Tuesday, 10 May 2016

[amdavadis4ever] ગોવર્ધનરામની કલ્પનાનું કલ્યાણગ્રામ - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગોવર્ધનરામની કલ્પનાનું કલ્યાણગ્રામ એટલે એક વિદ્વાન લેખકનો યુટોપિયા
 
 
સૌરભ શાહ
 
ગોવર્ધનરામ ત્રિપાઠીએ નિખાલસતાથી કબૂલ કર્યું છે કે પોતે શબ્દાળુ છે, વર્બોસ છે અને અતિભાષી- લૉન્ગ વાઈન્ડેડ છે એવું કવિ સુન્દરમે નોંધ્યું છે. 'સરસ્વતીચંદ્ર' પંડિતયુગના મહાકાવ્યસમી નવલકથા ગણાઈ છે. આજથી સવાસો વર્ષ પહેલાં લખાયેલી નવલકથાને એ જમાનામાં લખાતા સાહિત્યના સંદર્ભમાં મૂલવવાની હોય. નવલકથાનો પ્રકાર હજુ નવોસવો હતો એ વર્ષોમાં ગોવર્ધનરામે જીવન વિશેના પોતાના વિચારો વ્યક્ત કરવા નિબંધો લખવાને બદલે નવલકથા લખવાનું નક્કી કર્યું. નિબંધનું સ્વરૂપ ભારેખમ, આમ જનતા સુધી ન પહોંચે એવું- એમ. ગોવર્ધનરામે માન્યું હશે. આની સામે નવલકથા દ્વારા વિશાળ વાર્તારસિક વાચકવર્ગ સુધી પહોંચી શકાય એવું એમણે ધાર્યું હતું. ગોવર્ધનરામની ધારણા સાચી હતી. નિબંધો દ્વારા એમના મનના વિચારો જેટલા વાચકો સુધી પહોંચી શક્યા હોત એના કરતાં અનેકગણા વાચકો એમને નવલકથા સ્વરૂપમાં મળ્યા. એટલું જ નહીં, નિબંધોનું આયુષ્ય કાળની દૃષ્ટિએ પણ સીમિત રહેત. આનંદશંકર બાપુભાઈ ધ્રુવથી માંડીને વાડીલાલ ડગલી સુધીના ઉત્કષ્ટ ચિંતનકારોના મનનીય નિબંધ આજે માત્ર અભ્યાસીઓ પૂરતા સીમિત છે અને એવું જ કાકાસાહેબ કાલેલકરથી લઈને સુરેશ જોષીના લલિત નિબંધોનું.
આની સામે 'સરસ્વતીચંદ્ર' જ નહીં, મુનશીની નવલકથાઓ, ર. વ. દેસાઈની નવલકથાઓ, મેઘાણી- પન્નાલાલની નવલકથાઓથી લઈને રઘુવીર ચૌધરી તથા વીનેશ અંતાણીની નવલકથાઓ જેમાં જીવન માટેનું ભારોભાર ચિંતન છે, તે તમામ નવલકથાઓને આજે પણ વાચકો હોંશભેર વાંચે છે.
'સરસ્વતીચંદ્ર' આજે જ નહીં, તે જમાનામાં પણ કેટલાકને કે ઘણાને બોરિંગ લાગતી? એનું કારણ છે. ગોવર્ધનરામે નક્કી કર્યું હતું કે એમણે 'મનહર' બનીને વાચકોનું મનોરંજન કરવું નથી પણ એમનો ઉદ્દેશ 'ચિન્તનસભર' નવલકથા લખવાનો હતો. એમના જ શબ્દોમાં: '(સાહિત્ય પ્રણાલિકાના) કૃત્રિમ નિયમો સાચવવા એ ગ્રંથનો પ્રધાન ઉદ્દેશ નથી, ઈશ્ર્વરલીલાનું સદર્થે ચિત્ર આપવું એ જ લક્ષ્ય છે.'
'સરસ્વતીચન્દ્ર'નો પહેલો ભાગ મોટાભાગના વાચકોને સૌથી વધુ વાચનક્ષમ લાગે છે અને ચોથો ભાગ સૌથી ઓછો વાચનક્ષમ લાગે છે એનું કારણ પણ આ જ છે. ચોથા ભાગની આકરી ટીકા કરતાં ગાંધીજીએ કહ્યું કે ચોથા ભાગમાં લેખકને લાગ્યું કે હવે જે કંઈ કહેવું છે તે આ ભાગમાં ઠાલવી દેવું- એ ઘણી સાચી ટીકા છે.
પ્રથમ ભાગમાં રિયલ વાર્તા છે. આવનારા ગહન વિચારોનું બૅકગ્રાઉન્ડ બંધાય છે. ભાવનગરના દીવાનના સેક્રેટરી તરીકે જે થોડો સમય લેખકે નોકરી કરી એ અનુભવ એમને પહેલા ભાગમાં રાજખટપટનું ચિત્ર ઊભું કરવામાં કામ લાગ્યો, એમણે જે અનુભવ્યું તે નહીં પણ એમના અનુભવોમાંથી જે કલ્પનારૂપે અવતર્યું તે એમણે લખ્યું છે. રાજખટપટનાં વર્ણનોને કારણે નવલકથાને વાસ્તવિકતાનો ઓપ મળે છે. પ્રથમ ભાગમાં ચિંતન ગૌણ છે, કથારસનું મહત્ત્વ વધારે છે.
બીજો ભાગ સંયુક્ત કુટુંબ વિરુદ્ધ વિભક્તકુટુંબની ડિબેટ માટે કામ લાગે એવી સામગ્રીથી ભર્યોભર્યો છે.
ગુણસુંદરીને વિચાર આવે છે: 'હે ઈશ્ર્વર, આ મહાસાગરમાં તરવાનો કોઈ માર્ગ સુઝાડ. હું પહોર એમ જાણતી હતી કે ઘરમાં જેમ માણસનો ભરાવો તેમ બધાંને એકઠાં રહેવાનો લહાવો. પણ આ તો લ્હાનો નથી, લાળો છે. સૌનાં જુદાં જુદાં મન, સૌના જુદા જુદા રંગ, જુદી જુદી મોટી ઝાડ જેવી કુટેવો, અને એ કુટેવો ન વેઠાય તો આપણે સૌને મન ભૂંડા- પછી આપણા મનમાં ગમે તેવી પ્રીતિ હો. સૌનાં મન સાચવવા છતાં આપણું કોઈ નહીં... મને બધી જાતના અનુભવ થઈ ગયા અને હજી કોણ જાણે શું શું બાકી હશે?'
ગોવર્ધનરામને પોતાને પણ સંયુક્ત કુટુંબની પ્રથાનો કડવો અનુભવ થઈ ચૂકયો હતો. સંયુક્ત કુટુંબની ખરાબ અસરોમાંથી છૂટવાનો ઉપાય તેઓ માનચતુરના શબ્દો અને વર્તન દ્વારા વાચકને પહોંચાડે છે.
ત્રીજા ભાગમાં ગોવર્ધનરામ વાસ્તવિકતાની ભૂમિ છોડીને એક યુટોપિયા સર્જે છે. કલ્યાણ રાજ્યવ્યવસ્થા અને આદર્શ ધર્મવ્યવસ્થાની પોતાની કલ્પના વાચકો
સુધી પહોંચાડે છે. ચોથો ભાગ કેટલાક સારસ્વતોની દૃષ્ટિએ 'સરસ્વતીચન્દ્ર'નો ઉત્તમ ભાગ છે. આ પૂર્ણાહુતિ ખંડમાં સરસ્વતીચન્દ્ર કુમુદને એક કલ્યાણગ્રામની યોજના સમજાવે છે. જરા વિગતે જોઈએ ગો.મા.ત્રિ.ની આ કલ્યાણગ્રામની કલ્પનાને:
'કુમુદ સુન્દરી! પ્રથમ વિચાર મેં એવો કર્યો કે આપણા અંગ્રેજી વિદ્વાનો, સંસ્કૃતશાસ્ત્રીઓ અને નિરક્ષર કલાવાનોને માટે એક ન્હાનું સરખું, સુરગ્રામ જેવું ગામ- કલ્યાણગ્રામ ઊભું કરવું... (પર્વતના) કોઈ રમણીય સ્થાનમાં, (કે) સમુદ્રાદિને તીરે બહુ આરોગ્યપોષક અને ઉત્સાહક સ્થાનમાં આવું ગ્રામ રચવું. તેમાં આ ત્રણે વર્ગને આધિ- વ્યાધિ- ઉપાધિથી મુક્ત રાખી તેમની સ્ત્રીઓ અને બાળક સહિત આયુષ્ય ગાળવાની અનુકૂળતા કરી આપવી. સુન્દરગિરિ ઉપર જે ત્રણ મઠની રચના છે એવાં જ ત્રણ રમણીય ભવન એવી જ વ્યવસ્થાથી આ સ્થાનમાં રચવાં... (ઉત્તમોત્તમ) વિદ્વાનો, (સમર્થ) શાસ્ત્રીઓ, વૈદ્યો અને કારીગરો એ સર્વમાંથી પ્રતિવર્ષ અમુક સંખ્યાને આ ભવનમાં વાસ આપવો. 'વિહારભવન'માં દંપતીઓ વસે, 'કુમારભવન'માં સ્ત્રી વિનાના પુરુષો અને 'સ્ત્રી ભવન'માં વિધવાઓ અને કાળે (કરીને) જે તે આ દેશમાં વ્યવસ્થિત થાય તો- કુમારિકાઓ અને પરિવ્રાજિકાઓ વસે...'
ગોવર્ધનરામ આગળ લખે છે:
'વિદ્વાનો ને શાસ્ત્રીઓએ પોતાનાં સર્વ આયુષ્ય આ ભવનમાં ગાળવાં. તે કાળમાં આપણાં વેદ, વેદાન્ત, શાસ્ત્રો, સાહિત્ય, પુરાણો, ધર્મો, આચારો... ને વ્યવસ્થાઓ કે રૂઢિઓ પ્રવર્તે છે તેનું શોધન કરવું... સર્વ પ્રજાના અનુભવોનું તારતમ્ય કાઢવું. પાશ્ર્ચાત્ય વિદ્વાનોનાં શોધ અને વિચારોનો પણ આમાં ઉપયોગ કરવો. પક્ષવાદનો ત્યાગ કરી આ વિદ્વાનોએ સત્યશોધન કરવું... પરદેશની મહાપ્રજાઓના પ્રવાહો પણ સમજવા... નવાં શાસ્ત્રો, નવી શોધ, નવા પદાર્થ... એ સર્વ ચમત્કારોનાં બીજ અને પ્રક્રિયાઓ આપણા ભવનના વિદ્વાનોને પ્રાપ્ય કરવાં ને આ પ્રાચીન દેશના કલ્યાણયોગને માટે 'પ્રયોજવાં.'
ગો. મા.ત્રિ.ની કલ્પના મુજબ પુસ્તકાલયો અને વિજ્ઞાનની પ્રયોગશાળાઓની સંપૂર્ણ સામગ્રીઓથી હર્યાભર્યા એ કલ્યાણગ્રામમાં કારીગરોની પ્રાચીન કલાઓના જિર્ણોદ્ધાર માટે, નવીન કલાઓની પ્રાપ્તિ માટે સર્વ વ્યવસ્થા થાય અને વ્યાપાર- ઉદ્યોગના વ્યવહારમાં પણ નિપુણ થવાની વ્યવસ્થા થાય (અર્થાત્ આઈ. આઈ.એમ. અને આઈ. આઈ. ટી. ટાઈપની સંસ્થાઓ).
આટલું લખ્યા પછી બહુ ઈન્ટરેસ્ટિંગ કલ્પના ગોવર્ધનરામે કરી છે:
'એ વિદ્વાનોને આપણે આ ભવનમાં સુન્દરગિરિના ત્રણ મઠોની વ્યવસ્થાથી રાખી તેમને દ્રવ્ય કમાવાની ને કુટુંબ પોષણની, કુુટુંબકલેશની ચિંતામાંથી મુક્ત રાખવા... બહારની સૃષ્ટિથી આ વિદ્વાનો સકુટુંબ દૂર રહે.... માત્ર વર્ષમાં અમુક માસ પોતાના અવલોકન માટે અને લોકના બોધ, દૃષ્ટાન્ત અને કલ્યાણ માટે આખા ભારતવર્ષના પ્રસિદ્ધ પ્રદેશોમાં તેઓ પરિવ્રજયા કરી આવે.'
ભગવાને ગોવર્ધનરામની આ સમગ્ર કલ્પના સાંભળીને 'તથાસ્તુ' કહ્યું હશે એટલે જ ઈન્ટરનેટ અને ગૂગલ આવ્યાં. જોકે, છેલ્લા પૅરાવાળી લેખકની કલ્પના વધુ પડતી ડિમાન્ડિંગ છે એટલે એને ફુલફિલ કરતાં જરા વાર લાગવાની!
કાગળ પરના દીવા
મરણ પછી બીજો જન્મ થશે કે નહીં તેની મને ફિકર નથી. હું મારી જાતને ઘસી નાખું, મુક્ત કરુું એટલે બસ... મેં જે સંકલ્પ કર્યો છે તેને પૂર્ણપણે સિદ્ધ કરીશ...
- ગોવર્ધનરામ ત્રિપાઠી
('સ્ક્રેપબુક'માં ૨૦-૧૦-૧૮૯૨ના રોજ).
સન્ડે હ્યુમર
મહારાષ્ટ્રવાળાઓ પાસે દારૂમાં નાખવા પાણી નથી.
અને બિહારવાળાઓ પાસે પાણીમાં નાખવા દારૂ નથી.
જ્યારે ગુજરાતવાળાઓ પાસે આ બંને છે.
પણ પરમિટ નથી.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment