Saturday, 2 January 2016

[amdavadis4ever] #‎મંથન‬ - વાંક કાઢવાથી કાંદો કાઢી શકાતો નથી -દીપક સોલિયા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાંક કાઢવાથી કાંદો કાઢી શકાતો નથી

 
સીધી વાત છે. નવું વર્ષ જૂના વર્ષ કરતાં વધુ ખરાબ નીવડે એવી શક્યતા વધુ છે. ઘણા મામલે પરિસ્થિતિ કથળશે. જેમ કે, શિક્ષિતોની બેરોજગારી વધશે. નેચરલી, ભણેલાઓની સંખ્યા જેટલી ઝડપથી વધે એટલી ઝડપે રોજગારી ન વધવાથી બેકારી વધે જ. છોકરાઓ માટે કન્યાઓ મેળવવાનું વધુ મુશ્કેલ બનશે, કારણ કે છોકરા-છોકરીનું પ્રમાણ જાળવી રાખવાની કુદરતી ગોઠવણ સામે ચેડાં કરીને છેલ્લા બેએક દાયકામાં ભારતમાં જે લાખો-કરોડો છોકરીઓને જન્મતી અટકાવવામાં આવી છે એમની 'તંગી' લગ્નબજારમાં ધીમે ધીમે વધુ તીવ્ર બનશે જ. પર્યાવરણ વધુ કથળશે, કારણ કે વિજળીનો વપરાશ, વાહનો, ફેક્ટરીઓ, વાતાનુકૂલન યંત્રો વગેરે ઘટી નથી રહ્યાં, વધી રહ્યાં છે.
 
 
અને આપણો દેશ, આપણું શાસન, આપણી સંસદ. આ બધું પણ સુધરે એવા કોઈ અણસાર નજરે નથી ચડતાં. આપણા મહાન ભારત દેશની મહાન સંસદમાં ચાર-ચાર વર્ષથી એક જ મુદ્દો કેન્દ્રસ્થાને છેઃ 'અમે સ્વચ્છ, તમે ભ્રષ્ટ.' આ એક મુદ્દાની ચર્ચામાં સંસદ એટલી બિઝી છે કે એને બીજી બધી વાતો કરવાનો ખાસ સમય જ નથી મળતો. પરિણામે, ગુડ્સ એન્ડ ર્સિવસિસ ટેક્સ (જીએસટી) અને જમીન સંપાદન ખરડા જેવા અનેક મોટા મોટા નિર્ણયો ચચ્ચાર વર્ષથી અનાથ બાળકોની જેમ રઝળી પડયા છે. અગાઉ ભાજપે ટુજી સ્કેમ અને કોલસાકાંડ ચગાવી ચગાવીને સંસદ ઠપ્પ કરી. હવે વ્યાપમ્-જેટલી વિશેના બૂમબરાડા મચાવીને કોંગ્રેસ સંસદ ખોરવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બેય જાણે છે કે જો સંસદ ચાલવા દઈશું, નિર્ણયો લેવામાં સરળતા કરી આપીશું તો શાસકનો જયજયકાર થશે અને વિપક્ષને કશી ક્રેડિટ નહીં મળે. સામેવાળો જશ ન ખાટી જાય એટલે એના પર અપજશના ટોપલા ઠાલવ્યા કરવાના... આવી ઉકરડાગીરીને લીધે સંસદ ચચ્ચાર વર્ષથી ઉકરડો બની રહે, મહત્ત્વનાં નિર્ણયો ટલ્લે ચડે અને દેશ આખો ચૂપચાપ જોયા કરે?
 
 
આવા ભ્રમ પોષવાનો મતલબ નથી. નક્કર કામ કરવું હોય તો સચ્ચાઈને હિંમતપૂર્વક જોવી રહી (લેખના પહેલા ફકરામાં ભાવી આફતોની સંભાવના વિશે વિચારી જોયું એ રીતે). સચ્ચાઈ એ છે કે જેમને ફક્ત વાતોમાં રસ હોય એ બીજાની ભૂલો પર વધુ ધ્યાન આપે, પરંતુ જેમને કામ કરવામાં રસ છે એ પોતાની ભૂલ પર વધુ ધ્યાન આપે. આ એક સૂક્ષ્મ છતાં સમજવા જેવી વાત છે કે બીજાના દોષ ગણાવી શકાય, જ્યારે જાતના દોષ સુધારી શકાય. બીજા વિશે વાતો થઈ શકે, પણ ખુદ પર કામ થઈ શકે. પડોશીનું ઘર ગંદુ હોય તો પણ, એનું ગંદુ ઘર સ્વચ્છ કરવાનું કામ આપણે નહીં કરી શકીએ. એ કામ તો પડોશીએ જ કરવું પડે. તમે એનું ઘર સાફ કરવા જશો તો એ બરાડશે, 'મારા ઘરમાં પગ મૂકીશ તો ટાંટિયો તોડી નાખીશ. તું તારું સંભાળ.' વાત તો સાચી. આપણે એ જોવાનું હોય કે આપણા ઘરના માળિયામાં ધૂળ કેટલી છે.
 
 
અલબત્ત, સ્થિતિ જેટલી નિરાશાજનક છે એટલી જ આશાજનક છે. જગતસુધારણા જેટલી અઘરી એટલી જ સહેલી પણ છે. સહેલો, સીધો, સચોટ રસ્તો આ છેઃ આત્મનિરીક્ષણ. બીજાની ભૂલોને બદલે પોતાની ભૂલોને ધ્યાનપૂર્વક જોવી અને પછી પોતાનાથી જે કંઈ સારું થઈ શકે તે કરી છૂટવા માટે યથાશક્તિ મથવું. અહીં આ 'યથાશક્તિ' શબ્દ ઘણો મહત્ત્વનો છે. શક્ય હોય એટલું મથવું. પરફેક્શનિસ્ટ ન બનવું. જાતને સુધારવાના મામલે અતિ કડકાઈ દાખવીને જાતને લોહીલુહાણ કરવાનો કોઈ મતલબ નથી. હું આજથી રાતોરાત ઇશ્વર જેટલો સદ્ગુણી બની જઈશ એવા શેખચલ્લીવેડા કરવા નહીં. ટૂંકમાં, આપણી જાત, આપણું ઘર, આપણી જ્ઞાાતિ, આપણો ધર્મ, આપણો દેશ વગેરેમાં જે કંઈ ખરાબી છે એ જોવાની કોશિશ કરવી. પછી જે ભૂલો જડે તેને ઉત્સાહથી, હળવાશથી, પ્રેમથી દૂર કરવા માટે યથાશક્તિ કોશિશ કરીને રાત પડયે શાંતિથી ઊંઘી જવું. અને હા, એ પણ યાદ રાખવું કે જગતમાં ફક્ત ખરાબી જ નથી, સારપ પણ છે. ગંદકી જ નથી, સૌંદર્ય પણ છે. માટે દોષદર્શન ઉપરાંત ગુણદર્શનમાં પણ રસ લેવો. દિવસ-રાત બીજાની કે પોતાની ખરાબીઓનું ચિંતન તો મૂર્ખાઓ કરે અને તમે મૂર્ખા નથી એ તો તમે જાણો જ છો. નવા વર્ષે તમને જવાબદારીપૂર્ણ છતાં ભાર વિનાના સુંદર જીવનની શુભેચ્છા.

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment