Wednesday, 2 November 2016

[amdavadis4ever] મોરચો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં એક ખૂબ જ લોકપ્રિય વિધાનસભ્યની સફેદ રંગની કાર આવીને ઊભી રહી. પાછલી સીટમાં બેઠેલો માણસ ઝડપથી બહાર આવ્યો. રહેવાસીઓ એને વીંટળાઈ વળ્યા અને જંગલની આગની જેમ વાત ફેલાઈ ગઈ... બાબુલાલ આ ગયે, બાબુલાલ આ ગયે. ઝૂંપડાવાળાઓ બોલવા માંડ્યા ને લોકો વધુ ને વધુ સંખ્યામાં એકઠા થવા લાગ્યા.

બાબુલાલ આ એરિયાના વગદાર વિધાનસભ્યનો ખાસમાં ખાસ માણસ. વરસોનો વફાદાર. પક્ષના એક અદના કાર્યકરમાંથી અંગત 'માણસ' તરીકેની પ્રગતિ કરી હોવાનું એના ચહેરા પરના રુઆબ પરથી સ્પષ્ટ વર્તાય આવે. બાબુલાલ કોઈ પણ 'કામ' માટે હંમેશાં તત્પર વિધાનસભ્યનો પડ્યો બોલ ઝીલે. ધાર્યું કામ પાર પાડવાની એની કુનેહથી ખુદ વિધાનસભ્ય પણ ખુશ.

કોલસાને પણ શરમાવે એવો વાન. કાયમ સફેદ ઝભ્ભો-લેંઘો જ પહેરે. કાંડા પર હંમેશાં પાઉચ ભેરવેલું રાખે. કાળા ડિબાંગ ચશ્માં રાત્રે સૂતી વખતે જ ઉતારે. ગલોફામાં પાન હોય જ. કદાચ એ પણ રાતે સૂતી વખતે મોમાં જ રહી જતું હશે. મોંફાડની એક બાજુ પાનનો લાલ રંગ વારે વારે રેલાય ને સફેદ રંગના રૂમાલથી વારે વારે લૂછી લે. વર્ષમાં એકાદ-બે વાર બાબુલાલ આ ઝૂંપડપટ્ટીમાં પોતાનાં પગલાં પાડે. કશીક લાલચભરી આંખો સાથે ટોળું પાછળ ને બાબુલાલ આગળ વધવા લાગ્યા. એક ઝૂંપડાની બહાર બાબુલાલના ચરણ અટક્યા. બાબુલાલના આગમન પારખી ગયેલી આધેડ વયની એક મહિલા બહાર આવી. બાબુલાલે તરત જ પાઉચમાંથી સો-સોની ત્રણ કડકડતી નોટ એના હાથમાં મૂકી દીધી.

'કાલે ટ્રક આવી જશે. મોરચો છે, જવાનું છે,' બાબુલાલે કહ્યું.

વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું હતું. વિરોધ પક્ષોએ સત્રના પહેલા જ દિવસે વધતી જતી મોંઘવારીને મુદ્દે સરકાર પર આક્રમક મિજાજ સાથે ત્રાટકવાની યોજના ઘડી કાઢી હતી. મોરચા માટે ભાડૂતી લોકોને એકઠા કરવાનું કામ બાબુલાલનું હતું. મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી લોકોને એકઠા કરીને પ્રચંડ મોરચો કાઢવાનું સૌથી સરળ હતું અને બાબુલાલ જેવા માણસ માટે આ કામ સૌથી સહેલું. આમેય નાણાંની થેલી મોં ખોલે તો ભલભલાનાં મોં બંધ થઈ જાય છે. એનો રાજકીય 'ગુરુ' મોંમાગ્યા પૈસા વેરીને વિશાળ મોરચો કાઢવા માટે બાબુલાલને આગળ કરતો હતો.

વિધાનસભાનું સત્ર ચાલે ત્યાં સુધી બાબુલાલ રોજ રોજ માણસો એકઠા કરે. રોજ મોરચો નીકળે ને રોજ શક્તિપ્રદર્શન થાય. બાબુલાલ આમાંથી લાખો રૂપિયા પોતાના ગજવામાં સેરવી લેતો.

આ વખતની વાત જરા જુદી હતી. મોંઘવારીને મુદ્દે વિપક્ષ સરકારને પાડી દેવાના ચક્કરમાં હતો ને એમને મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોનો પણ એમાં પૂરો સાથ-સહકાર મળશે એવી એમને ગળા સુધીની ખાતરી પણ હતી. બાબુલાલે પણ બહોળી સંખ્યામાં લોકોને ભેગા કરવા કમર કસી હતી.

બાબુલાલ ઝૂંપડે-ઝૂંપડે પૈસા વેરી રહ્યો હતો. ઝુંપડપુટ્ટીને છેવાડે આવેલા એક ઝૂંપડા પાસે બાબુલાલ થોભ્ય.

એક ખૂણામાં બેસીને માટલા ઘડી રહેલા પ્રજ્ઞાચક્ષુ રામુદાદા બાબુલાલનાં પગલાંનો અવાજ પારખી ગયા.

'આવી ગયો માણસોની દલાલી કરવા બાબુલાલ?' રામુદાદાએ નારાજગીના સૂરમાં પ્રશ્ર્ન કર્યો. બાબુલાલના ચહેરા પરનું ખંધું હાસ્ય પામી ગયેલા રામુદાદા કંઈ કહે તે પહેલાં જ ઝૂંપડામાંથી ૧૧ વર્ષની કમુ પાણીના ગ્લાસ સાથે બહાર આવી.

'બાબુકાકા પાણી,' કમુએ કહ્યું. બાબુલાલ આવે ત્યારે માત્ર રામુદાદાના ઘરે જ પાણી પીએ. એ પણ કમુના હાથનું. બાબુલાલે ગલોફામાં પડેલા પાનને પાણી અડે નહીં એ રીતે પાણી પીધું.

રામુદાદાની પૌત્રી કમુ સ્કૂલમાં ભણે અને બાકીના સમયમાં પારકાં કામ પણ કરે.

પક્યો ક્યાં છે? બાબુલાલે જરા પણ સમય ગુમાવ્યા વિના એક પ્રોફેશનલની અદામાં કમુને પૂછ્યું.

'પ્રકાશભાઈ ગેરેજમાં કામે લાયગો છે, છ મહિના થ્યા.' કમુએ પોતાના ભાઈની સિદ્ધિને વર્ણવતી હોય એમ ગર્વ સાથે કહ્યું. બાબુલાલના ચહેરા પરના હાવભાવમાં આ વાતથી કોઈ ફરક ન પડ્યો.

'પકયાને કહેજે કાલે મોરચો છે. એણે આવવાનું છે'. બાબુલાલે પાઉચમાંથી પાંચસોની નોટ કાઢીને કમુના હાથમાં પકડાવતાં કહ્યું.

ઘણા વખતે હાથમાં આવેલી કડકડતી નોટને કમુએ મુઠ્ઠીમાં વાળી લીધી. આ વાત સાંભળતાં જ રામુદાદા ભડક્યા. 'હજી હમણાં જ કામે લાયગો છે પક્યો. એને રજા નો મળે. બાબુલાલ પૈહા પાછા લઈ જા. પક્યો નહિ આવે.'

રાત-દિવસ રાજકારણીઓની વચ્ચે રહેતા ગણતરીબાજ બાબુલાલ માટે પૈસા મોટી વાત ન હતા. આ વખતની રાજકીય ચાલ મહત્ત્વની હતી. મોંઘવારીને મુદ્દે સરકારને ગબડાવી દેવાની હતી. એ માટે પ્રચંડ મોરચો કાઢવો જરૂરી હતો.

'કંઈ વાંધો નહિ, રજા મળે તો આવે. આવા મોરચા લગભગ આખો મહિનો કાઢવાના છે.' બાબુલાલે પોતાના વિશાળ દિલને ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીમાં બિછાવી દીધું.

'કમુબેટા ભાઈને કહેજે કામ મોટું છે, પૈસા પણ મોટા છે, સરકાર ગબડાવવાની છે તમારે... રજા લઈનેય આવી જાય.' આવી બધી રાજરમતમાં અબુધ કમુને ખબર ન પડે, પણ એટલું સમજી કે મોરચામાં જવાના રોકડા પૈસા મળે છે. પાંચસોની નોટને જોઈને કમુએ મનોમન વિચાર્યું 'આવા મોરચા રોજ હોય તો!'

બાબુલાલના શબ્દો સાંભળીને રામુદાદાએ ગુસ્સામાં માટીનો લોંદો ચાકડાની વચ્ચોવચ મૂકીને ચાકડો જોરથી ઘુમાવ્યો.

'આવા ભાડૂતી માણસોને ભેગા કરીને મોરચા કાઢવાથી સરકાર પડતી નથી.' રામુદાદા બબડયા. 

'દર વખતે આવા મોટા મોટા મોરચા કાઢે છે તું બાબુલાલ... એક પણ વાર સરકાર પડી છે? મોંઘવારી ઘટી છે?' રામુદાદા મોટેથી બરાડી ઊઠ્યા. રામુદાદાના આકરા સ્વભાવને જાણી ગયેલો બાબુલાલ ત્યાંથી નીકળી ગયો.

રાતે જમતી વખતે પ્રકાશે હજી માંડ એક કોળિયો મોંમાં નાખ્યો ત્યાં રામુદાદાએ કહ્યું:

'મોરચાવાળો બાબુલાલ આયવો તો, કાલે મોરચો છે. પણ તારે કંઈ જવાની જરૂર નથી.'

'દાદાજી અગાઉ પણ હું આવા મોરચામાં જતો તોને!' પ્રકાશે થોડી સલૂકાઈથી દાદાજીને કહ્યું: અગાઉની વાત જુદી હતી... ત્યારે તું નવરો ધૂપ હતો. કંઈ કામ નહોતું. હવે તને નોકરી મળી ગઈ છે,' રામુદાદાએ વાસ્તવિક્તા સમજાવતા કહ્યું.

'દાદાજી એક દિવસના આટલા પૈસા કોણ આપે?' પ્રકાશે દલીલ કરી.

આ અનીતિનું નાણું છે. આમાં અનીતિ ક્યાંથી આવી? હું મારો ટાઈમ આપું, ગળું ફાડીને નારા લગાવું, પોલીસના દંડા ખાઉં. આ પણ મહેનતનું જ કામ છેને! પક્યાએ મનોમન વિચાર્યું.

'દાદાજી હું ગેરેજમાં કામ કરું એના રોજ માંડ રૂપિયા ૫૦ મળે ને મોરચામાં એક દિવસ જવાના રૂપિયા ૫૦૦.'

પ્રકાશ રામુદાદાની નિસ્તેજ આંખોનો એક માત્ર આશાનો દીપક હતો. મનમાં ભારોભાર રોષ છતાં પ્રકાશના જોશની સામે એમણે હથિયાર હેઠાં મૂકી દીધાં.

પ્રકાશ અને કમુ સાવ નાના નાના હતા ત્યારે એનાં મા-બાપે ડેન્ગીમાં વારાફરતી જીવ ગુમાવ્યા હતા. જન્મથી જ અંધ રામુદાદાએ બન્નેને માટીનાં માટલાંની જેમ ઘડ્યાં હતાં ને ઉછેર્યાં હતાં.

રામુદાદા મૂળ કુંભાર હોવાથી સૌએ અંતે તો માટીમાં જ ભળી જવાનું છે, એવું બધાને કહેતા.

પંદર વર્ષના પક્યાને કમુની ચિંતા બહુ હતી. પોતે ભણ્યો નહિ, પણ બહેનને ભણાવવાની અને એ માટે કંઈ પણ કરી છૂટવાની એની તૈયારી હતી. કદાચ એટલે જ મોરચામાં જઈને થોડા રોકડા રળી લેવા એ તૈયાર હતો.

મોરચા સામેની દાદાજીની નારાજગીને સમજી ગયેલી કમુએ પણ પક્યાને જમતાં જમતાં એટલું જ કહ્યું: 'ભાઈ આ છેલ્લી વાર મોરચામાં જઈ આવ, પછી ક્યારેય નથી જવાનું.' નાની બહેનની આવી શાણપણભરી વાત સાંભળીને પક્યાનું પેટ ભરાઈ ગયું હતું.

ખટારાઓ ઝૂંપડપટ્ટીની બહાર આવીને ઊભા રહી ગયા હતા. થોડી વારમાં આખી ઝૂંપડપટ્ટી ટ્રકોમાં ઠલવાઈ ગઈ હતી. શક્તિપ્રદર્શન માટે શહેરના ભાડૂતી ગરીબો ગરીબી હટાવવા, મોંઘવારી સામે જંગે મેદાનમાં ઊતરવા સજ્જ હતા.

વિરાટ મોરચો જ વિપક્ષોનો મહાવિજય હોય છે, જેટલો વિરાટ મોરચો એટલો જ મહાવિજય. રાજકીય કાર્યકરોએ આપેલી કેસરી પટ્ટીઓ બધાએ માથા પર બાંધી દીધી. હાથમાં ઝંડાઓ અને સૂત્રોચ્ચાર લખેલાં પાટિયાં લઈ લીધાં. નારાઓ પોકારવાની શરૂઆત થઈ ગઈ, પૈસાનું જોર હવામાં ગૂંજવા માંડ્યું.

ઝુંપડપટ્ટીમાં જાંબાઝ તરીકે પંકાયેલો પક્યો ટ્રકમાં સૌથી પહેલો ચડી ગયો. મોટા ભાગના રાજકીય કાર્યકરો પણ પક્યાને ઓળખતા. પક્યાનો જુસ્સો ઓર વધ્યો હતો. દર વર્ષે વિધાનસભાના સત્ર વખતે નીકળતા મોરચાથી ટેવાઈ ગયેલા શાસક પક્ષે મોરચાને નિષ્ફળ બનાવવા કમર કસી હતી. બંદૂકધારી પોલીસફોજ તહેનાત હતી. સલામતીવ્યવસ્થા સજ્જડ હતી. સરકારે એક ચકલુંય વિધાનસભામાં ફરકી ન શકે એવો સલામતી બંદોબસ્ત ગોઠવ્યો હતો.

વિધાનસભાથી ઘણે દૂર આડશો ઊભી કરી દેવાઈ હતી. પોલીસ આ આડશોથી આગળ લોકોનાં ટોળાંને વધવા ન દેવા મક્કમ હતી. ઉપરથી આદેશો મળી ચૂક્યા હતા. ટ્રકમાંથી નીચે લવાયેલા લોકો તીડનાં ટોળાંની જેમ ઊમટ્યા. મહેંગાઈ હટાઓ, મહેંગાઈ હટાઓ, હમ સે જો ટકરાએગા, મીટ્ટીમેં મિલ જાયેગા... ભ્રષ્ટ સરકાર નહીં ચલેગી, નહીં ચલેગી, જેવા નારાઓથી ઝૂંપડાવાસીઓનો જુસ્સો ઓર વધતો જતો હતો. રાજકીય કાર્યકરો દ્વારા નારાઓને ઝૂંપડપટ્ટીવાળાઓ આવેશપૂર્વક દોહરાવતા હતા. પક્યો સૌથી મોખરે રહીને જાણે એકલે હાથે સરકાર ગબડાવવા માગતો હોય એમ નારા લગાવતો હતો.

લગભગ એકાદ લાખ લોકોનું જુલુસ બાબુલાલની સફળતાનું બ્યૂંગલ ફૂંકતું હતું. મોંઘવારી સામેનો લોકોનો આક્રોશ હતો કે પૈસાની તાકાત હતી એ આ વેળા કળવાનું મુશ્કેલ હતું. દરિયાઈ તોફાની મોજાઓને અટકાવી ન શકાય, એમ વીફરેલા લોકસમુદાયના આ તોફાની સમંદરને રોકવાનું મુશ્કેલ હતું. આવનારા ઝંઝાવાતને ખાળવાનું પોલીસ માટે અઘરું હતું. ટિયર ગેસના ટોટા નિષ્ફળ ગયા, હળવો લાઠીચાર્જ ગરીબોને આગળ વધતા અટકાવી ન શક્યો. 'મોંઘવારી હટાઓ'ના નારા ગરીબોની ભૂખબળતરાની આગ ઓકી રહ્યા હતા.

ટોળાએ પક્યાને ઊંચકી લીધો હતો ને પક્યો 'હમસે જો ટકરાયેગા મીટ્ટીમેં મિલ જાયેગા' ગળું ફાડીને બોલી રહ્યો હતો.

અચાનક સનનન..... કરતી એક ગોળી વછૂટી ને પકયાની છાતી સોંસરવી નીકળી ગઈ. લોહી નીતરતો પકયો નીચે પટકાયો. પોલીસની ગોળીઓ ધડાધડ છૂટવા લાગી, લાશો ઢળવા લાગી. ગરીબી નહીં ગરીબો હટવા લાગ્યા. જીવ બચાવીને નાસી છૂટેલા રામુદાદાના પડોશી અસલમે ઝુંપડપટ્ટીના નાકા પરથી જ ત્રાડ પાડી 'રામુદાદા પક્યા કો પુલીસને ગોલી મારી'.

સમી સાંજે માટીનો છેલ્લો પીંડ ચાકડા પર ચડાવીને માટલાને આકાર આપી રહેલા રામુદાદાના હાથ થંભી ગયા. ભીની માટીનો લોંદો આકાર પામે તે પહેલાં જ છિન્નભિન્ન થઈ ગયો. રામુદાદાએ બાજુમાં પડેલા પાણી ભરેલા તગારામાં હાથ જોરથી ઝબોળ્યા અને જીવથીય વહાલા પક્યાના નામની બૂમ મારી 'પક્યા'... ત્યારે એના આક્રંદથી ખાલીખમ ઝૂંપડપટ્ટીમાં સૂનકાર છવાઈ ગયો. અસલમનો અવાજ સાંભળીને બહાર આવેલી કમુએ ગલીમાં આંધળી દોટ મૂકી રહેલા દાદાજીને ઝાલી લીધા. 

'અસલમ, ક્યાં છે પક્યો, મને એની પાંહે લઈ જા.' અંધ રામુદાદાની આંખો પક્યાને સ્પર્શવા વલખાં મારતી હતી. કમુના હિબકાનાં ભાઈ સુધી પહોંચવા વ્યાકુળ હતા.

સરકારી હૉસ્પિટલમાં જામેલી ભીડની વચ્ચે અસલમ રામુદાદા અને કમુને લઈને પહોંચ્યો ત્યારે સૌના આશ્ર્ચર્યની વચ્ચે બાબુલાલ હાજર હતો. બાબુકાકાને જોઈને રાહત અનુભવેલી કમુ એની પાસે દોડી ગઈ.

'બાબુકાકા ભાઈ ક્યાં છે?' એવો સવાલ કમુની આંખોમાં ધ્રૂજતો હતો.

લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ છે, એવું સાંભળતાં જ રામુદાદા ફસડાઈ પડ્યા.

'અરે... આના કરતાં તો એ લશ્કરમાં જોડાયો હોત તો સારું થાત. દેશને માટે લડતાં લડતાં દુશ્મનની ગોળીએ વીંધાયો હોત તો શહીદ થયો કહેવાત.' રામુદાદાના અવાજમાં આક્રંદની સાથે રોષ ભભૂકતો હતો.

બાબુલાલે સાંત્વન આપવા રામુદાદાનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું: 'દાદાજી હું સરકાર તરફથી પૈસા અપાવવાની પૂરી કોશિશ કરીશ.'

'જીવતા માણસોના દલાલ હવે તું મરેલાઓની પણ સોદાબાજી કરવાનો!' રામુદાદાના અવાજમાં બાબુલાલ પ્રત્યેની નારાજગી પરાકાષ્ઠાએ પહોંચી હતી.

'કેટલા પૈસા અપાવીશ તું, મારા પક્યાને પાછો લાવીશ, બોલ!'

બાબુલાલ ત્યાંથી ઊઠીને પોલીસ સાથે વાતચીત કરવા લાગ્યો. ત્યાં અસલમે કહ્યું: 'કલ સુબહ બહારા બજે તક લાશ કા કબજા મિલેગા.'

મોરચામાં કુલ ૨૪ લાશ પડી હતી. સેંકડો લોકો ઘવાયા હતા. બીજે દિવસે આખો દિવસ ટેલિવિઝન ચેનલો પર મોરચા પરના ગોળીબારના સમાચારો ધણધણી રહ્યા હતા ત્યારે કોઈ જગ્યાએ મૃતદેહોના અંતિમસંસ્કાર થઈ રહ્યા હતા. જોતજોતામાં લાશો રાખ થઈ. ધુમાડો થઈ ઊડી ગઈ ને વાત વિસરાઈ ગઈ.

એક વર્ષ બાદ અચાનક એક સફેદ રંગની કાર ઝૂંપડપટ્ટીમાં આવીને ઊભી રહી. બાબુલાલ બહાર આવ્યો. લોકોનું ટોળું વીંટળાઈ વળ્યું, પૈસા વેરાવા લાગ્યા.

ઝૂંપડપટ્ટીને છેવાડે આવેલા ઝૂંપડા સુધી એનાં કદમ પહોંચ્યાં. ચાકડાને ઘુમાવી રહેલા રામુદાદાના હાથ અટક્યા. 'માણસોના દલાલ બાબુલાલ મોરચાની સિઝન આવી ગઈ?'

બાબુલાલ ચૂપચાપ ત્યાંથી નીકળવા ગયો ત્યાં જ કમુ પાણીનો ગ્લાસ લઈને બહાર આવી. છોભીલો પડી ગયેલો બાબુલાલ પાણી પીધા વિના જ આગળ વધ્યો.

'બાબુકાકા કાલે હું મોરચામાં આવીશ.' કમુએ મક્કમ સ્વરે કહ્યું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment