Sunday, 11 December 2016

[amdavadis4ever] દક્ષિણમાં નેતાઓ ભગવા નની જેમ કે મ પૂજાય છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તામિલનાડુનાં મુખ્યમંત્રી જે જયલલિતાનું નિધન થયું તેના કારણે તામિલનાડુ શોકગ્રસ્ત છે. જયલલિતાના મોતના સમાચાર બહાર આવ્યા એ સાથે જ તામિલનાડુમાં લાખો લોકો સ્વયંભૂ રસ્તા પર ઊતરી આવ્યા ને આ લોકો જાહેરમાં જે રીતે વિલાપ કરતા હતા કે જયલલિતા માટે લાગણી વ્યક્ત કરતા હતા તે જોઈ દેશનાં બીજાં લોકોને આશ્ર્ચર્ય થાય છે. જયલલિતાની કાયમી વિદાયના શોકમાં ઘણાં લોકોએ તો આપઘાત પણ કરી લીધા. ચેન્નાઈમાં જયલલિતાની અંતિમયાત્રા નીકળી ત્યારે લાખો લોકો સ્વયંભૂ તેમાં જોડાયા ને કોઈ પણ પ્રકારની અરાજકતા વિના વેરાઈ પણ ગયા.

કોઈ રાજકારણી માટે લોકો આવી લાગણી બતાવે એવું આપણે ત્યાં બીજા પ્રદેશોમાં ભાગ્યે જ બને જ્યારે તામિલનાડુમાં તો જયલલિતા જેલમાં ગયાં ત્યારથી માંડીને બીમાર હતાં ત્યારે પણ આવાં જ દૃશ્યો સર્જાતાં હતાં. જયલલિતા જેલમાં ગયાં ત્યારે હજારો લોકો જેલની બહાર ભૂખ્યાંતરસ્યાં બેસી રહેતાં તો એ બીમાર હતાં ત્યારે તેમની હૉસ્પિટલની બહાર આવો જ મેળો જામતો. આખા તામિલનાડુમાં તેમના સારા સ્વાસ્થ્ય માટે યજ્ઞો થયા ને લોકોએ આપણે કલ્પના પણ ના કરી શકીએ તેવી બાધાઓ પણ રાખી. આ બધું દેશના બીજા ભાગના લોકો માટે કલ્પના બહારની વાતો છે.

જો કે દક્ષિણ ભારતમાં રાજ્યોમાં સેલિબ્રિટીઝ માટે લોકોમાં આ પ્રકારની ઘેલછા નવી વાત નથી. દક્ષિણ ભારતમાં સેલિબ્રિટીઝ પાછળ લોકો પાગલ છે અને તેમાં પણ રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સ ભગવાનની જેમ પૂજાય છે. રજનીકાંત, ચિરંજીવી, મોહનલાલ જેવા આગલી પેઢીના અભિનેતા કે ખુશ્બુ, રેવતી વગેરે અભિનેત્રીઓ માટે લોકોના પાગલપનની વાતો વર્ષોથી સાંભળીએ છીએ. તેમની એક ઝલક મેળવવા માટે લોકો કલાકોના કલાકો ગમે તેવી પરિસ્થિતિમાં ઊભા રહે કે તેમનાં મંદિરો બનાવીને પૂજે એવી દંતકથાઓ લાગે તેવી વાસ્તવિક વાતો આપણી સામે છે. આ યાદી ઘણી લાંબી થઈ શકે ને ઘણાં નામોનો ઉલ્લેખ ચૂકી જવાયો હોય એવું બને. નવી પેઢીના રવિ તેજા, પ્રભાસ, મહેશ બાબુ વગેરે ફિલ્મ સ્ટાર્સ માટે પણ લોકોને આવી જ ઘેલછા છે તે જોઈને આપણને ખરેખર આશ્ર્ચર્ય થાય છે તેનું કારણ એ છે કે ભારતના બીજા કોઈ પ્રદેશોમાં ફિલ્મ સ્ટાર્સ આ રીતે પૂજાતા નથી.

જો કે વધારે આશ્ર્ચર્યની વાત દક્ષિણમાં લોકો રાજકારણીઓને જે માન આપે છે તે જોઈને થાય. ફિલ્મ સ્ટાર્સ પાછળ લોકોની ઘેલછા વિશે વાત કરવા બેસીશું તો આ લેખ નાનો પડી જશે તેથી અત્યારે માત્ર રાજકારણીઓ પૂરતી વાત કરીએ કેમ કે એ ઘટના વધારે આશ્ર્ચર્યજનક છે. બીજું એ કે ફિલ્મ સ્ટાર્સ લોકોને મનોરંજન આપે છે, પડદા પર પોતાનાં લાર્જર ધેન લાઈફ પરાક્રમોથી લોકોને ખુશ ખુશ કરી દે છે તેથી લોકો તેમના પર ઓળઘોળ થઈ જાય એ હજુય સમજી શકાય પણ રાજકારણીઓ પાછળ લોકો આ રીતે પાગલ હોય એવું દક્ષિણ ભારતમાં જ અને તેમાં પણ ખાસ તો તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ એ બે રાજ્યોમાં જ જોવા મળે છે.

ભારતમાં બીજા પ્રદેશોમાં રાજકારણીઓને લોકો બહુ માનની નજરે નથી જોતા. દરેક દાયકામાં નરેન્દ્ર મોદી કે અટલ બિહારી વાજપેયી જેવા એકલદોકલ નેતા આવતા હોય છે કે જેમના માટે લોકોને ખરેખર માન જાગે. એ સિવાય બીજા રાજકારણીઓ વિશે લોકોના મનમાં બહુ ઊંચા અભિપ્રાય પણ નથી હોતા ને તેમને દિલથી માન પણ નથી આપતા. સત્તાને સૌ નમે એ હિસાબે આ રાજકારણીઓ સત્તામાં હોય ત્યારે સૌ તેમની આગળપાછળ ફરતા હોય છે પણ સમગ્ર પ્રજાજનો તેમને દિલથી પ્રેમ કરતા હોય કે માન આપતા હોય તેવું નથી બનતું.

તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં બિલકુલ અલગ સીન છે. ત્યાં વરસોથી રાજકારણીઓ પૂજાય છે અને વધારે મહત્ત્વની વાત એ છે કે ફિલ્મ સ્ટાર્સ કરતાં પણ વધારે પૂજાય છે. મજાની વાત એ છે કે ત્યાં લોકો રાજકારણીઓના અવગુણોને પણ બહુ પ્રેમથી માફ કરી દે છે. પેરિયારથી માંડીને જયલલિતા સુધીનાં બધા રાજકારણીઓએ સામાન્ય રાજકારણીઓ જેવા ગોરખધંધા કરેલા છે. પેરિયાર પોતાનાથી નાની ઉંમરની યુવતી સાથે લગ્ન માટે વગોવાયેલા તો અન્નાદુરાઈ સત્તાલાલસા માટે બદનામ થયા. એમ.જી.આર. પોતાના લફરાંના કારણે બદનામ થયા તો કરુણાનિધી ભ્રષ્ટાચાર અને સગાંવાદના કારણે વગોવાયા. જયલલિતા પણ ભ્રષ્ટાચાર અને એમ.જી.રામચંદ્રન સાથેના સંબંધોને કારણે બદનામ થયાં જ છતાં લોકોને તેમના માટે જબરદસ્ત માન છે જ.

તામિલનાડુમાં અંગ્રેજ શાસનનાં અને આઝાદી મળી પછી શરુઆતનાં વરસો કોંગ્રેસના પ્રભુત્વનાં હતાં પણ ૧૯૬૦ના દાયકામાં દ્રવિડ ચળવળ પ્રબળ બની પછી દ્રવિડિયન નેતાઓ છવાયા. પેરિયર ઈ.વી. રામાસ્વામી આ ચળવળના પ્રણેતા હતા ને પેરિયારને તામિલનાડુમાં મહાત્મા ગાંધી સાથે સરખાવાય છે. પેરિયારનો પ્રભાવ એટલો જબરદસ્ત હતો કે એ જ્યાં ત્યાં લાખેક માણસ એમ જ ભેગા થઈ જતા. પેરિયાર ૧૯૭૩માં ગુજરી ગયા ત્યારે એક અઠવાડિયા લગી તામિલનાડુ બંધ રહ્યું હતું ને તેમની શ્રદ્ધાંજલિ સભાઓ અઠવાડિયા લગી ચાલી હતી. તામિલ રાજકારણમાં મહાન કહેવાયેલા તમામ નેતાઓ પેરિયારે રચેલી જસ્ટિસ પાર્ટી અને દ્રવિડ કઝગમની પેદાશ છે. પેરિયારે પોતાના કરતાં ૪૦ વર્ષ નાની મનીઅમ્માઈ નામની યુવતી સાથે લગ્ન કરેલાં પણ લોકોએ તેમને માફ કરી દીધેલા.

તામિલનાડુના રાજકારણમાં પેરિયાર જેટલું જ મોટું નામ સી.એન. અન્નાદુરાઈનું છે. અન્નાદુરાઈ અને પેરિયાર જસ્ટિસ પાર્ટીમાં સાથે હતા. પેરિયારે નાની યુવતી સાથે લગ્ન કરીને તેને પોતાની રાજકીય વારસ જાહેર કરી તેની સામે વિરોધ દર્શાવીને અન્નાદુરાઈ અલગ થયા ને પોતાની અલગ પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) બનાવી. તામિલનાડુના રાજકારણમાં છવાઈ ગયેલા કરુણાનિધી, એમ.જી. રામચંદ્રન આ પાર્ટીની જ પેદાશ છે. અન્નાદુરાઈ પોતે તામિલનાડુના મુખ્યમંત્રી બન્યા.

તામિલનાડુમાં રાજકારણીઓને આ માન મળે છે તે પાછળનું કારણ દ્રવિડ ચળવળ છે. દ્રવિડ ચળવળ આપણી આઝાદીની લડાઈને સમાંતર ચાલતી હતી ને તેના કારણે ધીરે ઘીરે તામિલનાડુમાં દ્રવિડ સંસ્કૃતિના સમર્થકોનો મોટો વર્ગ ઊભો થયો. આઝાદીની લડાઈ વખતે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો ને અંગ્રેજો દેશના સૌથી મોટા દુશ્મન હતા તેથી બીજાં રાજ્યોની પ્રજાની જેમ તામિલ પ્રજા પણ કોંગ્રેસને પડખે હતી પણ અંદરખાને એક સામાજિક ચળવળ પણ ચાલતી હતી. દેશ આઝાદ થયો પછી અંગ્રેજો સામે લડવાનું નહતું તેથી આ સામાજિક ચળવળ કેન્દ્રસ્થાને આવી ને આઝાદીના એક દાયકા પછી તો તામિલનાડુમાં આ ચળવળ એટલી ઉગ્ર બની ગઈ હતી કે લોકોને બીજા કશામાં રસ જ નહોતો.

તામિલનાડુના રાજકારણીઓએ પોતાના રાજકીય ફાયદા માટે દ્રવિડ સ્વાભિમાનનો મુદ્દો ઉઠાવ્યો અને તામિલ પ્રજા બીજી પ્રજાઓ કરતાં ઊંચી છે તેવો પ્રચાર ચલાવ્યો. હિંદી ભાષાનો વિરોધ કરીને તેમણે તામિલ ભાષા અંગે પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને તેના કારણે એવો નશો લોકોમાં પેદા કર્યો કે તામિલનાડુ ભારતનો હિસ્સો હોવા છતાં ત્યાંનાં લોકો માનસિક રીતે ભારતથી અલગ જ છે. અન્નાદુરાઈથી તેની શરુઆત થઈ અને પછી જે પણ રાજકારણીઓ આવતા ગયા તેમણે તામિલ પ્રજાને આ નશામાં જ રાખી. કરુણાનિધી પાસે જબરદસ્ત લેખનશક્તિ છે ને તેનો ઉપયોગ તેમણે લોકોને આ નશો ઊતરે જ નહીં તે માટે કર્યો છે. કરુણાનિધી દાયકાઓથી રોજ લેખ લખે છે ને એ રીતે તામિલ પ્રજાના માનસમાંથી હિંદીનો વિરોધ જાય જ નહીં તેની કાળજી રાખે છે.

એમ.જી. રામચંદ્રન અને જયલલિતાએ તેમના સ્ટાર પાવરનો ઉપયોગ લોકોને પોતાની તરફ ખેંચવા માટે કર્યો. તામિલનાડુમાં સિનેમા લોકો માટે મનોરંજનનું મોટું માધ્યમ છે તેથી ફિલ્મ સ્ટાર્સ પાછળ લોકો પાગલ છે. એ સ્ટાર અપીલનો લાભ એમ.જી.આર. અને જયલલિતાને બરાબર મળ્યો છે. વિજયકાંત જેવા ફાસફૂસિયા કલાકારો પણ આ ઘેલછાનો લાભ લઈને રાજકીય રીતે કાઠું કાઢી જ ચૂક્યા છે.

આંધ્ર પ્રદેશમાં વરસોથી કોંગ્રેસનું એકચક્રી શાસન હતું ને તેણે એન.ટી. રામારાવે તોડ્યું. એન.ટી. રામારાવ તેલુગુ ફિલ્મોના સૌથી મોટા સુપરસ્ટાર હતા ને તેમણે ધાર્મિક ફિલ્મોમાં ભૂમિકાઓ કરીને તેલુગુ પ્રજાના મનમાં લોકોના મનમાં આદરણીય સ્થાન મેળવ્યું હતું, લોકો એન.ટી. રામારાવને કેટલો આદર આપતા હશે તેનો અંદાજ એ વાત પરથી આવે કે ઈન્દિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં આખા દેશમાં કોંગ્રેસનું રોલર ફરી વળેલું ત્યારે માત્ર એન.ટી. રામારાવે ઝીંક ઝીલી હતી અને માત્ર આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ જીતી શકી નહોતી. એન.ટી. રામારાવની ભવ્ય જીત પાછળ તેમની સ્ટાર અપીલ કામ કરી ગઈ હતી એ કબૂલવું પડે. આંધ્રમાં એન.ટી. રામારાવે જે પ્રભાવ ઊભો કર્યો તેવો પ્રભાવ બીજો કોઈ નેતા ઊભો નથી કરી શક્યો એ કબૂલવું પડે પણ ચિરંજીવી, વિજયાશાંતિ વગેરેને તેમની સ્ટાર અપીલનો લાભ મળ્યો જ છે. તેલંગણામાં ચંદ્રશેખર રાવે અલગ તેલંગણાની માગના કારણે પોતાનો પ્રભાવ ઊભો કર્યો.

દક્ષિણનાં રાજ્યોના રાજકારણની બીજી એક ખાસિયત પણ છે. દક્ષિણનાં રાજ્યોમાં રાજકારણીઓ પોતાની મતબૅંકને ટકાવવા માટે લોકોને સીધી કામમાં આવે તેવી ચીજો આપે છે. ટેલિવિઝન, મિક્સર ગ્રાઈન્ડર, પંખા, ટ્યૂબલાઈટ્સ વગેરે ચીજોની ખેરાત જંગી પ્રમાણમાં કરાય છે. દક્ષિણનાં રાજ્યોમાં શહેરો ઓછાં છે અને ગામડાં વધારે છે. તેના કારણે નાની નાની સવલતો પણ લોકોને બહુ પ્રભાવિત કરી દે છે. બીજી તરફ નાનાં નાનાં ગામડાંના રાજકારણીઓ પોતાનો પ્રભાવ ઊભો કરવા માટે પોતાના ઉપરના નેતાઓની લાર્જર ધેન લાઈફ ઈમેજ ઊભી કરે છે ને એ માટે પાણીની જેમ પૈસા વેરે છે. સામાન્ય લોકો માટે પોતાને થતાં સીધા ફાયદા મહત્ત્વના હોય છે ને એ ફાયદા જેના કારણે મળે છે તેને લોકો ભગવાન માને છે. જયલલિતાએ પોતાનાં છેલ્લાં વરસોમાં ગામડાંની મહિલાઓને આ રીતે જ ખુશ કરી હતી ને શહેરી વિસ્તારોમાં સસ્તા ભાવે કેન્ટિનો ખોલીને પોતાની ઈમેજ બદલી હતી.

ભારતમાં બીજા પ્રદેશના રાજકારણીઓ જ્ઞાતિવાદી રાજકારણમાં અટવાયેલા છે અને લોકોને સીધો ફાયદો આપવાના બદલે પોતાનાં ઘર ભરવામાં તેમને વધારે રસ હોય છે. આ કારણે દક્ષિણના નેતાઓની કક્ષાએ એ પહોંચી શકતા નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment