Thursday 8 December 2016

[amdavadis4ever] વિકાસ માટે સ્ત્રીવિરો ધી હિંસા અટ કાવવી જરૂરી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિકાસ થાય અને ટકી રહે, આપમેળે એ પારકી મદદ વિના ચાલુ રહે એવું સમગ્ર વિશ્ર્વમાં બને તે માટે ૨૦૩૦ સુધીની અવધિ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ રાખી છે. અત્યારે અમુક રાષ્ટ્રો અતિવિકસિત હોય, અમુક ફાંફાં મારતા હોય, થોડા અડધે રસ્તે પહોંચ્યા હોય તે ના ચાલે. એકસરખો બધે જ વિકાસ થયો હોય તેવી કલ્પના વ્યવહારિક નથી, પરંતુ એ બે દેશો કે બે સમાજો વચ્ચે બહુ મોટી ખાઈ હોય, બહુ બધો ફરક હોય તો પછી હિંસા અને યુદ્ધો ન થાય તેવી સ્થિતિનું નિર્માણ થવું અશક્ય છે.

ખૂબીની વાત એ છે કે ૨૦૩૦ સુધીમાં પર્યાવરણને વધુ બગાડ્યા વિના અને સૌને સામેલ કરીને વિકાસ સાધવાનું જે લક્ષ્ય છે તે મુજબ પહોંેચાય તેવાં પગલાંમાં એક બહુ મહત્ત્વનું પગલું લેખાયું છે તે છે મહિલાઓ અને છોકરીઓ ઉપર થતી હિંસાને નષ્ટ કરવાનું. કોઈને થાય કે આર્થિક વિકાસની બાબતમાં સ્ત્રીવિરોધી હિંસાની વાત ક્યાં લાવ્યા? આ હું નથી લાવતી. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ, વિકાસ આયોજકો અને બીજા મોટાભાઓ કહે છે કે બે કે બાવીસ સ્ત્રીઓ મોટી કંપનીઓની સીઈઓ કે ડાયરેક્ટરો થઈ તે એમના અંગત વિકાસ અને સિદ્ધિની વાત છે. સમગ્ર વિકાસ માટે સ્ત્રીઓનું પ્રદાન જોઈએ તો એમની પર કરાતી હિંસા નષ્ટ થવી જોઈએ. આ હિંસા બે પ્રકારની. એક તો જાણીતી છે, કારણ કે એમાં વાચકોને અને છાપાં કે ટી.વી. ચેનલોને એ વિશે રજૂઆત કરવાની ફાવટ આવી ગઈ છે, એ છે દેખીતી હિંસા. એમાં બળાત્કાર, ઘરની સ્ત્રીઓ ઉપરની મારપીટ, દહેજ કે બીજાં કારણસર થતી હત્યાઓ, સ્ત્રીઓને આપઘાત કરવાની હદે પહોંચાડતા કૌટુંબિક કલેશ, અપહરણ, વેશ્યાવૃત્તિના વેપારમાં પરાણે ધકેલવાનું, ગર્ભપરીક્ષણ અને સ્ત્રીભ્રૂણહત્યા વગેરે વગેરે આવી જાય.

બીજા પ્રકારની હિંસા આવી સાફ નજરે ચડતી નથી પણ એ છોકરીઓ અને સ્ત્રીઓને એવી હીન કક્ષાએ રાખે છે જેથી એમનું સ્વમાન નષ્ટ થાય, દુનિયાદારીમાં ગતાગમ ન પડે, રોટલો રળી ન શકે અને પોતાના કે પરિવારના પૈસા તેમ જ અન્ય બાબતો અંગે નિર્ણય ન લઈ શકે. આ હિંસા છે છોકરીઓને નહીં ભણાવવાની, ઓછું ભણવા દેવાની, વહેલી પરણાવી દેવાની, વહેલાં વહેલાં અને ઘણાં બાળકો થાય એવી એમની પાસે માગ રાખવાની, મહેણાંટોણાં અને ગાળોનો ભોગ બનવાની અને એવી કેટલીયે સૂક્ષ્મ પ્રકારની હિંસા જે પેલી મોટી હિંસાઓનો ભોગ બની શકે તે રીતે સ્ત્રી કે છોકરીને નિર્બલ રાખે છે. આ બધું જડમૂળથી દૂર ન થાય તો દેશને સમર્થ અને ઉત્પાદક ક્ષમતા કેવી રીતે પ્રાપ્ત થાય? શ્રમિકોમાં અડધોઅડધ સંખ્યા એટલે કે સ્ત્રીશ્રમિકો ઓછું ભણેલી, ઝાઝી દુનિયાદારીની સમજ કે નિસ્બત ન ધરાવતી હોય તેવી હોય તો એ કઈ કક્ષાના ઉત્પાદનમાં ઉપયોગી નીવડે? શ્રમિક ઉપરાંત સમગ્ર નાગરિકોના અડધા હિસ્સા તરીકે પણ સ્ત્રીસ્વાસ્થ્ય મહત્ત્વનું છે. ભણેલા ઉપલા વર્ગની સંસ્થાઓમાં પણ માત્ર પ્રતીક તરીકે એક કે બે સ્ત્રી સંચાલનમાં દેખાય છે. સમાજજીવનમાં સાથ અને અધિકારો વિના આ વર્ગની નિર્ણયશક્તિ ખીલે નહીં. સમગ્ર દેશ માટે આ સ્થિતિ ભયજનક છે અને માનવતા ઉપરનું લાંછન તો એ છે, છે ને છે જ.

બે મહત્ત્વના પ્રસંગો

એક પ્રસંગ હવે પૂરો થવા આવ્યો છે અને એક ફેબ્રુઆરીમાં શરૂ થશે. બધા મહિલામંડળો, રોટરીઓ ને લાયન્સો ને જાયન્ટસો ને ગુરુજીઓ ને મહાત્માઓ અને રાજકારણીઓ તેમ જ સામાજિક કાર્યકરોએ યાદ રાખવા જેવું છે કે હવે યુનાઈટેડ નેશન્સ સુદ્ધાં સ્ત્રીવિરુદ્ધ હિંસા સામે લડત આપવા જાતજાતની યોજનાઓ કરે છે ત્યારે તમે ક્યાં છો? અહીં મુંબઈ સમાચારમાં અઠવાડિયે એક વાર લખવાથી એમના સુધી પહોંચવાનું નથી પણ પ્રત્યેક વાચક એક સંદેશવાહક પણ બની શકે છે અને બને ત્યાં બધે જ મહત્ત્વની ધાર્મિક વિધિની જેમ આ વાત સંસ્થાઓ અને મોટાભાઓ સુધી પહોંચાડી શકે છે, જેથી ત્યાંથી સહાય અને નેતૃત્વ મળે.

પહેલો પ્રસંગ લાંબો છે અને આ શનિવારે પૂરો થશે. એ છે સોળ દિવસનો સ્ત્રીઓ અને છોકરીઓ ઉપર થતી સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા વિરોધી કાર્ય કરવાનો. વિશ્ર્વ સંસ્થાએ જાહેર કરેલા સ્ત્રીઓ પ્રતિ સર્વ પ્રકારની હિંસા દૂર કરવા માટેનો વિશેષ દિન વર્ષોથી ૨૫ નવેમ્બર જાહેર કરેલો છે. છેલ્લા કેટલાક વર્ષોથી એ દિવસને ૧૦ ડિસેમ્બર એટલે કે માનવ અધિકાર દિનના ૧૬ દિવસની કેમ્પેઈન માટે ગણાય છે. અહીં તમે પોતપોતાની શક્તિ મુજબ કોઈને કોઈ જાહેર પ્રવૃત્તિ કરી શકે છે. ઑસ્ટ્રેલિયાના બધાં જ ચર્ચ આ સોળ દિવસ સૌને સમાજ અને પરિવારોમાં સ્ત્રી પ્રતિ હિંસા ન રહે તે માટે પ્રાર્થનાઓ યોજી છે અને આ નૈતિક કાર્ય ધાર્મિક કાર્ય પણ છે એવો અભિગમ લેવાયો છે. ચર્ચ બીજું તો શું કરે? અહીં પણ પોતાનાં વિસ્તારોમાં આ બાબતને અગ્રક્રમ આપી શકે. આપણે ત્યાં પણ મસ્જિદોમાં પુરુષવર્ગ સામટો ભેગો થાય છે ત્યારે અપાતાં પ્રવચનોમાં આવી હિંસા રોકવાની વાતનો સમાવેશ કરી શકે. ધરમમાં ક્યાંક ને ક્યાંક તો સમાજસુધારા માટે કામ આવે તેવી સામગ્રી હોતી જ હોય છે. ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરે દોઢસોથી વધુ વર્ષ અગાઉ પોતાના પાંડિત્યનો ઉપયોગ કરી એક સંસ્કૃત શ્ર્લોક શોધી કાઢેલો જે વિધવાવિવાહને અનુમોદન આપતો હતો. એમણે તો વિધવાઓ અને બીજી સ્ત્રીઓનાં રક્ષણ, શિક્ષણ વગેરેમાં જ આખી જિંદગી ખપાવેલી. આજે પણ ગુરુજીઓ અને ગુરુમાઈઓ, પ્રવચનકારો, ગાયત્રીયજ્ઞોના આયોજકો, આર્યસમાજ જેવી વ્યવસ્થિત ધાર્મિક સંસ્થાઓ આ સોળ દિવસ સતત પોતાના અનુયાયીઓ પાસે સતત આ વાત મૂકીને તેમના મગજમાં બેસાડી શકે છે, જો એમ કરવા ચાહે તો. આમાંનાં કોઈ સ્ત્રીપ્રતિ હિંસાનો પુરસ્કાર ન જ કરતા હોય પણ એ કરવી તે અધર્મ છે એ બતાવવા માટે એમની જોડે મંત્રણાઓ કરવી પડે. વાય. ડબ્લ્યુ. સી.એ. - યંગ વિમેન્સ ક્રિશ્ર્ચિયન એસોસિયેશન - બિનખ્રિસ્તી સમાજની પણ સેવા કરવામાં માને છે અને મુંબઈ શહેરમાં પણ નોકરિયાત સ્ત્રીઓ માટે હૉસ્ટેલો કે ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ વર્ગો ચલાવે છે. આ પ્રોટેસ્ટન્ટો - સંચાલિત સંસ્થા છે અને ધારે તો ઘણું કરી શકે. દુ:ખની વાત એ છે કે આપણાં વિવિધ સ્ત્રીમંડળો બપોરે બેથી ચાર કે એટલા જ સમયમાં બાલિશ પ્રવૃત્તિઓ કરી શકે છે પણ એમનાં સંચાલકો અને નેત્રીઓ દેશ અને દુનિયામાં સ્ત્રીવર્ગ માટે સારી, કલ્યાણકારી પ્રવૃત્તિઓ થાય છે તે બાબતે સક્રિય થવાની વાત તો એક બાજુએ રહી પણ એ જાણવાની પણ દરકાર રાખતા નથી. શિક્ષિત અભણોમાં આ બહેનો આવી જાય છે. સોળ દિવસની આ ચળવળમાં અનેક મુદ્દાઓ લેવાય છે. ઈંટરનેટનો ઉપયોગ માત્ર પોતાનાં પરદેશવાસી સંતાનો જોડે વ્યવહાર રાખવાને બદલે ટોળનાં ટપકાં એ સૌ પ્રાપ્ત કરે તો તો શી વાત!

બીજો પ્રસંગ ૪ ફેબ્રુઆરીએ આવશે, સ્ત્રીઓ અને છોકરીઓ પ્રતિ થતી હિંસા રોકવા માટે એ દિવસ તે અવાજને ઉઠવાનું આવહાન્. સ્ત્રીઓ તેમ જ સંવેદનપુરુષો આમાં જોડાય અને હાથ ઊંચા કરી સોગંદ લેવાનો દિવસ કે આ હિંસા દૂર કરવા અમે પ્રતિબદ્ધ છીએ. આ બંને પ્રસંગો ઉજવવા હવે ગીતો, ફિલ્મો, પુસ્તિકાઓ વગેરે મળી જાય છે. આ બંને પ્રસંગ ગંભીર છે પણ સોગિયા નથી. ગીત, નૃત્ય, રમતગમત ગમે તે કરી શકાય અને એ માટે એકત્રિત લોકો પાસે આ વાત મૂકી શકાય, આ ઝુંબેશ કે સોળ દિવસનું આંદોલન હિંસા રોકવા માટે અલગ અલગ વિષયો પ્રતિવર્ષ પસંદ કરે છે. ક્યારેક એ વિશ્ર્વમાં અને ઘરમાંથી હિંસા દૂર કરવાનો નારો હોય છે તો ક્યારેક હિંસામુક્ત સમાજ સામે આવતી અડચણો ઓળખીને દૂર કરવાની. આ વખતે પ્રશ્ર્ન સરકારો અને સમાજ સામે આવ્યો છે કે ૨૦૩૦ સુધીમાં આ હજારો વર્ષની જૂની વેદનાઓ દૂર કરવા માટે કોઈનું ફંડ કઈ રીતે ઊભું કરાશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment