Saturday, 26 November 2016

[amdavadis4ever] દબાઈ જવું પણ દુબ ઈ ન જવું.....નિય મ પ્રમાણે જીવવું હોય તો દુબઈ જવું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



 

માં કોઈની મરશો નહીં, અને દુબઈ કોઈ જશો નહીં સનાતન સત્યની વાત હોય ત્યારે આગલી કહેવત જોડવી જ પડે. આમ તો દુબઈ એટલે ખરાબ કંટ્રી છે એવું કહેવાનો મતલબ નહોતો જ પણ જો ફરવા જવાની વાત હોય અને એમાં પણ પત્ની કે પરિવાર સાથે જોડાવવાનો હોય તો મારા સમ છે ટૂર કેન્સલ કરી નાખજો. ડામોચિયા નીચે દબાઈ જજો પણ દુબઈ ન જતા!!! પ્રવાસની વાત તો પછી પણ પહેલા જવાનું નક્કી થયું ત્યારથી જ જે મેં ભોગવ્યું છે એ હું જ જાણું છું. તમને કદાચ મારી વાતમાં હસવું આવશે પણ જો આ પરિસ્થિતિ માંથી પસાર થશો તો જ ખબર પડે. મારી તો કઠણાય એ છે કે હવે વાત માંડી જ છે તો પૂરી તો કરવી જ પડશે.

મેં ઘણી વાર સાંભળેલું છે કે લાગણીમાં આવી કોઈ વચને ન બંધાવવું અને ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવા. આ બેય ભેગું થાય ત્યારે દુબઈ પ્રવાસ થાય! એક સમી સાંજે કંટાળીને મેં પરિવારને કહ્યું કે આપણે આ વેકેશનમાં દુબઈ જઈએ છીએ બસ. આ વાત જેવી વોટ્સએપ ગ્રુપમાં ફરી એટલે એક પછી એક મેસેજ ચાલુ થયા કે તમે એવું તે શું કર્યું કે આખું ફેમિલી દબાઈ જાય છે? પણ તપાસના અંતે માલુમ પડ્યું કે આ ઘરવાળીની કમાલ હતી કે ઘરવાળીએ બધાને મેસેજ કરી દીધાં હતાં કે અમે દબાય જઈએ છીએ. હવે એમને કોણ સમજાવે કે કાઠિયાવાડી છો તો કેમબ્રીજ વર્જન ન થાવ. બોલો એમણે દુબઈના સ્પેલીંગમાં ડી યુ ની જગ્યા પર ડી એ લખી નાખેલું. આ વાતનો ખુલાસો કરતા મારી નાકે દમ આવી ગયો હતો. આટલે જ અટકતું નહોતું પણ કોઈ સમજુ માણસો દુબઈ જ સમજેલા એટલે એમણે પૂછ્યું હતું કે 'ખાલી દુબઈ જ જાવ છો? અને કોણ કોણ જાવ છો?' પણ અમારા સમજુ પત્નીશ્રીએ જવાબ આપેલો કે 'અબુ ધાબી પણ છે' હવે અહિંયા પણ લોચો એ થયો કે અબુધાબી અલગ તો પાડ્યું પાછું અબુ બરાબર પણ ધાબીના સ્પેલીંગમાં ડી એચ એની જગ્યાએ ડી એચ ઓ લખીને એવું સાબિત કરી દીધું કે અબુ ધોબી પણ સાથે છે. આ ધોબી નહીં પણ ધાબી છે અને આખું અબુધાબી સાથે હોય એ સાબિત કરવામાં બે વાર નેટનું રીચાર્જ પેક પૂરુ થઈ ગયું તો પણ હજુ એ ધોખા બાકી છે કે જો અબુ ધોબીને સાથે લઈ જતા હો તો અમે કેમ નહીં!!!!

જવાનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ શોપીંગનું લીસ્ટ વધતું જ ગયું. એમની પાસે એટલી સાડી છે કે રોજ એક પહેરે તો પણ ૩૦ દિવસ તો વાંધો આવે એમ નહોતો પણ સાડી પહેરીને દુબઈમાં ફરે તો મારા પત્ની શેના? જીન્સ, ટી-શર્ટ અને ટોપની ખરીદી શરૂ થઈ. બે પેર અહીંથી લઈને પછી કહે કે બાકીના તો ત્યાંથી ખરીદી કરીશ. મને તો કેલ્ક્યૂલેટર જ યાદ આવે કે એક દીરહામ એટલે ૧૮ રૂપિયા. મહામહેનતે સાચવ્યું કે કપડાની ક્વોલીટી ભારત જેવી તો ન જ હોય એટલે અહીંથી જ લઈ લો અને સ્ત્રીઓને કહો કે ભારતમાંથી ખરીદેલા કપડામાં તમે વધારે સુંદર લાગો છો એટલે વાત પૂરી. કેમ કે ગમે તે થાય કે ગમે તેવા હોય પણ સુંદરતાની વાત આવે તો સ્ત્રીઓ તરત જ સ્વિકારી લે. એમને ખબર નહોતી પણ મેં જ્ઞાન આપ્યું કે આપણે ૪૦ કીલોથી વધારે લગેજ સાથે નહીં લઈ જઈ શકીએ. ત્યાં તો ખરીદી વધવા લાગી એટલે મેં અંગ્રેજી ન જાણતાનો ફાયદો ઉઠાવીને કહ્યું કે આપણે ત્રણ વ્યક્તિ વચ્ચે ૪૦ કીલો પ્લેનમાં લઈ જવાની છૂટ છે. તો પણ માં-દીકરાની પેકીંગની મર્યાદા ૩૦ કીલો થઈ ગઈ અને મને કહ્યું કે 'તમને તો ત્યાં બધા ઓળખે છે. ગમે તેના કપડા પહેરી લેજો' મારા ભાગે ૧૦ કીલો જ રાખવામાં આવ્યું અને એમાં પણ સૂકીભાજી અને થેપલા મારામાં ગણવામાં આવ્યા

જવાનો દિવસ નક્કી થયો એટલે કરકસરિયો જીવ અને જો ક્યાંયથી લાભ થતો હોય તો કરી જ લઈએ એ આશાએ જેને બોલાવતા ન હોય એમને પણ સાલ મુબારકના એડવાન્સમાં ફોન કર્યા કે જો કોઈ નજીક્ના ભવિષ્યમાં અમદાવાદ જતા હોય તો અમને લેતા જજો કેમ કે અમે દુબઈ ફરવા જઈએ છીએ. હવે લઈ જવાની વાત તો સાઇડમાં રહી પણ લગભગ ૧૦ વ્યક્તિએ એવું કહ્યું કે ૨ લીટરની મંજૂરી છે, લાવજો હો. જાણે ડ્યૂટી ફ્રીમાં પણ મફત મળતું હોય!!! લગભગ ૧૦૦ રૂપિયાના કોલને અંતે પણ પરિણામ શૂન્ય આવ્યું એટલે એમ થયું કે આપણે ગાડી લીધી જ છે તો શું કામની? ચાલો ત્યારે આપણે આપણી ગાડી લઈને જ જઈએ. આ વાત પર એમ થયું કે જો કંઈ રોકડી થતી હોય કે ટોલ ટેક્ષ બચતો હોય તો કોઈને આવવું હોય તો આપણી સાથે લઈ જઈએ. એના માટે ટોલ ટેક્ષ કરતા વધારે ફોન થઈ ગયા પણ ન મેળ પડ્યો તે ન જ પડ્યો! છેવટે નક્કી કર્યું કે ફેમિલી સાથે જ જઈએ કેમ કે આમ પણ બહારના માણસો આપણા ફેમિલીને ડીસ્ટર્બ કરે. હવે એ વાત અલગ છે કે આ કેવી સ્ટાઇલથી સ્ટેટમેન્ટ થયેલું! મને ચિંતા હતી કે પાર્કીંગ ક્યાં કરીશુ કેમ કે રોજના ૨૫૦ રૂપિયા એરપોર્ટ પાર્કીંગના પોષાય નહીં પણ પત્ની સમજદાર ખરા એટલે કહે મારા વિરેન્દ્ર મામા અમદાવાદ રહે છે તેમને ત્યાં કાર પાર્ક કરી દઈશું. મને પત્ની પર માન તો થયું પણ અનુભવ તો હોય જ એટલે મેં કહ્યું કે કાર મૂકી દઈશું પણ ચાવી નહીં. મારા મામાજીની વાત જ અલગ. જેવા પહોંચ્યા એવા જ કહે કે 'સામાન એમ જ રહેવા દેજો, કેમ કે તમારી કારમાં જે રીતે સામાન ગોઠવાયો છે, એ રીતે મારી કારમાં ગોઠવાશે નહીં' મને એટલો ફડકો પડ્યો કે હવે તો ચાવી આપવી જ પડે અને મને ખાત્રી હતી કે જો તેમને ચાવી આપી તો દુબઈથી ૫ લીટર પેટ્રોલ લાવવું જ પડશે તો જ એમના ફ્લેટના કંપાઉન્ડ માંથી કાર બહાર નીકળશે. હું પણ એમ ગાજ્યો જાઉં એવો નથી એટલે કહ્યું કે 'ગાડી તમારે ત્યાં પાર્ક થઈ જાય એટલે ઘણું બાકી સામાન અમે ખોળામાં લઈને બેસી જઈશું બાકી જવું તો તમારી ગાડીમાં જ છે' મેં હજુ વધારાની બુધ્ધી વાપરીને કહ્યું કે 'અમે રાત વરાત ગમે ત્યારે આવીએ એટલે તમને ડીસ્ટર્બ ન કરવા તો ગાડીની ચાવી સાથે જ લઈ જઈશુ' પણ મામા એટલા હોશિયાર કે જવાબ આવ્યો 'મારી છોકરી રાત્રે બે વાગ્યા સુધી જાગે છે અને છોકરો રાત્રે બે વાગ્યાથી વાંચે છે. તમે ચિંતા જ કરો નહીં. અહિંયા તો જાગતું પડ છે' હવે શું કહેવું એ ખબર જ ન પડી. મારે હથિયાર હેઠા મૂકવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. તમે વિચાર તો કરો કે મારે હથિયાર હેઠાં મૂકવા પડ્યા અને એમની વારસાગત રીતે આવતી પેઢી એટલે મારા પત્નીને લઈને હજુ મારો દુબઈ પ્રવાસ આખો બાકી હતો!

ઇમિગ્રેશન ઑફિસરે પત્નીને સમજાવ્યું કે જે રીતે તમારા પતિ સામે જુઓ છો એમ જોવાનું. આ સાંભળતાં જ જે ડોળા કાઢ્યા કે ઇમિગ્રેશન ઑફિસર ઊભો થઈ ગયો અને ગભરાઈને બોલ્યો કે 'તમે જાવ, અમે બીજા કોઈની કીકી ફીટ કરી દઇશું'

રાતના ૪ વાગ્યાની ફ્લાઇટ હતી એટલે ગમે તેમ કરીને મામાજીને ત્યાં દોઢ વગાડવાનો જ હતો. રાતનું જમવાનું ત્યાં હોય જ એટલે ઘરવાળી અને દીકરાને હાઇ-વે ઉપરનો નાસ્તો ન ખવાય એવું જ્ઞાન આપતો આપતો મામાજીના ઘેર લઈ ગયો હતો પણ મારી વિચારસરણી જ્યાં પૂરી થતી હતી ત્યાંથી મામાજીની શરૂ થતી હતી એટલે જતા સાથે જ કહે 'જો આવી ગયા. હું કહેતો હતોને કે તારા જીજાજી આવશે અને આપણને બધાને બહાર જમવા લઈ જશે' મારા લાખ બહાનાઓ છતાં છેલ્લે તો લઈ જવા જ પડ્યા ત્યારે એમ થયું કે જો હાઇવે પર જમીને મોડા પહોંચ્યા હોત તો સારુ હતું. દોઢ વાગ્યે મામાજી અને લાલુ ઍરપોર્ટ મૂકવા આવ્યા. મને તરત જ પત્નીશ્રી એ કહ્યું કે 'મામાનું ફ્રીજ સાથે લઈ લીધું હોત તો સારું હતું' મેં સમજાવ્યા કે ત્યાં બધું ઠંડું મળે જ. તરત જ મને કહે 'એમ તો મને પણ ખબર પડે પણ આ તો ટિકિટ હું મામાના ફ્રીજ પર ભૂલી ગઈ છું' જો કે મને એમના સ્વભાવનો ખાસ પરિચય એટલે મેં લઈ લીધી હતી. ઍરપોર્ટ પહોંચ્યા પણ મામાજીએ જતા જતા પાર્કિંગના રૂપિયા પણ માંગી લીધાં. પત્નીશ્રી અને પુત્રને અંદર રવાના કર્યા અને છૂટ્ટા શોધવા ગયો. મામાજીને આપીને રવાના કર્યા ત્યાં તો અંદરથી જોરદાર હસવાના અવાજ આવતા હતા અને અવાજ જાણીતો હતો એટલે દોડીને અંદર ગયો તો જોયું કે માદીકરો ટ્રોલી ટ્રોલી રમતા હતાં. આ તરફથી દીકરો ઘા કરે અને આ તરફથી મા જેના હાથમાં આવે એ ખડખડાટ હસે. લોકોના ટોળા જામી ગયા. હું પહોંચું એ પહેલા તો બે ચાર ઉતાવળિયા માણસોને હડફેટે લઈ લીધા હતા. જો કે આનો ફાયદો એ થયો કે લાઇનમાં ઊભા રહેવું ન પડ્યું અને સ્પેશિયલ કાઉન્ટર ખોલીને અમારી ચેક ઇન પ્રોસેસ પતાવી દેવામાં આવી

ઍરપોર્ટમાં પ્લેનની રાહ જોઈને દોઢ કલાક બેસવું પડે એમ હતું. મારી સાથે દલીલ શરૂ થઈ કે 'અંદર ન બેસાડી દેવાય? અહીંયા બેઠાં બેઠાં કંટાળો આવે છે. એ બહાને આપણે આખું પ્લેન અંદરથી જોઈ લેત'. હજુ તો આમને સમજાવું ત્યાં મારા છોકરાએ શરૂ કર્યું કે 'પપ્પા ઍરપોર્ટમાં પીઝા સારા આવે. મેં ગૂગલ પર સર્ચ કર્યું હતું' એને મેં સમજાવ્યું કે અહીંયા પીઝાના ભાવ હોય એટલાં ભાવમાં બહાર એક અઠવાડિયું પીઝા ખાય શકાય તો એ પણ એટલો જ હોશિયાર કે બહાર પાંચ દિવસ પીઝા ખવડાવવાનું ડીલ કરીને જ માન્યો. જેવું એનાઉન્સમેન્ટ થયું કે મા-દીકરો ભાગ્યાં. મેં ઉતાવળ ન કરવા કહ્યું તો મિસીસ કહે 'આપણે વહેલી આપણી સીટ રોકી લઈએ, નહિતર પાછળ વારો આવશે. મને પાછળ ઉલાળા થાય એનાથી ઉલ્ટી થાય છે' મેં ફરી મગજ પર કાબૂ રાખીને સમજાવ્યા કે આમાં ફિક્સ સીટ નંબર હોય અને આપણી સીટ આગળ જ છે. નસીબની બલિહારી કે અમારી સીટ ઇમરજન્સી એક્ઝીટ પહેલા જ હતી એટલે ઍરહોસ્ટેસ સમજાવવા આવી. પહેલા તો બહેન શું કહે છે એ જ ન સમજી એટલે મેં કહ્યું કે તારી બારી પાસેની સીટ છે એટલે જો આપાતકાલીન સ્થિતિ આવે તો આ કેમ ખોલવું એ તને સમજાવે છે. મેં ઍરહોસ્ટેસને પણ કહ્યું કે હિન્દીમાં સમજાવજો. તેની સાથે બાવા હિન્દીમાં વાત કરતા લગભગ ૧૦ મિનિટ બગાડી અને જેવી ઍરહોસ્ટેસ પાછળ ફરી કે દરવાજો ખોલવા લાગી. ઍરહોસ્ટેસનું ધ્યાન ગયું અને રાડ પડી ગઈ. એ પણ ગુજરાતી એક મિનિટમાં શીખી ગઈ હોય એમ રાડ પાડી 'એ બહેન'. ઘરવાળી કહે 'અરે ચેક તો કરવું કે નહીં કે ઉઘડે કે નહીં'. આ તો સારુ થયું કે ઊપડતા પહેલા ચેક કર્યું જો ઊપડ્યા પછી કર્યું હોત તો અમે બધા ઊપડી ગયા હોત!!!

હજુ તો સેટ થઈએ ત્યાં છોકરાનું ધ્યાન ઍરહોસ્ટેસ પર પડ્યું. તરત જ બોલ્યો 'જો પપ્પા બહેન લારી લઈને નીકળ્યાં છે. એકાદ દાબેલી તો ખવડાવો' જે લોકો પાણી પણ મફત ન આપતા હોય એવી ફ્લાઇટમાં છોકરાને કંઈ ખવડાવવાનો વિચાર જ કેમ કરી શકાય! માંડ મનાવીને ગુજરાતી પરંપરા મુજબ હેન્ડ લગેજમાંથી સુકીભાજી, થેપલા, છૂંદો કાઢીને ખવડાવ્યા. ઉપર ચવાણું પણ આપ્યું કે દાબેલી જેવો અહેસાસ આવે. મને હતું જ કે હવે પાણી માગશે એટલે હું ક્યારનો આજુબાજુમાં જોઈ રહ્યો હતો તો ધ્યાન ગયું કે મારા બાજુમાં બેસેલા ભાઈ ઊંઘી ગયા છે એટલે તેમની બોટલ લઈ દીકરાને પીવડાવી પાછી હતી ત્યાં ગોઠવી દીધી.

સવારના સાત વાગ્યે શારજાહ ઊતર્યા. ઊતરતાની સાથે જ ઇમિગ્રેશનની લાઈનમાં ઊભા રહી ગયા જ્યાં બધાની આંખના ફોટા પાડતા હતા. તરત જ ઘરવાળીએ કહ્યું કે 'મારી બાને ભેગા લઈ લીધા હોત તો સારુ હતું. અહીંયા આંખ ચેક કરે છે તો સાથે સાથે મમ્મીનું મોતિયાનું પણ જોવડાવી લેત ને'. એમને સમજાવ્યું કે એ આંખોની કીકીનો ફોટો પાડે છે. એમનો વારો આવ્યો એટલે જેવા પેલા ભાઈ કેમેરામાં જોવાનું કહે કે શરમાઇને આંખ બંધ કરી દે. આવું ચાર પાંચ વાર થયું એટલે ઇમિગ્રેશન ઑફિસરે સમજાવ્યું કે જે રીતે તમારા પતિ સામે જુઓ છો એમ જોવાનું. આ સાંભળતા જ જે ડોળા કાઢ્યાં કે ઇમિગ્રેશન ઑફિસર ઊભો થઈ ગયો અને ગભરાયને બોલ્યો કે 'તમે જાવ, અમે બીજા કોઈની કીકી ફીટ કરી દઇશુ.' મહા મહેનતે બહાર નીકળ્યા અને સદનશીબે મારો મિત્ર મનો તેડવા માટે ઊભો હતો. મનાને જોતા જ ઘરવાળીએ તેની ગાડીમાં બેસવાની ના પાડી દીધી અને મને સમજાવવા લાગી કે મનાની ગાડીમાં ન બેસાય. વઢવાણ હતો ત્યારે બે વાર એક્સિડન્ટ કર્યું હતું. મેં તરત જ એક નાનું કેલ્ક્યૂલેટર ખિસ્સામાં રાખ્યું હતું એ કાઢીને હિસાબ કરાવ્યો કે ટેક્સીમાં જઈએ તો ભારતની કરન્સી મુજબ ૪૦૦૦ રૂપિયા થાય એટલે તરત જ મનાની ગાડીમાં ગોઠવાય ગઈ અને કહે 'આટલા સમયમાં તો બરાબર આવડી જ ગઈ હોય.'

મનાની ઘેર પહોંચ્યા ત્યાં તો મેડમ સીધા જ લિફ્ટમાં બેસી ગયા. મનો બિચારો ચાર બેગ ઉપાડીને લિફ્ટ સુધી આવ્યો. એને પણ મનમાં થતું જ હશે કે આને ક્યાં આમંત્રણ આપ્યું! ઉપર તેના ફ્લેટમાં ગયા સાથે જ શ્રીમતીજી સીધા જ બેડરૂમમાં ગયા અને ડિક્લેર કર્યું કે 'પ્રવાસ કાલથી શરૂ થશે. અત્યારે આખી રાતના ઉજાગરા પછી હું આરામ કરીશ' ખૂબ કહ્યું પણ ન માન્યા કે રોજના ખર્ચ ચડે છે તો ફરી જ લેવાય. જો કે એક ફાયદો એ થયો કે એટલીસ્ટ મને થોડો માનસિક આરામ તો મળશે. ભારતથી શારજાહ પહોંચવા સુધીમાં હિમાલય ચડ્યાનો થાક લાગ્યો હતો!!!

પહોંચતા આટલો થાક લાગ્યો તો વિચાર કરો કે પ્રવાસ દરમિયાન શું થયું હશે? હું તો હજુ ટેવાયેલો છું પણ દુબઈવાળા લોકોનું શું થયું હશે? તમારે તો આવતા વીક સુધી રાહ જોવી પડશે પણ આ જે આફરો મને ચડ્યો છે એ ઉતારવા કોઈ ફોન કરજો તો હું કહી કાઢું એટલે માનસિક રીતે થાક તો ઊતરે. પહેલો ભાગ વાંચીને મારા એક મિત્રને કહ્યું કે હજુ તો બીજા બે ભાગ આવવાના છે એટલે એણે સરસ વાત કરી કે 'તમે બાકી એકતા કપૂરના રવાડે ચડી ગયા લાગો છો!!!'

દુબઈની સવાર બહુ વહેલી પડે છે. લોકો સવારના પહોરમાં નોકરી ધંધામાં જવા માટે ઉતાવળા હોય છે. અમારે તો ફરવાનું હતું એટલે આઠ વાગ્યે મેં શ્રીમતીજીને ઉઠાડ્યાં તો તરત જ કહે 'દૂધ આવી ગયું? તો ચા મૂકો'. હવે એમને કોણ કહે કે આ દુબઈ છે અહીંયાં તો થોડા દિવસ ઘરના કામ ન કરાવ. એ પણ ન સમજે કે જેને ત્યાં રોકાવા ગયા હોઈએ ત્યાં કેવી છાપ પડે! જોકે, મનાના ઘરના ખૂબ સારા. એમણે ચા મૂકી રાખી હતી. એમને એમ કે થાકોડો છે તો ભલે મોડા જાગે. એમને થોડી ખબર હોય કે આ રોજનું છે? મેં તો અલ્ટીમેટમ આપી જ દીધું હતું કે 'એક કલાકમાં તૈયાર થઈ જાવ. આપણે દુબઈ મોલ જોવા જવાનું છે. બાકી ફરવાનું કેન્સલ'. આ પછી ત્રણ કલાક સુધી દર કલાકે રિમાઇન્ડર અને વોર્નિંગ આપતો રહ્યો અને છેલ્લે બહાર તો મનાની ઘેર જમીને જ નીકળ્યા... હું તો ઉતાવળે બહાર નીકળ્યો એટલે શ્રીમતીજી પર નજર જ નહોતી, પણ જેવી નજર પડી એટલે પહેલી વાર મણીબેનનું મેડોના સ્વરૂપ જોયું. ગુજરાતીઓની માનસિકતા છે કે ફરવા જાય અને એમાં પણ જો વિદેશ હોય તો અચાનક જ મોડર્ન થઈ જાય. ટૅક્સી પકડી દુબઈ મોલ પહોંચ્યા. એક સો અને વીસનું મીટર જોઈ મને કહે 'ઘણું સસ્તું કહેવાય. આપણે ત્યાં આટલું ડિસ્ટન્સ હોય તો ત્રણ સોથી ઓછા ન જ થાય'. ફરી નાનું કેલ્ક્યુલેટર ખિસ્સામાંથી કાઢી એક સો વીસ ગુણ્યા ઓગણીસ કરીને આંકડો વંચાવ્યો તો પહેલી વાર એમને મારા પર દયા આવી અને ગુસ્સામાં કહ્યું કે 'પોતે જ પેટ્રોલ બનાવે અને તો પણ આટલો ભાવ?' દુબઈ મોલમાં ઘૂસતાં જ જાણે હું એમની સાથે ન હોઉં એ રીતે ફરવાનું શરૂ કર્યું. એમને સમજાવ્યું કે આ રાજકોટનું ડી-માર્ટ નથી, અહીંયાં ખોવાઈ જશો તો પછી હું શોધીશ નહીં. આ સલાહ પછી એમના ફરવામાં કોઈ ફેરફાર ન આવ્યો પણ મને મા-દીકરો ધક્કે ચડાવીને આગળ કરતા જ રહ્યા. ચાર કલાક સુધી મને દોડાવી, હંફાવી અને પછી તરત જ ફરમાઇશ આવી કે 'આપણે ખલીફાનો બુરજ ટાવર જોવા જઈએ, પણ હું દાદરા નહીં ચડું. એક સો સુડતાલીસ માળ હું કેદી ચડી રહું.' રાજકોટમાં ત્રણ માળના બિલ્ડિંગમાં પણ લિફ્ટ શોધતી હોય ત્યારે એવો વિચાર જ કેમ આવતો હશે કે ૧૨૦ માળ લિફ્ટ વગર જવાનું હોય? એ પણ દુબઈમાં! ત્યાં લિફ્ટમાં જવાનું હોય માત્ર ૨૦૦ દીરહામમાં ઉપર લઈ જાય. તરત જ મારા હાથમાંથી કેલ્ક્યુલેટર લઈ બસો ગુણ્યા ત્રણ ગુણ્યા ઓગણીસ કરીને કહે 'ત્યાં જવાનું રહેવા દઈએ. મને ૬૦૦ દીરહામની સોનાની બૂટી લઈ દેજો.' આ બૂટીની ફરમાઇશ સાથે મને ડૂટી સુધી સબાકો આવ્યો! જોકે, વાત વાજબી લાગી એટલે નીચેથી જ જોઈ અને ટૅક્સી બુર્જ અલ આરબ હૉટેલ તરફ ચલાવવા કહ્યું. પહોંચીને તરત જ કહે 'આપણે અંદર જવાનું છેને?' જો આ વાત એમણે પહેલાં કહી હોત તો હું રાજકોટનો ફ્લેટ વેચીને જ આવત, પણ એટલી સમજું કે ૫૦૦૦ દીરહામનો ભાવ સાંભળીને તરત જ કહે 'આપણે હવે ક્યાં જઈશું?' યુટર્ન તો એવો સરસ મારે કે એમ થઈ જાય કે કેટલી ડાહી છે!!! સરવાળે બાજુના જ બીચ પર છબછબિયા કરાવવા લઈ ગયો પણ એની સમજ એટલી કે પહેલાં જ મારી પાસે ખુલાસો માગી લીધો કે 'છબછબિયાના કંઈ દેવાના હોય તો નાકની ચૂંક લેવાની છે!!!'

આઠેક વાગે ઘર તરફ પાછી ટૅક્સી પકડી. આખો રસ્તો એ એટલા બિઝી હતાં એટલે ઊતરીને પ્રશ્ર્નાર્થ નજરે મેં જોતાં જ સમજી ગયાં ને કહ્યું કે 'હું સેલ્ફીઓ ટેગતી હતી' પોતે એન્જોય કર્યું એના કરતાં એમના વૉટ્સઍપ ફિમેલ ગૃપમાં બીજાની બળતરા કરાવવાનો ભાવ હું સીધો જ જોઈ શકતો હતો. જમ્યો, ખૂબ થાક્યો હતો ત્યાં તો માં-દીકરો બંનેએ રાજકોટથી ૨૦ રૂપિયાની ચોપડી 'દુબઈ ફરો' ખરીદી હતી એ કાઢી અને સામે બેઠાં. એક પછી એક ફોટા દેખાડી અને 'અહિયા જાવું છે, અહિયા જાવું છે 'કરીને ૧૨ વગાડ્યા. મને એક વાર તો કહેવાનું મન થયું કે ચોપડી હતી તો ફોટા જોઈને જ ચલાવી લેવાય, કેટલો ખર્ચ બચી જાત પણ હિંમત ન ચાલે એટલે ઊંઘી ગયો...' સવારમાં દુબઈ મ્યુઝિયમ પહોંચી ગયા. મને એમ થતું હતું કે જો મ્યુઝિયમ વાળા જૂની વસ્તુઓ રાખતા હોય તો એમને જમાં કરાવવાની વાત કરી જોઉં, પણ એ મોકો મળે એ પહેલા જ ત્રીસ મિનિટમાં તો મેડમ બહાર નીકળી ગયા. બહાર આવીને મને કહે 'અહીંયાં તો બધું જૂનું જૂનું છે, કંઈક નવું દેખાડવા લઈ જાવ!' દુબઈમાં મંદિર હોવું એ એક ઘટના ગણાય એટલે ત્યાંથી અમે રાધે-ક્રિષ્નાના મંદિરે ગયા તો પહોંચતા સાથે જોર જોરથી ભજનો ગાવાના શરૂ કર્યા. મંદિર વાળાએ આમને બંધ કરવા પ્રસાદનો પડિયો ધર્યો તો પાંચ છ ઉપાડી લીધા અને મારી પાસે આવીને કહે 'જો આ ખાવાનો મેળ થઈ ગયો. તમારા નાસ્તાનું બિલ બચાવ્યું, હવે નાકની ચૂંકની ના ન પાડતા' એમને ખબર હતી કે અહીંયાંથી સીધુ ગોલ્ડ સુક જવાનું છે. મારા વડીલ મિત્ર અનિલ ધાનકની કંઝ જ્વેલર્સની દુકાને પહેલાં લઈ ગયો. દરેક ગુજરાતીની એ માનીતી દુકાન છે, કારણ કે તેના ડિસ્પલેમાં ૬૫ કિલો સોનાની વીંટી (વીંટો) રાખેલ છે. અનિલભાઈએ આવકાર્યા અને હજુ તો અમે થોડી સુખ દુ:ખની વાતો કરીએ ત્યાં તો શ્રીમતીજી ઘરની દુકાન હોય એમ ખરીદીમાં લાગી પડ્યા. થોડી વારમાં એક સેલ્સમેન અનિલભાઈ પાસે આવ્યો અને પૂછ્યું કે 'આ બહેન કોણ છે? ૫૦૦ ગ્રામથી નીચેના એક પણ સેટ કઢાવતા નથી અને બધા જ પહેરીને ટ્રાય કરે છે.' વાત અધૂરી છોડીને હું સીધો એમની પાસે પહોંચ્યો અને વાત કરી કે આ ચૂંકની શરત હતીને સેટ કેમ જોવા લાગ્યા છો? પણ મારા સમજદાર પત્નીએ કહ્યું કે 'લઈશ તો ચૂંક જ પણ આ તો ઘરની દુકાન છે તો થોડા સેટ ટ્રાય કરવાના બહાને સેલ્ફીયું પાડી લઉં.' સારું થયું કે ૬૫ કિલોની વીંટી પહેરવા ન માગી!!! બે દિવસના અનુભવનો થાક એટલો હતો કે બાકીના દશ દિવસ વિશે જાણવું હોય તો મારા મિત્રો બકિમભાઈ, વીરેન્દ્ર મામા, દિલીપભાઇ કે અબુધાબી ગુજરાતી સમાજના પ્રમુખ તુષારભાઈને પૂછો. એ અનુભવોની શ્રેણી બહાર પાડી શકે. તુષારભાઈએ એટલું કહ્યું કે 'મિલનભાઈ, કરોડોના ટર્નઓવરમાં જેટલો થાક નથી લાગતો એટલો થાક ભાભીએ બુટ્ટી અને ચેઇન લીધા એમાં લાગ્યો.' જોકે, આ દશ દિવસમાં મિત્રોમાં કોમ્પિટિશન વધી ગઈ કે કોણ એમની સાથે રોજ બહાર જશે કેમ કે શ્રીમતીજીના વર્તનમાં એમને મારા હાસ્યના પ્રોગ્રામ કરતાં વધારે મઝા આવવા લાગી અને આ તો મફતનું મનોરંજન થાયને? ટિકિટ ખર્ચીને દુબઈ મારો હાસ્યનો શો જોવા આવતાને ખબર ન પડી એ સારું થયું બાકી ટૅક્સીની જગ્યા પર એકાદ બસનું આયોજન કરવું પડત એ નક્કી છે...

છેલ્લે એટલું જ કહીશ કે નિયમો અનુસાર જીવવું હોય તો એકવાર દુબઈ રહેવું જોઈએ. આવા જ નિયમો જો ભારતમાં લાગુ પાડવામાં આવે તો 'તોડવાની મઝા આવે'!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment