Wednesday, 19 October 2016

[amdavadis4ever] ત્રીજું વિશ્ર્વયુ દ્ધ સાયબર સ્પેસમાં!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મીરા રોડના તાજેતરના કૉલ સેન્ટરે કેટલાક અમેરિકન નાગરિકો સાથે થયેલી નાણાકીય છેતરપિંડીનો કેસ ખાસ્સો ગાજ્યો. આ કેસ સાયબર સ્પેસમાં થતા ગુનાનું પ્રાથમિક સ્વરૂપ છે જેમાં લોકોની અંગત માહિતી 'ચોરીને' એનો ઉપયાોગ તેમને જ ફસાવવા માટે કરવામાં આવ્યો હતો. એને પગલે એક અમેરિકન મહિલાને સખત આઘાતને કારણે પક્ષાઘાતનો હુમલો આવ્યો અને એનું મૃત્યુ થયાના બાતમી સમાચાર માધ્યમોમાં આવી હતી. આ મામલો વધુ એક સાયબર ગુનો થયાનું માની લઈને બેસી રહેવાનો નથી, આ બાબત ખરે જ બહુ ગંભીર છે.

આ રીતે નાણાં પડાવી લેવાની પદ્ધતિ ટેક્નિકલ છે, થોડી જટિલ છે. આ સિવાય કંપનીના અકાઉન્ટને હૅક કરીને કરોડો રૂપિયા સેરવી લેવાના બનાવો પણ બનતા રહે છે. આ પ્રકારના કેસમાં જે વ્યક્તિ સાથે છેતરપિંડી થાય છે એમાં તેની અંગત માહિતી કમ્પ્યુટરમાં ગેરરીતી વાપરીને મેળવી લેવામાં આવે છે. ત્યાર બાદ એનો ઉપયોગ ફસામણી માટે કરવામાં આવે છે. 'તમને લોટરી લાગી છે. આટલા નાણાં તમારા બૅન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા છે, તમારા અકાઉન્ટની વિગતો આપો', એવું કહીને લોકોને ઠગવાના અનેક ગુના બન્યા છે. બૅંકના એટીએમ કાર્ડ સંબંધે પણ આવા પ્રકારની વાતો બને છે. ત્યારે આ મામલે જાગીને સાવધાન થવાની મોટી આવશ્યક્તા છે. 

અહીં બીજી એક ધક્કાદાયક બાતમી નોંધવી પડે એમ છે. ભારતે પાકિસ્તાનના કબજાના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાનના હૅકરોના એક જૂથે એવો દાવો કર્યો હતો કે તેમણે એક જ અઠવાડિયામાં લગભગ ૭૦૦૦ ભારતીય વૅબસાઈટ હૅક કરી છે. જૂથે એમ પણ કહ્યું હતું કે તેમનો આ સાયબર હુમલો ભારતીય લશ્કર સામે વેરની વસૂલાત હતી. અહીં પરદેશમાં સાયબર હુમલાથી કેવી ભયાનક સ્થિતિ સર્જવામાં આવી હતી એ જાણવું પણ યોગ્ય છે. ઈસ્ટોનિયાના ટોલીનની વાત છે. વિરોધીઓએ રશિયાના લશ્કરનું એક સ્મારક તોડી પાડતાં રશિયનોએ ડીડીઓએસ (ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ) હુમલા કર્યા હતા. તેમણે એટલા બધા ટ્રાફિક (સાયબર પર) વડે તમામ નેટવર્ક એવા જામ કરી દીધા હતા કે દેશના તમામ નાણાકીય નેટવર્ક્સ ભાંગી પડ્યા હતા અને દેશનો તમામ નાણાકીય વ્યવહાર થંભાવી દીધો હતો. આ હુમલાને ડબલ્યુ. ડબલ્યુ. વન (આઈ) અથવા વૅબ વૉર વન (આઈ) એવું હુલામણું નામ આપવામાં આવ્યું હતું. ૨૦૦૯ના મે મહિનામાં અમેરિકામાં આ ઘટના બની હતી. ઉત્તર કોરિયાએ હોમલૅન્ડ સિક્યુરિટી ઍન્ડ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ્સની તમામ વૅબ સેવાઓ પર હુમલો કરીને તેને તોડી નાખી હતી. ઉત્તર કોરિયામાં ગ્રિડ નથી અને ઈન્ટરનેટ જોડાણો પણ ભાગ્યે જ છે ત્યારે અમેરિકા વળતો હુમલો કરીને શું કરી શકે? કેનેડાની ૨૦૦૯ની ઘટના પણ એટલી જ ભયાનક છે. કેનેડિયનોને અચાનક ઘોસ્ટનેટ (ભૂતિયાનેટ)ની જાણ થઈ જેણે વિશ્ર્વભરના વિવિધ દૂતાવાસના ૧૩૦૦ કમ્પ્યુટરોને પકડમાં લીધાં હતાં. આ હુમલાની ક્ષમતા એટલી પ્રચંડ હતી કે તેનાથી કમ્પ્યુટરોના કેમેરા અને માઈક્રોફોન યુઝરની સાથે ચેડાં કર્યા વગર ચાલુ કરી શકાતાં હતાં અને કોઈને કશી જ ખબર ન પડે એમ, ચૂપચાપ તસવીરો અને અવાજ (રેકોર્ડ કરેલી વાતચીત કે લેક્ચર)ને ચીનમાં રહેલા સર્વરને એક્સપોર્ટ કરાતાં હતાં. 

ઈન્ટરનેટનો વપરાશ બેધારી તલવાર છે. ઈન્ટરનેટથી સમાજસેવા કરી શકાય છે, રચનાત્મક કાર્ય કરી શકાય છે એવી જ રીતે સમાજનું અકલ્યાણ કરી શકાય છે, સંહારાત્મક કામ પણ કરી શકાય છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે, ઈન્ટરનેટથી એક દેશને યુદ્ધ વિના હરાવી શકાય છે, ખતમ કરી શકાય છે. એ આધારે જ એમ પણ માનવામાં આવે છે કે, જો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થશે તો એ રણમેદાનમાં નહીં પણ મોટા ભાગે ઓનલાઈન-મેદાનમાં લડાશે. એક નિષ્ણાત (નામ નહીં આપવાની શરતે) કહે છે, "હવેનું વિશ્ર્વયુદ્ધ હવામાં, જમીન પર, દરિયામાં અને ઓનલાઈન લડાશે. ન્યુ અમેરિકા નામની થિન્કટેન્કના વ્યૂહરચનાકાર અને 'ઘોસ્ટ ફ્લીટ' નામના પુસ્તકના સહલેખક ડૉ. પીટર સિન્ગરે એક મુત્સદ્દીને ખાનગી બેઠકમાં કહ્યું હતું કે, "આપણે એક જ ડમેન-એક જ દિશામાં, એક જ પદ્ધતિએ યુદ્ધ લડવા ટેવાયેલા છીએ, એ જ રીતે ઊછર્યા છીએ, પણ હવે નવા ડમેન-નવી જ્ગ્યાઓમાં નવી પદ્ધતિઓ આવી છે, એ છે આઉટર સ્પેસ (પૃથ્વીના વાતાવરણની બહારનું અવકાશ) અને સાયબરસ્પેસ (કાલ્પનિક કે કલ્પનાનું અવકાશ).

સિન્ગર અને ઑગસ્ટ કોલે 'ઘોસ્ટ ફ્લીટ'માં જો અમેરિકા, ચીન અને રશિયા યુદ્ધમાં ઊતરે અને એ યુદ્ધમાં હૅકિંગ અને ઈલેક્ટ્રોનિક્સ મોટો ભાગ ભજવે તો સંભવત: શું બને, એની કથા રજૂ કરી છે. પુસ્તક ભલે ફિક્શન-કાલ્પનિક છે, પણ લેખકોએ પુસ્તકમાં આલેખેલી તમામ ટેક્નોલોજી વાસ્તવિક જગતમાંથી લીધી છે. સિન્ગર કહે છે કે, "સાયબરસ્પેસમાં આ ટેકનોલોજીઓનું તમે ઈચ્છો છો એ રીતનું સંચાલન નથી કરી શકતા તો માની લો કે તમે જમીન પરની અને હવામાંની લડાઈઓ હારી જ જવાના છો. સાયબરનો ઉપયોગ કરવાનો અર્થ છે કે તમે પરંપરાગત સામો હુમલો નથી કરતા, પણ એક કાલ્પનિક સ્પેસમાંથી હુમલો કરો છો, જે આજે અનેક ઠેકાણે થઈ રહ્યું છે. તાજેતરમાં યુક્રેન, સિરિયા અને અન્યત્ર લડાતી કે લડાઈ ગયેલી લડાઈઓમાં આપણે વિશ્ર્વયુદ્ધની સૂક્ષ્મ આવૃત્તિ જોઈ છે. એક 

લશ્કરી અધિકારી આ બાબતને રજૂ કરતા કહે છે, "ભવિષ્યનું યુદ્ધ મશીનગનો અને બુલેટોનું નહીં હોય, પણ વન અને ઝીરો (કમ્પ્યુટરો જે ભાષાથી ચાલે છે તે)નું હશે.

યુદ્ધનો એક સોશિયલ અવતાર પણ છે. અખબારોનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે પત્રકાર અને વાચક અલગ અલગ હતા, પણ જ્યારથી ઈન્ટરનેટ આવ્યું છે તેના પરિણામે સાકાર થયું સોશિયલ મીડિયા જેને સમાજના માધ્યમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો અર્થ એવો થાય કે આ માધ્યમનો માલિક, સંચાલક અને સંપાદક-તંત્રી ખુદ સમાજ છે. હવે રિપોર્ટર અને રીડર-પત્રકાર અને વાચક એક થઈ ગયો છે, ત્યારે સારાસાર વિચાર, વિવેક અને સત્યની ચકાસણી વગેરે સમય ખાનારી બાબતો પરત્વે આંખ આડા કાન કરવામાં આવે છે.

હાથમાં મોબાઈલ ફોન કેમેરા હોય ત્યારે રાજ્યની વ્યવસ્થાને કે સરકારી નીતિને ધુત્કારી સત્યને, વાસ્તવિકતાને જગત સમક્ષ મૂકવી અલગ બાબત છે અને 'આંગળી ઉપાડીને કરી દીધું પોસ્ટ' એવી બેફિકરાઈથી આપણો ગાંડોઘેલો વિચાર કે મુદ્દો માંડવો અલગ બાબત છે. બીજા વિશ્ર્વ યુદ્ધમાં અમેરિકામાં પોસ્ટરો પર 'લૂઝ લિપ્સ..., સિંક્સ શિપ્સ' અવો નારો લખેલો રહેતો હતો. ફાવે તેવો બકવાસ મોટાં જહાજો ડુબાડી દઈ શકે, એવું જ આ સોશિયલ મીડિયાના વિચાર વિનાના વપરાશનું છે. 'બોલવામાં ધ્યાન રાખો નહીં તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે', એ વિચાર યુદ્ધકાળમાં જ નહીં, પણ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ સતત અમલમાં રહેવો જોઈએ. લગામ વિના બોલવાનો મામલો આપણે ઉડી હુમલા બાદની સર્જિકલ સ્ટ્રાઈક સંબંધે સોશિયલ મીડિયા પર જોયો જ છે, અહીં 'હું શું બોલ્યો' એને બદલે 'હું શું કામ બોલ્યો' એ વિચાર અહમ્ ભાવથી પ્રેરિત સોશિયલ મીડિયાના વપરાશકારોને નથી આવતો.

અહીં જે વાત કરી છે એ જ બાબતનો વધારે લુચ્ચો કે 'કનિંગ', શઠતાભર્યો ઉપયોગ દેશમાં આંતરવિગ્રહ લાવી શકે, એ વિચાર કોઈને નથી આવતો. પંદર દિવસ અગાઉ લશ્કરના એક અધિકારીના લેખમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, 'દેશના ગુપ્તચર ખાતાએ ભારતમાં ભવિષ્યમાં સાયબર યુદ્ધના જોખમની સંભાવના વ્યક્ત કરી છે'. વળી એમ પણ જણાવ્યું છે કે ભારતીય સાયબર સલામતીમાં અનેક ત્રુટિઓ હોવાનું સ્પષ્ટ થયું છે. ભારતની વસતી આશરે ૧૩૦ કરોડ છે, તેમાંથી લગભગ ૩૨ કરોડ જણ ઈન્ટરનેટનો વપરાશ કરે છે. દેશના બધાં જ મંત્રાલયો ઈન્ટરનેટનો વપરાશ કરે છે એવી જ રીતે લશ્કરમાં પણ ઈન્ટરનેટનો વપરાશ થાય છે. સંભવત: સાયબર યુદ્ધનો સામનો કરવા માટે ૨૦૧૦માં સાયબર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)ની રચના કરવામાં આવી હતી.

હૅકિંગના માધ્યમથી ચીન જગતભરમાં ત્રાસવાદ ફેલાવતો હોવાનો આક્ષેપ છે. જગતમાં થઈ રહેલી હૅકિંગની ઘટનાઓમાંથી ઘણી ઘટનાઓમાં 'બ્લેક હૅટ હૅર્ક્સ'ની સંડોવણી હોવાનું જોવામાં આવ્યું છે. મહાસત્તા બનવાના માર્ગમાં રોડાં બનતા દેશોને ચીન યુદ્ધ જેવી ટક્કર આપી રહ્યું છે. હૅકિંગના માધ્યમથી જુદા જુદા દેશોની સાયબર યંત્રણા પર સતત હુમલા કરીને ચીને એક રીતે યુદ્ધ જ આરંભ્યું છે એમ કહી શકાય. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના મહત્ત્વના વિભાગો પર ૫૦,૦૦૦થી વધુ સાયબર હુમલા થયા છે. ૨૦૧૫ના એક જ વર્ષમાં ૪૬,૦૦૦ હુમલા કરાયા હોવાનું બ્રિગેડિયર હેમંત મહાજને એક લેખમાં કહ્યું છે. એ સાથે મહત્ત્વ ધરાવતી એક સંસ્થાના સર્વેક્ષણ અનુસાર ભારત પર સાયબર હુમલામાં ખાસ્સો વધારો થવાની સંભાવના જોવાય છે. ભારત સરકારે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો છે. એ અનુસાર માણસ ઘરે બેઠા બેઠા બૅંક વ્યવહાર, બિલની, લોન વગેરેની ચુકવણી, રેલવેની કે સિનેમાની ટિકિટનું બુકિંગ વગેરે કરી શકશે. ઉપરાંત સલામતી વ્યવસ્થા એકબીજા સાથે સંકળાઈ જશે એટલે એક ઠેકાણાની માહિતી ચપટી વગાડતાંમાં અન્યત્ર ઠેકાણે પહોંચી શકશે. એક રાજ્યની પોલીસ બીજા રાજ્યની પોલીસ વિભાગની જાણકારી મેળવી શકશે અને એનો ઉપયોગ પણ કરી શકશે. આટલા બધા લાભ જનતાને મળે એ ખરું, પણ પાકિસ્તાન કે ચીન અથવા અન્ય દુશ્મન રાષ્ટ્રે તૈયાર કરેલો સાયબર ગુનેગાર આ અને અન્ય સરકારી માહિતીની ઉઠાંતરી કરી શકે છે. આને પગલે સાયબર હુમલા દ્વારા દેશને થનારું નુકસાન ત્રાસવાદી હુમલા કરતાં અનેકગણું વધારે હોઇ શકે છે.

સીઈઆરટી (સાયબર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ)ની રચના થઈ એ જ વર્ષે ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ ભારત પર રોજના ૨૦૦ સાયબર હુમલા કર્યા હતા. આવા હુમલાઓ બાદ સીઈઆરટી સંસ્થાને વધારે નક્કર અને મજબૂત બનાવવી જોઈતી હતી, પણ ત્યારની સરકારને એનું મહત્ત્વ ઝાઝું ન લાગતા કશું થયું નહીં. રહી રહીને ભારત સરકારે નેશનલ સાયબર કોઑર્ડિનેશન સેન્ટર ઊભું કર્યું છે, જે સરકારી વિભાગો પરના સંભવિત સાયબર હુમલાઓ વિશે આગોતરી સૂચના આપશે. આ સાથે ગુપ્તચર સંસ્થાને ભારતની સાયબર સલામતી વ્યવસ્થામાં શી ત્રુટિઓ છે તેની તપાસ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. છેલ્લાં બે વર્ષમાં શોધી કાઢવામાં આવેલા તારણો ધક્કાદાયક છે. ગુપ્તચર સંસ્થાએ બે વર્ષમાં છ હજાર સરકારી કમ્પ્યુટરોનું નિરીક્ષણ કરતા ૨૫ ટકા સરકારી કમ્પ્યુટરો પર હુમલા કરાયા હોવાની બાતમી હાથ લાગી હતી, એમાં સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને બૅંકિંગ જેવા મહત્ત્વનાં ક્ષેત્રોનો સમાવેશ હતો.

આવી અનેક ઘટનાઓ છે જેનાથી ગભરાટ થઈ આવે, પણ સાયબર હુમલા દ્વારા કોઈ પણ દેશમાંથી કોઈ પણ દેશનો નાણાકીય વ્યવહાર અટકાવી શકાય, લશ્કરને કે કોઈ પણ ચોક્કસ કોમને ફાવેતેમ હુકમ આપીને અપેક્ષિત કામ કરાવી શકાય અને વ્યવહારને નિષ્ક્રિય કરી દઈ દેશ આખાને લકવાગ્રસ્ત કરી અંધાધૂંધી ફેલાવી શકાય છે. ટૂંકમાં વાંદરાના હાથમાં નિસરણી આવે તો શું થાય..., એ વાર્તા આપણે સૌ જાણીએ જ છીએ. ઉપાયો છે, ઉપાયો કરી શકાય છે, પણ સૌથી પહેલાં તો ઈન્ટરનેટના વપરાશકર્તાએ જાગરૂક થવું જોઈએ અને વિવેકભાન કેળવવું જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ સભાનતાપૂર્વક કરાવો જોઈએ, એ સભાનતા પણ અતિશય જરૂરી છે.



પાંચ ગાજેલા સાયબર હુમલા

જૂન મહિનામાં જ ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગના ટ્વિટર અને પિન્ટરેસ્ટ અકાઉન્ટ હૅક થયા હતા. છેલ્લા થોડા સમયમાં જે સાયબર હુમલા થયા છે એમાં આ એક અગ્રણી કેસ છે. અહીં મહત્ત્વના પાંચ સાયબર ઍટેકની વિગતો આપી છે.

આઇઆરસીટીસી હૅક

ભારતની ટોચની ઇ-કૉમર્સ વેબસાઇટ ઈંછઈઝઈ ( આઇઆરસીટીસી - ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટુરિઝમ કૉર્પોરેશન )ની વેબસાઇટ હૅક થવાના સમાચાર તાજેતરમાં આવ્યા હતા. ટ્રેનની ટિકિટો ઑનલાઇન કઢાવવાની સગવડ આપતા આ પોર્ટલમાંથી આશરે એક કરોડ લોકોની માહિતી ચોરી લેવાઇ હોવાનો ભય વ્યક્ત થયો હતો. જોકે, આઇઆરસીટીસી દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. જાણવા જેવી વાત એ છે કે આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી ડેટાની ચોરી કઇ રીતે થઇ શકે અની વિગતો બૅન્ગલોરની એક કંપનીએ આપી હતી.

સીઇઓનો ઇમેઇલ હૅક

ભારતની એક અગ્રણી ઇ-કૉમર્સ વેબસાઇટના સીઇઓનું સત્તાવાર ઇ-મેઇલ અકાઉન્ટ હૅક થઇ ગયું હતું. ચોંકી જવાય એવી વાત તો એ છે કે તેમના આ ઇ-મેઇલથી કંપનીના સીએફઓને ૮૦,૦૦૦ ડૉલર ટ્રાન્સફર કરવા માટે મેઇલ મોકલવામાં આવ્યો હતો. જોકે, પછી ખબર પડી કે મેઇલ હૅક નહીં પણ સ્પુફ થયો હતો. બદઇરાદાથી અલગ અકાઉન્ટમાંથી ખોટા નામ સાથે મોકલેલો મેઇલ સ્પુફ મેઇલ કહેેવાય છે.

બૅન્કમાં બબાલ

બંગલાદેશની સેન્ટ્રલ બૅન્કમાંથી આઠ કરોડ ડૉલરની ઉચાપતની વાતે હાહાકાર મચી ગયો હતો. બૅન્કિંગ સિસ્ટમના પેમેન્ટ નેટવર્કે ગંભીર ભૂલ કરતા હૅકરો ફાવી ગયા હતા.

ટ્વિટર અકાઉન્ટમાં ગરબડ

સાયબર સિક્યોરિટીની દેખભાળ કરતી એક સંસ્થાના જણાવ્યા મુજબ આશરે ૨૫૦૦ ટ્વિટર અકાઉન્ટ્સ સાથે ચેડાં કરીને એને ઍડલ્ટ ડેટિંગ અને સેક્સ વેબસાઇટ સાથે લિન્ક કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો. આમાં જોણું એ થયું કે કેટલાક હાઇ પ્રોફાઇલ અકાઉન્ટમાં સમસ્યા ઊભી થઇ હતી.

લિન્ક્ડઇન વપરાશકર્તા મુસીબતમાં

ત્રણ વર્ષ પહેલા કંપનીના અકાઉન્ટમાં ગેરરીતી થઇ હોવાનું તાજેતરમાં સ્વીકારવામાં આવ્યું હતું. આને પગલે મોટી સંખ્યામાં પાસવર્ડ ઇન્ટરનેટ પર લીક થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment