Friday, 13 May 2016

[amdavadis4ever] મૈં ઔર મેરી તન્હાઈ - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૈં ઔર મેરી તન્હાઈ
 
 
પ્રેમલ પરીખ
 
ભણવાની રીત બદલાઈ ગઈ છે: બાળપણ ખોવાઈ રહ્યું છે
 
પ્રશ્ર્ન: બદલાતા સમય સાથે સમાજ બદલાય અને એનો દૃષ્ટિકોણ પણ બદલાય એ સ્વાભાવિક બાબત ગણાય. એની સામે કોઈએ મોઢું મચકોડવું ન જોઈએ, બલકે એ પરિવર્તનોમાંથી ચાળી ચાળીને આપણને અનુકૂળ આવે એ બધાં સ્વીકારીને આગળ વધવું જોઈએ અને એમ કરવાથી જ સમાજ અને એને પગલે દેશની પ્રગતિ થઇ શકે છે. જોકે, કયાં પરિવર્તનો યોગ્ય અને સ્વીકારવા જેવાં અને કયાં નહીં એ વિષે દરેક જણ પોતપોતાની સમજ અનુસાર જ નિર્ણય લઇ શકે. આપણે શિક્ષણનું જ ઉદાહરણ લઈએ. આજે મારી ઉંમર ૬૩ વર્ષની છે. મારા સંતાનોને ઘરે સંતાનો છે અને સ્કૂલમાં ભણવા જાય છે. અલબત્ત સરખામણી ન કરવી જોઈએ, પણ અમે જે રીતે ભણતા હતા અને હવે આજે બાળકો જે રીતે ભણે છે એમાં આસમાન જમીનનો તફાવત આવી ગયો છે. મારો પુત્ર ભણતો હતો એ સમયે પણ જે વાતનો સ્વપ્નેય વિચાર નહોતો આવતો એ આજે પગપેસારો કરી ગઈ છે. કેટલીક હાઈફાઈ શાળાઓમાં તો હવે આઈપૅડ વાપરવાનું ફરજિયાત કરવામાં આવશે એવા સમાચાર વાંચવા મળે છે ત્યારે બહુ અચરજ થાય છે. એના કરતાંય વધુ તકલીફ તો બાળકને નાનપણથી જ જે ટ્યૂશનની પડી રહેલી જરૂરિયાતની થાય છે. સ્વીકાર્યું કે દરેક માતા-પિતા એવું ઈચ્છતા હોય કે તેમનું સંતાન ભણવામાં હોશિયાર બનીને ખૂબ સારા માર્ક્સ લાવે અને ટૉપ સાબિત થાય. જોકે, એ માટેની આંધળી દોડ બાળકોને વિવિધ ક્લાસમાં કે ટ્યુશનમાં ધકેલવામાં પરિવર્તિત થાય છે એ જોઇને જીવ કકળી ઊઠે છે. હું તો એન્જિનિયર છું અને મેં ક્યારેય કોઈ કલાસીસ કર્યા નથી કે નથી કદી ટ્યૂશન પર ગયો અને તેમ છતાં ફર્સ્ટ ક્લાસ પાસ થયો છું. મારા બાળકોને પણ શાળા અભ્યાસ માટે ક્યારેય ટ્યૂશનની જરૂર નથી પડી. મારો પૌત્ર હજી ત્રીજા ધોરણમાં, સોરી થર્ડ સ્ટાન્ડર્ડમાં છે ત્યાં સ્પેશ્યલ કોચિંગ અને એક્ટિવીટી પાછળ એનો એટલો સમય જાય છે કે વાત ના પૂછો. મેં સહજભાવે પ્રશ્ર્ન કર્યો તો મને કહેવામાં આવ્યું કે આજના સમયમાં આ બધું જરૂરી છે. જોકે, પૌત્ર સામે જોઉં છું ત્યારે એના ચહેરા પર મને ભાગ્યે જ સ્વસ્થતા દેખાય છે. આ બધું કરવું પડતું હોય એટલે એ કરતો હોય એવું લાગે છે.
ઉત્તર: તમારી વ્યથા સાચી છે. આ નવી શૈલીમાં બાળકનું બાળપણ ખોવાઈ રહ્યું હોય એવું લાગે છે. ટેક્નોલોજીનું હદ બહારનું અવલંબન બાળકમાં એક પ્રકારની માનસિક પંગુતા નિર્માણ કરે છે. મુક્તપણે મેદાનમાં રમવાની ઉંમરે આજનું બાળક ઍર કન્ડિશન્ડ રૂમમાં પ્લે સ્ટેશન જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત જોવા મળે છે. આજની તારીખમાં આપણા દેશમાં ટ્યૂશન તેમ જ કલાસિસને મહત્ત્વ અપાય છે એટલું બીજે ક્યાંય નહીં અપાતું હોય. જો શાળામાં એને સરખું શિક્ષણ અપાતું હોય તો પછી ટયૂશનની જરૂર જ કેમ પડવી જોઈએ સિવાય કે એ ભણવામાં એકદમ નબળું હોય. બાળકોને આ પ્રકારે ધકેલીને (તમે આ શબ્દ એકદમ યોગ્ય વાપર્યો છે) માતા-પિતા તેનું બાળપણ છીનવી રહ્યાં છે. એના જીવનમાંથી નિર્દોષતાની બાદબાકી બહુ વહેલી થઇ રહી છે. બીજું એક કારણ શિક્ષણની ભાષા પણ છે. અગાઉ જ્યારે બાળકો માતૃભાષામાં ભણતા ત્યારે ટ્યૂશનની જરૂર જ ક્યાં પડતી? હવે તો વધુ સારા માર્ક્સ લાવીને ટોચની કૉલેજમાં ઍડમિશન લેવાના ગાંડપણે આ મુશ્કેલી સર્જી છે. ઈતર પ્રવૃત્તિ બાળકો કરે એ આવકાર્ય છે પણ એ બંધબારણે ટેક્નોલોજીની મદદથી જ થાય એ માન્યતા ખોટી છે. જોકે, આ બધા માટે આજના પેરન્ટ્સે પહેલ કરવી પડશે.
---------------------------------
ચેન નથી પડતું: ક્ષમતા ઓળખીને જીવો
 
પ્રશ્ર્ન: મારી સાથે કાયમ અન્યાય થતો હોય એવું મને લાગ્યા કરે છે. અમારા પરિવારમાં હું સૌથી મોટો ભાઇ છું અને એટલે કુટુંબના અન્ય સભ્યોની સારસંભાળ રાખવાના પ્રયાસમાં કાયમ મારે જ જતું કરવાનું આવ્યું. મેં અઢળક કમાણી પણ જોઇ છે અને મહિનાની આવકમાંથી માંડ ઘર ચાલે એ દિવસો પણ હું જોઇ રહ્યો છું. જોકે બન્ને અવસ્થામાં હું ક્યારેય ચેનથી નથી રહી શક્યો. કોઇને કોઇ પ્રકારની ચિંતા મને સતત ઘેરીને રહી છે. મારો એક મિત્ર તો મજાકમાં મને કહેતોે પણ ખરો કે ચિંતા તને નથી ઘેરી વળતી, તું ચિંતાને ગળે વળગાડે છે. જોકે, કોઇપણ હાલતમાં હિમ્મત નથી હાર્યો પણ ક્યારેક કારણ વિના શંક-કુશંકાઓ મગજમાં ફરી વળે છે અને પછી ખોટા વિચારો ભરડો લે છે. આમાંથી મુક્ત નથી થઇ શકાતું અને એટલે જીવન અસહ્ય લાગવા માંડે છે.
ઉત્તર: આજના યુગમાં માનવી ચિંતન ઓછું અને ચિંતા વધુ કરતો જોવા મળે છે. એ લાખ કોશિશ કરે પણ કોઇ ને કોઇ ચિંતા સતત તેનો પીછો કરતી રહે છે. એ ધારે તો પણ એનો પીછો નથી છોડાવી શકતો. આમાં સૌથી વધુ ભીંસાતો હોય છે મધ્યમવર્ગનો માનવી. કેળવણી લીધા પછી કમાણીના મેળવણીમાં એ મોટેભાગે થાપ ખાઇ જતો હોય છે અને પછી શરૂ થાય છે સમસ્યાનો સિલસિલો. સામાન્ય રીતે મધ્યમ વર્ગનો માણસ ભીંસ અને ભીડમાં હેરાન થતો રહે છે. પરિણામે થાય છે એવું કે તે પહેલા તો જાતને અને પછી જગતને ધિક્કારવા લાગે છે. કોઇ પણ માણસ સતત ચિંતામાં રહે એ પછી એ નૉર્મલ રહેવું એને માટે શક્ય નથી રહેતું. શંકા-કુશંકા એના મનોવિશ્ર્વમાં આંટાફેરા કરતી થઇ જાય
છે. આવી મન:સ્થિતિને પગલે તે સ્વસ્થ જીવે રહી નથી શકતો અને આ અસ્વસ્થતાનો ચેપી વાઇરસ એની આસપાસના લોકોમાં ફરી વળે છે અને તેઓ પણ પરેશાની અનુભવતા થઇ જાય છે. અસંતોષ નામના અજગરની ભીંસ છેવટે તો ગૂંગળાવનારી જ હોય છે. માનવી જો પોતાની ઇચ્છાઓને વાળી શકે તો એને આંતરિક સુખ પ્રાપ્ત થવાની સંભાવના વધુ રહેલી છે. જોકે મહત્ત્વની વાત તો એ છે કે મનને વાળતા આવડવું જોઇએ. જે માણસ પોતાનું ગજું ઓળખી શકે, પોતાની લાયકાત જાણી શકે એને પીડા ભાગ્યેજ થતી હોય છે. પોતાની ક્ષમતા ઓળખીને જીવનારી વ્યક્તિને ઓછી સમસ્યા નડતી હોય છે. અલબત્ત ક્ષમતા ઓળખીને જીવવું ખૂબ અઘરું હોય છે.
---------------------------------
જનરેશન ગૅપની સમસ્યા: કોઇકે તો બાંધછોડ કરવી પડે
 
પ્રશ્ર્ન: સ્વીકાર્યું કે પરિવર્તન એ કોઇ પણ પ્રગતિશીલ સમાજનો ગુણધર્મ ગણાય છે. જોકે, એવું માની લેવાની જરાય જરૂર નથી કે પરિવર્તન હંમેશાં સારાં જ હોય, નઠારાં પણ હોઇ શકે છે. મહત્ત્વની વાત એ છે કે પરિવર્તનો આવતાં રહે તો સમાજ ગતિશીલ અવસ્થામાં રહી શકે. ક્યારેક પ્રગતિ થાય તો ક્યારેક અધોગતિ પણ થાય. આ નવી સદીમાં આપણા દેશે જબરજસ્ત આર્થિક પ્રગતિ કરી છે એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે. આ આર્થિક આક્રમણે સમાજ વ્યવસ્થાની કેટલીક બાબતો જડમૂળથી ઉખેડી નાખી. મારી ઉંમર અત્યારે પ૬ વર્ષની છે. મારી પછીની પેઢીનો ઉછેર એક અલગ પ્રકારના વાતાવરણમાં થયો અને એના પછીની પેઢી તો એકદમ અલગ રીતે ઊછરી રહી છે. મારી મૂંઝવણ રજૂ કરવા આટલી પૂર્વભૂમિકા બાંધવી મને જરૂરી લાગી. હું એક નોકરિયાત માણસ છું. ખૂબ જ સંઘર્ષ કરીને આગળ આવ્યો છું અને મારી પછીની પેઢીને વધુ સમૃદ્ધ બનાવવા હજી પણ ટાંટિયાતોડ મહેનત કરી રહ્યો છું. આને તો મારી ફરજ ગણું છું અને મને એમ કરવામાં ખૂબ આનંદ સુધ્ધાં મળે છે. તકલીફ એ વાતની છે કે આજના યુવાનો અને ખાસ કરીને ટીનએજર્સમાં સહનશક્તિનો લગભગ અભાવ જોવા મળે છે. તેમની માગણીઓ સંતોષાય ત્યાં સુધી કોઇ વાંધો નથી પડતો, પણ જેવા પ્રશ્ર્નો કરવામાં આવે કે સલાહસૂચનો આપવામાં આવે કે તરત તેમના નાકનાં ટેરવાં ચડી જાય છે. જે હોય તે નિખાલસપણે મોઢે જ કહી દેવાનું એવું માનતા આજના કિશોરો અને કિશોરીઓ ક્યારેક તો એમ કહેતાય અચકાતા નથી કે પ્લીઝ, ઉપદેશ આપવાનું રહેવા દો. કોઇ વાત આપણે વિગતવાર સમજાવીએ તો એ તેમને
લેક્ચરબાજી લાગે છે. જે કહેવું હોય એ ફટાફટ અને શૉર્ટમાં પતાવી દેવાનો તેમનો આગ્રહ હોય છે. મને તો આ પતાવી દેવાના શબ્દપ્રયોગ સામે જ વાંધો છે. આ કંઇ લીંબુ શરબત પી લેવાની કે પછી ડીનર પતાવી દેવા જેવી વાત થોડી છે? જોકે, આજની જનરેશનને શૉર્ટકટ અત્યંત પ્રિય વાત છે. સાથે એ વાત પણ સ્વીકારવી રહી કે આ યંગ બૉય્ઝ અને ગર્લ્સ છે એકદમ સ્માર્ટ. ટેક્નોલૉજીના ઉપયોગથી કેટલીક વ્યવહારુ બાબતો તેમણે આસાન બનાવી દીધી છે. આમ તેમની કેટલીક વાતો સારી છે તો અમુક વિચિત્ર. આ પરિસ્થિતિમાં શું કરવું એ સમજાતું નથી.
ઉત્તર: જનરેશન ગૅપની સમસ્યા એ કોઇ નવી વાત નથી. વર્ષોથી પેઢી દર પેઢી આ સમસ્યાનો સામનો કરવાની વેળા આવી છે. આજના સમયમાં એનું સ્વરૂપ થોડું વ્યાપક બન્યું છે એ હકીકત છે. ઘણી વાર તો એક ખેંચે આ તરફ તો પેલો ખેંચે બીજી તરફ જેવી હાલત હોય છે. છેવટે એક પક્ષે બાંધછોડ કરવી પડતી હોય છે અને મોટે ભાગે એ પક્ષ વડીલનો હોય છે. હવે જીવન એકદમ ગતિશીલ બની ગયું છે જેને પરિણામે દરેક માનવી તન અને મનથી સતત જાણે કે દોડવાની અવસ્થામાં જ જીવતો હોય છે. આ પ્રકારની જીવનશૈલીની સીધી અસર માનવીના મગજ પર પડી છે જે પછી સ્વભાવમાં નજરે પડે છે. આ અસરમાંથી જ કદાચ વાત ટૂંકમાં પતાવવાની શૈલીનો અને ટૂંકી ભાષાનો જન્મ થયો છે. તમારા પ્રશ્ર્નની વાત કરીએ તો તમે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છો એ સાર્વત્રિક છે. દર ત્રીજો પરિવાર આ સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો એમાં નવાઇ પામવા જેવું કશું નથી. બેઉ પક્ષ પોતાની જીદ પકડી રાખે ત્યારે ઉકેલ મળવો મુશ્કેલ બની જાય છે. તમારી વાત સાચી છે કે આજની યુવા પેઢીને બે વાત સમજાવવા બેસીએ તો એ ઉપદેશ લાગે છે. પહેલાના સમયમાં શિખામણ ગરમાગરમ શીરાની જેમ ગળે ઊતરી જતી, જ્યારે હવે કોળિયો મોંમાં જતા જ અટકી જાય એવી પરિસ્થિતિ છે. અલબત્ત આ ધગધગતું લોહી સાવ અણસમજુય નથી. ધ્યાન માત્ર રજૂઆતમાં રાખવાની જરૂર છે. તેમને સમજાય અને ગમે એવી ભાષામાં એ જ વાત સમજાવશો તો ચોક્કસ એ વાત ધ્યાન પર લેવાશે. તેઓ તમારી વાત શીખે કે સમજે એ અસંભવ છે, પણ તમે જરૂર તેમની ભાષા શીખીને સંવાદ સાધી શકો છો. આ પ્રકારનો અભિગમ તમારી મૂંઝવણ દૂર કરશે અને સંવાદ સાધવામાંય સરળતા રહેશે.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment