Sunday, 28 August 2016

[amdavadis4ever] ડર કે આગે જીત હૈ? હોઈ શકે, પણ ડર શેનો? - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડર કે આગે જીત હૈ? હોઈ શકે, પણ ડર શેનો?
વરણાગી રાજા - દિવ્યાશા દોશી

આને તે કંઇ શાક કહેવાય... કહેતાં જ થાળી ઊછળીને પડે. મારું મનગમતું શર્ટ નથી મળતું... કહેતાં આખોય કબાટ ફેંદાઈ જાય... પોતાની જ ભૂલ હોય છતાં રિક્ષાવાળાને ગાડી પર પડેલા ઘસરકાને કારણે માબહેનની ગાળો અપાઈ જાય. ઉશ્કેરાવું, ગુસ્સો કરવો એ જાણે પુરુષોનો જન્મસિદ્ધ અધિકાર માની લેવામાં આવે છે. ભારતના કોઇ પણ ખૂણે જાઓ અને બે સ્ત્રીઓ વાત કરતી હોય તો તેના વિષયમાં પતિના ગુસ્સાનું વર્ણન ન હોય તેવું ભાગ્યે જ બને. ગુસ્સો તો સ્ત્રીનેય આવે, પરંતુ પુરુષોને ગુસ્સો આવે ત્યારે સ્ત્રીના ગુસ્સાનું ભયમાં રૂપાંતર થઈ જાય. જેમ સ્ત્રીઓ હોર્મોનલ ચેન્જને કારણે ચીડિયણ થઈ જાય તેમ એડ્રિનલ ગ્રંથિ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને કારણે પુરુષો અગ્રેસિવલી બિહેવ કરતા હોય છે. એટલે કે ઉશ્કેરાઈ જતા હોય છે વાત વાતમાં. પછી ભલેને વાતમાં કંઈ હોય કે નહિ. પુરુષની આ ગ્રંથિઓ જ તેને પુરુષપણું આપતી હોય છે, પરંતુ પુરુષનો ઉશ્કેરાટિયો સ્વભાવ જ્યારે તાર સ્વરે પહોંચે એટલે કે ગુસ્સો આવે ત્યારે સૌથી વધુ પીડા તે પોતાની સૌથી નજીકની વ્યક્તિઓને આપતો હોય છે.

પત્ની અને બાળકો પુરુષના આવા ઉશ્કેરાટનો એટલે કે ગુસ્સાનો ભોગ સહજતાથી બનતા હોય છે. જોકે ગુસ્સો ઊતર્યા બાદ એ જ પુરુષ ગુનાહિત લાગણી પણ અનુભવતો હોય છે. તેને દુખ પણ થાય છે કે કેમ તેણે પોતાના પર ક્ધટ્રોલ ન કર્યો. મોટા ભાગે તે પોતાના પ્રિયપાત્રની માફી માગી લે છે, બીજી વાર એવું નહીં થાય તેની બાંયધરી પણ આપે. તે છતાંય મોટા ભાગના પુરુષો વારંવાર ગુસ્સે થતા હોય છે. શું કામ? આ સવાલ એ પુરુષને પૂછો તો એને પણ ખબર નથી હોતી. ગુસ્સો આવવો તે પૌરુષીય લક્ષણ હોવાનું માનવામાં આવે છે. મોટા ભાગની પત્નીઓને તમે એમ કહેતાં સાંભળી શકશો કે, 'અમારા એ તો ભૈસાબ બહુ ગુસ્સાવાળા.' આ વાતને ક્યારેક તો ગર્વભેર રજૂ કરવામાં આવતી હોય છે. એક સર્વે પ્રમાણે ૩૧ ટકા સ્ત્રીઓ ગુસ્સો કરતા પતિની સાથે રહેતી જ હોય છે, કારણ કે એ પુરુષ જ્યારે ગુસ્સામાં નથી હોતો ત્યારે ઘણો સારો હોય છે. તેના ગુસ્સા સિવાય તે સ્ત્રીને પતિ માટે કોઇ ફરિયાદ નથી હોતી.

યાદ રહે અહીં ગુસ્સાની વાત થાય છે નહીં કે ક્રૂરતાની. ક્રૂરતામાં સામી વ્યક્તિને શારીરિક ઇજાઓ પહોંચાડાતી હોય છે. જેને કદીય માન્ય કરવામાં આવે જ નહીં. જ્યારે ગુસ્સામાંય માનસિક પીડાતો અપાય જ છે. એન્ગ્રી યંગ મેનને ખરાબ ઇમેજ નથી માનવામાં આવતી. એન્ગ્રી યંગ મેન કહેતાં જ આપણને અમિતાભ બચ્ચનનું નામ યાદ આવે . તેને સિત્તેરના દાયકામાં 'ઝંજીર' અને 'દીવાર' ફિલ્મ બાદ બાળપણમાં પોતાની સાથે થયેલા દુર્વ્યવહારને યાદ રાખીને લડત આપતો યુવાન બતાવ્યો છે. ડો. લીન નામકા સાઇકોલોજિસ્ટ, થેરેપિસ્ટે લખે છે કે સંશોધન દ્વારા સાબિત થયું છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ ગુસ્સાવાળા હોય છે. સ્ત્રીઓના મગજમાં એવી રચના છે કે તે લાગણીઓ સાથે સંવાદિતા જાળવી શકે છે એટલે ગુસ્સાને તેઓ સહજતાથી અપનાવી શકે છે. જ્યારે પુરુષોના ઊંચા ટેસ્ટોસ્ટેરોન લેવલને કારણે આક્રમક વલણને ગુસ્સા દ્વારા અભિવ્યક્ત કરે છે. જેને પૌરુષીય ગુણ તરીકે સ્વીકારી લેવામાં આવે છે. બાળક હોય ત્યારથી જ તે હિંસાત્મક કોમ્પ્યુટર ગેમ રમે છે અને મોટો થયા બાદ હિંસાત્મક ફિલ્મો પણ પુરુષ દર્શકો માટે જ બને છે.

એવું માની લેવામાં આવે છે કે સામી વ્યક્તિએ કંઇક ખોટું કર્યું હતું એટલે જ ગુસ્સો આવ્યો. ગુસ્સે થતો પુરુષ પત્ની કે બાળકોની ભૂલ પર ગસ્સે થતો હોવાની દલીલ કરશે. પણ હકીકતમાં તો ગુસ્સો આવવાનાં કારણો જુદાં હોય છે. ખરો પુરુષ સામી વ્યક્તિની ભૂલ પર ગુસ્સે નહીં થાય પણ શાંત રહીને સ્પષ્ટપણે પોતાની વાત રજૂ કરી શકતો હોય છે.

મોટા ભાગે પુરુષો પોતાની લાગણીઓ દર્શાવતા નથી. રડવું, હતાશા, નિરાશા, પીડા વગેરે લાગણીઓ પુરુષને નબળો બનાવે છે તેવી માન્યતા છે. પણ આ બધી ભીતર ધરબાયેલી લાગણીઓ જરાક ટ્રિગર થતાં ગુસ્સાના સ્વરૂપે બહાર આવે છે. હકીકતે જે પુરુષ સતત કોઇ ભયમાં જીવતો હોય છે તેને ગુસ્સો જલદી આવતો હોય છે. 'મેન ડોન્ટ લિસન' નામના પુસ્તકમાં લેખક વેયન મિસનર સરસ રીતે આ બાબતની છણાવટ કરે છે, જેમ કે-

૧. ફેઇલ્યોરિટીનો ભય

૨. પ્રેમને લાયક ન હોવાનો ભય

૩. ક્ધટ્રોલમાં ન રહી શકવાનો ભય

૪. રિજેક્શનનો ભય

૫. અજ્ઞાનનો ભય

૬. પોતે ખરેખર કેવો છે તે જો જાણી લેશે તો છોડી દેવામાં આવશે તેનો ભય

૭. એકલા પડી જવાનો ભય

મોટા ભાગે કોઇ પણ જાતની ફેઇલ્યોરિટી, હારી જવાની લાગણી પુરુષ ગુસ્સાથી વ્યક્ત કરતો હોય છે. લિયો મેડોવ એમ.ડી.નું પુસ્તક છે 'એન્ગર'. તેમાં તેમણે લખ્યું છે કે 'ગુસ્સે થવાનાં મુખ્ય બે કારણો હોય છે, એક તો પુરુષોએ પોતાનો એટલો બધો ગુસ્સો દબાવીને રાખ્યો હોય છે કે જરાક અડતાં જ તે ફુગ્ગાની જેમ ફૂટી પડે છે. મોટે ભાગે આવી વ્યક્તિ જરૂરી હોય એના કરતાં વધુ ગુસ્સો દર્શાવી ઓવર રિએક્ટ કરતી હોય છે. આવા પુરુષોના જીવનમાં બાળપણથી જ અનેક જાતના અસંતોષનો ધૂંધવાટ સંઘરાયેલો હોય છે. બીજું કારણ, આવા પુરુષોએ અનુભવ્યું હોય છે કે ગુસ્સો કરવાથી તેમનું કામ થતું હોય છે એટલે ગુસ્સાનો તેઓ કામ કઢાવવાના હથિયાર તરીકે ઉપયોગ કરતા હોય છે. ગુસ્સો પણ ત્રાગાનો એક પ્રકાર છે. બાળક હોય ત્યારે ગુસ્સો વ્યક્ત કરતાં જોઇતી વસ્તુ મળી જાય તો એ બાબત અજાગૃત મનમાં સંઘરાઇ જતી હોય છે. ગુસ્સો કરવાથી કોઇ પણ નાની હા થઈ જાય તો બીજી વાર એ જ પેટર્નમાં વર્તન કરવાની આદત પડી જતી હોય છે.

એવા વર્તનનો ભય પામ્યા વિના સામી વ્યક્તિઓ જો પ્રતિસાદ ન આપે તો શક્ય છે કે ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે, કારણ કે ગુસ્સાવાળી વ્યક્તિની આસપાસ લોકો સતત ભયમાં રહેતા હોય છે. તેમને એ પુરુષ ક્યારે કેમ વર્તશે તેનો સતત ભય રહેતો હોય છે. ગુસ્સાને પુરુષાતનની ખોટી માન્યતામાં ન ઢાળી દેતાં તેના મૂળમાં જઈને સમજવાની જરૂર હોય છે, કારણ કે ગુસ્સામાં વ્યક્તિ કેવું વર્તન કરશે તેનું ભાન રહેતું નથી. ગુસ્સામાં જ વ્યક્તિ માણસાઈની સીમા ઓળંગી જઇને ક્યારેક ક્રૂરતા આચરી દેતો હોય છે. ગુસ્સો ઊતરી જતાં ફક્ત પસ્તાવાનું જ રહે છે. એના કરતાં લાગણીઓને વ્યક્ત કરતા રહીને પુરુષ તરીકે જવાબદાર વર્તન કરવામાં આવે તો ગુસ્સાનો ભોગ ન બનવું પડે.

બીજા પર ગુસ્સો કરતો પુરુષ સૌપ્રથમ પોતાની જાત સામે હારી જતો હોય છે. ગુસ્સો માત્ર નપુંસક હોય છે. એટલે જો વાત વાતમાં ઉશ્કેરાઈ જતા હો કે ગુસ્સે થઈ જતા હો તો તમારી અંદર ઝાંકીને જોજો કારણો બહાર નહીં પણ અંદર જ ક્યાંક હશે. કયો ભય તમને તમારા માટે ક્ધટ્રોલ નથી થવા દેતો તે શોધી કાઢશો તો અનેક જાતના ડર અને ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે. બાકી દરેક વિપરીત પરિસ્થિતિમાંથી શાંત ચિત્તે વર્તન કરી યોગ્ય માર્ગ કાઢી જ શકાતો હોય છે. તેને ઉશ્ેકરાટભર્યા વર્તનથી બગાડવાનો અને જાતને તથા બીજાને હર્ટ કરવાથી શું અર્થ સરે? ડર કે આગે જીત હૈ પણ પહેલાં ડર છે તે સ્વીકારવું અને તે શેનો ભય છે તે શોધવું જરૂરી છે.

 

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment