Tuesday, 29 December 2015

[amdavadis4ever] લિવ ઇન: લફરાંબાજ ીનું લાઇસન્સ નથી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'વેલ! આઇ ડોન્ટ લવ યુ એની મોર.' શ્રીકાંતે કહ્યું ત્યારે એના ચહેરા પર કોઈ ભાવ જ નહોતા. અનુરિતા એની સામે જોઈ રહી હતી, પલક પણ ઝપકાવ્યા વિના. એને શ્રીકાંતના શબ્દો પર ભરોસો ન હોય એવી રીતે અથવા તો શ્રીકાંત કોઈ બીજી ભાષામાં બોલતો હોય ને અનુરિતાને કંઈ સમજાતું જ ન હોય એવી રીતે.

"એવું કેવી રીતે બને ? અનુરિતાએ પૂછ્યું. એના સવાલનો કોઈ અર્થ નહોતો, જાણે એ પણ સમજતી હતી.

"એવું બન્યું છે. મને તારામાંથી ઇન્ટરેસ્ટ જ ઊડી ગયો છે. ઇનફેક્ટ તું મને બોર કરવા લાગી છે. શ્રીકાંત હજીયે તદ્દન, નિર્લેપ, નિ:સ્પૃહ અને નિર્વિકાર ભાવે કહી રહ્યો હતો, "સાચું કહું તો મને તારી સાથે સેક્સમાં પણ...

"વ્હોટ ડુ યુ મીન ? હવે અનુરિતાને સાચે જ ઝટકો લાગ્યો, "હજી થોડા વખત પહેલાં તો તું મને જોઈને... એને ડૂમો ભરાઈ ગયો, "હું દુનિયાની સૌથી હોટ, સૌથી સેક્સી અને સૌથી ડિઝાયરેબલ છોકરી હતી તારે માટે.

"હતી ! શ્રીકાંતે ખભા ઉલાળ્યા, "હતી શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. હવે નથી.

"હાઉ કેન યુ ડુ ધિસ ટુ મી ? મેં તારે માટે મારાં માબાપને છેતર્યાં. મારા પરિવારને ઓલમોસ્ટ છોડી દીધો. મારા મિત્રો અને કઝીન્સને પણ... મારું શહેર છોડ્યું તારા માટે. જસ્ટ બિકોઝ આપણે સાથે રહી શકીએ.

"તો ? મજા પડીને સાથે રહેવાની ? હવે નથી પડતી. શ્રીકાંત લગભગ નફ્ફટની જેમ કહી રહ્યો હતો, "આઇ એમ ડન.

"તો ? હવે ? અનુરિતા વધુ અપમાનિત થવા તૈયાર નહોતી.

"હવે છૂટા પડી જવાનું. હું મારા રસ્તે, તું તારા રસ્તે. શ્રીકાંત પાસે ઉકેલ તૈયાર હતો, "તું આ અપાર્ટમેન્ટ રાખવા માગે તો હું બીજું શોધી લઉં ને તું છોડવા માગતી હોય તો...

"તો ? અનુરિતાએ ભીની આંખે વીંધી નાખે એવી નજર સાથે પૂછ્યું, "હું આ અપાર્ટમેન્ટ છોડી દઉં તો તું રેણુને અહીંયાં રહેવા બોલાવી લે, રાઇટ?

"રાઇટ. શ્રીકાંતે જાણે છેલ્લો ઘા કરી દીધો. અનુરિતા ત્યાં જ ઢગલો થઈ ગઈ. હવે આગળ ચર્ચા કરવા જેવું કશું રહ્યું નહોતું. પૂછવા, કહેવા, કરગરવા, રડવા, આક્ષેપ કરવા, ઝઘડવા અને ફરિયાદ કરવાના સ્ટેજમાંથી એ પસાર થઈ ચૂકી હતી. ભાવનગરની છોકરી મુંબઈ રહેવા આવી, કારણ કે એનો બોયફ્રેન્ડ મુંબઈ શિફ્ટ થયો, બંને લીવ ઇન રહ્યાં - દોઢ વર્ષ અને હવે શ્રીકાંત નામનો એ છોકરો કોઈ બીજી છોકરી સાથે લીવ ઇન રહેવા માગતો હતો !

* * *

લિવ ઇન રિલેશનશિપ એ પશ્ર્ચિમ તરફથી આપણે ત્યાં આવેલી એક નવી વિચારધારા છે. આપણે ત્યાં ગાંધર્વ લગ્નોની પ્રથા હતી, જેમાં પ્રેમી અને પ્રેમિકા કોઈનીય સાક્ષી વિના એકબીજા સાથે રહેવાનું નક્કી કરીને - ઈશ્ર્વરને સાક્ષી માનીને એકબીજાને ફૂલની માળા પહેરાવે એને જ સાથે જીવવાનું કમિટમેન્ટ માની લેવામાં આવતું હતું, પરંતુ મુક્ત સહચાર અથવા મુક્ત વ્યવહાર આપણી પાસે પશ્ર્ચિમથી આવ્યો. લગ્ન જેવા સંબંધોમાં સામાન્ય રીતે વફાદારીની લાગણી ભીતરથી આવવી જોઈએ. આપણાં સપ્તપદીનાં સાત વચનોમાં ક્યાંય જીવનભર પ્રેમ કરતા રહેવાનું વચન નથી. આપણાં લગ્નના મંત્રો બહુ સમજદારીથી, બહુ વિચારીને તૈયાર કરવામાં આવ્યા છે. એમાં માત્ર વેદ કે શાસ્ત્રો વિધિ નથી, પ્રત્યેક વિધિની પાછળ વિચાર રહેલો છે. આ વિચાર આવનારાં વર્ષોમાં સાથે જીવવા માગતા કે જીવવા માટે તૈયાર થયેલા યુગલને એમની જિંદગીનાં વર્ષો વિશે અવગત કરાવવાનું કામ કરે છે. આમ જુઓ તો કોઈ વ્યક્તિ લગ્ન ના કરે તો શું ફેર પડે ? લિવ ઇન રહેતાં યુગલ એ બધું જ કરે છે, જે એક પરિણીત યુગલ કરે... સહનિવાસથી શરૂ કરીને સેક્સ સુધી. તો પછી આ લગ્નનો આગ્રહ કે લગ્ન કરવાની પ્રથા શા માટે મહત્ત્વની હોવી જોઈએ ?

માણસનો સ્વભાવ વિચિત્ર છે. જવાબદારી કે કમિટમેન્ટ માણસના સ્વભાવમાં ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી એને છટકવાની તક ના મળે કે લાલચ ના હોય. સવાલ એ છે કે એક વ્યક્તિ, જેણે પોતાનું જીવન બીજી વ્યક્તિ સાથે જીવવાનો નિર્ધાર કર્યો અથવા પોતાનું મન, શરીર અને આત્મા સાથે કોઈ એક વ્યક્તિને પ્રેમ કર્યો તો એ પ્રેમ કે આ લાગણીનો પ્રતિસાદ કઈ રીતે મળવો જોઈએ ? લિવ ઇન રિલેશનશિપ બે એવા લોકોને સાથે રહેવાની છૂટ આપે છે, જે વિધિ, કાયદા કે વડીલોને હાજરી અથવા સાક્ષીઓમાં નથી માનતા. આ એક નવી વિદ્રોહી માન્યતા છે એમ કહીએ તો ખોટું નથી. આજનો યુવાન સાક્ષી અથવા સાબિતીઓમાં માનતો નથી, પરંતુ આવા સમયે મુશ્કેલી એ ઊભી થાય છે કે જ્યારે આવા યુવાનો સાથે રહેતા હોય - લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય ત્યારે છૂટા પડવાનાં કારણોની ચર્ચા કોણ, કોની સાથે કરે? આપણા સમાજમાં છોકરીના ચારિત્ર્ય વિશે બહુ સ્વાભાવિક્તાથી ઘસાતું બોલવાની છૂટ મળી જાય છે. જે છોકરી લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધી ચૂકી હોય એ છોકરીનું ચારિત્ર્ય સારું નથી એવી માન્યતા મોટા ભાગના લોકોના મગજમાં ઘર કરી ગઈ છે. સ્ત્રીના ચારિત્ર્યનો સીધો સંબંધ એની વર્જિનિટી અથવા એના શરીર સાથે છે. આવી પરિસ્થિતિમાં ફક્ત આકર્ષણ કે ઇન્ફેકચ્યુએશનને કારણે, મા-બાપ પ્રત્યે વિદ્રોહ કરવા માટે, બીજે ક્યાંય ઘર ન મળતું હોય અથવા મોંઘું પડતું હોય માટે કે પછી ફક્ત કુતૂહલ ખાતર લિવ ઇન રિલેશનશિપમાં દાખલ થનારાં બંને જણાં સામાન્ય રીતે હાર્ટબ્રેક અથવા ઇમોશનલ અપસેટની સ્થિતિમાં દાખલ થાય છે. ફક્ત છોકરી જ વફાદાર હોય છે અને છોકરાઓ ભ્રમર કે ફ્રીવલસ હોય છે એવું કહેવાનો આશય નથી, પરંતુ અત્યંત મહત્ત્વાકાંક્ષી ના હોય એવી સ્ત્રીઓ સામાન્ય રીતે વારંવાર પાર્ટનર બદલવાનું પસંદ કરતી નથી. સ્ત્રી ઇમોશનલ છે એટલે એનું શરીર જ્યાં જોડાય ત્યાં એનું મન આપોઆપ જોડાઈ જ જાય છે... પુરુષ માટે શારીરિક સંબંધ પ્રમાણમાં થોડાક કેઝ્યુઅલ અને સહજ છે. આકર્ષિત થઈ જવું એ પુરુષની પ્રકૃતિ છે. લગ્નેતર સંબંધમાં સામાન્ય રીતે વફાદારી કરતાં આકર્ષણની તીવ્રતા વધી જતી હોય છે...

લિવ ઇન રિલેશનશિપ એ લફરાં કરવાનું લાઇસન્સ નથી. સામાજિક વ્યવસ્થા સામેનો વિદ્રોહ કે લગ્નના કાયદાઓ નહીં પાળવાની જીદ હોઈ શકે. એવું બને કે પોતાનાં માતાપિતાનાં લગ્નની સ્થિતિ જોઈને કેટલાક યુવાનો આ કાયદામાં બંધાઈ જવાનું પસંદ ન કરે... કદાચ ન ફાવે એવી ધારણા સાથે છૂટા પડવાની બારી ખુલ્લી રાખવા માગતા હોય. એવું બને કે આખીયે સમાજવ્યવસ્થા સામેનો વિદ્રોહ એમને લગ્નવ્યવસ્થા સામે પણ વિદ્રોહ કરવા તૈયાર કરે... પરંતુ આ બધા પછી એક સચ્ચાઈ, એક નિષ્ઠા, જવાબદારી અને પ્રામાણિક્તા તો હોવી જ જોઈએ.

જે વ્યક્તિ સાથે જીવવાનું નક્કી કરીએ એની સાથે લગ્ન ન કરવા સુધીની માનસિક્તા સમજી શકાય, પરંતુ દર છ મહિને, વર્ષે કે બે વર્ષે જો જુદી વ્યક્તિ સાથે રહેવાની ઇચ્છા થવા લાગે તો એમાં ચોક્કસ કોઈક માનસિક વિકૃતિ અથવા સમસ્યા છે એટલું નક્કી. લાગણીના સંબંધોમાં સાક્ષી કે કાયદાની કોઈ જરૂર નથી, પરંતુ જ્યારે લાગણીના સંબંધોને ઢાલ બનાવીને લફરાંબાજી કરવામાં આવે ત્યારે એ વિશે સજાગ રહેવું જરૂરી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment