Tuesday, 28 June 2016

[amdavadis4ever] દેગરે બેલે સક...!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સૌરવે અમને જોયા અને હર્ષથી બૂમો પાડવા લાગ્યો. અમે પાંચેક મિત્રો કારીગરની હોટેલમાં રાત્રે બે-અઢી વાગ્યે નાસ્તો કરતા હતા. સ્થાનિક એક મિત્રની નવી કેસેટનો વિમોચન કાર્યક્રમ હતો. આમ તો એના આયોજનમાં અમે બધા જ હતા. ધીમે ધીમે સૌ મિત્રો જતા રહેલા. અમે થોડા મિત્રો એવા ખરા કે કોઇ કાર્યક્રમ હોય કે નાટકનું રિહર્સલ, કામ પતે પછી કારીગરની હોટેલે અચૂક જઇએ. ગરમાગરમ ફાફડા-મરચાં સાથે ચા અચૂક હોય. આમેય નાના શહેરમાં એક-બે વરસથી થોડી હોટેલો કે રેસ્ટોરાં થયાં છે. પણ અમારી જૂની ને જાણીતી હોટેલોમાં એક કારીગરની અને બીજી પતરાવાળી. આ બંને હોટેલોમાં તમે ખડખડાટ હસી શકો, તાળીઓ આપી શકો, ફિલ્મી ગીત સાંભળી શકો, તોફાન-મસ્તી કરી શકો, ઉધાર માગી શકો તો માલિકો કલાકાર તરીકે માંડવાળ કરી શકે એટલા ઉદાર! આ બંને હોટેલનો ઇતિહાસ છે એમ કહીએ તો ખોટું નહીં. પતરાવાળી હોટેલમાં તો નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, સુરેશ ઓબેરોય અને રાજ બબ્બર જેવાં કલાકારોએ 'મિર્ચ મસાલા'ના શૂટિંગ વેળાએ ચા પીધી છે. સ્વર્ગીય બલરાજ સહાની તો મૂર્ધન્ય સાહિત્યકાર દેવશંકર મહેતાને મળવા છેક ગુજરવદી જેવા ગામડામાંં આવતા હતા. 'ગાઇડ' ફિલ્મના શૂટિંગની યાદ અને લીમડીનો ભોગાવો આજેય દેવ આનંદ-વહીદા રહેમાનને યાદ હશે! પાર્શ્ર્વગાયક શબ્બીરકુમાર હોય કે હરદેવ દેથા-બધાએ કારીગરની હોટેલનાં ફાફડા-વણેલા અને મરચાં ખાધાં છે. પતરાવાળીની ચા પીધી છે. બંને હોટેલોના માલિકો કલાકારો પર આફરીન. બિચારા કલાકારોને નભાવી જાણે. 

અમે મિત્રો ગપ્પા સાથે ફાફડા-મરચાંની જયાફત ઉડાવતા હતા. હજી તો બે દિવસ પહેલાં જ ધુળેટીનો ઉત્સવ ગયેલો. અમારા સૌના હાથ અને મનમાંથી કેસૂડાનો રંગ ઊતર્યો જ નહોતો. અચાનક કોઇની બૂમ સંભળાઇ, એ...દેગરે બેલે સક...!' સૌરવે જોરદાર બૂમ પાડી હતી. અમે સૌ ચમકી ગયા. હું તરત જ ઊભો થઇ ગયો. બીજા મિત્રો કશું સમજી શક્યા નહોતા. સૌરવની ભાષા સમજનાર એક હું અને બીજા ભરતભાઇ હતા. એમણે મારી સામે જોયું હશે. આ શબ્દો એક પ્રકારના કોડવર્ડ તરીકે વપરાતા. ભરતભાઇના એક બહુ જૂના મિત્ર ગટોરભાઇએ આ કોડવર્ડ આપેલો. શરૂઆતમાં મેં એક વખત એનો અર્થ પૂછેલો ત્યારે ગટોરભાઇએ છેલ્લા શબ્દ 'સક'નો અર્થ કહેલો. એ બંદા ગૃહપતિ તરીકે સમાજ કલ્યાણ દ્વારા ચાલતી હોસ્ટેલમાં હતા. એને કારણે સરકારી કચેરીએ અવાર-નવાર જવાનું થતું.'સક' શબ્દ ત્યાંથી પ્રગટ્યો. પછી તો 'તાપક' એટલે તાલુકા પંચાયત કચેરી જેવા અનેક ટૂંકાક્ષરી શબ્દો બહુ ચાલતા. સરકારી કર્મચારીઓમાં ખાસ કરીને કારકુનો અને પ્રાથમિક શિક્ષકોની વિશેષતાઓ હોય છે. અમાંય જો એ કલાકાર હોય તો પત્યું. એનો જોટો ન જડે. મારા એક વડીલ મિત્ર પ્રાથમિક શિક્ષક હતા અને બહુ સારા લઘુકથાકાર છે. એમનું આખું નામ તલકશીભાઇ રાજારામ પરમાર. લોકો લખે - 'તરાપ!' બોલો છેને મજા?

સૌરવ થોડા સમયથી સુરતમાં ગોઠવાયો હતો. એ અહીં નોકરી કરતો હતો. પછી વિચાર આવ્યો કે આટલા પગારમાં શું વળે? કોઇ સંબંધી સાથે સુરતમાં ધંધો શરૂ કરેલો. ભાઇ તો બરાબર જામ્યા ને ધાર્યું નિશાન પણ પાડ્યું. એના જવાથી સુરતમાં લખપતિઓનાં નામોની યાદીમાં એક વધુ નામ ઉમેરાયું હતું. અમે તો ફોન પર એની સાથે વાતો કરતા. ધીમે ધીમે બંને પક્ષે વ્યસ્તતા વધતી ગઇ ને સંપર્કોના તાર ગળતા ગયા. મને અને ભરતભાઇને એક વાતનો સંતોષ હતો કે અમારો એક મિત્ર સૌરવ છે તો મોજમાં. ભરતભાઇને ઘરની જવાબદારી વધતી હતી, એટલે નાટક-ચેટક કે ગીત-સંગીતના જલસા નહોતા થતા. અમે તો એક જ શહેરમાં, વળી શહેર તો ખોબા જેવડું એટલે ન મળીએ તો જ નવાઇ! અમારી વાતોમાં ગંભીરતાનો ભાર ઝિલાતો ને જૂની મોજના નિસાસા સંભળાતા રહેતા. સૌરવને યાદ કરીએ ત્યારે બંને એકબીજાથી નજરું ચોરતા હતા. હૈયાની વાત આંખ્યું કરતી ત્યારે અમારી બેઠકમાં મૌનનો સેતુ રચાતો. છેલ્લે છાપાના કાગળમાં ફાફડા-મરચાં અધૂરાં છોડીને બેય ઊભા થઇએ ત્યારે લાગે કે હમણાં હાડ બેસી જશે!

હું ને ભરતભાઇ ઊભા થઇને આગળ વધ્યા કે સૌરવ દોડીને અમને વળગી પડ્યો. આખી હોટેલમાં બધા અમારી તરફ જોતા હતા. કહેવાય છે કે સમયની સાથે માનવી બદલાતો હોય છે. ખરેખર બદલાવો જ જોઇએ, પરંતુ જીવનની કેટલીક ક્ષણો એવી હોય છે જેેને કદી ભૂલવાની નથી હોતી અથવા ભુલાતી નથી. પ્રેમની અનુભૂતિ ક્ષણોને સાચવી રાખતી હોય છે. અમારા હૃદયની સેફ ડિપોઝિટમાં સચવાયેલી આવી ક્ષણોને ફંફોસતો સૌરવ અમે જોયો. એના મુખેથી અર્થહીન કહી શકાય અને છતાંયે જૂના મિત્રોની આગવી ઓળખ આપે એવું વાક્ય હતું. જે અમે ચારેક મિત્રો જ બોલતા હતા. એકબીજાને દૂરથી જોઇ જઇએ તો શબ્દો સરી પડે, 'દેગરે બેલે સક...!' આ શબ્દોનો કોઇ અર્થ નહિ ને છતાંય અમારે મન એ પ્રેમસેતુ હતો. જ્યાં સંભળાય ત્યાં સ્થિર થઇ જવાનું ને એક આત્મીય ચહેરો ભીડમાંથી પણ પ્રગટી ઊઠે. 

અમે સૌરવને જોયો. નાઇટડ્રેસ પહેરીને જ એ આવ્યો હતો. વાત કરતાં ખબર પડી કે એ રાત્રે અગિયાર વાગ્યે જ શહેરમાં આવ્યો હતો. પોતાના ઘેર જઇને સૌને મળ્યો. અમારા ઘેર ફોન કર્યા તો જાણ્યું કે કાર્યક્રમમાં ગયા છે. એ થાક્યો હશે તે કાર્યક્રમમાં ન આવ્યો. પરંતુ અમને મળ્યા વગર એને ઊંઘ કેમ આવે? વર્ષોના અમારા ક્રમની એને ખબર હતી એટલે કાર્યક્રમ પછી અમે કારીગરની હોટેલ જ હોઇએ. અમે ત્યાં જ બેઠા હતા ને સૌરવભાઇ તો આવ્યા. એ સમયે ભાગ્યે જ કોઇના હાથમાં મોબાઇલ જોવા મળતા. એના હાથમાં પણ હતો. ગળામાં સોનાની ચેઇન, હાથમાં હીરાજડિત વીંટીઓ, ફ્રેન્ચકટ દાઢી અને ધીમી બળતી છતાંયે માદક સુગંધ આપે એવી મોંધી બ્રાન્ડની સિગારેટ હાથમાં હતી. જોઇને જ અમે આભા બની ગયેલા. વાતો દરમિયાન અમે જાણ્યું કે ભાઇ સાત લાખની મોટરકાર લઇને આવ્યા છે. એ ધનપતિ થઇ ગયેલો એ સમાચાર અગાઉ મળેલા અને આજે પ્રત્યક્ષ મળ્યો. અમને ક્યારેક થતું કે ધનના જંગલમાં આ માણસ ખોવાઇ તો નહીં જાય ને? પણ એના મુખેથી 'દેગરે બેલે...'સાંભળ્યું ત્યારે મારાથી બોલાઇ ગયું, 'ક્યા બાત હૈ! સાલ્લા અભી તક ઝિન્દા હૈ...!'

અચાનક ભરતભાઇ બોલ્યા, 'અરે ઑય, આહિસ્તા બોલો. ઝિન્દા કો તો પુલિસ ભી ભૂલ ચૂકી હૈ. અબ તો ભાઇલોગ ભી બિલ મેં ઘૂસ ગયે હૈ. જ્યાદા મત બોલો વર્ના બિન લાદેન આ જાયેગા.'

ભરતભાઇએ માફિયાઓ અને ત્રાસવાદને શબ્દોના સાણસે સપડાવ્યા. ત્યારે મારે કહેવું પડ્યું, 'અરે ભાઇ, આ તો પ્રેસનો ત્રાસવાદી છે.'

વાત રમૂજમાં થતી હતી ને અચાનક બધું શાંત થઇ ગયું. અમારી સાથેના બીજા મિત્રોના પરિચય પછી હું, ભરતભાઇ અને સૌરવ ગાડીમાં જઇ બેઠા. વાતનો દોર ચાલ્યો. પારિવારિક અને ધંધાની વાત સાંભળી ત્યારે લાગ્યું કે સૌરવ સુખી છે. એની પત્ની, બાળકો અને ત્યાં મિત્રો પણ હતા. પરંતુ અમને જોયા પછી એ જાણે અંદરથી ઘૂંટાવા લાગ્યો હોય એવું અનુભવાયું. કદાચ, ભરતભાઇ પણ એ વાતને પકડી શક્યા હતા. આ શહેરના થોડા ઘણા વિકાસની વાત થઇ. છેવટે એક વાત પર સૌરવ અટકી ગયો. એની વાતોને અંતે એક વાક્ય બોલી ગયો, દોસ્ત! રૂપિયા બહુ જોયા. પરદેશમાં બહુ ફર્યો. સુખી થવાના વહેમમાં લોકો જે કાંઇ ઝંખે છે તે બધું જ મેળવી લીધું છે. પરંતુ આ શહેર, દોસ્તો અને આપણી નાની મજાની બેઠક, કવિતા-વાર્તાની ચર્ચા કે નાટકોની મોજ અને ઝીણી-ઝીણી ચણભણ...! આ બધું બીજે ક્યાંય નથી અનુભવાતું. સાલ્લું અંદરથી કંઇક ખૂટતું હોય એમ લાગે છે, હોં!'

એની વાત સાચી હતી. અમે સૌ મળતા ત્યારે કોઈ નવી કવિતા લાવતું તો કોઇ લેખ-વાર્તા. એની ચર્ચા અને પછી ચણભણ. હા અને ના પછી નાસ્તો, ક્યારેક પરિવારના સભ્યો સાથે પણ મળતા. બાળકોય બધાં ઝઘડે, મસ્તી કરે, પડે,વાગે, મારે, માર ખાય ને કોઇ છાનાં ખૂણે બેસીને આંસુ સારે. ક્યારેક છાના ખૂણાની પ્રક્રિયા બંને પક્ષે સમાંતર થાય, એવુંય બને. આ બધા વચ્ચે દિલની દિલાવરી અને ઝીણો ઝીણો સંગીતભર્યો ઝણઝણાટ કદાચ પંડિત રવિશંકરની સિતારનેય શરમાવી દે. 

અચાનક કોઇએ મોટરના કાચ પર ટકોરો માર્યો. મેં કાચ નીચે ઉતાર્યો તો પોલીસના બે જવાનો હતા. અંધારાને કારણે એમના ચહેરા ઓળખાયા નહીં. બેઉના હાથમાં લાકડી હતી. 

એક બોલ્યો, કેમ અહીં બેઠા છો?'

'કશું નથી. મિત્રો છીએ...'ભરતભાઇએ જવાબ આપ્યો. 

'કેટલા વાગ્યા એની ખબર છે? ઊતરો નીચે અને નામ લખાવો.' એક જણે લાકડીને કારના બારણા સાથે અથડાવી રૂઆબ છાંટ્યો. 

હું પહેલો નીચે ઊતર્યો. એણે કડકાઇથી કહ્યું, તને કહું છું...નામ બોલ એય...'

મેં કહ્યું, 'લખ, રશ્મિન શર્મા.'

'ધંધો...?'એણે જરા કરડાકીથી પૂછ્યું. 

'લેખક-સાહિત્યકાર.'મેં કહ્યું. 

એ માણસના હાથમાંથી નાનકડી ડાયરી પડી ગઇ. એણે ડાયરી ઉઠાવવાની પણ દરકાર ન કરી. પોતાની પાસે રહેલી ટોર્ચ ચાલુ કરીને મારી સામે જોયું. 

'તમે...?' એટલું તો એ માંડ બોલી શક્યો.

એના આશ્ર્ચર્યસભર પ્રશ્ર્નથી હું મૂંઝાયો. મેં એની જ ટોર્ચ હાથમાં લઇને એના ચહેરાને જોયો. એ ઝંખવાઇ ગયો હતો. મેં કહ્યું, 'તારું નામ કંદર્પ તો નહીં...!'

એ વખતે સૌરવ વચ્ચે બોલ્યો, અરે! આ તો કંદર્પ ખરો, પણ આપણો તો ચકો જને? અલ્યા, તું અને પોલીસમેન?'

અમને સૌને આશ્ર્ચર્ય થયું. અમે તો એને જોઇને જ હસ્યા. એ બોલ્યો, 'તમે બધાએ મને અન્યાય કર્યો છે. મને કોઇ દિવસ વાર્તા-કવિતા લખવા નથી દીધી અને નાટકમાં કદી નાનકડો રોલ પણ નથી આપ્યો. તમારા ઘરે ફોેન કર્યો તો જાણ્યું કે કાર્યક્રમ તો આજે હતો. એટલે હું સીધો જ અહીં આવી ગયો. તમે નહીં માનો બોસ, આપણેય નાટક ભજવી શકીએ છીએ એ બતાવી દેવા જ આવ્યો છું. 'હું પોલીસમેન નથી પણ એનો રોલ આમ જાહેરમાં ભજવી બતાવ્યોને?'

ચકાને જોઇને મારાથી બોલાઇ ગયું, 'સૌરવ, તને આટલું મોટું ડિસ્કાઉન્ટ સુરતમાં નહીં મળતું હોય, ખરુંને?' ફરીથી ચા આવી. સૌએ ગટગટાવી. 

રસ્તા પર લોકોની ચહલ-પહલ શરૂ થઇ હતી. સવારના સાડાપાંચ થઇ ગયા હતા. ભરતભાઇએ પૂછ્યું, 'સૌરવ, કેટલા દિવસ રોકાઇશ?' આજે બપોરે જમીને નીકળી જઇશ.' એ બોલ્યો.

'શું વાત કરે છે...?'મેં કહ્યું, 'તું મોડી રાત્રે આવ્યો છે. આમ જ વાતોમાં સવાર પડી ગઇ છે. ઘેર જઇને તરત જ નીકળી જઇશ? શું કામે આવ્યો હતો?' 

'રોકાવાય એમ તો પછી આવીશ. અત્યારે તો ધંધાનું કામ જબરું ચાલે છે. એક્સપોર્ટમાં ધ્યાન ન આપું તો લાખોના સોદા આઘાપાછા થઇ જાય. હવે પહેલાંની જેમ મળાતું નથી એનો રંજ છે પણ શું થાય?' સૌરવ જે કાંઇ બોલ્યો એમાં એની મુશ્કેલી હતી, શબ્દો બોદા હતા અને પીડા હતી. એમાં નક્કરતાનો અભાવ હતો. સૌરવ એ જાણતો હતો કે નાનકડા આ શહેરમાં આગવી ઓળખ હતી. વ્યક્તિનું માન હતું. આનંદ હતો ને મસ્તી! હૃદયનો ભાર હળવો કરે ને ઉત્સાહ વધારે એવા મિત્રો હતા. માનવતાનો ચરુ અકબંધ હતો. આ બધું છોડીને એ દૂર...દૂર...નીકળી ગયો હતો. અહીંની વાત સીધી-સાદી હતી. એકબીજા માટે જે કાંઇ બોલાતું એમાં લાગણી હતી. એ શીતળતા હવે ક્યાં? 

સૌરવે ગાડીમાં બેસીને જ અમારી સાથે હાથ મેળવ્યા. એણે એન્જિન સ્ટાર્ટ કર્યું. એ કહેતો હતો કે બધા સુરત આવો... કદાચ એ શબ્દોમાં ભાર લાવવા એ કશુંક કહેવા પણ માગતો હતો. ત્યાં જ મોબાઇલમાં મધુર ગીત ગુંજી ઊઠ્યું. એણે મોબાઇલ રિસીવ કર્યો ત્યારે મને લાગ્યું કે કોઇ કરોળિયાએ ગૂંથેલા જાળામાં નાનકડો જીવ ફસાયો છે. એણે અમારી સામે જોયું ને ગાડીને એક્સિલરેટર આપ્યું. ગાડી ધીમે ધીમે ચાલવા લાગી. હું, ભરતભાઇ અને કંદર્પ એ ચમચમાતી સાત લાખની મોટરને જતી જોઇ રહ્યા. ત્યારે મારાથી બૂમ પડાઇ ગઇ, 'દેગરે બેલે સક...' મારા એ શબ્દો 

વહેલી સવારના ઝાકળમાં જાણે ધોવાઇ રહ્યા હતા. એ વખતે જ સૂર્યનાં રૂપેરી કિરણો અવનિ પર ફેલાવા લાગ્યાં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment