Saturday, 2 January 2016

[amdavadis4ever] આજ કુછ પોઝિટિવ ઢૂંઢ લિયા જાય...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે નવા વરસની આપણી આ પહેલી મુલાકાત. ગઈ કાલે જ ૨૦૧૬ શરૂ થયું. વરસ પૂરું થાય ત્યારે અખબારોમાં પાનાં ભરી-ભરીને વીતેલા વર્ષની ઘટનાઓનાં સરવૈયાં પ્રગટ થાય. ગયે અઠવાડિયેથી શરૂ થયેલા લગભગ બધાં જ અખબારોના સરવૈયા પર નજર નાખીએ તો તેમાં પંચાણું ટકાથી વધારે નેગેટિવ ન્યુઝ હતા. એ જોઇને ઉદાસ થઈ જવાય તેવું હતું. એટલે જ વિચાર્યું કે કમ સે કમ નવા વરસની શરૂઆત તો સારા સમાચારથી જ કરવી. પણ રેતીનાં રણમાં સોઇ શોધવા જેવું આ કામ છે. જો કે વાંચીને કે સાંભળીને ખુશ થઈ જવાય એવા સમાચારો તો ઘણા હોય, પરંતુ તે ખરેખર ખુશખબર છે કે નહીં તેની ખાતરી કરવી પડે. જરા સ્પષ્ટતા કરીને કહું તો અવાર-નવાર કોઇ વિકાસ કાર્યના કે પ્રોજેક્ટની જાહેરાતો મોટા મોટાનેતાઓ, સમાજ-શ્રેષ્ઠિઓ કે ઈવન કલા કે સાહિત્યજગતના ખેરખાંઓ કરતા હોય છે. દાખલા તરીકે અમુક તમુક પુરસ્કારો કે નવાજિશો જાહેર કરતા હોય છે, પરંતુ પછી તે પ્રોજેક્ટ કે ઍવોર્ડ ખરેખર હકીકતમાં પરિણમ્યો કે નહીં તેની તપાસ કરીએ ત્યારે ખબર પડે કે તે હજી માત્ર કાગળ પરની જાહેરાત જ રહી છે. તો આવી બધી ચાળણીએ ચાળીને ક્યાંક કંઇક સારું થયું છે જેની વાત ઉઘડતા વરસે કરવી. ગમે તેની શોધ ચલાવી અને થેન્ક ગૉડ, એ શોધને અંતે કંઇક તો મળ્યું શેર કરવા લાયક. 

સૌથી પહેલાં તાજેતરની જ એક વીડિયો ક્લીપ યાદ આવ છે. સતી કાઝાનોવા નામની રશિયન પોપ સિન્ગરે વડા પ્રધાનની રશિયા મુલાકાત દરમિયાન એક કાર્યક્રમ પેશ કર્યો હતો. એ વિદેશીનીના મુખેથી 'ઑમ ગમ ગણપતયે નમ:', 'ઓમ નમ: નારાયણાય' કે ગાયત્રી મંત્ર સાંભળવા એ એક લ્હાવો છે. એ ગાતી વખતે એ સુંદરીના ચહેરા પર જે આનંદ અને સંતોષ ઝલકતા હતા એ અદભુત હતા. સામાન્ય રીતે વિદેશીઓ જ્યારે આપણી ભાષામાં બોલે કે ગાય ત્યારે તેમના ઉચ્ચારો સાંભળી કંઇક કમેન્ટ કરવા દોરવાતું મન આ કલાકારની તન્મયતામાં એકરસ થઈ જતું હતું. કેટલી બધી વાર એ વીડિયો જોઇ અને અનેરી પ્રસન્નતા અનુભવાઈ. કોઇ વિશાળ ફલક પર ફેલાયેલી પહાડીની નીરવ શાંતિમાં એક શ્ર્વેત પંખી પોતાની લયબદ્ધ ગતિએ ઊડી રહ્યું હોય અને તેની ઉડાનના આરોહ-અવરોહ સાથે જાણે આપણે પણ આસમાનમાં વિહરી રહ્યા હોઈએ એવી અનુભૂતિ થઈ. કશુંક ઉન્નત, કશુંક પવિત્ર અને કશુંક અત્યંત મૂલ્યવાન પોતે ગાઈ રહી છે તેની પ્રસન્નતા એ રુસિ નાગરિકના ચહેરા પર જોતાં નેચરલી ઑડિયન્સમાં બેઠેલા ઇન્ડિયન્સના ચહેરા પણ ચમકી ઊઠ્યા હતા અને તેનું અભિવાદન કરતાં કેટલાય હાથ સભાગૃહમાં લયપૂર્વક વેવ કરી રહ્યા હતા. એ કલાકાર મુસ્લિમ પરિવારની પુત્રી છે તે જાણ્યા પછી તો તેની ઉદારતા માટે વધુ માન થયું. અને અનાયાસ જ અવાર-નવાર આપણાં અખબારોમાં ચમકતાં અમુક સમાચારો યાદ આવી ગયા...પણ જાગ્રત મને તરત જાતને ટપારી કે નહીં...નહીં... આજે એવી નેગેટિવ વાતો કરવી નથી. 

બીજા હૃદયને શાતા પહોંચાડી જનારા સમાચાર દક્ષિણ કોરિયાથી આવ્યા હતા: બીજા વિશ્ર્વયુદ્ધ સમયે જાપાની લશ્કરી દળોએ દક્ષિણ કોરિયાની લાખો સ્ત્રીઓને બંધક બનાવી તેમનો જાતીય ઉપભોગ કર્યો હતો. એ સ્ત્રીઓ 'કમ્ફર્ટ વિમેન' તરીકે ઓળખાતી. આજે તેમાંથી ૪૬ કમ્ફર્ટ વિમેન જીવિત છે. તેમના પુનર્વસનનો પ્રશ્ર્ન દાયકાઓથી એક અત્યંત સંવેદનશીલ મુદ્દો રહ્યો છે અને બન્ને દેશોના સંબંધોમાં કડવાશભર્યો વિષય રહ્યો છે. ગયા સોમવારે બન્ને સરકારોએ આ ધગધગતા મુદ્દે એક કરાર કર્યો છે. એ મુજબ જાપાની સરકાર દક્ષિણ કોરિયાની એ કમ્ફર્ટ વિમેન માટે એક અબજ યેન(૮૦.૩૦ લાખ ડૉલર્સ) આપશે. જાપાની વિદેશ પ્રધાન ફ્યુમિઓ કિશિદાએ કહ્યું છે કે આ કંઇ કમ્પેન્સેશન નથી, આ તો એ તમામ કમ્ફર્ટ વિમેનનાં ગૌરવ અને ગરિમા પુન:સ્થાપિત કરવા માટેનો તેમ જ તેમની દુભાયેલી સંવેદનાના ઘા ભરવા માટેનો પ્રોજેક્ટ છે. જાપાની સૈન્ય દ્વારા નિર્માયેલી એ પરિસ્થિતિ પરત્વે જાપાન સરકારે પોતાની જવાબદારી તીવ્રતાથી અનુભવી છે. જાપાની વડા પ્રધાને આ મુદ્દે જાપાની સૈન્યની વર્તણૂકનો શિકાર બનેલી સ્ત્રીઓની હૃદયથી માફી માંગી અને આ રીતે પશ્ર્ચાતાપનાં પવિત્ર ઝરણાંમાં નહાઈને શુદ્ધ થવાનો પ્રયાસ કર્યો છે. આ એક ઐતિહાસિક કરાર છે. જાપાની સત્તાધીશોના આ પગલાં થકી દક્ષિણકોરિયાના જનમાનસ પર અને શાસકો પર એક પોઝિટિવ છાપ પડવા જઈ રહી છે. વાણી અને વર્તનના ગમખ્વાર પ્રહારો દાયકાઓ વીતવા સાથે પણ ભૂંસાતા નથી, ત્યારે જાપાની શાસકોની આ સિન્સિયર અપોલોજી ચોક્કસ એ પ્રહારની પીડાને ભૂંસવામાં મદદરૂપ થશે. 

ત્રીજી વાત ભલે થોડી જૂની થઈ ગઈ

છે પણ એક નવી, મુક્ત દુનિયાની શરૂઆતની આલબેલ તેમાંથી સંભળાય છે એટલે શેર કરવી છે. થોડા સમય પહેલાં આ કટારમાં એક સવાલ ઉઠાવ્યો હતો : ' શું આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એજ્યુકેશનને સહુ માટે સુલભ કરી આપવાનું શક્ય ન બનાવી શકાય?' દેશ વિદેશની ઉત્તમ યુનિવર્સિટીઓમાં લેવાતા વર્ગોની વીડિયો ક્લિપ્સ તેમની સાઇટ ઉપર જોવા મળે અને દુનિયાના કોઇ પણ ખૂણેથી સ્ટુડન્ટ્સ ફ્રી લોગ ઇન કરી તે વર્ગોનો લાભ લઈ શકે એવી કલ્પના તેમાં કરેલી. જાણે તેનો જવાબ જ હોય તેવી ડેવલપમેન્ટ્સ દુનિયામાં હકીકતમાં થઈ રહી છે. અમેરિકાની કેટલીય યુનિવર્સિટીઝના વર્ચ્યુઅલ ક્લાસીસ નેટ ઉપર ઉપલબ્ધ થયા છે. લેટેસ્ટ સમાચાર તો અમેરિકામાં રહેતા સલમાન ખાને કરેલી પહેલનાં છે. બીજા દેશમાં વસતી પોતાની કઝીનને માટે ગણિત અને વિજ્ઞાનના લેસન્સની વીડિયો બનાવીને તેને અભ્યાસમાં મદદરૂપ થયો તેમાંથી એ યુવાનને વિચાર આવ્યો કે આ રીતે તો હું દુનિયાના કેટલા બધા સ્ટુડન્ટ્સની મદદ કરી શકું! અને તેણે એ વિચારને ઓલરેડી અમલમાં મૂકી પણ દીધો છે. હવે ભારતીય સખાવતી ઉદ્યોગપતિની મદદથી એ એજ્યુકેશનલ લેસન્સ હિન્દીમાં ઉપલબ્ધ થઈ શકશે. આ સમાચાર ભારત જેવા યંગસ્ટર્સની બહુમતી ધરાવતા દેશ માટે જબરદસ્ત પોટેન્શિયલ ધરાવે છે. નાણાંની અછત કે રિસોર્સિસની ખેંચને કારણે કોઇ તેજસ્વી વિદ્યાર્થીનો અભ્યાસ રુંધાય તે હકીકતને ભૂતકાળ બનાવવા માટે સહી દિશાનું આ કદમ છે. અલબત્ત આવાં તો અનેક કદમ લેવાવા જરૂરી છે, પરંતુ નાની શી એક શરૂઆત થઈ છે તે કંઇ ઓછું છે? 

જોયું મિત્રો, સાવ 'ઢુંઢતે રહ જાઓગે' જેવો મામલો નથી. તો ચાલો, આવી વધુ ને વધુ ઘટનાઓ આપણને આ વરસે મળતી રહે અને આપણે પણ ક્યાંક તેમાં નિમિત્ત બનીએ તેવી શુભેચ્છા અરસ-પરસ વહેંચીએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment