Tuesday, 10 May 2016

[amdavadis4ever] મિજાજ મસ્તી - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હું ક્યાં હોટેલમાં જમવા આવ્યો છું? હું તો કપડાં વિના ફરવા આવ્યો છું!
 
 
મિજાજ મસ્તી - સંજય છેલ
 
ટાઇટલ્સ:
નાગાના ગામમાં કોઇ ધોબીની દુકાન નાખે તો 'સ્ટાર્ટ-અપ ઇંડિયા' સ્કીમ સફળ થઇ કહેવાય! (છેલવાણી)
કહે છે: 'માણસ આ સંસારમાં નગ્ન આવે છે અને નગ્ન જાય છે.' અમે એ વાતથી ૧૦૦% સહમત નથી.નગ્ન આવે છે, એ સાચું પણ નગ્ન જતો તો નથી જ. મૃતદેહને શણગારવામાં સગાંવ્હાલાઓ એટલો ટાઇમ લેતાં હોય છે કે આપણને એમ થાય કે એ લોકો મૃત વ્યક્તિને ઓલમોસ્ટ પાછી જીવતી કરવાની ટ્રાય કરી રહ્યાં છે કે શું? ચિતા પર કે કબરમાં કોઇ નગ્ન ગયું હોય એવું અમે અમારી નગ્ન આંખે જોયું નથી..એ બધું છોડો પણ મનુષ્ય જીવે છે ત્યાં સુધી તો એને ગમે કે ના ગમે પણ કપડાં તો પહેરવાં જ પડે છે. ઘણાં માણસો તો એટલાં બેડોળ હોય છે કે એ કપડાં પહેરે છે એટલે જ સ્હેજ જોવાલાયક બની શકે છે. કપડાં પહેરવા, જૂઠ્ઠું બોલવું, બધાં સાથે સારૂં વર્તન કરવું-એ બધું સભ્યતાએ માણસને આપેલી મજબૂરીઓ છે. વળી કપડાં પહેરીને પણ ક્યારેક નાગાઇ કરવી પડે છે એ પણ માણસજાતની મજબૂરી છે. ચિંતકોની ફ્રી-સ્ટાઇલ શૈલીમાં કહીએ તો 'કપડાં, તનની નગ્નતા ઢાંકી શકે છે, મનની નહીં.' તુલસીદાસ કહે છે-'બડે ભાગ માનુષ તન પાવા'- નસીબ છે કે આપણને માણસનું શરીર મળ્યું છે! જોકે આ માનવ-બોડી ના મળી હોત તો આપણને કેટલું નુકસાન જાત-એ વિશે ખાસ ચોખવટ નથી કરી.
આ જગતમાં ઘણાં ડાહ્યાં લોકો પરોપકાર, સેવા, દાન વગેરે કરીને માનવ શરીરનો દુરૂપયોગ કરે છે જ્યારે અમારાં જેવાં સીધાસાદાં લોકો મજા કરીને, ભોગ ભોગવીને, નીતનવાં કપડાંથી સજીધજીને માનવ શરીરને માન આપે છે અને આ શરીર વડે ભોગ ભોગવવાં પ્રોસેસમાં દરજી, હોટલવાળાં અને બીજી ઘણી બધી આઇટેમો પર ખર્ચો કરે છે. ખેર, શરીરને તાપ તડકા ઠંડી અને બીજાની નજરોથી વગેરેથી બચાવવા કપડાં પહેરવા જ પડે છે અને વળી સમાજમાં બીજા લોકોને ઇમ્પ્રેસ કરવા પણ વસ્ત્રો ખરીદવા પડે છે.
'અણુબોંબથી દુનિયા ખતમ થઇ જશે તો આવતા વરસ માટે બનાવેલા અથાણાંનું શું થશે?' એવી ચિંતા પછી 'લગ્નપ્રસંગે (પોતાનાં કે બીજાનાં) શું પહેરવું?' એ માનવજાતનો સૌથી મોટો ફિકરનો વિષય છે. એ સિવાય સિનેમા જોવા કે સારી હોટલમાં ડિનર પર જતી વખતે શું પહેરવું?-એ વિચારવામાં ઘણીખરી પત્નીઓની મેરીડ લાઇફનો મોટો હિસ્સો વિતી જાય છે. એક કલાકનાં ડિનર માટે બે કલાક તૈયાર થવામાં શું લોજિક છે એ અમને તો શું પણ આઇન્સ્ટાઇન જેવાં બુદ્ધિશાળીઓને પણ સમજાયું નથી.
-પણ હવે એ ચિંતામાંથી મુક્તિ મળે એવાં સમાચાર છે. લંડનમાં 'બુનિયાદી' નામની એક એવી હોટલ ખૂલી છે જ્યાં નગ્ન થઇને ખાવાપીવાં જઇ શકાશે. સાવ કુદરતી વાતાવરણમાં, કપડાં જમવાનું પીરસવામાં આપશે! જોકે અમને નથી સમજાયું કે હોટેલમાં અંદર નાગા થઇને જવાનું કે ઘરેથી જ નગ્ન અવસ્થામાં નીકળવાનું? માત્ર ૪૦-૪૨ ટેબલની કેપેસીટીવાળી એ હોટલમાં ન્યૂડ-ડિનર લેવા માટે ૩૨૦૦૦ લોકોએ નામ નોંધાવ્યા છે! આના પરથી બે વાત સાબિત થાય છે. એક: માણસ જાતને કપડાં પહેરવાનો કેટલો કંટાળો આવે છે..અને બે: માણસજાતને નાગાં થવામાં કેટલો રસ પડે છે! જોકે અમને એ સમજાતું નથી કે કોઇ કપડાં પહેરીને ડિનર લે કે કપડાં વિનાં જમે એમાં હોટલને શું ફાયદો? શકય છે ત્યાં ગેસ્ટ લોકો, હોટલનાં એન્ટ્રેન્સ પર લોકર રૂમમાં કપડાં ઉતારીને અંદર ન્યૂડ-અવસ્થામાં જતાં હશે અને એ લોકરનું 'ભાડુ' હોટલવાળાની એકસ્ટ્રા આવક હોઇ શકે. વળી તમે સાવ નાગાં હોવ એટલે ગરમી વગેરે ઓછી લાગે માટે ઍરકંડીશન્ડ વગેરેનાં પૈસાં બચી શકે. પણ એટલી અમથી ઇનકમ માટે કોઇને સાવ નાગાં કરી મૂકવાનાં? જ્યારથી માનવ સંસ્કૃતિ જન્મી છે ત્યારથી નગ્નતાનો મહિમા રહ્યો છે. હમણાં ઝારખંડમાં એક વિદ્યાર્થી સાવ જાંગિયો અને ગંજી પહેરીને પરીક્ષા આપવા ગયો કારણકે ત્યાં પોલીસવાલાં રોજેરોજ એનાં કપડાં ઊતરાવીને ચેક કરતાં કે કોપી કરવા ક્યાં ક્યાં કાપલીઓ સંતાડી છે! પેલાએ કંટાળીને લગભગ નાગા થઇને એક્ઝામ દેવાનું રાખ્યું. જોકે એને કારણે ડિસ્ટર્બ થઇને બીજાં સ્ટુડંટ્સોએ કમસેકમ ૧૦થી ૧૫ માર્કસ તો ગુમાવ્યાં જ હશે એ નક્કી!
ઇન્ટરવલ-
જબ દેશમેં ગર્મી પડતી હો, લૂ સે ચમડી જલતી હો
તબ કિસી બહાને ફોરેનકા, એક ટૂર લગાઓ, નેતાજી!
(ટી. એન. રાજ)
ફોરેનમાં તો કાયદેસર દરિયાકિનારાઓને ન્યુડ 'બીચ' તરીકે ખુલ્લાં મૂકવામાં આવે છે જ્યાં ખુલ્લાં થઇને સૌ નગ્ન રખડતાં હોય છે. કહે છે કે આમ નગ્ન ફરવાથી માણસ કુદરતી રૂપે ઘડી-બે ઘડી જીવી શકે છે મનને શાંતિ મળે છે! વેલ, મનને શાંતિ મળતી હશે કે નહીં એ ખબર નથી પણ તનની હાલત કેવી થતી હશે એ નથી ખબર. વળી દરિયાકિનારે તમે સાવ કપડાં વિના નીકળો અને અચાનક નાળિયેર પાણી કે પાણીપૂરીનું મન થાય ત્યારે પૈસા ક્યાંથી કાઢો? નાગાં પાસે ના હોય કપડાં, ના હોય ખિસ્સું! ગુજ્જુ લોકો આવાં ન્યુડ-બીચ પર કદીયે નહીં જાય કારણકે ભેળપૂરી ખાધાં વિનાં અને ખાધાં પછી ફ્રીમાં સેવ-મમરાં માંગ્યા વિના એમને દરિયાકિનારે સંતોષ જ ના થાય! વળી તેલમાં તરતાં શાક, ગણ્યાં ગણાય નહીં એટલાં ગાંઠિયા-ભજિયાં ખાઇને ગુજ્જુઓનાં શરીર એટલાં બેડોળ થઇ ગયાં હોય છે કે એમને નગ્ન ફરતાં જોઇને દરિયાની માછલીઓ દરિયામાં જ ડૂબીને આત્મહત્યા કરી લે તો કહેવાય નહીં! એમને જોઇને દરિયાનાં મગરમચ્છો શહેર તરફ ભાગી છૂટશે અને શહેરમાં અફરાતફરી મચી જશે. "જાહેર શાંતિ-સલામતી માટે ગુજ્જુઓએ ન્યૂડ-બીચ પર ના જવું-એવો ફતવો અમેરિકા જેવાં શક્તિશાળી રાષ્ટ્રો બહાર પાડે તો નવાઇ નહીં.
લંડનની પેલી ન્યૂડ-ડિનરવાળી 'બુનિયાદી' હોટલમાં ખાવાનું પણ લાકડાનાં રફ ટેબલ પર માટીનાં વાસણોમાં પીરસાય છે. ખાવાનું પણ અડધું કાંચું અડધું પાકુ એવું પાષાણયુગનું મળે છે. મજાની વાત એ છે કે હોટલનો સ્ટાફ અડધો જ નગ્ન થઇને સર્વિસ આપે છે! કદાચ કોઇ ગેસ્ટ મોટી ટીપ આપે તો બધાં કપડાં કાઢી નાખે-એવી ઓફર હોય તો નવાઇ નહીં. આવાં ન્યૂડ-ડિનર માટે પ્રચંડ પ્રતિસાદને જોઇને હોટલના માલિકે કહ્યું, 'લોકોને નાગાં થવું ગમે છે. દરિયાકાંઠો હોય કે સ્ટીમ-સોના બાથ હોય, લોકોને કુદરતી અવસ્થામાં પાછાં ફરવાની મજાં આવે છે!' સાવ સાચું. વાતવાતમાં જૂઠ્ઠં બોલવું જેની ગરજ હોય એની ચમચાગીરી કરવી, બોલેલું ફરી જવું- બધી અલગ અલગ નાગાઇ આપણે લોકો કપડાં પહેરીને કેટલી સફાઇથી કરીએ છીએ! આસામમાં લશ્કરના અત્યાચાર સામે લાચાર સ્ત્રીઓનાં ટોળાએ સાવ નગ્ન થઇને આંદોલન કરેલું-એ આપણા દેશની સિસ્ટમની નાગાઇ છે. આપણે આપણાં દેશનાં પવિત્ર સંવિધાનમાં રહેલાં 'સેક્યુલર' કે 'સમાજવાદી' જેવા શબ્દો પર મજાકો કરીએ છીએ, ઘટિયા ભાષામાં અપપ્રચાર કરીએ છીએ-એ આપણી બૌદ્ધિક નાગાઇ છે. પુરાણોમાં 'વસ્ત્રાહરણ' અને 'કૃષ્ણલીલા'ને સ્વીકારીએ છીએ પણ સ્હેજ કોઇ ટૂંકા કપડાં પહેરે તો સ્ત્રીને 'ચાલુ' ગણીને તાકીએ છીએ -એ આપણા ડબલ સ્ટાંડર્ડવાળી નાગાઇ છે! કહે છે નંગે સે ખુદા ભી ડરતા હૈ-પણ અમને તો આસપાસ જીવતાં કપડાધારી નાગાંઓનો ડર લાગે છે. 'જે થયું એ જરૂરી હતું-એવું નિષ્ઠુરતાથી કહીને હિંસાને વખાણનારાં ખાદીધારી વિદ્વાનો આપણી આસપાસ જીવે છે!' એનાં ચિંતનથી અમને અમારાં કપડાં ફાડી નાખવાનું મન થાય છે!
ખેર, ન્યૂડ-ડિનરની એક મજા એ છે કે શું પહેરીને જઉં?-એ વિચારવામાં સમય નહીં બગડે. આખરે ત્યાં જઇને કપડાં ઉતારવાનાં જ છે ને?-એ વિચારથી કેટલો ભાર ઊતરી જશે!
એંડ ટાઇટલ્સ-
આદમ: મારું પહેરવાનું અંજીરનું પાંદડું ક્યાં ગયું?
ઇવ: સોરી, ભૂલથી સેંડવીચમાં નાખી દીધું!
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (3)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment