Saturday, 6 August 2016

[amdavadis4ever] મંદિર: પૈસા ખ ર્ચનાર શેઠનું કે પથ્થર તોડ નાર સર્જકનું?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મંદિર અને મૂર્તિ વિનાના કોઈ ભારતવર્ષની કલ્પના થઈ શકતી નથી. મંદિરનું એક સ્થાપત્ય હોય છે. મૂર્તિનું એક શિલ્પ છે. આ શિલ્પ બનાવવાનું એક સૌંદર્યશાસ્ત્ર છે. ભારતીય હિંદુ વાસ્તુકલા, શિલ્પકલા, મૂર્તિકલા, સ્થાપત્યકલાનું સ્થાન વિશ્ર્વની પ્રાચીનતમ અને શ્રેષ્ઠતમ કલાઓમાં છે. કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી મંદિરો પથરાયેલાં પડ્યાં છે. દરેક નગર, દરેક ગ્રામ, દરેક કસબામાં, ભગ્ન કે ખંડિત મૂર્તિઓ સર્વત્ર છે, બર્બર-તુર્ક-પઠાન આક્રમકો અને ધર્માંધ અને વહશી મુઘલ બાદશાહોએ મંદિરો-મૂર્તિઓની જે અમર્યાદ તોડફોડ કરી છે એ પણ કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી ફેલાયેલી છે. યુરોપીય ઈતિહાસે આવી જંગલી પ્રજા માટે 'વેન્ડાલ' અને એ વિનાશ માટે 'વેન્ડેલિઝમ' શબ્દો વાપર્યા છે.

ગ્રીસના ઈતિહાસમાં એક અદ્ભુત પ્રસંગ આવે છે. ઈ.સ. પૂર્વે ૪૦૪માં (આજથી લગભગ ૨૪૦૦ વર્ષો પહેલાં) ઍથેન્સ હાર્યું ત્યારે સ્પાર્ટાના સેનાપતિઓએ સૂચન કર્યું કે ઍથેન્સ નગરને બિલકુલ ધરાશાયી કરી નાખવું જોઈએ અને ઍથેન્સની પ્રજાને ગુલામો તરીકે વેચી નાખવી જોઈએ. ઍથેન્સે સ્વયં ભૂતકાળમાં હારેલી પ્રજાઓ સાથે આ વ્યવહાર કર્યો હતો. પણ સ્પાર્ટાએ નિર્ણય લીધો કે ગ્રીસે જગતને આટલું બધું આપ્યું છે માટે આ મનુષ્યસંસ્કૃતિનો નાશ ન થવો જોઈએ! ઍથેન્સને સ્પાર્ટાએ જીવતું રાખ્યું. આજે સ્પાર્ટા જગતના પટ પરથી ભૂંસાઈ ગયું છે, પણ ઍથેન્સ જીવે છે, કારણ કે સ્પાર્ટાએ એને જીવતદાન આપ્યું હતું.

બીજા વિશ્ર્વયુદ્ધ સમયે જર્મનો રોમમાં હતા અને બ્રિટિશ-અમેરિકન સેનાઓ રોમની બહાર હતી. જગત વિસ્ફારિત આંખે જોઈ રહ્યું હતું - રોમમાં યુદ્ધ હશે તો બે અઢી હજાર વર્ષની યુરોપીય સંસ્કૃતિ, મહાન વેટિકન, મહાન સ્થાપત્યો, શિલ્પો, ચિત્રો, ધાર્મિક પરંપરા બધું જ નષ્ટ થઈ જશે! હિટલરનો સેનાપતિ ફિલ્ડ માર્શલ કેસલરિંગ હતો, જે કલારસિક હતો, હિટલરે આદેશ આપ્યો. અડતાળીસ કલાક સુધી બંને દુશ્મનોએ શાંતિ રાખી કે જેથી જર્મનો પીછેહઠ કરીને પાછળ પર્વતોમાં ચાલ્યા જાય, અને બ્રિટિશ-અમેરિકન સૈનિકો રોમમાં પ્રવેશ કરીને કબજો લઈ લે! અને એ રીતે જ બન્યું, હિટલરે રોમના અવશેષો અને ભગ્નાવશેષોને ખતમ થવા દીધા નહીં. આજે રોમની ઐતિહાસિકતા સચવાઈ છે કારણ કે બંને પક્ષો શત્રુઓ હતા પણ બર્બર કે વહશી કે વેન્ડાલ કે જંગલી ન હતા.

હિંદુસ્તાનનો ઈતિહાસ વર્ષો સુધી, દશકાઓ સુધી, શતાબ્દીઓ સુધી આ બર્બર મૂર્તિખંડનના વેન્ડેલિઝમમાંથી પસાર થતો રહે છે. ધર્મ અને આસ્થા એક તરફ રાખીએ. પણ આક્રમક વર્ગ સૌંદર્યનો પણ શત્રુ હતો એ સત્યને કેમ નકારી શકાશે? ભારતના ઈતિહાસને ૨૫૦૦ વર્ષ પહેલાંના સ્પાર્ટાનો ૫૦ વર્ષ પહેલાંનો હિટલર પણ મળ્યા નહીં. કદાચ બે વિરોધી સંસ્કૃતિઓ ઈતિહાસના ચૌરાહા પર સામસામી ટકરાઈ ગઈ હતી; એ વિશ્ર્વસંસ્કૃતિનું દુર્ભાગ્ય હતું. એક સૌંદર્યની ભાવક હતી, બીજી સૌંદર્યની ભંજક હતી. એક સૌંદર્યવાદી હતી, બીજી સૌંદર્યવિરોધી હતી. એક મૂર્ત હતી, બીજી અમૂર્ત હતી.

મૂર્તિ ભારતીય છે અને પ્રાચીન હિંદુઓએ એનું એક પૂર્ણ શાસ્ત્ર વિકસાવ્યું હતું. મુઠ્ઠીનો ચોથો ભાગ આગળ હતો અને બાર આગળનો એક તાલ બનતો હતો. મૂર્તિ પાંચ, છ, બાર, સોળ કે વધારે તાલની બનતી હતી, બાલમૂર્તિથી અસુરમૂર્તિ સુધી એનો વ્યાપ હતો. મનુષ્યમૂર્તિની મુખાકૃતિ કેવી હોય? મુર્ગીનાં ઊંધા ઈંડાં જેવી ગોળ અથવા પીપળના ઊંધા પાન જેવી. કપાળ એટલે? માથાના કેશથી ભવાં સુધીનો ભાગ તે લલાટ અથવા કપાળ છે. અને એનો આકાર ધનુષ્ય જેવો કહ્યો છે. ભવાં વિશે કેવી કલ્પના છે? પુરુષમૂર્તિમાં લીમડાનાં પાંદડાં જેવાં અને સ્ત્રીમૂર્તિમાં ધનુષ્યાકાર. આંખો વિશે ઘણી ઉપમાઓ છે. સ્ત્રીનાં નયન ચંચળ ગણાવ્યાં છે. અસ્થિરતાથી મર્દન સુધીના ઘણા ભાવ એમાં પૂરી શકાય છે. આંખો હરણ જેવી, માછલી જેવી હોય છે. કમળ જેવી હોય છે, ખંજન પક્ષી જેવી હોય છે. કાનનો આકાર કેવો હોય છે? 'લ' વ્યંજન સાથે કાનને સરખાવ્યો છે. કાન ગીધની ઊંચી કરેલી પાંખના આકારનો છે. નસકોરાં ચોળાના દાણા જેવાં છે. નાસિકા તલના ફૂલ જેવી છે. હોઠ ગલગોટાના ફૂલ જેવા છે. ચિબુકને કેરીની ગોટલીની કક્ષામાં મુકાઈ છે. કાન અને ચિબુક જડ છે. ભવાં, નસકોરાં, આંખો અસ્થિર છે, જીવંત છે, ચેતન છે-

આ હિંદુઓ - સૌંદર્યશાસ્ત્ર છે. આ અદ્ભુતનો પ્રાંત છે. સ્તનોના અગ્રભાગની શ્યામતા અને નાભિગામિતાનું પણ ધ્યાન રખાયું છે. સ્ત્રીના દેહવર્ણનમાં પ્રાચીન કવિઓ સ્ત્રીની નાભિની ઉપરથી જે હલકી રોમરાજિ ઉપર તરફ ઊઠે છે, એને પણ શબ્દસ્થ કરી શકે છે. શિલ્પીએ એ દેહના દરેક ભાગ વિશે વિચાર કર્યો છે. ગળા માટે ત્રણ રેખાવાળા શંખના ઉપરી ભાગને આદર્શ ગણ્યો છે. ગળું અને શંખ બંનેમાંથી સ્વર અને ધ્વનિ સ્ફુરે છે. દેહ ગોમુખ જેવો છે. કટિ કે કમર સિંહ જેવી છે. છાતી બંધ દ્વાર જેવી છે. હાથ હાથીની સૂંઢ જેવા છે. (આર્યો ભારતમાં પ્રવેશ્યા ત્યારે એમણે એક વિરાટ પ્રાણી જોયું જે એક હાથથી બધું જ કરી શકતું હતું. એ હાથવાળા પ્રાણીને એમણે નામ આપ્યું હાથી!) ખભા હાથીના માથા જેવા છે. સ્ત્રીનું શરીર ડમરું જેવું છે (આપણા પૂર્વજો પણ ૩૬-૨૪-૩૬ના વાઈટલ સ્ટેટસ્ટિક્સ વિશે સજાગ હતા, અત્યાધુનિક હતા). શિલ્પશાસ્ત્ર ઉપમાઓના આધાર પર આગળ ચાલે છે. કોણીથી હથેળી સુધીનો હાથ કુમળા કેળના છોડ સાથે સરખાવ્યો છે. આંગળીઓ ચંપાની કળીઓ જેવી છે. સાથળો? સાથળો કેળના થડ જેવી છે. ઘૂંટણ? ઘૂંટણ કરચલાની પીઠ જેવી છે. પિંડી અને નીચેનો પગ મત્સ્યાકાર છે. પગની આંગળીઓ કમળની ખૂલતી ખૂલતી પાંખડીઓ જેવી હોવી જોઈએ. અને આ બધાની સાથે ભાવ છે, ભંગિમા છે.

દેહભંગ માટે પણશિલ્પ અને નૃત્યશાસ્ત્રોમાં સ્પષ્ટતા છે. દેહના બંને ભાગો સરખા હોય છે. સમભંગની મુદ્રા છે. મૂર્તિની ગતિને ત્રણ ભાગમાં તોડાય છે એ ત્રિભંગની મુદ્રા છે. દેવીઓ અને યુગલો આ ત્રિભંગમાં હોય છે. તાંડવનૃત્ય કે યુદ્ધરત મૂર્તિ અતિભંગમાં હોય છે. અને અંતિમ મૂર્તિ, અંતિમ ભંગિમાં છે: આભંગ! આ મૂર્તિ સાધુપુરુષની છે, બોધિસત્ત્વની છે, વિદ્વાનની છે, પ્રબુદ્ધની છે. આભંગ મુદ્રામાં મૂર્તિનું મસ્તક જમણી તરફ જરા ઝૂકેલું રહે છે...

કદાચ આપણા સાંસ્કૃતિક ઈતિહાસની સૌથી મોટી કરુણતા એ છે કે આવું દૈવી સૌંદર્ય પ્રકટ કરનારા આપણા અમર સ્થપતિઓ-શિલ્પીઓ અનામ રહ્યા છે. આપણે એમનાં નામો પણ જાણતા નથી. આ હિંદુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની એક વિષમતા છે. અજંટા-ઈલોરા કોણે બનાવ્યાં? ખજૂરાહો અને બેલુર-હલાબીડ કોણે બનાવ્યાં? કોણાર્ક અને મહાબલિપુરમના સ્થપતિ કોણ હતા? દેલવાડા અને રાણકપુરનાં મંદિરોના સર્જકો કોણ હતા? દ્વારકા, રામેશ્ર્વરમ, જગન્નાથપુરી કદાચ વધારે પ્રાચીન હશે. પણ વિમળ શાહનાં દેહેરાં કે હઠીસિંહનું દેહરું કે બિરલામંદિર જેવાં શ્રેષ્ઠી નામોવાળાં મંદિરો ભારતમાં જ હશે. પ્રશ્ર્ન જરા વેધક છે: મંદિર કોનું હોય છે, જે પૈસા ખર્ચીને બંધાવે છે એનું કે જે સ્થપતિ, શિલ્પી, કલાકાર પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે અથવા શૂન્યતામાંથી સર્જન કરે છે એનું? અહીં યુરોપીય અને ભારતીય સંસ્કૃતિઓનો ભેદ બહુ સ્પષ્ટ થઈ જાય છે. આપણો સમાજ હંમેશાં વૈશ્યપૂજક કે શેઠપૂજક રહ્યો છે? આ સમાજમાં કેવું બંધારણ છે જ્યાં શેઠ ઉપર અને કલાકાર નીચે છે? આપણા મહાન કવિઓ, નાટ્યકારો, મહાન ગાયકોનાં નામો આપણી પાસે છે પણ મહાન શિલ્પીઓ કે મહાન સ્થપતિઓનાં નામોથી આપણે અપરિચિત છીએ. પથ્થર કે આરસ પર કામ કરનારો શુદ્ર હતો એ કારણ હશે? કે પછી આપણી સંસ્કૃતિ જ ધનપૂજક છે અને કલાપૂજક નથી? પશ્ર્ચિમમાં આવું નથી.

યુરોપમાં મહેલો, ચર્ચો, કિલ્લાઓ, મઠો બન્યાં. લંડનના સેંટ પોલ્સ કથીડ્રલને માટે હંમેશાં કહેવાય છે કે આ સર ક્રિસ્ટોફર રેનનું નિર્માણ છે. ઈંગ્લૅન્ડના વ્હાઈટ હૉલનું બૅંકવેટ-હાઉસ સન ૧૬૧૯માં સ્થપતિ ઈનીગો જોન્સે બનાવ્યું હતું. પુનર્જાગૃતિના યુરોપમાં શિલ્પી-સ્થપતિઓનાં ડઝનબંધ નામો છે. ફલૉરેન્સને ધિબર્ટી અને દોતેલોએ બનાવ્યું છે. ફલૉરેન્સના અતિધનાઢ્ય મેડિસી પરિવારને કોણ ઓળખે છે? એણે કેટલું બધું વિશ્ર્વસંસ્કૃતિને આપ્યું છે? પણ જગત એણે પોષેલા એક ગરીબ પરિવારના બીજા પુત્રને ઓળખે છે જે ૬ઠ્ઠી માર્ચ ૧૪૭૫ને દિવસે જન્મ્યો હતો. એણે કહ્યું કે હું માત્ર શિલ્પી છું, વિશ્ર્વ એને મહાન ચિત્રકાર તરીકે ઓળખે છે. એના પિતા ચીતરે એ સામે સખત ક્રોધ કરેલો. એનું નામ પાડ્યું હતું: મિચેલેગ્નીઓલો બોનાર્રોટી સિમોની! પણ આપણે માટે એ મિચેલેન્જેલો કે માઈલૅન્જેલો છે!

સેંટ પીટર્સ ચર્ચનો વિરાટ ઘુમ્મટ અને અંદર ચીતરેલું અમર 'સિસ્ટીન ચેપલ...' કયા પોપે એ ચર્ચ બનાવવાના પૈસા ખર્ચ્યા હતા? મિચેલેન્જેલોને તો ફક્ત આ ચિત્ર ચીતરવા માટે ભાડે રાખવામાં આવ્યો હતો! વેનિસ કે ફલૉરેન્સના ધનપતિઓના ધનથી આખું ઈટાલિયન સ્થાપત્ય ઊભું થયું છે પણ એમનાં નામો મશહૂર નથી. જે મશહૂર છે એ છે બ્રુનેલેશ્ર્ચી અને ચેલિની અને લિયોનાર્દો દ' વીંચી અને મિચેલેન્જેલો...! યુરોપમાં વિમળ શાહ કે વસ્તુપાળ-તેજપાળ કે હઠીસિંહ કે બિરલાનાં મંદિરો નથી પણ મહાન સ્મારકો સાથે કલાકારોનાં નામો સંકળાયેલાં છે.

જગતના બે સર્વશ્રેષ્ઠ મ્યુઝિયમો - પૅરિસનું લુવ્ર અને લેનિનગ્રાદનું હર્મિતાઝ - જોવાના મોકા મને મળ્યા છે માટે હું મારી જાતને ખુશકિસ્મત સમજું છું. મનુષ્યના હાથ કેવાં દૈવી સર્જનો કરી શકે છે અને હજારો વર્ષોથી કરે છે એ મેં આ મ્યુઝિયમોમાં જોયું છે અને પશ્ર્ચિમમાં સર્જકનું નામ જ કલાકૃતિ સાથે લાગે છે. પૈસા ખર્ચનારનું નહીં, એ જોયું છે. સર્જક જ જીવે છે, રૂપિયા લગાવનાર નહીં. પૅરિસમાં અઢી હજાર વર્ષ પહેલાંના ફીડીઅન્સ અને પ્રેક્ષીટીલસનાં ભગ્નશિલ્પો છે જેમાંથી જગતભરના શિલ્પીઓએ પેઢીઓએ પ્રેરણા મેળવી છે. પણ એ મંદિર બનાવનાર રાજા કે શ્રેષ્ઠીનું નામ નથી. લેનિનગ્રાદમાં ફીડીઅન્સના શિષ્ય ક્રેસીલસનું શિલ્પ છે. બહુ ગર્વથી કહેવામાં આવે છે કે અમારી પાસે પ્રેક્ષીટીલસ છે, સ્કોપાસ છે, લિસીપસ છે (અઢી હજાર વર્ષ પહેલાંના શિલ્પીઓ) પણ એમને ભાડે રાખનારા રાજા કે શેઠ કે ધર્મગુરુનું નામોનિશાન નથી. પૅરિસના ઍફિલ ટાવરનો સ્થપતિ ગુસ્તાવ ઍફીલ હતો અને ન્યુયોર્કના સ્ટૅચ્યુ ઑફ લિબર્ટીનો સર્જક ફ્રેંચ સ્થપતિ ઓગસ્તે બર્થોલ્ડી હતો અને આ બંને સ્થળો પર જઈને મેં જોયું છે કે સર્જકને એના સર્જન પાસે શું સ્થાન અપાય છે?

પશ્ર્ચિમમાં સર્જકનું નામ જોડવાની પરંપરા છે, ભારતમાં શેઠનું નામ જોડવાની પરંપરા છે. શા માટે? સૌંદર્યનું આ કયું શાસ્ત્ર છે?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment