Thursday, 3 November 2016

[amdavadis4ever] અંજુનો પત ્ર-મંજુને

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રિય મંજુ,

ઘણા વખતે પત્ર લખવા બેઠી છું, એ પણ તક મળી છે તો લખી શકું છું. સુનીલ એના બિઝનેસ માટે ત્રણ દિવસ કલકત્તા ગયો છે એટલે થોડો સમય મળ્યો છે. મેં એમને કેટલીય વાર કહ્યું કે તમારાં મમ્મી-પપ્પાને અહીં તેડી લાવો ને આપણી સાથે રાખો. સાસુ-સસરા ઘરમાં હોય તો મને કેટલી શાંતિ! આ તો અંદર એકલાં હોઈએ ને ડોરબેલ રણકે તોયે ભયનું લખલખું આખા શરીરમાં ફરી વળે. કોણ હશે? બારણું ખોલીએ ને કોઈ છરો-છરી ઘોંચી દે તો? ન'તું પેલે દહાડે ટી.વી. સિરિયલમાં બતાવેલું? સાસુ-સસરા ગામડાગામમાં એકલાં રહે. છતે છૈયે ઘરડે ઘડપણ એકલાં એના કરતાં, પણ એનો જિદ્દી સ્વભાવ તો હું જ જાણું ને વેઠું. કહે કે 'આપણે પ્રેમલગ્ન કર્યા એ એમને ગમતું ન હોય તો અહીં લાવવાનો કશો અર્થ નથી, આવવું હોય તો એમની મેળે આવે. હું ચોખા મૂકવા જવાનો નથી.' સામે પણ એનાં જ માબાપ છે. એ વળી જાતે આવે? જિદ્દીપણું તો એમના આખા કુટુંબમાં... મને પાંચમો જાય છે એવે વખતે હું અહીં એકલી મૂંઝાઉ એ સ્વાભાવિક છે. મને કહે કે 'આડોશપડોશમાં જતી-આવતી રહે તો મન છૂટું થાય, પગ છૂટા થાય.' આડોશપાડોશ જેવું વળી છે જ શું અહીં? આ સામા ફલેટમાં એક મિસ્ટર નાયર કરીને રહે છે, પણ તેની ઍરલાઈન્સમાં જૉબ છે એટલે મોટેભાગે ઊડતા જ રહે. એક વાર ગરમ ગરમ ઈડલી બનાવીને આપવા ગઈ તો સર્વન્ટે બારણું ખોલ્યું, 'સા'બ હૈ?'

'નહીં જી વો તો ઈટલી ગયે હૈ.'

સાહેબ ઈટલી (ઈટાલી) ગયેલા એટલે, મારી ઈડલી પાછી ફરી. સાહેબ ના હોય, જેવા ઘરની બહાર પગ મૂકે કે મૅડમ ઊપડે પિયર ભણી. ગામમાં સાસરું ને ગામમાં પિયરિયું! કેવું સુખ! 'ગામ', 'સાસરું', 'પિયરિયું' એવા શબ્દો, મંજુ તને આ કાગળમાં જ લખી શકું છું. બાકી એમની હાજરીમાં આવા શબ્દો બોલવાની મનાઈ! અમારી હાઈ સોસાયટીમાં અમુક જ શબ્દો બોલવાના હોય છે. હાઈ સોસાયટી એટલે એકબીજાને મળીએ ત્યારે 'હાય' કહેવું પડે એવી સોસાયટી! એક દિવસ નીચે લારીવાળો મીઠું લગાડેલાં ચણીબોર અને કમરખ બૂમો પાડી પાડીને વેચવા આવેલો તે હું ત્રણ દાદરા ઊતરીને જાતે લેવા ગઈ તેમાં તો મને એમણે પાણીથી પાતળી કરી મૂકેલી. કહે કે આવા ગામઠીવેડા અહીં ઑફિસરોની સોસાયટીમાં નહીં શોભે. મંજુ, આપણે સ્કૂલમાં હતાં ત્યારે કલાસમાં ચણીબોર ખાતાં અને ટેણકો ઠળિયો મોંએથી જ તાકીને ટીચર તરફ ગોફણના પથ્થર પેઠે મારતાં તે યાદ આવી ગયું. ત્યાર પછી તો રોજ એ લારીવાળો બૂમ પર બૂમ માર્યા કરે ને મારાથી બાલ્કનીમાં જઈને એમના દેખતાં જોવાય પણ નહીં, તો પછી નીચે જવાય, લેવાય કે ખવાય તો ક્યાંથી જ? શું પ્રેમલગ્ન આવાં જ નીવડતાં હશે? જેમાં લગ્ન રહે ને પ્રેમ સરકી જાય? પહેલાં પ્રેમ આવેલો એટલે પહેલાં જવાનું પણ એણે જ? હું એમને ઘણી વાર કહું કે 'મને એકલા સોરવતું નથી તો મીટિંગો ને કૉન્ફરન્સીસ ઓછાં કરો, બે પૈસા ઓછા કમાયા તોયે શું?' એક વાર અકળાઈને આવું બોલી પડાયેલું. જવાબ સાંભળી હું તો સાવ ઠંડીગાર થઈ ગઈ. કહે કે 'પ્રેમ કરવાનો સમય પૂરો થયો. આ પાંચ વરસ પ્રેમ જ કર્યો કે બીજું કંઈ? હવે પૈસો બનાવવાનો, સમજી?' એમને માટે પ્રેમ કરવાનો એક ચોક્કસ સમય હતો, જે પૂરો થઈ ગયો હતો! ચોક્કસ ટાઈમટેબલ હતું, જેમાં પ્રેમનો પીરિયડ પૂરો થઈ ગયો હતો! કૉલેજમાં (અમે) હતાં ત્યારે તો કેવાં કાલાંઘેલાં કાઢતો હતો કે 'અંજુ, વહાલી અંજુ, મૅથ્સનો પીરિયડ છોડી દે. આપણે કોઈ પીરિયડ ભરવા નથી. પીરિયડની બહાર પ્રેમ પાંગરવા દે! આજે એ જ પ્રેમ (એ જ પ્રેમ?) પાંચ વર્ષના પીરિયડમાં પૂરો પણ થઈ ગયો! ઘરના ખૂણે ખૂણે પૈસો ગંધાય, અણુએ અણુમાંથી એકલતા ફૂટી નીકળે મંજુ, ટી.વી.ની ચૅનલો બદલી-બદલીને મગજ થાકી જાય. પડદાઓની સિલવટોમાં ભરાયેલા કમ્પો થોડી થોડી વારે મને પણ થથરાવ્યા કરે. એટલે મંજુ, આ બધામાંથી મુક્ત થવા મેં એક નાટક ભજવવાનું નક્કી કર્યું.'

મોડી રાત્રે મીટિંગમાંથી પરવારીને એ ઘેર આવ્યા ત્યારે સામે જઈ, રોજની માફક એમને સત્કારવાને બદલે બેડરૂમના બેસીન પાસે જઈ ઊલટી - ઊબકા - ચક્કરનો અભિનય આદર્યો. મારી શારીરિક સ્થિતિથી, વિકસતા જતા ગર્ભથી તેઓ વાકેફ હતા જ પણ આ બધું પહેલવહેલું જ હોવાથી, અગાઉ આવું કશું જોયું - અનુભવ્યું ન હોવાથી તેઓ ગભરાઈ ગયા ને ડૉક્ટરને ફોન કરવા જતા હતા ત્યાં મેં જ એમને અટકાવીને કહ્યું:

'આવું તો ચાલ્યા જ કરવાનું. એમાં ઘડી ઘડી ડૉક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી. બોલાવવાં જ હોય તો તમારાં મમ્મીજીને જ બોલાવી લ્યો!'

'મારાં મમ્મીને શા માટે? તારાં મમ્મીને કેમ નહીં?'

'એટલા માટે નહીં કે મારાં મમ્મીને ત્યાં તો હું પોતે જ થોડા દિવસ પછી જવાની છું સમજ્યા મારા વરજી? આ તો ત્યાં સુધી...'

મારો ઈરાદો મંજુ, તારી જેમ સાસુ-સસરાની સાથે રહેવાનો હતો. નસીબ પાધરાં આ તે વાત તેમને ગળે ઊતરી ખરી. કદાચ આ વાતનો વીંટો વાળી દેવાના ઈરાદે પણ હોય, ગમે તેમ પણ તેઓ મમ્મીને, એમનાં મમ્મીને બોલાવવા સંમત થયા. મમ્મી આવે તે કંઈ એકલાં નહીં આવે, પપ્પા (સસરાજી)ની સાથે જ આવશે. કેમ કે પપ્પાને દમનો વ્યાધિ હતો ત્યાં કોણ એમને જુએ? એમની દવા વગેરેનો ચાર્જ મમ્મીજી સંભાળતાં હતાં. મારી નણંદ હતી પણ તે કૉલેજમાં પ્રોફેસરી કરતી હતી. તેના અહમ્નો તો પાર નહીં. એટલે બીમાર બાપની સેવા-ચાકરી તેના કાર્યક્ષેત્રમાં આવતી નહોતી. સંદેશો પહોંચતાં જ બંને વડીલો એક શુભ સવારે આવી પહોંચ્યાં. મારો હરખ તો માય નહીં. હું ઝડપભેર ચાલીને તેમને પગે પડવા ગઈ પણ કારપેટનો ખૂણો પગમાં અટવાતાં પડતાં માંડ બચી.

'હાં, હાં, જરા સાચવીને, આવે વખતે કોઈ જોખમ નહીં લેવાનું! સાસુમા બોલ્યાં. હું આ સાંભળી રાજી થઈ. કેટલો મમતાપૂર્વકનો વ્યવહાર! બીજે દિવસે વહેલી સવારે એકાએક સતત ખવાતી ખાંસીના અવાજથી મારી ઊંઘ ઊડી ગઈ. કાન સરવા કરીને સાંભળ્યું તો બાપુજી ખાંસી ખાતા હતા બાજુના ઓરડામાં. એમને દમનો વ્યાધિ હતો. સાસુમા હાથમાં પાણીનો પ્યાલો અને દવાની ટીકડી લઈને ઊભાં હતાં. સહેજ ગભરાયેલા લાગતાં હતાં. અજાણી જગ્યાએ આવું થયું એટલે. થોડીક વારે હુમલો મંદ પડ્યો અને પછી બંધ પડ્યો ત્યારે અમે સૌએ રાહતનો શ્ર્વાસ લીધો, પણ આ ઘટનાની ફળશ્રુતિ થઈ કે મારી કાળજી લેવા આવેલાં સાસુજી હવે પૂરો સમય સસરાજીની તબિયતની કાળજીમાં જ વ્યતીત કરવા લાગ્યાં. અહીં અમારા બોલાવ્યાં આવીને તેમને કંઈક ફસાઈ ગયાની લાગણી થવા લાગી. પરિણામે મારા તરફના સદ્ભાવમાં કંઈક ઓટ આવેલી પણ હું જોઈ શકતી હતી. બીજી બાજુ જેમ જેમ દિવસો વીતતા જતા હતા તેમ તેમ મારી તારીખ નજીક આવતી જતી હતી. મને ક્યારેક ગભરામણ થઈ આવતી. ક્યારેક ચક્કર આવી જતાં પણ હું એ બધું ગા-ગા કરતી નહીં કે દેખાડતી નહીં કેમ કે એક તરફ સસરાજીની માંદગી ચાલતી હોય ત્યાં હું મારું ભોજલું ક્યાં કાઢું? આ 'ભોજલું કાઢવું' શબ્દ મારા સાસુમાએ કોઈને કર્યા હતો. કોઈની પણ માંદગી માટે તેઓ હંમેશાં 'ભોજલું કાઢ્યું' શબ્દોનો પ્રયોગ કરતાં. થૂંકદાની પણ રાખેલી પણ એને અવારનવાર ઍન્ટિસૅપ્ટિક દ્રાવણથી ધોવી પડતી. સાસુજીને ઘૂંટણનો દુ:ખાવો રહેતો એટલે ઊઠવાચાલવાની એમને તકલીફ અને તકલીફને કારણે આળસ કરવાની એવી તો ટેવ પડી ગયેલી કે સારું હોય, ઊઠી-ચાલી શકાય તેમ હોય તોયે તેઓ બેઠાં કે સૂતાં જ રહેતાં. એક વાર ભારે ગમ્મત થયેલી. એમના સાડલામાં કશુંક જીવડું સલવાઈ ગયેલું ને સળવળાટ કરવા લાગ્યું ત્યારે મારા આશ્ર્ચર્ય વચ્ચે એકદમ ચપળતાપૂર્વક લગભગ દોડતાં દોડતાં બાથરૂમમાં જઈ બધું સરખું કરેલું! આ જોઈને મને મનમાં એક તરફ હસવું આવતું હતું ને બીજી તરફ થોડી ચીડ અને ઘૃણા પણ અનુભવાતાં હતાં. આડે દહાડે 'પગની તકલીફ' ગા-ગા કરનારાં એવા એ અસાધારણ સંજોગોમાં કેવાં ઊભાં થઈને દડૂક-દડૂક દોડતાં થઈ ગયાં! ક્યાં ગઈ તકલીફ? પણ આવા વિચારોને મેં આગળ વધવા દીધા નહીં. મનમાં ખરાબ લાગતું હતું, આમ કરતાં કરતાં જ સામી વ્યક્તિ તરફ અભાવ, દુર્ભાવ જાગે. ગ્રંથિઓ બંધાવા માંડે. છેવટે બંને પક્ષે કચવાટ જ વધે. આમ વાત હોવાથી હું એમને ઊઠવું-ચાલવું પડે એવું કશું કામ કરવા ન દેતી. સસરાજીની થૂંકદાની ધોતાં દવા અને ગળફાના ગોબરા મિશ્રણની દુર્ગંધથી મને તમ્મર આવી જતાં, બકારી આવી જતી, ને એક વાર તો વૉમિટ જ થઈ ગઈ એ જોઈ સાસુમા બોલ્યા-

'તું એ બધું રહેવા દે. નિર્મળાને થોડા દિવસ બોલાવી લઈશું.'

નિર્મળા એ મારી નણંદ. કુંવારી હતી. ખાસ્સું ભણેલી હતી. એમ. એ. કર્યું હતું ને કૉલેજમાં અધ્યાપક હતી. ભણતરના પ્રમાણમાં ભણેલું પાત્ર જડતું નહોતું. શરૂમાં બેચાર જગ્યાએથી વાત આવી હતી પણ ત્યારે બેનબાની ઉંમર ઓછી, નવી નવી નોકરી, ઠસ્સો જરૂર કરતાં બહુ જ વધારે, અહંકાર પણ ભયંકર. આ બધાંને કારણે કોઈ જગ્યાએ મેળ પડ્યો નહીં. ઘમંડના અભેદ્ય કિલ્લામાં એ સલામતી માનતી. હવે તો ઉંમર પણ પાંત્રીસેકની થઈ ગઈ હતી. શરીર ફૂલવા માંડ્યું હતું.

ઢોચકાને કોઈ પસંદ કરે એવું રહ્યું નહોતું. ભદ્દી વર્તણૂક તેના તરફ સામાના મનમાં એક વિચિત્ર પ્રકારની ઘૃણા જન્માવતી. 'માબાપની સેવા હવે હું જ કરીશ' એમ જ્યાં ને ત્યાં કહેતી ફરતી. માબાપની સેવા, સૌ સાંભળનાર મનમાં સમજતાં કે લગ્નમાંથી લટકી જવાને કારણે સૂઝી હતી. છતાં તેની ફિશિયારી તો ચાલુ જ હતી. આવી આ નણંદબાને દિવાળી વેકેશન પડતું હતું એટલે રજાનો કોઈ સવાલ નહોતો તેથી 'માબાપની સેવા'માં એક દિવસ આવી પહોંચી.

આવતાંની વારમાં જ પોતાના અપ્રતિમ વાક્ચાતુર્ય, વિદ્વત્તા અને ઘમંડથી મને કનડવા લાગી. તેનું વર્તન જોઈ મને ક્યારેક થતું કે ભણીગણીને આવાં થવાતું હશે? દરેક વાતમાં 'આ તો બધી પછાત લોકોની ખોટી માન્યતાઓ છે, બધું બૉગસ છે, બધું ફગાવી દેવું જોઈએ, આની કશી જરૂર નથી. આપણા લોકો તો બધા મૂર્ખા છે.' વગેરે વગેરે વાક્યો વગર જરૂરે પણ તેના મોંમાથી સર્યા જ કરતાં. પોતાના સિવાય ને પોતાનામાં (માબાપ) સિવાય તેની દૃષ્ટિએ આખું જગત સાવ વાહિયાત હતું. આમાં 'લોકો' એટલે 'હું' એ હું તરત સમજી જતી પણ મેં જ 'આ બેલ, મુજે માર'ની જેમ, એકાંત ટાળવા સામે ચાલીને આ બધું નોતર્યું હતું એટલે મારાથી તો 'એમને' આ વિશે કશી ફરિયાદ પણ થાય તેમ નહોતું. હવે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ કે મારી, સાસુજીની અને સસરાજીની એમ કુલ ત્રણ જણનાં શરીરની અને નણંદબાના મન (મૂડ)ની આળપંપાળ કરવાનું કામ મારા મિસ્ટર તરફ પ્રસરવા લાગ્યું. એ બેનના જ ભાઈ હતા! કશું સહન ન થાય. અકળાય એટલે એક દિવસ કંટાળીને મારી સામે પિયર જવાનો પ્રસ્તાવ મૂક્યો. મેં બહારથી થોડીક (થોડીક જ) ખોટી આનાકાની ને અનિચ્છા પ્રગટ કર્યાં પણ તેમણે થોડી ખેંચાખેંચ કરી એટલે હું જાણે એમની વાતને આજ્ઞાંકિત બની સ્વીકારતી હોઉં તેમ પિયર જવા તૈયાર થઈને એક સારો દિવસ જોઈ ઊપડીએ ગઈ.

એ મને મૂકવા આવવાના હોઈ મારાં સાસુજીએ મમરો મૂક્યો કે 'અહીં હવે અમારે રહેવાનું શું કામ? આમેય તારા બાપુજીને અહીંની હવા માફક આવતી નથી,' વગેરે વગેરે 'અમે પણ જઈએ જ'. મારા મિસ્ટરને તો પહેલેથી જ એવો કોઈ ઝાઝો ઉમળકો હતો જ નહીં એટલે મેં જેમ પૂર્વે પિયર જવા અંગે ખોટી આનાકાની કરેલી તેમ એમણે પણ 'આવ્યાં - આવ્યાં તો રહી જાઓ થોડા દિવસ' એમ સાવ ખોટેખોટું એક-બે વખત મોળા-ઢીલા અવાજે કહી જોયું. પણ માઈબાપ દીકરાજીના લખ્ખણ જાણતાં હોવાથી દીકરાના આગ્રહનું ઠાલાપણું પારખી ગયાં અને મને પછીથી જાણવા મળેલું તેમ મારા પિયર ગયાના ત્રીજે જ દિવસે તેમણે દીકરાને ઘેરથી મુકામ ઉઠાવી લીધો હતો.

મંજુ, પૂરે મહિને રૂડોરૂપાળો ગલગોટા જેવો છૈયો થયો. ઘોળીપોલી, નામકરણ બધી વિધિઓ યથાસમય સંપન્ન થયા. ત્રણ મહિના પછી અમે સ્વગૃહે જવા નીકળ્યા. મારાં બાનું મન ભરાઈ આવ્યું. મારી નાની બેન સાથે જબરી માયા લાગી ગઈ હતી મુન્નાને. તેને આવવું હતું મારી સાથે પણ તેની કૉલેજ ચાલુ હતી એટલે શક્ય નહોતું. મોટાભાઈ-ભાભી પણ આંખમાં ઝળઝળિયાં સાથે ઓટલા પર ઊભાં હતાં. બાજુવાળી બે છોકરીઓ પણ મુન્નાને રમાડવા લઈ જતી એટલે બહુ હળી ગઈ હતી તે એને ચોટિયા ભરતી રમાડવા લાગી, 'ભાણાભાઈ આવજો, ભાણાભાઈ આવજો' થવા લાગ્યું ને છેવટે અમે ભારે હૈયે વિદાય થયાં.

પ્રિય મંજુ, હજી મારા 'એ' બાબાને સાચવવા પોતાનાં મમ્મી-પપ્પાને 'થોડા દિવસ' બોલાવવાનું કહ્યા કરે છે. ઢીલા-મોળા શ્ર્વરે મને પૂછે છે, પણ હું બહારથી કોમળ સ્વરે, વિનયપૂર્વક 'શી જરૂર છે?' કહીને ટાળું છું. કેમ કે એમના આવ્યા પછી તો મારી એકલતા ઓર વધી જાય એવી મને ખાતરી છે ને હવે હું એકલી જ ક્યાં છું?

તું પણ બેન એક એકલતા ટાળવા, બીજી એકલતાને નોતરવાની ભૂલ કદી ના કરીશ.

લિ.

તારી પ્રિય સખી

અંજુ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment