Wednesday, 19 October 2016

[amdavadis4ever] જુઠ્ઠા આદર્શો પાખંડ જન્માવે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જો અસંભવ હૈ, ઉસે કરને કી કોશિશ પાખંડ પેદા કરતી હૈ એવું રજનીશજી કહે છે ત્યારે એ શું કહેવા માગે છે? તદ્દન ખોટા અને જુઠ્ઠા આદર્શોની પાછળ ભાગવાની ના પાડે છે. ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય નામે કર્મયોગમાં અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે, કર્મ કરવાથી ભાગવા માગે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જે વાત સમજાવે છે એને રજનીશજી આપણી પહોંચમાં આવે એ રીતે મૂકી આપે છે. રજનીશ કહે છે કર્મથી ભાગી શકાતું નથી. સંસાર છોડીને સંન્યાસી બની જશો તો પણ કર્મ તો કરવું જ પડશે. ઘર નહીં બનાવશે, આશ્રમ બનાવશે! ઘરમાં કામ નહીં કરે, આશ્રમમાં સેવા આપશે! ઘર છોડીને આશ્રમ બનાવવામાં શું ઓછું કર્મ છે? એટલું જ કર્મ છે. કર્મથી ભાગી શકાતું નથી. જ્યારે કર્મથી ભાગી જઈ શકાતું નથી ત્યારે કર્મથી ભાગવું માત્ર હિપોક્રસી બની જશે, દેખાડો બની જશે. જે અસંભવ છે એને કરવાની કોશિશ પાખંડ પેદા કરે છે. અર્જુન યુદ્ધથી ભાગી જશે તો પણ યુદ્ધનું મેદાન છોડીને શું કરશે? કશુંક તો કરશે ને? એ જે કંઈ કરશે એ કર્મ જ હશે. કર્મથી ભાગી જઈ શકાતું નથી. તો પછી આનો કોઈ જ ઉપાય નથી?

રજનીશજી કહે છે કે અહીં કૃષ્ણ એક નવું દ્વાર ખોલે છે, એક નવું ડાયમેન્શન, નવો આયામ આપે છે. એ કહે છે કે કર્મ ચાલુ રાખો, કર્તાભાવ છોડી દો. કૃષ્ણ મનુષ્યના વ્યક્તિત્વમાં ઘણી ઊંડી ક્રાંતિની વાત કરે છે. કૃષ્ણ અર્જુનને કહે છે કે તું યુદ્ધ કરવાનું છોડી દઈશ તો એને કારણે કંઈ આ યુદ્ધ અટકી જવાનું નથી. યુદ્ધ અનંત કારણોને લીધે થઈ રહ્યું છે, તારે કારણે નથી થઈ રહ્યું કે તું યુદ્ધ કરવાની ના પાડીશ તો યુદ્ધ નહીં થાય. જે મરવાવાળા છે તેને તું નહીં મારે તો પણ એ તો મરવાના જ છે. એટલે જ તું એમ સમજ કે તું માત્ર નિમિત્ત બની રહ્યો છે એમનાં મૃત્યુનું.

રજનીશજી સમજાવે છે કે આ યુદ્ધ એટલું વિરાટ છે કે કોઈ અર્જુન જેવો ઈગોઈસ્ટ, અહંકારી જ એવું વિચારી શકે કે મારા ભાગી જવાથી યુદ્ધ ટાળી શકાશે. એ માની બેઠો છે કે મારે કારણે આ વિરાટ યુદ્ધ થઈ રહ્યું છે. બધાને એવું લાગતું હોય છે કે આ દુનિયા મારે કારણે જ ચાલી રહી છે. અમે જતાં રહીશું પછી આ દુનિયા પણ સમાપ્ત થઈ જશે.

કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તું આ પાગલપન છોડ કે તારા કારણે આ બધું થઈ રહ્યું છે. આ નિયતિ છે, ડેસ્ટિની છે. અને નિયતિની ચાલ કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી હોતી. તું નહીં હો તો પણ યુદ્ધ થવાનું. તું તો આ વિશાળ યોજનાનો એક નાનકડો સ્પેર પાર્ટ છે, પૂર્જો છે, હિસ્સો છે. તારા વિના ચાલવાનું છે. તું તો કદાચ પૂર્જો પણ નથી. કારણ કે જેણે તને એક પૂર્જા તરીકે પસંદ કર્યો છે એ બીજા કોઈને પણ પસંદ કરી શકે છે અને તને પૂછીને તારી પસંદગી નથી થઈ, બીજા કોઈની પણ એને પૂછ્યા વિના પસંદગી થઈ શકે છે.

કર્તા હોવાનો ખ્યાલ ખરી પડે, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા - શકટનો ભાર જ્યમ શ્ર્વાન તાણેનું ભાન થઈ જાય, તો વ્યક્તિને ખ્યાલ આવે કે અનંત નિયમોને આધીન એવી ધારારૂપી આ જીવનમાં આપણે તણખલાની જેમ વહી જઈએ છીએ. વહી જઈએ છીએ એવું કહેવું પણ ઠીક નથી. ધારા વહે છે, આપણે શું ખાક વહીએ છીએ. ધારા વહે છે અને આપણે એ ધારામાં છીએ એટલે આગળ વધીએ છીએ. ધારા પૂર્વમાં વહેતી હશે તો આપણે પૂર્વમાં વહેતા હોઈશું. ધારા પશ્ર્ચિમમાં વહેતી હશે તો પશ્ર્ચિમમાં.

રજનીશજી કહે છે કે બંધન કર્મનું નથી હોતું. કર્તા હોવાપણાને લીધે બંધન સર્જાય છે. કર્મ છોડવાથી કશું પ્રાપ્ત થતું નથી. જે મળે છે તે તો કર્તાપણાનો ભાવ છોડવાથી મળે છે. જેમ ત્યાગ કરવાથી કશું નથી મળતું, જે મળે છે તે સમર્પણ કરવાથી મળે છે.

ત્યાગી તો કહે છે કે મેં આટલું આટલું છોડ્યું છે તો હવે મને એના બદલામાં તેટલું તેટલું મળવું જોઈએ. સમર્પણ કરનાર કહે છે કે મારી પાસે તો કંઈ જ નથી, મારી પાસે આપવા માટે કંઈ જ નથી, હું અસહાય છું, બેસહારા છું અને એટલે તારે શરણે છું.

ત્યાગી પાસે તો બૅન્ક બૅલેન્સ હોય છે ત્યાગ કરવા માટે. એ કહે છે કે મારી પાસે આટલું મોટું ઘર છે, જુઓ હું છોડી દઉં છું. ત્યાગી એ કર્તાભાવ છોડયો નથી એટલે એનામાં આ બધો અહમ્ છે. સમર્પિત થનાર વ્યક્તિનો અહંકાર છૂટી ગયો છે, કર્તાભાવ છૂટી ગયો છે. એ પોતાનું કર્મ નથી છોડતો. પોતાની જવાબદારીઓ નથી છોડતો. એ તો નિભાવવાની જ છે એણે આજીવન. પણ અહમ્ભાવ છોડી દે છે. જિંદગીમાં જે કંઈ થાય છે તે મારે કારણે થાય છે એવા અહંકારમાંથી મુક્ત થઈ જાય છે અને એટલે જ ત્યાગી જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે એના હાથ ભરેલા હોય છે - જુઓ, આ બધું હું છોડી રહ્યો છું. સમર્પિત વ્યક્તિ ખાલી હાથે જાય છે: મારું કંઈ જ નથી, મારી પાસે કંઈ જ નથી, હું તો નિ:સહાય છું, હું તારા સહારે છું.

રજનીશ કહે છે કે જે ભરેલા હાથે પરમાત્મા પાસે જાય છે તે ખાલી હાથ પાછો આવે છે અને જો ખાલી હાથ જાય છે તેના હાથ ભરી દેવામાં આવે છે.

જે કરવું શક્ય જ નથી તે કરવાની કોશિશ કરીશું તો દંભ કરવો પડશે એ વાત સમજાય તો જીવનની અડધી સમસ્યાઓ હલ થઈ જાય. બાકીની અડધીનો જો ઉકેલ જોઈતો હોય તો કાલે ફરી રજનીશજીના સાન્નિધ્યમાં મળીએ.

આચાર્ય રજનીશ કહો, ભગવાન રજનીશ કહો કે ઓશો - જેમાં નિકટતા લાગે તે સંબોધન કરીએ. રજનીશજીનાં તમામે તમામ હિંદી તેમ જ અંગ્રેજી પ્રવચનો એક ટેરાબાઈટની હાર્ડડિસ્કમાં સમાવીને બૅન્ગલોરની એક સંસ્થાએ બજારમાં વેચાણ માટે મૂક્યાં છે તેની રહી રહીને હવે ખબર પડી. કિંમત મોંઘી છે પણ જે ચીજ અમૂલ્ય હોય તેનો મોલ કેવી રીતે આંકી શકો. રજનીશજીના હજારો કલાકોનાં પ્રવચનો એમાં છે.

મારો નમ્ર મત એવો છે કે ભગવદ્ ગીતા વિશે રજનીશે કરેલું મૌલિક મંથન સમગ્ર રજનીશ કાર્યમાં સૌથી મહત્ત્વનું છે, સૌથી વધુ ઉપયોગી છે. એનો અર્થ એ નથી કે મહાવીર, બુદ્ધ, લાઓ ત્ઝુ, કબીર કે અષ્ટાવક્ર ગીતા પરનું કે બીજા અગણિત વિષયો પરનું એમનું ચિંતન ઓછું અગત્યનું કે ઓછું ઉપયોગી છે. કદાચ એમ કહો કે રજનીશજીની સ્કૂલનું પ્રવેશદ્વાર એમણે ગીતા વિશે આપેલાં પ્રવચનો છે. એક વખત તમે એ વાંચવાં/સાંભળવા બેસો તો કલાકો કયાં વીતી જશે તમને ખબર નહીં પડે. અને જેટલી વાર તમે વિરામ લઈને એનું શ્રવણ/વાચન ફરીથી શરૂ કરશો એ દરેક વખતે તમે તમારી જાતને એક નવી વ્યક્તિ મહસૂસ કરશો. તમે હતા ત્યાંથી એક ડગલું આગળ વધ્યાનો અનુભવ કરશો.

ટ્રાય કરી જોજો.

રજનીશ કહે છે કે અર્જુનનો વિષાદ દૂર કરવા, એને અસમંજસમાંથી બહાર કાઢવા ભગવાને સૌપ્રથમ સાંખ્યનો ઉપાય બતાવ્યો. બીજો અધ્યાય સાંખ્યયોગ છે. અર્જુન પર એની કોઈ અસર થઈ નહીં. એનો સંશય ચાલુ રહ્યો એટલે ભગવાન હવે એને કર્મ તરફ વાળવા માગે છે. આમ કરતાં કરતાં છેક છેલ્લે ભગવાન એને ભક્તિ તરફ લઈ જવા માગે છે.

જ્ઞાન માર્ગને અર્જુને રિજેક્ટ કર્યો એટલે ભગવાને એને બીજો વિકલ્પ આપ્યો. આ નહીં તો આ. પણ અર્જુન પોતાની ફરજથી ભાગવા માગે છે. માણસ જ્યારે કોઈપણ વાતથી એસ્કેપ કરવા માગે ત્યારે એને એનાં કારણો મળી રહે છે. જિંદગીભર માણસ એ જ કરતો આવ્યો છે. આપણને જે ઠીક લાગે એ કરવાનાં બહાનાં આપણી પાસે તૈયાર હોય છે. આપણે હત્યા કરવા માગીશું તો હત્યા કરવાનાં કારણો પણ આપણી પાસે હશે. ચોરી કરવી હશે તો ચોરી કરવાનાં કારણો પણ હશે. બેઈમાની કરવી હશે તો બેઈમાની કરવાનાં કારણો હશે. આપણી દરેક ચાલને વાજબી ઠેરવવાનો તર્ક આપણને મળી રહેતો હોય છે. કોઈને આપણાથી ભલે ગમે એટલું નુકસાન થતું હોય, આપણે હંમેશાં આપણને જસ્ટિફાય કરી શકતા હોઈએ છીએ. આપણે જે કરવું છે તે પહેલાં આવે છે ને આપણી તર્કબાજી એ કૃત્યનો સહારો બની જાય છે.

શ્રીકૃષ્ણે સૌથી પહેલાં જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ છે એવું અર્જુનને કહ્યું. જે શ્રેષ્ઠતમ છે તેનો પરિચય કરાવ્યો. જ્ઞાન પામ્યા પછી જગતમાં કોઈ ઝંઝટ રહેતી નથી. એનો મતલબ એવો નથી કે તમામ ઝંઝટો પૂરી થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે જ્ઞાનવાનને કોઈ ઝંઝટ હવે ઝંઝટ જેવી લાગતી જ નથી. રમતવાત લાગે છે. ગાલિબે કહ્યું છે: બાઝિયા-એ-અતફાલ હૈ દુનિયા મેરે આગે/હોતા હૈ શબ-ઓ-રોઝ તમાશા મેરે આગે... અતફાલ એટલે બાળકો અને બાઝિયા એટલે મેદાન. આ દુનિયા મને બાળકોના રમવાના મેદાન જેવી લાગે છે. રોજ સવારસાંજ જે કંઈ ઘટનાઓ બને છે એ ખેલ છે મારા માટે.

જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ બે કોઈ વિરોધી માર્ગો નથી, માત્ર વિભિન્ન માર્ગ છે એટલું જ. જે વ્યક્તિ માટે સાંખ્યની દિશા અનુકૂળ છે તેના માટે કર્મની દિશા પ્રતિકૂળ છે અને કર્મની દિશા જેના માટે અનુકૂળ છે એના માટે જ્ઞાનયોગની દિશા પ્રતિકૂળ છે. દરેક વ્યક્તિની પર્સનાલિટી પ્રમાણે, એના સ્વભાવ પ્રમાણે એણે આમાંનો એક માર્ગ પસંદ કરવાનો હોય. કાર્લ ગુસ્તાફ યંગ એક બીજા મહાન માનસશાસ્ત્રીનું નામ છે. એણે માણસોને બે ભાગમાં વહેંચ્યા છે. ચુસ્તપણે નહીં પણ રફલી બે ભાગ પાડ્યા છે માણસોના: એક જે એક્સ્ટ્રોવર્ટ હોય, બહિર્મુખી હોય અને બીજા જે ઈન્ટ્રોવર્ટ હોય, અંતર્મુખી હોય.

જે અંતર્મુખી છે એમને કર્મનો માર્ગ માફક નહીં આવે. જે બહિર્મુખી છે એની જ્ઞાનમાં ઝાઝી ચાંચ નહીં ડૂબે. કર્મ માટે બહાર જવું જરૂરી છે અને જ્ઞાન માટે ભીતરમાં. બહિર્મુખી વ્યક્તિ માટે ધર્મ સેવામાં હશે, અંતર્મુખી માટે ધર્મ ધ્યાનમાં હશે. આ વિભાજન જરા સ્થૂળ પ્રકારનું છે. કોઈ વ્યક્તિ ૧૦૦ ટકા અંતર્મુખી કે ૧૦૦ ટકા બહિર્મુખી હોઈ શકે નહીં. ૯૦ ટકા આ અને ૧૦ ટકા આ હોઈ શકે. દરેકમાં આ બંને પ્રકારનો વત્તોઓછો સમન્વય હોવાનો. શુદ્ધ રૂપથી જે અંતર્મુખી છે એણે ભોજન માટે બહાર જવું પડશે, નહાવા માટે બહાર જવું પડશે. જે બહિર્મુખી છે એણે ઊંઘવા માટે ભીતર જવાનું છે, વિશ્રામ લેવા પોતાનામાં ડૂબવાનું છે. આ વિભાજન માત્ર સૈદ્ધાંતિક છે એટલું યાદ રાખવું.

અર્જુન એકસ્ટ્રોવર્ટ છે. એનું વ્યક્તિત્વ બહિર્મુખી છે. એનું સમગ્ર જીવન એક આદર્શ ક્ષત્રિય તરીકે વ્યતીત થયું છે. આખું જીવન એણે બીજાઓને ધ્યાનમાં રાખીને વિતાવ્યું છે. પ્રતિસ્પર્ધામાં, સંઘર્ષમાં, યુદ્ધમાં. ક્ષત્રિય માણસ ઈન્ટ્રોવર્ટ નહીં હોય. ચાહે એ જન્મે ક્ષત્રિય હો, યા સ્વભાવે. એકસ્ટ્રોવર્ટ જ હશે અને જો ક્ષત્રિયને ત્યાં અંતર્મુખીનો જન્મ થયો તો એ જન્મે ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિય નહીં રહે. જૈનોના ચોવીસેય તીર્થંકરો ક્ષત્રિય કુટુંબમાં જન્મ્યા, પણ ક્ષત્રિય રહી શક્યા નહીં. એ તમામ ઈન્ટ્રોવર્ટ છે. મહાવીર અંતર્મુખી વ્યક્તિ છે. બહારના જગતમાં એમને કોઈ અર્થ દેખાતો નથી. બુદ્ધ ક્ષત્રિય ઘરમાં જન્મ્યા, પણ બહારનો એ વિસ્તાર એમને બેમાની લાગ્યો. આ કર્મોની જાળ છોડીને એ નીકળી પડ્યા.
એ જ રીતે બ્રાહ્મણ ઘરમાં જો કોઈ બહિર્મુખી વ્યક્તિ જન્મે તો એ બ્રાહ્મણ રહી શકતી નથી, ક્ષત્રિય બની જશે. દાખલા તરીકે પરશુરામ.

જરાક લંબાઈ ગયું. કાલે પૂરું કરીએ. આમ તો આ વિષય એટલો વિશાળ છે કે એક આખું વરસ શું જન્મારો આખો રોજેરોજ આ જ વાત કરતા રહીએ તોય ગીતામાંનો ખજાનો ખૂટે નહીં. અહીં જે વાતો છે તેનું મૂળ ગીતા છે અને એ મૂળમાંથી જે અર્ક કાઢ્યો છે તે રજનીશજીએ કાઢ્યો છે. મેં માત્ર પ્યાલો ધરીને એ અર્ક ઝીલી લીધો છે અને તમને ધર્યો છે. બસ, એટલું યાદ રાખવું. કૃષ્ણ અને રજનીશ વચ્ચે જે વાતચીત થઈ તે કાન દઈને સાંભળી છે.

કર્મયોગ વિશે સમજાવતાં શ્રીકૃષ્ણ એક તબક્કે અર્જુનને 'હે નિષ્પાપ અર્જુન' કહીને સંબોધન કરે છે. ગીતામાં વિવિધ તબક્કે અર્જુનને અનેક આવાં સંબોધન વડે ભગવાન બોલાવે છે. અર્જુન પણ શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારે સંબોધે છે.

દરેક સંબોધનનું એક મહત્ત્વ હોય છે. તમે તમારી પ્રિય વ્યક્તિને ક્યારે કયું સંબોધન કરો છો, એની ગેરહાજરીમાં એને કેવા નામે સંબોધો છો, કયા નામથી એને મનોમન યાદ કરો છો એ સઘળાનું આગવું મહત્ત્વ હોય છે.

હે નિષ્પાપ, અર્જુન! એવું કહેવામાં શ્રીકૃષ્ણનો હેતુ છે. શ્રીકૃષ્ણ જે કંઈ કરે છે, બોલે છે તેની પાછળ ચોક્કસ હેતુ હોય છે. એ હેતુ તમારા સુધી પહોંચે, ન પહોંચે અને એ એ હેતુને તમે પામી શકો, ન પામી શકો એ તમારી સમસ્યા છે, પણ કૃષ્ણ કશું જ હેતુવિહીન કરતા નથી. આપણે મોટાભાગનાં કામ કોઈ હેતુ વગર જ, કોઈ લાંબો વિચાર કર્યા વગર જ, આડેધડ કર્યા કરતાં હોઈએ છીએ.

રજનીશજી કહે છે કે નિષ્પાપ અર્જુન, શું કામ? આને સમજવું જરૂરી છે. આ એક બહુ જ મનોવૈજ્ઞાનિક સંબોધન છે.

મનોવિજ્ઞાન કહે છે કે ચિત્તમાં જેટલાં વધારે પાપ, અપરાધ અને ગિલ્ટ હશે એટલું જ મન અનિર્ણાયક રહેશે. ચિત્ત ડામાડોળ રહેશે. પાપીનું ચિત્ત સર્વાધિક ડામાડોળ થઈ જતું હોય છે. અપરાધીનું ચિત્ત ભીતરથી ભૂકંપ અનુભવતું રહે છે.

કૃષ્ણ અર્જુનને સૌપ્રથમ આશ્ર્વસ્ત કરવા માગે છે. પછી એના પ્રશ્ર્નનો જવાબ આપશે. પહેલાં અર્જુન ભીતરથી નિશ્ર્ચિત થઈ જાય એટલે એને કહે છે: નિષ્પાપ અર્જુન!

રજનીશજી કહે છે કે સમજવાનું એ છે કે જે કૃત્યને તમે પાપ ગણો છો એ પાપ તમને ઓછું સતાવે છે, પણ એ કૃત્ય કરવાનો અપરાધભાવ, આ પાપ મેં કર્યું એવો વિચાર તમને ગ્લાનિથી ભરી દે છે. પ્રાયશ્ર્ચિત્તની આ જ ખૂબી છે. પસ્તાવો થાય એટલે તમે પાપમાંથી મુક્ત થઈ ગયા, અપરાધભાવ હટી ગયો. હા, પસ્તાવો વિપુલ ઝરણું વગેરે...

પાપની મઝા એ છે કે પાપને આપણે છુપાવવા માગીએ છીએ. બીજી રીતે કહીએ તો જેને આપણે છુપાવવા માગીએ છીએ તે પાપ છે. હજુ આગળ વધીને સમજીએ કે જેને આપણે પ્રગટ કરી દઈએ છીએ, કોઈની પણ સમક્ષ, તે પાપ નથી રહેતું. જે ખાનગી કર્મને ખુલ્લું પાડી દીધું તે પાપ મટી ગયું. કમ સે કમ તમારા પોતાના માટે. તમે હવે અપરાધભાવમાંથી મુક્ત થઈ ગયા. હવે તમારો ભાર હળવો થઈ ગયો. ફરી તમે એવો ભાર મન પર લેતાં બે વાર વિચાર કરશો. પાપ કરતાં અટકશો.

આપણા દેશમાં ગંગાસ્નાનનો મહિમા છે. કહેવાય છે કે પાપ ધોવાઈ જશે. ગંગાના પાણીમાં, વૈજ્ઞાનિક દૃષ્ટિએ જુઓ તો, પાપ ધોવાનું કોઈ કેમિકલ છે? ના. આ એક શ્રદ્ધા છે. લાખો - કરોડો લોકોની શ્રદ્ધા છે. હજારો વર્ષથી, પરાપૂર્વથી ચાલી આવેલી શ્રદ્ધા છે. કોઈ વ્યક્તિ ગંગાસ્નાન કરીને આવે છે ત્યારે એની શ્રદ્ધા એને કહે છે કે હવે એ પાપમુક્ત છે. મન ચોખ્ખું થઈ ગયું છે. માટે હવે પછી એ કોઈ ખોટું કામ કરીને મનને કલુષિત કરતાં અચકાશે. આમ એ પાપરહિત જીવન જીવી શકશે. ગંગામાં તમારા પાપ ધોવાઈ જાય છે તે આ અર્થમાં. તમે નવાં કોઈ પાપ કરતાં અટકો છો.

કૃષ્ણ જેવી વ્યક્તિ જ્યારે પોતાના મોઢે અર્જુનને કહે કે હે, નિષ્પાપ અર્જુન! ત્યારે અર્જુને તો જાણે ગંગામાં જ નહાઈ લીધું. આખી ગંગા એના પર ઊતરી આવી હશે. કૃષ્ણે અર્જુનની આંખમાં આંખ પરોવીને કહ્યું હશે કે હે નિષ્પાપ, અર્જુન! અને કૃષ્ણ જેવી વ્યક્તિ જે કંઈ કહે તે માત્ર શબ્દોથી નથી કહેતી. એમનું સમગ્ર અસ્તિત્વ, એમના શરીરનું રોમેરોમ, એમનો શ્ર્વાસ, એમની આંખ, એમનું બધું જ કહેતું હોય છે: હે નિષ્પાપ, અર્જુન!

કોઈ તમને આટલી જ ઉત્કટતાથી કશું પણ કહે: 'મને તમારા પર ભરોસો છે' કે 'મને ખબર છે કે તમારું મન કેટલું ચોખ્ખું છે' કે 'મને તમારી નિર્દોષતા વિશે ખ્યાલ છે' ત્યારે જો એ શબ્દો સમગ્ર અસ્તિત્વને નીચોવાઈને કહેલા હશે તો જરૂર તમને એ દરેક શબ્દ પર એકસો નહીં હજાર ટકા ભરોસો બેસવાનો. સંપૂર્ણ નિષ્ઠાથી કહેવાયેલી દરેક વાત અચૂક સામેની વ્યક્તિ સુધી પહોંચવાની જ. એટલે જ કૃષ્ણના આ સંબોધનને લીધે અર્જુન પોતાની અંદર ચાલતા આંદોલનથી મુક્ત થઈ જાય છે. કૃષ્ણ 'હે નિષ્પાપ, અર્જુન' સંબોધન કરીને આગળ નીકળી જાય છે. પોતે શું કામ અર્જુનને નિષ્પાપ માને છે એ વિશે ખુલાસાઓ કરતા નથી. અર્જુન ખરેખર નિષ્પાપ છે કે નહીં તે વિશે ચકાસતા પણ નથી. જાણે અર્જુનનું નિષ્પાપપણું પોતાના માટે સ્વાભાવિક છે એવું જતાવીને આગળ નીકળી જાય છે. આને કારણે અર્જુન પર ઘણી ઊંડી અસર થઈ હશે. એક સાયલન્ટ સજેશન છે આ સંબોધન. ઈન્ડાયરેક્ટ સૂચન છે. ચૂપચાપ ભીતરમાં ઊતરી જાય, ઊંડે સુધી સરકી જાય. કેટલીક વાતો પર વિચારવા માટે અટકી જઈએ છીએ ત્યારે અટવાઈ જવાતું હોય છે. વધુ સમજવાની કોશિશમાં ગૂંચવાઈ જવાતું હોય છે. સરળતમ વાત વાંકીચૂંકી લાગવા માંડે છે.

રજનીશજીને એક સુજ્ઞ ભાવક તરફથી પૂછવામાં આવે છે કે: બહિર્મુખી વ્યક્તિ સાધના કરતાં કરતાં અંતર્મુખ થઈ જાય તો શું એણે આગળ જઈને પોતાના જીવનનો માર્ગ બદલવો જોઈએ.

રજનીશજી કહે છે કે જ્ઞાન માર્ગે આગળ વધો કે કર્મના માર્ગે છેવટે પહોંચવાના છો તો એક જ જગ્યાએ. સરસ સમજાવે છે. આ છેલ્લા પેરેગ્રાફ્સ ધ્યાનથી વાંચજો. બહુ મઝા આવશે.

જ્ઞાનના માર્ગે જનાર અંતર્મુખી વ્યક્તિ શૂન્ય તરફ ગતિ કરવા માગે છે. આ નહીં, આ પણ નહીં, આ પણ નહીં. નેતિ-નેતિ કહીને એ આગળ વધે છે અને ત્યાં પહોંચે છે જ્યાં કશું જ બચતું નથી.

બહિર્મુખી વ્યક્તિ કર્મના માર્ગે આગળ વધીને બધાનો સ્વીકાર કરતો જાય છે અને છેવટે એ પૂર્ણ સ્વરૂપને પામે છે.

શૂન્યતા અને પૂર્ણતા બંને એક જ છે.

ભીતરમાં કંઈ ન બચે એના માટે બહાર પણ કંઈ બચતું નથી. બહાર કંઈ પ્રાપ્ત કરવાનું ન રહે ત્યારે ભીતરમાં પણ પૂર્ણતાનો અહેસાસ થતો હોય છે.

તમારા કોટમાં એક ખિસ્સું છે. એનો એક હિસ્સો ભીતર છે જેમાં તમે હાથ નાખો છો. એક હિસ્સો બહાર છે જે લટકેલો છે. શું તમે વિચારી પણ શકો ખરા કે ખિસ્સાની અંદરનો જ ભાગ બચે અને બહારનો ન બચે.

તમારું ઘર છે. શું તમે વિચારી શકો ખરા કે ઘરની અંદરનો ભાગ બચે પણ બહારનો ન બચે. જો અંદરનો ભાગ નહીં રહે તો બહારનો પણ નહીં રહે. અને બહારનો ભાગ નહીં હોય તો અંદરનો ભાગ ક્યાંથી હોવાનો! માટે બે રસ્તા છે. કાં તો બહારના ભાગને મિટાવી દો, કાં અંદરના ભાગને. બેઉ મટી જશે. પછી જે બચશે તે હશે જે બહાર - અંદર બેઉમાં હતો, બેઉની પાર હતું. એને શૂન્ય કહો કે પૂર્ણ કહો - બ્રહ્મ એ જ છે.

કોઈ માણસ દસના આંકડા પર ઊભો છે તો એ આગળ વધીને ૧૧, ૧૨, ૧૩, ૧૪ અનંત સુધી પહોંચી જશે. પૂર્ણને પામશે. કોઈ ૧૦ના આંકડા પર ઊભો રહીને ૯, ૮, ૭, ૬ ભણી ગતિ કરશે તો શૂન્યને પામશે. અનંત અને શૂન્ય બેઉ એક જ છે. બંનેમાં સંખ્યાનો લોપ થઈ જાય છે.

ભગવદ્ ગીતા ઘણા મહાપુરુષોએ સમજાવી છે. ઉત્તમ રીતે સમજાવી છે. દરેકની પાસેથી આપણે આપણી પાત્રતા મુજબનું ઝીલવાનું હોય છે, પણ રજનીશજી જ્યારે ગીતા સમજાવે છે ત્યારે વધુ આત્મીય લાગે છે, નિકટની વ્યક્તિ આપણને સમજીને સમજાવતી હોય એવું લાગે છે. રજનીશજીએ ગીતાના અઢારે અધ્યાય વિશે કરેલું ભાષ્ય 'ગીતા દર્શન'નાં આઠ દળદાર હાર્ડ બાઉન્ડ ગ્રંથોમાં ઉપલબ્ધ છે. જીવનની સમગ્ર મૂડી ખર્ચીને પણ વસાવવા જેવાં ગ્રંથો છે, કારણ કે એ ગ્રંથોનો વારસો તમે તમારી નવી પેઢીને આપી શકવાના છો. હિંદીમાં કરેલાં પ્રવચનો હિંદીમાં જ ઉપલબ્ધ છે - પુસ્તકરૂપે. ઑડિયો ડીવીડી વગેરેમાં તો ખરાં જ. પેપર બૅકમાં પણ આમાંના કેટલાક ગ્રંથો સુલભ છે. આ ત્રણ દિવસોમાં જે કંઈ લખાયું તો તે પાશેરામાં પહેલી પૂણી પણ નહોતી. પિક્ચર શરૂ થતાં પહેલાં જે ટાઈટલ્સ પડે એટલી જ વાત હતી.

કીમિયાગર હતો એ માણસ. ખૂબ આપી ગયો આ દુનિયાને. એક આખી જિંદગી છલોછલ થઈ જાય એટલું બધું. દુનિયા આખી જેમ સોક્રેટિસ, ક્ધફયુશિયસ કે શંકરાચાર્ય જેવા ફિલસૂફોને સેંકડો - હજારો વર્ષ પછી પણ પૂજે છે એ જ ચેતનાથી આજથી હજારો વર્ષ પછી પણ આ ફક્કડ મસીહાને યાદ કરતી હશે. રજનીશ. ઓશો. એમને આચાર્ય ગણો કે ભગવાન. શું ફરક પડે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment