Friday 9 December 2016

[amdavadis4ever] અમૃતલાલ વેગડ અને હરિ મહિધર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અશ્ર્વિની ભટ્ટે ફિક્શનમાં નર્મદા વિશે જે કામ કર્યું એટલું જ ખૂબસૂરત કામ અમૃતલાલ વેગડે નૉન-ફિક્શનમાં કર્યું. શબ્દોમાં તો જાણે નર્મદા વિશે જેટલું કામ થવાનું હતું તે થઈ ગયું. હવે શું બાકી રહ્યું? નર્મદાના સૌંદર્યને ચિત્રો દ્વારા, તસવીરો દ્વારા પ્રગટ કરવાનું હજુ બાકી હતું. ગંગા વિશે અનેક તસવીરપુસ્તકો પ્રગટ થયાં છે. કેટલીક બાબતોમાં ગંગા કરતાં પણ નર્મદાનું મહાત્મ્ય મોટું છે. ગંગામાં ડૂબકી મારવાથી પુણ્ય મળે, યમુનાનાં દર્શનથી અને નર્મદાના સ્મરણમાત્રથી પુણ્યશાળી થઈ જવાય. એટલે જ પુરાણકથા એવી છે કે લાખો લોકો ગંગાસ્નાન કરીને પોતાનાં પાપ ધોઈ જાય એ પછી ગંગા આ તમામ પાપમાંથી મુક્ત થવા નર્મદામાં સ્નાન કરી આવે અને ફરી પવિત્ર થઈ જાય.
હરિ મહિધર ગુજરાતી છે. ભારતના મશહૂર તસવીરકારોની અગ્રણી હરોળમાં એમનું નામ આદરપૂર્વક લેવાય છે. વિદ્યાર્થી અવસ્થામાં પેઈન્ટિંગ અને ફાઈન આર્ટ્સમાં રસ હતો પણ પછી પ્રેસ ફોટોગ્રાફી કરવા ૨૨ વર્ષની ઉંમરે એક હિન્દી અખબારમાં જોડાયા. અલમૉસ્ટ પાંચ દાયકા પહેલાં મુંબઈ આવીને તે જમાનાના મશહૂર ફોટોગ્રાફર મિત્તર બેદી સાથે જોડાયા. ઈન્ડસ્ટ્રિયલ ફોટોગ્રાફીમાં ખૂબ કામ કર્યું. મોટી મોટી ઍડવર્ટાઈઝિંગ એજન્સીઓ માટે નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર ઈન્ડસ્ટ્રિયલ ફોટોગ્રાફી કરી. જહાંગીર આર્ટ ગેલેરી સહિત અનેક નામી જગ્યાઓએ એમની તસવીરોનાં પ્રદર્શન ભરાયાં. મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ (હવે છત્રપતિ શિવાજી વાસ્તુ સંગ્રહાલય) તેમ જ ગોવાનાં વિવિધ ચર્ચ વિશેનાં એમનાં તસવીરી પુસ્તકો ખૂબ વખણાયાં છે. સોની (ઈન્ડિયા)નાં તેઓ બ્રાન્ડ ઍમ્બેસેડર છે. ગંગા વિશે આટલી બધી કૉફી ટેબલ બુક્સ તો નર્મદા વિશે કેમ નહીં, એવા સવાલના ઉત્તરરૂપે 'બીનેવોલન્ટ નર્મદા' નામનું દળદાર પુસ્તક સર્જાયું. મોટી મોટી રંગીન તસવીરોથી છલોછલ આ કૉફી ટેબલ બુક હરિ મહિધરની આઠ વર્ષની તપશ્ર્ચર્યાનું ખૂબસૂરત ફળ છે. આ પુસ્તક માટે જ હરિ મહિધર ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ્યા હશે એવું પરિણામ આવ્યું છે. હરિ મહિધર પોતે નર્મદાના કાંઠે ઉછરેલા છે - જબલપુર વિસ્તારમાં... સોનાના આ પુસ્તકમાં સુગંધ ઉમેરી છે વિઠ્ઠલ સી. નાડકર્ણીના શબ્દોએ. વિઠ્ઠલ નાડકર્ણી 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી', 'ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા', 'ધ ઈકનૉમિક ટાઈમ્સ' અને 'ધ સાયન્સ ટુડે'માં સિનિયર હોદ્દાઓ પરથી ફરજ બજાવી ચૂક્યા છે. શાસ્ત્રીય સંગીતના ઊંડા જાણકાર અને યોગાભ્યાસી. બીજા એક ઈન્ટરનેશનલી અક્લેમ્ડ ગુજરાતી ફોટોગ્રાફર તીથલ નિવાસી (હવે સ્વર્ગવાસી) અશ્ર્વિન મહેતા (જેમની તસવીરો તમે સ્વામી આનંદનાં પુસ્તકો પર જોઈ છે) ને અંજલિ આપતું એક પુસ્તક પણ વિઠ્ઠલ સી. નાડકર્ણીએ લખ્યું છે. ઈન્સિડેન્ટલી, આજથી ૩૬ વર્ષ પહેલાં, વીસેક વર્ષની ઉંમરે હું વિઠ્ઠલ સી. નાડકર્ણીને આઈ.એન.ટી. દ્વારા આહવા (ડાંગ)માં યોજાયેલા લોકકળા મહોત્સવમાં મળ્યો હતો. ત્યાં પત્રકાર તરીકે બીજા દિગ્ગજોમાં હરકિસન મહેતા હતા. હું તે વખતે ફિલ્ડમાં નવોસવો. હરિ મહિધરના આ પુસ્તકના લોકાર્પણ સમયે વિઠ્ઠલ નાડકર્ણીને મેં વાત યાદ કરાવી. એમને મને મળ્યાનું સ્મરણ ન હોય તે સ્વાભાવિક છે. મને આવી હસ્તીને મળ્યાનું કાયમી સ્મરણ હોય એ સ્વાભાવિક છે.
પુસ્તકની અનુક્રમણિકાનાં પાનાં પર તમને અમરકંટકથી ભેડા ઘાટ (જબલપુર) થઈને ઓમકારેશ્ર્વર પહોંચી કેવડિયા, ગરુડેશ્ર્વર, ચાંદોદ થઈ કબીરવડ, ભરૂચ પસાર કરીને ખંભાતના અખાતમાં વહી જતી નર્મદા નદીના વહેણનો નકશો જોવા મળે છે. પ્રથમ તસવીર અગિયારમી સદીમાં બનેલી મા નર્મદાની પથ્થરની મૂર્તિની છે જે અત્યારે જબલપુરના મંદિરમાં છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થઈને વહેતી નર્મદાના ફોટાઓમાં એકવીસમા પાને ગુજરાતના ડભોઈ નજીકના ચાંદોદ ગામે થઈને વહેતી નર્મદાની તસવીર છે. ચાંદોદ શ્રાદ્ધ કરવા માટેની પવિત્ર ભૂમિ છે. મમ્મી ગુજરી ગઈ ત્યારે સરાવવા માટે મોટાભાઈ સાથે ચાંદોદ ગયા હતા. ત્યાં વાળ ઉતરાવ્યા હતા. માતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને નર્મદા મૈયાનાં દર્શન કર્યાં. હોડીમાં ઊભા રહીને ભરબપોરના તડકામાં બે કાંઠા વચ્ચે શાંત વહેતી નદી પાર કરી હતી. મુંબઈથી વડોદરા-અમદાવાદ જતી વખતે જે નર્મદાના દૂરથી દર્શન કરીને વંદન કરતા આવ્યા હતા તે નર્મદાનાં નીરની છાલક માના આશીર્વાદ લાવતી હતી.
'બીનેવોલન્ટ નર્મદા'માંની હરિ મહિધરની તસવીરો માટે ટેક્સ્ટ લખનારા વિઠ્ઠલ સી. નાડકર્ણી ધુંઆધાર ધોધની તસવીર વિશે વાત કરતા લખે છે કે આદિ શંકરાચાર્યે છેક આઠમી સદીમાં 'નર્મદા અષ્ટકમ્' રચીને નર્મદાનો મહિમા ગાયો છે. તેરમી સદીમાં થઈ ગયેલા મરાઠી સંત જ્ઞાનદેવની રચના ગાતી વખતે લતા મંગેશકરે ચંદ્ર જેવી શીતળતા આપતા મધ્યાહ્નના સૂર્યની યાદ અપાવે એવો શીતળ સૂરજ ધુંઆધારના ધોધ પર ભરબપોરે આ લેખક અને આ તસવીરકારની જોડીએ માણ્યો છે. આદિ શંકરાચાર્ય લાખો પક્ષીઓ ગુંજન કરતાં હોય એવી ઉપમા ધુંઆધારના ધોધનો અવાજ સાંભળીને આપે છે. નીર-તીર-ધીર-પક્ષી-લક્ષ-કુજિતમ્... પણ અત્યારે હવે પક્ષીઓને બદલે અહીં એકઠા થયેલા પર્યટકોનો કોલાહલ સંભળાય છે. આઠમી સદીથી એકવીસમી સદી સુધીની આ પ્રગતિ. જોકે, આજે પણ નર્મદાની પરકમ્માનો મહિમા હજુ એટલો જ છે. તેરસો કિલોમીટરની યાત્રા ઉપરાંત એક છેડે પહોંચીને સામે કાંઠે જઈ ત્યાંથી ફરી બીજા તેરસો કિલોમીટરની એક પૂરા છવ્વીસો કિલોમીટરની પ્રદક્ષિણા કરનારા યાત્રાળુઓ પણ અત્યારના જમાનામાં છે. સૌ કોઈ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે વ્રત રાખીને પરકમ્મા કરતા હોય છે.
અમરકંટકની તસવીરોમાં ઊડીને આંખે વળગતો ભગવો રંગ નર્મદાના ભૂરા-સફેદ-ભૂખરા - શ્યામ રંગોમાં ભળી જાય છે ત્યારે ભારતની આગવી સંસ્કૃતિનું સ્મરણ થાય છે. વિનાયક પેશ્ર્વા ભૂસ્તરશાસ્ત્રી છે. બાજીરાવ પેશ્ર્વા-પ્રથમના તેઓ આઠમી પેઢીના વંશજ છે. એ વડવાએ અઢારમી સદીની મધ્યમાં ચોથા મરાઠારાજા છત્રપતિ શાહુ મહારાજના પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી હતી. ડૉ. વિનાયક પેશ્ર્વાએ નર્મદા વિશે ઊંડું ફિલ્ડવર્ક કર્યું છે. એમના મત મુજબ નર્મદા વિશ્ર્વની સૌથી જૂની નદી છે. 'ગંગા તો ઉંમરની દૃષ્ટિએ નર્મદાની સામે બાળકી કહેવાય', એવો એમનો મત આ પુસ્તકમાં ટાંકવામાં આવ્યો છે. કદાચ આ મત સાચો હોય, ન પણ હોય. પણ નદીઓ સાથે જોડાયેલી ભારતની સંસ્કૃતિ જગતની અન્ય કોઈપણ સંસ્કૃતિ કરતાં વધુ જૂની, વધુ સમૃદ્ધ અને વધુ વિશાળ છે એમાં કોઈ બેમત નથી. આપણા બ્રિટિશ અને સામ્યવાદી ઈતિહાસકારોએ પરદેશની પુરાતન સંસ્કૃતિને જેટલું પ્રાધાન્ય આપ્યું છે એટલું ભારતની સંસ્કૃતિના વારસાને નથી આપ્યું. એટલા માટે પણ આ પુસ્તક 'બીનોવેલન્ટ નર્મદા' આપણા માટે ઉપયોગી છે.
નર્મદાના તીરે યોજાતા કુંભમેળાની તસવીરો જોઈને તમને ભારતની આ એક ઔર આગવી પરંપરા માટે આદર થાય. જે જમાનામાં કમ્યુનિકેશન્સનાં કોઈ સાધનો નહોતાં, સંદેશવ્યવહારનાં જ નહીં, યાતાયાત યાને કિ ટ્રાન્સપોર્ટેશનના પણ ખૂબ ટાંચાં સાધનો હતાં એ કાળમાં દર ચાર યા બાર વર્ષે દેશના વિવિધ સ્થળોએ કુંભ મેળાઓ યોજવાની પરંપરા શરૂ થઈ. આવા આયોજનનું મૂળ કારણ દેશના ખૂણે ખૂણેથી યાત્રાળુઓ - પ્રજ્ઞાવાન સાધુસંતો એક જગ્યાએ ભેગા થાય, પોતપોતાના વિસ્તારોમાં શું શું બની રહ્યું છે એની માહિતીની આપ-લે કરે, એકબીજાના જ્ઞાનમાં વૃદ્ધિ કરે એ મૂળ આશય. ધર્મના નામે લોકો આપોઆપ કુંભમેળામાં ખેંચાઈ આવે. આજે પરદેશમાં કે દેશમાં વિવિધ ક્ષેત્રને લગતા ઈન્ડસ્ટ્રિયલ ટ્રેડ ફેર્સ થાય છે. એનો મૂળ આઈડિયા કોઈકને આ ભારતના કુંભમેળાઓમાંથી આવ્યો હોવો જોઈએ. કુંભમેળા દરમિયાન થતી ભીડ, અસ્વચ્છતા કે ગેરવ્યવસ્થા પર જ ફોકસ કરતા સુધરેલી જમાતના લોકો ભલે આપણને પછાત ગણે, નર્મદા અને એની આસપાસના કાંઠા વિસ્તારો, જંગલો તથા વનસૃષ્ટિને તમે હરિ મહિધરના કૅમેરાની આંખે જોશો તો લાગશે કે જિંદગી કેટલી વિશાળ છે, સુધરેલી જમાતની આંખે દેખાય એના કરતાં તો કરોડગણી વિશાળ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment