Thursday, 4 August 2016

[amdavadis4ever] ભેજાગેપ, ધૂની, ચક્ રમ અને એક ્સેન્ટ્રિક

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જેમની બુદ્ધિમાં સર્જનશીલતા કે ક્રિયેટિવિટી ઠાંસી ઠાંસીને ભરી હોય એવા લોકોનો સ્વભાવ થોડેઘણે અંશે કે ઘણેબધે અંશે જરાક ચક્રમ જેવો અર્થાત્ એક્સેન્ટ્રિક હોય છે એવું તમે માર્ક કર્યું છે? એનું કારણ હજુ સુધી કોઈ શોધી શક્યું નથી, પણ એટલું તો જરૂર નક્કી થઈ શક્યું છે કે એ લોકોના સ્વભાવમાં ચક્રમપણું તો હોય છે જ. જેમને જિનિયસના ખાનામાં મૂકી શકાય એવા, અસાધારણ બુદ્ધિપ્રતિભા તથા સર્જનશીલતા ધરાવતા ત્રણસો જેટલા ખૂબ જાણીતા લોકોના જીવનનો અભ્યાસ લંડનના ડૉ. ફેલિક્સ પોસ્ટે સૌથી પહેલાં કર્યો હતો, જેનાં તારણો તે વખતે બ્રિટિશ જર્નલ ઓફ સાઈકીએટ્રીમાં પ્રગટ થયાં હતાં.

ડૉ. ફેલિક્સે એ ત્રણસો મહાનુભાવોની જીવનકથા કે આત્મકથા વાંચીને દસ વર્ષ સુધી આ જિનિયસોના સ્વભાવની ખામીઓ તથા ખૂબીઓ વિશે વિસ્તૃત નોટ્સ બનાવી. એક્સેન્ટ્રિક જિનિયસોમાં એટલે કે જેમનું થોડુંક હાલી ગયેલું લાગતું હોય એવા બુદ્ધિથી છલકાતા તેજસ્વીઓમાં લેખક અર્નેસ્ટ હેમિંગ્વે, ચિત્રકાર પાબ્લો પિકાસો અને ચિંતક ઑસ્કાર વાઈલ્ડથી માંડીને સરમુખત્યાર એડોલ્ફ હિટલર સુધીનાઓનો સમાવેશ થાય છે. જિનિયસ માણસોના ચક્રમપણા વિશે ડૉક્ટર પોસ્ટે ફોડ પાડીને કશું વિગતે નથી કહ્યું. માત્ર આ ૩૦૦ મહાનુભાવોને છ કેટેગરીમાં વહેંચીને એક યાદી તૈયાર કરી છે.

શક્યતા એવી છે કે મોટા ભાગના (બધા નહીં) જિનિયસો, સાઈકીએટ્રીની ભાષામાં જેને 'ટાઈપ એ' પર્સનાલિટી કહે છે એવું વ્યક્તિત્વ ધરાવતા હોય. ૧૯૫૫-૬૦નાં વર્ષોની આસપાસ અમેરિકામાં કેલિફોર્નિયામાં ડૉ. મેયર ફ્રેડમૅન તથા ડૉ. રે રૉઝન્મૅને 'ટાઈપ એ' 

વર્તણૂકનાં લક્ષ્ણો નક્કી કર્યાં:

૧. મોટેભાગે એક સાથે બે કે તેથી વધુ કામ હાથ ધરવાં.

૨. ઝડપથી ચાલવું, ઝડપથી જમવું અને જમીને તરત જ ટેબલ પરથી ઊભા થઈ જવું.

૩. કંઈ કર્યા વિના અમસ્તાં જ બેસી રહેવાનો ભયંકર કંટાળો.

૪. આંખો ઝડપથી પટપટાવવી અને/અથવા બોલતી વખતે ખૂબ હવા મોં વાટે શરીરમાં પ્રવેશવા દેવી.

૫. આંગળીઓ વડે ટેબલ પર સંગીત વગાડતાં રહેવું કે તાલબદ્ધ રીતે પગ હલાવ્યા કરવા.

૬. બીજાઓ બોલતા હોય ત્યારે વચ્ચે બોલબોલ કરવું.

૭. બોલતી વખતે હાથ કે મુઠ્ઠી વડે પોતાના મુદ્દાની વધુ જોરદાર રજૂઆત કરવી.

૮. હતાશાજનક વાત કરતી વખતે ખૂબ ઊંડો નિસાસો નાખવો.

૯. ચાલતી વખતે વારંવાર કોઈક ચીજ કે વ્યક્તિ સાથે અથડાઈ જવું.

૧૦. કોઈ પણ કારણસર રાહ જોવી પડે ત્યારે જબરદસ્ત અકળામણ થવી.

૧૧. બીજી વ્યક્તિના ઈરાદાઓ વિશે હંમેશાં શંકા કર્યા કરવી.

૧૨. દરેકની સામે જીતવાની ઈચ્છા રાખવી. બાળકો સાથે રમતી વખતે પણ જીતવાની ઈચ્છા રાખવી.

૧૩. ભૂતકાળમાં ગુસ્સો કરનારી ઘટનાનું વર્ણન કરતાં કરતાં ભરપૂર આવેશમાં આવી જવું.

આ બધા જ કે આમાંનાં મોટાં ભાગનાં લક્ષણો તમારામાં હોય તો માનસશાસ્ત્રની દૃષ્ટિએ તમારું વ્યક્તિત્વ 'ટાઈપ એ' છે. જો કે, માત્ર આ લક્ષણોને કારણે તમે જિનિયસ, બુદ્ધિશાળી, સર્જનશીલ કે ક્રિયેટિવ નથી બની જતા. ખૂબ વિચારતા રહેતા લોકો ઘણી વખત થોડા ભેજાગેપ લાગતા હોય તો એનું કારણ એ કે આવી વ્યક્તિઓ એક સાથે અનેક પાટા પર અલગ અલગ વિચારોની ગાડી દોડાવે છે અને આ પ્રક્રિયામાં ક્યાંક નાની સરખીય ખલેલ પહોંચે તો તેઓ તરત જ અસ્વસ્થ થઈ જાય છે, પછી તેઓ કઈ રીતે વર્તે છે એની એમને પોતાને પણ દરકાર હોતી નથી.

કોઈ લેખક નવલકથા લખતો હોય ત્યારે એના મગજમાં એકસાથે અનેક પાત્રો રમતાં હોવાનાં. દરેક પાત્રના ખોળિયામાં પોતાના આત્માને મૂકીને લેખક એ પાત્રની માનસિકતાને, એના વર્તનને સમજવાની કોશિશ કરે. એક આખું વિશ્ર્વ લેખકના મનમાં સર્જાયું હોય ત્યારે એ વિશ્ર્વની બહારની કોઈ વ્યક્તિ એમાં ખલેલ પહોંચાડે ત્યારે લેખક તરત જ અસ્વસ્થ બની જાય. ક્યારે લેખકો એક ડિફેન્સ મિકેનિઝમ તરીકે, પાણી પહેલાં પાળ બાંધવાના પ્રયત્નરૂપે એક્સેન્ટ્રિક વર્તન દાખવતો હોય જેથી કોઈ એના આંતરિક વિશ્ર્વને ખલેલ પહોંચાડવાની ધૃષ્ટતા ન કરે.

ડૉ. પોસ્ટની યાદીમાં ભેજાગેપોની સૌથી મોટી સંખ્યા લેખકો - સાહિત્યકારોની યાદીમાં જોવા મળે છે. ત્રણસોમાંથી પચાસ રાઈટરો છે. આ પચાસમાંનો માત્ર એક જ ડૉ. પોસ્ટને એકદમ ડાહ્યોડમરો, ઠરીઠામ થયેલો અને નૉર્મલ જણાયો જેનું નામ છે મોપાસાં જેની વાર્તાઓ જગમશહૂર છે. બાકી દોસ્તોએવસ્કી, ફૉકનર, આન્દ્રે જિદ, કાફ્કા, કિપ્લિંગ, ડી. એચ. લૉરેન્સ, પ્રુસ્ત, સાર્ત્ર, સ્કોટ ફિટ્ઝગિરાલ્ડ, સ્ટેન્ધલ, ટૉલ્સ્ટૉય, એચ. જી. વેલ્સ, ઑસ્કર વાઈલ્ડ ઈત્યાદિ અનેક મહાન તેમ જ કરોડોની ચાહના મેળવનાર આ વિશ્ર્વપ્રસિદ્ધ લેખકો, નમ્રતાપૂર્વક કહીએ તો, ચક્રમ હતા.

ડૉ. પોસ્ટની રિસર્ચમાં એમ પણ જણાયું છે કે બિસ્માર્ક, ડિઝરાઈલી, હિટલર, લિંકન વગેરે રાજકારણીઓ, કિર્કે ગાર્ડ, નિત્શે, માર્ક્સ અને રસ્કિન જેવા ચિંતકો, વેગ્નર, શોપાં, ચાઈકોવસ્કી અને એલ્ગર જેવા સંગીતકારો તથા વિન્સેન વાન ગોઘ અને પાબ્લો પિકાસો જેવા વિશ્ર્વવિખ્યાત ચિત્રકારો આંશિકપણે કે લગભગ પૂર્ણપણે ભેજાગેપ હતા.

ઘણી વખત સર્જનશીલ બૌદ્ધિકો માનતા થઈ જાય છે કે દુનિયા માટે જે મહત્ત્વનું છે તે છે પોતાની પ્રતિભાને કારણે નીપજતું પ્રદાન. પોતાની વર્તણૂક, પોતાનો સ્વભાવ કે પોતાના વ્યક્તિગત ગમા-અણગમા સાથે આ દુનિયાને કોઈ નિસબત નથી એવું જિનિયસો માનતા હોય છે. આવા લોકોને પોતાનું વિશ્ર્વ રચીને એ વિશ્ર્વમાં જ રચ્યાપચ્યા રહેવાનો પૂરેપૂરો હક્ક છે, કારણ કે સર્જનશીલ પ્રતિભાઓને વ્યવહારુ દુનિયાના ડહાપણ સાથે ઝાઝી લેવાદેવા હોતી નથી અને ભેજાગેપ કે ચક્રમ ગણાતા લોકોના અપ્રતિમ કામને કારણે જ તો દુનિયા જીવવા જેવી લાગે છે આપણને.

જરા કલ્પના કરી જુઓ કે અહીં જેમનો નામોલ્લેખ થયો એ કે એમના જેવા બીજા કેટલાય ધૂની જિનિયસો ન હોત તો આ જગત જરાક ઓછું રસપ્રદ હોત, થોડુંક ફિક્કું અને સહેજ શુષ્ક હોત. હોત કે નહીં. દરેક ક્ષેત્રમાં ચીલો ચાતરીને આગવું પ્રદાન કરતા જિનિયસોને પોતાનો ધૂની સ્વભાવ સાચવી રાખવાનો હક્ક સમાજે આપવો પડે અને ક્યારેક સમાજ વહેલું મોડું કરે કે આપવામાં ઉન્નીસબીસ કરે ત્યારે સમર્થ સર્જકોએ પોતાની રીતે ને પોતાને જોખમે મેળવી લેવો જોઈએ. આવું થાય તો જ સર્જકતાનું એક નવું વિશ્ર્વ ઊઘડે. ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનો શેર છે:

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે

કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment