Sunday, 27 November 2016

[amdavadis4ever] બંધારણીય ધર્મસ્થ ાનકોના આ પૂજારીઓ-

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેશકર્તન કલાકાર આ શબ્દમાં સંસ્કૃત ભાષાનું સૌંદર્ય અને દિવ્યતા બંને પ્રગટ થાય છે. આ શબ્દ અમે તો બહુ મોડેથી સાંભળ્યો હતો. એનો અર્થ સમજાયો ત્યારે લાખાકાકા યાદ આવ્યા હતા. જે ગામડામાં અમારો ઉછેર થયો છે એ ગામડામાં કેશકર્તન કલાકારની ભૂમિકા જે ભજવતો એને સહુ લાખો બાબર કહેતા. લાખા બાબરને લાખો ઘાંયજો પણ કહેવાય. એના વૈકલ્પિક શબ્દો હજામ, નાવી આ બધા પણ ઉપયોગમાં લેવાતા પણ મુખ્યત્વે એ લાખો બાબર. આ લાખા બાબરની એક વિશેષતા. દાઢી કરવી, વાળ કાપવા, મુંડન કરવું એ બધું તો ઠીક પણ કૂતરા હુડદાવવાનું કામ લાખા જેવું કોઈ ન કરી શકે.

આ હુડદાવવા શબ્દ તમને નહીં સમજાય. કોઈ પણ માણસ સામે આંગળી ચીંધીને કૂતરાની પીઠ થપથપાવતાં એવો ઉચ્ચાર કરવો-'છૂ છૂ છૂ' આ કામ લાખાનું-લાખો આવો છૂછૂકારો કરે એટલે કૂતરો જે દિશામાં આંગળી ચીંધી હોય એ દિશામાં ઊભેલા કોઈ પણ માણસ તરફ હાઉ હાઉ હાઉ કરતો ઝનૂનપૂર્વક ધસી જાય. આને હુડદાવવું કહેવાય. 

દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ આપણા સહુ માટે પ્રોટોકોલ પ્રમાણે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પછી સહુથી આદરણીય વ્યક્તિ છે. એમની પ્રત્યેના પૂરા સન્માન સાથે, એમણે હમણાં જે એક વાત કરી એનાથી અમને આ લાખા બાબરની કળા સાંભરી આવી છે. આ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વી.એસ. ઠાકુરસાહેબે ભરી અદાલતમાં એવું એલાન કર્યું કે પ૦૦ તથા ૧૦૦૦ની ચલણી નોટો બદલી કરવાના પ્રશ્ર્ને પ્રજામાં ભારે અસંતોષ ફેલાયો છે અને જો આ પરિસ્થિતિ વિશે સરકાર તાત્કાલિક પગલાં નહીં લે તો દેશમાં રમખાણો ફાટી નીકળશે. રમખાણો ફાટી નીકળવાની આગાહી અથવા રમખાણો કરવાની આવડત રાજકારણીઓમાં છે પણ આવી આગાહી વડા ન્યાયમૂર્તિ પણ કરી શકે છે. એ સ્વાતંત્ર્યોત્તર ભારતના ઈતિહાસમાં કદાચ પહેલી જ વાર બન્યું છે.

બંધારણના નિષ્ણાતોએ એ તપાસવા જેવું છે કે મુખ્ય ન્યાયમૂર્તિના આવા વિધાનનો પ્રજાને સરકાર સામે ઉશ્કેરાટ ફેલાવવા જેવું વિધાન કહેવાય કે નહીં. સરખામણીના કોઈ પણ ઉદ્દેશ વિના આને અમારા લાખા બાબરના 'છૂ છૂ છૂ' જેવું કર્મ કહેવાય કે નહીં? આપણા વર્તમાન બંધારણીય માળખા પ્રમાણે કાયદાઓ ધારાકીય પાંખ એટલે કે સરકાર ઘડે છે. આ કાયદાઓ બંધારણના મૂળભૂત હેતુ સાથે સુસંગત છે કે નહીં એ ચકાસવાનો અધિકાર સર્વોચ્ચ અદાલતનો છે એ વિશે કોઈ ઈનકાર કરી શકે નહીં. કાયદાને ગેરકાયદે જાહેર કરવાનો પણ અદાલતને અબાધિત અધિકાર, ધારાકીય પાંખ પોતાના રાજકીય કે પક્ષીય હેતુ માટે દેશ કે સમાજને ખોટા માર્ગે લઈ ન જાય એ માટે એમને 'રુક જાઓ' કહેવાનો પૂરો અધિકાર. આ તમામ સત્યો સ્વીકાર્યા પછી વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિનું કૂતરો હુડદાવવા જેવું આ વિધાન કઈ રીતે ઉચિત કહેવાય એ અમને સમજાતું નથી. 

સર્વોચ્ચ ન્યાયમૂર્તિના કથન વિશે ઔચિત્ય કે અનૌચિત્ય એવો પ્રશ્ર્ન ઉઠાવતાં સંકોચ અને આઘાત બંને પેદા થાય છે. સરકારે બંધારણની મર્યાદામાં રહીને શું કરવું જોઈએ અથવા તો ક્યાંય બંધારણનું ઉલ્લંઘન ન થવું જોઈએ એ વિશે ન્યાયાલયે જરૂર ધ્યાન દોરવું જોઈએ, પણ જો અમે કહીએ છીએ એમ નહીં કરો તો પ્રજા બળવો કરશે કે રમખાણો ફાટી નીકળશે આવા વિધાનના ઔચિત્ય વિશે કોઈ પણ સરેરાશ સમજદાર માણસને શંકા થાય એ 

સ્વાભાવિક છે. 

જનતાને પરેશાની થાય ત્યારે અસંતોષ પેદા થાય. લાખો ન્યાયિક ખટલાઓ અદાલતોમાં દશકાઓથી યુકાદા આવ્યા વિના ફાઈલો બનીને પડ્યા છે એનાથી ત્રણ ત્રણ પેઢીથી કેટલા લોકો પરેશાન થાય છે એની પણ વિચારણા કરવી જોઈએ. અયોધ્યા બાબરી કાંડનો કેસ ૭૦ વરસથી અદાલતના આંગણે અનિર્ણીત અવસ્થામાં પડ્યો છે. આ કેસની સુનાવણી એક પણ મુદત પાડ્યા વિના રોજેરોજ થાય એવી માગણી કરતી બીજી એક પિટિશન સુબ્રમણ્યમ સ્વામીએ પાંચ વરસ પહેલાં કરી છે. આ પિટિશનની સુનાવણી પણ અદાલતે હજુ હાથમાં લીધી નથી. આને દેશની જનતા ઉપર ગુજારાયેલો ત્રાસ કહેવાય કે નહીં એની પણ વિચારણા થવી જોઈએ. આ વિચારણા કોણ કરશે?

અદાલતોમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં નહીં હોવાને કારણે લાખો કેસોનો ભરાવો થયો છે એ દલીલનો સ્વીકાર કરીએ તો પણ પહેલા પ્રશ્ર્ન એ થાય છે કે ન્યાયમૂર્તિઓની નિમણૂક પૂરતા પ્રમાણમાં કેમ થતી નથી? કોલેજિયમના નામની આજકાલ જે ફેંકાફેંકી થાય છે એને બુદ્ધિબળ 

નહીં પણ બાહુબળ તરીકે જ ઓળખાવી શકાય. દેશ અને સમાજ માટે સરકાર અને ન્યાયતંત્ર બંને, જમણા અને ડાબા અંગ જેવા છે. કોઈ ડાબેરી ડાબા હાથે લખતો હોય કે ડાબા હાથે જમતો હોય એનાથી એ પેલા જમણેરી કરતાં જુદો છે, પણ ઊતરતો છે એમ ન કહી શકાય. સંખ્યાની દૃષ્ટિએ ડાબેરીનું પ્રમાણ પણ ઓછું છે એ જરૂર ધ્યાનમાં લઈએ પણ જમણું અને ડાબું બંને એક જ દેહનાં અંગો છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ભૂતકાળમાં ધારાકીય પાંખ અને ન્યાયિક પાંખ વચ્ચે સંઘર્ષો થયા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં હાઈ કોર્ટ અને ધારાસભા વચ્ચે જે ખેંચતાણ થઈ હતી એમાં ખુદ રાષ્ટ્રપતિએ વચ્ચે પડીને વીંટો વાળી દેવો પડ્યો હતો. આ પણ લક્ષમાં રાખવા જેવી વાત છે. 

તામિલનાડુની ધારાસભા રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી દેવાની કે સજા હળવી કરવાની વાત સર્વાનુમતે કરે ત્યારે વડા ન્યાયમૂર્તિએ એમને મર્યાદા સમજાવવાની આવશ્યકતા હોય છે. કાશ્મીરની ધારાસભા જ્યારે અફઝલ ગુરુની વિરુદ્ધમાં અદાલતી ચુકાદા વિરુદ્ધ ઠરાવ કરે ત્યારે તત્કાલીન સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ રુક જાઓ એમ કહેવું શું જરૂરી લાગ્યું નહોતું?

ધારાકીય પાંખમાં બેઠેલા સર્વોચ્ચો અથવા ન્યાયિક પાંખમાં બેઠેલા સર્વોચ્ચોનું સ્થાન કોઈ પણ ધર્મસ્થાનકના પૂજારી જેવું હોવું જોઈએ. પૂજારી એના પૂજાના સમય અને પૂજાના ક્રિયાકાંડ સિવાય બહારની દુનિયામાં સર્વસાધારણ માણસ જ છે. એને પણ પોતાના ચોક્કસ ગમાઅણગમા હોય છે. સારી, ખરાબ આદતો હોય છે. પરિવારના હિત માટેની ગણતરીઓ હોય છે અને ક્યાંક દોસ્તી તો ક્યાંક દુશ્મની પણ હોય છે. બ્રાહ્મણ પૂજારી તમાકુ ખાતો હોય છે. અને ક્યારેક ભાંગ કે ગાંજો પણ લેતો હોય છે. ધૂમ્રપાનને પણ પોતાના સામાન્ય જીવનનો એક અંશ ક્યારેક ગણતો હોય છે. આ બધાં એનાં માનવીય પાસાં થયાં અને આમ છતાં ધર્મ સ્થાનકે પૂજાપાઠ કે ક્રિયાકાંડ દરમિયાન સિગારેટ કે ગાંજો ન પિવાય એટલી મર્યાદા તો તેઓ રાખે જ છે. જેઓ આ મર્યાદા સમજી શકતા નથી તેઓને એક ક્ષણ પણ પૂજા સ્થાનકે ઊભા રહેવાનો અધિકાર મળતો નથી. 

આપણી સંસદ, ધારાસભા કે અદાલતો આ બધાં જ બંધારણીય ધર્મસ્થાનકો છે. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, પ્રધાન મંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય કે ન્યાયાલયમાં બિરાજેલા ન્યાયમૂર્તિ હોય, આ બધાએ ધર્મ સ્થાનકોની મર્યાદા જાળવવી જોઈએ. અંગત રીતે એમને જે કાંઈ ગમતું કે અણગમતું હોય એનું વ્યાવસાયીકરણ પૂજાપાઠ પછીના સમયમાં થાય. પૂજા સ્થાનકે તો પવિત્ર મંત્રોનો જ ઉચ્ચાર થાય. હાથમાં આરતી લઈને ફિલ્મી ગીતો ન ગવાય. પછી ભલે એ ફિલ્મી ગીત બહુ લોકપ્રિય થયું હોય. 

બંધારણીય ધર્મસ્થાનકોની વાત કરીએ છીએ ત્યારે વર્તમાન પ્રસાર માધ્યમોએ પણ થોડુંક સમજી લેવા જેવું છે. પ્રસાર માધ્યમો માત્ર ધંધાદારી વળગણો નથી. ગાંધીજીએ 'ઈન્ડિયન ઓપિનિયન'માં ધંધાદારી જાહેરખબરો નહીં છાપવા માટે એવું કારણ આપ્યું હતું કે જો આવી જાહેરખબર વાંચીને કોઈ વાચક ભોળવાઈ કે છેતરાઈ જાય તો એ છેતરપિંડી કરવામાં અખબાર પણ જવાબદાર છે. આજે પ્રસાર માધ્યમો જે ભૂમિકા ભજવી રહ્યાં છે એને લક્ષમાં લઈએ તો એમનું સ્થાન કાળભૈરવના મંદિર જેટલું જ આંકી શકાય. બીજા કોઈ ધર્મસ્થાનકે તમાકુ સુધ્ધાં વર્જિત ગણાય પણ કાળભૈરવના મંદિરે તો મદ્યપાન જ શ્રેષ્ઠ ગણાય છે. બંધારણની ધારાકીય પાંખ હોય કે પછી ન્યાયિક પાંખ હોય, પ્રસાર માધ્યમોનું સ્થાન એક કુલગુરુ જેવું હોવું જોઈએ. આ કુલગુરુએ હાથ ઊંચો કરીને જે અનુચિત થઈ રહ્યું હોય એને અને માત્ર એને જ સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ. અન્ય અંગત ગમાઅણગમા કે હિત-અહિત સાથે સેળભેળ થવા દેવી જોઈએ નહીં. જો આવું કંઈ થશે તો આ પ્રસાર માધ્યમો બંધારણીય ધર્મસ્થાનકોનું રક્ષણ કરી શકશે. અન્યથા તેઓ પણ પેલા સર્વોચ્ચ ન્યાયાધીશે ભવિષ્ય ભાખ્યું છે એમ રમખાણોના જ ભાગીદાર ગણાશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment