Monday, 17 October 2016

[amdavadis4ever] મરવાનું માત્ર એક દિ વસે, પણ એ પહેલા જીવવાનુ રોજેરોજ છે ! - જય વસાવડ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્પેક્ટ્રોમીટર
જય વસાવડા

મરવાનું છે,
તૈયારી કર
જ્યાંથી આવ્યા,
બસ ત્યાં પાછા
ફરવાનું છે,
તૈયારી કર

હસતા હસતા,
રડતા રડતા
કાદવમાંથી આરસ ચડતા
ફૂલો જેવું ખીલ્યાં તેથી
ખરવાનું છે, તૈયારી કર

એનાં નામે આવેલું જે,
ધોળે દા'ડે જોયેલું તેં -
સપનું આંખોના ગજવામાં
ભરવાનું છે, તૈયારી કર

હોડી ક્યાં છે, ક્યાં છે પાણી
ઓય હલેસાનાં બંધાણી-
મરજી ના હો તો પણ રણમાં
તરવાનું છે, તૈયારી કર

કાલ હતો એ આજે ક્યાં છે
સૂરજ રાતે સૂરજ ક્યાં છે
તું કોનો એ તારે નક્કી-
કરવાનું છે, તૈયારી કર


આ કાવ્યના સર્જક કવિ શીતલ જોશી. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં વર્ષોથી વસે, ખામોશ પ્રકૃતિના ઇન્સાન. સંવેદનો ભીતરમાં રાખે અને ક્યારેક કાગળ પર, સોરી ફેસબૂક પર ઉતારે. મિડલ ક્લાસનું ઇન, મીન, તીનનું કુટુંબ. એકમાત્ર પુત્રને પતિ ઘેર પણ અવનવી યાત્રા કરીને ભણાવે.

બે વર્ષ પહેલા ઓરલાન્ડોની અજાયબનગરીમાં કાર્યક્રમ માટે જવાનું થયું, ત્યારે મિત્રવર્ય સુશ્રુતભાઈએ કહ્યું કે, 'તમને શીતલભાઈ તેડવા આવશે સાંજે, અને પછી ઘેર લઇ જઇ ફેરવશે. કવિજીવ છે.' અને ધ્રાસકો પડેલો કે આ વળી કોણ માથું ખાશે.

'રિપ્લેઝ બિલિવ ઇટ ઓર નોટ'ના પ્રદર્શનમાંથી બહાર નીકળ્યો, ત્યારે બિલકુલ ચૂપચાપ શીતલભાઈ બહાર રાહ જોઇને ઉભા હતા. એકદમ શાંતિથી એમણે અંગતના એકાંતની અદબ જાળવી, વચ્ચે વચ્ચે વાતો કરીને કે પોતાનો પરિચય આપવાની અધૂરપમાંથી જન્મતી અધીરાઈ બાજુએ રાખી, મૌન ઉભા રહ્યા. લેખકડાને તસવીરો લેતો જોતા રહ્યા. પછી જ પાસે આવ્યા, યાત્રા શરૃ થઈ.

સુખદ આશ્ચર્ય એવું કે માથું ખાવાને બદલે દિલ બાગબાગ થઇ ગયું! સરસ સાહિત્યરસિક જીવની સોબત ગમી ગઈ. મનહર ઉધાસે અમદાવાદ પર એમની ગઝલ ગાઈ હોવા છતાં, સતત પોતાની કૃતિઓ સંભળાવવાની એમને કોઈ જ ખુજલી નહિ. સામેથી આગ્રહ કરો તો માંડ કહે. પછીના વર્ષે પણ ઓરલાન્ડો જવાનું થયું, એટલો જ ભાવનીતરતો સંગાથ. સીવર્લ્ડ-બુશ ગાર્ડન જેવી જગ્યાઓએ એમના પરિવાર સાથે એક સભ્યની જેમ આખો આખો દિવસ ફેરવે. એમની આર્થિક સંકડામણ છતાં જીગર ભારે વિશાળ. ભરપૂર તસવીરો ખેંચે, એમાંય પોતાનો ચહેરો દેખાડવાના 'એન્થુ-વેડાં' નહિ.

ફરી મળવાના કોલ સાથે છેલ્લે આસમાનમાં થતી આતશબાજી અને જમીન પર રોકકોન્સર્ટની ધમાલનાં ઉત્સવી માહોલમાં છૂટા પડયા. ગયા મહિને અમેરિકામાં લેખકડાને એમનો ફોન પણ આવ્યો, અને ઇન્તેઝાર રહેશે નેકસ્ટ વિઝિટમાં મળવાનો એવી વાત થઈ.

અને એ વિઝિટ અત્યારે શરૃ થઇ એ પહેલા જ હાથમાંથી ફોન છટકી જાય એવા આઘાત જનક સમાચાર મળ્યા. સ્ટીવ જોબ્સે પૃથ્વીગ્રહ પરથી એક્ઝિટ કરી, એ જ ૫ ઓક્ટોબરના દિવસે માત્ર ૪૫ વર્ષની વયે, શીતલ જોશી હસતા રમતા સાવ અચાનક હાર્ટ એટેકથી 'મોટા ગામતરે'ચિરવિદાય લઇ ગયા! ત્યાં વાવાઝોડું આવવાનું હતું, એ સીધું એમના ન્યુક્લીઅર ફેમિલી પર જ ન્યુક્લીઅર બોમ્બની જેમત્રાટક્યું. સીધી લીટીના માણસનો કાર્ડિયોગ્રામ પણ સીધી લીટીનો જ થઇ ગયો!

પોતાનો સંગ્રહ છપાવવાના આગ્રહ બાબતે પણ નમ્રતાથી અસ્વીકાર કરનાર આવા સેન્સેટિવ જીવોને આવું સેન્સેશનલ ડેથ એટલે મળતું હશે કે એ પોતાના ઇમોશન્સને ભીતર ધરબી દે છે! બહારથી 'શીતળ' રહેવા માટે અંદરથી સતત 'બળતા' રહે છે, અને એમના સ્વજનોને પણ એમની અંદરના અજંપાના વલોપાતની ખબર જ નથી પડતી ? ગુજરાતના મહાકવિ રમેશ પારેખ પણ આમ જ અણધાર્યા સહુને વિષાદયોગમાં તડપતા મૂકી, પોતાના અવસાદયોગનો અંતિમ અધ્યાય લખી ગયેલા ને! બેઠાડુ જીંદગી કે વ્યસનો ન હોય છતાં ય દિલમાં દર્દ ઉઠે, એની પાછળ સારપનો અતિરેક જવાબદાર હોતો હશે ? જેને લીધે વારંવાર તમારા દિલને કોઈ ભાંગતું જાય, અને થાકીને તૂટેલું ફૂટેલું દિન ધબકતું જ બંધ થઇ જાય ?

શીતલભાઈની જ શીર્ષક પંક્તિઓની માફક ગમે એટલી મીઠાશ પછી આમ મૃત્યુના ખારા સમંદરમાં જ ભળવાની 'સજા' અકાળે મળતી હોય તો 'ભલાઈ કર, બૂરાઈ સે ડર'નો મતલબ જ શું રહ્યો ? આવા કોયડાનો ઉકેલ ભલભલા મહાત્માઓ પાસે નથી હોતો. સ્વામી વિવેકાનંદ નહિ તો ૩૯ વર્ષે થોડા દુનિયા છોડી જાત ? ભલે, મનને મનવવા ગમે તેવી થિયરીઝ બનાવીને સેલ્ફ કોન્સોલેશનની કસરત કરીએ - વાસ્તવ એ જ છે કે 'કભી અલવિદા ન કહેના' ફિલ્મના સંવાદ મુજબ 'મહોબ્બત ઔર મૌત-બિનબુલાયે મેહમાન હૈ!' સત્યવચન. આ અતિથિઓ છે.ગમે ત્યારે ટપકી પડે. બેઉમાં 'આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે!
'પ્રેમમાં હૃદય અચાનક કાબૂબહાર બીજાનું થઇ છોડી દે, અને મૃત્યુમાં શ્વાસ અચાનક જ સાથ છોડી દે, કાળ પાસે ચાલી જાય!

સ્વ. શીતલ જોશીના શબ્દોમાં તો જીવન જ 'ચાલવાનું, દોડવાનું પણ કશે દોડવાનું પણ કશે ના પહોંચવાનું... આપણું હોવું, હવામાં ક્યાં સુધી ઓગળવાનું ?' જેવું હોય ત્યારે રોજ પેલા હોસ્પિટલમાં ચડાવાતા પાઇન્ટના બાટલામાંથી ટપકતા ગ્લુકોઝની જેમ ધીમે ધીમે મૃત્યુ ઝમતું હોય છે!

શીતલભાઈએ અગમતા એંધાણની જેમ લખેલું :
'આવશે તે બધા જવાના
શ્વાસ ક્યાં કોઇના થવાના છે...
છે જીવન આમ તો ઢાળ જેવું પણ,
ભલભલા તો ય હાંફવાના છે!'
અને શોકસંતપ્ત આપ્તજનોને આગોતરું આશ્વાસન પણ આપેલું : 'આંખ મીંચો એટલે હાજર 'શીતલ', દૂર સુધી ક્યાં જવાનું હોય છે!'

* * *

ફિલસૂફો મૃત્યુને યાત્રાનો અંત નથી કહેતા, પરિવર્તન કહે છે. પુર્નજન્મમાં માનનારા ધર્મો મૃત્યુને વસ્ત્રોની માફક ખોળિયાં બદલવાનું માધ્યમ કહે છે. રજનીશ હસતા હસતા એમ કહેતા કે યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ ધર્મમાં માત્ર એક જન્મ,મૃત્યુ પછી ફુલસ્ટોપની વાત છે. એટલે જ એ લોકો બધું જીતી લેવાની, બધું મેળવી લેવાની ઉતાવળમાં છે. જ્યારે હિન્દુ, શીખ, બૌધ્ધ જેવા જન્મજન્માંતરના ફેરા સ્વીકારતા ધર્મોમાં નિષ્ફળ માણસ પણ ગયો ભવ, આવતો ભવ એવું કહીને સંતોષી રહી શકે છે.

સવાલ જતા રહેવાવાળાનો નથી. માનો કે હસતા હસતા નહિં, તો રડતા રડતા - કે પછી સાવ ખામોશીથી ચૂપચાપ એ એક્ઝિટ લઇ જાય છે. સવાલ છે પછી રહેવાળાનો. મૃત્યુને કેવી રીતે સ્વીકારવું, સ્વજનના વિયોગને કેમ જીરવવો તેનો.

જીંદગી એક બીજ છે. પ્રેમ, સ્નેહ, સંવેદન એમાંથી અંકુરિત થતું મુલાયમ મનમોહક પુષ્પ છે. અને હાસ્ય, આનંદ, સુખની અનુભૂતિ એની મઘમઘતી સુગંધ છે. લવ એન્ડ લાફ્ટર, મેઇક્સ અ લાઇફ. જે ભરપૂર જીવી શકે છે, એમને કદાચ મોતનો એટલો ડર રહેતો નથી, અને એમના પરિવારને એટલો એમના મૃત્યુ પછી અફસોસ થતો નથી. કારણ કે, કશી અધૂરપ લાગતી નથી પણ મોટા ભાગે મૃત્યુનો સંતાપ 'યૂં હોતા તો ક્યા હોતા'વાળા 'રિગ્રેટ્સ'માંથી આવે છે. આ રહી ગયું, પેલું કહેવાયું હોય તો, ત્યાં મળાયું હોત તો, આ જોવાયું હોત તો... ગ્લાનિ ચિત્તને ધુમાડાની માફક ઘેરી વળે છે.

મોત હસ્તીને મિટાવી દે છે. અસ્તિત્ત્વનો કણ-કણ વિખરાવી દે છે. પણ એક સુંદર ભારતીય શબ્દ છે આપણી પાસે. 'સ્મૃતિશેષ' .
જે બચે છે, તે યાદો રહે છે. વ્યક્તિ સ્મરણમાં, સપનામાં જીવતી રહે છે. આખરી અલવિદા વખતે કઇ અતૃપ્ત ઝંખનાઓ હોય છે ?
બધું દુઃખ મેળવવાની ? જી ના. વધુ આનંદ મેળવવાની!
કોઈ પ્રેમની તડપ લઇ મરે છે, કોઇ ઘરનું ખ્વાબ લઇને! કોઈ સફળતાની આશામાં, તો કોઈ નવીનતાની અભિલાષામાં!

એક સરસ જાપાનીઝ ફિલ્મ જોઈ હતી. હમણાની જ છે. અંગ્રેજીમાં એનું નામ લખાય 'વોટ ઇફ કેટ્સ ડિસએપીઅર્ડ ફ્રોમ ધ વર્લ્ડ ?'

'આનંદ'બ્રાન્ડ એવો એનો પ્લોટ જૂનો છે, પણ એની 'બિડેઝલ્ડ' છાપ રજુઆત નવી છે?!

વાત એમાં એવી છે કે, એક મસ્તીમાં જીવતા જવાન પોસ્ટમેને અચાનક જ ખબર પડે છે કે, એને ટર્મિનલ અને ક્રિટિકલ કેન્સર છે. બહારથી તંદુરસ્ત દેખાતા એના દેહ પાસે ગણત્રીના દિવસો જ બચ્યા છે. એકલો રહેતો એ જીવ ભાંગી પડે છે, ત્યાં એને ડેવિલ ઉફે ર્સેતાન દેખાય છે.શિંગડા પૂંછડાવાળો નહિ, પોતાના જેવો જ. જે એને કહે છે કે એની જીંદગીના એક દિવસ વધારવાના બદલામાં એ પૃથ્વી પરથી પોતાની (મતલબ, ડેવિલ સાહેબની) મરજીની કોઈ એક ચીજ સાવ જ ગાયબ કરી નાખશે. યુવાન આ સોદો સ્વીકારી લે છે.

અને રોજની એક લેખે ધરતી પરથી ચીજો અલોપ થતી રહે છે. જેમ કે, મોબાઇલ. એ જતાં રહેતાં જ યુવાનના જીવનમાં આવેલી એકમાત્ર છોકરી સાથેની પહેલી મુલાકાત જ ઓગળી જાય છે, જે એને મોબાઇલ ચેટ દ્વારા મળી હતી. મોબાઇલ નહિ, તો એ ઓળખાણ જ નહિ છોકરીના જીવનમાં જાણે એ કદી આવ્યો જ નથી! ભૂંસાઈ ગઈ એ બધી યાદો!

એવી જ રીતે નેક્સ્ટ ડે સેતાન આયુષ્યના એક દિવસના બદલામાં ફિલ્મો ગાયબ કરી દે છે અને સ્કૂલમાં જ ફિલ્મોના શોખના માધ્યમે મળેલો અને છેક સુધી ટકેલો બેસ્ટ ફ્રેન્ડ પણ અલોપ થઈ જાય છે, અન્જાન બની જાય છે. ફિલ્મ નહિ, તો બે ય વચ્ચે દોસ્તારીનો સેતુ પણ નહિ!

બોનસના દિવસો મળે છે, એમ ખુશી કરતાં ગમ વધુ સાંપડે છે! સંબંધોનું સ્મૃતિઓનું વિસર્જન થતું જાય છે.

સેતાન પછી બિલાડીઓને આ જગત પરથી ગાયબ કરી દેવાનું કહે છે. અને બીમાર યુવાન ભૂતકાળમાં સરી પડે છે. કારણ કે, એની પાસે એક બિલાડીનું ક્યુટ બચ્ચું છે, એ જ એનું જોડીદાર છે! પણ વાત એટલી જ નથી વર્ષો અગાઉ એક રખડતા બચ્ચાને ખુદને એલર્જી છતાં નાનકડા અને એકના એક દીકરાના રાજીપા ખાતર એની મમ્મીએ સાચવ્યું ને ઉછેર્યું હોય છે, એ એને યાદ આવે છે!અને યાદ આવે છે, મા એને કેવો પ્રેમ કરતી એ ઘટનાઓ. ઘડિયાળ રીપેર કરતા પિતા કાયમ ગંભીર અને ઓછાબોલા જ રહેતા. એ મોટો થયો ત્યારે મા પણ ગંભીર બીમાર પડી. ત્રણે જણા હવાફેર માટે ફરવા ગયા, ત્યારે ય માંદી માને બાપ- દીકરાની જ ફિકર હતી. એમાં પેલું વર્ષોથી સાથે રહેતું અને મોટું થતું બચ્ચું બીમાર પડી મરી ગયું. માંદી મા ઉદાસ થઈ ગઈ.ત્યારે કરડા અને અકડુ લાગતા બાપે ગુપચુપ એક બચ્ચું ખરીદી, પત્નીને રાજી રાખવા ટોપલીમાં ઘર પાસે લાવી રાખેલું, જેથી પત્નીને અચાનક મળ્યું હોય એવું લાગે! બાપને દરકાર તો હતી, પણ લાગણી શબ્દોમાં વ્યક્ત કરવાનું ફાવતું નહોતું.

દરિયા કિનારે હોસ્પિટલની વ્હીલચેરમાં દીકરો માને ફરવા લઈ જાય છે. પિતા ફોટો પાડે છે. મા હસીને બેટાને કહે છે ઃ આ ફોટો બરાબર નહિ આવે, તારા બાપને અંદરથી રડવું આવે છે ને, એટલે કેમેરા ધ્રુજી ગયો છે! તું એની જોડે રહેજે. અને મને ખબર છે, તું મારા વિના રહી નહિ શકે પણ મન મક્કમ રાખજે. હું નહિ હોઉં, એટલે જિંદગી પૂરી નહિ થઈ જાય. મેં તને વ્હાલથી ઉછેર્યો છે, અને તને દુઃખી જોઈને હું જરાય રાજી નહિ થાઉં માટે બહુ મને યાદ ન કરતો.

ફિલ્મના અંતિમ દ્રશ્યોમાં નાયકના હાથમાં એ ધૂંધળો ફોટો છે. એને સેતાનનો એક એક દિવસનું આયુષ્ય વધારવાનો સોદો મંજૂર નથી. એને ખ્યાલ આવે છે કે સંબંધો અને સ્મરણો પર જો પૂર્ણ વિરામ આવી જાય તો એ મૃત્યુ જ છે. માણસ લાગણીઓ અને યાદોની કેટલીય રંગબેરંગી ખાટીમીઠી મોમેન્ટસ પર જ સંસારની, જીવનની રંગોળી રચતો હોય છે એ બધું જતું રહે ને કેવળ ખોળિયું વ્હીલચેર કે વેન્ટીલેટર પર રહે એ લાશ જ છે, શ્વાસ લેતી, હૃદય ધબકાવતી! મૃત્યુ આપણને નજીક આવીને, પાસેથી પસાર થઈને અહેસાસ કરાવે છે કે જીંદગી કેટલી મૂલ્યવાન છે. નકામી લાગતી લાઇફમાં ય કેટલી બધી મેમોરેબલ મોમેન્ટસ, કેટલા બધા આપણી સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા કનેક્ટ થયેલા આપણા પર છાપ છોડીને કશોક બદલાવ લઈ આવતા પાત્રો હોય છે!

ફ્રેન્ક કાપ્રાની 'ઇટ્સ વન્ડરફૂલ લાઇફ'ના મેસેજની ઝાંય ધરાવતી આ જાપાનીઝ ફિલ્મના અંતે વિખૂટી પડેલી એક્સ- ગર્લફ્રેન્ડ એ યુવાનને એની માતાનો પત્ર આપે છે, જે માંદગીના બિછાનેથી મરતી માએ ખાનગીમાં દીકરાની બહેનપણીને પુત્ર ભાંગી પડે, એ ક્ષણે આપવા કહેલું. જેમાં દીકરાને વધુ મોટો થતો જોતા ન રોકાઈ શકવાની વેદના હતી, અને ભાવસભર વ્હાલ હતું. દીકરો લાંબા સમયથી જેને મળવા નથી ગયો એવા જૈફ બાપને દૂર ગામડાના ઘરે મળવા જાય છે, પેલું બિલાડીનું બચ્ચું દેવા એક પત્ર સાથે અને સાઇકલ લઈને નીકળી પડે છે. એની માંદગીનું અને એનું શું થયું - એ સર્જક આપણને કહેતા નથી.

એમને કહેવું છે કે, હારીને હતાશ થવાને બદલે એ નાયક હવે જાતે જ ઝઝૂમી રહ્યો છે. અને મૃત્યુનું એને એટલું દુઃખ નથી. કારણ કે, એને હવે અહેસાસ થયો છે કે એની તુચ્છ લાગતી જીંદગી પણ સાવ ખાલી નહોતી. એમાં ય કશુંક યાદગાર હતું, સુંદર ભાવસભર હતું. એ 'સોગાત' ટૂંકી જ ટૂંકી જીંદગીમાં ય એણે માણી લીધી હતી. બધું જ અધૂરું રહ્યું નહોતું!

મહાન ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોહનું અકાળ અવસાન થયું, એના ફ્યુનરલનું વર્ણન કરતા એક કલાકાર મિત્રે લખેલું કે, 'દફનવિધિ વખતે કોફીન અમે લોકોએ ઉપર ચઢાવ્યું. ત્યારે બપોરનો પીળો તડકો હતો. વૃક્ષના લીલા પાનને પવન ડોલાવતો હતો. દિવસ એવો જ ઉગ્યો હોત તો એક સરસ પ્રાકૃતિક ચિત્ર એણે દોર્યું હોત. પણ સૂરજ, પવન, વૃક્ષ, પાણી, માટી બધું વગેરે એ જ રહ્યું માત્ર વિન્સેન્ટ ન રહ્યો! કોઈના જવાથી એના ચિત્રો અધૂરા રહેવાથી દુનિયા બદલાતી નથી એ તો ચાલ્યા જ કરે છે!'

વેલ, સ્નૂપી ડોગની કાર્ટૂન સીરિઝનું એક કાર્ટૂન હતું.
સ્નૂપીને છોકરો કહે છે :
'એક દિવસ આપણે મરી જઈશું.'
એને સ્નૂપી જવાબ આપે છે:
'પણ બાકીના દિવસોએ આપણે નહિ મરીએ!'

યાને, જીવન છે ત્યાં સુધી જીવી લેવું. મરવાનું માત્ર એક દિવસે ચલો બુલાવા આયા હૈ કહીને આવશે, પણ એ પહેલા જીવવાનું રોજેરોજ છે!

ફાસ્ટ ફોરવર્ડ
લાપતા છે
ગઈકાલ સાંજથી...
યુવાન, રૃપે રંગે મધ્યમ,
કહ્યાગરી,
ગુણિયલ પણ
કહી શકાય...
લોકો કહેતાં હતા કે,
એની આંખ
મળી ગઈ છે
ગલીના નાકે
ઉભા રહેતા
મવાલી મૌત
સાથે...
બે ત્રણ વાર તો
હાથ ઝાલીને
પાછી લાવ્યા'તા
પણ...
આ વખતે
શાયદ
પાછી ના આવે
જિંદગી...!!

(શીતલ જોશી)

__._,_.___

Posted by: =?UTF-8?B?4oiC0L3OsdGP0LzRlM63?= <ag.dharmen@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment