Saturday, 2 January 2016

[amdavadis4ever] નટસમ્રાટ: ડ ૉ. શ્રીરામ લ ાગુુથી નાના પાટેકર સુધી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાશિકમાં ગોદાવરી નદીના કિનારે દિગ્ગજ અને લોકપ્રિય મરાઠી સાહિત્યકાર વિ. વા. શિરવાડકરની સ્મૃતિમાં એક જગ્યા છે જે કેટલાંક વર્ષ પહેલાં પૂરમાં ધોવાઈ ગઈ. અત્યારે એનું નવનિર્માણ ચાલી રહ્યું છે. વિ. વા. શિરવાડકર એમના ઉપનામ 'કુસુમાગ્રજ'થી વધારે જાણીતા છે. જેમ મણિશંકર રત્નજી ભટ્ટ અને મધુસૂદન ઠાકરને બહુ ઓછા લોકો ઓળખે પણ કવિ 'કાન્ત' અને મધુ રાયને બધા ગુજરાતીઓ ઓળખે એવું જ. જોગાનુજોગ છે કે કુસુમાગ્રજના ખૂબ જાણીતા નાટક 'નટસમ્રાટ' પરથી એ જ નામે બનેલી મહેશ માંજરેકર દિગ્દર્શિત અને નાના પાટેકર અભિનીત મરાઠી ફિલ્મ ગઈ કાલે, પહેલી જાન્યુઆરીના શુક્રવારે રિલીઝ થઈ. આજકાલ તો, બિગ બજેટ હિન્દી ફિલ્મો પણ રિલીઝના દિવસે હાઉસફુલનાં પાટિયાં ઝુલાવી શકતી નથી. નાના પાટેકરની 'નટસમ્રાટ'ના અનેક શૉ ઍડવાન્સમાં બુક થઈ ગયા હતા અને જે નહોતા થયા તે ધડાધડ કરન્ટમાં ફુલ થઈ ગયા.

વિષ્ણુ વામન શિરવાડકર ૧૯૯૯ની ૧૦મી માર્ચે દેવલોક પામ્યા. ૨૭ ફેબ્રુઆરી ૧૯૧૨માં એમનો જન્મ. પુણે એમની જન્મભૂમિ અને નાશિક એમની કર્મભૂમિ. એમના જન્મદિવસની ઉજવણી 'મરાઠી ભાષા દિન' તરીકે થાય. 'નટસમ્રાટ' નાટક માટે એમને ૧૯૭૪માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો અને ૧૯૮૮માં જ્ઞાનપીઠ અવૉર્ડથી એમનું બહુમાન કરવામાં આવ્યું.

'નટસમ્રાટ' સહિત કુસુમાગ્રજે દોઢેક ડઝન નાટકો લખ્યાં. ત્રણ નવલકથાઓ લખી. પણ મૂળનાં તેઓ કવિ અને વાર્તાકાર. બાળકો માટે પણ લખ્યું - 'જાદુચી હોડી'.

મરાઠી નાટ્યજગતમાં 'નટસમ્રાટ' અને ડૉ. શ્રીરામ લાગુ એકબીજાથી અભિન્ન છે. ડૉ. લાગુ ઈએનટી સભ્ય છે અને પચાસના દાયકાના આરંભમાં તેઓ મુંબઈમાં આંખનાકગળાના દાકતર તરીકે મુંબઈમાં અને પછી પુણેમાં પ્રેક્ટિસ કરતા હતા. પછી વધુ તાલિમાર્થે કૅનેડા અને ઈંગ્લેન્ડ ગયા. પછી તાન્ઝાનિયામાં પણ દાકતરી કરી. ૧૯૬૯માં મુંબઈ આવીને દાક્તરી ત્યજીને ફુલ ટાઈમ ઍક્ટરી શરૂ કરી અને રંગભૂમિ તેમ જ રૂપેરી પડદો - બેઉ ન્યાલ થઈ ગયાં. પહેલું નાટક વસંત કાનેટકરે લખેલું હતું. એ પછી થોડા પ્રાયોગિક નાટકો બાદ 'નટસમ્રાટ' કર્યું. 'ગિધાડે', 'કાચેચા ચન્દ્ર', 'હિમાલયાચી સાવલી', 'આધે અધૂરે', 'આત્મકથા' સહિત ત્રણ ડઝન કરતાં વધારે મરાઠી, હિંદી, ગુજરાતી નાટકો કર્યાં. મરાઠી ફિલ્મોમાં એમણે વી. શાંતારામની 'પિંજરા' (૧૯૭૩)થી પદાર્પણ કર્યું. (ભૂલ થતી હોય તો સુધારજો, વાચક મિત્રો). અને હિંદી ફિલ્મોમાં બચ્ચનજીવાળી

'હેરાફેરી' (૧૯૭૬)થી પ્રવેશ કર્યો. બીજા જ વર્ષે 'ઘરોંદા', 'કિતાબ', 'કિનારા' અને 'ઈનકાર' ચાર ફિલ્મો કરી અને છવાઈ ગયા. 'લાવારિસ' (૧૯૮૧)માંનો એમનો રોલ પણ મને બહુ ગમે છે.

ડૉ. શ્રીરામ લાગુને ક્યારેય રંગમંચ પર જોવાનો લહાવો નથી મળ્યો. પણ 'નટસમ્રાટ' આખું નાટક યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે, જોઈ લેવું - નાના પાટેકરને એ જ રોલ કરતાં જુઓ તે પહેલાં.

મરાઠીમાં એક બહુ સારી ચાલ છે કે ત્યાંની વ્યવસાયિક રંગભૂમિનાં નાટકો પણ પુસ્તકરૂપે છપાતાં હોય છે, વેચાતાં હોય છે, વંચાતાં હોય છે. કુસુમાગ્રજ સહિતના અનેક મહારથી નાટ્યકારોનાં નાટકો મરાઠીમાં પૉપ્યુલર પ્રકાશને પ્રગટ કર્યાં છે. મારી બે વર્ષ પહેલાં લીધેલી 'નટસમ્રાટ'ની આવૃત્તિ છે. એની પ્રથમ આવૃત્તિ ૧૯૭૧માં આવી અને વચ્ચેનાં વર્ષોમાં એકાધિક આવૃત્તિઓ પ્રગટ થઈ. પ્રસ્તાવનામાં કુસુમાગ્રજ લખે છે: 'મરાઠી રંગભૂમિ પર કોઈ નટશ્રેષ્ઠ માટે (શેક્સપિયરના નાટક) 'કિંગ લિયર'નું રૂપાંતર કરવું એવી યોજના મારી પાસે આવી હતી. એ વિશે વિચાર કરતાં કોઈ રાજા-મહારાજાને બદલે મારા મનમાં વયોવૃદ્ધ નટસમ્રાટની કલ્પના જન્મી અને મારા દિલોદિમાગ પર એણે કબજો જમાવી દીધો. બસ, એ જ અહીં વાચકો-પ્રેક્ષકો માટે રજૂ કરું છું.'

પ્રસ્તાવનામાં લેખકે પોતાના સમકાલીન નાટકકાર વસંત કાનેટકર તેમ જ 'નટસમ્રાટ'ને રંગમંચ પર અભિનયથી ઉજાળનાર ડૉ. શ્રીરામ લાગુનો પણ આભાર માન્યો છે.

પ્રકાશકની પ્રસ્તાવનામાં જણાવાયું છે કે ૨૦૧૨ સુધીમાં આ નાટકનો એક જ સંસ્થા દ્વારા ૭૬૦ પ્રયોગ થઈ ચૂક્યા છે અને ડૉ. શ્રીરામ લાગુએ અન્ય રોકાણોને લીધે આમાં ભૂમિકા કરવાનું ત્યજી દીધા પછી મધુસૂદન કોલ્હટકર, સતિષ દુભાષી, ચંદ્રકાંત ગોખલે, દત્તા ભટ્ટ, રાજા ગોસાવી અને પ્રભાકર પણશીકર સહિત બીજા કેટલાક અભિનેતાઓએ આ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. નાના પાટેકરે ફિલ્મ 'નટસમ્રાટ'ના રિલીઝ પ્રસંગે કહ્યું હતું કે, 'જો તમે 'નટસમ્રાટ'નું પાત્ર ભજવી શકો તો આપોઆપ તમારા પર 'સારા અભિનેતા'નો ઠપ્પો લાગી જાય.' ૧૯૭૦ની ૨૩મી ડિસેમ્બરે મુંબઈના મરીન લાઈન્સ સ્થિત બિરલા માતુશ્રી સભાગૃહમાં 'નટસમ્રાટ'નો પહેલો શો થયો. અપ્પા ગણપતરાવ બેલવલકરનો રોલ ડૉ. લાગુ ઉપરાંત બીજા કયા કયા અભિનેતાઓએ કર્યો છે તેની સ્ટારસ્ટડેડ યાદી ઉપરના પેરામાં ફરી વાંચી જાઓ તો ખ્યાલ આવે કે નાના પાટેકરના સ્ટેટમેન્ટનું રિલેવન્સ શું છે.

મારી પાસેની 'નટસમ્રાટ'ની આવૃત્તિની વિશેષતા એ છે કે એમાં ખુદ ડૉ. શ્રીરામ લાગુએ 'નટસમ્રાટ આણિ મી: એક નાતેસંવદ' શીર્ષકથી બે જુદા-જુદા લેખ લખ્યા હતા તે પણ જોડી દેવામાં આવ્યા છે. ડૉ. લાગુ લખે છે: 'જાન્યુઆરી ૧૯૭૧થી ફેબ્રુઆરી ૧૯૭૩ના બે વર્ષ દરમ્યાન મેં 'નટસમ્રાટ'ના ૨૮૧ પ્રયોગ કર્યા. લોકોએ મને જ 'નટસમ્રાટ' બનાવી નાખ્યો! આ નાટકને લીધે મને ૧૯૭૨માં સંગીત નાટક અકાદમીનું પારિતોષિક પણ મળ્યું. અને ૧૯૭૩ના ફેબ્રુઆરીમાં મારે હાર્ટ એટેકને કારણે નાટક છોડવું પડ્યું. એનું મને દુ:ખ નથી. કારણ કે આ વિરાટ નાટકે મને પેટ ભરીને બધું આપ્યું છે. હું કૃતકૃત્ય થઈ ગયો. શેરડી મીઠી લાગે એટલે એનું મૂળિયું પણ ચાવી જવાનું ન હોય એની મને ખબર હતી.'

'નટસમ્રાટ'નો ૩૦૦મો પ્રયોગ ઉજવાયો ત્યારે પ્રોડ્યુસરે ડૉ. શ્રીરામ લાગુને અતિથિવિશેષ તરીકે બોલાવ્યા. પ્રવચનમાં ડૉ. લાગુ બોલ્યા: 'આ નાટકમાં હું ૨૮૨મી વાર હાજરી આપી રહ્યો છું. ૨૮૧ વખત હું રંગમંચ પર હતો અને આજે હું સામે બેઠેલા પ્રેક્ષકોની સાથે હોઈશ. પહેલો નટસમ્રાટ નિવૃત્ત થઈને આજે પ્રેક્ષકોમાં બેસે છે અને બીજો નટસમ્રાટ રંગમંચ ગજાવશે. પચ્ચીસ વર્ષ પછી કદાચ ૨૫મો નટસમ્રાટ સ્ટેજ પર હશે અને બાકીના ૨૪ પ્રેક્ષકોમાં બેઠા હશે!'

ડૉ. લાગુની ભવિષ્યવાણી સાચી પડતી હોય એમ ગઈ કાલે એક નવા 'નટસમ્રાટે' પ્રવેશ કર્યો છે. ફરક એટલો જ છે કે એમણે તખ્તા પર નહીં, રૂપેરી પડદા પર એન્ટ્રી લીધી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment