Tuesday, 18 October 2016

[amdavadis4ever] યુદ્ધ કેસરી - પ્ર ફુલ શાહ......પાકિસ ્તાનનો હા થ ઉપર પણ, ભારતનો જ ુસ્સો વધુ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઝારખંડના રાંચીની મુલાકાતે જનારાઓ બજારમાં ફરતી વખતે આલ્બર્ટ એક્કા ચોકમાં એક જવાનની પ્રતિમા જોઈને આગળ વધી જાય. આ જિલ્લાના સબ-ડિવિઝન ગુમલામાં આલ્બર્ટ એક્કા બ્લોક છે. ભારતના ૫૦માં પ્રજાસત્તાક દિને એટલે કે ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ આલ્બર્ટ એક્કાના માનમાં ત્રણ રૂપિયાની ટપાલ ટિકિટ સુધ્ધાં બહાર પડાઈ હતી.

જાણો છો કે કોણ છે આ આલ્બર્ટ એક્કા?

* * *

આલ્બર્ટ એક્કાનો જન્મ ૨૭મી ડિસેમ્બર, ૧૯૪૨ના રોજ બિહાર (હવે ઝારખંડ)ના ગુમલા જિલ્લાના ડુમરી બ્લોકમાં આવેલા જરી ગામમાં થયો હતો. પિતાજી જુલિયસ એક્કા, ને માતાનું નામ મરિયમ એક્કા. આ જરી ગામ મૂળ તો આદિવાસી વિસ્તાર. આલ્બર્ટે શરૂઆતી શિક્ષણ પટરાટોલીની સી.સી. સ્કૂલ અને માધ્યમિક શિક્ષણ ભિખમપુર મિડલ સ્કૂલમાંથી મેળવ્યું હતું.

આદિવાસી વિસ્તારના એક બાળકના બહુ નાના-નાના સપનાં હોય. રોટી, કપડા અને મકાન પ્લસ શક્ય બને તો શિક્ષણ પણ બાળપણથી આલ્બર્ટની એક જ ઈચ્છા કે આપણે તો લશ્કરમાં જોડાવું છે. આ સપનું સાકાર થયું ૧૯૬૨ના ડિસેમ્બરમાં. લશ્કરમાં કામગીરીના શ્રી ગણેશ કર્યા બિહાર રેજિમેન્ટમાં.

આલ્બર્ટ એક્કામાં શિસ્તની ભાવના એટલી બધી પ્રબળ, અનુકરણીય અને ઈર્ષા ઉપજાવે એવી કે ન પૂછો વાત. સાથોસાથ હોકીના ખૂબ સારા ખેલાડી. આ બધાના પ્રતાપે કારકિર્દીની શરૂઆતમાં એટલે કે તાલીમ મેળવવાના દિવસોમાં જ લાન્સ નાયકનો હોદ્દો મળી ગયો.

લશ્કરમાં રહેવા છતાં આલ્બર્ટ એક્કાને પોતાના સાચા, કસબ, કરતબ અને શૌર્ય દાખવવાની તકની પ્રતીક્ષા હતી. આ મોકો મળી ગયો ૧૯૭૧માં. એ સમયે લાન્સ નાયક આલ્બર્ટ એક્કા ફોર્ટીન ગાર્ડસમાં હતા, નંબર ૪૨૩૯૭૪૬. સ્વતંત્ર બંગલાદેશ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું હતું. 

અહીં આ યુદ્ધની પૂર્વભૂમિકા સમજી લઈએ. પાકિસ્તાનની આંતરિક સમસ્યા, પુખ્ત લોકશાહીનો અભાવ અને કાબેલ રાજકીય નેતાગીરીના દુકાળને લીધે ભારતે અનિચ્છાએ આ જંગમાં ઝંપલાવવું પડ્યું હતું. સૌ જાણે છે એમ પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી પ્રજાનું પ્રભુત્વ હતું, જે ઊર્દૂ ભાષી મુસ્લિમ શાસકોને આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. આને લીધે પૂર્વ પાકિસ્તાને સતત અન્યાય, અત્યાચાર અને અપમાન સહન કરવા પડતા હતા જેને લીધે લોકો તંગ આવી ગયા હતા. આ લોકજુવાળને પગલે ૧૯૭૦ની સાતમી ડિસેમ્બરે પૂર્વ પાકિસ્તાનમાં શેખ મુજીબુર રહેમાનની પાર્ટી અવામી લીગને ભારે બહુમતી મળી તો ઈસ્લામાબાદના આકાઓના પેટમાં ઉકળતું તેલ રેડાયું હતું. સંસદની રચના કરવાનો નફ્ફટ ઈનકાર કરીને આ ચૂંટણી પરિણામને અસ્વીકાર્ય જાહેર કરી દેવાયા. આના વિરોધમાં આંદોલન છેડાઈ ગયું, જેમાં સમાજના બધા વર્ગ આપમેળે ગયા. વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુતો અને લશ્કરી વડા જનરલ યાહ્યા ખાને આ જનઆંદોલનને કચડી નાખવા માટે દમનનો કોરડો વીંઝ્યો. લશ્કરની પશુતાથી ગભરાઈને પૂર્વ પાકિસ્તાનમાંથી લોકો ભારતમાં દોડી આવ્યા. લાખોની સંખ્યામાં આવેલા પૂર્વ પાકિસ્તાની નિરાશ્રિતોને સાચવવા સંભાળવાનું ભારત માટે આસાન નહોતું. આ શરણાર્થીઓને ભારતની સમસ્યા ગણાવીને પાકિસ્તાને નિર્લજ્જપણે હાથ ઊંચા કરી દીધા. ભારત માટે એક વિકલ્પ બચ્યો હતો. યુદ્ધ છેડીને શેખ મુજીબુરને મદદ કરીને આ શરણાર્થીઓની સ્વમાનભેર અને સલામતપણે ઘર વાપસી કરાવવી.

આવા સંજોગોમાં લાન્સ નાયક આલ્બર્ટ એક્કાના ફોર્ટીન ગાર્ડસને પૂર્વ પ્રાંતમાં ખૂબ મહત્ત્વની કામગીરી સોંપાઈ હતી. અગરતલાથી ૬.૫ કિલોમીટર દૂર પૂર્વ પાકિસ્તાનમાં ગંગા નગરમાં આવેલા પાકિસ્તાની થાણા પર કબજો જમાવવાનો હતો. આ આદેશનો અમલ આસાન નહોતો, પરંતુ નસનસમાં છલોછલ દેશપ્રેમ અને શૂરવીરતાવાળા ભારતીય સૈનિકો ક્યાં કોઈ પડકારથી ગભરાતા હતા?

લાન્સ નાયક આલ્બર્ટ એક્કાએ પોતાની બટાલિયન ધ બ્રિગેડ ઓફ ધ ગાર્ડસના સથવારે ઈસ્ટર્ન ફ્રન્ટ પર ગંગાનગરમાં તૈનાત દુશ્મનોને તગેડી મૂકવા માટે જોશભેર કૂચ કરી. શત્રુઓની ક્ષમતા અને શક્તિ સરખામણીમાં ઘણાં વધુ હતા.

હકીકતમાં તો સરખામણીનો સવાલ જ ઉપસ્થિત થતો નહોતો. એક તો પાકિસ્તાનીઓ પોતાની ધરતી પર હતા. એટલે તેઓ ભૌગોલિક રચનાથી સુપેરે પરિચિત હતા. સૈનિક બળ વધારે હતું. શસ્ત્રો વધુ હતા. સરંજામ ઘણો હતો, પરંતુ વધુ પડતો વિશ્ર્વાસ આત્મઘાતી નિવડી શકે એની પાકિસ્તાની લશ્કરને કદાચ જાણ નહોતી. ભૂતકાળની ભારત સામેની હાર ભૂલાઈ ગઈ હતી કે એનું વેર વાળવા વધુ તલપાપડ થયા હતા? જવાબ એવો ભયંકર મળવાનો હતો કે જીવનભર તો ઠીક મર્યા બાદ પણ ન ભૂલાય. એમાંય લાન્સ નાયક આલ્બર્ટ એક્કા જે કરી બતાવવાના હતા એની તો કોઈ કલ્પનાય નહોતી કરી શક્યા. 

લાન્સ નાયક આલ્બર્ટ એક્કા. લશ્કરમાં જોડાવાનું સપનું નાનપણથી જોનારા આલ્બર્ટને ૧૯૭૧માં દેશ માટે લડવાની તક મળી. પૂર્વ પાકિસ્તાનમાં અત્યાચારોનો કોરડો વીંઝીને લાખો નિરાશ્રિતો ભારત ભણી ધકેલનારા ઈસ્લામાબાદને પરચો બતાવવાનું ભારત માટે અનિવાર્ય હતું. બટાલિયન ધ બ્રિગેડ ઑફ ધ ગાર્ડ્સને લઈને લાન્સ નાયક આલ્બર્ટ એક્કાએ ઈસ્ટર્ન ફ્રન્ટ પર ગંગાસાગરમાં જમાવટ કરીને બેસેલાં પાકિસ્તાની દળોને તગેડી મૂકવાના હતાં. સંખ્યા, શસ્ત્ર અને શક્તિના ત્રાજવે શત્રુનો હાથ ઉપર હતો, પણ ભારતના પક્ષે બેનમૂન શૌર્ય અને દેશદાઝ હતા. 

પૂર્વ પ્રાંતમાં અગરતલાની ૬.પ કિલોમીટર દૂર આવેલી આ પાકિસ્તાની ચોકીને મારી હટાવવાનું ખૂબ મુશ્કેલ હતું, છતાં આલ્બર્ટે એક પળનોય વિચાર કર્યા વગર બીડું ઝડપી લીધું. 

લાન્સ નાયક આલ્બર્ટ એક્કાની બટાલિયન હુમલો કરવા ધસી ગઈ તો સામેથી ગોળીઓ અને તોપગોળાનો વરસાદ થવા માંડ્યો. દુશ્મનોની લાઈટ મશીનગન ધાણીની જેમ ફૂટતી હતી. આ સતત ગોળીઓ ઓકતી મશીનગન કોઈ પણ રીતે બંધ કરવાનું જરૂરી હતું, પરંતુ આ કાર્ય ભગીરથ જ નહીં, એકદમ જોખમી હતું, કદાચ જીવલેણ પણ. દુશ્મનો સાથે સીધી ટક્કર લીધી એટલે ભારતીય સેનાને ખુવારી ખમવી પડી, ખુમારીનો કાંકરોય ન ખર્યો. આલ્બર્ટ એક્કા એક બંકરથી બીજા બંકર વચ્ચે મોતને હાથતાળી આપીને દોડધામ કરવા માંડ્યા. જે પાકિસ્તાની સૈનિક હાથ લાગ્યા તેમનો કચ્ચરઘાણ કાઢવા માંડ્યા. લાઈટ મશીનગન ચલાવીને ભારતીય સૈનિકોના મોત કે ઘાયલ થવા પર પિશાચી અટ્ટહાસ્ય કરતાં પાકિસ્તાનીને આલ્બર્ટ એક્કાએ ખતમ કરી નાખ્યો અને તેના સાથીઓને પણ ગંભીર ઈજા પહોંચાડી હતી. 

આ ધમાલમાં આલ્બર્ટ પણ ઘાયલ થયા હતા. પોતાની ઈજાની લેશમાત્ર પરવા કર્યા વગર તેઓ ધ્યેયને વળગી રહ્યા હતા. સાથી સૈનિકો સાથે તેઓ યુદ્ધમાં રમમાણ રહ્યાં હતાં. બરાબર આ જ સમયે એક અન્ય શત્રુએ એમએમજી (મિડિયમ મશીનગન)થી આડેધડ ગોળીઓ છોડવા માંડી, તો આલ્બર્ટ સિંહની જેમ એ દિશામાં ધસી ગયા હતા. લાગ જોઈને એમએમજીવાળા પર હેન્ડગ્રેનેડ ફેંકીને એના ફુૂરચેફુરચા ઉડાવી નાખ્યા. શત્રુના સાથીઓને પણ ખરાબ રીતે ઘાયલ થયા. હવે આલ્બર્ટ એક્કા એક લોહીલુહાણ થયેલા ઘાયલ સિંહની જેમ યુદ્ધના મેદાનમાં ધડબડાટી બોલાવતા હતા. ક્યારેક ધરતી પર ઢસડાતા કે ઘૂંટણિયાભેર આગળ વધે, તો ક્યારેક બંકરમાં દુશ્મનની સામે કૂદી પડે. છેલ્લે બહુ પજવતા એમએમજીવાળા દુશ્મનને શાંત પાડવા તેઓ બંકરની દીવાલ કૂદીને અંદર ખાબક્યા અને બંદૂક દુશ્મનની છાતીમાં પરોવી દીધી. આગ ઓકતી એમએમજી શાંત થઈ ગઈ અને ભારતીય સૈનિકોના જીવ પરનું જોખમ ટળી ગયું એની પૂરેપૂરી ખાતરી થયા બાદ આલ્બર્ટ એક્કા ભારે ઈજાને લીધે યુદ્ધભૂમિ પર શહીદ થઈ ગયા. 

આ પ્રતાપી વીરને લીધે ગંગાસાગર ચોકીનું પતન થયું અને ભારતીય લશ્કરને પાકિસ્તાનમાં વધુ આગળ ધપવાનો માર્ગ મોકળો થયો. ૧૯૭૧ની સોળમી ડિસેમ્બરે પાકિસ્તાની સૈન્યે શરણાગતિ સ્વીકારવી પડી એના મૂળમાં લાન્સ નાયક આલ્બર્ટ એક્કા જેવા અનેકની શૂરવીરતા અને શહાદત હતા. 

માત્ર ર૮ વર્ષની ઉંમરે દેશ માટે ફના થઈ ગયેલા લાન્સ નાયકને મરણોત્તર પરમવીરચક્ર એનાયત થયો હતો. એમની વીરતાને લશ્કરમાં આજેય યાદ કરાય છે. 

પરમવીરચક્ર વિજેતા લાન્સ નાયક આલ્બર્ટ એક્કાએ ભલે પોતાની ફરજ અનન્યપણે નિભાવી જાણી, પરંતુ એક રાષ્ટ્ર અને સમાજ તરીકે આપણે વધુ એકવાર નગુણા સાબિત થયા. બિહારના આ પહેલવહેલા અને એકમાત્ર પરમવીરચક્ર વિજેતાની સરકારે કે જનતાએ ન યોગ્ય કદર કરી કે ન એના પરિવારને કોઈ સધિયારોે આપ્યો. 

૧૯૭૧માં માત્ર ર૮ વર્ષની ઉંમરે લાન્સ નાયક આલ્બર્ટ એક્કા શહીદ થઈ ગયા પછી એમના પરિવાર સાથે જે કંઈ બન્યું એ અત્યંત શરમનાક છે. રાંચીમાં આ શહીદના નામે ચોક બનાવાયો અને એક બ્લોકને નામ સુધ્ધાં અપાયું. આ બંને કાર્યને આવકાર્ય ગણીએ તો પણ એ કંઈ એક્કા પરિવાર પ્રત્યે બેદરકારી દાખવવાનો આજીવન પરવાનો બની ન શકે. શહાદતા, ૪૧ દાયકા વીતી ગયા બાદ આલ્બર્ટ એક્કાની પત્ની બદમદીના ખૂબ કંગાળીમાં દિવસો વિતાવતા હતા. સંજોગો એટલા બધા આકરા આવ્યા કે શહીદનો પુત્ર વિન્સેન્ટ ચપરાસીની નોકરી મેળવવા માટે સરકારી ઑફિસના પગથિયાં ઘસતો હતો. ૧૯૭૧માં શહિદની ૭૫ વર્ષની વિધવા બલમદીના બીમાર રહેતી હતી અને બે પુત્ર-પુત્રીઓ સાથે ખેતીવાડી કરતી હતી. એ જ ગામમાં શહીદના કુટુંબને સરકારે પાંચ એકર જમીન ફાળવી હતી, પણ એના પર ગામના જ યોઘનસિંહનો કબજો હતો. આ જમીન મેળવવાનો મામલો કોર્ટની ફાઈલોમાં કાયમી નિવાસ કરતો હતો. 

આ કમનસીબી ઓછી હોય એમ બિહાર સરકારે પટણાના કંકડગામમાં એક્કાના પરિવારજનોને ફાળવેલા ફ્લેટ અને રાંચી સૈનિક બજારમાં ફાળવેલી દુકાન પણ તેમને મળી નહોતી. 

બલમદીના આલ્બર્ટ એક્કાએ સરકારને આજીજી કરી હતી કે હકની પાંચ એકર જમીન અમને અપાવી દો. અમે ગમે તેમ જીવનનિર્વાહ કરી લઈશું. 

૨૦૧૬ના જાન્યુઆરીમાં આલ્બર્ટના પત્ની બલમદીના, પુત્ર વિન્સેન્ટ અને પુત્રવધૂ રજની અગરતલાની ૧૫ કિલોમીટર દક્ષિણે આવેલા ડુકલીસ્થિત શ્રીપલ્લી ગામની મુલાકાતે ગયા હતા. આ ગામમાં આલ્બર્ટ એક્કા અને એમની સાથે શહીદ થયેલા અન્ય દસ સૈનિકની અંતિમવિધિ થઈ હતી. આ અગિયાર જવાનના માનમાં ભુબાનદાસની આગેવાની હેઠળ ગ્રામજનોએ નાનકડું સ્મારક બાંધ્યું હતું. દર વર્ષે વિજય દિને આ સ્મારક પર પુષ્પો અર્પણ કરીને શહીદોની માનવંદના કરાતી હતી. 

એ સમયે વિન્સેન્ટ એક્કાએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે જો બાંગલાદેશ સરકાર મંજૂરી આપે તો અમે મારા પિતા શહીદ થયા એ સ્થળ ગંગાસાગરની મુલાકાતે જવાનું પસંદ કરીશું. કારકુનની નોકરી કરતા વિન્સેન્ટ શ્રીપલ્લી ગામની ધૂળ સંભારણા માટે સાથે લઈ ગયા હતા.

એક્કા પરિવારે ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો અને પિતાના અંતિમ વિરામસ્થળની ધૂળથી સંતોષ માની લેવો પડે એ સમગ્ર વ્યવસ્થાતંત્ર માટે ડૂબી મરવા સમાન છે, પણ ગેંડાની ચામડીને નાજુક કહેવડાવે એવી ચામડીવાળી નોકરશાહીના પેટનું પાણી હાલે તો કંઈ થાય, પરંતુ એક ભારતીય તરીકે આપણે સૌ પરમવીરચક્ર વિજેતા લાન્સ નાયક આલ્બર્ટ એક્કાના ઋણી છીએ અને એમની શહાદત બદલ ગર્વભેર વંદન કરીએ છીએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment