Sunday, 4 December 2016

[amdavadis4ever] મન કો કર દે મુસલમાન.....ઉ ઘાડી બારી - ડ ૉ. દિનકર જોશી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુજરાતી ભજન પરંપરામાં સત્તાર શાહ અથવા તો સત્તારબાપુ આ નામે જાણીતા એક ભજનિકથી આપણે બહુ પરિચિત નથી. હમણાં 'સત્તાર ભજનામૃત' નામનું એક પુસ્તક મિત્ર પ્રવીણ પંચાલે મોકલી આપ્યું. સત્તારબાપુના પિતાશ્રી મૂળ અફઘાનિસ્તાનના વતની. અફઘાનિસ્તાન છોડીને દૈવ યોગે નાટકમંડળીમાં અભિનય કર્યો અને પછી ભજન મંડળીમાં જોડાઈને ભજનિક બન્યા. જ્ઞાન અને ઉપદેશની સરવાણી વહેવડાવી. ભજનિકો વચ્ચે સત્તારબાપુ તરીકે ઓળખાયા.

ભજનાવલી પુસ્તકનાં પૃષ્ઠો રસપૂર્વક ઊથલાવી રહ્યો હતો ત્યાં એક ભજન પાસે આંખ ઠરી ગઈ. ભજનની પંક્તિઓ બીજી વાર વાંચી, ત્રીજી વાર વાંચી પણ ઝટ ઉકેલ હાથમાં આવ્યો નહીં. આ પંક્તિઓ આ પ્રમાણે છે.-

'અબ તો યે હી શિખામન માન, મન કો કર દે મુસલમાન.'

કૃષ્ણ ભક્ત સત્તારબાપુ મનને મુસલમાન થઈ જવાનું કહે છે એ જાણતાં મનમાં અજંપો પેદા થયો. બાપુએ આવાં એક નહીં પણ આઠ પદ રચ્યાં છે. દરેક પદનું અંતિમ ચરણ એક સરખું જ 'મન કો કર દે મુસલમાન' છે. ઉર્દૂ શબ્દકોશો ઊથલાવ્યા ત્યારે મુસલમાન શબ્દનો તો એક જ અર્થ ઈસ્લામનો અનુયાયી એવો આપવામાં આવ્યો છે, પણ આ અર્થ લેવાથી પદનો અર્થ ઉકેલાતો નથી. મુસલમાન શબ્દને સમજવા ખાંખાંખોળા કર્યા ત્યારે ઉર્દૂ શબ્દકોશમાં જ મુસલ્લમ શબ્દ મળી આવ્યો. આ મુસલ્લમનો અર્થ સર્વમાન્ય અથવા સંપૂર્ણ એવો આપ્યો છે. મુસલ્લમનો એક ત્રીજો અર્થ તસ્લીમ એવો અપાયો છે અને આ તસ્લીમ એટલે કોઈપણ વાતનો સ્વીકાર કરવો અથવા પ્રણામ કરવા એવો અપાયો છે. આ બધા શબ્દો મૂળ અરબી ભાષાના છે.

આ અરબી શબ્દોએ જ્યારે એનાં અસલ રૂપો પ્રગટ કર્યાં ત્યારે હું હેબતાઈ ગયો. મુસલમાન એટલે કે ઈસ્લામનો અનુયાયી. આ શબ્દનો મૂળ આધાર મુસલ્લમ છે. જે સર્વને માન્ય છે, જે સર્વને સ્વીકાર્ય છે અથવા તો જે સર્વ કંઈનો સ્વીકાર કરે છે એ મુસલમાન છે એવો અર્થ આમાં ઇંગિત થાય છે. આમાં સર્વ કંઇનો સ્વીકાર એટલે જે કંઈ ઈશ્ર્વરદત્ત પરિસ્થિતિ છે એની સામે ફરિયાદ કરવાને બદલે એને પ્રસન્નતાથી માન્ય કરી લેવી એવું જ અભિપ્રેત છે.

મુસલમાન શબ્દનો આવો ઇંગિત ભાવ ઈસ્લામના કેટલા અનુયાયીઓ જાણતા હશે એવો પ્રશ્ર્ન મનમાં થયો. વારતહેવારે ફતવાઓ બહાર પાડીને ઈસ્લામના અનુયાયીઓને ઊંધા રવાડે ચડાવતા મુલ્લામૌલવીઓ એમને આ સાચો અર્થ સમજાવીને સન્માર્ગે દોરતા હોય તો કેવું સારું એવો પ્રશ્ર્ન પણ પેદા થયો.

'મન કો કર દે મુસલમાન' આ ચરણને મનોમન કેટલીય વાર મમળાવ્યા કર્યું. મન એક વાર મુસલમાન થઈ જાય એટલે કે ઈશ્ર્વરદત્ત પરમ પ્રકૃતિનો સહજ સ્વીકાર કરતું થઈ જાય પછી વળી એને સુખ શું અને દુ:ખ શું? સૂર્ય કિરણો વિશુદ્ધ છે અને એટલે એ પરમ પ્રકૃતિ છે પણ આપણે એમાં દૂષિત વાયુઓ ફેલાવીને એની શુદ્ધિનો નાશ કરીએ છીએ. સત્તારબાપુ મનને જે મુસલમાન બનવાનું કહે છે એમાં વિશુદ્ધ સૂર્ય કિરણોના સ્વીકારની વાત છે. શિયાળામાં ઠંડી સામે, ઉનાળામાં ગરમી સામે અને ચોમાસામાં વરસાદ સામે જેઓ નાકનું ટીચકું ચડાવે છે એમને સત્તારબાપુ કહે છે- 'તું તો ચેત સમજ નાદાન, મન કો કર દે મુસલમાન.'

એનો અર્થ એવો નથી કે આસપાસ જે કંઈ બૂરાઈ હોય, જે કંઈ અઘટિત હોય આ બધાને સમુંસૂતરું ન કરવું. વાતમાત્ર આટલી જ છે, કોઈ ફરિયાદ નહીં, ઈશ્ર્વરદત્ત સર્વ કંઈનો સ્વીકાર.

અષ્ટાવક્ર ગીતાનો આરંભ અહીં યાદ આવે છે. જનક રાજાની સભામાં પધારેલા અષ્ટાવક્ર મુનિને રાજા જનકે પહેલો જ પ્રશ્ર્ન પૂછયો છે- 'કથં બોધમ્ કથં મુક્તિ?' 'હે મહામુનિ, મને બોધ ક્યારે મળશે અને મારી મુક્તિ ક્યારે થશે.' આના જવાબમાં અષ્ટાવક્ર કહે છે- 'અધુનૈવ, અધુનૈવ-' એટલે કે 'હે રાજા, બોધ અને મુક્તિ તને આજે અને હમણાં જ મળશે,' રાજા સ્તબ્ધ થઈ ગયો. એ શી રીતે બને એ એને સમજાયું નહીં. અષ્ટાવક્ર એને સમજાવે છે- 'હે રાજા, દેહમાંથી તું તારી જાતને અળગી કરીને જો અને આ સમગ્ર વિશ્ર્વનું દર્શન કર.' અષ્ટાવક્ર રાજાને સાક્ષીભાવ સમજાવે છે. આપણું હોવું આપણે પોતે જ સાક્ષી ભાવે જોતા થઈએ એટલે સુખ અને દુ:ખનું હોવું નષ્ટ થઈ જાય છે. મુસલમાન શબ્દના અર્થમાં પણ આ સાક્ષી ભાવ છે. મહમ્મદ પયગંબરે ઈસ્લામના અનુયાયીઓને જ્યારે મુસલમાન કહ્યા ત્યારે એમણે અષ્ટાવક્ર મુનિનાં આવાં વચનો વિશે તો કંઈપણ સાંભળ્યું નહીં હોય.

ઈસ્લામ ધર્મમાં પરમાત્મા માટે અલ્લાહ શબ્દ પ્રયોજાયો છે. આ અલ્લાહ શબ્દ અરબી ભાષાનો છે. સંસ્કૃત શબ્દકોશોમાં પણ અલ્લા શબ્દ પ્રાચીન કાળથી મળી આવે છે. આ અલ્લા શબ્દનો અર્થ પણ પરમાત્મા, દેવતા અને સર્વજ્ઞ એવો અપાયેલો છે. રસપ્રદ વાત એ છે કે અલ્લા એટલે દેવી અથવા માતા એવો અર્થ પણ સંસ્કૃત ભાષાએ સ્વીકાર્યો છે.

વેદકાલીન સાહિત્યમાં ઉપનિષદોનું સ્થાન અનોખું છે. ઉપનિષદોની કુલ સંખ્યા વિશે નિશ્ર્ચિત ધોરણે કશું કહી શકાય એવું નથી. આદિ શંકરાચાર્યે ૧૧ ઉપનિષદો વિશે ભાષ્યો લખ્યાં હોવાથી ત્યાર પછીની પરંપરામાં આ ૧૧ ને જ પ્રાધાન્ય મળ્યું છે. આમ છતાં અન્ય ઉપનિષદો પણ નોંધપાત્ર રહ્યાં છે. આવાં ઉપનિષદોમાં એક અલ્લોપનિષદ પણ છે એ કેટલા જણ જાણતા હશે? આ અલ્લાને પેલા અરબી અલ્લાહ સાથે કંઈ લેવા દેવા હશે કે નહીં એ આપણે જાણતા નથી પણ સંસ્કૃત અલ્લા અને અરબી અલ્લાહ આ બંનેના મૂળ અર્થો તો એક સરખા જ મળી આવે છે.

સત્તારબાપુનો જન્મ ઇ. સ. ૧૮૯૨માં થયો હતો. વીસમી સદીનો પૂર્વાર્ધ એ એમના રચના કાળનો સમયગાળો કહી શકાય. એમનો શૈક્ષણિક અભ્યાસ માત્ર ગુજરાતી ચાર ધોરણ સુધીનો. એક ભજન મંડળીમાં એમણે અનવર મિયાં નામના મુસલમાન ભજનિકને ભજનો ગાતા સાંભળ્યા ત્યારે આત્મસૂઝથી જ પ્રશ્ર્ન કરી બેઠા-

'મરના મરના સબ કહે, પણ કોન ચીજ મર જાય?'

અને આ ચરણ સાંભળીને ખુશખુશાલ થઈ ગયેલા અનવર મિયાંએ તાબડતોબ એનો જવાબ વાળી દીધો-

'મેરી તેરી મર જાત હૈ દૂસરા કુચ્છ મરતા નહીં.'

અને કહે છે કે સત્તાર શાહ અફઘાન પિતાનો પુત્ર એ જ ઘડીએ ભજનિક બની ગયો. ગુજરાતી ભાષાનાં ભજનો ઉપરાંત ઉર્દૂ મિશ્રિત સંખ્યાબંધ ગઝલોનું પણ નિર્માણ કર્યું. આવી ગઝલો તત્કાલીન મુશાયરાઓમાં પણ દાદ પામી હતી. ગઝલો ઉપરાંત એમણે દેશની તત્કાલીન પરિસ્થિતિ વિશે પણ પોતાનાં ચિંતાભર્યાં નિરીક્ષણો કર્યાં છે. આવાં કેટલાંક નિરીક્ષણો જોઈએ- 

'હિન્દમાં હોળી બળે છે, દિવાળી તો બહુ દૂર છે,

સ્વાર્થ સુરા પાનમાં, જ્યાં લીડરો ચકચૂર છે.'



'પંથ ભલો સ્વરાજ કો, જાનો અહિંસા કે સરદાર

ખાદી પહનકર ચરખા કાંતો, ભગવત તારણહાર નૈયા...



'હિંદીઓ સમજો જરા આપસ મેં ક્યું તકરાર હે

ભાઈ ભાઈ સે લડે, ધિક્કાર હે ધિક્કાર હે'

કૃષ્ણ અને ગાંધીજી આ બે વચ્ચેની સમાનતાની વાત સત્તાર શાહે પહેલી જ વાર એમના એક ભજનમાં આ રીતે રજૂ કરી છે-

'કૃષ્ણજી કી લાડલી ગાંધીને પાઈ બંસરી,

હિંદ કે ઉદ્ધાર કો સંગ લેકે આઈ બંસરી.'

'યાઈલાહી હિંદ કો આઝાદ કર આઝાદ કર,

હમને ભી 'સત્તાર' કી ગાઈ બજાઈ બંસરી.'

ભજનિકો ઉપદેશ આપે છે. સહેલી અને સરળ ભાષામાં માણસના મનમાં ઊંડે સુધી ઊતરી જાય અને સાંભળનાર ક્યાંય સુધી ગણગણ્યા કરે એ ભજનની તાસીર બની જાય છે. મુશાયરાઓમાં 'વાહ વાહ'ની દાદ મેળવાય છે. સત્તારબાપુએ આ તો કર્યું જ પણ જે શાશ્ર્વત માનવીય વાત કરી છે એ એક જ છે- 'મન કો કર દે મુસલમાન.' એક વાર મન 'મુસલમાન' થઈ જાય પછી જિંદગીભર ક્યાંય અજંપો નથી, અવઘોળાટ નથી, અશાંતિ નથી, પછી ફરિયાદ તો હોય જ ક્યાંથી? પણ આ 'મુસલમાન' સાચા અર્થમાં મુસલ્લમ હોવો જોઈએ માત્ર મુસ્લિમ નહીં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment