Monday, 12 December 2016

[amdavadis4ever] અહંકાર માણ સની સૌથી ન બળી કડી ધન સાથે નમ્ર તા આવે તો શોભે જિનદર ્શન - મહેન ્દ્ર પુનાતર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હું કાંઈક છું. બધું જાણું છું, મારા જેવું બીજું કોઈ નથી એવું વિચારવાવાળા માણસો માટે જ્ઞાનના દ્વારો બંધ થઈ જાય છે. જે માણસને બધું જાણતો હોવાનો ભ્રમ થાય છે તે હકીકતમાં કશું જાણી શકતો નથી. સાચું જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનથી માણસ જાણી શકે છે. સમજી શકે છે. દર્શનથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ચારિત્રથી નિરોધ-નિષેધ થાય છે.

જ્ઞાનથી આપણે વસ્તુને-પદાર્થને જાણી શકીએ છીએ, પણ જાણવું પૂરતું નથી. તેમાં સંપૂર્ણ શ્રદ્ધા ઊભી થવી જોઈએ. જાણવું એ ઉપરછલ્લી બાબત છે. માત્ર જાણી લેવાથી શ્રદ્ધા ઊભી થતી નથી. જ્યાં સુધી આપણને પોતાને તેનું યથાર્થ દર્શન થતું નથી, પ્રતીતિ થતી નથી અને જ્યાં સુધી આપણી પોતાની આંખોથી જોવાનું શરૂ ન કરીએ ત્યાં સુધી સત્ય દર્શન અને શ્રદ્ધા ઊભી થતી નથી. કોઈ વસ્તુમાં વિશ્ર્વાસ ઊભો થાય, પણ માત્ર વિશ્ર્વાસ એ શ્રદ્ધા નથી. વિશ્ર્વાસ એ ભરોસો છે. કોઈની પાસેથી જે અપેક્ષા હતી તે પૂર્ણ થાય તો વિશ્ર્વાસ ઊભો થાય છે અને આવું વારંવાર બને છે ત્યારે વિશ્ર્વાસ દૃઢ થાય છે. આપણે ધાર્યું હતું એવું થયું વિશ્ર્વાસ ઊભો થયો અને ધાર્યું હતું તેવું ન થયું વિશ્ર્વાસ તૂટી ગયો. આ એક શરત છે. શ્રદ્ધામાં કોઈ શરત નથી, કોઈ અપેક્ષા નથી. ગમે તે બને સારું કે નરસું શ્રદ્ધા ટકી રહે છે. વિશ્ર્વાસ ઉપરનો છે. શ્રદ્ધા અંતરની છે. જેનું મન ખુલ્લું અને નિખાલસ છે, જેનામાં વિસ્મય છે, જાણવાની પ્રબળ ઈચ્છા છે તેવા લોકો સરળ અને સહજભાવે જીવનમાં શીખતા રહે છે. તેમને કોઈ પ્રયાસ કરવા મળતા નથી. તેમના માટે સમગ્ર જીવન એક પ્રયોગશાળા છે. જ્ઞાનની પ્રથમ શરત એ છે કે માણસે પોતાના અહંકારને વિસર્જિત કરવો. જ્યાં સુધી અહમ્ અને અભિમાન હશે ત્યાં સુધી જ્ઞાનનાં દ્વારો ખૂલશે નહીં. 

અહંકારરહિત થવું એ સાધનાનું પ્રથમ સોપાન છે. રાગ-દ્વેષ, માન-અભિમાન, તારું-મારું, સાચું-ખોટું આ બધામાં માણસ અટવાયેલો છે. આ જાળાઓ મુક્ત થવા દેતા નથી. જીવનના આ બંધનો છે જે માણસને એક યા બીજી વસ્તુ સાથે જકડી રાખે છે. દરેક માણસ પોતાને સાચો, સારો માનતો હોય છે. આ પણ એક જાતનો અહંકાર છે. દરેક માણસ કાંઈક ને કાંઈક રીતે અહંકારમાં ડૂબેલો છે. કોઈનો અહંકાર ઘણો સૂક્ષ્મ હોય છે. કોઈનો અહંકાર બહાર દેખાતો નથી. કોઈએ નમ્રતાનો અંચળો ઓઢેલો છે. કોઈને ધનનો, કોઈને પદનો તો કોઈને જ્ઞાનનો અહંકાર હોય છે. આત્મશ્ર્લાઘા અને ખુશામત દ્વારા અહંકારને ઈંધણ મળે છે. કોઈને કશો અહંકાર ન હોય એવો માણસ જડવો મુશ્કેલ છે. કોઈ માણસ એમ નહીં કહે કે હું જાણતો નથી. હું અજ્ઞાન છું. કોઈ બીજું તેને એમ કહે તો અહંકારને ચોટ લાગે છે. અહંકારનો પારો જેમ જેમ ઉપર ચડતો જાય છે તેમ તેમ માણસ નીચે ઊતરતો જાય છે. 

ધનનો અહંકાર માણસને ઉદ્ધત અને તુમાખી બનાવે છે. ધનને જીરવતા આવડવું જોઈએ. ધન સાથે નમ્રતા આવો તો શોભા વધે છે. ધન આજે છે કાલે નથી. ધન કરતાં ચારિત્રની વધુ કિંમત છે. પૈસા હોય ત્યારે લોકો ટોળે વળે છે અને પૈસા ચાલ્યા જાય ત્યારે સગાસંબંધીઓ અને મિત્રો પણ દૂર ભાગે છે. સ્વાર્થના પાયા પર સંબંધો રચાયેલા છે. સૌ કોઈ પોતાનો ટૂંકો સ્વાર્થ જુએ છે. એમાં બીજાનું અહિત થતું હોય તો પણ વાંધો નથી. ક્રોધ, લોભ અને અહંકાર માણસને શાંતિથી જીવવા દેતા નથી. સંત કબીરે જેમ કહ્યું છે તેમ...

કોટિ કરમ લાગી રહે, એક ક્રોધકી લાર

કિયા કરાયા સબ ગયા, જબ આયા અહંકાર

ક્રોધની પાછળ કર્મો લાગેલાં છે. ક્રોધ અને અહંકાર સાથે રહે છે. અહંકાર આવે છે. ત્યારે જે કાંઈ સારું કર્યું હોય તેના પર પાણી ફરી વળે છે. પોતાની જૂઠી માન-મર્યાદા જાળવવા માણસ બધુ કરી છૂટે છે. પોતાનું ક્યાંય ઊતરતું લાગવું જોઈએ નહીં તેના માટે ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે. પોતાના કરતાં બીજું કોઈ સવાયું નથી એ સાબિત કરવા માણસ છેતરાઈ જવા પણ તૈયાર છે. અહંકારના આ ફુગાને જેટલો ફુલાવો તેટલો ફુલે છે. આવા બીજાના ફુગાઓને ફુલાવીને માણસો કામ કઢાવી લેતા હોય છે. કોઈની શ્રીમંતાઈના કોઈની શક્તિના કોઈના રૂપના કે કોઈના જ્ઞાનના જરા વખાણ કરો તે માણસ ફુલાઈને ફાળકો થઈ જશે. કોઈની પાસેથી કામ કઢાવવું હોય તો તેના વખાણ કરો. માણસને પોતાની મહત્તા દેખાવી જોઈએ. પોતે કાંઈક છે તેવો અહેસાસ થવો જોઈએ. અહંકાર અને અભિમાન એ માણસની સૌથી નબળી કડી છે. ઓશોએ ટાંકેલી એક દૃષ્ટાંત કથા આ અંગે ઘણી પ્રેરક છે. 

એક રાજા શિકાર પર નીકળ્યો હતો અને ભટકતો ભટકતો એક ગામમાં જઈ પહોંચ્યો. થાક પણ ખૂબ લાગ્યો હતો અને ભૂખ પણ લાગી હતી. ગામની ઝૂંપડી જેવી દુકાનમાં તે જઈ ચડ્યો અને તેના માલિક વૃદ્ધને પૂછ્યું: એકાદ બે પાંઉ અને ચા મળશે? વૃદ્ધ રાજાને ઓળખી ગયો. રાજધાનીના ઉત્સવમાં અંબાડી પર બેઠેલા રાજાને તેણે જોયો હતો. વૃદ્ધે કહ્યું: જરૂર મળશે આપનું સ્વાગત છે. રાજાને બે પાંઉ અને ચા આપવામાં આવી. નાસ્તો કરી લીધા પછી રાજાએ પૂછ્યું: ભાઈ કેટલા પૈસા આપવાના છે? વૃદ્ધે કહ્યું: એક પાંઉના ૧૦૦ રૂપિયા આપે બે પાઉં લીધા એટલે ર૦૦ અને ચાના રૂ. ૧૦૦ આમ તમારે રૂ. ૩૦૦ આપવાના છે. 

રાજા હેરતમાં પડી ગયો. તેણે ઘણી મોંઘીદાટ ચીજો ખરીદી હતી, પરંતુ એક પાંઉના રૂ. ૧૦૦ કદી સાંભળ્યા નહોતા. તેણે પેલા વૃદ્ધને પૂછ્યું: કેમ અહીં પાંઉ મળતા નથી? વૃદ્ધે કહ્યું: પાંઉ તો મળે છે પણ આપના જેવા રાજા મળતા નથી. 

રાજાએ રૂ. ૩૦૦ કાઢીને આપી દીધા અને ઘોડા પર સવાર થઈને ચાલ્યો ગયો. વૃદ્ધની પત્નીએ કહ્યું, તમે કમાલ કરી નાખી રૂ. ૩૦૦ ખંખેરી લીધા. વૃદ્ધે કહ્યું: હું માણસની નબળાઈને જાણું છું. તેમાં અહંકારની કડીને જરા સ્પર્શ કરી લો તો માણસ ઘુમવા લાગે છે. 

વૃદ્ધની પત્ની આ બધી વાત બરાબર સમજી નહીં એટલે તેણે કહ્યું હું તને મારા જીવનનો એક અનુભવ કહું છું એનાથી તને આ વાત સમજાઈ જશે. 

જુવાનીમાં એક વખત હું રાજધાનીમાં ગયો હતો. ત્યાં મેં એક સસ્તી પાઘડી ખરીદી હતી. ૧૦૦ રૂપિયાની પાઘડી હતી, પરંતુ પાઘડી રંગીન અને ચમકદાર હતી. ચીજ જેટલી વધુ સસ્તી હોય છે એટલી વધુ ચમકદાર હોય છે. સાચા હીરા કરતા નકલી હીરા વધુ ચમકતા હોય છે. સૌ કોઈની નજર મારી પાઘડી પર જતી હતી. રાજાના દરબારમાં પહોંચ્યો ત્યારે રાજાની નજર પણ મારી પાઘડી પર પડી. રાજાએ મજાકમાં કહ્યું: પાઘડી તો બહુ રંગીલી અને ચમકદાર છે. કેટલામાં ખરીદી? 

મેં રાજાને કહ્યું, પૂછો છો કેટલામાં ખરીદી? તમને માન્યામાં નહીં આવે પણ આ પાઘડી માટે મેં પૂરા પાંચ હજાર રૂપિયા ખર્ચ્યા છે. 

રાજાને કિંમત સાંભળીને આશ્ર્ચર્ય થયું. વજીરે સિંહાસન પર ઝૂકીને રાજાના કાનમાં કહ્યું; સાવધાન આ માણસ તરકટી લાગે છે પ૦થી ૧૦૦ રૂપિયાની પાઘડીના પાંચ હજાર કહે છે. બેઈમાન છે. લૂંટવાનો તેનો ઈરાદો લાગે છે. 

વજીરે રાજાના કાનમાં શું કહ્યું હશે તે હું સમજી ગયો. મેં કહ્યું: તો હું જાઉં છું. મારા ગુરુએ કહ્યું છે કે આ પાઘડી નસીબવતી છે અને આ પૃથ્વી પર એક એવો પ્રભાવી રાજા છે. જે આ પાઘડીના રૂપિયા પચાસ હજાર આપશે. હું તે રાજાની ખોજમાં છું. આપના રાજદરબારના દ્વાર પર આવ્યો અને આપનો વૈભવ અને પ્રભાવ જોયો ત્યારે મને લાગ્યું કે આ પ્રભાવી રાજા તમે જ છો, પણ મારી કાંઈક ભૂલ થતી લાગે છે. 

રાજાનો અહંકાર ઘવાયો તેણે કહ્યું: આ વિસ્તારમાં મારા જેવો પ્રભાવી રાજા કોણ છે? પાઘડી અહીં રાખી દો અને પ૦ હજાર રૂપિયા લઈ લો. હું પ૦ હજાર રૂપિયા લઈને જવા માટે બહાર નીકળ્યો ત્યારે દરવાજામાં વજીરનો ભેટો થઈ ગયો. વજીરે કહ્યું: લૂંટવામાં બહુ કુશળ છો, પરંતુ અહીં તમે જાદુ કરી નાખ્યો. વાત શું છે?

મેં કહ્યું: વજીર સાહેબ આપને પાઘડીના ભાવની ખબર છે અને મને માણસની નબળાઈની ખબર છે. આ નબળાઈ છે માણસનો અહંકાર. કોઈ પણ જાતનું અભિમાન સારું નથી. છેવટે તે પતનને નોતરે છે. અહંકાર અને મદ હોય ત્યારે માણસને ખબર પડતી નથી કે તે શું કરી રહ્યો છે. 

ધર્મ કહે છે આ જગતમાં કોઈ વસ્તુ એની મેળે મળતી નથી. શ્રેષ્ઠ ચીજોને શોધવી પડે છે. તે મેળવવા પ્રયાસ કરવો પડે છે. કેટલીક ચીજો એવી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી. સુખ પણ પૈસાથી મળતું નથી. કોઈ પણ વસ્તુ એની મેળે આપણી પાસે આવી જવાની નથી. જીવન અને ધર્મમાં ઉત્તમ વસ્તુઓ છે તે મેળવવા સામેથી જવું પડે છે અને તેને માટે નમ્રતા ધારણ કરવી પડે છે અને અહંકારશૂન્ય બનવું પડે છે. આમાં હુકમ કે આદેશ કામ આવતો નથી. અહંકાર આપણને સારા પાસે જવા દેતો નથી. કેટલાક લોકો એમ સમજે છે મારે કોઈની પાસે જવાની જરૂર નથી. બધા મારી પાસે આવે મારી ખુશામત કરે. ધન કરતાંય જ્ઞાનનો અહંકાર સૌથી મોટો છે. હું બધું જાણું છું. મારે કોઈની પાસેથી કશું જાણવાની કે શીખવાની જરૂર નથી એવો ભાવ હોય તો કશું પ્રાપ્ત થઈ શકે નહીં. અહંકારી માણસો વધુ કઠોર બની જાય છે. તેઓ કોઈની સાથે સમાધાન કરી શકતા નથી. તેઓ કદાચ બધુ છોડી શકશે, પણ હુંની ગાંઠ છૂટશે નહીં. જીવનની બધી લડાઈઓ અહંકારની હોય છે. અહંકારથી કદી કોઈને જીતી શકાતું નથી. જીતી શકાય છે પ્રેમ અને સ્નેહથી, પણ આ માટે વિવેક અને નમ્રતા હોવી જોઈએ. જિંદગીમાં ક્યારે શું બનશે તેની કોઈને ખબર નથી. અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નહોતું. કશું કાયમ રહેવાનું નથી. કાળના પ્રવાહમાં એક ને એક દિન બધુ વિલીન થવાનું છે. તો પછી આ બધું ગુમાન શા માટે? કબીરે કહ્યું છે તેમ...

'કબીર ગર્વ ન કીજીએ, રંક ન હસીએ કોય

હજુ નાવ સમુદ્રમેં , ક્યા જાને ક્યા હોય'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment