Sunday, 27 September 2015

[amdavadis4ever] છપ્પનવખારી - Gujarati (Posted by B D Jesrani)

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્થિતપ્રજ્ઞા દર્શનના દેવ કૃષ્ણને માયામાં બાંધનાર રાધા

છપ્પનવખારી : તેજસ વૈદ્ય

મીરાં સમર્પણ ભક્તિનું સ્વરૂપ છે અને રાધા પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ છે. મીરાં માટે કૃષ્ણ દેવ છે. રાધા માટે કૃષ્ણ દેવ કરતાં દોસ્ત વધુ છે. કૃષ્ણે લગ્ન ભલે રાધા સાથે ન કર્યાં પણ રાધા સાથેનો પ્રેમ અમર થઈ ગયો. એક ચર્ચા એવી પણ છે કે રાધા અને કૃષ્ણ વચ્ચે પ્રેમ તો થયો, પણ બંને પરણી ન શક્યાં! ત્યારે કહેવાનું મન થાય કે અગત્યની બાબત પ્રેમ હોય છે. પ્રેમ એક અનુભૂતિ છે. લગ્ન એક વ્યવસ્થા છે. લગ્ન એક ઉત્તમ વ્યવસ્થા છે એમાં કોઈ બેમત નથી, પણ લોકો એને પ્રેમનું પ્રમાણપત્ર માની લે એ વાત બેબુનિયાદ છે. જો લગ્ન થયાં તો પ્રેમ મળ્યો કે પ્રેમ સફળ થયો અને બે જણા પરણી ન શક્યાં તો પ્રેમ નંદવાઈ ગયો! પ્રેમ પોતાનામાં જ પૂર્ણસ્વરૂપ છે. એ પોતાનાથી વધુ કાંઈ આપતો નથી અને કાંઈ લેતો નથી. અગત્યની બાબત પ્રેમની છાલક છે. કોઈ યુવક-યુવતી ઊંધેકાંધ પ્રેમમાં હોય અને પછી સંજોગોની બલિહારીએ બંને અલગ થઈ જાય તોપણ પેલી અનુભૂતિની જડીબુટ્ટી તો બંનેની સાથે આજીવન રહે છે. એ જડીબુટ્ટી જ જીવનની કસ્તૂરી હોય છે. યાદોના દાબડામાંથી એની જે સુવાસ નીતરતી રહે એને જીવનભર અત્તરની જેમ સૂંઘ્યા કરો એ પ્રેમની અને જીવનની સાર્થકતા છે, તેથી રાધા અને કૃષ્ણના પ્રેમને એ રીત જ નિહાળવો જોઈએ. બંને પરણી ન શક્યાં એ અલગ વાત છે, પણ આજીવન બંને એકબીજાને યાદ કરતાં રહ્યાં હતાં. જગતમાં ક્યાંય એવું નથી લખ્યું કે વિખૂટાપણું પ્રેમની ગરિમાને ઝાંખી કરે છે. બે કિનારા ભલે અલગ હોય, પણ તેમની વચ્ચે નદી તો વહે છેને. વિખૂટા પડેલાં પ્રેમી જો એકલતાના બે કિનારા હોય તો એ કિનારા વચ્ચે વહેતી નદી એ પ્રેમ છે અને નદી વગર કોઈ કિનારા નથી હોતા.
દેવની પૂજા કરવાની જ પરંપરા છે. કોઈ દેવની મજાક મસ્તી કરી શકાય એવું કૃષ્ણના કેસમાં જ શક્ય છે. કૃષ્ણ બધાને મોહિત કરે છે, રાધા કૃષ્ણને મોહિત કરે છે. રાધા કૃષ્ણને ખખડાવી પણ શકે, કૃષ્ણે એનાં નખરાં ઉઠાવવાં પડે. કૃષ્ણે રાધા પાસેથી છટકવા માટે બહાનાં બનાવવાં પડે. કૃષ્ણને એની કોઈ પટરાણીએ નહીં ખખડાવ્યા હોય એટલા કદાચ રાધાએ ખખડાવ્યા હશે એવી કલ્પના કરી શકાય. રાધા માટે કૃષ્ણ પૂજાપાત્ર દેવ નહોતા, પણ ઉત્કટ પ્રેમ-રોમાન્સ કરી શકાય એવો પુરુષ હતો. કૃષ્ણ આજે પણ ભારતીય મહિલાઓની ફેન્ટસી છે. એક યુવક કૃષ્ણને વંદન કરે અને એક યુવતી કૃષ્ણને વંદન કરે તો યુવતીના ભાવમાં વંદનની સાથે રોમાન્સનું સંમિશ્રણ હોઈ શકે છે. કૃષ્ણની પૂજા જ નહીં, પણ પ્રેમ કરી શકાય એવું રાધાને કારણે શક્ય બન્યું છે. કૃષ્ણ એ હિન્દુ કન્યાઓ માટે ઓલટાઇમ રોમેન્ટિક હીરો છે.
જોકે, રાધા અને કૃષ્ણની લીલાનો લોકોમાં જય જયકાર થયો ૧૦મી સદી પછી. એમાંય રાધાકૃષ્ણના પ્રેમના વ્યાપક પ્રચારમાં મહાકવિ જયદેવની રચના'ગીતગોવિંદ'નો મોટો ફાળો છે. ગીતગોવિંદ અગાઉ પણ રાધાનો બ્રહ્મવૈવર્ત અને પદ્મપુરાણમાં વિસ્તૃત ઉલ્લેખ છે. કહેવાય છે કે ગીતગોવિંદને લીધે રાધાકૃષ્ણનો પ્રણય જનમાનસમાં વધુ લોકપ્રિય બન્યો. ગીતગોવિંદની ગણના સંસ્કૃતના અત્યંત ગુણવત્તાવાન નાટકોમાં થાય છે. આજે પણ સંગીતકારો તેની સંગીતમય રજૂઆત કરે છે. ગીતગોવિંદની રચના ૧૨મી સદીમાં થઈ હતી. રાધાની કૃષ્ણ માટેની વ્યાકુળતા, કૃષ્ણને કરેલાં વ્યંગવચન, કૃષ્ણની રાધા પ્રત્યેની તાલાવેલી,રાધાના કૃષ્ણવિયોગના અન્ય ગોપીઓએ કરેલાં વર્ણન વગેરે છે. રાધા ઉપરાંત અન્ય ગોપીઓ સાથેની લીલા પણ એમાં રજૂ થઈ છે. કૃષ્ણ અન્ય ગોપીઓ સાથે રાસ-વિલાસ કરે છે તો રાધા છંછેડાઈ જાય છે. પ્રેમની વિવિધ દશા - આશા, નિરાશા, ઉત્કંઠા, ઈર્ષ્યા, કોપ, માન, આક્રોશ, મિલનતાલાવેલી, સંદેશવાહન વગેરે એમાં બખૂબી ઝિલાયાં છે. સ્વાભાવિક છે કે રાધાના માધ્યમથી જ એ રજૂ થયાં છે.
'ગીતગોવિંદ'ને શૃંગારનું મહાકાવ્ય કહેવામાં આવે છે. એ કૃતિ ક્રાંતિકારી એટલા માટે કહી શકાય, કેમ કે એમાં રાધાકૃષ્ણ રતિક્રીડાનાં રસસભર વર્ણન છે. આજે કોઈ ચિત્રકાર રાધાકૃષ્ણનાં ચિત્રો દોરવામાં સહેજ વધુ છૂટછાટ લે તો તેનું આવી બને છે. ધર્મના બની બેઠેલા ઠેકેદારો તેના પર તૂટી પડે છે. આ ઠેકેદારોએ ક્યારેક'ગીતગોવિંદ' વાંચવું જોઈએ. એના શૃંગારિક વર્ણનનો એક નમૂનો જુઓ, "ચંદ્રોદય થતાં જ રાધા પોતાના ઉદીપ્ત થયેલા કૃષ્ણ પ્રત્યેના અનુરાગ પર નિયંત્રણ નથી રાખી શકતી. કૃષ્ણ આવે છે ત્યારે રાધા તેને ઉપાલંભ એટલે કે વ્યંગભર્યાં વેણ કહે છે. એ રીતે પોતાનો આક્રોશ પ્રકટ કરે છે. રાધાની સખીઓ તેને વારે છે. કૃષ્ણ પણ રાધાની પ્રશંસા કરીને તેને મનાવવા માંડે છે. એ રીતે રાધાને પોતાને અનુકૂળ બનાવવા પ્રયાસ કરે છે. અંતે રાધા માની જાય છે અને કદંબકુંજમાં પોતાના કાન્તને મળવા જાય છે. ત્યાં કૃષ્ણ રાધા પાસે પ્રણયયાચના કરે છે. લજ્જાનો ત્યાગ કરવા અને રતિભોગમાં સહકાર આપવા અનુરોધ કરે છે. બંને પ્રસન્નમને રતિક્રીડામાં મગ્ન બને છે. એ પછી રાધા પ્રિયતમ કૃષ્ણને શૃંગાર કરવા અનુરોધ કરે છે. કૃષ્ણ સહર્ષ પોતાના હાથે રાધાને શણગારે છે."
રસ સંદર્ભે વલ્લભાચાર્ય અણુભાષ્યમાં ઉલ્લેખ કરે છે કે રસાનુભૂતિ ફક્ત મિલનથી જ નહીં પણ વિરહની તીવ્ર સંવેદનાથી પૂર્ણ બને છે. મિલન તો રસાત્મક છે જ, પરંતુ ભક્તિમાર્ગમાં પ્રભુના વિરહની તીવ્ર ક્ષણો પણ રસાત્મક જ ગણાઈ છે. વિરહ અને મિલન બંને અનુભૂતિ પૂર્ણ રસાનંદની પ્રાપ્તિ કરાવે છે.'ગીતગોવિંદ'ની મજા એ છે કે એમાં રસના રાજા એટલે કે રસરાજેશ્વર કૃષ્ણને રસાનુભૂતિ માટે તડપતા દર્શાવ્યા છે. 'ઉત્તરરામચરિત'માં ભવભૂતિએ રામને સીતા માટે તડપતા દર્શાવ્યા છે તો 'ગીતગોવિંદ'માં જયદેવે કૃષ્ણનો રાધા માટેનો તલસાટ વ્યક્ત કર્યો છે. કૃષ્ણ પોતાનું ઘર છોડીને વનમાં બેઠા છે. જમીન પર પડીને રાધે રાધેનો જાપ કરે છે. પક્ષીનો મધુર અવાજ કાને પડે એટલે તરત રાધા સાંભરે છે. વિરહી કૃષ્ણનું ચિત્ર આબાદ રીતે 'ગીતગોવિંદ'માં ઝિલાયું છે. વિરહિણી રાધા માટે 'ગીતગોવિંદ'માં લખાયું છે કે કૃષ્ણના આગમનની રાહ જોતી રાધા પોતાના યૌવન અને લાવણ્યને નિષ્ફળ ગણે છે. કૃષ્ણ વિના તો મૃત્યુ શ્રેષ્ઠ છે એવું તે માને છે.
શ્રીકૃષ્ણની ગોવર્ધનોદ્ધાર લીલાનું વર્ણન કવિ શતાનંદે પોતાના સંસ્કૃત શ્લોકોમાં કર્યું છે. જેમાં કૃષ્ણે ગોવર્ધન ઊંચક્યો એ વખતનાં વર્ણન છે. એમાં એક શ્લોકમાં એવું વર્ણન છે કે - કૃષ્ણે ગોવર્ધન ઊંચક્યો ત્યારે અન્ય ગોપીઓ રાધાને કહેવા લાગી કે તું અહીંથી દૂર જતી રહે. તારા પ્રત્યે આસક્ત બનીને કૃષ્ણના હાથ શિથિલ ન થઈ જાય. ૧૨મી સદીમાં રાધાકૃષ્ણનાં પ્રેમયુક્ત વૈષ્ણવકાવ્યો ખૂબ લખાયાં હતાં. મજાની વાત એ છે કે ૧૨મી સદીમાં લખાતાં સંસ્કૃત કાવ્યો હોય કે ૨૧મી સદીમાં લખાતાં ગુજરાતી કાવ્યો હોય. પ્રેમની વાત આવે છે ત્યારે રાધા અને કૃષ્ણ આજે પણ કવિઓના ફેવરિટ છે. નરસિંહ મહેતા જેવા પ્રાચીન ગુજરાતી કવિ હોય કે આજના કોઈ અર્વાચીન ગુજરાતી કવિ દરેકે રાધાકૃષ્ણના પ્રેમના ખૂબ મલાવા કર્યા છે. અન્ય ભાષાનાં કાવ્યોમાં પણ આ યુગલ બખૂબી ઝિલાયું છે. કહી શકાય કે રાધા એ ભારતીય કવિ માનસકૃત નારીનું જ એક વિશેષ રસમય પ્રતીક છે.
બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાકૃષ્ણના શૃંગારનું માધુર્યપૂર્ણ વર્ણન મળે છે. ચંદનર્ચિચત શય્યા પર રાધા અને કૃષ્ણ વચ્ચે હાસ્યવિનોદ થયો. રાધાએ સુવાસિત તાંબૂલ આપ્યું. કૃષ્ણની છાતી પર કસ્તૂરી અને કેસરથી મિશ્રિત ચંદન લગાવ્યું. કૃષ્ણની શિખામાં ચંપાનું પુષ્પ ગૂંથ્યું. કૃષ્ણની મુરલી ફેંકીને રત્નનું દર્પણ હાથમાં આપ્યું. શ્રીકૃષ્ણે રાધાને છાતીસરસા ચાંપ્યાં. રાધાના નીચલા હોઠ પર, ગાલ પર અને બંને લમણા પર ચુંબન કર્યાં. કૃષ્ણે બે બાહુથી રાધાને ભીંસ્યાં. રાધાનું અંગ કૃષ્ણના નખક્ષતથી વ્યાપ્ત બન્યું. રોમાંચિત રાધાનાં સ્તનો ખૂબ નાનાં બન્યાં. એ પછી સુખકર સંભોગતી રાધાં બેભાન બન્યાં. તેમનાં નેત્રો બંધ થયાં. તેઓ મીઠી નિદ્રામાં પડયાં. રાધાનું શરીર શીતકાળે ઉષ્ણ ને ગ્રીષ્મકાળે શીતળ હતું. શૃંગારમાં સુખદાયી હતું. ચતુર, રસિક, શ્રેષ્ઠ કામવાસનાવાળાં રાધાએ કૃષ્ણને બંને બાહુઓ બે શ્રોણીયુગલ(નિતંબ) કેડના પાછલા ભાગોથી બાંધીને બાંધીને મીઠી મીઠી વાતો કરી.

- 'સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણ' પુસ્તકમાંથી


__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment