Sunday, 27 September 2015

[amdavadis4ever] કવર સ્ટોરી - Gujarati (Submitted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમેરિકાએ વ્યાજદર ન વધાર્યા... એમાં આપણા કેટલા ટકા

કવર સ્ટોરી: દીપક સોલિયા

મામલો દૂરનો છે, પણ આપણને સૌને સ્પર્શે છે એટલે વાત જાણવી રહી. ગયા અઠવાડિયે અમેરિકાએ એક નિર્ણય લેવાનો હતો. એ નિર્ણય પરથી નક્કી થવાનું હતું કે અમેરિકા જોશમાં છે કે ઢીલું છે. ઉગ્રવાદીઓ પર અમેરિકા હલ્લાબોલ કરશે કે નહીં એ વિશેનો એ નિર્ણય નહોતો. નિર્ણય એ લેવાનો હતો કે અમેરિકા વ્યાજદર વધારશે કે નહીં અને અમેરિકાએ નક્કી કર્યું કે ના, હમણાં વ્યાજના દર વધારવા જેવા નથી. આ નિર્ણયની જાણ થતાં જ શુક્રવારે આપણો સેન્સેક્સ ધડાકાભેર ૫૦૦ પોઇન્ટ ઉછળ્યો અને પછી અઢીસો પોઇન્ટ ગબડયો પણ ખરો. અહીં સવાલ એ થાય કે અમેરિકી વ્યાજદરનું આટલું બધું મહત્ત્વ શા માટે? આપણાં શેરબજારો, આપણું અર્થતંત્ર, આપણો વિકાસ કેટલી હદે અમેરિકી નીતિ પર આધારિત છે? અમેરિકી હિલચાલ આપણને બહુ ન હચમચાવે એ માટે કઈ વાતોનું ધ્યાન રાખવા જેવું છે? આવા સવાલોના જવાબ સમજવાની એક મથામણ છે આ કવર સ્ટોરી.
એ તો સૌ જાણે છે કે અમેરિકામાં ૨૦૦૮માં મોટો આર્થિક કડાકો બોલેલો. એ વખતે અમેરિકી સરકારે અને ત્યાંની ફેડરલ રિઝર્વે (અમેરિકાની રિઝર્વ બેન્કે) અર્થતંત્રને ઉગારવા અતિ ઉદાર આર્થિક નીતિ અપનાવી. આ ઉદારતાના મુખ્ય બે પ્રકાર હતા. એક, સરકાર પોતે સામે ચાલીને બજારમાં પૈસો રેલાવે. એ માટેનો મહત્ત્વનો રસ્તો હતો બોન્ડ પરચેસિંગનો, જે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ તરીકે જાણીતો બન્યો. સમજાય એવી ભાષામાં કહીએ તો સરકાર પોતાની તિજોરીમાંથી કાઢી કાઢીને અથવા તો નોટો છાપી છાપીને તથા ભવિષ્યમાં પૈસા ચૂકવી દેવાની બાંયધરી સાથે બોન્ડ ખરીદીને બજારમાં રીતસર ડોલર ઠાલવવા લાગી. ઉદારતાનો બીજો પ્રકાર એ હતો કે અમેરિકી ફેડરલ રિઝર્વે અત્યંત ઉદાર (નીચા) વ્યાજદર નક્કી કર્યા. એ વ્યાજદર હતા, ૦-૦.૨૫ (શૂન્યથી પા ટકા). મતલબ, ઉપાડો પૈસા તમતમારે, કરો વેપારધંધા, રોકો પૈસા શેરબજારમાં, બધું કરો પણ પૈસા બેન્કમાં મૂકી ન રાખશો, કારણ કે બેન્કની થાપણ પર તો તમને સહેજ પણ વ્યાજ નહીં મળે. અમેરિકી સરકાર જાણે જોરશોરથી કહી રહી હતી કે અમારે પૈસા નથી જોઈતા, તમે અમારી પાસેથી પૈસા લઈ જાવ.
આમાંની જે પ્રથમ પ્રકારની ઉદારતા હતી, બોન્ડ પરચેઝિંગની એટલે કે ક્વોન્ટિટેટિવ ઇઝિંગની એનો છેવટે અંત આણવામાં આવ્યો પાંચ વર્ષે, ૨૦૧૩માં, પણ બીજા પ્રકારની ઉદારતા, એટલે કે ઓછામાં ઓછા વ્યાજદરની નીતિ હજુ સુધી ચાલુ રહી છે. આ નીતિ ઝીરો ઇન્ટરેસ્ટ રેટ પોલિસી (ઝીઆઈઆરપી-ઝર્પ) તરીકે જાણીતી છે. આ નીતિને લીધે 'વગર વ્યાજે' (લઘુતમ વ્યાજે) મેળવેલા ડોલરનાં રોકાણો કરીને માંધાતાઓને મોટી કમાણી કરવાની તક મળી. મોટી મોટી નાણાકીય સંસ્થાઓેએ આસાનીથી મળેલા ડોલર ભારતસહિતનાં બજારોમાં રોકાણ માટે ઠાલવ્યા. પરિણામે વિશ્વનાં અનેક શેરબજારો ઊંચકાયાં. ઊંચકાયાં તે એવાં ઊંચકાયાં કે કેટલાક તો આભને આંબ્યા. હવે જો અમેરિકા વ્યાજ વધારે તો આ ઇઝી મની (આસાન નાણાં)માંની ઘણી રકમ અન્ય દેશોમાંથી પાછી ખેંચાઈને ફરી અમેરિકાભેગી થઈ શકે. પરિણામે એ દેશોના બજારો મોટે પાયે ગબડી શકે. આવું થાય તો ભારતને પણ કદાચ તકલીફ પડી શકે.
હકીકત એ જ છે કે અમેરિકાની તીવ્ર ઇચ્છા છે કે એ વ્યાજદર વધારે, લોકો માટે લોન લેવાનું મુશ્કેલ બનાવે, થાપણ-ડિપોઝિટ પર વધુ વ્યાજ આપે, પણ એણે ગયા ગુરુવારે નક્કી કર્યું કે ના ના, 'પેશન્ટ' હજુ એટલો સાજો નથી થયો કે એને પચવામાં ભારે એવો ખોરાક આપી શકાય. માટે મગનું પાણી (ઝીરો ઇન્ટરેસ્ટ પોલિસી) હજુ પણ ચાલુ રાખો. અહીં ખાસ સમજવા જેવું એ છે કે વ્યાજદર ન વધારવાનો નિર્ણય કાયમી તો ઠીક, લાંબા ગાળાનો પણ નથી. શક્ય છે કે આવતા એક-બે મહિનામાં જ અમેરિકા વ્યાજદર વધારવાનું શરૂ કરી દે. ઝીરો ઇન્ટરેસ્ટ રેટ પોલિસી આમ પણ અસાધારણ સંજોગોમાં અપનાવવામાં આવતો એક અસાધારણ ઇલાજ છે. સંજોગો નોર્મલ થયા પછી આ 'ટ્રીટમેન્ટ' પાછી ખેંચવી જ પડે, નહીંતર આ ટ્રીટમેન્ટ પોતે નવી બીમારીનું કારણ બની જાય. એને લીધે એસેટ બબલ સર્જાય, મુઠ્ઠીભર લોકો ખૂબ કમાય અને બહુમતી પ્રજા એટલી ને એટલી ગરીબ રહે. વળી, અમરિકા ઉદાર બનીને પોતાના માથે દેવું વધારતું જ જાય, વધારતું જ જાય તો છેવટે એની હાલત પણ ગ્રીસ જેવી થઈ શકે. ટૂંકમાં, અતિ ઉદારતા તો અમેરિકાનો 'માંચડો' ૨૦૦૮ કરતાં પણ વધુ ખરાબ રીતે કડડડભૂસ કરી શકે. માટે, અમેરિકાએ હવે નક્કી તો કરી જ લીધું છે કે બહુ થઈ ઝર્પ (ઝીરો ઇન્ટરેસ્ટ રેટ પોલિસી).
આજે તમે બેન્કમાં જાવ અને કહો કે મારે ઘર માટે કે કાર માટે લોન લેવી છે તો બેન્ક ૧૦થી માંડીને ૧૫ ટકાનું વ્યાજ લઈને નાણાં ધીરશે (ખાનગી ધિરાણકાર પાસે જાવ તો એ તો તમારી ગરજ પ્રમાણે વર્ષે ૨૦-૩૦-૪૦ ટકા વ્યાજ પણ વસૂલે, પણ એ જુદો મામલો છે). તો, એક એ વ્યાજ છે, જે દરે બેન્કો લોકોને લોન આપે છે. એને પ્રાઇમ લેન્ડિંગ રેટ કહેવાય. અમેરિકાનો જે વ્યાજદર બહુ ગાજી રહ્યો છે તે આ પ્રાઇમ લેન્ડિંગ રેટ નથી. જે વ્યાજદરની જગતભરમાં ચર્ચા છે તે અમેરિકાની ફેડરલ રિઝર્વ (રિઝર્વ બેન્ક) જે દરે ધિરાણ આપે છે તે દર છે. અમેરિકામાં અત્યારે પ્રાઇમ લેન્ડિંગ રેટ (લોકો પાસેથી બેન્કો દ્વારા વસૂલાતું વ્યાજ) સવા ત્રણ ટકા છે, જ્યારે ફેડરલ રેટ ફક્ત પા ટકા છે. ૧૯૭૧થી અત્યાર સુધીમાં અમેરિકાની ફેડરલ રિઝર્વનો વ્યાજદર સરેરાશ ૫.૯૫ (કહો કે છ) ટકા રહ્યો છે. એમાં વચ્ચે ૧૯૮૦ના માર્ચમાં તો આ દર ૨૦ ટકાને આંબેલો અને એનું તળિયું છે પા ટકા, હાલવાળું. અમેરિકામાં આર્થિક કડાકો બોલ્યો ત્યારે ૨૦૦૮ના ડિસેમ્બર મહિનામાં ત્યાંની ફેડરલ રિઝર્વે વ્યાજનો દર ૦.૨૫ ટકા કરી નાખેલો. એ વાતને સાત વર્ષ થવા આવ્યાં. ત્યારથી અત્યાર સુધી ફેડરલ રેટ પા ટકા પર જ ટકેલો-અટકેલો છે. એટલે હવે સૌને લાગી રહ્યું છે કે હવે તો અમેરિકા વ્યાજદર વધારશે જ. વ્યાજદર વધારવા વિશેનો નિર્ણય લેતી વખતે અમેરિકાનું ધ્યાન મુખ્ય બે ચીજ પર છેઃ બેકારી અને ફુગાવો.
૨૦૦૮ના કડાકા પછી અમેરિકામાં બેકારી બહુ વધી ગયેલી. ૨૦૦૯માં અમેરિકામાં એક નોકરીદીઠ ૬.૮ ઉમેદવારો લાઇનમાં ઊભા હોય એવી સ્થિતિ સર્જાયેલી. હવે બેકારી અંકુશમાં આવી છે. આજે અમેરિકામાં એક નોકરીદીઠ ૧.૪ ઉમેદવારો જ લાઇનમાં છે (આપણે ત્યાં ગયા અઠવાડિયે એવા ન્યૂઝ ચમકેલા કે યુપીમાં ૩૬૮ પ્યૂનની નોકરી માટે ૨૩ લાખ અરજીઓ આવી. ખેર, વો કહાની ફિર સહી). તો, અમેરિકામાં બેકારી તો ખાસ્સી અંકુશમાં આવી ચૂકી છે. રહી વાત ફુગાવાની. એમાં લોચો છે. ૨૦૦૭માં અમેરિકાનો ફુગાવાનો દર ૪.૧ ટકા પર પહોંચેલો, તે આજે ફક્ત ૦.૨ ટકા જ છે. વ્યાજદર વધારવામાં અમેરિકાને જે ખચકાટ થઈ રહ્યો છે તેનું મૂળ કારણ આ છે કે અર્થતંત્ર હજુ પણ એટલું ઢીલું છે કે આટલાં બધાં નાણાં રેલાવ્યાં પછી પણ ફુગાવો નથી વધી રહ્યો, ભાવો નથી વધી રહ્યા, બજારમાં જોઈએ તેવી ગરમી નથી આવી રહી. એમાં વળી છેલ્લા બે મહિના દરમિયાન ચીનના શેરબજારના કડાકાને કારણે આખું જગત હચમચ્યું. આ બધું જોઈને અમેરિકાએ હાલ પૂરતો વ્યાજદરના વધારાનો આરંભ પાછો ઠેલ્યો.
ઉપર જોયું તેમ, ૨૦૧૩માં અમેરિકાએ બોન્ડ પરચેઝ (ક્વોન્ટિટેટિવ ઇઝિંગ)વાળી ઉદારતા પાછી ખેંચી. એનો જબ્બર પ્રભાવ ભારત પર પડેલો. ડોલર સામે આપણો રૂપિયો ધડાધડ ૫૫થી વધીને ૬૮ને આંબી ગયેલો. આપણા અર્થતંત્રનો વૃદ્ધિદર લગભગ અડધો થઈને ૪.૯ ટકા થઈ ગયેલો. શેરબજારે તોતિંગ પીછેહઠ કરવી પડેલી. કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ વધીને ૪.૯ ટકા થઈ ગયેલી. ટૂંકમાં, ભારત સરકાર (ત્યારની યુપીએ સરકાર)ની વાટ લાગી ગયેલી. એમાં વાંક યુપીએ સરકારનો પણ હતો કે એ સરકાર નીતિવિષયક નિર્ણયો નહોતી લઈ રહી. સરકારને જાણે લકવો મારી ગયેલો (એમાં વળી થોડો વાંક વિપક્ષી ભાજપનો પણ ખરો,જે સરકારને સંસદમાં કામ નહોતી કરતા દેતી). એ મુશ્કેલ સમયમાં યુપીએ સરકારે અક્કલનું એક કામ કર્યું. એણે રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે રઘુરામ રાજનની નિમણૂક કરી. રાજને ફટાફટ પગલાં લીધાં. દેશમાંથી ડોલર મોટા પાયે અમેરિકામાં ખેંચાઈ રહ્યા હતા તેના ઇલાજરૂપે રાજને એનઆરઆઇને ભારતમાં ડોલર ઠાલવવા પ્રેર્યા. સોનાની આયાત મોંઘી કરી નાખી. થોડા જ મહિનામાં રાજને અનેક પગલાં લઈને સખળડખળ ભારતીય અર્થતંત્રને બેઠું કર્યું અને સાથોસાથ અમેરિકા સાથે જૂનો નાતો ધરાવનાર (ત્યાં રહી ચૂકેલા અને આઇએમએફ - ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં કામ કરી ચૂકેલા) રાજને અમેરિકાને ટકોર પણ કરી કે તમે યાર, લોકોને થોડો સમય તો આપો. તમે ધડાકા કરો છો એને લીધે બીજા દેશોની હાલત ખરાબ થાય છે. રાતોરાત અન્ય દેશોમાંથી ડોલર અમેરિકામાં પાછા ખેંચાય એવા નિર્ણય લેવાને બદલે તમારે અન્ય દેશોને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સમય આપવો જોઈએ. એ વાતને બે વર્ષ થયાં. બે વર્ષનો સમયગાળો નાનો તો નથી જ. આ બે વર્ષ દરમિયાન સતત પેલી તલવાર તો ઝળૂંબતી જ રહી છે કે ક્વોન્ટિટેટિવ ઇઝિંગવાળી ઉદારતા પર કાપ મૂક્યા પછી હવે અમેરિકા વ્યાજદરવાળી ઉદારતા પર પણ કાપ મૂકશે. મતલબ કે સમગ્ર વિશ્વને ચેતવણી તો મળી જ ચૂકી છે કે અમેરિકા હવે આખા જગતમાં છૂટથી ડોલરની રેલમછેલ કરવાની નીતિ લાંબી નહીં ચલાવે. આવામાં, જેણે તૈયારી કરી રાખી છે એ સારી રીતે ઝીંક ઝીલી શકશે અને જેણે તૈયારી નથી કરી રાખી એનું આવી બનવાનું છે. ભારતની વાત કરીએ તો ભારતે, ખાસ તો રિઝર્વ બેન્કે ખાસ્સી તૈયારી કરી રાખી છે. અત્યારે ભારતની આર્થિક સ્થિતિ ૨૦૧૩ કરતાં ઘણી સારી છે. ભારતમાં ફુગાવો, કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ, વિદેશી હૂંડિયામણની અનામત અને નાણાકીય ખાધ જેવા લગભગ બધા જ મહત્ત્વનાં પરિબળો બાબતે સ્થિતિ પ્રમાણમાં મજબૂત છે. હવે જોવાનું એ છે કે સરકાર, ઉદ્યોગો અને શેરબજાર કેવી સજ્જતા દાખવે છે. સરકારે એટલું ખાસ યાદ રાખવા જેવું છે કે ડોલરનો પ્રવાહ અને સસ્તાં ક્રૂડ ઓઇલ જેવા દોડવા માટેના ઢાળ કાયમ નથી ટકવાના. સરકારનાં મુખ્ય કામો છે, ધંધો આસાનીથી થઈ શકે એવો માહોલ પેદા કરવો, લોકતંત્રને વધુ મજબૂત બનાવવું, સક્ષમ સંસ્થાઓ અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવી, દેશમાં અશાંતિ ઊભી કરનારાં (ઝઘડા વધારનારાં) પરિબળોને કાબૂમાં રાખવાં,આર્થિક અસમાનતા માઝા ન મૂકે એનુું ખાસ ધ્યાન રાખવું વગેરે.
સરવાળે, ભારત-અમેરિકાની ચિંતાઓ જુદી જુદી છે. અમેરિકાને વ્યાજદર વધારવાની ફિકર છે ત્યારે ભારત કદાચ આ મહિનાના અંતે વ્યાજદર ઘટાડે એવી શક્યતા છે. અમેરિકા અતિ ઉદારતા દાખવ્યા બાદ અંકુશ અને શિસ્ત વધારવાની ફિરાકમાં છે, જ્યારે ભારત આર્થિક બાબતે ખાસ્સાં શિસ્ત-સંયમ જાળવ્યા બાદ હવે વ્યાજદર ઘટાડીને બજારમાં વધુ પૈસો રેલાવવાની દિશામાં આગળ વધે એવું બને. અમેરિકામાં બેકારી હવે મોટી ચિંતા નથી, જ્યારે ભારતમાં બેકારીનો મામલો વધુ ને વધુ વિકરાળ બની રહ્યો છે. આમ, અમેરિકાની અને ભારતની સ્થિતિ છે ઘણી જુદી, છતાં અમેરિકા વ્યાજદરનો વધારો શરૂ કરે ત્યારે ભારતને પણ થોડો ઝટકો લાગી શકે. એની એક સાબિતી એ છે કે ગયા અઠવાડિયે અમેરિકી વ્યાજદર વધારો મોકૂફ રહ્યો એને લીધે શેરબજારે કૂદાકૂદ કરી. આવામાં, એક આમ આદમીએ એટલું યાદ રાખવું કે નોકરીઓ મળી શકે એમ નોકરીઓ છૂટી પણ શકે, પગારો વધી પણ શકે એમ ઘટી પણ શકે. આપણો કશો વાંકગુનો ન હોય તોપણ અમેરિકી નીતિનો પ્રભાવ આપણા જીવન પર થોડોઘણો પડી શકે. 'જુઓને, આ અમેરિકાએ વ્યાજદર વધાર્યા એમાં અમારું આવી બન્યું' એવી ફરિયાદની નોબત આવે એના કરતાં થોડી માનસિક અને આર્થિક તૈયારી કરી રાખેલી સારી. ચેતતો નર સદા સુખી. જય હિંદ.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment