Thursday, 20 October 2016

[amdavadis4ever] કદીયે દીકરી ઓની જેમ ઊછેરી જ નથી !....મ ારે બાળક જોઈત ું હતું, લગ્ન સિવાય મા બનવ ાની હિંમત નહો તી મારામાં...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નામ : સ્મિતા શિવાજીરાવ પાટીલ
સ્થળ : મુંબઈ
સમય : ૧૩ ઓક્ટોબર, ૨૦૧૬
ઉંમર : ૬૧ વર્ષ (હોત તો)


ચાર દિવસ પછી મને એક્સઠ વર્ષ પૂરા થશે...હું હોત તો, ધોળા વાળ સાથે, આંખો પર ચશ્મા સાથે, ચહેરા પર કરચલીઓ સાથે કેવી લાગતી હોત એ જાણવા માટે મારે એક્સઠ વર્ષના થવાની જરૂર નથી ! મારી ફિલ્મોએ મને એ ઉંમર અને એ મેકઅપ સાથે બતાવી જ દીધી છે...ત્રીસ વર્ષની ઉંમરે 'આખિર ક્યોં ?' માં મેં પંચાવન-સાઈઠ વર્ષની સ્ત્રીનો રોલ કરેલો. ધોળા વાળ અને ચશ્મા સાથે હું સુંદર લાગતી હતી ! કાકાજીએ મને હસીને કહેલું, "તુમ જબ સાઠ સાલ કી હો જાઓગી તબ મેં તુમસે અફેર કરુંગા.

એ દિવસોમાં મેં કમર્શિયલ ફિલ્મો કરવા માંડી હતી...મારા મિત્રો મારી મજાક કરતા પણ મારે મુંબઈમાં ઘર ખરીદવું હતું. હું જે પ્રકારની ફિલ્મો કરતી હતી એમાં વાહ વાહ બહુ મળતી પણ એ ફિલ્મોનું બજેટ બહુ ઓછું, બહુ નાનુ રહેતું એટલે પૈસા કમાવવાનો સવાલ તો હતો જ નહીં. શરૂઆતમાં હું પણ આ ફિલ્મોની મજાક ઉડાવતી. જ્યારે 'ભૂમિકા'માં અભિનય કરવા માટે શ્યામ બેનેગલે પૂછ્યું ત્યારે મને બહુ નવાઈ લાગેલી. મેં એમને કહેલું, "હું ન્યૂઝ રીડર છું, એકટ્રેસ નથી શ્યામ બહુ ઈન્ટ્રસ્ટિંગ માણસ હતા એમણે હસીને જવાબ આપેલો, "તું રોલ કરવા તૈયાર છે ? એક્ટિંગ હું કરાવી લઈશ ! એ દિવસો પેરેલલ સિનેમાની બોલબાલા હતી. શ્યામ બેનેગલ મારી પાસે જે પ્રોજેક્ટ લઈને આવ્યા એ 'અમૂલ' ની સ્ત્રીઓના સંઘર્ષની કથા હતી. દૂધ ઉત્પાદક મંડળી અને સહકારીની સ્થાપના ડૉ. વર્ગીસ કુરિયને કરી...એ કુરિયનની કથાને શ્યામ બેનેગલે અમર કરી દેવાનેં બીડું ઝડપ્યું. એ ફિલ્મ 'મંથન'ને નેશનલ એવોર્ડ મળ્યો. જાણીતા નાટ્યકાર વિજય તેંડુલકરને ઉત્તમ સ્ક્રીનપ્લે લખવા બદલ અને પ્રીતિ સાગરને એ ફિલ્મનું ટાઈટલ સોંગ ગાવા માટે એવોર્ડ્ઝ મળ્યા... મને શું મળ્યું ? શ્યામ બેનેગલ અને ગિરીશ કર્નાડ જેવા લોકો સાથે કામ કરવાનો અનુભવ અને નસીરુદ્દીન શાહ જેવો દોસ્ત ! 

આમ તો મારી બહેન જ મારી સૌથી મોટી દોસ્ત, અનિતા-મારી મોટી બહેન મારે માટે આઈડિયલ અને દોસ્ત બંને હતી. મારી કોઈ વાત એવી નહોતી કે જે હું અનિતાને ન કહું. એ મારી બધી જ વાત સિક્રેટ્સ રાખતી. બધું માને ન કહેવું એવો અમારા બે જણાં વચ્ચે કરાર હતો. પણ સાથે સાથે અનિતાની શર્ત હતી, જે વાતની એ મને ના પાડે એ મારે નહીં કરવાની. આખી જિંદગીમાં એક જ વાર મેં એનું કહ્યું ન માન્યું, રાજ બબ્બર સાથે લગ્ન કરતી વખતે અનિતાએ મને સમજાવેલું પણ એ વખતે મેં એને કહી દીધેલું, "સોરી, મેં નક્કી કરી લીધું છે. આ બાબતમાં હું તારું નહીં સાંભળું. એ પછી હું રાજ સાથે શિકાગો ગઈ, મારી બહેનને ત્યાં રહી, પણ એણે કોઈ દિવસ મારી સાથે એ વિશે ચર્ચા કરી નહીં.

મારી મા વિદ્યાતાઈ રાજ સાથેનાં મારાં લગ્ન વિશે સતત વિરોધ કરતાં રહ્યાં. દરેક માને ક્યાંકથી સમજ પડી જતી હોય છે- સત્ય અને અસત્યની, છળ અને પ્રામાણિક્તાની. એણે મને પહેલી જ મુલાકાત પછી કહ્યું હતું, "રાજ નાદિરા સાથે છૂટાછેડા નહીં લે.

હું બહુ ઝઘડેલી. મારી માને ગળે ઉતારવાનો બહુ પ્રયત્ન કરેલો મેં, પણ મારી માએ કોઈ દિવસ રાજને સ્વીકાર્યો જ નહીં. હું જ્યારે પ્રેગનન્ટ હતી ત્યારે પણ મારી માએ મને કોઈ લાડ કે વહાલ કર્યું નહીં. પહેલી પ્રેગનન્સી દરમિયાન સ્ત્રીને પોતાના પરિવારની સૌથી વધારે જરૂર હોય છે. પોતાના પતિ અથવા પોતાના જીવનના પુરુષનો સમય પણ એની સંવેદનશીલ જરૂરિયાત હોય છે. મારી આસપાસ આમાંનું કશું જ નહોતું. સાચું પૂછો તો મારા મિત્રોએ જ મને સપોર્ટ કર્યો. જેલમ, અરુણા, દિલશાદ... આ બધાંએ મને સમય પણ આપ્યો અને સ્નેહ પણ.

મારી બહેનનો દીકરો અદિત જન્મ્યો ત્યારે હું અને મારી મા શિકાગો ગયેલાં. નાનકડા અદિતને મુંબઈ લઈ આવવાનો મારી માના નિર્ણયનો મેં ભયાનક રીતે વિરોધ કરેલો. મારી બહેન અનિતાને પણ મેં ગુસ્સામાં પૂછી નાખેલું, "રેસિડેન્સી પૂરી થાય ત્યાં સુધી રાહ નહોતી જોવાતી તારાથી ? આટલા નાનકડા બાળકને તારાથી દૂર કરે છે... પણ એ પછી અદિત મારી જિંદગીનો સહારો બની રહ્યો. પાંચ વર્ષનો થયો ત્યારે અદિત એની મા પાસે પાછો ગયો. ત્યાં સુધી હું જ અદિતની મા હતી. અદિત માટે પણ 'મિત્યામ્મા' એટલે જગતનો છેડો. મારા પિતાએ અમારી ત્રણેય બહેનોનાં ખાસ નામ પાડેલાં. અનિતાનું નામ 'પાપિયા', મારું નામ 'મિત્યા' અને મારી સૌથી નાની બહેન ગીતા એટલે 'માન્યા'. બહુ ઓછા લોકોને ખબર છે કે મારી નાની બહેનનું નામ ગીતા છે, કારણ કે મોટા ભાગના લોકો એને 'માન્યા' તરીકે જ ઓળખે છે. હું અદિત માટે દર વર્ષે અમેરિકા જતી. એક વર્ષે અમેરિકા ન જઈ શકી, મેં અદિતને મસમોટી ગિફ્ટ મોકલાવેલી. અદિત મારી બધી ફિલ્મો જોતો... સમજાય કે નહીં, પણ એને માટે 'મિત્યામ્મા' દેખાય એટલે બસ ! ફિલ્મોમાં બિઝી થઈ ગઈ ત્યારે અદિતે ગુસ્સામાં મને એક કાગળ લખેલો. આજે પણ એ પત્ર મારી પાસે છે. હું એના પત્રોના નિયમિત જવાબ લખતી. શૂટ પર હું બેસીને કંઈ લખતી હોઉં ત્યારે મને ઓળખનારા લોકો પૂછતા, "અદિતને કાગળ લખે છે ? બાળક મારે માટે બહુ જરૂરી હતું... અને લગ્ન વિના બાળકને જન્મ આપવો એ મારા સંસ્કારમાં નહોતું બેસતું.

મેં જિંદગીમાં કોઈ દિવસ મારી કોઈ રિલેશનશિપ છુપાવી નથી. બંગાળમાં મનદીપ કક્કડ હોય કે વિનોદ ખન્ના... મેં હંમેશાં મારી જાતને સંપૂર્ણપણે પરોવીને જ સંબંધ માણ્યો છે. અમે વસોની હવેલીમાં 'ભવની ભવાઈ'નું શૂટિંગ કરતા હતા. અમદાવાદથી ચાળીસ કિલોમીટર દૂર. હું રોજ સાંજે શૂટિંગ પૂરું થાય પછી ગાડી લઈને અમદાવાદ આવતી. મારા મિત્ર અને 'ભવની ભવાઈ'ના એડિટર પરેશ મહેતાના કઝીન દિગંત ઓઝા અમદાવાદમાં રહેતા. એમના ઘેર વિનોદનો ફોન આવતો. લગભગ રોજ વિનોદ સાથે એક કલાક વાત કરવા માટે હું અઢી કલાક પ્રવાસ કરતી. ક્યારેક થાકીને એમના ઘરે જ સૂઈ જતી, સવારે ઊઠીને સીધી શૂટ પર જતી. ત્રણ દિવસ વિનોદનો ફોન ન આવ્યો. હું બેચેન થઈ ગઈ... હું જ્યારે ફોન કરું ત્યારે એનો સેક્રેટરી ઉપાડે, "સા'બ બિઝી હૈ. સાંભળી સાંભળીને હું થાકી ગયેલી. કંટાળીને એક સવારે મેં કેતનને કહ્યું, "મારે એક દિવસ માટે મુંબઈ જવું છે. કેતને હસીને કહ્યું, "અમે મુંબઈ જ તારે માટે અહીં મંગાવ્યું છે. જા ૧૦૬ નંબરના રૂમમાં મૂક્યું છે. અમારી નાનકડી, મધ્યમ વર્ગીય હોટેલના ૧૦૬ નંબરના રૂમમાં હું પહોંચી ત્યારે વિનોદ મારી પ્રતીક્ષા કરતો હતો. મારી જિંદગીના ઉત્તમ બે દિવસ મેં એની સાથે અમદાવાદમાં ગાળ્યા !

વિનોદ સાથેના સંબંધો મેં ખુલ્લેઆમ સ્વીકાર્યા... પરંતુ એણે જ્યારે પત્ની ગીતાંજલિને છોડી અને દીકરાઓની જવાબદારીમાંથી ભાગ્યો ત્યારે હું દીકરાઓની સાથે ઊભી રહી. મેં ગીતુને કહેલું, "તું અડધી રાતે પણ ફોન કરી શકે છે. એ પછી વિનોદ સાથે સંબંધ ના રહ્યા, પરંતુ ગીતુ મારી મિત્ર રહી.

હું નાદિરાજી સાથે પણ સારી મિત્ર રહી શકી હોત, પણ એમણે આખી વાતને કડવી કરીને ચૂંથી નાખી. દીપા ગેહલોત નામની ફિલ્મ પત્રકારે અને પ્રીતિશ નાંદીએ એમાં ઘી હોમવાનું કામ કર્યું. મેં વિનોદ ખન્ના સાથેના મારા સંબંધ વિશે દીપાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, 'ફિલ્મ ફેર'માં આ ઇન્ટરવ્યૂ છપાય એ પહેલાં વિનોદે મારી સાથે ઝઘડો કર્યો. મેં પ્રીતિશ નાંદીને ફોન કરીને ઇન્ટરવ્યૂ નહીં છાપવાની વિનંતી કરી. એણે વાત સાંભળી લીધી ને છતાં ઇન્ટરવ્યૂ છાપ્યો. મેં ગુસ્સે થઈને દીપાને કાઢી મૂકવાની વાત કરી તે યાદ રાખીને પ્રીતિશે સામેથી ફોન કરીને નાદિરાનો ઇન્ટરવ્યૂ કર્યો, એમણે જેમ ફાવે તેમ કહ્યું ને પ્રીતિશે એમાં મીઠું-મરચું ઉમેરીને 'ફિલ્મ ફેર'માં છાપ્યું. મને ક્યારેય મીડિયા ગેમ્સ રમતા આવડી નહીં... હેમા માલિની અને ધર્મેન્દ્રનાં લગ્ન વખતે આ જ મીડિયા શાંત રહ્યું, કારણ કે હેમાજીને પરિસ્થિતિ મૅનેજ કરતા આવડી ને મારી સામે આ મીડિયા વાયોલેન્ટ થયું, કારણ કે મને મીડિયા મૅનેજમેન્ટ ના આવડ્યું.

મેં એક ઇન્ટરવ્યૂમાં કહેલું, "હું મારા પુરાણા સંસ્કારમાંથી નીકળી નથી શકતી અને નવી મોરાલિટીને સ્વીકારી નથી શકતી એમાં ફસાઈ છું.

મને પહેલી વાર ખબર પડી કે હું મા બનવાની છું ત્યારે મેં રાજને આ વાત ખુશખુશાલ થઈને કહેલી, પણ રાજનું રિએક્શન વિચિત્ર હતું. એનાં સંતાનો મોટાં થઈ ગયાં હતાં. એણે મને પૂછ્યું, "આ બધું કેવી રીતે મૅનેજ કરું...

મારો મિત્ર જગદીશ માળી અને હું તારદેવમાં જ્યાં પી. જી. રહેતી હતી ત્યાંનો મારો મિત્ર હિતુ બંને જણા મને મળવા આવેલા. બંનેએ મને કહેલું, "અમારી કંઈ પણ જરૂર હોય તો કહેજે. હિતુએ તો છેલ્લા દિવસ સુધી મારી કાળજી કરી. મારો જન્મ દિવસ ૧૭ ઑક્ટોબર... પ્રતીકનો જન્મ ૨૮ નવેમ્બર. મારો છેલ્લો જન્મદિવસ અમે ઊજવ્યો ત્યારે મને આઠ મહિના પૂરા થવાની તૈયારીમાં હતા. મારી તબિયત બહુ સારી રહેતી નહોતી. મારી બહેનપણી દિલ્હીથી મને મળવા આવી હતી. મારી બહેન અનિતા અમેરિકાથી મારી સુવાવડ કરવા આવી હતી... અમે બધાંએ મારો જન્મદિવસ મારા ઘરમાં સાથે ઊજવ્યો. કોણ જાણે કેમ, એ દિવસે મારી મા પણ સારા મૂડમાં હતી. એણે એ દિવસે મને ભેટીને કહ્યું, "હોય... સંતાનોથી ભૂલ થાય. મા-બાપે માફ કરવું જોઈએ. તને લાગતું હોય કે કંઈ ખોટું થયું છે તો શાંતિથી પાછી આવતી રહેજે. એ દિવસે મને બહુ રડવું આવ્યું. મારી માની આટલી વાત સાંભળીને જ મને શાંતિ થઈ ગયેલી.

ક્યારેક વિચારું છું તો થાય છે કે ઈશ્ર્વરે મને ઘણું આપ્યું. સૌથી વધુ તો મા બનાવીને પરમ સુખની લાગણી આપી. મારી પ્રેગ્નન્સી મારે માટે સારા અને ખરાબ અનુભવોનો ખીચડો બની ગઈ. એક તરફ મને મા બનવાનું સુખ મળી રહ્યું હતું તો બીજી તરફ નાદિરા બબ્બરે લગભગ બધા મિત્રો અને ઇન્ડસ્ટ્રીના સંબંધોને મારાથી દૂર કરવા માંડ્યા હતા. 'ફેમિના'નાં એડિટર વિમલાતાઈ પાટીલે તો ઓપન પત્ર લખ્યો હતો, જેમાં એમણે મને એક પરણેલા પુરુષની જિંદગી બરબાદ કરવા માટે લાંબું ભાષણ ઠોક્યું હતું. મારી મા મારો ખોળો ભરવા પણ ન આવી. મારી બહેનપણી અરુણાની માએ એ પ્રસંગ નિભાવ્યો. મારી બહેનપણી જેલમ, અરુણા, લલિતા, રિન્કી મારી આસપાસમાં રહેતાં હતાં. એ બધાં મને મળવા આવતાં. એ લોકો મને સતત સમજાવતાં રહ્યાં, કારણ કે રાજ પોતાની દુનિયામાં વ્યસ્ત હતો. મેં મારી પ્રેગ્નન્સીના દિવસો લગભગ એકલા જ વિતાવ્યા... સાચું પૂછો તો મેં મનોમન નિર્ણય કરી લીધો હતો કે એક વાર બાળક જન્મે પછી રાજ સાથે છૂટાછેડા લઈ લેવા. આ બાળક મારું હતું, મારે જોઈતું હતું અને એને પિતાનું નામ આપવા સિવાય રાજે બીજું કશું કર્યું નહોતું, એ પણ એટલું જ સત્ય હતું ! અરુણાને ઘેર અમે ગણેશ ઉત્સવ વખતે જમવા ગયેલા ત્યારે મેં બેડરૂમમાં લલિતાને કહેલું, "બસ, બચ્ચું જન્મે એટલી વાર છે. હું નીકળી જઈશ, આ સંબંધમાંથી અને રાજની જિંદગીમાંથી.

પ્રેગ્નન્સીના દિવસો મારી જિંદગીના સૌથી ઉત્તમ દિવસો હતા... અને સૌથી પેઇનફુલ પણ! કેટલીક વાર મારી જાતને અરીસામાં જોતી... વધી રહેલું પેટ, મોટો થઈ ગયેલો ચહેરો... હું વિચારતી, હવે ફિલ્મોમાં કામ મળશે કે નહીં! પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં પણ મેં ફિલ્મ પૂરી કરી. પરમજીતજીની ફિલ્મ 'વારિસ'માં મારું પેટ દેખાય છે. ઓછાં વર્ષોમાં મને ઉત્તમ ફિલ્મો મળી. બે નેશનલ એવૉર્ડ (ભૂમિકા અને ચક્ર), છ ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ (જૈત રે જૈત, ભૂમિકા, ઉંબરઠા, ચક્ર, બાઝાર અને આજ કી આવાઝ) અને બે ફિલ્મફેર સપોર્ટિંગ એક્ટ્રેસ માટે (અર્થ અને મંડી)... ૩૧ વર્ષે મને પદ્મશ્રી મળ્યો. ઈશ્ર્વરને પણ ખબર હશે કે મારી પાસે બહુ સમય નથી! મને જે કંઈ આપવાનું હતું એ બધું એણે મને ફટાફટ આપી દીધું. સુખ, દુ:ખ, સફળતા, અપમાન અને અંત પણ! 

'મંથન' પછી મેં સ્વપ્નેય વિચાર્યું નહોતું કે હું ફિલ્મોમાં કારકિર્દી બનાવીશ...હું તો મારી દૂરદર્શનની નોકરી અને હો-હલ્લામાં ખુશ હતી. મારા પિતા શિવાજીરાવ પાટીલ મિનિસ્ટર હતા અને મારી મા સમાજસેવાના બહુ મોટા પાયે કામો કરતી. ઝૂંપડપટ્ટીના લોકોને હેલ્થ અને હાઈજીન વિશે જાગૃત કરવાથી શરૂ કરીને નાના-નાના કામોમાં મારી મા વિદ્યાતાઈ પાટીલ રસ લેતી. મારી માની પાછળ પાછળ મેં પણ સમાજસેવાના કામોમાં રસ લેવા માંડયો. સ્ત્રીઓના પ્રશ્ર્નોમાં અને વિમેન એમ્પાવરમેન્ટની કામગીરીમાં હું આગળ પડતો ભાગ લેતી રહી. ફિલ્મો, અને એ પણ કોમર્શિયલ ફિલ્મોમાં કામ કરીશ એવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું!

શ્યામ જ્યારે મારી પાસે 'ભૂમિકા' ફિલ્મની ઓફર લઈને આવ્યા ત્યારે હું બાવીસ વર્ષની હતી...'મંથન' વખતે એકવીસની, કારકિર્દી વિશે જ ગંભીર નહોતી એટલે ફિલ્મી કારકિર્દીનો વિચાર કરવાનો તો સવાલ જ નહોતો, પણ 'ભૂમિકા'ની સ્ક્રિપ્ટ વાંચી ને તરત હું હંસા વાડકરના પ્રેમમાં પડી ગઈ. સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મેં હંસા વાડકરની આત્મકથા વાંચી. 'સાંગતે, આઈકા!' (કહું છું, સાંભળો) એના જીવનની એક પછી એક ઘટનાઓ વાંચીને હું હંસા વાડકરનો રોલ કરવા તૈયાર થઈ ગઈ. ૧૯૨૩માં જન્મેલી આ છોકરી બોલ્ડ અને પોતાની શરતોએ જીવી...હું પણ એવી જ છું, એવું મને લાગ્યું. 'ભૂમિકા' એ મને પહેલો નેશનલ એવૉર્ડ અપાવ્યો. લોકો મને ઓળખવા લાગ્યા. ફિલ્મોની ઓફર આવા લાગી પણ મેં કલ્પ્યું નહોતું કે હું આવી રીતે ગળાડૂબ ફિલ્મોમાં વ્યસ્ત થઈ જઈશ. 

હું લગભગ પાંચ વર્ષ સુધી કમર્શિયલ ફિલ્મોને નાકનું ટીચકું ચઢાવીને જોતી. ઝાડની આસપાસ ફરીને ગીતો ગાવાનું મને નહીં ફાવે એવું કહીને મેં ઘણા નિર્માતાઓને પાછા મોકલ્યા હતા. એવામાં એક દિવસ મહેશ ભટ્ટ મારે ત્યાં આવ્યા, એમણે મને ફિલ્મની વાર્તા સંભળાવી. હજી એનું નામ નક્કી નહોતું. મેં ફિલ્મની વાર્તા સાંભળી...મેં ભટ્ટ સા'બને કહ્યું, "મેં યે રોલ કરુંગી એમણે મને હસીને કહ્યું, "આઈ ન્યૂ ઈટ.

પહેલી કમર્શિયલ ફિલ્મ અથવા કમર્શિયલ કહી શકાય એવી ફિલ્મ એટલે 'અર્થ'. પછી તો ઑફર્સ આવવા લાગી. મને પણ થયું કે કમર્શિયલ ફિલ્મો અને ત્યાંનું વાતાવરણ હું માનું છું એટલું ખરાબ નથી! મેઇનસ્ટ્રીમ સિનેમામાં પણ ઉત્તમ મિત્રો મળ્યા. અમિતજી, વિનોદ, યશજી, જગદીશ માળી, ભટ્ટ સા'બ અને બીજા ઘણા. એમાં એક નામ લીના દરુનું ઉમેરવું પડે. લીનાજી મને દીકરીની જેમ સ્નેહ કરતાં. મારે શું પહેરવું જોઈએ, કેવી રીતે પહેરવું જોઈએ, કઈ પાર્ટીમાં કેવાં કપડાં શોભશે એ વિશે મને સલાહ આપતાં, ક્યારેક તો વહાલથી ધમકાવી નાખતાં, "સ્મિતા, યુ આર એ સ્ટાર નાઉ... એમ ગમે તેમ બહાર નહીં જતા રહેવાનું. ખાસ કરીને ફિલ્મફેર કે બીજી પાર્ટીઝ વખતે હું સાડી પહેરવાની વાત કરું ત્યારે હંમેશાં કહેતાં, "યુ હેવ સચ એ ગુડ ફિગર... તારે વેસ્ટર્ન કપડાં પહેરવા જોઈએ. લીનાજીનાં ડિઝાઇન કરેલા ઓફશોલ્ડર્સ અને બીજા વેસ્ટર્ન આઉટફિટ્સમાં એક ફોટોશૂટ કર્યું ને એ ફોટોશૂટ 'વૉગ'માં છપાયું ત્યારે ડિમ્પલજીએ ગૌતમ રાજાધ્યક્ષને કહેલું, "એકદમ ઇન્ડિયન ચહેરો અને એકદમ વેસ્ટર્ન ફિગર... આ છોકરીને ઈશ્ર્વરે કમાલની પર્સનાલિટી આપી છે.

અમિતજી હંમેશાં મારાં વખાણ કરતા. અમે કદી મિત્રો નહોતા, પણ વાંચવાનો, ફોટોગ્રાફીના શોખને કારણે અમારી પાસે વાતોના વિષય બહુ રહેતા. એ ક્યારેક મારી મજાક કરતા, "અમે તો બધા કમર્શિયલ ફિલ્મોવાળા... તમે બધા ઇન્ટલએક્ચ્યુઅલ્સ, આર્ટ ફિલ્મોવાળા, પેરેલલ સિનેમાવાળા. એક દિવસ એમણે મને સેટ ઉપર કૅમેરો લઈને ફોટા પાડતી જોઈ. એ પછી એમણે ખાસ મારા ફોટા જોવા માટે મારે ઘેર આવવાનું કહ્યું. હું ટેન્શનમાં આવી ગઈ. મારી બહેનપણી અરુણાને લઈને એક જ દિવસમાં સોફા, દરી અને લેમ્પ્સ લઈ આવી. ઘરને એવી રીતે ગોઠવી નાખ્યું કે કમસેકમ અમિતજીને 'લાયક' લાગે. એમણે ઘરમાં દાખલ થતાંની સાથે જ મને કહ્યું, "વેરી બ્યુટીફુલ ઍન્ડ કોઝી હાઉસ.

અમિતજી સાથે મારે કામ વગર વાત કરવાના સંબંધો નહોતા. એ 'કુલી' માટે બેંગલોરમાં શૂટ કરતા હતા... રાત્રે પોણા બે વાગ્યે મને બહુ ખરાબ સપનું આવ્યું. મને ખબર હતી કે એ ક્યાં ઊતર્યા છે. મેં એમની હોટેલમાં ફોન કર્યો. રાત્રે પોણા વાગ્યે મારો ફોન સાંભળીને એમને નવાઈ લાગી. ખૂબ સજ્જનતાથી એમણે પૂછ્યું, "સ્મિતા, બધું ઓ.કે. છે ને ? મેં એમને પૂછ્યું, "તમે ઓ.કે. છો ને? મને બહુ ખરાબ સપનું આવ્યું એટલે મેં તમને ફોન કર્યો છે. એમણે કહ્યું, "હું ઓ.કે. છું. તેમ છતાં હું આખી રાત સૂઈ ન શકી ને બીજે દિવસે એમના એક્સિડન્ટના સમાચાર આવ્યા.

મને આવું થતું અવારનવાર... કંઈક વિચિત્ર અનુભવ, ન માની શકાય એવી અનુભૂતિ!

મારી બહેનપણી દિલશાદ એક વાર ક્યાંકથી જોન્ગા જીપ મેનેજ કરીને લઈ આવી. મને કહે, "ચલો, દિલ્હી સુધી ડ્રાઇવ કરીએ. અનીતાએ ચોખ્ખી ના પાડી. મારી મા તો મગજ ગુમાવી બેઠી. એ દિવસોમાં ચંબલનો રસ્તો બહુ સેફ નહોતો. મુંબઈથી દિલ્હી સુધી બે એકલી છોકરીઓ... મારા ઘરેથી રજા મળે એવો કોઈ સ્કોપ લાગ્યો નહીં, એટલે હું ચિઠ્ઠી લખીને સવારે પાંચ વાગ્યે ભાગી છૂટી. મેં નક્કી કરેલું કે રોજ ઘેર ફોન કરીશ. હું રોજ ફોન કરતી ને મારી મા રોજ ગુસ્સે થતી. એક દિવસ રાત્રે અમે ઉદેપુરથી અજમેરની વચ્ચે એક હોટેલમાં સૂતાં હતાં. હું અચાનક બેઠી થઈ ગઈ. મેં કહ્યું, "ચાલ. દિલશાદ અકળાઈ ગઈ. એણે કહ્યું, "રાતના ત્રણ વાગ્યા છે. અત્યારે ક્યાં જઈશું ? જીદ કરીને સવારે સાડાચારે અમે જોન્ગા લઈને નીકળી ગયાં. બીજે દિવસે અજમેરમાં સમાચાર વાંચ્યા, અમે જે હોટેલમાં ઊતર્યાં હતાં ત્યાં સવારે સાડાછ વાગ્યે શૂટઆઉટ થયું. આઠ માણસના જીવ ગયા!

હું બહુ સાદી જિંદગીમાં માનું છું... હવે જિંદગી નથી, પણ મારી સાદગી આજે પણ લોકોને યાદ છે.

પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં મને વિચિત્ર સપનાં આવતાં. મારી તાઈ, અનીતા મારી બાજુમાં સૂતી. હું અચાનક બેઠી થઈ જતી, હાંફવા લાગતી... પરસેવે રેબઝેબ થઈ જતી. મારી બહેન ડૉક્ટર હતી, એટલે એ કહ્યા કરે, "આવું થાય, આને પ્રેગ્નન્સી બ્લ્યૂઝ કહેવાય. એક દિવસ વહેલી સવારે હું બહાર જોઈ રહી હતી. એ જાગી, મારી પાસે આવી ને એણે મારા ખભે હાથ મૂક્યો. એણે મને પૂછ્યું, "શું થાય છે તને ? મેં કહ્યું, "હું કદાચ નહીં રહું તો તું પ્રતીકને સાચવીશને ? એનું નામ એના જન્મ પહેલાં નક્કી હતું. પ્રતીક સ્મિતા બબ્બર... મેં મારી બહેનને એક પત્ર લખેલો અને કહેલું કે હું ન રહું ત્યારે વાંચજે. મારી બહેને હસીને પત્ર કબાટમાં મૂકી દીધેલો અને કહેલું કે એવું કંઈ થવાનું નથી. મારા મૃત્યુ પછી મારી બહેને એ પત્ર ખોલ્યો ત્યારે એમાં લખેલું વાંચીને મારી બહેન હતપ્રભ થઈ ગયેલી. મેં એમાં લખેલું, "મને એક વિચિત્ર સપનું આવે છે. હું હવા જેવી હળવી થઈને, સોનેરી વસ્ત્રો પહેરીને આ ઘરમાં ગોળગોળ ફરું છું. મારા પગ જમીન પર અડતા નથી. જાણે હવામાં ઊડતી હોઉં એમ હું આ ઘરમાં ઊડ્યા કરું છું. થોડી વાર સુધી આ ઘરમાં રહીને હું મારાં સોનેરી વસ્ત્રો ઉતારું છે. એ વસ્ત્ર બાળક બની જાય છે. એક સોનેરી રંગનું બાળક આ ઘરમાં મૂકીને હું દૂર દૂર સૂર્યાસ્ત તરફ ઊડવા લાગું છું. પછી હું લીલાં વૃક્ષોમાં, ભૂરા આકાશમાં અને વહેતાં જળમાં ભળી જાઉં છું.

આ મારા મૃત્યુનો સંકેત હશે ? પ્રતીકમાં મારું જીવન રેડીને મારે જતાં રહેવાનું છે? આ લખતી વખતે મારી ભીતર કંઈક વિચિત્ર અનુભૂતિ હતી. પ્રતીકને હાથમાં લીધો ને મને લાગ્યું કે જાણે મેં મારું જીવન એનામાં રેડી દીધું છે...

બે અઠવાડિયાં મેં પ્રતીકને વહાલ કર્યું... કેટલીક રાતો જાગીને હું એને બસ જોયા જ કરતી, નવાઈથી, આશ્ર્ચર્યથી, અહોભાવથી ને ક્યારેક ખાળી ન શકાય એટલા વહાલથી! આ નાનકડો અઢી કિલોનો જીવ મારા શરીરમાંથી નીકળ્યો છે એ વાત મારા માન્યામાં જ નહોતી આવતી. ડૉક્ટરે કહ્યું કે મને કમળો થયો છે. મારે પ્રતીકને દૂધ ન પીવડાવવું. મને બહુ રડવું આવ્યું, પણ મારા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી હતું. હું ધીમે ધીમે નબળી પડવા લાગી. પ્લૅટલૅટ કાઉન્ટ વધવા લાગ્યા, ડબલ્યુબીસી ભયજનક રીતે વધી ગયા... થઈ શકે એ બધી જ સારવાર કરી, મુંબઈના ડૉક્ટર્સે અને મારાં માતાપિતાએ. મારી તાઈએ રાત-દિવસ મને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ મને ખબર હતી કે જવાનો સમય થઈ ગયો છે.

કેટલીક વાર ઊંઘમાં મને પૂનાનું ઘર યાદ આવતું... મારી ફિલ્મોના સીન દેખાતા... કેટલીક વાર મોટો થઈ ગયેલો પ્રતીક આવીને મને કહેતો, "આઈ, તું હવે કામ છોડી દે. હું સનેપાતમાં ઘૂસી જતી, બેહોશ થઈ જતી. મિત્રો મળવા આવતા. કેટલાકને મળી શક્તી, કેટલાકને મળી શક્તી નહીં... આ બધા સમય દરમિયાન હું રાજની પ્રતીક્ષા કરતી રહી. એ પોતાના દીકરાને જોવા આવ્યા, મને મળ્યા, પણ એમાં ક્યાંય આનંદ કે ઉત્સાહ - સુખ કે સંતોષ નહોતો.

મેં એમને પૂછ્યું, "હું મરી જાઉં તો? એમણે મારા ગાલ થપથપાવીને કહ્યું, "એવું કંઈ નહીં થાય. પણ મને એમના અવાજમાં શ્રદ્ધાનો રણકો સંભળાયો નહીં.

૧૩ ડિસેમ્બર, બપોરે મેં શ્ર્વાસ છોડી દીધા. મારી માને તો ભરોસો જ નહોતો પડતો કે હું મૃત્યુ પામીશ. એણે ત્રણ વાર ક્ધફર્મ કર્યું. પછી એ ભાંગી પડી.

હું હોત તો આજે ૬૧ વર્ષની થઈ હોત. મારો દીકરો ૨૯ વર્ષનો છે. હું શરીરથી આ જગતમાં નથી, પણ મારી ફિલ્મો આજે પણ હિન્દી અને મરાઠી સિનેમાના પ્રેક્ષકોને મારી યાદ અપાવતી રહે છે. લોકો આજે પણ માને છે કે હું એક બેનમૂન અભિનેત્રી હતી... મિત્રો આજે પણ માને છે કે હું એક હૂંફ અપનારી, વહાલસોયી દોસ્ત હતી. મારાં માતાપિતા આજે પણ માને છે કે હું એક મજાની દીકરી હતી.

બસ, મારા દીકરાને ખબર નથી કે હું કેવી મા બની હોત!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment