પાને મનમાં એવું થયા કરે છે કે હવે ઘરમાં કોઇ પા પા પગલીનો પાડનાર આવે તો સારું, એમનો વંશ ચાલુ રહે, એમની પેઢી આગળ વધે એવી લાગણી એમને હોય એ સ્વાભાવિક છે પણ-

-ત્યાં તો નમિતા પણ કંઇક ઉદાસ, ગમગીન થઇ આગળ બોલી, "હા, મમ્મી પણ દરેક મહિને મારા ચહેરા સામે કંઇક આશાથી, કંઇક અપેક્ષાથી, છાની આતુરતાથી જોયા કરે છે, પછી નિરાશ થઇ જાય છે, કશું બોલતાં નથી પણ એમની આંખોમાં છુપાયેલી એમની હતાશા હું જોઇ શકું છું. પછી બોલતાં બોલતાં એ રડી પડી. હેમલ મૂંગો મૂંગો એની પીઠ પસવારવા લાગ્યો. નમિતાનાં ધીમા છાનાં ડૂસકાં એને સંભળાતા હતાં. 

થોડાક દિવસ પછી રવિવારે નમતી સાંજે બધાં ડાઇનિંગ ટેબલ પર ચા પીતાં પીતાં નિરાંતે હળવી વાતો કરતાં બેઠા હતાં ત્યાં અચાનક અણધાર્યો વિસ્ફોટ થયો. નમિતાએ એકાએક ગંભીર થઇ ઓચિંતું જ સીધું શ્રીપદરાયને કહ્યું, "પપ્પાજી, છેલ્લા કેટલાય દિવસથી મારા મનમાં એક વાત ઘુમરાયા કરે છે. ઘણું કરું છું પણ મન શાંત થતું નથી, વલોવાયા કરે છે, એટલે આજે અત્યારે આપણે બધાં સાથે બેઠાં છીએ એટલે કહી જ દઉં છું, માઠું ના લગાડશો, પણ હવે કાબૂ નથી રાખી શકતી. આમ વાત મારી છે છતાંય આપણાં બધાંની છે. અમારાં લગ્ન થયે પાંચ વર્ષ થઇ ગયાં, પરંતુ હજુ સુધી હું આપણા આટલા મોટા ખાનદાન કુટુંબના વારસદારને જન્મ આપી શકી નથી. આપણી ઘણી બધી મોટી કંપનીઓ છે, બહોળો બિઝનેસ છે, અઢળક સંપત્તિ છે એટલે એ સંભાળવા માટે, સાચવવા માટે, પેઢીને આગળ વધારવા માટે આ પરિવારમાં પારણું તો બંધાવવું જ જોઇએ, એટલે ઘણો બધો વિચાર કર્યા પછી હું તમને બધાંને હાથ જોડીને ખાસ ભારપૂર્વક વિનંતી કરું છું કે મને છૂટાછેડા, ડાઇવૉર્સ આપી, બીજાં લગ્ન કરી, બીજી વહુને ઘરમાં લાવો, જેથી આ પરિવારમાં કોઇ પા પા પગલી પાડનારનો, વારસદારનો જન્મ થાય. પ્લીઝ પપ્પા, મને છૂટાછેડા આપી દો, મને કશો વાંધો નથી. મારી રાજીખુશીથી હું આ કહું છું.' 

બોલતાં બોલતાં એ ગળગળી થઇ ગઇ. એના હોઠ ને હાથ ધ્રૂજવા માંડ્યા. એની આંખો ભીની થઇ ગઇ. 

નમિતાના આ શબ્દોથી એકદમ સન્નાટો છવાઇ ગયો. બધાં સ્તબ્ધ થઇ ગયાં. હેમલને તો ભારે આંચકો અને આઘાત લાગ્યો. 

દુ:ખ અને આછા રોષથી એ દિગ્મૂઢ થઇ ગયો. નમિતાએ એને તો પહેલાં આવી કશી છૂટાછેડાની વાત જ કરી નહોતી અને એને પૂછ્યાં-કહ્યા વિના આમ એકાએક પપ્પાને સીધી જ બારોબાર આવી ગંભીર વાત કરી દીધી! એ સમસમી ગયો.

શ્રીપદરાયના મનમાં પણ ખળભળાટ મચી ગયો હતો. છતાંય મન પર સંયમ રાખી, સ્વસ્થ થઇ એમણે શાંતિથી માયાળુપણે નમિતાને કહ્યું, "નમિતા, એવું તે એકાએક શું બની ગયું તે તું અચાનક સીધી છૂટાછેડાની વાત પર આવી ગઇ! કોઇએ તને કશું કહ્યું? નમિતા, તું ગમે તે જવાબ આપે એ પહેલાં મારી એક વાત સાંભળ. ભલે હું હેમલનો પપ્પા છું પણ આમ હું ઉંમરમાં ઘણો નાનો છું. બહુ વહેલી ઉંમરે હેમલ આવી ગયો હતો, કેમ વિશાખા ખરુંને? અમે સાથે બહાર નીકળીએ તો મને કોઇ એનો મોટો ભાઇ કહે. આ વાત તને અત્યારે એટલા માટે કહું છું કે કશો સંકોચ રાખ્યા વિના, કશું એવું ખોટું મારાથી અંતર રાખ્યા વગર નિખાલસપણે તું સાચેસાચું જે હોય તે કહી દે. તેં એકાએક આવી વાત કેમ કરી? તેં હેમલને પૂછ્યું હતું? એણે તને હા પાડી હતી?

નમિતાએ તરત જ અત્યંંત ધીરગંભીરભાવે શાંતિથી જવાબ આપ્યો, "ના, મેં એમને કહ્યું નહોતું કે પૂછ્યું નહોતું. એ કોઇ દિવસ હા ના કહે. કદાચ એ મને માફ નહિ કરે, પણ હું મારા મનના અંતરાત્માને વશ થઇને વર્તી છું. હું તદ્દન સાચું સોગંદપૂર્વક કહું છું કે એવું કશું બન્યું નથી કે કોઇએ મને કશું કહ્યું નથી. પણ આપણે અમુક મહત્ત્વની બાબતોમાં, ગમે કે ના ગમે, વાસ્તવિક વ્યવહારુ વાતનો વિચાર કરવો જોઇએ, કશોક હિંમતભર્યો નિર્ણય પણ કરવો જોઇએ, જો બધાંના હિતમાં હોય તો દુ:ખ થાય તો પણ એનો સ્વીકાર કરવો જોઇએ...પપ્પા, મારી વાત માનો, મને ડાઇવૉર્સ આપી તમારી જ કોઇ કંપનીમાં મને કોઇ સારી સર્વિસ આપજો. મને જુદો નાનકડો ફ્લેટ અપાવજો, બસ! હું એમાં ખુશીથી આનંદપૂર્વક રહીશ.

અત્યાર સુધી શાંત બેઠેલાં વિશાખાબેન ધૂંઆપૂંઆ થઇ બોલી ઊઠ્યાં, "નમિતા, શું જેમ તેમ બોલે છે! તું ગાંડી તો નથી થઇ ગઇને! હેમલ,તું કેમ કશું બોલતો નથી?

કંઇક રોષ અને વેદનાથી થડકાતા અવાજે હેમલે જવાબ આપ્યો, શું બોલું! મને એ જ સમજાતું નથી કે એને આવા વિચારો ક્યાંથી આવ્યા! મને પૂછવું હતું તો ખરું...આનાં કરતાં તો કોઇ બાળકને દત્તક લઇએ તો સારું. વિશાખાબેને પણ તરત જ એના સૂરમાં સૂર પૂરાવ્યો,"હા, હેમલની વાત બરાબર છે, છેવટે કોઇને દત્તક લઇને ખોેળે બેસાડીશું, પેઢીએ તાળું તો ના લાગી જાય, પણ એમ કોને દત્તક લઇશું? નજીકના તમારા સગામાં તો કોઇ છે નહિ, ને એમ કંઇ રસ્તા પરથી કે આશ્રમમાંથી-

એમને અધવચ્ચે જ અટકાવી શ્રીપદરાય સહેજ ચિડાઇને, ધૂંધવાઇને બોલ્યા,"અત્યારે કોઇને દત્તક લેવાની ક્યાં આ અર્થ વગરની વાહિયાત ચર્ચા કરો છો! જો નમિતા, જેમ હેમલ અમારે એકનો એક દીકરો છે એમ હું પણ મારા પપ્પાનો એકનો એક દીકરો છું, મારેય કોઇ ભાઇ-બેન નહિ ને એમ હેમલનેય કોઇ ભાઇ-બેન નથી, એટલે હવે અમે પારકા લોહીને આપણા કુટુંબમાં કે પેઢીમાં-

નમિતા અકળાઇને ઢીલા રડમસ અવાજે વચ્ચે બોલી ઊઠી, 'પણ હું ક્યાં કોઇને દત્તક લેવાની વાત કરું છું! હું તો મારા જ કમનસીબીની વાત કરતી હતી. હું એવું તો કહેતી હતી કે હવે બીજી વહુ લાવો અને ભગવાનની મહેરબાનીથી એની કૂખે તમારા કુટુંબનો ભાગ્યશાળી કુળદીપક, વારસદાર જન્મે તો તમે કહો છો એમ બીજા કોઇનું અજાણ્યું લોહી તમારા ખાનદાનમાં નહીં આવે અને તમારા કુટુંબનો દીવોય જલતો રહેશે અને તમારી પેઢીને ક્યારેય તાળું નહિ લાગી જાય.

શ્રીપદરાય સહેજ નારાજ થઇ સંતાપ અને બળતરાથી તડતડી ઊઠ્યા, "પણ ક્યારનીય તું આ છૂટાછેડાની એકની એક વાત શા માટે કર્યા કરે છે! ને હજુ તો લગ્નને માંડ પાંચ વર્ષ થયાં છે ત્યાં આટલો બધો ઉચાટ અને અધીરાઇ શા માટે!પછી પાછા એકાએક ચહેરાનો ભાવ બદલી હળવાશથી આછું હસીને બોલ્યા, "નમિતા,તું અમારી સામે જો, હજુ તો અમે પણ જુવાનજોધ જેવાં છીએ, ત્યારે તું તો કેટલી નાની કુમળી પાંગરતી વેલ જેવી છે! તેં તો ત્રીસી પણ વટાવી નથી ને તને તો ખબર જ હશે કે ઠેઠ ચાળીસી સુધી બાળકો થાય...પણ નમિતા, આ વાત નીકળી છે તો મારા મનમાં પણ ઘણા સમયથી ચાલતી-ઘુમરાતી એક વાત નિખાલસપણે કહી દઉં? ને આમેય હવે એ વાત કહેવાનો સમય પાકી ગયો છે. 

નમિતાએ કુતૂહલથી પૂછ્યું,"એવી તે શી વાત છે પપ્પા? શ્રીપદરાયે વિશાખાબેન ને પછી હેમલની સામે જોઇ ધીમેથી કહ્યું,"જો તને અને હેમલને તો ખબર જ છે કે ટેલિવિઝન ટાવર જતાં પહેલાં સર્કલ પાસે 'પલ્લવ ફર્ટિલિટી સેન્ટર' ચાલે છે. એના ગાયનેકોલોજિસ્ટ ડૉ. યશવંત કોઠારી મને સારી રીતે ઓળખે છે, મારે સારો સંબંધ છે, અમે અવારનવાર કલબમાં મળીએ છીએ, નમિતા, મારી તને એ સલાહ છે કે બીજી કશી ચિંતા કર્યા વિના તું ત્યાં તારી તપાસ, ઍક્ઝામિનેશન કરાવી લે, તને કશો વાંધો તો નથીને?

નમિતાએ નીચું જોઇ મંદ ઢીલા અવાજે જવાબ આપ્યો,"ના ના, મને શો વાંધો હોય, પછી એણે હેમલ સામે જોયું. શ્રીપદરાય એના મનની મૂંઝવણ સમજી ગયા, 'હેમલ, તને પણ કશો વાંધો નથીને?' એણે પણ મોળા નરમ અવાજે જવાબ આપ્યો,"ના ના, મને પણ શો વાંધો હોય. શ્રીપદરાય પછી નિરાંતનો શ્ર્વાસ લઇ વિશાખાબેનની સામે જોઇ ઊભા થતા બોલ્યા, "તો પછી હવે બીજી બધી વાતો બંધ કરી, કશો વિલંબ કર્યા વિના કાલે સાંજે જ એમના સેન્ટર પર જઇ આવો. હું એમને ફોન કરી દઇશ. 

એ પ્રમાણે બીજા દિવસે સોમવારે સાંજે હેમલ અને નમિતા 'પલ્લવ ફર્ટિલિટી સેન્ટર' પર ગયાં. નમિતાના મનમાં ઘણો જ ક્ષોભ અને સંકોચ હતો. હેમલ પણ ખાસ કશું બોલતો નહોતો. એક બે વાર ફક્ત એવું બોલ્યો હતો, 'જે થયું એ સારું થયું. હવે જે હશે એની ખબર પડી જશે અને કાયમ માટે ઉકેલ આવી જશે.'

ફર્ટિલિટી સેન્ટર ઘણું જ સ્વચ્છ અને અદ્યતન સાધનોથી સજ્જ હતું. ધાર્યા કરતાં થોડી ઘણી નાની ઉંમરના ડૉ. યશવંત કોઠારી ઘણા જ હસમુખા, હોશિયાર અને નિખાલસ લાગ્યા. એમણે હેમલ અને નમિતાને જાતજાતના મૂંઝવણભર્યા પ્રશ્ર્નો ઘણી જ સાહજિકતાથી અને હળવાશથી પૂછ્યા. જોકે ઘણીવાર સંકોચ વિના છૂટથી એમના અંગત દેહ-સંબંધ અને સહ-શયન વિશે ચોખ્ખેચોખ્ખું પૂછતા હતા અને ક્યારેક તો ધૃષ્ટતાથી જિન્સી સેક્સ્યુઅલ ઇન્ટિમસી અને આર્ટ વિશે ખુલ્લંખુલ્લું બોલતા હતા. નમિતા જવાબ આપતાં શરમાતી હતી. છેવટે એ નમિતાને સોનોગ્રાફી ટેસ્ટ માટે અંદર લેબોરેટરીમાં લઇ ગયા. 

હેમલને આ સ્થિતિમાં મુકાવું પડ્યું એટલે મનમાં આ બધું કઢંગું ને ક્ષોભજનક લાગતું હતું. સામે દીવાલ પર સુંદર બાળકોની છબી ટિંગાતી હતી. એમના નિર્દોષ માસૂમ ચહેરા સામે એ જોઇ રહ્યો. 

થોડીવાર પછી ડૉ. યશવંત કોઠારી લેબોરેટરી રૂમમાંથી બહાર આવ્યા. એમની પાછળ પાછળ નમિતા પણ ધીમા દબાતા પગલે હેમલની પાસે આવી, એની બાજુમાં બેસી ડૉક્ટરની સામે આતુરતાપૂર્વક જોઇ રહી. બંનેની સામે આછું સ્મિત કરી ડૉ. કોઠારીએ એમને કહ્યું,"એમને તો બધું નોર્મલ છે. કશું ચિંતા કરવા જેવું નથી, પણ ઋતુ-સમય પછી તરત જ તમારે આવવું પડશે. એ વખતે સોનોગ્રાફીમાં ઑવમ વિશે જોઇ લઇશું, પછી રિપોર્ટ સોએ સો ટકા પાકો. હું શ્રીપદરાયને ફોન કરી દઇશ.

 

નમિતાના મન પરથી ઘણો મોટો બોજો, તણાવ હટી ગયો. સંશય-ભય જતો રહ્યો. શંકા-દહેશત દૂર થઇ ગઇ. એનો નમણો ચહેરો ખુશીથી ચમકી ઊઠ્યો. સેન્ટર પર આવ્યા પછી પહેલી જ વાર એના હોઠ પર સ્મિત ફરક્યું. એ જોઇ ડૉ. કોઠારી આછું હસતા હસતા હળવાશથી બોલ્યા, "તમે આવ્યાં છો તો બીજી એક વાત પણ કહી દઉં, જુઓ, મોસમની અસર સ્ત્રીઓ પર વધારે થાય છે. અમારી રિસર્ચ પ્રમાણે પ્રેગ્નન્સીની સુખદ ઘટના વસંત-ઋતુમાં વધારે બને છે, અરે આર્ટિફિશિયલ ઇનસેમિનેશન પણ આ જ સમયમાં વધારે સફળ થાય છે અને તમને એ જાણીને નવાઇ લાગશે, કદાચ સાચું નહિ માનો પણ રાતના અંધારાં કરતાં દિવસના અજવાળામાં, શિયાળા કરતાં ઉનાળામાં પ્રેગ્નન્સીની શક્યતા વધારે હોય છે. અલાસ્કાના, એસ્કિમોના ઠંડા પ્રદેશમાં તો એવું પણ જોવા-જાણવા મળ્યું છે કે ત્યાં શિયાળામાં સ્ત્રીઓમાં પિરિયડ્સ અને ઑવ્યુલેશન લગભગ બિલકુલ બંધ થઇ જાય છે. અલબત્ત, અમે આ વિચિત્ર ઘટનાને સમજાવી શકતા નથી, સમજ્યાંને ? શરમાઇ ગયાં! ચાલો આવજો, પછી મળીશું.

શ્રીપદરાય અને વિશાખાબેન રિપોર્ટ જાણી ખુશ થયાં. 

નમિતાને રાત્રે જાતજાતના વિચારો આવ્યા. હેમલ બાજુમાં સૂઇ ગયો હતો. આવી જ રીતે ઉચાટ અને અધીરાઇમાં નમિતાએ બીજા પંદર-વીસ દિવસ પસાર કર્યા ને ડૉ.યશવંત કોઠારીએ કહ્યું હતું એ મુજબ પાછાં ફર્ટિલિટી સેન્ટર પર ગયાં. ડૉ.કોઠારી આજે વધારે બિઝી હતા, છતાંય એમણે તરત જ નમિતાને અંદર લેબોરેટરીમાં લઇ જઇ સોનોગ્રાફી ટેસ્ટ કર્યો. 

બહાર હેમલ પાછો ચિંતા અને દ્વિધાથી સામે દીવાલ પર બાળકોના નિર્દોષ માસૂમ ચહેરા સામે જોઇ રહ્યો હતો. થોડીક જ વારમાં ડૉ.કોઠારી બંનેની સામે જોઇ આછું મલકીને બોલી ઉઠ્યા, "રિલેક્સ,ખુશ થાવ, બધું બરાબર છે. મને નવાઇ લાગે છે કે અત્યાર સુધી કેમ કશું બન્યું નથી! પછી મુક્ત મને મોટેથી હસી પડ્યા. 

નમિતાને મનોમન ઘણી શાંતિ, રાહત થઇ. એનો ચહેરો ખુશીથી હસુ હસુ થઇ રહ્યો હતો. ડૉક્ટરને થેંકસ કહી હેમલ જવા માટે ખુરશીમાંથી ઊભો થયો ત્યાં તો ડૉ.કોઠારીએ એકાએક ગંભીર થઇ એેને કહ્યું, "હવે તમારો પણ ટેસ્ટ કરી લઇએ. એ તપાસ થઇ જાય એટલે પછી શું કરવું એ નક્કી કરીશું. તમને કશો વાંધો તો નથી ને? હેમલે તરત જ જવાબ આપ્યો," હા, એ બરોબર છે, મને શો વાંધો હોય! ડૉ.કોઠારીએ નમિતાની સામે જોયું,પછી હેમલની સામે ઝૂકીને તદન ધીમેથી કહ્યું," તમે કાલે માનસિક રીતે તૈયાર થઇને આ જ સમયે એકલા આવજો. સેલ્ફ-સ્ટિમ્યુલેશન કરી તમારે ઇજેક્યુલેશનને કાચની ટ્યૂબમાં આપવું પડશે, પછી અમે તમારા સ્પર્મને પણ તપાસી લઇશું. શ્રીપદરાય સાથે ફોન પર હું બધી વાત કરી લઇશ. ઑ.કે.? કાલે મળીએ છીએ.

જતાં જતાં રસ્તામાં હેમલે નમિતાનો હાથ હાથમાં લઇ એને વહાલથી કહ્યું," મન પરથી મોટો ભાર દૂર થઇ ગયો. તું એને પપ્પા ખોટી ઉતાવળ કરો છો, અધીરાં થઇ ગયાં છો, નીકળ્યું કશું? ખાલી ખાલી આવી પળોજણમાં મુકાવું પડ્યું ને ? કંઇ નહિ, હવે સારું પરિણામ આવે એટલે તુંય ખુશ ને પપ્પાય ખુશ. નમિતા લાડ કરી બોલી, "ને તું ખુશ નહિ? હું ઉતાવળ નથી કરતી, પપ્પા અધીરાં થઇ ગયા છે. એમને સંતાનની બહુ ઝંખના છે. યાદ છે તે દિવસે આપણી મૅરેજ-એનિવર્સરીએ દિવાકરદાદાના પોર્ટ્રેઇટ પાસે લઇ જઇ એ શું બોલ્યા હતા? એમના આશીર્વાદ લો સારો શુભ દિવસ આવે. મંગળ પ્રસંગ આવે...'એ ઇશારો આપણા તરફ હતો અને-

હેમલ તરત જ અધવચ્ચે બોલ્યો, "એટલે જ તું છૂટાછેડા છૂટાછેડાનું રટણ કરવા માંડી હતી, હવે મને સમજાયું, કંઇ નહિ, હવે કાલે ફેંસલો.

-પણ બીજા-ત્રીજા દિવસે અણધાર્યું જ બન્યું. 

હેમલને જબરજસ્ત આંચકો લાગ્યો. એ સ્તબ્ધ, દિગ્મૂઢ થઇ ગયો. 

ફર્ટિલિટી સેન્ટરમાં ડૉ.કોઠારીએ એની તપાસ કર્યા પછી એને ખભે હાથ મૂકીને ધીમેથી કહ્યું," સૉરી હેમલ, તમારામાં જ સ્પર્મની ખામી છે. હું શ્રીપદરાયને...

ઘેર આવી દેવતા ઓલવાઇ ગયો હોય એમ હેમલનો ચહેરો ઝાંખો અને નિસ્તેજ થઇ ગયો હતો. ભોંઠો અને છોભીલો પડી ગયાના હીણા અને ઉદાસ ભાવ સાથે એ સૂનમૂન થઇ ગયો હતો. નમિતાની સામે હવે સીધી નજર પણ મિલાવતો નહોતો. શ્રીપદરાય અને વિશાખાબેન સાથે પણ સાવ ઓછું ખપપૂરતું જ બોલતો હતો. એનું ચેતન હણાઇ ગયું હોય એમ એ નિર્જીવ પૂતળાની જેમ જીવતો હતો. 

-પણ નમિતા તો ઊલટાની એને વધારે પ્રેમ કરવા લાગી. એને વધારે માન આપી એનું ખમીર ટકાવી રાખી એનો જુસ્સો વધારતી હતી. શ્રીપદરાય અને વિશાખાબેન પણ કશું જ ના બન્યું હોય એમ એની સાથે પહેલાંની જેમ સ્વાભાવિકપણે સાહજિકતાથી જ વ્યવહાર-વર્તણૂક કરતાં હતાં. એ ના બોલે તો પણ સામેથી બોલાવતા હતા. ઘણી વાર બધાંને હસાવવા હળવાશથી વાતો પણ કરતા હતા. 

ધીમે ધીમે એ પહેલાંની જેમ 'મૂડ'માં આવી ગયો. નમિતાએ એને પ્રેમથી જીતી લીધો. 

શ્રીપદરાયની બધી કંપનીઓનો કુલ નફો એકસાથે એકવીસ ટકા વધ્યો હતો. એમણે અને હેમલે સરવૈયું કાઢીને હિસાબ માંડ્યો હતો. એ ભારે ખુશમિજાજમાં હતો ત્યારે એકાએક શ્રીપદરાયે એ વાત પરથી ધીમેથી એક બીજી વાત એને કહી. એને કશું સમજાવવા લાગ્યા. હેમલને જબરજસ્ત આંચકો-આઘાત લાગ્યો, પણ હવે એ મન પર કાબૂ, સંયમ રાખતાં શીખી ગયો હતો. એણે બને એટલા સ્વસ્થ રહી શાંતિથી શ્રીપદરાયને જવાબ આપ્યો, "પપ્પા, નમિતા તૈયાર નહિ થાય, એ મારું કહ્યું નહિ માને, છતાંય મને બે-ત્રણ અઠવાડિયાનો સમય આપો. હું એને મનાવી-સમજાવી લઇશ.

શ્રીપદરાયે એના ખભા પર વહાલથી હાથ મૂકીને કહ્યું,"તું માની ગયો તો એ જરૂર માની જશે. શાંતિથી તને યોગ્ય લાગે એમ કર, કશી ઉતાવળ નથી.

હેમલે કહ્યું હતું એમ જ થયું. નમિતા તો એ સાંભળીને દાઝી હોય એમ ઉછળી ઊઠી,"હેમલ, તું આ શું બોલે છે! પપ્પાએ તો તને કહ્યું પણ તારી જીભ કઇ રીતે ઊપડી! તેં પોેતે જ હા કઇ રીતે પાડી!

નમિતાને જેટલું બોલવું હતું એ હેમલે બોલવા દીધું, પછી ધીમેથી, આછી વેદનાથી રૂંધાયેલા અવાજે એને કહ્યું,"નમિતા, તું પોતે જ એ વિચાર, મેં પોતે કઇ રીતે હા પાડી હશે, પણ મને લાગે છે કે આર્ટિફિશિયલ ઇનસેમિનેશન હવે આપણે સ્વીકારવું જ રહ્યું. આ કુટુંબને ટકાવવાનો એ જ છેલ્લો આખરી રસ્તો છે.

નમિતા આ સાંભળીને સમસમી ગઇ, છતાંય મનનું દુ:ખ, વેદના મનમાં સમાવી એ સહેજ આછા રોષથી બોલી, "હેમલ, તું આ આર્ટિફિશિયલ ઇનસેમિનેશની વાત પૂરેપૂરી સમજ્યો છે? તેં એની બધી બાજુનો બરાબર વિચાર કર્યો છે? 

હેમલે ઊંચા શ્ર્વાસે દબાતા અવાજે જવાબ આપ્યો,"હા, બીજા કોઇ અજાણ્યા ડોનરના સ્પર્મથી સીરિન્જ દ્વારા કૃત્રિમ ગર્ભાધાન...નમિતા, પપ્પાએ તો લગભગ પંદર દિવસ પહેલાં મને આ વાત કહી હતી, એટલે પંદર દિવસ અને પંદર રાત પૂરેપૂરો વિચાર કરીને, તને આ વાત સ્વીકારી લેવા સમજાવી રહ્યો છું. તે દિવસે તું કુટુંબ માટે, એના વારસદાર માટે છૂટાછેડા લેવા સુધી, મારો ભોગ લેવા સુધી, આપણા પ્રેમનો ભોગ લેવા સુધી તૈયાર થઇ ગઇ હતી, એટલું તો આ જલદ પગલું નથીને? ને...ને...નમિતા, તને દરેક સ્ત્રી ઝંખતી હોય છે એ મહામૂલું માતૃત્વ સાંપડશે...

નમિતા તો હજુય કશું સાચું ના માનતી હોય એમ એકીટશે હેમલની સામે જોઇ રહી હતી, પછી કંપતા ધ્રૂજતા અવાજે માંડ પરાણે બોલી, "તે દિવસે તો પપ્પા પારકું લોહી આપણા ખાનદાન કુટુંબમાં ના આવે એની વાત કરતા હતા ને હવે આજે-

એને આગળ બોલતી અટકાવી હેમલ અધવચ્ચે જ બોલ્યો, "પપ્પા એવું કહે છે કે નમિતા તો આપણા કુટુંબની જ છે ને! એ ક્યાં પારકું લોહી છે ! નમિતા, યાદ કર એ દિવસે તેં પણ એવું કહ્યું હતું કે અમુક મહત્ત્વની બાબતોમાં, ગમે કે ના ગમે, વાસ્તવિક વ્યવહારુ વાતનો વિચાર કરવો જોઇએ, કશોક હિંમતભર્યો નિર્ણય કરવો જોઇએ, બધાનાં હિતમાં હોય તો એ વાતનો સ્વીકાર કરવો જોઇએ...નમિતા, છેવટે મારે ખાતર 'હા' પાડ.

'હા''ના' કરતાં, આનાકાની કરતાં છેવટે નમિતા સંકોચ સાથે આર્ટિફિશિયલ ઇનસેમિનેશન માટે તૈયાર થઇ. 

શ્રીપદરાય ખુશ થયા. હેમલે નમિતાને સહેજ દુ:ખ સાથે કહ્યું, "ફર્ટિલિટી સેન્ટરમાં તારી સાથે હું નહિ આવું, મને સંકોચ થાય છે, પપ્પા તારી સાથે આવશે.

નમિતા કશું બોલી નહિ.

ફર્ટિલિટી સેન્ટરમાં પગ મૂકતાં જ નમિતાને થડકારો થયો. કશીક બેચેની, વિચિત્ર લાગણી થઇ. લેબોરેટરીમાં સૂતાં સૂતાં પણ એને કંઇ કેટલાય સારા-નરસા વિચારો આવી ગયા. ડૉ.કોઠારી શ્રીપદરાય સાથે અંદર ચેમ્બરમાં જઇ કશીક વાત કરતા હતા. થોડીવાર પછી એ સીરિન્જ લઇને આવ્યા, પછી નમિતા સામે આછું સ્મિત કરી બોલ્યા,"તમે કશી ચિંતા કરશો નહિ. અમારી પ્રોફેશનલ પ્રેક્ટિસ પ્રમાણે કોઇ પણ સંજોગોમાં અમે સ્પર્મના ડોનરને તમારું નામ નથી આપતા અને તમને ડોનરનું નામ નથી કહેતા. બધું જ તદ્દન ખાનગી રહે છે.

વિધિ પૂરી થઇ ગઇ પછી બહાર જતાં ડૉ.કોઠારીએ નમિતાને કહ્યું, "ઑવમ ફલિત થયું કે નહિ એ લગભગ એક મહિના પછી ખબર પડશે. બેસ્ટ લક.

-અને સાચે જ 'બેસ્ટ લક' ફળ્યું.

બરાબર પૂરા નવ મહિને ખુશનુમા ફેબ્રુઆરીમાં પોચા પોચા કુમળા સુંદર ફૂલગુલાબી બાળકનો જન્મ થયો-તેય પાછા કુળદીપક પનોતા પુત્રનો. 

સૌથી પહેલાં હેમલે જ એને ગાલે 

ચુંબન કરી અભિનંદન આપ્યા. શ્રીપદરાય તો ખુશીથી ઝૂમી ઊઠ્યા. વિશાખાબેને તો બાબો ઊંઘતો હતો તોય હૉસ્પિટલનું પારણું ઝુલાવ્યું. નમિતાને માતૃત્વની અનોખી અનુભૂતિ થઇ. એણે બે-ત્રણ વાર છાની કતરાતી નજરે હેમલ સામે જોયું. એ સાચે જ ખુશ દેખાતો હતો. 

હેમલે ખરેખર મનોમન નક્કી જ કર્યું હતું કે ખુશ જ રહેવું, ઊલટું વધારે ખુશ રહેવું. એણે પરાણે હા પાડી છે એવું ક્યારેય ના લાગવું જોઇએ. નમિતાને એના તરફથી કશો રંજ ના થવો જોઇએ, એટલે બાબો જેમ જેમ મોટો થતો ગયો એમ એના બે કુમળા હાથ પકડી પોતે જ પા પા પગલી પડાવવા લાગ્યો. 

શ્રીપદરાયે તો એનું નામ પણ પાડી દીધું 'માલવ'. એેને પોતાની હથેળીમાં ને હથેળીમાં રાખતા હતા-જાણે એમની આંખનું ગુલાબ.

-અને યોગાનુયોગ બીજું પણ દૈવી ચમત્કાર જેવું થયું. જે કોઇ સ્નેહીજનો, મિત્રો કે એમના બિઝનેસ સર્કલમાંથી ઘેર આવે એ માલવને જોઇ એવું જ કહેવા લાગ્યા, 'આ તો અદલ એના દિવાકરદાદા પર ગયો છે, જ્યારે કોઇ એવું કહેતું કે એનામાં તો ચોખ્ખેચોખ્ખો શ્રીપદરાયનો અણસાર છે, ત્યારે વળી કોઇ એવું પણ કહેતું કે એના કાન અને કપાળ તો હેમલના જ જોઇ લો.

આ સાંભળી બધાં અંદરોઅંદર મૂંઝાઇ જતાં. સૌથી વધારે અકળામણ-ગૂંચવણ નમિતાને થતી હતી. એમની વાત જાણે સાચી હતી. એ ઘણી વાર માલવને ધારી ધારીને જોયા કરતી હતી. એને તો એવું ચોખ્ખું લાગવા માંડ્યું કે એનામાં હેમલનો, શ્રીપદરાયનો અને દિવાકરદાદાનો એમ ત્રણેયનો અણસાર છે, પણ આવું કેવી રીતે બની શકે! હવે તો એને આ જ વિચાર સતત પજવવા લાગ્યો. 

ડૉ.કોઠારીએ પછી કદાચ હેમલનું જ સ્પર્મ...

- તો તો એને કહે નહિ? આવી પ્રેક્ટિકલ જોક કરે ખરા!

એક દિવસ કોઇને કહ્યા વિના એ સીધી જ એકલી પલ્લવ ફર્ટિલિટી સેન્ટર પર પહોંચી ગઇ અને ડૉ.યશવંત કોઠારીને બધી વાત કરી બેબાકળી થઇ ભારપૂર્વક પૂછ્યું,"મને જે હોય તે કહી દો, તમે હેમલના સ્પર્મથી જ આર્ટિફિશિયલ ઇનસેમિનેશ કર્યું છેને? તમે પણ માલવને જોયો છે, એ જેમ જેમ મોટો થતો જાય છે એમ.

ડૉ.કોઠારી અધવચ્ચે જ ભારપૂર્વક બોલ્યા,"મેં તમને એ જ વખતે કહ્યું હતું કે કોઇ પણ સંજોગોમાં અમે સ્પર્મના ડોનરનું નામ કહેતા નથી, છતાંય અત્યારે તમને એટલું તો કહું છું કે હેમલના સ્પર્મથી માલવ નથી જન્મ્યો, એવું હોય તો હું તમને કહી ના દઉં!

અસહ્ય વેદનાથી ગળગળી રડમસ થઇ કરુણ ફાટેલા સાદે નમિતા આછી ચીસ પાડી ઊઠી,"કોઠારીસાહેબ, પ્લીઝ મને કહી દો, કોણ છે માલવના પપ્પા? નહિ તો...નહિ તો હું પાગલ થઇ જઇશ.

લાચાર અસહાયભાવે ડૉ.કોઠારી ધીમેથી બોલ્યા, "માલવના પપ્પા...માલવના પપ્પા એના ગ્રાન્ડ પપ્પા છે...શ્રીપદરાય...તમારા કુટુંબમાં બીજું કોઇ હતું નહિ, હેમલના ભાઇ કે કઝિન્સ કે...

કોઇ ભીષણ વિસ્ફોટ થયો હોય એમ નમિતા ધ્રૂજી ઊઠી. એને તમ્મર આવી ગયા. એનું આખું શરીર થર થર કંપતું હતું. ડૉક્ટર આગળ શું બોલતા હતા એ સાંભળતી નહોતી.

એ તરડાયેલા અવાજે રૂંધાયેલા શ્ર્વાસે બોલી ઊઠી,"ડૉક્ટર, તમે આ શું કર્યું! પછી એકાએક ઊભી થઇ ગઇ અને ફર્ટિલિટી સેન્ટરની બહાર આવી મહાપરાણે પાસેના કોઇ ટેલિફોન બૂથ પર ગઇ અને ધ્રૂજતા હાથે, ધ્રૂજતા અવાજે હેમલને એની ઑફિસમાં ફોન જોડી બોલી, "હેમલ, હું ફર્ટિલિટી સેન્ટરમાં ગઇ હતી અને હવે માલવને લઇ મારા પિયર જઉં છું. આપણે ઘેર હવે હું રહી શકું એમ નથી. તને પછી કહીશ. મને ઘણું મોટું લાંછન લાગી ગયું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment