Sunday, 28 August 2016

[amdavadis4ever] બાવળ વાવીને આંબાની આશા રખાય? - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાવળ વાવીને આંબાની આશા રખાય?

બ્લુ બુક - કાજલ ઓઝા - વૈદ્ય

જ્યારે જુઓ ત્યારે તારા પપ્પા મને ઉતારી પાડવાનું જ કામ કરે છે. એટલી જ મૂરખ હતી તો મને પરણ્યા શું કામ ? કહીને દર્શનાબેન રડવા માંડ્યા, "બી.એસસી. ફર્સ્ટક્લાસ, સંગીતમાં વિશારદ અને વક્તૃત્વમાં, સ્પોર્ટ્સમાં કેટલા ઈનામો જીત્યા છે મેં, તારા પપ્પા ગ્રેજ્યુએટ નથી, કોલેજમાં ભણતી હતી ત્યારે વાણિયા, બ્રાહ્મણના કેટલા છોકરાંઓ આંટા મારતા... દર્શનાબેનની આંખોમાં આજે પણ એમના વિતેલા સૌંદર્યની ચમક જોઈ શકાય!

"મમ્મી ! હવે લગ્નને પાંત્રીસ વર્ષ થયા...હવે આ બધું યાદ કરીને શું ફાયદો ? પપ્પાએ તને સારી જ રીતે રાખી છે ને ? ત્રીસ વર્ષનો દીકરો દર્શનાબેન સાથે દલીલ કરે છે, "ઘરમાં ત્રણ ગાડીઓ છે, તારી પાસે દાગીના છે, અમે બે ભાઈઓ તારો પડ્યો બોલ ઝીલ્યે છીએ અને તારી વહુ પણ...

"એની કોણ ના પાડે છે, પણ જે માણસે માન આપવું જોઈએ એ બધાની વચ્ચે બે પૈસાની કરી નાખે છે. વખાણ કરવાની વાત તો દૂર રહી, બસ એક ભૂલ થવી જોઈએ. ખખડાવી નાખતા એક મિનિટ નથી લાગતી તારા પપ્પાને દર્શનાબેન ફરી રડવા લાગ્યા, "હવે આ ઉંમરે ક્યાં જાઉં ?

"તને કોઈ ક્યાં જવાનું કહે જ છે, તારું ઘર છે. આનંદથી રહે... દીકરાએ માને સધિયારો આપવાનો પ્રયત્ન કર્યો.

"આનંદથી ? શેનો આનંદ ? દર્શનાબેને પીડાથી પૂછ્યું, "તારા બાપા મને ઘડી ઘડી ઉતારી પાડે છે એનો આનંદ

"બસ, મમ્મી... દીકરો ઊભો થઈ ગયો, "તમને બૈરાંઓને ટેવ પડી ગઈ છે ગમે તેટલું મળે તોયે કોઈને કોઈ બહાનું શોધીને દુ:ખી થવું... દીકરાએ કંટાળીને કહ્યું, "તને દુ:ખી થવાનો શોખ છે, થા દુ:ખી.

*

આ કોઈ એક દર્શનાબેન, દિપ્તીબેન કે દયાબેનનો કિસ્સો નથી. ઘર ઘરની કથા છે. શરૂઆતના વર્ષોમાં જે વાત બહુ સિરિયસલી ન લેવાતી હોય એ જ વાત વીતેલા અથવા વીતી રહેલા વર્ષો સાથે વધુને વધુ ગંભીર થતી જાય છે. સામાન્ય રીતે સ્ત્રીઓ લગ્ન કરીને આવે ત્યારે પિયરથી મળેલી સૂચનાઓ અને પતિના રોમેંસની વચ્ચે નાની નાની વસ્તુઓ બહુ મહત્ત્વની લાગતી નથી. પતિ ક્યારેક મિત્રોની વચ્ચે મજાક ઉડાવે કે એના સગાંવહાલાની હાજરીમાં બે-ચાર ખરી ખોટી સંભળાવી દે ત્યારે 'એડજસ્ટ' કરવાના ઝનૂનમાં લગ્નજીવનના શરૂઆતના વર્ષોમાં નવી પરણીને આવેલી છોકરી મોટાભાગની બાબતો નજરઅંદાજ કરતી હોય છે. પતિ પણ એવું સમજી નથી શક્તા કે જે નથી બોલતી એ સમજતી નથી એવું નથી. સાસુ અને ખાસ કરીને પરિવારના સભ્યો જ્યારે વારંવાર નવી પરણીને આવેલી પુત્રવધૂનું અપમાન કરે કે એની નાની નાની અણઆવડત પર એને ટોકયા કરે, એની મજાક ઉડાવ્યા કરે કે એને આખો વખત શીખામણ આપ્યા કરે ત્યારે એ બધા જ ભૂલી જાય છે કે એમનામાં પણ અનેક દોષો છે, એમની પણ ઘણી અણઆવડતો, અણસમજ છે જે નવી પરણીને આવેલી પુત્રવધૂને દેખાય છે, સમજાય છે, પરંતુ મર્યાદાને કારણે અથવા નવા પરિવારમાં દાખલ થઈને પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહેલી આ છોકરી કશું બોલતી નથી !

સમય સાથે સંબંધ પરિપક્વ થાય છે. શરૂઆતમાં જે સ્થાન પત્નીનું હોય છે એ ધીમે ધીમે પતિનું સ્થાન બને છે. શરૂઆતમાં જે પત્ની પોતાના પતિ પર આધારિત હોય એ ધીમે ધીમે ઘરની બાગડોર, લગામ પોતાના હાથમાં લઈ લે છે. એ ઘરના સભ્યોને ઓળખતી જાય છે, એમની ટેવો, કુટેવો જાણવા લાગે છે અને એવું પણ સમજવા લાગે છે કે હવે આ ઘર પોતાના વિના ચાલી શકે તેમ નથી. છેલ્લાં થોડા વર્ષોમાં જે વાત એ નથી બોલી એ વિશે હવે એની કડવાશ બહાર આવવા લાગે છે. આપણે બધા જાણીએ છીએ કે લગભગ દરેક પરિવારમાં પિસ્તાલીસ કે પચાસની ઉપર ગયેલી ગૃહિણીઓ કડવી, કંટાળેલી અને કકળાટિયણ થતી જાય છે. ઘણાં પતિદેવોને સમજાતું નથી કે આવું શા માટે થાય છે. યુવાન થઈ રહેલો દીકરો પણ એવું અનુભવે છે કે એની ખુશમિજાજ અને સહનશીલ મમ્મી હવે સતત ફરિયાદ કરતી થઈ ગઈ છે. આપણે બધા આના કારણમાં પડ્યા વગર ફક્ત નજર સામે દેખાતી બાબતને મુદ્દો બનાવીએ છીએ. લગ્ન કરીને સાસરે ગયેલી કે લગ્ન કરવાની ઉંમરમાં પ્રવેશેલી દીકરી પણ મમ્મીને સમજવાને બદલે હવે સ્થિર થઈ ગયેલા, સારું કમાતા, સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા પપ્પાનો પક્ષ લેતી થઈ જાય છે...બીજી તરફ પત્ની ફરિયાદ કરે છે માટે પ્રૌઢ ઉંમરે પહોંચેલો પતિ આમ-તેમ,નાના મોટા, અફેરના છમકલાં કરવા લાગે છે. આખી જિંદગી સેવા કર્યા પછી, સહન કર્યા પછી જ્યારે ખરેખર 'થેન્ક યૂ' સાંભળવાનો સમય થયો છે ત્યારે સંતાનો પપ્પાનો પક્ષ લે ને પપ્પા 'કોઈ બીજી' અથવા 'બિઝી' અને અટવાયેલા હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે પત્ની અથવા ગૃહિણી અથવા મા અનેક ફરિયાદોથી પોતાની કડવાશ રજૂ કરે.

આપણે બધા સિમ્પ્ટમથી વાતને જોવા ટેવાયેલા છીએ. તાવ આવે છે એ તો માત્ર લક્ષણ છે, ખરેખર બગાડ ક્યાં છે એ શરીરની અંદર ક્યાંક શોધવાનું હોય છે, પરંતુ આપણે પેરાસિટામોલ લઈને તાવ ઉતારી દેતા શીખી ગયા છીએ એટલે ભીતરના બગાડ વિશે ધ્યાન આપવાનો આપણી પાસે સમય પણ નથી અને આપણને આદત પણ નથી રહી. લાગણીના સંબંધોમાં પણ આવું જ છે. આધેડવયે પહોંચેલી ગૃહિણીની કડવાશ તો માત્ર લક્ષણ છે, એના કકળાટનુું કારણ એની ભીતર ભેગો થતો રહેલો બગાડ છે. રસપ્રદ બાબત એ છે કે આ બગાડને જમા કરવામાં ઘરના દરેક સભ્યએ પોતપોતાનો ફાળો નોંધાવ્યો છે ! પરણીને આવેલી પુત્રવધૂ પોતાના હૃદયમાં સપના લઈને આવી હોય છે. એની ઝંખનાઓ, અપેક્ષાઓ કે સ્વપ્નોને સમજવા કે ઓળખવાને બદલે એ 'માથે ચડી જશે' એવા ભય હેઠળ દીકરાને મુઠ્ઠીમાં બાંધી રાખતી મા કે પત્નીને દાબમાં રાખતો પતિ એક સ્ત્રીના મુખ્ય ગુણોને ઘસી ઘસીને રફ બનાવી દે છે. ૠજુતા, મમતા, સ્નેહ, સમર્પણ કે સહનશીલતા જેવા ગુણો સ્ત્રીના અસ્તિત્વનો ભાગ છે, પરંતુ જ્યારે એના અસ્તિત્વ પર આઘાત કરવામાં આવે છે ત્યારે એક સ્ત્રી પાસે જવાબ નહીં આપવાના, પ્રતિભાવ નહીં આપવાના કે વળતો ઘા નહીં કરવાના અંગત કારણો હોય છે. જે સ્ત્રી જવાબ નથી આપતી કે વળતો ઘા નથી કરતી એ નબળી નથી, એને નથી આવડતું એવું નથી, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં એ પતિના બદલાવાની, સાસુના સુધરવાની કે પરિસ્થિતિમાં ફેરફાર થવાની પ્રતિક્ષા કરતી હોય છે. માતા-પિતાની પ્રતિષ્ઠા એની મજબૂરી હોય છે...આ બધા સમય દરમિયાન એ ચૂપ તો રહે છે, પરંતુ એની ભીતર એની મજબૂરીમાંથી જન્મેલો વિદ્રોહ વધુને વધુ તીવ્ર થતો જાય છે.

જ્યારે સાસુ વૃદ્ધ થાય અને પતિ સંપૂર્ણપણે પોતાના પર આધારિત થાય ત્યારે આવી સ્ત્રીઓ અજાણતા જ પોતાની ભીતર પડેલી કડવાશ કોઈને કોઈ રીતે ઠાલવવા લાગે છે...પંચોતેર, એંસી વર્ષની સાસુને એકલા રહેવાની ફરજ પાડતી વહુ ક્રૂર નથી, કંટાળેલી છે કદાચ ! લગ્નના પચ્ચીસ, ત્રીસ વર્ષે પતિને ઈગ્નોર કરતી, જુદા બેડરૂમમાં સુવાનું પસંદ કરતી કે પોતાની અંગત જિંદગી કે પોતાના અંગત પ્રોગ્રામ્સ બનાવતી પત્ની બળવાખોર નથી, ભીતરથી બળેલી છે!

લગ્નના શરૂઆતના વર્ષોમાં દરેક પરિવાર જો એવું સમજે કે પરણીને આવતી છોકરીને પણ સ્વમાન છે, ઈચ્છાઓ છે, ઝંખનાઓ છે અને એ છોકરી આ પરિવારની દાસી બનીને નહીં પણ ગૃહલક્ષ્મી બનીને આવી છે તો કદાચ પચ્ચીસ, ત્રીસ વર્ષ સુધી એક સ્ત્રીની ભીતર ધરબાયેલો અગ્નિ અચાનક ભભૂકે અને પરિવારના સુખ, શાંતિને ભસ્મ કરી નાંખે એને બદલે પોતાને મળેલું સુખ અને સન્માન એક સાસુ પોતાની પુત્રવધૂને, એક આધેડ બનેલી પોતાની વૃદ્ધ સાસુને, એક પત્ની પોતાના પતિને અને એક સ્ત્રી આખાય સમાજને વહેંચી શકે.

 


__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment