Tuesday, 10 May 2016

[amdavadis4ever] ઉઘાડી બારી - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગવર્નરને કલેક્ટર બનાવવા એટલે દલિત નેતા આંબેડકર
 
 
ઉઘાડી બારી - ડૉ. દિનકર જોશી
 
ઘણુંખરું શિવસેનાના જન્મની ઘડીઓ ગણાતી હતી અથવા હજુ એની નાળ કપાઈ નહોતી એ ગાળામાં છત્રપતિ શિવાજી મહારાજના નામનો જયજયકાર એક સુવ્યવસ્થિત અભિયાન તરીકે મરાઠી અખબારોમાં ચાલતો હતો. 'મર્દમરાઠા', 'હિંદુપત પાદશાહી', 'વીર મરાઠા', મરાઠી સંસ્કૃતિ અને અસ્મિતા આવા બધા શબ્દો હવામાં હાલકડોલક થતા હતા ત્યારે આચાર્ય કૃપલાણીએ એક અંગ્રેજી દૈનિક (ઘણું ખરું 'ઈન્ડિયન એક્સપ્રેસ')માં એક લેખ લખ્યો હતો. એમાં એમણે શિવાજીને મરાઠા વીર તરીકે ચિત્રિત કરવાના પ્રયાસોની હાંસી ઉડાવતા કહેલું કે આ તો ગવર્નરને ક્લેક્ટર બનાવવા જેવી વાત છે!
હમણાં થોડા મહિનાઓથી સદ્ગત ડૉ. આંબેડકરની સવાસોમી જયંતી દેશભરમાં મનાવાઈ રહી છે ત્યારે આચાર્ય કૃપલાણીની ઉપરની વાત યાદ આવી જાય છે. ઠેર ઠેર આંબેડકરને મહાન દલિત નેતા એવા શબ્દોથી નવાજવામાં આવે છે ત્યારે એમની તસવીર સાથે પોતાના દશ વીસ મુંડાઓ જોડીને બેનર લટકાડી રહેલાઓ, આંબેડકરનું દેશ નેતા તરીકેનું પ્રદાન ભૂલી જાય છે. જેઓ આંબેડકર સાથે પોતાના મુંડાઓ લટકાડીને છાતી ફૂલાવે છે એમને કદાચ ખબર પણ નહિ હોય કે આ એ જ આંબેડકર છે કે જેણે કાશ્મીરમાં ૩૭૦મી કલમ રાખવા સામે, તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો સખત વિરોધ કર્યો હતો. કાશ્મીર પ્રશ્ર્નનો હવાલો ગોપાલસ્વામી આયંગર પાસે હતો. આંબેડકરે શેખ અબ્દુલ્લાને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે કાશ્મીરમાં રસ્તાઓ બાંધવા છે, હવાઈમથકો બાંધવા છે, કૉલેજો અને યુનિવર્સિટીઓ સ્થાપવી છે, સરહદો માટે ભારતીય શસ્ત્રો અને જવાનોના મસ્તકો માગો છો અને આમ છતાં તમારે કોઈ ભારતીયને કાશ્મીરમાં વસવાટ કરવા દેવો નથી, તમારી આ કઈ જાતની સોદાબાજી છે? ૩૭૦મી કલમ બંધારણમાં આમેજ કરાય જ નહિ.
શેખ અબ્દુલ્લા માન્યા નહિ એટલે આંબેડકર નહેરુને મળ્યા. નહેરુએ બંધારણમાં ૩૭૦મી કલમ આમેજ કરવાનું વચન શેખ અબ્દુલ્લાને આપી દીધું હતું. પ્રધાનમંત્રી પદનો હવાલો સરદારને સોંપીને બીજે દિવસે નહેરુ વિદેશ જઈ રહ્યા હતા. એમણે આંબેડકરને કહ્યું - 'તમે આ વિષયમાં ગોપાલસ્વામી આયંગર સાથે ચર્ચા કરજો.' આંબેડકર ગોપાલસ્વામીને મળ્યા. બીજે દિવસે બંધારણસભામાં ૩૭૦મી કલમ વિશે ભારે ઉહાપોહ થયો. આયંગરની કોઈ વાત કોઈએ સાંભળી નહિ. એ પછી આયંગર સરદાર પાસે ગયા અને સરદારે એમની આજીવન નિષ્ઠા અને વફાદારીને વળગી રહીને જવાહરલાલના વચનનો ભંગ ન થાય એ માટે કાર્યવાહક વડા પ્રધાન તરીકે બંધારણસભાને સમજાવી અને ૩૭૦મી કલમ પાસ થઈ ગઈ. (સદ્ગુણ પણ એના આત્યંતિક સ્વરૂપે કેવો વરવો થઈ જાય છે અને કેવા વિકૃત ફળ આપે છે એનું ઉત્તમ ઉદાહરણ સરદારે આ ક્ષણે ભજવેલી ભૂમિકા છે.)
આંબેડકરનું એક બીજું પાસું જુઓ. દેશના પછાતો અને ખાસ કરીને દલિતો ઉપર ઊઠે એ સમગ્ર બંધારણસભાની લાગણી હતી, આરક્ષણ કાયમી ઉકેલ નથી. એનાથી, ચાલણગાડીથી ચાલનારો ક્યારેય પોતાના પગે ઊભો જ ન થઈ શકે એ વાત આંબેડકર સહુથી વધારે સમજતા હતા. દલિતોના નેતા હતા અને એટલે દલિતોને લોલીપોપ આપીને રાજી કરવા નહોતા માગતા પણ કલ્યાણ કરવા માગતા હતા એટલે એમનું એમણે દલિતો માટેના આરક્ષણની નીતિ માત્ર દશ વરસ પૂરતી જ અમલમાં રહે અને ત્યાં સુધીમાં દલિતો પગભર થઈ જાય એવો આગ્રહ રાખ્યો. બંધારણમાં આરક્ષણને દશ વરસ પૂરતું જ એમણે આગ્રહપૂર્વક મર્યાદિત કરી નાખ્યું.
ઉપરની આ બંને વાતો - ૩૭૦મી કલમ અને આરક્ષણ - આંબેડકરને એમના અસલી પરિપ્રેક્ષ્યમાં દેશ નેતા તરીકે મૂલવી આપે છે. આ મૂલવણી કરવાને બદલે રિપબ્લિકન પાર્ટી, કમ્યુનિસ્ટો, કૉંગ્રેસીઓ, ભાજપીઓ વગેરે વગેરે સહુ એમની આ ૧૨૫ની વરસગાંઠ વખતે આંબેડકર દલિત હતા એ વાત ગાઈવગાડીને સાંભળનારના કાનના પડદા ફાટી જાય એટલી હદે કહેવાનું ચૂકતા નથી. આ સહુને હકીકતે આંબેડકરમાં રસ નથી. આંબેડકર તો એમને માટે મત મેળવવા માટેનું ગતકડું છે. આજે દલિતોમાં આંબેડકર 'પોતાના' બન્યા છે એ તકનો લાભ લઈને આ સહુ રાજકીય પક્ષોએ આંબેડકરને પોતાના બનાવી દીધા છે. દલિતોના મતો આવી રહેલી ચૂંટણીઓમાં અંકે કરી લેવાની આ ચાલબાજી છે. આ ચાલબાજીની હરીફાઈ છે.
આંબેડકરને દલિત નેતા ઉપરાંત બંધારણના ઘડવૈયા તરીકે વારંવાર ઓળખાવવામાં આવે છે. આ પણ એક ચાલબાજી જ છે. જે બંધારણસભામાંથી બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ખરડા સમિતિની રચના કરવામાં આવી એ બંધારણસભામાં આંબેડકર બંગાળમાંથી મુસ્લિમ લીગ સાથે સમજૂતિ કરીને મુસ્લિમ મતો મેળવીને ચૂંટાયા હતા. મહારાષ્ટ્રમાંથી દલિત બેઠક ઉપર એ ચૂંટણી હારી ગયેલા.
આ પછી કૉંગ્રેસે અને ખાસ કરીને ગાંધીજીએ આગ્રહપૂર્વક એમને ખરડા સમિતિના અધ્યક્ષ બનાવ્યા. આ ખરડા સમિતિમાં કનૈયાલાલ મુનશી સહિત બીજા સભ્યો પણ હતા. આંબેડકર આ સમિતિના વહીવટી વડા હતા એટલે ફર્સ્ટ એમન્ગ ધ ઈક્વલ્સ હતા. આ હોદ્દાને કારણે બંધારણના ઘડવૈયા તરીકે એમને આલંકારિક વિશેષણ આપી શકાય. વાસ્તવમાં બંધારણનું ઘડતર ખરડા સમિતિએ કર્યું અને પછી બંધારણસભાએ અનેક સુધારાવધારા સાથે એનું સ્વરૂપ નિશ્ર્ચિત કર્યું. જો ખરડા સમિતિના પ્રમુખ હોવાના નાતે આંબેડકરને બંધારણના ઘડવૈયા જેવા શબ્દથી નવાજવા હોય તો, જે બંધારણસભાએ આંબેડકરના આ ખરડા ઉપર સહીસિક્કા કરીને મત્તું માર્યું એ બંધારણસભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા એટલે ડૉ. રાજેન્દ્રપ્રસાદને પણ ઘડવૈયા જ કહેવા
પડે. ખરડા સમિતિ કરતાં બંધારણસભા ઊંચું સ્થાન ભોગવે છે એ યાદ રાખવું જોઈએ.
બંધારણ અમલમાં મૂકાયા પછી આંબેડકર સંસદમાં પ્રવેશવા માટે ૧૯૫૨ અને ૧૯૫૪ એમ બે વાર મહારાષ્ટ્રમાંથી જ ચૂંટણી લડ્યા હતા અને બંને વાર કૉંગ્રેસના દલિત ઉમેદવારના હાથે જ પરાજિત થયા હતા. આમ છતાં એમની બુદ્ધિપ્રતિભા અને અનુભવનો લાભ દેશને મળવો જ જોઈએ એ માટે સરકારે એમને રાજસભામાં નિયુક્ત કર્યા હતા.
દલિત તરીકે આંબેડકરે ડગલે ને પગલે અસહ્ય અપમાનો અને અન્યાયો સહન કર્યા છે એ વાતનો ઈનકાર કરી શકાય એમ નથી, પણ આ બધું એમણે એકલાએ સહન નથી કર્યું, સમગ્ર દલિત સમાજે સહન કર્યું છે. ગાંધીજી કહેતા એમ હિંદુ સવર્ણોએ આચરેલું આ એક સામાજિક પાપ હતું. આ પાપનો વૈરાગ્નિ આંબેડકરમાં આજીવન ભભૂકતો રહ્યો હતો. વડોદરામાં ઊંચા હોદ્દા ઉપર એમની નિમણૂક થઈ પછી કોઈ સારા લત્તામાં એમને ઘર ભાડે મળ્યું નહિ એ અન્યાય સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે આંબેડકરની નિયુક્તિ તથા એ પદ માટે વિદેશ જઈને મેળવેલું શિક્ષણ મહારાજા ગાયકવાડને કારણે હતા અને ગાયકવાડ સવર્ણ હિંદુ હતા.
આંબેડકરે હિંદુ સવર્ણો અને હિંદુ ધર્મ સામે એમનો રોષ ક્યારેય છુપાવ્યો નહોતો. આ રોષ માટે પૂરતાં કારણો પણ હતાં. ગાંધીજીએ એમના આ રોષ સામે સવર્ણોના આ પાપનો સ્વીકાર પણ કર્યો હતો. આંબેડકરે ગાંધીની આ વાતને મોટા મને સ્વીકારીને રોષનું શમન કર્યું હોત તો દેશનો વર્તમાન કદાચ આજે સાવ જુદો જ હોત! એમણે લાખો દલિતોનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને આમ હિંદુ ધર્મ સામેનો રોષ પ્રગટ પણ કર્યો. આમ છતાં અહીં આંબેડકરની સજાગતા અને દીર્ઘદૃષ્ટિને ધ્યાનમાં લેવા જોઈએ. એમણે દલિતોને બૌદ્ધ બનાવ્યા - મુસલમાન કે ખ્રિસ્તી નહિ. જોકે આ લાખો નવબૌદ્ધો કદાચ એ વાત નથી જાણતા કે આંબેડકરે, ભગવાન બુદ્ધે ઉપદેશેલી હોવા છતાં એ વાતનો સ્વીકાર નહિ કરવા માટે બાવીસ પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. આ પ્રતિજ્ઞા ધર્મ કે ધર્મના સિદ્ધાંતોને લગતી નહોતી.
દલિતોના પ્રશ્ર્ને ગાંધીજી આજીવન મથ્યા હતા. આંબેડકર પણ આ જ પ્રશ્ર્ને જિંદગીભર મથ્યા હતા. બંને દલિતોનું કલ્યાણ કરવા માગતા હતા. એમના સ્તરને ઉપર લાવવા માગતા હતા. આમ છતાં બંનેના અભિગમ ઉત્તર દક્ષિણ રહ્યા. આ ઉત્તર દક્ષિણના અંતરને સમજવું હોય તો વાચકે એક પુસ્તક વાંચવું પડે - 'ઉંર્ળૈઢિ અળેફ અર્ળૈરૂજ્ઞજઇંફ' લેખક ગણેશ મંત્રી.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment