Sunday, 27 September 2015

[amdavadis4ever] ગુડ મોર્નિંગ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ત્રણેક વર્ષ પહેલાં મારા ફેવરિટ રાઈટર જેફ્રી આર્ચરને પહેલી વાર મુંબઈની એક બુક શૉપમાં સાંભળ્યા ત્યારે એમણે આંકડા આપીને કહ્યું હતું કે એમની પોતાની નવલકથાઓની પેપર બૅક આવૃત્તિનો પ્રિન્ટ ઑર્ડર ઘટતો જાય છે અને એની સામે એ જ નવલકથાની ઈ-બુક્સનું વેચાણ વધતું જાય છે.

ઈ-બુક્સનો ઈતિહાસ ઘણો લાંબો છે પણ આધુનિક ઈ-બુક્સનો રિયલ જમાનો એમેઝોનવાળાએ 'ક્ધિડલ' નામનું રીડર લૉન્ચ કર્યું ત્યારથી ધમધોકાર શરૂ થયો. પરદેશમાં જનરલી પહેલાં હાર્ડ બાઉન્ડ એડિશન બજારમાં મૂકાય અને પાકા પૂંઠાવાળી આવૃત્તિને કેવો રિસ્પોન્સ મળે છે એના આધારે છ-બાર મહિના પછી આવનારી પેપર બૅક એડિશનનો પ્રિન્ટ ઑર્ડર નક્કી થાય એવો રિવાજ હતો. ઈ-બુક્સના આવ્યા પછી, એટલે કે ૨૦૦૭માં 'ક્ધિડલ'ના પ્રવેશ પછી એક જ વર્ષમાં હાર્ડ બાઉન્ડ એડિશન કરતાં એ જ પુસ્તકની ઈ-બુક વધારે વેચાતી થઈ ગઈ.

'ક્ધિડલ'થી તમે વાકેફ હશો. હળવાફુલ આ સાધનની સાઈઝ રેગ્યુલર આઈ-પેડ કરતાં અડધી અને મિનિ-આઈ પેડ જેટલી હોય છે. એની સ્ક્રીન પરનો 'ગ્લાસ' નૉન-રિફ્લેક્ટિવ હોવાને કારણે લાંબે સુધી વાંચવામાં આંખોને ત્રાસ નથી પડતો, કૉમ્પ્યુટર કે સેલફોનની જેમ. એક 'ક્ધિડલ'માં તમે નૉર્મલી હજારેક ઈ-બુક્સને ડાઉનલોડ કરીને મન ફાવે ત્યાં લઈ જઈને વાંચી શકો. વાયફાય કે મોબાઈલ ડાટાની કોઈ જરૂર નથી. (માત્ર ઈ-બુક ડાઉનલોડ કરવાની હોય ત્યારે જ જરૂર પડે, નૅચરલી).

મેં પહેલાં 'ક્ધિડલ'ની ઍપ મારા પીસી પર ડાઉનલોડ કરી હતી. એ પછી સેલફોન પર પણ ડાઉનલોડ કરી. અને છેવટે 'ક્ધિડલ' પણ લીધું. ઈ-બુક્સની મઝા એ છે કે કેટલી બધી ચોપડીઓ જે પબ્લિક ડોમેનમાં હોય (અર્થાત્ કૉપી-રાઈટ ફ્રી બની ગઈ હોય) એવી ચોપડીઓ તમને મફતમાં મળે. ચાર્લ્સ ડિક્ધસની નવલકથાઓથી માંડીને રોબર્ટ લુઈ સ્ટીવન્સનની સાહસકથાઓ, આર્થર કોનન ડોઈલની શેરલોક હોમ્સની વાર્તાઓ અને બીજું ઘણુંય.

ફોગટનો માલ માણી લીધા પછી નવી પ્રગટ થયેલી બુક્સ તમને પ્રિન્ટ એડિશન કરતાં થોડાક સસ્તા ભાવે મળે. સહેજ જૂની થઈ ગઈ હોય એવી, બે-પાંચ-દસ વર્ષ પહેલાં પ્રગટ થયેલી, બુક્સ તો ઘણી વખત નાખી દેવાના ભાવે વેચાતી હોય. મઝાની વાત એ કે તમને રાત્રે ત્રણ વાગ્યે કોઈ ચોપડી વાંચવાનું મન થયું તો કોઈ પણ જાણીતા ઈ-બુક્સના ઓનલાઈન સ્ટોર પર જાઓ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પૈસા ભરો, બે જ મિનિટમાં તમારા 'ક્ધિડલ' પર કે તમારા ફોનની 'ક્ધિડલ'ની ઍપ પર આખી બુક ડાઉનલોડ થઈ જાય. અડધી રાત્રે પુસ્તક ખરીદવાનો આવો રોમાંચ તમને કોઈ પુસ્તકવિક્રેતાની દુકાનમાં કયાંથી મળવાનો.

ઈ-બુક્સના આપણા જેવાઓ માટે બીજા ઘણા ફાયદા છે. કોઈ અંગ્રેજી શબ્દ ન સમજાય તો એ શબ્દને સ્ક્રીન પર પ્રેસ કરો તો ડિક્શનરી ખુલે એને તમને અર્થ સમજાવે. એટલું જ નહીં માર્ગરેટ મિશેલની 'ગોન વિથ ધ વિન્ડ' વાંચતાં અમેરિકન સિવિલ વૉરનો ઉલ્લેખ આવે તો એ શબ્દોને પ્રેસ કરો કે તરત વીકીપીડિયા અને ગૂગલ સર્ચના વિકલ્પો મળે. જાણી લો બેકગ્રાઉન્ડ તમારે જાણવું હોય એટલું. અને અફકોર્સ, પુસ્તકમાં તમે જેમ અંડરલાઈન કે હાઈલાઈટ કરો કે હાંસિયામાં તમારી પોતાની નોંધ લખો એ બધું જ તમે ઈ-બુકમાં કરી શકો. પુસ્તકમાં તો પ્રકાશકે જેટલા નાના કે મોટા ટાઈપમાં એ પુસ્તક છાપ્યું હોય એમાં જ તમારે વાંચવું પડે જ્યારે ઈ-બુકમાં તમે તમારી પસંદગી પ્રમાણે ટાઈપ સાઈઝ નાનીમોટી કરી શકો એટલું જ નહીં ફૉન્ટ પણ ચેન્જ કરી શકો - ટાઈમ્સ રોમનને બદલે કોઈ સાં સેરિફ-વાળા ફૉન્ટ જોઈતા હોય તો એમાં વાંચો. 'ક્ધિડલ'વાળાએ આ મહિને જ સ્પેશ્યલ ફૉન્ટ બનાવડાવ્યા જે ખાસ ઈ-રીડર પર વાંચનારા વાચકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવ્યા છે.

કાગળ પર છાપેલા પુસ્તકોને વાંચવાની જેમને ટેવ છે એમને ઈ-બુક્સ માટે ઝાઝો લગાવ નૉર્મલી નથી હોતો. નવા પુસ્તકનાં પાનાં ફેરવવાં, એના કાગળ-શાહીની ખુશ્બુ, એનો સ્પર્શ આ બધું પુસ્તક વાંચતાં પહેલાં જ તમને એક આહ્લાદક વાતાવરણમાં પહોંચાડે છે. વળી આ પુસ્તકો તમારી બુક શેલ્ફમાં તમારી આંખ સામે દેખાય એનો પણ રોમાંચ હોય. બસો ગ્રામના નાની પૉકેટ બુકની સાઈઝના સેલફોનની થિકનેસ ધરાવતા 'ક્ધિડલ'માં એક પુસ્તકો પડયાં હોય તોય આવો રોમાંચ વળી કયાંથી મળવાનો?

પણ ઈ-બુક્સ ખરેખર તો આવા પુસ્તકીયા કીડાઓ માટે છે જ નહીં. બેઝિકલ ઈ-બુક્સ એવા લાખો કે કરોડો અન-ઈનિશ્યેટેડ વાચકો માટે છે જેમને પુસ્તક ખરીદવા કરતાં વધારે રસ પુસ્તકમાંની વાચનસામગ્રીમાં છે. ચાહે એ નવલકથા હો યા કોઈ પણ વિષયનું પુસ્તક હો. તેઓ છપાયેલું પુસ્તક વાંચીને ઘરમાં સંઘરી રાખવા માગતા નથી અને વાંચી લીધા પછી એને પસ્તીમાં આપી દેવાનો જીવ પણ ચાલતો નથી. આવા 'પુસ્તકરસિયા' નહીં પણ 'વાચનરસિયા'ઓ માટે ઈ-બુક્સ આદર્શ છે. અને બીજા એવા લોકો માટે એ આઈડિયલ છે જેઓ હાર્ડકોર વાચક છે - બજારમાં જે કઈ નવું આવે એ બધું જ એમણે વાંચી લેવું છે. આવા લોકો કેટલાં પુસ્તકો ખરીદે, ખરીદીને મૂકે કયાં, ઑલરેડી ઘર પુસ્તકોના ગોદામ જેવું બની ગયું હોય. એમના માટે પણ 'ક્ધિડલ' એક જોરદાર આયટમ છે.

નૉર્મલી તમે કોઈ પણ ઈ-બુક ખરીદો ત્યારે તમને એ પુસ્તકનું એકાદ ચૅપ્ટર, એની અનુક્રમણિકા, પ્રસ્તાવના વગેરે ચખાડવાની સુવિધા ઑનલાઈન વિક્રેતાઓ કરતા હોય છે. ઈન્ડિયન પબ્લિશર્સ આ બાબતમાં જરા ચિંગુસ છે પણ ફોરેનના મોટાભાગના પ્રતિષ્ઠિત પ્રકાશકો, કોઈ સારો દુકાનદાર તમને આગ્રહ કરીને 'અરે ચાખો તો ખરા, શેઠિયા, ચાખવાના કયાં પૈસા લાગે છે' એમ કેતો હોય તે રીતે આવા સેમ્પલિયા આપીને તમને લલચાવતા હોય છે. આવું કરવાનો ફાયદો બેઉ પક્ષે થાય છે. આપણે ખરીદાર તરીકે 'માલ ચાખીને' આયટમ પસંદ ના પડી તો હાલતી પકડી શકીએ. છાપેલું પુસ્તક ઑનલાઈન ખરીદવા જઈએ છીએ ત્યારે આવી સુવિધા નથી મળતી - ઘણી વખત અંધારામાં ગોળીબાર કરીએ અને પાર્સલ ડિલીવર થાય ત્યારે ખોલીને બે જ મિનિટમાં અફસોસ થાય કે નકામી મગાવી આ ચોપડી - બુક શૉપમાં જોઈ હોત તો ના લીધી હોત.

ઈ-બુક્સનો જમાનો શરૂ થયા પછી દુનિયાભરના પ્રિન્ટ પબ્લિશરો ફફડી ગયા હતા કે હવે એમણે સર્વાઈવ થવું હશે તો ઈ-બુક્સમાં પડયા વિના છૂટકો નથી. ગુજરાતી સહિતની ભાષાઓમાં ઈ-બુક્સનો જબરજસ્ત જમાનો શરૂ થાય તે સારું જ છે પણ આ બધું લપસિંદર અહીં ચીતરવાનો આશય એ કે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે ઈ-બુક્સની સામે પ્રિન્ટ-બુક્સનું વેચાણ હવે વધી રહ્યું છે અને એની સામે ઈ-બુક્સનું ઘટી રહ્યું છે! ગંગા આટલી જલદી કેવી રીતે ઊંધી વહેતી થઈ ગઈ? 
ઈ-બુક્સમાં પબ્લિશર્સ, રાઈટર અને વાચક - ત્રણેયના ફાયદા છે. વાચકને નૉર્મલ પુસ્તક કરતાં ઈ-બુક સસ્તામાં મળે. પબ્લિશરે એક વખત પ્લૅટફૉર્મ ઊભું કરી લીધા પછી કાગળ-પ્રિન્ટિંગની જફા નહીં, સ્ટૉક રાખવાનો નહીં અને છાપી નાખેલી ચોપડીઓ ના વેચાય ત્યાં સુધી ગોડાઉનનાં ભાડાં ભરવાનાં નહીં, એવું કોઈ મોટું મૂડીરોકાણ નહીં ને રિસ્ક નહીં. અને રાઈટર માટે તો જલસા જ. જનરલી રાઈટરને પાંચથી સાડા સાત ટકા રૉયલ્ટી મળે, સારો રાઈટર હોય તો દસ ટકા અને બેસ્ટ સેલર હોય તો સાડા બારથી પંદર ટકા. પ્રિન્ટ મીડિયાને બદલે ઈ-બુક્સમાં રૉયલ્ટીનું ધોરણ સીધું ૨૦ ટકાથી શરૂ થતું હોય છે, પછી જેવો રાઈટર અને જેવી એની ડિમાન્ડ. વધીને છેક ૮૦ ટકા સુધી રૉયલ્ટી પહોંચી શકે. (જેફ્રી આર્ચરે ત્રણ વર્ષ પહેલાં બૉમ્બેની બુક શૉપમાં કહેલું કે ઈ-બુક્સ પર એમને ૮૦ ટકા (આઠડે મીંડે એંશી) રૉયલ્ટી મળે છે.).

ઈ-બુક્સનો અશ્ર્વમેધ યજ્ઞ પૂરજોશમાં આગળ વધી રહ્યો હતો ત્યાં જ પ્રિન્ટ મીડિયાએ હવનમાં હાડકાં નાખ્યાં છે. આ વર્ષ (૨૦૧૫)ના પ્રથમ પાંચ મહિના દરમિયાન ઈ-બુક્સના વેચાણમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે એવું એસોસિયેશન ઑફ અમેરિકન પબ્લિશર્સનું કહેવું છે. આ પ્રકાશકસંઘ અમેરિકાના ૧૨,૦૦૦ જેટલા પ્રકાશકો પાસેથી ડૅટા ક્લેક્ટ કરે છે.

આની સામે છાપેલાં પુસ્તકોની બજારમાં કેવી તેજી આવી? ધ અમેરિકન બુક સેલર્સ એસોસિયેશનના આંકડા મુજબ પાંચ વર્ષ પહેલાં અમેરિકામાં (આ પુસ્તકવિક્રેતા સંઘના સભ્ય હોય એવા) બુક સ્ટોર્સની સંખ્યા ૧,૪૧૦ હતી જે વધીને ૨૦૧૫માં ૧,૭૧૨ થઈ. એટલું જ નહીં એક

જ પુસ્તકની દુકાનની એક જ શહેરમાં એક કરતાં વધારે બ્રાન્ચ હોય તો એ બ્રાન્ચમાં પણ વધારો થયો. દા.ત. અમદાવાદમાં ક્રોસવર્ડ મીઠાખળી છ રસ્તા પર છે, એસ. જી. હાઈવે પાસે (જૂના ફન રિપબ્લિકની સામેની સાઈડ) પર હોય, તો એ જ શહેરમાં એ જ પુસ્તકવિક્રેતાની બીજી વધારે દુકાનો ખુલી જાય એ રીતે અમેરિકામાં પાંચ વર્ષ પહેલાં ૧,૬૬૦ લોકેશન્સ પર બુક સ્ટોર્સ હતા એની સામે ૨૦૧૫માં ૨,૨૨૭ લોકેશન્સ થઈ ગયા.

આ ટર્ન અરાઉન્ડનું કારણ શું? લોકો ઓછા ટૅક્નોસૅવી થઈ ગયા? ના. બ્રિક્સ ઍન્ડ મોર્ટારવાળી ક્ધસેપ્ટ વિશે અલગ સંદર્ભમાં રવિવાર (૨૦ સપ્ટેમ્બર)ના લેખમાં જોઈ ગયા. ઑનલાઈન શૉપિંગ માટે ભલે એની જરૂર નથી રહી, પણ જે પુસ્તક બુક શૉપમાં દેખાતું નથી એ પુસ્તકની ઈ-બુક તરીકેની ખરીદી પણ ભાગ્યે જ થતી હોય છે. ઈ-બુકનાં ગુણગાન ગાતા લોકોને આ વાત નહીં ગમે પણ પબ્લિશરોને હવે ઈ-બુકના રાક્ષસની બીક લાગતી નથી.

આનો અર્થ એ નથી કે ઈ-બુક્સનો જમાનો પૂરો થઈ ગયો છે કે પછી ઈ-બુક્સનું ભાવિ ધૂંધળું છે કે ઈ-બુક્સના ક્ષેત્રે પ્રગતિ નહીં થાય. ના, એવું બિલકુલ નથી, પણ આનો અર્થ એ છે કે પ્રિન્ટેડ બુક્સનો જમાનો પૂરો થયો નથી (નથી, નથી, નથી) અને પ્રિન્ટેડ બુક્સના પબ્લિશર્સનું ભાવિ ઊજળું છે (છે, છે, છે).

આવું કેમ થયું? ઈ-બુક્સની સોનાનાં ઈંડાં મૂકતી મુર્ગીને પબ્લિશરોએ લાલચમાં આવીને હલાલ કરી નાખી, કેવી રીતે? દાખલા તરીકે જેફ્રી આર્ચરની સાત ભાગની નવલકથા સિરીઝનો છઠ્ઠો ભાગ 'કમેથ ધ અ'ર') હમણાં પબ્લિશ થયો. ભારતમાં એની ક્ધિડલ (કે-બુક) એડિશનની કિંમત રૂ. ૪૪૯ રાખવામાં આવી છે. એની પેપર બૅક એડિશન હજુ અહીં પ્રગટ થઈ નથી પણ એ આવશે ત્યારે ઈ-બુક કરતાં સસ્તી હોવાની. છઠ્ઠા ભાગની અગાઉ પ્રગટ થયેલી આ જ સિરીઝની 'માઈટીઅર ધૅન સ્વૉર્ડ' પેપર બૅકમાં રૂ. ૩૮૫માં મળે છે અને એની ઈ-બુકના ભાવ ઘટીને રૂ.૧૪૨.૫૦ થઈ ગયા છે. એટલું જ નહીં આ સિરીઝની સૌથી પહેલી નૉવેલ 'ઓન્લી ટાઈમ વિલ ટેલ'નાં પ્રથમ છ પ્રકરણોની ઈ-બુક તમને એમેઝોન પર તદ્દન મફતમાં મળે છે, અને આખી નૉવેલ જોઈતી હોય તો. રૂ. ૩૩માં. વિચાર કરો કે કયાં રૂ. ૩૩ અને કયાં રૂ. ૪૪૯. ઈ-બુક માટે પબ્લિશર્સે કાગળ-પ્રિન્ટિંગના તોતિંગ ખર્ચા કરવાના નથી હોતા છતાં લાલચમાં આવીને એમણે ધીમે ધીમે એવી પ્રાઈસિંગ પૉલિસી અપનાવી કે ઈ-બુક્સનું અલમૉસ્ટ બાળમરણ જ થઈ ગયું હોત. જરા વિચાર કરો કે ઈ-બુક્સ વાંચવા માટે તમારે 'ક્ધિડલ' (કે પછી એવું કોઈ પણ સાધન) વસાવવા દસેક હજાર રૂપિયાનો ખર્ચ તો ઑલરેડી કર્યો હોય (ઈ-બુક્સના બહુ ઓછા એવા રસિયા અને નિયમિત મનબસિયા હોવાના જેઓ ઈ-બુક રીડર વસાવવાને બદલે ફોન કે આઈપેડ પર ડાઉનલોડ કરેલી ઍપથી ચલાવી લે). હવે એક બાજુ તમે પુસ્તકની બાબતમાં રૂ. ૧૦,૦૦૦ જેવું સબસ્ટેન્શ્યલ કહેવાય એવું રોકાણ કરી ચૂકયા હો અને બીજી બાજુ નવી પ્રગટ થતી ચોપડીઓને તમારે ઈ-બુક તરીકે ખરીદવા પ્રિન્ટ બુક કરતાં વધારે અથવા પેપર બૅક એડિશન પ્રગટ થઈ ગયા પછી એની કિંમતના એંશીથી નેવું ટકા જેટલી રકમ ખર્ચવી પડે તો નૉર્મલ માણસ શું કામ ક્ધિડલ-ફિન્ડલ વસાવે? સીધી પ્રિન્ટેડ ચોપડી જ ન મગાવી લે?

આ જ કારણસર ૨૦૧૧ની સાલમાં ૨ કરોડ જેટલાં ક્ધિડલ વગેરે ઈ-રીડર વેચાયાં અને એની સામે ગયા વર્ષે આ આંકડો ધાડ દઈને ગિરી ગયો - ૧ કરોડ ૨૦ લાખ. ૨૦૧૨માં પુસ્તક વાચનારા વર્ગમાંથી ૫૦ ટકા જેટલા લોકો ક્ધિડલ વગેરે ઈ-રીડર પર વાંચતા થઈ ગયેલા. ૨૦૧૫ના ફર્સ્ટ ક્વાર્ટ્રમાં આ આંકડો ઘટીને ૩૨ ટકા પર આવી ગયો.

આવું તો બનતું જ રહેવાનું કોઈ પણ નવું ક્ષેત્ર ખુલે અને એમાં પ્રોમિસ દેખાય તો રાતોરાત એમાં તેજી આવી જવાની. શૉપિંગ મૉલ્સની બાબતમાં કેવું બન્યું હતું પણ બે-પાંચ-દસ વર્ષે ફિલ્ડ લેવલમાં આવી જાય. આવું ત્યારે જ બને જ્યારે માત્ર સિરિયલ પ્લેયર્સ જ ફિલ્ડમાં રહ્યા હોય, ફ્લાય બાય નાઈટ ઑપરેટરો ઉચાળા ભરી ગયા હોય અને સિરિયલ પ્લેયર્સ પણ નૉન-સિરિયલ પ્લેયર્સ સાથે ગેરવાજબી શરતોએ કૉમ્પીટિશન કરવાને બદલે માર્કેટના નૉર્મ્સ પ્રમાણે જ સ્પર્ધા કરવી પડે, તેઓ જૂના જોગીઓ પણ પોતાની ભૂલોમાંથી શીખતા હોય છે, આગળ વધતા હોય છે.

ઈ-બુક્સની દુનિયામાં પણ આવું જ કંઈક બની રહ્યું છે. ઈ-બુક્સના ફ્યુચર વિશે અને આ બુક્સના ભાવિ વિશેની વાત ......
'ક્ધિડલ' પર અત્યાર સુધી અંગ્રેજી ઈ-બુક્સ જ વાંચી શકાતી હતી, હવે હિન્દી ઈ-બુક્સ પણ વાંચી શકાય છે. આજે નહીં તો ગુજરાતી સહિત બીજી ભારતીય ભાષાઓનો પણ વારો આવશે.

એક જમાનામાં સેલફોન પર અંગ્રેજીમાં જ એસએમએસ થઈ શકતા. પછી હિન્દી ઉમેરાઈ. એન્ડ્રોઈડના ફોન્સ પર (સૅમસંગ વગેરે) ગુજરાતી પણ ઉપલબ્ધ થઈ, પણ ગઈ કાલ સુધી એપલના આઈ-ફોન પર ગુજરાતીમાં ટેક્સ્ટિંગ કરવાની સુવિધા નહોતી. આ મહિને આઈફોન લેટેસ્ટ મૉડેલ સિક્સ-એસ આવ્યું એની સાથે એપલ જૂની ઑપરેટિંગ સિસ્ટમ અપડેટ કરીને આઈઓએસ-નાઈન વર્ઝન મૂક્યું. તમારા જૂના આઈફોન પર આ નવી ઑપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરશો તો એમાં ગુજરાતી કી બોર્ડનો ઑપ્શન પણ દેખાશે. એક નાનકડી તકલીફ છે એમાં - ઊંધી માત્રા નથી. ચાલે. ઑપ્શનની જગ્યાએ ઓપ્શન લખવાનું, બીજું શું.

એટલે જ આશા છે કે આજે નહીં તો કાલે 'ક્ધિડલ' પર પણ ગુજરાતી ઈ-બુક્સ વંચાતી થઈ જવાની. 'ક્ધિડલ' એમેઝોન પરથી વેચાતી બુક્સ વાંચવા માટેનું સાધન છે. આવી જ રીતે 'બાર્ન્સ ઍન્ડ નોબલ' નામની જગમશહૂર પુસ્તકોની દુકાનવાળાએ પોતાનું રીડર 'નૂક' કાઢ્યું હતું. એ પછી 'કોબો' અને 'સોની'નાં રીડર પણ નીકળ્યાં. અહીં ફ્લિપકાર્ટે પણ ઈ-બુક્સ માટે પોતાની ઍપ બનાવી પણ રીડર નથી બનાવ્યું. આઈ-પૅડમાં પણ 'ક્ધિડલ' સહિતની વિવિધ રીડરની ઍપ દ્વારા તમે ઈ-બુક્સ વાંચી શકો છો. આઈ-પૅડ તરફથી જે પહેલ થઈ તે હવે તમામ સ્માર્ટ ફોને અપનાવી લીધી છે. વચ્ચે એક વિદેશી સર્વે એવો વાંચ્યો હતો કે ભવિષ્યમાં મોટા ભાગનું વાંચન લોકો પોતાના સ્માર્ટ ફોન પર જ કરશે, કારણ કે કમ્યુટિંગ કે ટ્રાવેલિંગ દરમ્યાન બધા લોકો કંઈ ક્ધિડલ, લૅપટૉપ વગેરેનો ઝમેલો સાથે લઈને ફરતા નથી હોતા, જ્યારે ફોન તો બધાની પાસે હોવાનો જ. એટલે કારમાં, બસ-ટ્રેન-પ્લેનની રાહ જોતાં કે એમાં પ્રવાસ કરતાં કે પછી રાત્રે પથારીમાં લોકો જ્યારે મન થાય ત્યારે ફોન ખોલીને વાંચી લેતા હોય છે અને ધીમે ધીમે આવા લોકોનું પ્રમાણ વધતું જાય છે. મેં પોતે મારા ફેવરિટ પ્લેરાઈટ નીલ સાયમનની ઑટોબાયોગ્રાફી 'રિટાઈટ્સ'ની પ્રિન્ટેડ એડિશન વાંચ્યા પછી આત્મકથાનો બીજો ભાગ 'ધ પ્લે ગોઝ ઑન'ની ઈ-બુક ખરીદી અને નક્કી કર્યા પ્રમાણે મુંબઈની લોકલ ટ્રેનમાં અવરજવર કરતાં ફોન પર જ વાંચી.

ઈ-બુક્સ વિશેનો આ ત્રીજો અને ફાઈનલ હપ્તો લખતાં પહેલાં મેં આ ક્ષેત્રના નિષ્ણાત અપૂર્વ આશર પાસેથી કેટલીક દુર્લભ માહિતી મેળવી જે ટેક્નિકલ લોકો માટે નવી નવાઈની ન હોય, પણ મારા-તમારા

જેવા કૉમન લોકો માટે ઘણી વિસ્મયકારી હોય. અપૂર્વ આશરે જણાવ્યું કે ઈ-બુક્સના ફોર્મેટ માટે આખા વિશ્ર્વમાં એકસૂત્રતા રહે એટલે ઈન્ટરનેશનલ ડિજિટલ પબ્લિશિંગ ફોરમ - આઈડીપીએફની રચના થઈ છે, જે કોઈ પણ આઈડીપીએફે નક્કી કરેલાં ધારાધોરણો પ્રમાણે ઈ-બુક તૈયાર કરે એ ઈ-બુક કોઈ પણ રીડર-ઍપ પર વાંચી શકાય. તો પછી સવાલ એ થાય કે જે ગુજરાતી ઈ-બુક્સ આઈડીપીએફના ફૉર્મેટ અનુસાર તૈયાર થઈ હોય તે 'ક્ધિડલ' પર કેમ વાંચી ન શકાય? એનું કારણ છે. 'ક્ધિડલ' આઈડીપીએફને ફૉલો નથી કરતું. આવી દાદાગીરી એટલા માટે કે એણે મસમોટો ખર્ચો કરીને પોતાનું પ્લેટફૉર્મ તૈયાર કરી દીધું છે. તમે જો 'ક્ધિડલ'ને તમારા નફાનો હિસ્સો આપવા માગતા હો તો એ તમને પોતાનું પ્લેટફોર્મ વાપરવા દે.

ઈ-બુક્સ માટેની એક ગેરસમજ લોકોમાં (અને લેખકોમાં પણ) એ છે કે એની કોઈ પ્રોડક્શન કૉસ્ટ નથી. કારણે કાગળ, પ્રિન્ટિંગ, બાઈન્ડિંગના કોઈ ખર્ચા એમાં હોતા નથી. એ ખર્ચા ભલે ન હોય પણ એક વખત પુસ્તકને ટાઈપસેટ કરવાના, એને ઈ-બુકના ફોર્મેટમાં ઢાળવાના, ડિઝાઈનિંગના ખર્ચા કરવા જ પડે છે. બીજુ વેબસાઈટ, ઈ-સ્ટોર વગેરેની ઑનલાઈન શૉપિંગ માટેની સુવિધા ક્રિયેટ કરીને એનો મેન્ટેનન્સનો ખર્ચ પણ કરવો પડે. ઑનલાઈન સ્ટોરમાં બ્રિક ઍન્ડ મોર્ટાર સ્ટોરની જેમ જમીન-દુકાનના ભાવમાં ક્યારેય વધારો તો થવાનો નથી એટલે એમાં કરેલું ઈન્વેસ્ટમેન્ટ 'ડેડ' થઈ જવાનું. પ્લસ જો તમે રેગ્યુલરલી સોફટવેર્સનાં નવાં વર્ઝનથી અપડેટ ના કર્યા કરો તો તમારાં સ્ટોર આઉડડેટેડ થઈને કોમ્પિટીશનની બહાર ફેંકાઈ જવાનો. ત્રીજું અને સૌથી મહત્ત્વનું ધ્યાન એ રાખવું પડે કે ઈ-બુક બનાવવામાં ડી. આર. એમ.ની કોસ્ટ લાગે. ડી. આર. એમ. એટલે ડિજિટલ રાઈટ્સ મેનેજમેન્ટ. જો તમારી ઈ-બુક કોઈ એક વખત ડાઉનલોડ કરીને એની કૉપી બનાવીને પાયરેટેડ ઈ-બુક્સનો બિઝનેસ શરૂ કરી નાખે તો તમારે (એટલે કે પ્રકાશકની સાથોસાથ લેખકે પણ) પ્રોફિટ/રૉયલ્ટીના નામનું નાહી નાખવું પડે. એટલે 'ડિજિટલ લૉક' બનાવવા માટે ડી.આર.એમ. કોસ્ટ ગણવી પડે. 'ક્ધિડલે' એના પોતાના ડિજિટલ લૉક તોતિંગ ખર્ચે ક્રિયેટ કર્યા છે. હૅકર્સની દુનિયામાં આવા લૉક તોડવાની સ્પર્ધા થતી હોય છે. એટલે 'ક્ધિડલે' હૅકર્સથી એક ડગલું આગળ રહેવા સતત આર ઍન્ડ ડી પાછળ ખર્ચો કરતાં રહેવું પડે.

તો પછી 'ક્ધિડલ' સિવાયના ફોર્મેટ માટે ઈ-બુક્સ બનાવતા લોકો પોતાની ઈ-બુક્સને તાળાં લગાવવા શું કરતા હશે? આનો જવાબ એક વખત મને મારા પ્રકાશકે આપ્યો હતો અને અપૂર્વ આશરે પણ સમજાવ્યું કે ફોટોશૉપ જેવા અનેક સોફ્ટવેર બનાવતી અમેરિકાની જાણીતી કંપની અડોબી સિસ્ટમ્સ તમને એ સુવિધા પ્રોવાઈડ કરતી હોય છે, પણ આ માટેય તમારે ખર્ચો તો કરવો જ પડે. શરૂઆતમાં જ ઍનિથિંગ બિટ્વીન પાંચથી આઠ લાખ રૂપિયા સેટ અપ કૉસ્ટ તરીકે આપી દેવા પડે અને પછી દરેક પુસ્તક માટે વીસથી ત્રીસ રૂપિયા ચૂકવવા પડે તો તમારી દરેક ઈ-બુકને કોઈ ખોલી ન શકે એવું તાળું મળે. અને અફ્કોર્સ, ઈ-બુકનું જ્યારે ઑનલાઈન વેચાણ થતું હોય ત્યારે જેના દ્વારા પૈસાની સિક્યૉર્ડ લેવડદેવડ થાય એમને પણ તમારે પોણા બે ટકાથી લઈને ક્યારેક તો પાંચ ટકા જેટલું કમિશન ચૂકવવું પડે.

ઈ-બુક્સની સાથોસાથ હવે ઑડિયો પ્લે પણ આવવા માંડયાં છે. તમે બુક વાંચતાં જાઓ એમ એમ તમને એ સંભળાતી પણ જાય. એ અજાણ્યો અવાજ સ્ત્રીનો હોય કે પુરુષનો એવી ચૉઈસ પણ આપવામાં આવે. એ કઈ સ્પીડે બોલે તે પણ તમે નક્કી કરી શકો. અત્યારે એપલની 'સિરિ'માં તો અંગ્રેજીમાં ચૉઈસ આપવામાં આવે કે તમારે એની ડિક્શન, એના ઉચ્ચારો કયા પ્રદેશના જોઈએ છે - બ્રિટિશ એક્સેન્ટ, અમેરિકન એક્સેન્ટ કે પછી ઑસ્ટ્રેલિયાના દરેક સ્વરને પહોળા કરીને બોલાતા ઉચ્ચારો સાંભળવા છે. ગુજરાતીમાં પણ જ્યારે આવી સુવિધા આવશે ત્યારે કાઠિયાવાડી લહેકો જોઈએ છે કે પછી જી-જે-ટુનો મહેસાણાવાળો કે ચરોતરનો અથવા હુરટી લહેકો જોઈએ છે એની ચૉઈસ આ લોકોએ આપવી પડવાની.

ગુજરાતીમાં 'ઈ-શબ્દ' દ્વારા ઈ-બુક્સનું કામકાજ મોટેપાયે થઈ રહ્યું છે અને 'ગુજરાતી પ્રાઈડ' નામની ઍપ પણ પૉપ્યુલર થઈ રહી છે. આ ઉપરાંત 'ન્યૂઝહન્ટ' તરફથી ગુજરાતી સહિત દરેક ભાષાની ઈ-બુક્સ માટે વેચાણ-વાંચનનું ઘણું મોટું પ્લૅટફૉર્મ વિકસી રહ્યું છે.

પ્રિન્ટેડ બુક્સનું તો ભાવિ ઉજળું છે જ (ટચ વુડ), ઈ-બુક્સના ક્ષેત્રમાં પણ અત્યારે જે વળતાં પાણી દેખાય છે તે માત્ર એક ટેમ્પરરી તબક્કો છે. હવે તો 'ક્ધિડલ' જેવાઓ તદ્દન નાખી દેવાના ભાવમાં તમને ઈ-બુક 'ભાડે' પણ આપતા થઈ ગયા છે. મહિના માટે તમારા રીડરમાં રહે પછી ઑટોમેટિક ઊડી જાય. એટલું જ નહીં, પ્રિન્ટેડ બુક્સ જેમ તમે કોઈ મિત્રને વાંચવા આપી શકો, એમની પાસેથી ઉછીની લઈ શકો - એવી સુવિધા ઈ-બુક્સમાં પણ આવી ચૂકી છે. અજાણ્યાઓને પણ મિત્ર બનાવીને કે એમના ગ્રુપમાં સામેલ થઈને તમે મામૂલી ફીથી આવી સુવિધા વાપરી શકો.

ઈન્ટરનેટની દુનિયા ગજબની છે. અહીં જાણીતાઓ વધુ પરિચિત બને છે, પરિચિતો ગાઢ મિત્રો બની જાય છે અને છેવટે અજાણ્યું તો કોઈ રહેતું જ નથી. રિચર્ડ બૅકના એક પુસ્તકમાં આ યાદગાર વાકય વાંચ્યું ત્યારથી મનમાં ચોંટી ગયું છે; 'અજાણ્યા જેવું કોઈ હોતું જ નથી આ જગતમાં, જે છે એ બધા હજુ સુધી ન બનેલા મિત્રો જ છે.'

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment