Tuesday, 15 March 2016

[amdavadis4ever] લાઉડમાઉથ - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાજેશ-નૂપુર તલવાર, ન્યાયની દેવીની તલવાર, વિશાલ ભારદ્વાજની તલવાર

લાઉડમાઉથ : સૌરભ શાહ

સેક્સોલોજિસ્ટ ડો. પ્રકાશ કોઠારીના નામથી જો તમે પરિચિત હશો તો મિશનરી પોઝિશન એટલે શું તે સમજાવવું નહીં પડે. શુદ્ધ હિન્દીમાં બોલવાનો આગ્રહ રાખતો ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર જ્યારે એના ઉપરીઓની હાજરીમાં, 'ધર્મ-પ્રચારક અવસ્થામાં આરુષિ અને હેમરાજને જોયાં હતાં એવું કહે છે ત્યારે, ધનુષ્યની પણછ કાન સુધી ખેંચાઈ હોય એવી તંગ સિચ્યુએશનમાં ખડખડાટ હાસ્ય જન્મે છે.'
આજે જે 'સીબીઆઈ, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન' તરીકે ઓળખાય છે તે દેશની ફોરપોસ્ટ ઇન્વેસ્ટિગેટિંગ પોલીસ એજન્સી અંગ્રેજોના જમાનામાં ૧૯૪૧માં'સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ- એસ.પી.ઈ' તરીકે શરૂ થઈ અને ૧૯૬૩ની પહેલી એપ્રિલે એનું નવું નામકરણ- સીબીઆઈ થયું. 'તલવાર'નો નાયક અશ્વિનકુમાર (ઇરફાન ખાન) સીબીઆઈના એન્યુઅલ ડેની ઉજવણી વખતે આ તારીખનો ઉલ્લેખ કરીને કહે છેઃ જે એન્જસીની સ્થાપના પહેલી એપ્રિલે થઈ હોય એની પાસેથી લોકો શું આશા રાખવાના!
૨૦૦૮માં દિલ્હીના નોઇડા વિસ્તારના જલ-વાયુ વિહાર કોમ્પ્લેક્સમાં રહેતા ડેન્ટિસ્ટ દંપતી રાજેશ તલવાર અને નૂપુર તલવાર સાથે કંઈક આવું જ બન્યું. આરુષિ હેમરાજ હત્યાકાંડ અથવા તો નોઇડા ડબલ મર્ડર કેસ તરીકે કુખ્યાત બનેલા આ કેસની બેઝિક વિગતો તમને યાદ હશે. તલવાર દંપતીની ૧૪ વર્ષની દીકરી એક વહેલી સવારે એના બેડરૂમમાં કતલ થયેલી હાલતમાં મળી આવે છે. એ રાતે ઘરમાં ચાર જ વ્યક્તિ હતી. આરુષિ, એનાં મા-બાપ અને ઘરનો નોકર હેમરાજ. હેમરાજ ગાયબ છે. એટલે સ્વાભાવિક રીતે ખૂન હેમરાજે કર્યું, એવી શંકા જાય છે, પણ બીજે દિવસે મકાનની ટેરેસ પરથી હેમરાજની ૩૬ કલાકથી ગંધાઈ રહેલી લાશ મળી આવે છે. તો હવે આ ડબલ મર્ડર માટે શંકા કોના પર જવાની?
મહાન ગુલઝારસા'બની નોટ-સો મહાન પુત્રી મેઘના ગુલઝારે અત્યાર સુધીમાં પૂરી સવા બે ફિલ્મ પણ નહોતી બનાવી. પહેલી ફિલ્મ 'ફિલહાલ' પછી 'જસ્ટ મેરિડ' અને છેલ્લામાં છેલ્લી 'દસ કહાનિયાં'માંની એક કહાની 'પૂરનમાસી' (જેમાં અમૃતા સિંહ, પરમીત સેઠી અને મિનિષા લાંબા હતાં) આટલું જ એનું કામ અને પિતા દ્વારા થઈ ચૂકેલાં મહાન કામો સામેની સરખામણી તો જવા દો, ઇન્ડિપેન્ડન્ટસી પણ તમે મેઘના ગુલઝારને એન એવરેજ ફિલ્મમેકર કહી શકો. (ગુલઝારસા'બ માટેના આદરને કારણે દીકરીની ટેલેન્ટને એવરેજ કહેવું પડે, બાકી તો મીડિયોકર.)
જોકે, મારે હિસાબે 'તલવાર'નો પાયાનો જશ વિશાલ ભરદ્વાજને આપવો પડે. સ્ક્રિપ્ટ-સંવાદ-સંશોધન બધું એમણે કર્યું છે. જાણીતી જ નહીં, મીડિયાએ ચાવી ચાવીને ડૂચા જેવી બનાવી દીધેલી આ સત્યઘટના પરથી ફિલ્મ બનાવવાનું કામ જોખમી હતું. સ્ટોરી તો બધાને ખબર છે. ફિલ્મ બનાવતી વખતે એ ડોક્યુમેન્ટરી ન બની જાય તે જોવાનું. સાથોસાથ ફિલ્મ બનાવવી છે એટલે આર્ટિસ્ટિક લિબર્ટીના નામે એટલી અને એવી છૂટછાટો ન લઈ લેવાય કે અસલ ઘટનાનું હાર્દ છુપાઈ જાય અને પ્રેક્ષકો સુધી પહોંચવા કારણોસર કોમ્પ્રોમાઇઝિસ કરવા પડે.
પિક્ચરમાં ન્યાયતંત્રને દૂર રાખવામાં આવ્યું છે. છેલ્લા એક નાનકડા સીન અને થોડા મોન્ટાકોલાજીસ સિવાય સ્ક્રિપ્ટ-રાઇટરે (ફિલ્મને કાનૂની પ્રક્રિયામાં અટવાઈ જવા દીધી નથી. તેનું કારણ તો લંબાણ ટાળવાનું હોઈ શકે અને બીજું કારણ હવે આ કેસમાં તલવાર દંપતીએ પોતાના કન્વિક્શન સામે, જન્મટીપની સજા સાથે હાઈકોર્ટમાં અપીલ કરી છે. એટલે જો ક્યાંક કાચું કપાયું તો ફિલ્મમેકર્સ પર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની તલવાર લટકતી રહે.
આપણી સિસ્ટમ કેવી વિચિત્ર છે? ક્યારેક કોઈક જજે ખોટો ચુકાદો આપ્યો છે એવું સ્પષ્ટ ખબર પડે, પણ જો ઉપરની કોર્ટમાં અપીલ થઈ હોય તો કેસ સબ જ્યુડિસ છે એમ કહીને તમને એ વિશે જરા સરખી કમેન્ટ કરતાં રોકવામાં આવે અને આની સામે હજુ તો પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ સાઇન ન કરી હોય, તે પહેલાં જ આરોપીઓ પર મીડિયા ટ્રાયલ ચાલે અને ન્યૂઝ ચેનલ ને પ્રિન્ટ મીડિયા એમને ગુનેગાર ચીતરીને આજીવન બદનામીના કાદવમાં ધકેલી દે તો મીડિયાને કોઈ જ સજા નહીં, વાહ!
કેસ દરમિયાન 'તલવાર'માં કેસ પહેલાં અને કેસ પછી અલગ અલગ તબક્કે પેરેન્ટ્સને થયેલાં કારાવાસનાં દૃશ્યો દેખાડીને ઓડિયન્સની સહાનુભૂતિ ઉઘરાવી લેવાની લાલચ પણ ટાળવામાં આવી છે અને આની સામે નૂપુર તલવારને બદલે નૂતન ટંડન અને 'જલવાયુ વિહાર' કોમ્પ્લેક્સને બદલે 'સબીર વિહાર' નામો આપીને ઓથેન્ટિસિટીની બને એટલી નજીક રહેવાની કોશિશ થઈ છે.
'તલવાર'નું સંપૂર્ણ ફોક્સ પોલીસ ઇન્વેસ્ટિગેશન છે. સીબીઆઈ (અહીં 'સીડીઆઈ'નું નામાભિધાન કરવામાં આવ્યું છે- સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન)ની તપાસ પહેલાં રાજ્યની પોલીસે કયા કયા લોચા માર્યા, કઈ કઈ બેવકૂફીઓ અને બદમાશીઓ કરી તેમજ સીડીઆઈની નવી તપાસ ટુકડીએ કેવી રીતે કેસને તોડયો મરોડયો એના પર ફોકસ કરવામાં આવ્યું છે.
પત્રકાર અવિરુક સેન લિખિત 'આરુષિ' પુસ્તકમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમનો ઉત્તમ દાખલો તમને સાંપડે છે. આ પુસ્તક માંડ બે એક મહિના અગાઉ પ્રગટ થયું. તે વખતે તો 'તલવાર' ફિલ્મ બનીને તૈયાર થઈ ચૂકી હતી. આ ફિલ્મ એ પુસ્તકને આધારે નથી બની, પણ વિશાલ ભારદ્વાજે એક ઇન્વેસ્ટિગેટિવ પ્રકારની નિષ્ઠાથી આ કેસની જડમાં જઈને, કેસ સાથે સંકળાયેલી તમામ અગત્યની વ્યક્તિઓને પર્સનલી મળીને તેમજ જૂનાં છાપાં, મેગેઝિનો, ટીવી, રિપોર્ટ્સમાં ખાંખાંખોળા કરીને સ્વતંત્ર રીતે આખી સ્ક્રિપ્ટ લખી છે. હકીકતો એકઠી કરવી અને એ હકીકતોને શુષ્કરૂપે કે દસ્તાવેજી ફિલ્મ તરીકે રજૂ કરવાને બદલે ઓડિયન્સને જકડી રાખે એવી સ્ટાઇલમાં પળે પળે ઇંતેજારી જગાડતી ફીચર ફિલ્મ બનાવવી, બહુ કપરું કામ છે આ. પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ રાખવાનું અને છતાં ડિસપેશનેટ રહેવાનું. તંગ દોરડા પર ચાલવા જેવું કામ છે. ઉપરાંત ફિલ્મને આર્ટિસ્ટિક ઓપ આપવાને બદલે લીનિયર નરેશનમાં રજૂ કરવી, વાર્તા બેક એન્ડ ફોર્મ કર્યા કરવાને બદલે એનાં એક પછી એક પડ ઊઘડતાં જાય એમ પ્રેક્ષક સામે રજૂ થતાં જાય. આ સઘળામાં વિશાલ ભારદ્વાજની ફિલ્મકાર તરીકેની બરાબર મંજાયેલી પ્રતિભા પ્રગટ થાય છે.
સસ્પેન્સ કહાનીમાં વચ્ચે વચ્ચે ઓડિયન્સને રિલેક્સેશન મળે તે માટે હ્યુમરની પળો નાખવાનો રિવાજ જૂનો છે, પણ મોટેભાગે આવી હ્યુમર એકદમ ક્રૂડ સ્વરૂપે આવતી હોય છે. અહીં એકદમ ઇન્ટેલિજન્ટ હ્યુમર છે, ક્યાંક એલ્ફ મોકેરી પણ છે. ઇરફાન ખાન અને એની પત્ની કોંકણા સેન છૂટાછેડા લેતાં પહેલાં સેપરેટ થતી વખતે પોતપોતાનો સામાન વહેંચી લે છે, ત્યારે ઇરફાન કયું ગીત ગણગણે છે? યુ આર રાઇટ. ગુલઝારનું ફેમસ ગીતઃ મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ...
ફિલ્મની વધુ ડિટેઇલ્સ આપીને મારે અહીં સ્પોઇલર્સ નથી આપવાં. ફિલ્મ જોઈ લીધા પછી તમને એક જ વિચાર આવે. તલવાર દંપતીને પોલીસ-સીબીઆઈએ જે રીતે ફિટ કરીને જનમટીપ માટે ધકેલી દીધું એવું જ મારા-તમારા કોઈની પણ સાથે બની શકે. આપણે લોકો રોજબરોજની જેટલી સામાન્ય જિંદગી જીવીએ છીએ એવી જ લાઇફ એ લોકોની પણ હતી. સારી ફિલ્મ જોવાનો ગમે એટલો મોટો આનંદ હોય, એક વિષાદ મનને ઘેરી વળે છે. આ ફિલ્મનાં બે પાત્રો તલવાર દંપતી-ફિલ્મનાં પાત્રો નથી, રિઅલ લાઇફનાં પાત્રો છે અને તમે જ્યારે એમની જિંદગીની બદહાલી વિશેની ફિલ્મને વખાણતાં થાકતા નથી ત્યારે એ બંને જણ જેલમાં છે, જનમટીપની સજા કાપી રહ્યાં છે.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail App
Get the beautifully designed, lighting fast, and easy-to-use, Yahoo Mail app today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment