Sunday, 16 October 2016

[amdavadis4ever] પાકિસ્તાન ના વિસર્જન નો કાળ પા કી ગયો છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઇ.સ.૧૯૪૭ પહેલા આ વિશાળ પૃથ્વીના પટ પર પાકિસ્તાન નામનો કોઇ દેશ હતો નહીં. પાકિસ્તાનનું સર્જન ભારતીય ઉપખંડમાં રહેતા હિન્દુઓને અને મુસ્લિમોને લડાવી મારવાની અંગ્રેજોની કૂટનીતિના ભાગરૂપે થયું હતું. ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો સદીઓથી સંપીને જીવતા હતા. ઇ.સ.૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં હિન્દુઓ અને મુસ્લિમો ખભે ખભા મિલાવીને અંગ્રેજ સલ્તનત સામે લડ્યા હતા. ત્યારથી અંગ્રેજોએ યોજનાપૂર્વક મુસ્લિમોની આળપંપાળ કરીને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ધિક્કારનાં બીજ વાવ્યાં હતાં. આ બીજનાં કડવાં વૃક્ષ તરીકે ઇ.સ.૧૯૪૭માં પાકિસ્તાનનો જન્મ થયો હતો. પાકિસ્તાનનો જન્મ એવા કોઇ અશુભ ચોઘડિયે થયો હતો કે તેના કારણે લાખો માનવોનો સંહાર થયો હતો અને કરોડો વિસ્થાપિત થયા હતા. પાકિસ્તાનની રચનાને કારણે સિંધના હિન્દુઓની આખી જાતિ ઘરબારવિહોણી નિરાશ્રિત થઇ ગઇ હતી. 

પાકિસ્તાનનો જન્મ ઇસ્લામના પાયા પર થયો હતો, પણ તેમાં વિવિધ ભાષાઓ બોલતા, વિવિધ સંસ્કૃતિ ધરાવતા, વિવિધ વિચારો ધરાવતા લોકોનો સમાવેશ થતો હતો. બંગાળના મુસ્લિમો અને પંજાબના મુસ્લિમોની સંસ્કૃતિ વચ્ચે આભગાભનું અંતર હતું. બલૂચિસ્તાનના મુસ્લિમો કોઇ રીતે સિંધના મુસ્લિમો સાથે હળીમળીને રહી શકે તેમ નહોતું. ઇ.સ.૧૯૪૮ની ૫ જાન્યુઆરીના લાઇફ મૅગેઝિનમાં ભવિષ્યવાણી ભાખવામાં આવી હતી કે પાકિસ્તાનનું અસ્તિત્વ ટૂંક સમયમાં નાબૂદ થઇ જશે. ઇ.સ.૧૯૭૧માં પૂર્વ બંગાળના મુસ્લિમો લોહિયાળ ક્રાંતિ કરીને પાકિસ્તાનથી જુદા પડી ગયા ત્યારે આ ભવિષ્યવાણી આંશિક રીતે સાચી પડી હતી. હવે સિંધ, બલૂચિસ્તાન અને વાયવ્ય પ્રાંત પણ લોહિયાળ સંઘર્ષ કરીને જુદા પડી જશે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ ખતમ થઇ જશે.

પાકિસ્તાનની સ્થાપના માટે જવાબદાર મોહમ્મદ અલી ઝીણાને કેન્સરની બીમારી હતી અને તેઓ થોડા દિવસોના મહેમાન હતા. જો ભારતના ભાગલા વખતે આ વાત છુપાવી રાખવામાં ન આવી હોત તો પાકિસ્તાનનું સર્જન જ થયું ન હોત. કહેવાય છે કે ભારતના ભાગલા વખતે જે નરસંહાર થયો તે જોઇને મોહમ્મદ અલી ઝીણા એટલા વ્યગ્ર થઇ ગયા હતા કે તેમણે ભાગલાને પોતાની મહાન ભૂલ ગણાવી હતી. ઝીણાનું ચાલ્યું હોત તો તેમણે ભાગલાનો નિર્ણય ઊલટાવી કાઢ્યો હોત, પરંતુ સત્તાનો સ્વાદ ચાખી ગયેલા મુસ્લિમ લિગના નેતાઓએ આ વાત દબાવી દીધી હતી.

મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનને એક બિનસાંપ્રદાયિક અને પ્રગતિશીલ દેશ બનાવવા માગતા હતા. પાકિસ્તાનનું બંધારણ પણ તેવી જ રીતે ઘડવામાં આવ્યું હતું. પાકિસ્તાનનાં બંધારણની ઘોષણા કરતાં મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું હતું કે, "હવે તમે કોઇ પણ મંદિર કે મસ્જિદમાં જવા સ્વતંત્ર છો. તમે કોઇ પણ ધર્મ પાળતા હો, કોઇ પણ જાતિના હો કે કોઇ પણ જ્ઞાતિના હો; રાજ્યને તેની સાથે કોઇ લેવાદેવા નથી. મોહમ્મદ અલી ઝીણાના રાજકીય વારસદારો આ ઉદારમત પચાવી શક્યા નહોતા. તેમના દિલ ધિક્કારથી ભરેલા હતા. તેમને ડર હતો કે પાકિસ્તાની પ્રજા જો ધાર્મિક રીતે સહિષ્ણુ બની જશે તો પાકિસ્તાનના અસ્તિત્વનો કોઇ મતલબ રહેશે નહીં. માટે તેમણે પ્રજાને ઇસ્લામના નામે કોમવાદનું ઝેર પિવડાવવાનું શરૂ કર્યું. બીજી બાજુ સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી વહાબી મૌલવીઓ આવવા લાગ્યા. તેમણે નવી પેઢીને કટ્ટરતાના પાઠો ભણાવવા માંડ્યા. 

ભારતની જેમ પાકિસ્તાનનો જન્મ પણ લોકશાહી પ્રજાસત્તાક તરીકે થયો હતો, પણ પાકિસ્તાનના શાસકોને લોકશાહી માફક આવતી નહોતી. પાકિસ્તાનના શાસકો ઉપર મુલ્લાઓ અને મૌલવીઓનું સતત દબાણ હતું કે તેને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવે. આ દબાણ હેઠળ ઇ.સ.૧૯૪૯ની સાતમી માર્ચે પાકિસ્તાનનાં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું તે પછી તેમાં લોકશાહીને કોઇ સ્થાન રહ્યું નહીં. રાજકારણીઓ અને ધર્મગુરુઓ વચ્ચે સત્તા માટે ખેંચતાણ શરૂ થઇ. તેને કારણે દેશમાં અંધાધૂંધી ફેલાઇ ગઇ. તેનો લાભ લઇને ઇ.સ.૧૯૫૮માં તત્કાલીન રાષ્ટ્રપતિ ઇસ્કંદર મિર્ઝાએ દેશમાં માર્શલ રો જાહેર કર્યો, જેના સંચાલકની જવાબદારી લશ્કરના તત્કાલીન વડા અયુબ ખાનને સોંપવામાં આવી. બે અઠવાડિયા પછી અયુબ ખાને બળવો કરીને ઇસ્કંદર મિર્ઝાની સરકારને ઉથલાવી પાડી. 

અયુબ ખાન પોતે રાષ્ટ્રપતિ બની ગયા. પાકિસ્તાનમાં લોકશાહીના ગળે ટૂંપો દઇ દેવાયો અને લશ્કરી શાસનનો દોર શરૂ થયો. ભારતની વધતી તાકાત સામે પાકિસ્તાન સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાનું વ્યક્તિત્વ જાળવી શકે તેમ ન હોવાથી અયુબ ખાને પાકિસ્તાનને અમેરિકાનું ખંડિયું રાજ્ય બનાવી દીધું. અયુબ ખાને બ્રિટનને અને અમેરિકાને પેશાવરમાં હવાઇ મથકની સ્થાપના કરવાની પરવાનગી આપી. અમેરિકાને ભારતીય ઉપખંડમાં પ્રવેશવાની તક મળી ગઇ. પેશાવરના હવાઇ મથકનો ઉપયોગ અમેરિકા તેના શત્રુ દેશ રશિયા પર નજર રાખવા માટે કરવા માંડ્યું.

પાકિસ્તાનને વેરણછેરણ થતું અટકાવવા તેના જન્મકાળથી જ કાશ્મીરના મુદ્દાનો ઉપયોગ કરાતો આવ્યો છે. પાકિસ્તાનનો જન્મ થયો તેના બે મહિના પછી જ તેણે કાશ્મીર પર આક્રમણ કરીને આઝાદ કાશ્મીર તરીકે ઓળખાતો વિસ્તાર પચાવી પાડ્યો હતો. ઇ.સ.૧૯૬૫માં અયુબ ખાને કાશ્મીર જીતવા માટે ભારત સાથે બીજું યુદ્ધ કર્યું, પણ તેમાં પાકિસ્તાનનો કારમો પરાજય થયો હતો. પાકિસ્તાનના પરાજયને કારણે છેવટે અયુબ ખાને સત્તાનો ત્યાગ કરવો પડ્યો હતો.

ઇ.સ.૧૯૬૯માં જનરલ યાહ્યા ખાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા. તેમણે પાકિસ્તાનને બીજી વખત લશ્કરી શાસન હેઠળ મૂકી દીધું. ઇ.સ.૧૯૭૦માં યાહ્યા ખાને પાકિસ્તાનના ઇતિહાસની પ્રથમ મુક્ત ચૂંટણી કરાવી. પૂર્વ પાકિસ્તાનના બંગાળી નાગરિકો આ તકની રાહ જોઇને બેઠા હતા. તેમણે પાકિસ્તાનના શાસક પક્ષ પાકિસ્તાની પિપલ્સ પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું અને શેખ મુજિબુર રહેમાનની અવામી લિગને બહુમતી અપાવી. યાહ્યા ખાન કોઇ સંયોગોમાં પૂર્વ પાકિસ્તાનનું શાસન મુજિબુર રહેમાનના હાથમાં સોંપવા માગતા નહોતા. તેમણે શેખ મુજિબુર રહેમાનને જેલમાં પૂર્યા. સમગ્ર પૂર્વ પાકિસ્તાનમાં તોફાનો ફાટી નીકળ્યાં. આ તોફાનો ડામવા પાકિસ્તાની લશ્કરે કાળો કેર વર્તાવ્યો, જેમાં આશરે પાંચ લાખ નિર્દોષ નાગરિકોનાં મોત થયાં. છેવટે ભારતે પૂર્વ પાકિસ્તાનમાં લશ્કર મોકલીને બાંગલાદેશને પાકિસ્તાનની ગુલામીમાંથી મુક્ત કરી દીધું. 

બાંગલાદેશની રચના સાથે જ ઇસ્લામિક રાષ્ટ્રની થિયરી નિષ્ફળ સાબિત થઇ; કારણ કે બાંગલાદેશની બહુમતી પ્રજા ઇસ્લામ પાળતી હોવા છતાં પાકિસ્તાન તેને પોતાની સાથે રાખી શક્યું નહીં. યુદ્ધમાં નિષ્ફળતાને પગલે યાહ્યા ખાને સત્તા છોડવી પડી. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા. તેમણે ભારત સામે એક હજાર વર્ષ સુધી યુદ્ધ કરવાની ડંફાસો મારી. ભુટ્ટોએ પાકિસ્તાનના અણુકાર્યક્રમનો પ્રારંભ કર્યો, પણ ભારતે ઇ.સ.૧૯૭૪માં પોખરણના રણમાં પ્રથમ અણુધડાકો કરીને પાકિસ્તાનને આ બાબતમાં પાછળ પાડી દીધું. ભુટ્ટોએ પાકિસ્તાનમાં લોકશાહીની પુનર્સ્થાપના કરવાની કોશિશ કરી, પણ તેમાં તેમને સફળતા મળી નહીં. ઇ.સ.૧૯૭૮માં જનરલ ઝિયા ઉલ હકે બળવો કરી સત્તા હાંસલ કરી પછી ભુટ્ટોને ફાંસીના માંચડે ચડાવી દીધા.

ઇ.સ.૧૯૮૮માં જનરલ ઝિયા ઉલ હકનું વિમાન અકસ્માતમાં મોત થયું તે પછી બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન બન્યાં. ઇ.સ.૧૯૯૭માં નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા ત્યારે પરવેઝ મુર્શરફ લશ્કરના સેનાપતિ હતા. તેમના નિર્દેશ હેઠળ પાકિસ્તાની લશ્કરે કારગિલમાં ઘૂસણખોરી કરી હતી. ઇ.સ.૧૯૯૯માં અટલબિહારી વાજપેયીની સરકારે કારગિલમાં લશ્કર મોકલી પાકિસ્તાની સેનાને મારી હઠાવી હતી. ઇ.સ.૧૯૯૯માં જનરલ પરવેઝ મુર્શરફે બળવો કરીને ત્રીજી વખત પાકિસ્તાનમાં લશ્કરી શાસનની સ્થાપના કરી હતી. 

ઇ.સ.૨૦૧૩માં નવાઝ શરીફ ત્રીજી વખત પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા તે પછી તેમણે લશ્કરનો ઉપયોગ કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ઉપરાંત બલૂચિસ્તાનમાં દમનનો દોર ચાલુ રાખ્યો છે. જો ઇ.સ.૧૯૭૦ની જેમ આજની તારીખમાં આઝાદ કાશ્મીર અને બલૂચિસ્તાનમાં મુક્ત ચૂંટણી કરાવવામાં આવે તો પ્રજા શાસક પક્ષને જાકારો આપીને સ્થાનિક પક્ષને સત્તા સોંપી શકે છે. જો ભારત દ્વારા સિંધ, બલૂચિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની પ્રજાના સંગ્રામને સમર્થન મળશે તો પાકિસ્તાન નામનો દેશ ભૂતકાળમાં વિલીન થઇ જશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment