Thursday, 20 October 2016

[amdavadis4ever] વિદાય વેળાએ.......

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે પોષી પૂનમ હતી. આકાશમાં ચાંદો પૂરબહારમાં ખીલ્યો હતો. ચાંદનીના અજવાળે રસ્તાઓ ચમકી રહ્યા હતા. બાલ્કનીમાં પડેલી ખુરશીમાં બેસીને રસ્તા પરથી પસાર થતાં વાહનો અને રાહદારીઓને મનસુખભાઈ એકચિત્તે જોઈ રહ્યા હતા. ઘડીકમાં તારામઢ્યા આકાશ તરફ નજર જતી તો ક્યારેક ધીમે ધીમે સૂમસામ થઈ રહેલા રસ્તા પર દૃષ્ટિ પડતી. સાચું પૂછીએ તો મનસુખભાઈ વિચારોના પૂરમાં તણાઈ રહ્યા હતા. જિવાઈ ગયેલા આયખાનું જાણે સરવૈયું માંડી રહ્યા હતા. જીવનમાં ઘણું મેળવ્યું હતું, પણ સાથોસાથ એટલું જ ગુમાવ્યું હતું.

મહાલક્ષ્મી દૂધનો ગ્લાસ આપતાં બોલી ઊઠી,

'શાના વિચારો કરતા હતા?'

'કંઈ નહીં, સામે જ ઊભેલાં વૃક્ષો જોતો હતો. એમાંય પેલું ખરી પડતા પાનવાળું વૃક્ષ ખી-ખી કરીને જાણે મારી સામે હસતું 'ના' હોય, એવો મને આભાસ થતો હતો. એની બાજુમાં જ ઊભા રહેલા કેસૂડાનું વૃક્ષ જોયું. એને જોતાં આપણે યુવાનીમાં હોળી ખેલતા હતા, એની યાદ આવી ગઈ. કેવા દિવસો હતા એ?'

'અને આજે?'

'વાત જ ના પૂછ. દીકરા હોવા છતાં જાણે સંતાનવિહોણા ન હોઈએ! કુદરતે જાણે આપેલાં સંતાનો છીનવી લીધાં!!' ગળગળા સાદે મનસુખભાઈ બોલી ઊઠ્યા. દૂધનો ખાલી ગ્લાસ લઈને મહાલક્ષ્મી ચાલી ગઈ. ફરી એકવાર મનસુખભાઈ ભૂતકાળમાં સરી પડ્યા. 

જ્યારે એક પછી એક એમ બે દીકરાના બાપ બન્યા ત્યારે જાણે એમના જીવનમાં બહાર ખીલી ઊઠી હતી. જાણે સ્વર્ગથી અદકેરું સુખ એમના એકલાના ઘરમાં જ આવીને વસ્યું. સગાસંબંધીઓ સાથે એ રાજીના રેડ થઈને વાતો કરતા. બચપણમાં મોટો સ્નેહલ એટલો બધો મળતાવડો ને હસમુખો હતો કે પરાણે વ્હાલ કરવાનું મન થતું. સ્નેહલના જન્મ પછી પાંચમા વર્ષે હેતલનો જન્મ થયો. હેતલ શરીરે હૃષ્ટપુષ્ટ ને ભરાવદાર હતો. એની મોટી મોટી બે આંખો ને સ્મિતમઢ્યા ચહેરે એ સૌનું આકર્ષણકેન્દ્ર બની રહેતો. આમ રામ-લક્ષ્મણની જોડીએ મનસુખભાઈના સંસારમાં આવીને પ્રીતિપુષ્પોની સૌરભ પ્રસરાવવા માંડી. ઘણીયે વાર મહાલક્ષ્મી છોકરાંને મનસુખભાઈના હાથમાં સોંપતાં બોલી ઊઠતી, 'બંનેનું જરા ધ્યાન રાખજો. હું હમણાં જ બાથરૂમમાંથી નહાઈધોઈને બહાર આવું છું.'

'પણ મારે આજે એક પાર્ટીને મળવા જવું છે.'

'તે જજોને! કૂકર થઈ ગયું છે. જમીને પછી જજો.'

'પણ તારે હજી દેવપૂજા પણ બાકી હશે!'

'એ તો છે જ. હું બાજુવાળાને ત્યાં સ્નેહલને મૂકી દઈશ. હેતલને, મારી સાથે મંદિરમાં લઈ જઈશ.'

'ભલે, જેવી તારી મરજી...' બોલીને મનસુખભાઈ હેતલને ખોળામાં સુવડાવતા ને પછી એના વાળમાં પ્રેમથી હાથ પ્રસરાવતા. નાનકડો હેતલ હાથપગ ઊંચા કરીને ગેલમસ્તી કરતો ને બાપુજીની સામે જોઈને ખિલખિલાટ હસી પડતો. મનસુખભાઈને એવો ઉમળકો આવી જતો કે નીચા વળીને હેતલના ગાલે મીઠું ચુંબન ચોડી દેતા. 

ધીરે ધીરે સ્નેહલ ને હેતલ મોટા થતા ગયા. ભણવામાં તેજસ્વી ને હોશિયાર એટલે શાળામાં પ્રથમ પાંચમાં ક્રમાંક જાળવી રાખતા. શાળાજીવનમાં હંમેશાં સારા માકર્સે પાસ થતા. કોલેજકાળમાં તો સ્નેહલે ઝળહળતી ફતેહ મેળવી એટલે એને અમેરિકાની ફેલોશિપ મળી. ઘરમાં સ્નેહલને અમેરિકા મોકલી આપવાની તૈયારીઓ ચાલવા લાગી. આ બાજુ મહાલક્ષ્મી બિચારી દુ:ખી દુ:ખી થઈ ગઈ. એની ઈચ્છા હતી કે બંને છોકરાં એની નજર સામે આંખોના રતન બનીને રહે, પણ સ્નેહલ મક્કમ હતો. મનસુખભાઈ પત્નીને આશ્ર્વાસન આપીને કહેતા: 

'મહાલક્ષ્મી, તું સમજતી કેમ નથી કે સ્નેહલ ભણવા માટે અમેરિકા જાય છે. એની કારકિર્દી ઉજ્જવળ બને, એમાં તો તું ખુશ છેને? ચાર વર્ષ ભણીને તો એ પાછો પણ આવી જશે.'

'પણ મેં તો સાંભળ્યું છે, ત્યાં ગયા પછી છોકરા વંઠી જાય છે, એટલું જ નહીં, માબાપને પણ સદંતર ભૂલી જતા હોય છે.'

'અરે ગાંડી, તને સ્નેહલ પર-તારા જણ્યા પર એટલો ભરોસો નથી?'

'બા, તું મને ખુશીથી રજા આપ. હું મારી કોલેજના છેલ્લા વર્ષમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો એટલે અમેરિકન સરકારના ખર્ચે મારે ભણવા જવાનું છે.'

'તારી બધી વાત સાચી; પણ આટલાં વર્ષો સાથે રહ્યાં છે હવે અમને છોડીને તું જાય, એ મને નથી ગમતું. દીકરા, તું પાછો ક્યારે આવશે?'

'હું આજે કેમ કહી શકું? ત્યાં ગયા પછી, મારું ભણતર પૂરું થાય ને પછી જ નક્કી થાય કે મારે શું કરવું?'

'જો મહાલક્ષ્મી, આમ રડતા દિલે નહીં પણ હસતાં મોંએ સ્નેહલને વિદાય આપ. હેતલ તો તારી છાતીથી અળગો નથી થવાનો.'

'બધી જ વાત સાચી; પણ કોણ જાણે કેમ જ્યારથી સ્નેહલે આગળ ભણવા અમેરિકા જવાનું નક્કી કર્યું ત્યારથી મારું મન ભાંગી પડ્યું છે. હું વધુ બેચેન બની ગઈ છું.'

સ્નેહલના જવાની આગલી રાતે એ રોતી રહી. મનસુખભાઈએ ઘણી રીતે આશ્ર્વાસન આપ્યું એટલે નછૂટકે સ્નેહલના ભવિષ્ય માટે એ માની ગઈ. આખરે સ્નેહલ અમેરિકા ઊપડી ગયો. 

શરૂઆતમાં સ્નેહલના પત્રો નિયમિત આવતા પણ ધીરે ધીરે એનું અંતર વધતું ગયું. છેલ્લા પત્રમાં જે લખાણ હતું, એ વાંચતાં જ મહાલક્ષ્મી બેબાકળી બની ગઈ. પત્રમાં લખ્યું હતું, વજ્ર જેવી છાતી રાખીને પણ હેતલને અમેરિકા મોકલી આપવો. હું એનું બરાબર ધ્યાન રાખીશ, એટલું જ નહીં, અહીં આવતાં એની કારકિર્દીને એક નવો વળાંક મળશે. એનું ભવિષ્ય તેજસ્વી ને હોનહાર બનશે.

આ પત્ર આવતાં જ હેતલે પણ તૈયારીઓ શરૂ કરી દીધી. એ પણ પાંચ વર્ષ પછી સ્નેહલના પગલે પગલે અમેરિકા ચાલી ગયો. જતાં પહેલાં મહાલક્ષ્મીએ અનેકવાર ઝઘડો કર્યો; માથા કૂટ્યાં પણ હેતલ એકનો બે ના થયો. છેવટે મનસુખભાઈએ મહાલક્ષ્મીને આશ્ર્વાસન આપતાં કહ્યું: 

'તું બંને છોકરાઓને હવે ભૂલી જા. સમજી લે, તું વાંઝણી હતી.'

'અરે, બે દીકરાઓને જન્મ આપ્યા પછી હું કેવી રીતે મનને મનાવી શકું?'

'હુંય સમજું છું, તારી વેદનાને... પણ ભૂલ્યે જ છૂટકો છે. વળી, મોટો તો લખે છે કે હું થોડા સમયમાં ઈન્ડિયા પાછો આવીશ...'

'અરે, હવે એ ધૂળ પાછો આવવાનો? એ તો એમ પણ લખતો હતો કે અમેરિકન છોકરીના પ્યારમાં છે. આજે તો કદાચ લગ્ન પણ કરી નાખ્યા હશે!' બોલતાં મહાલક્ષ્મીની આંખો ભીની થઈ. 

'ભલે અમેરિકામાં રહીને પૈસા કમાય. આપણને ભૂલીને એ ભલેને એની જિંદગી સુખચેનમાં વિતાવે!!'

'તમે મા બન્યા નથી ને એટલે મારી પીડા નહીં સમજાય. મારે આ બાબતમાં કંઈ જ કહેવું નથી...'

આવી વાતચીત બંને વચ્ચે થતી ત્યારે મહાલક્ષ્મી સાચોસાચ આખો દિવસ ઉદાસ રહેતી. એનું મગજ બહેર મારી જતું. એની માનસિક અવસ્થા વધુ બગડતી. મનસુખભાઈ ગમે તેટલા પ્રયત્નો કરતા પણ મહાલક્ષ્મીના મનમાં આવતા થોકબંધ વિચારોને એ હડસેલી શકતા નહીં. 

વર્ષો વીતી ગયાં. સ્નેહલની જેમ હેતલે પણ ભણવાનું પૂરું કર્યું. એ પણ જાણે એના ભાઈની પ્રતિકૃતિ જોઈ લો. ઈન્ડિયા છોડ્યું ત્યારે એણે બાને હૈયાધારણ આપેલી.

'મારું ભણતર પૂરું થતાં હું તુરત જ ઈન્ડિયા પાછો ફરીશ.'

આજે ત્યાંની ડિગ્રી મળ્યાને ત્રણ ત્રણ વર્ષ વહી ગયા પણ એ પાછા આવવાનું નામ જ નહોતો લેતો. મનસુખભાઈ તો મન મનાવી લેતા પણ આ કારી ઘા મહાલક્ષ્મીના કાળજાને કોરી ખાતો, વારેવારે એ માંદી પડી જતી. ડોક્ટર ઈલાજ કરે ત્યાં સુધી સારું લાગે પણ પાછી માનસિક વિચારોથી એનું મગજ શૂન્યતામાં સરી પડતું. 

છેલ્લા પત્રમાં સ્નેહલની જેમ હેતલે પણ લખી નાખ્યું. 

'બા, અહીંની જિંદગી એવી સરસ છે કે માણસ પૈસા તો કમાય જ પણ સાથોસાથ એને જિંદગી સુંદર રીતે જીવી નાખ્યાનો અહેસાસ થાય. મોટાભાઈ ને સેલ્સીભાભી સાથે ત્રણેક વર્ષ રહ્યા, પણ હવે મેં મારું એપાર્ટમેન્ટ શોધી કાઢ્યું છે. હું અહીં અમદાવાદની શ્રીમંત ખાનદાનની દીકરી સ્મિતા સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાનો છું. આશા રાખું છું, મને તમે ચોક્કસ આશીર્વાદ પાઠવશો. બે-ચાર વર્ષમાં થોડા પૈસા કમાઈ લઉં પછી અમે બંને ભાઈઓ ત્યાં સાથે જ ઈન્ડિયા આવીશું. ને ત્યારે બા-બાપુજી! તમને બંનેને હું મારી સાથે લઈ આવીશ...'

પત્ર વાંચતાં જ ઘડીભર મહાલક્ષ્મીને ચક્કર આવી ગયા. બબ્બે દીકરા હોવા છતાં પણ બુઢાપામાં એકેય ટેકણલાકડી નહીં બને? હવે મહાલક્ષ્મીને જીવવું દોહ્યલું થઈ પડ્યું. વિચારોનો ઝેરી વીંછી વારેવારે એના મનને ડંખ દેતો રહેતો ને એમ દિનોદિન મહાલક્ષ્મીનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું.

બાલ્કનીમાંથી તેજ હવા આવવા લાગતાં જ મનસુખભાઈ ઊઠીને અંદરના રૂમમાં આવ્યા. મહાલક્ષ્મી ત્યારે ભરનીંદરમાં હતી. આજે વારેવારે બંને દીકરાઓ વધુ યાદ આવતા હતા ને એટલે જ એમને ઊંઘ નહોતી આવતી. 

બે વર્ષ પછી બંને દીકરાઓ પત્ની સાથે ઈન્ડિયા માબાપને મળવા આવ્યાં ત્યારે એમના માટે આઘાતજનક સમાચાર હતા. 

આગલી રાતે જ બા મહાલક્ષ્મી સદાને માટે દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા. 

મનસુખભાઈના હૈયામાં વંટોળ ફૂંકાયો. જે માએ દીકરાઓને મોટા કર્યા; ભણાવ્યાગણાવ્યા, એ જ દીકરાઓએ માની આંતરડી કકળાવી હતી. માની મમતાને ઠુકરાવી હતી. બંને દીકરાઓ સાંજના આવી જવાના હતા, એમ છતાંય હૈયે પથ્થર રાખીને મનસુખભાઈએ મહાલક્ષ્મીને સ્મશાને લઈ જવાની તૈયારી કરી નાખી. સ્મશાને જતાં જતાં વિચારોથી ઘેરાઈ ગયા. 

શા માટે, શા માટે, આ દીકરાઓએ એની માને અગ્નિસંસ્કાર આપવા જોઈએ! પાછળની આખી જિંદગી દીકરાઓની વાટ જોવામાં કાઢી નાખી. મમતાની ઝોળી ફેલાવીને વર્ષો લગી એ આતુર નયને પાગલની અવસ્થામાં દરવાજે બેસી રહેતી. એ નહીં આવતાં એના જીવને કેટલો વલોપાત થયો હશે?

સાંજના સ્નેહલ-હેતલ પત્નીસહ આવી પહોંચ્યા ત્યારે ઘરમાં માતમ છવાયેલો હતો. માની ઈચ્છા અધૂરી રહી એ વાત બંને દીકરાઓ સમજ્યા તો ખરા, પણ હવે રાંડ્યા પછીનું ડહાપણ હતું. આમ તો બંને દીકરાઓ અઠવાડિયામાં પાછા જવાના હતા, પણ હવે વિચાર બદલ્યો. સ્નેહલ અને સેલ્સીને નોકરીને કારણે વહેલું જવું જ પડે એમ હતું, જ્યારે હેતલ ને સ્મિતાએ બાનાં કારજપાણી માટે તેર દિવસ રોકાઈ જવાનું નક્કી કર્યું. જોકે મનસુખભાઈએ તો વાતવાતમાં રોકડું પરખાવી દીધું: 

'તમે બંને ભાઈઓ સાથે જ જવા માગતા હો, તો મને જરાય વાંધો નથી. જિંદગીના અંત લગી તમને તમારી બા યાદ કરતી રહી. હવે તમારી હાજરી હોય કે ના હોય, એમાં ઝાઝો ફરક પડતો નથી.'

મનસુખભાઈ નિવૃત્ત થવાથી હવે કંઈ આવકનું સાધન રહ્યું નહોતું. પેન્શનથી ગુજારો ચાલતો હતો. બચત કરેલી મોટી રકમ મહાલક્ષ્મીની માંદગીમાં વપરાઈ ગઈ હતી. દીકરાઓએ અમેરિકા આવવા ઘણો આગ્રહ કર્યો પણ મનસુખભાઈએ ઘસીને ના પાડી દીધી. પૈસા માટે પૂછ્યું તો પણ ના પાડી દીધી.

બંને દીકરાઓ જતાં જ મનસુખભાઈ ફરી એકવાર એકાંતવાસમાં આવી ગયા. મહાલક્ષ્મી જતાં જ આ ઘર જાણે એમને ખાવા ધાતું હતું. ઘરની દીવાલોમાંથી જાણે મહાલક્ષ્મીના છૂપાં ડૂસકાં સંભળાતાં હતાં. દિવસનો ભાગ વ્યતીત થઈ જતો પણ રાત પડતી ને એમનું કાળજું કરવત વડે વેરાતું હોય એવો અનુભવ કરતા. ગમે એમ કરીને એકાદ વર્ષ તો આ ઘરમાં પસાર થઈ ગયું. એકવાર એમના દોસ્ત મનહરલાલે ઘેર આવીને કહ્યું: 

'મનસુખ, અહીં ઘરમાં એકલોએકલો રહે છે, એના કરતાં હું જ્યાં રહું છું, એ વૃદ્ધાશ્રમમાં રહેવા આવી જા. ત્યાં તને એકાંતવાસ નહીં લાગે. ઘરના જેવું વાતાવરણ છે. ખાવાપીવાની પણ સરસ સગવડ છે.'

'પ...ણ...

'અરે, તું બીજું કંઈ પણ વિચાર્યા વિના મારી સાથે ચાલ. હમણાં જ તને વૃદ્ધાશ્રમ જોવા લઈ જાઉં છું.'

ને વૃદ્ધાશ્રમ જોયા બાદ મનસુખભાઈનું હૈયું હરખી ઊઠ્યું. ચાર દિવસમાં તો એ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા પણ આવી ગયા. 

મનહરલાલે કહ્યું, એવું જ સરસ મઝાનું કૌટુંબિક વાતાવરણ જેવું લાગ્યું. જીવનના સારાનરસા પ્રસંગો સૌ ભેગાં મળીને પોતપોતાની રીતેે વાગોળતાં ને એ રીતે દિલનો બોજો હળવો કરતા. 

વર્ષો વીતતાં ગયાં. ક્યારેક સ્નેહલનો કે ક્યારેક હેતલનો પત્ર આવતો ખરો... પણ પત્રમાં પે્રમ ડોકાતો નહોતો. એ લોકોને તો મનસુખભાઈ વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા, એ જ નહોતું ગમ્યું. 

એકવાર નાના હેતલનો પત્ર આવ્યો. લખ્યું હતું: 

'બાપુજી, વૃદ્ધાશ્રમમાં જઈને તમે અમારા બંનેનું નાક કાપ્યું છે. તમને વારંવાર કહેવા છતાં અમારી પાસેથી પૈસા લેતા નથી. અમે બંને ભાઈઓ વિનંતીપૂર્વક કહીએ છીએ કે વૃદ્ધાશ્રમ છોડીને ઘરમાં પાછા ફરો.'

મનસુખભાઈ મનમાં ને મનમાં હસી રહ્યા. ઘડીભર પત્ર વાંચીને એમના ચહેરાની રેખાઓ તંગ થતી ગઈ

બેવકૂફોને એય ખબર નથી કે મારે કોના હાથનું ખાવાનું? આખી જિંદગી તો અમે તરસ્યા રહ્યા. વહુ આવશે પછી એના હાથના રોટલા ખાઈશું. વહુ આવતાં ઘર નંદનવન બનશે ને પછી પોતા-પોતીના દાદા-દાદી બનીશું. આ બધી ભ્રમણાઓ વાંઝણી પુરવાર થઈ હતી. હવે તો મનસુખભાઈને વારેવારે છાતીમાં તીવ્ર શૂળ ઊપડતું. શરીર ધીરે ધીરે ક્ષીણ થતું હતું. 

મનસુખભાઈના કહેવાથી વૃદ્ધાશ્રમના વ્યવસ્થાપક રશ્મિભાઈએ બંને દીકરાઓને પત્રો લખ્યા.

'તમારા બાપુજી ઘણા વખતથી બીમાર રહે છે, પણ હવે તો જિંદગીના અંત તરફ ગતિ કરતા હોય એવું લાગે છે. હવે તો એમનાથી ખવાતું પણ નથી અને ચાલવામાં પણ ખૂબ કષ્ટ પડે છે. માટે જેમ બને એમ જલદીથી ઈન્ડિયા પાછા આવો. છાતીનો દુ:ખાવો પણ અસહ્ય રહે છે, એટલે કદાચ હાર્ટનું મોટું ઓપરેશન પણ કરાવવું પડે...' 

પંદર દિવસ પછી સ્નેહલ-હેતલનો સંયુક્ત પત્ર રશ્મિભાઈને ઉદ્દેશીને લખાયેલો મળ્યો.

'બાપુજીની કથળેલી તબિયતના સમાચાર સાંભળીને અમને બધાંને ખૂબ જ દુ:ખ થયું છે, પણ નોકરીમાંથી રજા નથી મળતી એટલે અમે કોઈ જ આવી નહીં શકીએ. અમે એટલા બધા શ્રીમંત નથી, તેમ છતાંય બાપુજીના ઓપરેશન માટે આર્થિક સહાયની જરૂરત લાગે તો જરૂર જણાવશો.'

જવાબમાં રશ્મિભાઈએ લખ્યું,

'હમણાં જ એન્જિયોગ્રાફી કરાવી. ત્રણ આર્ટરી બ્લોક છે એટલે બાયપાસ સર્જરી કર્યા વિના ચાલે એમ નથી. બાપુજીએ લખાવ્યું છે કે પૈસા મોકલવાની જરાય તસ્દી લેશો નહીં...'

પત્ર વાંચતાં જ સ્નેહલ ને હેતલને દુ:ખ થયું. બંને ભાઈઓએ તાબડતોબ કંપનીઓમાંથી રજા મંજૂર કરાવી ને બે જ દિવસમાં પત્નીને લઈને ઈન્ડિયા તરફ પ્રયાણ કર્યું. જોકે સેલ્સી અને સ્મિતા ઈન્ડિયા આવવાના મૂડમાં નહોતા પણ સ્નેહલ-હેતલના આગ્રહથી બંને ઈન્ડિયા આવવા કબૂલ થયા હતા. 

સ્નેહલ ને હેતલ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા ત્યારે રશ્મિભાઈ ચોપડામાં કંઈક લખી રહ્યા હતા. બંનેએ ઓળખાણ આપતાં જ રશ્મિભાઈ બોલી ઊઠ્યાં.

'જુઓ સ્નેહલભાઈ ગઈ કાલે સવારના ઓપરેશન વેળાએ જ તમારા બાપુજી અવસાન પામ્યા, સોરી...'

'હેં...!' બોલતાં સ્નેહલ ને બધાં જ દુ:ખી થઈ ગયા. 

'છેક છેલ્લી ઘડીલગી તમને બધાંને ખૂબ જ યાદ કરતા હતા. છેલ્લે મને કહ્યું હતું, દીકરાઓનું સુખ ના માએ ભોગવ્યું, ના મેં ભોગવ્યું. આ બધી નસીબની બલિહારી છે! સંતાન કાજે માબાપ એમનું સર્વસ્વ ન્યોછાવર કરતા હોય છે, પણ આજના સંતાનોને એની ક્યાંય કિંમત હોય છે! આ ઘરની ચાવી લો. ઘર સાફસૂથરું કરાવી રાખ્યું છે. સાથોસાથ ઓપરેશન કરાવતાં પહેલાં બાપુજીએ એમના હાથે લખેલો કાગળ ને વિલ તમને આપવાનું કહ્યું છે, તો એ પણ લેતા જાવ.'

રશ્મિભાઈ સામે દયામણા મોંએ ઘણો સમય ઊભા રહ્યા ને પછી બધાં ઘેર પહોંચ્યા. હોંશેહોંશે સ્નેહલે કવર ફોડીને કાગળ વાંચવા માંડ્યો. 

'દીકરાઓ, આજે આ કાગળ તમે વાંચતા હશો ત્યારે કદાચ મેં આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો હશે, જિંદગીમાં મેં ને તમારી માએ ઘણાં સ્વપ્નોની ઈમારતો રચી હતી, જે અનુભવે કડડડભૂસ થઈ ગઈ હતી. છ મહિના પહેલાં મને પચાસ લાખની લોટરી લાગી હતી. લોટરીનું ઈનામ ના લાગ્યું હોત તો પણ ક્યારેય તમારી આગળ હાથ ફેલાવ્યો ના હોત. બેન્કમાં મારા ખાતામાં જે પૈસા પડ્યા છે એનો વહીવટ કરવાનું કામ મેં રશ્મિભાઈ તેમ જ મારા દોસ્ત મનહરલાલને ટ્રસ્ટી તરીકે સોંપ્યું. છે. તમારી બાના મૃત્યુ બાદ મેં જે માનસિક યાતના ભોગવી છે એ જિંદગીના અંત લગી હું ભૂલ્યો નહોતો. વૃદ્ધાશ્રમમાં જતાં જ જાણે મને નવું જીવન મળ્યું. નવી દૃષ્ટિ મળી. અહીં મને જીવનનો ઊગતો સૂર્ય ને એનાં રવિકિરણો જોવા મળ્યાં. વૃદ્ધાશ્રમમાં રહીને મેં છેલ્લાં થોડાંક વર્ષો વિતાવ્યાં એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી ને સદ્ભાગી સમજું છું. 

આશરે ૪૫ લાખ રૂપિયા વૃદ્ધાશ્રમ તેમ જ અન્ય સારાં કાર્યો માટે વાપરવાની ટ્રસ્ટીઓને વિનંતી કરી છે. તમારા હિસ્સામાં માત્ર આપણું ઘર જ મેં લખ્યું છે. સાથેના કવરમાં મારા હાથે લખાયેલું વિલ છે, જેની નકલ બંને ટ્રસ્ટીઓને મેં અગાઉથી જ આપી દીધી છે.'

કાગળ વાંચતા જ સ્નેહલ ને હેતલ આઘાતથી ડઘાઈ ગયા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment