Wednesday, 11 May 2016

[amdavadis4ever] સંરક્ષણ સોદામાં વચેટિયાઓની ભૂંડી ભૂમિકા - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંરક્ષણ સોદામાં વચેટિયાઓની ભૂંડી ભૂમિકા
 
 
સ્પોટ લાઈટ - સંજય વોરા
 
૩,૬૦૦ કરોડ રૂપિયાના ઓગસ્ટાવેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટર સોદામાં ત્રણ વચેટિયાઓ દ્વારા ભારતના રાજકારણીઓને કટકી આપવાનો વિવાદ પૂરબહારમાં ચાલી રહ્યો છે. ભારતને સ્વતંત્રતા મળી ત્યારથી આજ દિન સુધી સંરક્ષણ સોદાઓમાં ભ્રષ્ટાચારના બનાવો બનતા આવ્યા છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થાના હેવાલ મુજબ ભારતમાં સંરક્ષણ સોદાઓમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે, પણ ભારત કરતાં વધુ ભ્રષ્ટાચાર ચીનમાં અને પાકિસ્તાનમાં છે.
સ્વતંત્ર ભારતમાં સંરક્ષણ સોદામાં ભ્રષ્ટાચારની સૌથી પહેલી ઘટના ઇ.સ.૧૯૪૮માં બની હતી. ભારત સરકારે ઇંગ્લેન્ડની એક કંપની સાથે ૨૦૦ જીપના સોદા માટે કરાર કર્યા હતા. આ જીપની કિંમત ૮૦ લાખ રૂપિયા હતી, પણ તેમાં ગોટાળો થયો હતો. ઇંગ્લેન્ડની કંપનીએ ૨૦૦ને બદલે ૧૫૫ જીપ જ આપી હતી, તો પણ તેને પૂરું પેમેન્ટ આપી દેવામાં આવ્યું હતું. ભારતના ઇંગ્લેન્ડ ખાતેના તત્કાલીન હાઇ કમિશનર વી.કે.કૃષ્ણમેનન પર આ સોદામાં કટકી ખાવાના આક્ષેપો થયા હતા. તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કોઇ અગમ્ય કારણોસર તેમનો બચાવ કર્યો હતો. આ કેસ છેક ઇ.સ.૧૯૫૫ સુધી ચાલ્યા બાદ બંધ કરી દેવાયો હતો. વી.કે. કૃષ્ણમેનન ભારતના સંરક્ષણ પ્રધાન બની ગયા હતા. ચીન સામે ભારત હાર્યું તેમાં તેમનો મોટો હાથ હતો.
ઇ.સ.૧૯૮૭માં બોફોર્સ કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી પર ૬૪ કરોડ રૂપિયાની કટકી લેવાનો આક્ષેપ સ્વિડીશ રેડિયો દ્વારા કરવામાં આવતાં ભારતમાં રાજકીય ભૂકંપ મચી ગયો હતો. ૪૦૦ બોફોર્સ તોપના સોદામાં રાજીવ ગાંધી પરિવારનો મિત્ર ઓક્ટોવિયો ક્વોટ્રોચી મિડલમેન હતો. આ કૌભાંડને કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. ક્વોટ્રોચી દેશ છોડીને ભાગી ગયો હતો. પાછળથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. બોફોર્સ કૌભાંડ પછી ભારતે સત્તાવાર રીતે સંરક્ષણ સોદાઓમાં વચેટિયાની પ્રથા પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ ઓગસ્ટાવેસ્ટલૅન્ડ સોદામાં પુરવાર થયું છે કે વિદેશી કંપનીઓને ભારતને શસ્ત્રો વેચવા માટે વચેટિયાઓ વગર ચાલતું જ નથી. તેનું કારણ એ છે કે ભારત દેશ વિશ્ર્વમાં શસ્ત્રોનો સૌથી મોટો ખરીદદાર છે અને આપણા રાજકારણીઓ કટકી વગર કામ કરતા જ નથી. ભારતની નોકરશાહી એટલી જડ અને ભ્રષ્ટ છે કે તેમની પાસેથી કોઇ પણ કામ કઢાવવા દલાલોની જરૂર પડે છે. ભારત સરકારના પ્રતિબંધ છતાં ભારતનો કોઇ સંરક્ષણ સોદો વચેટિયા વિના પૂરો થતો નથી. સ્ટૉકહોમની ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આંકડાઓ મુજબ દુનિયામાં શસ્ત્રોનું કુલ જેટલું વેચાણ થાય છે તેના દસ ટકા વેચાણ એકલા ભારતમાં જ થાય છે. આ કારણે જ અમેરિકા ઉપરાંત રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ, દક્ષિણ આફ્રિકા અને ઇટાલીની કંપનીઓ પણ ભારતને શસ્ત્રો વેચવા આતુર હોય છે. ઇ.સ.૨૦૦૪માં યુપીએ સરકારે પસાર કરેલા કાયદા મુજબ ભારત કોઇ પણ દેશ પાસે ૧૦૦ કરોડ રૂપિયાની કિંમતથી વધુનાં શસ્ત્રો ખરીદે તો શસ્ત્રો વેચનારી કંપનીએ એક કરાર પર સહી કરવાની હોય છે કે તેઓ સોદા માટે કોઇ દલાલ રાખશે નહીં.
મોટા ભાગની કંપની ઇન્ટિગ્રિટી ક્લોઝ તરીકે ઓળખાતા કરાર પર સહી કરી દે છે, પણ તેમને ખબર છે કે ભારત સરકારના પ્રધાનો અને ઉચ્ચ અમલદારોને ફોડવા માટે દલાલની જરૂર પડવાની જ છે. ભારતની રાજધાની નવી દિલ્હીમાં આવી કંપનીઓના દલાલો કાયમ માટે પડ્યાપાથર્યા રહેતા હોય છે. તેઓ રાજકારણીઓ ઉપરાંત મીડિયા સાથે પણ મીઠા સંબંધો બાંધે છે. હેલિકૉપ્ટરના સોદામાં દેશના ૨૦ નામાંકિત પત્રકારોને બે કરોડ રૂપિયાની લાંચ પોતાનું મોં બંધ રાખવા માટે આપવામાં આવી હતી. વિદેશી કંપનીઓ દ્વારા દલાલોને જે ફી ચૂકવવામાં આવે છે તે ક્ધસલ્ટન્સી ફીના રૂપમાં ચૂકવાતી હોય છે. આ રકમ ટેક્સ હેવન તરીકે ઓળખાતા દેશોના બૅન્ક ખાતાંઓમાં જમા કરવામાં આવે છે, જેનો ઉપયોગ વગદાર લોકોને લાંચ આપવા માટે કરવામાં આવે છે. ભારતમાં સંરક્ષણ સોદાઓમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે ઇ.સ.૨૦૦૨માં ડિફેન્સ પ્રોક્યોર્મેન્ટ પ્રોસિજર તરીકે ઓળખાતી એક જટિલ પ્રક્રિયા ઘડી કાઢવામાં આવી હતી. આ પ્રક્રિયામાં લશ્કરી દળોના ટોચના ઑફિસરો ઉપરાંત સંરક્ષણ ખાતું, વડા પ્રધાનનું કાર્યાલય, નાણાખાતું, વિદેશખાતું, ગૃહખાતું વગેરેના પ્રધાનો ઉપરાંત સચિવો સંડોવાયેલા હોય છે. આ પ્રક્રિયામાંથી પસાર થવામાં લગભગ દાયકો વીતી જતો હોવાથી સંરક્ષણ સામગ્રીની ખરીદીમાં ભારે વિલંબ થાય છે.
નવાઇની વાત એ છે કે સો ગળણે ગાળીને પાણી પીધાં પછી અને વિલંબ સહન કર્યા પછી પણ સંરક્ષણના સોદાઓમાં ભ્રષ્ટાચાર તો નાબૂદ કરી શકાતો જ નથી. દાખલા તરીકે વીવીઆઇપી હેલિકૉપ્ટર ખરીદવાની પ્રક્રિયા છેક ઇ.સ.૧૯૯૯માં થઇ હતી, જે છેક ઇ.સ.૨૦૧૦માં પૂરી થઇ તે દરમિયાન કેન્દ્રમાં ત્રણ સરકારો બદલાઇ ગઇ હતી. આ બધું કર્યા પછી ઇ.સ.૨૦૧૩માં વાત બહાર આવી હતી કે હેલિકૉપ્ટરના સોદામાં ૩૭૫ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. બોફોર્સ તોપના સોદામાં ઇટાલીના મિડલમેન ક્વોટ્રોચીનું નામ ચમક્યું હતું, પણ બોફોર્સ કંપનીએ ભારતમાં તેના દલાલ તરીકે વિન ચઢ્ઢાની નિમણૂક કરી હતી. ત્યાર બાદ રાજધાનીમાં ઘણા દલાલોનાં નામો ચર્ચામાં રહે છે. સીબીઆઇ કેટલાક અન્ય સોદાઓની તપાસ કરી રહી છે તેમાં બ્રિટનમાં રહેતા સુધીર ચૌધરી, સુરેશ નંદા અને એમ.એસ. સહાની જેવાં નામો ચર્ચાતાં રહે છે. અભિષેક વર્મા નામનો શસ્ત્રોનો દલાલ અત્યારે તિહાર જેલમાં છે. તેના પિતા કોંગ્રેસના સંસદસભ્ય હતા. અભિષેક વર્મા પર સ્વિસ કંપની રેનમેટલ માટે દલાલી કરવાનો આક્ષેપ છે. આ કંપનીને ભારત સરકારે બ્લેકલિસ્ટ કરી હતી. તેને બ્લેકલિસ્ટમાંથી બહાર કાઢવા અભિષેક વર્માએ ૫.૩૦ લાખ ડૉલરની લાંચ લઇને સંરક્ષણ ખાતાંના કેટલાક મહત્ત્વના દસ્તાવેજો ચોરાવ્યા હતા.
ભારતના રાજકારણીઓ, સરકારી અમલદારો અને લશ્કરી વડાઓનાં સગાવહાલાઓ પણ ઘણી વખત તેમની પહોંચને કારણે વચેટિયાની ભૂમિકામાં ગોઠવાઇ જાય છે. હેલિકૉપ્ટર સોદામાં ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વડા એસ.પી.ત્યાગીના ત્રણ પિત્રાઇ ભાઇઓએ વચેટિયાની ભૂમિકા ભજવી હતી. ત્રણ પિત્રાઇઓ પૈકી સંજીવ ત્યાગી જુલીના ઉપનામે ઓળખાય છે, રાજીવ ડોક્સાને નામે ઓળખાય છે અને ત્રીજો ભાઇ સંદિપ તરીકે ઓળખાય છે. વેસ્ટલૅન્ડ સોદા માટે સરકારની નીતિ જાણવા માટે પણ સંરક્ષણ ખાતાંના મહત્ત્વના દસ્તાવેજો ચોરવામાં આવ્યા હતા. આ કારણે સંરક્ષણ સોદાના દલાલો દેશની સુરક્ષા સામે પણ ખતરો ઊભો કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારતને શસ્ત્રો વેચવા માટે દલાલોની સેવા લેનારી ઘણી કંપનીઓને કેન્દ્ર સરકાર દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. કંપનીને બ્લેકલિસ્ટમાંથી હટાવવા માટે પણ પાછી દલાલોની મદદ લેવી પડે છે. સંરક્ષણના સોદામાં વડા પ્રધાનની કચેરીથી માંડીને દારૂગોળા ભંડારના મૅનેજર સુધીના લોકો સંકળાયેલા હોય છે. જો વડા પ્રધાનના સ્તરે ભ્રષ્ટાચાર આચરવામાં ન આવ્યો હોય તો દલાલો કોઇ સોદો કરાવી શકે તે સંભવિત જ નથી. માટે ખરી જરૂર ટોચના સ્તરે ભ્રષ્ટાચાર ડામવાની છે.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment